એક અંધારી રાતે – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામયિકમાંથી સાભાર.]

ઓખા તરફ દોડતો સૌરાષ્ટ્ર-મેલ આજે પગલાં પાડતી અઘરણીની જેમ મંથર ગતિએ આગળ વધી રહ્યો હતો. મોરબીના મચ્છુડેમની હોનારત પછી તમામ એન્જિન ડ્રાઈવરોએ વરસાદની ઋતુમાં સાવચેતીરૂપે ટ્રેનની ધીરી ગતિએ લઈ જવાનું મુનાસિબ માન્યું હતું. એમાંય વાંકાનેર-રાજકોટની વચ્ચે અનરાધાર વરસી રહેલા મેઘારાણાની રૂખ પારખી, સૌરાષ્ટ્ર-મેલનો ડ્રાઈવર ખૂબ જ સાવધ રહી આગળ વધી રહ્યો હતો. બપોરે બાર વાગ્યે રાજકોટ આવતો આ મેલ આજે ત્રણ કલાક મોડો થયો.

બે-અઢી મહિના પહેલાં જ પરણેલો હિરેન પત્નીને લઈને કુળદેવીને પગે લાગવા હજુ સુધી ગયેલો નહિ. કુળદેવી રૂઠે તે પહેલાં પોતાના બાપીકા ગામે જઈ વિધિપૂર્વક છેડાછેડી છોડવાનું અને માતાજીને પગે લાગી આવવાનું મમ્મીએ બહુ દબાણ કર્યું એટલે હિરેન પત્ની સાથે નીકળી પડ્યો. દિવાળી પહેલાં તો એને પાછા લંડન પહોંચી જવાનું હતું. કાકાના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કામ કરતો હિરેન ખાસ પરણવા જ અહીં આવેલો. પરણીને એ તુરત જ લંડન જવાનો હતો, પણ પિતાની તબિયત લથડતાં એણે રોકાઈ જવું પડ્યું. માતાને વહેમ ગયો એટલે વરઘોડિયાને કુળદેવીનાં દર્શને મોકલી દીધાં. રવાના થતાં પહેલાં માતાએ ખાસ સૂચન આપેલી કે હવે જો એ બાજુ નીકળ્યાં છો તો એક-બે દિવસ મીઠાપુર મામા-મામી પાસે જઈ આવો. બહુ જ આગ્રહ કર્યો છે એ લોકોએ. એનું મન રાજી રાખવા એક-બે દિવસ આમ કે તેમ. એ બહાને દ્વારકાધીશની જાત્રા પણ થઈ જશે.

વરસતા વરસાદે હિરેન-મીતાએ ઓખા જતો સૌરાષ્ટ્ર-મેલ પકડ્યો. કુળદેવીની માનતા પૂરી થઈ ગયેલી એટલે હવે બંને મામા-મામીને મળવા મીઠાપુર જઈ રહ્યાં હતાં. રાતના આઠ-સાડા આઠ સુધીમાં મામાને ઘેર પહોંચી જવાશે એ ગણતરીએ બંને જણા ટ્રેનમાં બેઠાં. સાંજે છ વાગ્યે જામનગર આવ્યું. ટ્રેન લગભગ અહીં ખાલી થઈ ગયેલી લાગી. હિરેનના કમ્પાર્ટમેન્ટમાં ભાગ્યે જ દસ-બાર યાત્રીઓ હતા. અહીં પણ વરસાદે પીછો છોડ્યો નહોતો. ટ્રેને ખંભાળિયા છોડ્યું ત્યારે ડબ્બામાં હિરેન-મીતા સિવાય માંડ બીજા ત્રણ-ચાર યાત્રીઓ હતા. સૌરાષ્ટ્ર મેલ હવે બાપુની ગાડી બની ગયો હતો. ભાટિયા સ્ટેશન આવ્યું ત્યારે ઘડિયાળ રાત્રિના અગિયારનો સમય બતાવતું હતું. ઝરમર ઝરમર વરસતો વરસાદ, અંધારી રાત, પવનના ઝાપટાં અને ખાલીખમ કમ્પાર્ટમેન્ટ. હિરેન ગભરાયો. એ આજુબાજુના ડબ્બાઓમાં ફરી વળ્યો. રડ્યા-ખડ્યા એકાદ બે યાત્રીઓ સિવાય કોઈ ડબ્બામાં વસતી જણાતી નહોતી. આવા વરસાદમાં સૌ કોઈ મુસાફરી કરવાનું માંડી વાળી ઘેર બેસવાનું જ પસંદ કરે. હિરેન માટે આ અજાણ્યો મુલક હતો, અજાણ્યો પંથ હતો. આગળ જવાનો વિચાર માંડી વાળવાની ઈચ્છા થઈ પણ પાછા જવાનોય રસ્તો ક્યાં હતો ? ભાટિયા સ્ટેશને ચા-બિસ્કીટને પેટમાં પધરાવ્યાં. પેટ ભરાયેલું હશે તો બીક ઓછી થશે માની વાસી હવાઈ ગયેલા ગાંઠિયાનું પડીકું બંધાવ્યું.

રાત્રે એક વાગે દ્વારકા આવ્યું. ડબ્બામાં હવે એક જ મુસાફર રહ્યો અને એ પણ કરડા ચહેરા પર મોટીમોટી મૂછો ધરાવતો ઊંચો, પહોળો અને ભરાવદાર. સૌરાષ્ટ્રના કોઈ બહારવટિયાની પ્રતિકૃતિ ધરાવતો આ સહપંથી જો એકલવાયી પળોમાં એનું ગળું દબાવી લૂંટી લે તો ? આ વિચાર માત્રથી હિરેનના શરીરમાં લખલખું પસાર થઈ ગયું. અને મીતાની બેગમાં કીમતી કપડાં હતાં, પૈસા હતાં, ઘરેણાં હતાં. આ બધું તો ઠીક, પણ સાથે રૂપાળી પત્ની હતી. પત્નીનું રક્ષણ કરવા એ સમર્થ હતો ખરો ? આ કદાવર માણસ એને ચપટીમાં ચોળી નાખે. દ્વારકા સ્ટેશનેથી ટ્રેન ઉપડી ત્યારે મનોમન એ ઈષ્ટદેવનું સ્મરણ કરતો રહ્યો. આવા લાંબા અને કંટાળાજનક પ્રવાસથી થાકીને પત્ની એના ખોળામાં માથું મૂકી પાટલી પર લંબાવીને સૂતી હતી. બરાબર એનાથી ત્રીજી સીટ પર સામેની બારી પાસે બેઠેલો પેલો માણસ બીડી પીતોપીતો એને એકીટસે જોઈ રહ્યો હતો. ડબ્બાના ઝાંખા બલ્બના પ્રકાશમાં એણે રેલવેનું ટાઈમટેબલ કાઢ્યું. મીઠાપુર માત્ર 19 કિલોમીટરના અંતરે, અડધો કલાક દૂર હતું. આ અડધા કલાકમાં શું નું શું થઈ જાય. આવડા મોટા ડબ્બામાં માત્ર ત્રણ જ વ્યક્તિઓ. ધીમી ગતિએ ચાલતી ટ્રેન, ઝાંખો પ્રકાશ અને….. એણે મનોમન કેટલીય બાધા-આખડી રાખી લીધી.

રાત્રે પોણા બે વાગે એ પત્નીને લઈને મીઠાપુર સ્ટેશને ઊતર્યો ત્યારે વરસાદ ધીમો થઈ ગયો હતો. ટ્રેનમાંથી ઊતરેલા બીજા સાત-આઠ પેસેન્જરો ગેટ પરથી પસાર થઈ સ્ટેશનની બહાર અદશ્ય થઈ ગયા. એ સ્ટેશનની બહાર નીકળ્યો ત્યારે કોઈ વાહન નહોતું. ટ્રેન ઓખા તરફ રવાના થઈ ગયેલી અને સ્ટેશન માસ્તરે એની ઑફિસનું બારણું અંદરથી બંધ કરી દીધું હતું. સ્ટેશનની અંદર કે બહાર કોઈ ચકલું પણ ફરકતું નહોતું. હા, પેલો બહારવટિયા જેવો માણસ હજુ ઊભો હતો – અલબત્ત, એમની સામે જોતોજોતો.
‘જણ, ક્યાં જાવું ?’ એ બે ડગલાં હિરેન પાસે આવ્યો અને પૂછ્યું.
‘ટાટા ટાઉનશીપમાં’
‘નંબર ?’
હિરેને ગજવામાંથી નાનકડી ડાયરી કાઢી કહ્યું :
‘એફ ટાઈપની કોલોનીમાં બંગલો નંબર આઠ.’
‘એ તો સમંદર કાંઠા તરફ આવ્યા. અહીંથી દોઢ-બે કિલોમીટર દૂર. આટલી મોડી રાતે ત્યાં એકલા કેવી રીતે જશો ?’
‘અહીંથી ત્યાં જવા કોઈ વાહન ન મળે ?’
‘સવારે સાત પહેલાં તો નહિ. આવી વરસાદી રાતે કોના દિ’ ફર્યા છે કે બે-પાંચ રૂપયડીની કમાણી કરવા ઉજાગરો કરે ? ટાઢોડું કેટલું છે તે જોયું ? હવે શું કરશો ?’
હિરેનને શું જવાબ આપવો તેની સમજણ ન પડી.

‘થોભજો જરા. જો આટલામાં કોઈ વાહન મળે તો. સામેની મોટી માર્કેટ પાછળ એક નાની માર્કેટ છે. ત્યાં એક રિક્ષાવાળો રાતવાસો કરે છે. જોઉં, જો આવે તો.’
એ ગયો.
‘હિરેન, રિક્ષા મળશે ?’ મીતાએ રડતાં રડતાં પૂછ્યું.
‘કેમ કહેવાય ? હું આટલાં વર્ષોમાં પહેલી જ વખત અહીં આવું છું.’
‘મામાનો ફોન નંબર હોય તો અહીં સ્ટેશન માસ્તરની કેબિનમાંથી એની જોડે વાત કરને.’
‘મારી પાસે મામાનું એડ્રેસ છે, ફોન નંબર નથી.’
‘પણ મામા તો અહીંની કેમિકલ કંપનીમાં ઊંચી પોસ્ટ પર છે, એનો નંબર લોકલ ટેલિફોન ડિરેક્ટરીમાં હશે ને ?’
‘હા એ ખરું.’
‘તો ચાલ આપણે સ્ટેશન માસ્તરની કેબિનમાં જઈએ.’
‘પણ પેલો રિક્ષા લેવા ગયો છે તે ? એ અહીં આપણને નહીં જુએ તો ચાલી જશે.’
‘તો તું જઈ આવ. હું અહીં ઊભી છું.’
‘ના બાબા, ના. તને એકલી મૂકીને તો હું ક્યાંય નહિ જાઉં. આપણે એક કામ કરીએ. પેલા માણસની રાહ જોઈએ. પાંચ-દસ મિનિટમાં ન આવે તો સ્ટેશન-માસ્તરને ઉઠાડીએ.’
બંને રિક્ષાની રાહ જોતા ઊભાં. પંદરેક મિનિટ પછી એ જ માણસ રિક્ષા લઈને આવ્યો અને કહ્યું : ‘તમારા સારા નસીબે વાહન તો જાણે મળી આવ્યું, પણ એનો માલિક ઊંઘમાં હતો એટલે એણે મને રિક્ષા આપી દીધી. ચાલો, બેસી જાઓ…’ આ માણસની રિક્ષામાં બેસવું કે નહિ, એનો હિરેનને પ્રશ્ન થયો પણ પછી પ્રશ્ન દબાવી, ઈશ્વરનું સ્મરણ કરી બંને જણા બેગ લઈ રિક્ષામાં બેઠા.

ચોખ્ખી ચણાક ટાઉનશિપ વરસાદથી નાહીને વધુ ચોખ્ખી બની ગઈ હતી. વરસાદ અટકી ગયો હતો, પણ દરિયાકાંઠાનો સૂસવાટાભર્યો પવન રિક્ષાના પડદાને થપાટ મારી બિહામણો અવાજ ઊભો કરતો હતો. રસ્તાના જાણકાર એવા આ માણસે આડાઅવળા રસ્તા કાપી એફ કોલોનીના આઠ નંબરના બંગલા પાસે રિક્ષા ઊભી રાખી ત્યારે બંગલાના દરવાજે તાળું હતું !
‘લ્યો કરો વાત’ પેલા માણસે બીડી ચેતાવી કહ્યું, ‘અહીં તો ખંભાતી લટકે છે.’
‘આ બંગલાવાળા સાહેબ મારા મામા થાય છે.’
‘એ તો જાણે ઠીક છે, પણ હવે શું કરવું એ ક્યો ?’
હિરેને કહ્યું : ‘અહીં મીઠાપુરમાં કોઈ હોટલ ખરી ?’
‘ખરી, પણ ખાવાપીવાની, રહેવાની એકેય નહિ.’
‘તો ?’
પેલા માણસે હિરેન-મીતા તરફ એક નજર કરી, જાણે એ બંનેને પગથી માથા સુધી માપતો હોય એ રીતે. પછી ત્રાંસી નજાર કરી બોલ્યો :
‘હાલો, બેસી જાઓ-રિક્ષામાં.’
‘પણ ક્યાં લઈ જશો ?’
‘તમે બેસો તો ખરા, પછી કહું છું.’
બંને રિક્ષામાં બેઠા. હિરેને ફરીથી પૂછ્યું :
‘ક્યાં લઈ જશો અમને ? પાછા સ્ટેશને ?’
‘તમે જોયા કરો ને. તમને ઠેકાણે તો પાડવા પડશે ને ?’
એણે રિક્ષા મારી મૂકી.
‘તમને ઠેકાણે તો પાડવા પડશે ને’ વાક્યથી હિરેન-મીતા વધુ ગભરાયાં. બંનેએ એકબીજાના હાથ પકડી લીધા.

ટાઉનશિપ પૂરું થતાં એક ગામ આવ્યું. ગામના એક નાનકડા ઘર આગળ રિક્ષા ઊભી રાખી એણે ડેલી ખખડાવી. અંદર સળવળાટ થયો. ડેલી ઊઘડી એટલે એણે મોટેથી કહ્યું :
‘બે મે’માન લઈને આવ્યો છું. તારી માને ઉઠાડ તો.’
બારેક વર્ષના છોકરાએ માને ઉઠાડી. માની પાછળ જુવાન દીકરી પણ આવી. મોટી ઉંમરની સ્ત્રીએ પૂછ્યું :
‘આટલા મોડા કાં ? મને તો નીંદર પણ નો’તી આવતી.’
‘ટ્રેન લેટ હતી. એ પછી જગલાની રિક્ષા લઈ આ મે’માનને એના સગાને ત્યાં મૂકવા ગયો પણ ત્યાં તાળું લટકતું હતું એટલે પછી…. દૂધ છે ને ?’
‘હા.’
‘તો ચા મૂકજો અને જો થેપલા જેવું હોય તો થાળીમાં અથાણું મૂકી લઈ આવજો. ગગી, તું ઊપલી મેડીએ આ મેમાનોની પથારી કર. ઉપર જા ત્યારે એની આ બેગો લેતા જજો….’

ઘડી પહેલાં બહારવટિયા જેવો લગતો આ માણસ અત્યારે એક માયાળુ ગૃહસ્થ બની ગયો. બંનેને જમાડી એણે મેડીના ઉપરના ઓરડામાં મોકલી દીધાં. એણે હિરેનને પૂછ્યું :
‘અજાણ્યા ઘરમાં એકલા સૂતાં બીક તો નહિ લાગે ને ? એવું હોય તો છોકરીને ઉપર સૂવા મોકલું.’ મીતાએ ઓરડામાંની પથારીઓ જોઈને ના પાડી. અજાણ્યું ઘર, અજાણ્યા લોકો, અજાણ્યો પ્રદેશ. જેના નામની હજુ સુધી પણ જાણકારી નહોતી એના ઘરમાં આ નવદંપતીએ રાત્રિ ગાળી. સવારે દસ વાગ્યે ઊઠ્યાં ત્યારે નાસ્તા માટે ગરમાગરમ ગાંઠિયા, જલેબી અને ચાના કપ આવ્યા. પ્રાત:વિધિ પતાવી બહુ જ સ્વસ્થતાપૂર્વક ચા-નાસ્તો કરતાં હિરેને કહ્યું : ‘અમને તો તમારા કોઈના નામનીય ખબર નથી ને તમારા મહેમાન બની બેઠા છીએ…’
‘અરે નામનું શું કામ છે ? અને છતાંય જાણવું હોય તો મારું નામ હીરૂભા. જે ગામની ડેલીમાં તમારો વાસો છે એ ગામ છે સૂરજ કરાડી. હું અહીંની કેમિકલ કંપનીને લાઈમસ્ટોન સપ્લાય કરવા ખટારા ફેરવું છું. કંપનીમાં જઈને કોઈને પણ પૂછશો કે હીરૂભા કન્ટ્રાટી કોણ તો એ આ ખોરડું બતાવી દેશે.’ પછી હસતાં કહ્યું : ‘રાત્રે મીઠાપુર સ્ટેશને ઊતર્યા ત્યારે મારો ભરુંસો નો’તો પડતો ને ?’
‘સાચું કહું ?’ હિરેને કહ્યું, ‘અમને તમારી બહુ બીક લાગતી હતી. દ્વારકા સ્ટેશન પછી તો તમે એકલા જ અમારી સાથે હતા અને ત્રાંસી નજરે ટગરટગર અમારી સામે જોઈ રહ્યા હતા. મીઠાપુર સ્ટેશને બીજા પેસેન્જરો ઊતરીને ચાલ્યા ગયા ત્યારે માત્ર તમે જ એકલા અમારી રાહ જોઈને ઊભેલા. અમે બંને પહેલી જ વખત અહીં આવ્યાં છીએ. એમાંય તમારી મોટી મૂછોવાળો કરડો ચહેરો જોઈને મારી પત્ની એટલી બધી ડરી ગઈ હતી કે….’

હીરૂભા ખડખડાટ હસી પડ્યા.
‘હું તો ભાટિયા એક કામે ગયો હતો. હમણાંહમણાં ત્યાં આપણે એક પેટ્રોલ પંપ ઊભો કર્યો છે. આવા વરસાદમાં જો જામનગરથી પેટ્રોલની ટેન્કો ન આવે તો શું કરવું એની જોગવાઈ કરવા ગ્યો’તો. તમને બંનેને એકલાં જોયાં, ભાટિયા સ્ટેશને જે ગભરાટથી તમે ડબ્બાઓ જોતા ફરતા હતા ત્યારે સમજી ગ્યો’તો કે તમે છો નવતર પંખી. એકલાએકલા મુસાફરી કરતા ડરો છો એટલે પછે તમારા ડબ્બામાં આવી ગયો. બેન તમારા ખોળામાં માથું મૂકીને આડા પડ્યાં’તા ત્યારે મને મારી ગગી યાદ આવી ગઈ. એય બેન જેટલી તો નહિ, એથી નાની છે. આવે ટાણે તો કો’ક પડખે જોવે. જુવાનડીઓ એકલી હોય ત્યારે તો ખાસ. આમ તો આ ગામ દ્વારકાધીશની ધજાના ઓછાયા નીચે આવે છે એટલે બહુ ભો નથી પણ એમ છતાંય ક-વખત રયો એટલે સંભાળવું પડે… લ્યો ત્યારે, તમને સારા સમાચાર આપી દઉં. તમે મારા મે’માન છો એની તમારા મામાને ખબર પડી ગઈ છે.
‘હેં !’ મીતા બોલી, ‘પણ એના ઘરને તો તાળું હતું ને….’
‘હતું. હવે નહિ. હું હમણાં જ કંપનીમાં જઈ તપાસ કરી આવ્યો. સાંજે ગાડી લઈને એ બધા દ્વારકા કોઈ કામે ગ્યા’તા. પાછા આવવું હતું, પણ ગાડી ખોટકાઈ એટલે દ્વારકા કોઈ સંબંધીને ત્યાં રાત રોકાઈ ગયા. આવા વરસાદમાં કોણ એને અહીં આવવા દે ? સવારે નોકરી પર હાજર થ્યા ત્યારે મેં સમાચાર દીધા. ગાડી તો જાણે દ્વારકા પડી છે પણ કંપનીના કોઈ બીજા સાહેબની ગાડીની વ્યવસ્થા કરી તમને લેવા આવે છે. હવે ના’વા ધોવાનું અહીં પતાવવું હોય તો પાણી ઊનું કરવા મેલીએ……’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લોકસાહિત્યમાં કુટુંબભાવના – જિતુદાન ગઢવી
પંચામૃત – ભૂપત વડોદરિયા Next »   

38 પ્રતિભાવો : એક અંધારી રાતે – ગિરીશ ગણાત્રા

 1. Jay says:

  સાચી માણસાઈ . . .જીવન મા ઘણીવાર આવા સાચા હ્રદય ના માનવી મળી જાય છે . . ત્યારે લાગે કે ના જીવન મા હજી પણ ઘણુ જોવા નુ બાકી છે . .

 2. nayan panchal says:

  રણમા મીઠી બોરડી….

  આટલા જીવનમાં એક વાત સમજાઈ છે કે, never judge the book by its cover.

  નયન

 3. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ.

 4. Janu says:

  Its such a nice story. The way author expressed it is very unique. Thanks for shaing this story with us.

 5. trupti says:

  I am a great fan of Girish Ganatra, and have many of his ‘goras kathas’ in my personal library. Earlier when he was alive, we all at home used to wait to read his stories on each Sundays in Janmabhoomi Pravasi news paper under the Coolum,’ goras’. Now we wait for the last Sunday of each month, where the stories form his different book is published under the same column. There is so much charisma in his writing that, even if you read his book again and again but still you feel as if you are reading it for the first time and each and any chapter bounds you so much that, you can not put the book down without completing the same. His way of explaining and presenting the subject as well as language is so good and easy to understand.

  Once again enjoyed reading the story.

 6. such a beautiful detailing of train, rain and the fear…. Nice story…

 7. જય પટેલ says:

  આપણા મલકના માયાળુ માનવી.

  Never judge a person by the face.

  માણસને માપવામાં ક્યારેક આપણી જ પટ્ટી ટૂંકી પડે છે.

  આ વાર્તા વાંચી દિલ્હીનો રિક્ષાવાળો યાદ આવી ગયો.

 8. panna vyas says:

  touchy story!!!!!!!!!! such reading gives full satisfaction.

 9. Dhaval B. Shah says:

  બહુ સરસ.

 10. Sarika Patel says:

  Excellent story.

  I am expecting more story by girishbhai.

  Thanks

 11. પૂણ્ય હજી પરવાર્યુઁ નથી એની આથીવધુ સારી સાબિતી કઇ હોઇ શકે?

 12. કોઈ પણ દેશ ને માપવો હોય તો તેની બાહ્ય ચમક દમક, કાયદાઓ અને ભૌતિક સંપતિથી નહીં પણ તેના નાનામાં નાના માનવીના ચારિત્ર્ય અને સંસ્કારોને આધારે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. સૈકાઓથી અને કદાચ માનવ સભ્યતા વિકસવાની શરૂઆત થઈ ત્યારથી જ આ દેશે માનવ ઘડતર ઉપર જ ભાર મુક્યો છે અને તેના પરીણામે કાળની અને ક્રૂર તથા લાલચુ પ્રજાઓની થપાટો ખાધા પછી પણ આ દેશ નામશેષ થઈ જવાને બદલે અડીખમ ઉભો છે.

  ગીરીશભાઈની કલમની તાકાતને તૃપ્તિ બહેને સારી રીતે મૂલવી છે અને હું તેમની સાથે સંપૂર્ણ સહમત છુ.

 13. Punit Patel says:

  આન્સુ આવેી જાય આવિ વા

 14. Veena Dave, USA says:

  વાહ વાહ, આ જ ખરો કાઠિયાવાડી. વારતા વાચતા ખ્યાલ આવી ગયેલો કે ઇ મુછ્છ્ડ જ મદદ કરશે.
  ગિરીશભાઈની કલમે લખાયેલી વાત મોળી નો હોય.

 15. Vraj Dave says:

  વાહ ખુબજ સરસ. તેમા પણ મારા મુલકની વાત …વાંકાનેર… રાજકોટ. ..જામનગર . . .અને મારુ ગામ ખંભાલિયા….પછી તો કાળિયા ઠાકોર ની ભુમી. તેટલા માટેજ “કાઠીયાવાડ માં કોક દિ ભુલોપડ ભગવાન……તને સ્વર્ગ ભુલાવું શામળા..” જેવા કવિત લખાણા છે.
  આભાર….આવજો……..ફરી મલ્યા.

  વ્રજ

 16. Jayesh says:

  વારતા વાંચતા ન હોય પણ સાંભળતા હોય તેવુ લાગ્યું. કોઈપણ જાતના વાણી વિલાસ વગર આપણી રોજીંદી બોલીમાં આપણે connect થઈ શકીયે, આપણી ‘અતિથિ દેવો ભવ;’ ની ભાવનાને ઉજાગર કરતી ઘટનાનું તાદ્દશ્ય વર્ણન.

 17. Tarun Patel says:

  સુન્દર લેખ્

  તરુણ પટેલ ( શીકાગો )

 18. Chirag Patel says:

  ધન ધન ભુમિ સૌરાષ્ટ ની…. Wonderul story… Wonderful lesson…

  Thank you,
  Chirag Patel

 19. drggtank says:

  Jay jay Kathiavad.

 20. drggtank says:

  અતિ સુન્દર્.

 21. tejal tithalia says:

  ખુબ સરસ્ ગુજરાત ની ભુમિ પર માણસાઇ હજી મરી નથી પરવારી………………..

 22. Chetan says:

  ખુબ જ મસ્ત મજા આવિ ગયી

 23. Vipul Panchal says:

  Nice Story……

 24. માણસાઈના દિવા દેખાડતી સરસ વાર્તા છે.. ખૂબ જ સરસ… ગુજરાતમાં હજુ પણ સાચા માણસો જીવે છે તેનો આનંદ છે…

 25. GURU says:

  આવુતો ફ્ક્ત કથિયાવાદમાજ થાય…..ઃ)

 26. Vasudha Vanol says:

  ખુબ જ સરસ!!!!!!!!!!!!

  ધન્ય છે કાઠીયાવાડ, ધન્ય છે કાઠીયાવાડ ના લોકો.

 27. vinod meva says:

  મજા આવિ બહુજ સારી વાર્તા હતી

 28. hitesh says:

  બસ્ manvi manav thay toy ghanu…

  nice story.

 29. કાથિયાવાડ્ મા કોક દિ ભુલો પઇડ ભગવાન તને સ્વ્૨ગ ભુલાવુ શામળા

 30. Himen Patel says:

  અતુલભાઈ, કહેવત એકદમ સાચી છે. હજી પણ માનવતા જીવંત છે.

 31. જગત દવે says:

  સૌરાષ્ટ્ર ત્રણ ભૂ-ક્ષેત્રો થી બનેલો છે ૧. કાઠિયાવાડ, ૨. ગોહિલવાડ અને ૩. ઝાલાવાડ જે તેનાં નામ પ્રમાણે જાતિગત રજવાડાનું પ્રભુત્વ દર્શાવે છે.

  દરેક વિસ્તારનાં લોકોની સ્વભાવગત અને ભાષાકીય ખાસિયતો છે અને ઈતિહાસ પણ છે જે માનવતાનાં આવા અનેક ઉદાહરણોથી ભરપૂર છે.

 32. Mansukh Savaliya says:

  નરસિહ મેહતા, ભોજાભગત, જલારામ, કનૈયા ની ભુમિ પર આ ન બને તો જ નવાઇ!!!
  આજેય આ ભુમિ પર અન્નક્શેત્રો ધમધમે ચ્હે!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.