- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

વો કાગઝ કી કશ્તી…. – નમ્રતા શૈલેષ દેસાઈ

[નવોદિત યુવા સર્જક નમ્રતાબેને ગુજરાતી સાહિત્ય સાથે એમ.એ. કરેલું છે. ત્યારબાદ તેઓ છેલ્લા પાંચ વર્ષથી ‘દિવ્યભાસ્કર’, ‘ગુજરાતમિત્ર’, ‘સંદેશ’ જેવા પ્રતિષ્ઠિત અખબારોમાં અસ્થાયીરૂપે પત્રકાર તરીકેની સેવાઓ આપી રહ્યા છે. તેમની એક નવલિકા પ્રકાશન હેઠળ છે. તેમની પ્રસ્તૃત કૃતિ જાણીતા ‘ગુજરાતમિત્ર’ અખબારમાં સ્થાન પામી છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નમ્રતાબેનનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925438103 અથવા આ સરનામે shail900@hotmail.com સંપર્ક કરી શકો છો.]

હમણાં એક ખૂબ સુંદર કવિતા વાંચવા મળી જેમાં બાળકોની નિર્દોષતાનો ચિતાર હૃદય પર સીધો ઘા કરે છે. તે કંઈક આ પ્રમાણે છે :

‘તમારાં બાળકો સાથે રમો,
તમારા બાળકોની આંખમાં બરાબર જુઓ,
એ, આપણી આંખોમાં જુએ છે.
આપણી આંખોમાં દેખાય છે એમના નિર્દોષ પડછાયા,
એમની આંખોમાં,
આપણી આંખોનું કાંટાળુ જંગલ.
એમની આંખો
ધીરે ધીરે કાંટાની બનતી જાય છે
અને તમે ગર્વથી કહો છો –
બાળકો હવે મોટા થઈ ગયા છે.’

નિર્દોષ, માસુમ, લાગણીશીલ, ભોળું, ક્યુટ, સ્વીટ કેટલાં બધાં શબ્દો આપણે નાનાં ભુલકાંઓ માટે ઉચ્ચારીએ છીએ, ત્યારે આપણી આગળ ભગવાનનું બીજું રૂપ દ્રષ્ટિમાન થાય છે. ક્રૂરમાં ક્રૂર કે વિષાદમાં ગળાડૂબ રહેલા કોઈપણ વ્યક્તિને પણ ભૂલકાંઓ એક પવિત્ર સ્મિત આપીને ન્યાલ કરી દે એવા આ વ્હાલા બાળકોની માનસિકતા પર આકરા પ્રહારો થવા માંડ્યા છે.

આધુનિકતાના આ વરવા સમાજમાં બાળકોનું આ પવિત્ર સ્મિત ક્યાંક ખોવાઈ ગયું છે. કાલીઘેલી ભાષાનું સ્થાન હવે પોલિશ અને મેનર્સવાળી વાકછટાએ લીધું છે. બાળકનાં રૂ જેવા પોચાં શરીર પર ભારેખમ ભપકાદાર કપડાં, દફતરોના ખડકલા, એકસ્ટ્રા એક્ટીવીટીના સાધનોના થેલાં અને આખા દિવસના તેમના ટાઈમટેબલના ભાર નીચે તેમની ભોળી દુનિયા હાંસિયામાં ધકેલાઈ ચૂકી છે. આપણા વડાપ્રધાન સ્વ. પંડિત જવાહરલાલ નહેરુ, જેમને બાળકો ખૂબ વ્હાલા હતાં, જો તેઓ આજના બાળકોને મળતે તો ? તો કદાચ તેમનું હૃદય દ્રવી ઊઠતે. આજનું બાળક સતત વધતી જતી અપેક્ષાઓના ભાર અને એમાં મળતી નિષ્ફળતાના ભય વચ્ચે જીવી રહ્યું છે. સ્ટ્રેસ શબ્દ હવે વ્યાવસાયિક નહીં પણ ઘરેલું બની ગયો છે. આજના બાળકો સતત ટેન્શનમાં જ રહે છે. મા-બાપની જ માનસિકતા અને વ્યવહારવર્તન બદલાઈ ચૂક્યા હોય ત્યાં બાળકોની પોતાની દુનિયાને અવકાશ જ ક્યાં રહેતો હોય ! પોતાનું બાળક હંમેશાં સુપરડૂપર જ રહે એ અપેક્ષાઓ ઘર કરી ગઈ છે. પોતે ક્યાં ઊભા છે, કેવી રીતે પોતાના ધ્યેય સુધી પહોંચ્યા છે એ સઘળી બાબતો નજરઅંદાજ કરીને પોતાની નબળાઈઓ અને અક્ષમતાઓનો ઢાંકપિછોડો કરવા બાળકને સુપરપાવર બનાવવાની રેસમાં ઊતરી પડ્યા છે. બે વર્ષથી શરૂ થતી બાળકની આ સફર પ્લેગૃપથી આખી જિંદગી મોટો માણસ બનવાની લાયમાં વેડફાઈ જાય છે.

બાળક બોલતું કે સમજતું થાય ત્યારથી જ જુદા જુદા વાડા બનાવી દેવાય. તને આ ભાવે, તને આ ન ફાવે, તુ કોનો વધારે વ્હાલો, આજ પહેરવાનું, આમ ન બોલાય, તેમ ન કરાય, ફલાણું કે ઢીકણું બસ રિવાજો અને માન્યતાઓની દુનિયામાં પા પા પગલી પાડતાં પાડતાં અંતે એક ચાવી દીધેલા રમકડાં જેવી દશા આજના બાળકોની છે. એમને રમવા માટે ખુલ્લા મેદાનો નથી, પકડદાવ, સંતાકુકડી, આબલીપીપળી, લખોટી કે ગિલોલ અને ઘરઘરની રમતો હવે આઉટડેટેડ થઈ ગઈ. વરસાદમાં ભીંજવાની કે રેતીમાં ગંદા થવાની એમની ઈચ્છાઓ આગળ શરદી-ખાંસી તાવ કે ઈન્ફેકશન જેવા અઘરા શબ્દોનો ભય ખડકાઈ જાય. ઢીંગલીને પણ મોડીફાઈ કરીને ‘બાર્બીડોલ’નું રૂપકડું નામ આપી દીધું છે. હવે બાળકોની દુનિયામાં પરીકથા, દાદીમાની વાર્તાઓ કે ઉખાણાં અને હાલરડા નથી. હવે તો હાઈટેક ગેઈમ્સ, સેલ અને બેટરીથી ચાલતા રમકડાં, ટીવી અને ઈન્ટરનેટની વિડિયો ગેઈમ, ડબલ્યુ-ડબલ્યુ જેવી હિંસક ફાઈટીંગ શૉ કે ‘શિનચેન’ જેવા વાહિયાત કાર્ટુન બાળકોને હિંસક, આક્રમક અને સ્વચ્છંદી બનાવામાં પૂરેપૂરો સહકાર આપે છે.

મા-બાપની વ્યસ્તતા અને હૂંફના અભાવે, મીડિયાના પ્રભાવો બાળકોમાં જાણ્યે અજાણ્યે દૂષણો ફેલાવે છે. બાળસાહિત્યનું સ્થાન હવે કાર્ટુન ચેનલોએ લઈ લીધું છે. પહેલાં બાળકો મા-બાપના સંસ્કાર મુજબ વર્તન કરતા, દાદાદાદીને ત્યાં મોસાળના વેકેશનોમાં વિસ્મય પામતા. પણ આજે ! બાળકોની વિસ્મયતા ટીવીના પાત્રો અને ચેનલો સાથે જોડાઈ ગઈ છે. એમાં વળી હજી કંઈક નવું અને બીજું. એ શોધમાં વધુ તાણગ્રસ્ત રહેવા માંડ્યા. આજના બાળકોની કાલીઘેલી ભાષાઓની નિર્દોષતા કે મૌલિકતામાં પણ વ્યાવસાયીકરણ ઘુસી ગયું છે. કાર, વિદેશપ્રવાસ, મુવી, ડાન્સ પાર્ટી, ફેન્સીડ્રેસ, વગેરેની વાતોની જ આપ-લે થાય. મા-બાપે પણ બાળકને સ્પેશ્યલ બનાવવા માટે સવારથી જ સ્વિમીંગ, સ્કેટીંગ, ડ્રોઈંગકલાસ, ડાન્સકલાસ, કેશીયો કે ગિટાર, ઉપરથી શાળાનું ભારેખમ ભણતર અને ટ્યુશન-અવવલ રહેવા માટે ગળકાપ હરિફાઈમાં બાળકની મુગ્ધતાઓનું તો સત્યનાશ વાળી દીધું છે.

14 કે 15 વર્ષની વયે કિશોર કે કિશોરીનું શારીરિક અને માનસિક પરિવર્તન અંગે જાગૃત થવું સ્વાભાવિક છે. પણ હવેના બાળકોમાં આ બધું વહેલું થવા માંડ્યું છે. બાળપણથી પુખ્તવય તરફ જતી કેડી ભુંસાઈ ચૂકી છે. મિડિયા દ્વારા થતા જાતીય આકર્ષણના ઉકરડામાં બાળકો પોતે શું શોધે છે તેમની તેમને જ ખબર નથી એટલે આ બાળકોમાં કાચી મેચ્યોરીટીનું પ્રમાણ વધી ગયું છે. શરાબ, સિગરેટ કે તમાકુના વ્યસનની નકલ કરવાનું હવે સહજ બની ચૂક્યું છે. પોતાને અંગ્રેજીમાં કંઈ સમજ ન પડતી હોય પણ બાળક તો અંગ્રેજીમાં જ ભણવું જોઈએ એટલે વળી સ્ટ્રેસનો વ્યાપ ઔર વધી જાય ! આહારમાં પૌષ્ટિક નાસ્તાના વિકલ્પોમાં ફાસ્ટફૂડનું ચલણ વધ્યું એટલે નિર્દોષ અને નમણું બાળક હવે જાડીયું અને ભદ્દું દેખાય છે. બીજી તરફ ગરીબ પ્રજાના બાળકો પોષણના અભાવે માંદગીમાં પિડાય છે. દવાદારૂના પૈસા નથી. ભણતરને સ્થાને નાના ભાઈબેનને સાચવવાના કે મજૂરી કરીને પેટિયું રળવામાં આ બાળકોની મુગ્ધતાઓ ક્યાંય દૂર ચાલી ગઈ છે. તેમની આંખોમાં આશા કે આનંદના કોઈ કિરણો આપણને દેખાતાં જ નથી.

બાળકના આ વર્તમાન વાતાવરણમાં મા-બાપની ભૂમિકા સજ્જડ હોવી જોઈએ. મિડિયા, બજાર અને સોબતની અસરથી બચવા માટે તેની સામે પ્રેમ અને લાગણીની ઢાલ બનીને ઊભા રહો. બાળકોની નિર્દોષતા કે મુગ્ધતાનો પડદો ઉઠી જાય તે પહેલાં એના બાળપણને બચાવી લો. નહીં તો ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિને યાદ કરવા માટે કે પોતાની અંદરની માસુમિયતને જાળવી રાખવા માટે કોઈ સંસ્મરણો બાકી ન રહેશે. વ્યસ્ત મા-બાપો પોતાનો ગિલ્ટ છુપાવવા બાળકને એકાદ ટ્રોફી કે રમકડાં કે વસ્તુઓથી બેલેન્સ કરવાની કોશિશ કરે ત્યારે ભવિષ્યમાં આ જ બાળકો ઘરડે ઘડપણ તેમને ભાખરી શાકને બદલે બ્રેડનું પેકેટ કે માંદગીમાં સારવારને બદલે એકાદ બાઈ રાખીને બેલેન્સ જાળવશે.