પંચામૃત – ભૂપત વડોદરિયા

[1] પ્રેમનું દાન ભારરૂપ ક્યારે ન લાગે ?

એક પુરુષ કહે છે : ‘ભાગ્યે જ કોઈ પુરુષે મારા જેવા સર્વાંગભાવે પત્નીને પ્રેમ કર્યો હશે. પત્ની માટે મેં કેટકેટલું કર્યું છે ! સામાન્યત: પત્ની માગે છે ને પતિ નથી આપી શકતો. મારા કિસ્સામાં પત્નીની સ્પષ્ટ માગણી વગર પણ મેં આપ્યા જ કર્યું છે. રાત-દિવસ જોયા વિના મેં પત્નીને ખુશ રાખવા માટે બધું જ કર્યું છે ! પણ અફસોસની વાત એ છે કે ક્યારેક જ પત્નીમાં કૃતજ્ઞતા દેખાય છે. જો કે મારે કૃતજ્ઞતા જોઈતી નથી, મારે પ્રેમ જોઈએ છે, પણ એ મળ્યો નથી. આથી આજે હવે લાગે છે કે મારો પ્રેમ નિરર્થક અને નિરૂત્તર જ છે ! આજે હવે આ પ્રેમનું બંધન જ પીડા કરે છે ! કેટલીક વાર થાય છે કે હું ‘કોઈનો બન્યો ન હોત તો ને મારું કોઈ જ ના હોત તો હું કેટલો સુખી હોત !’

બીજા એક ભાઈ કહે છે : ‘ભાગ્યે જ કોઈ માણસે એના ભાઈને એટલો ચાહ્યો હશે ! ખેર, મેં મારા ભાઈ માટે શું નથી કર્યું ? મિત્રો સાક્ષી છે કે ભાઈ માટે મેં પોતાની કારકિર્દીમાં અનેક વળાંક ને ઊથલા સહન કર્યાં છે ! મારા ભાઈને માટે મેં મારું અહિત કર્યું છે ! ભાઈને સુખી કરવા માટે મેં બલિદાન આપતા પાછું વળીને જોયું નથી ! મેં આટઆટલું તેને માટે કર્યું, પણ તેને જાણે તેની કોઈ કદર લાગતી નથી ! તમે જ ન્યાય કરો, આવા પ્રેમનો અર્થ શો ? અરે, બધું જ એળે ગયું ! બધું જ નિરર્થક લાગે છે. આ પ્રેમ એક ભાર જેવો લાગે છે. ભાર પણ એવો છે કે મારો ભાગ બની ગયો છે. તેને ફેંકવા ચાહું છું પણ ફેંકી શકતો નથી ! કદી કલ્પના પણ નહોતી કે મારો આ બધુંપ્રેમ મારું આટલું મોટું બંધન બની જશે ! હું બંધાયેલો ને બંધાયેલો રહું ને એ છૂટો ને છૂટો રહે, આ કઈ જાતનો વહેવાર ! આ કેવો ન્યાય ! ભાઈને માટે આ બધું કરવાને બદલે મારા પોતાને માટે આ બધું કર્યું હોત તો હું કેટલો સુખી હોત !’

એક પિતા કહે છે : ‘ભાગ્યે જ કોઈ પિતાએ પોતાના પુત્રને આટલો પ્રેમ કર્યો હશે ! રે, સગાંવહાલાંને તો મશ્કરી કરતાં કે ફક્ત એક તારે જ નવાઈનો દીકરો છે ! બીજા બધાને નથી ! આ કેવી પુત્રઘેલછા ! પુત્ર માટે કરવામાં કંઈ કરતાં કંઈ બાકી રાખ્યું નથી. એનું નામ દીપી ઊઠે તે માટે મેં મારું નામ જેટલું ભૂંસાય એટલું ભૂસ્યું છે ! પણ પુત્ર તરફના આ અગાધ પ્રેમનો બદલો શું મળ્યો ? તમે જરા જાણો, સમજો ! બદલો તો દૂર રહ્યો, ઊલટું અપમાન મળ્યું છે તેમ જ કહેવાય ! મેં આટઆટલું કર્યું પણ તેણે તો જાણે અંદરખાને કંઈ નોંધ લીધી જ નથી ! લેણદેણના ચોપડા રાખવાની રીત જ નિરાળી છે ! નાનામાં નાના માણસો નજીવીમાં નજીવી ચીજ તેને આપી હશે તોય તેણે તેની નોંધ કરી છે – રીતસર ખાતું પાડ્યું છે પણ મારું કોઈ ખાતું પુત્રના ચોપડામાં છે ? મુદ્દલ નથી ! મેં પુત્ર માટે જાત ઘસી નાખી, પણ મારું ખાતું નથી ! આથી મેં પુત્રને આપેલા પ્રેમનો ભાર આજે મને કચડી રહ્યો છે ! આ એક આકરું બંધન છે ! તે સહી નથી શકતું ને છતાં તોડી યે નથી શકાતું ! હે ભગવાન, મેં પુત્ર પ્રત્યેના પ્રેમમાં સર્વસ્વનું સમર્પણ કરી દીધું ના હોત અને મારી પોતાની ચિંતા કરી હોત તો હું કેટલો સુખી હોત ?’

તમામ સામાજિક સંબંધોની આવી કેફિયત બની શકે છે. સવાલ એ છે કે આવો સાચો ઊંડો પ્રેમ બંધનરૂપ કેમ લાગે છે ? તે મુક્ત કેમ નથી લાગતો ? દુ:ખનું પરમ નિમિત્ત કેમ લાગે છે ? ખરેખર, પ્રેમપાત્ર બનેલી આ બધી વ્યક્તિઓ નિષ્ઠુર હશે ? છેક નાસમજ અને બેકદર હશે ? આટલાં આટલાં બલિદાન આપનારી વ્યક્તિ આવા લાંબા હિસાબને અંતે ચિત્કાર કરી ઊઠે છે ત્યારે આ વાતમાં તેને કંઈક અન્યાય તો થયો જ હશે ને ? જેને માટે પોતે આટઆટલાં બલિદાન આપ્યાં હોય તેને અમસ્તો અમસ્તો વગોવવા કોઈ માણસ થોડો બેસે ? આ બધા માણસોને પ્રેમ બંધન જેવો, છાના જખમ જેવો, એક નિરંતર પીડા જેવો કેમ લાગે છે ? તેમણે ક્યાં ભૂલ કરી છે ? પ્રેમ કર્યો એ જ એમની ભૂલ હતી કે પ્રેમના હિસાબ માંડવામાં એમની કોઈ ભૂલ છે ?

આ બધા પ્રશ્નોનો જવાબ એક જ છે : ‘તમે તમારા પ્રિયજનોને તેમને માટે ચાહ્યા હતા કે તમારા પોતાના માટે ? જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને – પછી એ તમારી પ્રેયસી હોય, પત્ની હોય, માતા હોય, ભાઈ હોય, પુત્ર હોય કે પુત્રી હોય – તેને માટે પ્રેમ કરશો ત્યારે તમને છેવટે એક દિવસ એ પ્રેમ અસહ્ય ભાર જેવો કે આકરા બંધન જેવો લાગશે. પણ જ્યારે તમે આવા પ્રિયજનને તમારા પોતાના ખાતર જ પ્રેમ કરશો ત્યારે તમને તે ભારરૂપ, બોજારૂપ કે બંધનરૂપ નહીં લાગે ! ચાહો બેશક, ચાહ્યા વિના જિંદગી જીવી જ શકાતી નથી; પણ તમારા પોતાને માટે ચાહો. કોઈકનું કલ્યાણ કરી નાખવાની ગ્રંથિમાંથી હૃદયને મુક્ત કરો. કોઈકનું કલ્યાણ કરવાની લાગણીથી જે કંઈ પ્રેમ કરશો તો દયાનું કાર્ય બની જવા સંભવ છે. તે કદાચ ગુપ્ત ઘૃણા હશે, તે કદાચ અહંકારની ચોરકળા હશે. કોઈને પણ ચાહો, કોઈને માટે પણ કંઈક કરો ત્યારે તમારા માટે જ તો કરો. પ્રેમ લેવાની જરૂર તેને છે તેવું ના સમજશો. તમારે પ્રેમ આપવાની જરૂર છે તેમ સમજજો. જ્યારે પ્રેમની આવી સમજણ હશે ત્યારે પ્રેમનું દાન એક ભાર નહીં લાગે; તે તમને બાંધી નહીં દે; છેવટે તમને મુક્ત કરશે. તમે તમારી જાતને કહી શકશો કે મેં પ્રેમ કર્યો છે અને હજુ પ્રેમ કરું છું. મારા પ્રેમમાંથી જેટલું તેને લેવું હોય તેટલું તે લે. જે ના લેવું હોય તે ના લે ! જે લેશે તેને માટે મને આનંદ થશે; પણ જે નહિ લે તેને માટે ઈન્કારની લાગણી નહીં થાય !’
.

[2] જિંદગીની પ્રત્યેક ક્ષણની અનન્યતાને વિચારો

જિંદગી ઈસ્પિતાલ જેવી છે. દરેક દર્દીને એમ થાય છે કે પોતાને જે પથારી મળી છે તેને બદલે બીજી કોઈ પથારી મળી હોત તો કેટલું સારું હતું ! કોઈને થાય છે કે મારી પથારી સગડી નજીક હોત તો ખૂબ સારું હતું. બીજા કોઈને થાય છે કે મારી પથારી બારી પાસે હોત તો સારું થાત. ફ્રાન્સના એક સમર્થ કવિ ચાર્લ્સ બોદલેરના એક ગદ્ય કાવ્યનો આરંભ જ આ રીતે થાય છે.

દરેક માણસને પોતાનું માત્ર દુ:ખ જ દેખાય છે અને બીજા માણસનું માત્ર સુખ જ દેખાય છે. આવી લાગણી ઘણાબધા માણસોને થાય છે પણ તેઓ વિચાર કરે તો તેમના ખ્યાલમાં આવ્યા વગર ના રહે કે દરેક જિંદગીમાં સુખ અને દુ:ખ તાણાવાણાની જેમ વણાયેલાં હોય છે અને તેને અલગ પાડવાનું શક્ય જ નથી. તાણવાણા અલગ કરો તો પછી વસ્ત્ર અકબંધ રહેતું જ નથી. કોઈની જિંદગીનાં સુખ અને દુ:ખ અલગ પાડી શકતાં નથી. સુખ અને દુ:ખની મનપસંદ ફાળવણી મેળવી શકાતી હોત તો માણસની જિંદગીમાંથી ઘણોબધો રસકસ ઊડી જાત. તેનો સ્વાદ મીઠો હોય, તીખો હોય કે કડવો હોય પણ દરેક જિંદગીનો જે એક વિશિષ્ટ સ્વાદ છે તે રહેત નહીં. કેટલાક માણસો વધુ પડતા મીઠા પદાર્થો સુખના નામે મેળવી બેઠા હોત જે તેમના એકંદર આરોગ્યને હાનિકારક પુરવાર થઈ શકત ! કેટલાક માણસો એવી રીતે ખોટાં દુ:ખો પસંદ કરી બેઠા હોત જે તેમની સામે આવ્યાં પછી તેમને આવાં દુ:ખો પસંદ કરવા માટે પારાવાર પસ્તાવો થાત !

જિંદગીનો રસ્તો જ એવો છે કે તેના તમામ વળાંકો, ફાંટાઓ કે અકસ્માત ક્ષેત્રોનો અંદાજ અગાઉથી કોઈ કાઢી શકતું નથી. માણસ વિચારે છે કે બસ હવે રસ્તો સળંગ, સીધો અને સરળ જ છે. કોઈ અડચણ કે અકસ્માતની શક્યતા જ નથી અને ત્યાં અચાનક એવું બને કે તેને થાય કે કિનારો નજર સામે હતો ત્યાં જ ‘નૌકા ડૂબી’ જેવું ? કોઈ વાર જેને કિનારો માન્યો હોય તે કિનારાને બદલે મગરમચ્છની પીઠ નીકળે ! એવું પણ બને છે કે માણસ અનેક ઉપાધિઓનાં પોટલાં પોતાના માથે છૂટી પડવાની ભયભીત દશામાં હોય પણ તેણે જે ઉપાધિઓ માની હોય તે કંઈ બીજું જ નીકળે. અચાનક ભાગ્ય તેની ઉપર રીઝી ગયું હોય તેવું તેને લાગે !

એટલે જિંદગીને શૈક્ષણિક અને ધાર્મિકયાત્રા તરીકે હાથ ધરવામાં વધુ મઝા છે. માણસ આત્મનિરીક્ષણ માટે જે યાત્રા કરે છે, તે સ્થળોને જોવા અને વ્યક્તિઓને મળવા માટે જે યાત્રા કરે છે તેને પોતાની મુસાફરીની સગવડો-અગવડોનો પ્રશ્ન એટલો મૂંઝવનારો લાગતો નથી. મુસાફરીનો પોતાનો જે એક આનંદ છે અને મુસાફરીએ નીકળેલો માણસ જેમ અચાનક આનંદની શક્યતાઓ કલ્પી શકે છે તેમ અચાનક હાડમારીઓનો ખ્યાલ પણ કરી જ શકે છે. ધર્મસ્થાનોની યાત્રાએ જનારા માણસો પણ ધર્મયાત્રામાં સંકટોનો સહજ લેખે છે. તે માને છે કે ધર્મયાત્રા જેટલી વિકટ તેટલું યાત્રાનું ફળ-પુણ્ય ઉત્તમ ! ધર્મયાત્રામાં કોઈ આનંદપ્રમોદના ખ્યાલને પ્રાથમિકતા આપતું જ નથી. ધર્મયાત્રામાં માણસ લક્ષ્યસ્થાન પર પહોંચવાની બાબતને જ સર્વોપરી બાબત ગણે છે. માણસની જિંદગીને જ્યારે શિક્ષણની યાત્રા અને ધર્મસ્થાનોની યાત્રા ગણે છે ત્યારે તે પોતાને સફરને વધુ સાર્થક અને વધુ સંતોષકારક બનાવી શકે છે. કેટલાક માણસો તો એવા હોય છે કે શિક્ષણ માટે અમુક જ સ્થળો કે ધાર્મિકયાત્રા માટે પણ અમુક સ્થળો પર જવાનો આગ્રહ પણ રાખતા નથી. જિંદગીની સફરમાં જ્યાં જ્યાં નાનાંમોટાં યાત્રાધામો આવી પડે ત્યાં પેટભરીને દર્શન કરવના. બદરીનાથ જવાયું અને રામેશ્વર ના જવાયું તેનો વસવસો તેઓ કરતા નથી, જે જિંદગીને એક રોમાંચક યાત્રા ગણે છે, તે ખપ કરતાં વધુ સામાન સાથે રાખવાનું પણ જોખમ નહીં લે ! સામાન જેમ વધુ તેમ મુસાફરીમાં બોજો અને દોડાદોડી વધી જાય. સામાન ભેગો કરનારા હંમેશા વિશેષ સુખસગવડનાં સાધનો તરીકે તેને સાથે લેતાં હોય છે. પણ પછી આ બધાં સુખસગવડનાં સાધનો ‘સામાન’ બનીને દુ:ખનું કારણ બની જાય છે. મહાત્મા થોરો એટલે વારંવાર એક જ શિખામણ ઉચ્ચાર્યા કરે છે : સુખેથી જીવવું છે ? તો સામાન ઓછો કરો. માણસનું ઘર જ જુઓ, તો રાચરચીલા અને ચીજવસ્તુઓથી ચિક્કાર ભર્યું હોય છે. લીવિંગ સ્પેસ-જીવવા માટેની જગ્યા તદ્દન ઓછી બાકી બચે છે. જીવવા માટેની જગ્યા તદ્દન મર્યાદિત અને માલસામાન માટે જ બધી જગ્યા ખીચોખીચ. ક્યાંક કશીક મોકળાશનો અનુભવ ના થાય ! પલંગો ખસી ના શકે. ડાઈનિંગ ટેબલ ખસી ના શકે. સોફા, ખુરશીઓ, ટેબલ ખસી ના શકે. બધું જ જાણે સરકસના તખ્તા જેવું નક્કી કરેલાં પીંજરાં અને નક્કી કરેલા હીંચકા અને નક્કી કરેલાં કુંડાળાં ! તેમાં તરેહતરેહના ખેલો ભજવ્યા કરવાના. કુટુંબમાં ઓચિંતુ કોઈનું મરણ થાય ત્યારે કોઈ એકાદ ખંડમાંથી બધું જ ખસેડવું પડે. ખંડને ખાલી કરવો પડે. અને જીવનારાઓ માટે ત્યારે જીવવાની થોડી જગ્યામાં વધારો થાય ! અલબત્ત, થોડા દહાડા માટે કામચલાઉ ફરી સમાન તેની મૂળ જગ્યાએ ગોઠવાઈ જવાનો.

પોતાની ગદ્યશૈલી માટે ખૂબ પ્રશંસા પામેલા ઈંગ્લે ન્ડના વિવેચક-નિબંધકાર વિલિયમ હેજલીટે તેના એક લેખમાં એવી લાગણી વ્યકત કરી છે કે જે રીતે આપણે અગાઉ જોયેલી જૂની જગ્યાઓની મુલાકાત લઈ શકીએ છીએ તેમ આપણે વીતી ગયેલા સમયમાં પાછા ફરી શકતા હોત તો ? માણસ એકના એક સ્થળની બીજી મુલાકાત લઈ શકે છે, પણ અમુક ચોક્કસ સમયની ફરી મુલાકાત અશક્ય છે. માણસ સ્મરણયાત્રા કરી શકે.

બાળપણના ઘરમાં વિતાવેલી પળોને – તે પ્રસંગને સ્મૃતિમંત્ર વડે જીવતદાન આપી શકે પણ તે માત્ર મનોજગતમાં ! ભૂતકાળમાં જેની મુલાકાત લીધી હતી તે સ્થળે ગામની નદી, નિશાળ કે કોઈ પણ સ્થળે ફરી પાછો જઈ શકે છે. તે સ્થળના એના એક જ ખંડમાં પ્રવેશી શકે છે. સમયના એના એ જ ખંડમાં પ્રવેશી શકતો નથી. તે ગયો એટલે ગયો. જેમ સમય પાછો ફરી શકતો નથી તેમ જિંદગી પણ પાછી ફરી શકતી નથી. એટલે જ તો તે આટલી અનન્ય છે અને અદ્દભુત છે. માણસ જિંદગીની પ્રત્યેક ક્ષણની આ અનન્યતાનો વિચાર કરે તો તેને એ ક્ષણને બરાબર જીવવાની સાચી તલપ જાગે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક અંધારી રાતે – ગિરીશ ગણાત્રા
એ ઘડી વીતી ગઈ – અવંતિકા ગુણવંત Next »   

12 પ્રતિભાવો : પંચામૃત – ભૂપત વડોદરિયા

 1. nayan panchal says:

  જો આપણે દુઃખી ન થવુ હોય તો પ્રેમ તો બિનશરતી અને અપેક્ષાથી મુક્ત જ હોવો જોઈએ. કોઈનો પ્રેમ કમ નથી હોતો, માત્ર આપણી અપેક્ષાઓ વધારે હોય છે. કોઈકવાર પ્રેમ માણસની સૌથી મોટી શક્તિ બની જાય છે અને ક્યારેક સૌથી મોટી નબળાઈ.
  લેખકે કહ્યુ તેમ, “તમારા પોતાના માટે ચાહો, ‘સ્વાર્થી’ બનો”.

  બીજાની થાળીનો લાડવો તો મોટો જ લાગે ભાઈ. જૂતા બહારથી ભલે ગમે તેટલા રૂપાળા હોય, પહેરનારને જ ખબર કે એ ક્યા ડંખે છે. ‘સામાન ઓછો કરવો’ વાળી વાત તો બરાબર છે, પરંતુ સુખ-દુઃખનો ભેદ જ મિટાવી દઈએ તો, આવુ વર્ગીકરણ જ શા માટે. કદાચ એ સામાન ઓછો કર્યા પછીનો તબક્કો હશે, કન્ફયુઝ થઈ ગયો.

  ખૂબ જ સરસ લેખ,
  નયન

 2. સુંદર લેખ.

  ૧. કંઇ આપવામાં જે મજા છે તે લેવામાં નથી…. જ્યારે આપણે કોઇને ચાહીએ છીએ ત્યારે કોઇ પણ પ્રકારની અપેક્ષા વગર નો પ્રેમ હોવો જોઇએ….અને એમ ન હોય તો તે ઉત્તમ પ્રકારનો પ્રેમ જ નથી…

  ૨. સુખ અને દુઃખ એક બીજાના પર્યાય છે…સુખ વગર દુઃખ અને દુઃખ વગર સુખ નુ મહત્વ ક્યારેય સમજાતુ નથી.

 3. Parth Patel says:

  લેખકે સચુ જ કહ્યુ છે કોઇ ને પ્રેમ કવો હોય તો એ બિન શરતી જ હોવો જોઇએ. જો તમે કોઇ ને પ્રેમ આપી ને પ્રેમ પાછો મેળવવાની ઇચ્છા રાખસો તો હંમેશા દુઃખી જ થવાના. કોઇ તમને પ્રેમ કરતુ હોય તો ગણી વાર એ તમને એનો અહેસાસ ન પન કરાવી શકતું હોય એવુ પન બને. પ્રેમ હમેશાં આપવાની જ તૈયારી રાખો કોઇની પાસે પામવની નઈ. જે તમને પ્રેમ કરતુજ હસે એતો તમરા માગ્યા વગર જ તમને પ્રેમ આપતું રહેશે…..
  દિલ થી ગમે એવો લેખ…..
  પાર્થ…..

 4. Parth Patel says:

  લેખકે સચુ જ કહ્યુ છે કોઇ ને પ્રેમ કવો હોય તો એ બિન શરતી જ હોવો જોઇએ. જો તમે કોઇ ને પ્રેમ આપી ને પ્રેમ પાછો મેળવવાની ઇચ્છા રાખશો તો હંમેશા દુઃખી જ થવાના. કોઇ તમને પ્રેમ કરતુ હોય તો ગણી વાર એ તમને એનો અહેસાસ ન પણ કરાવી શકતું હોય એવુ પન બને. પ્રેમ હમેશાં આપવાની જ તૈયારી રાખો કોઇની પાસે પામવની નઈ. જે તમને પ્રેમ કરતુજ હસે એતો તમરા માગ્યા વગર જ તમને પ્રેમ આપતું રહેશે…..
  દિલ થી ગમે એવો લેખ…..
  પાર્થ…..

 5. જય પટેલ says:

  સંદેશ અખબારમાં દર સોમવારે આવતી શ્રી ભુપત વડોદરિયાની કૉલમ વાંચી વિચારોના વનમાં
  વિચરણ કરવાની પ્રેરણા મળી. વિચારોના ઘડતરમાં સારા લેખકોનું વાંચન મહત્વનો ભાગ ભજવે છે.

  આપણી અપેક્ષાઓ જ્યારે અમર્યાદીત…અનિયંત્રીતપણે વધવા માંડે તેમ તેમ સંભવિત નિરાશાનું
  પ્રમાણ પણ સાપેક્ષ રીતે વધે છે.
  અત્રે ભગવત ગીતાની યાદ જરૂર આવે. કર્મ કરતા રહો….તે જ રીતે વળતરની અપેક્ષા રાખ્યા વગર
  પ્રેમની વહેંચણી કરો તો નિરાશા નજીક પણ નહિ ફરકે..!!

  સુખેથી જીવવા માટે સામાન ઓછો કરો.
  આ ગૂઢાર્થમાં સામાન એટલે…ધૃણા…નફરત…ઈર્ષા…દ્વેષ…લોભ…લાલચ…મોહ…માયા વગેરે જેવા વળગણો.
  આ વળગણો જેટલા ઓછા તેટલા વધારે સુખી.

  ગુણ – દુર્ગુણ જ્યારે વિવેકની મર્યાદા લાંઘે ત્યાંથી પ્રશ્નો શરૂ થાય.

  ચિંતનાત્મક લેખ.

 6. Ravi says:

  very very nice article..
  apde ghana time thi bija badha દાન ni vaat kari pan
  author ae most important પ્રેમ દાન no
  main purpose sari rite explain karyo chhe..

 7. પ્રેમદાનની સુંદર વાત. માણસ બંધાઈ શા માટે જાય છે? પ્રેમ આપે છે માટે, ના પણ તે બદલામાં પ્રેમની આશા રાખે છે માટે. અને જો બદલાની આશા હોય તો તે પ્રેમ નહીં પણ વેપાર થયો ગણાય. અને વેપારી કદી સુખી ન હોઈ શકે કારણ કે વેપારમાં તેજી મંદિ હોય છે. પરંતુ જે કશા બદલાની આશા વગર પ્રેમ કરે છે વાસ્તવમાં તે જ સાચો પ્રેમ કરે છે અને તેનો આ પ્રેમ તેને બંધન કરવાને બદલે મુક્ત કરે છે.

  જીંદગીને ઈસ્પિતાલના બીછાનાની બદલે શૈક્ષણિક કે આધ્યાત્મિક યાત્રા તરીકે લેવાથી જીવનનો આનંદ બાદબાકીને બદલે ગુણાકારમાં પરિવર્તિત થઈ જાય છે.

  આપણો વ્યવહાર અને બાહ્ય જગતની ઘટના આ બધું ય આપણને સુખી કે દુઃખી કરશે તેનો મુખ્ય આધાર આપણા મનના વલણ ઉપર રહેલો છે અને તેથી જ મનને કેળવવું તે જ મુખ્ય બાબત છે.

 8. Veena Dave, USA says:

  સરસ લેખ.

 9. Vraj Dave says:

  સરસ લેખો. જિંન્દગી ના તાળા ની ચાવીઓ છે.

 10. સરસ લેખ…
  લેખક નુ પુસ્તક પંચામૃત વાંચવા જેવુ ખરુ…

 11. Naresh (DXB) says:

  very true,,,,,article….bhupat vadodariya na article i useto read in sandesh …….one of the best auther,
  i think he learn the lesson of life.very closely…….
  I must say one thing LOVE IS NAME OF SACRIFICE……….OTHERWISE IT TRUNS ON COMPROMISE…….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.