- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

એલિસની અજાયબ નગરી – મીરા ભટ્ટ

[ એક સમાજસેવિકાના સંઘર્ષની સત્ય ઘટના, ‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર. આપ મીરાબેનનો (વડોદરા) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2432497.]

લાલ કિનારીવાળી સફેદ સાડીમાં સજ્જ, કપાળે લાલ બિંદી, ખભે લટકતાં પર્સ સાથેની મધ્યમ કદની એક મહિલાને રાજસ્થાનના પાંચ જિલ્લાના ત્રણસો ગામડાંનો કોઈ પણ માણસ જુએ તો ‘નમસ્તે દીદી’નો ટહૂકો અવશ્ય સાંભળવા મળે. ‘નમસ્તે’ ના જવાબમાં નાનું બાળક હોય તો દીદી પૂછે, ‘નિશાળે કેમ નથી ગયો ?’ ખભે ધાવણાં બાળકને તેડીને ઊભેલી સ્ત્રીને જુએ તો કહેશે – હજુ મુન્નાની શરદી મટી નથી ? દવાખાનેથી દવા લાવી’તી કે નહીં ? કોઈ ફેંટો ચઢાવેલા આગેવાન હોય તો એમની સાથે પંચાયતની વાતો ચાલે. આ ‘દીદી’ ને દરેક સાથે નિસ્બત. કોઈ પણ વ્યક્તિને એ ગમે તેવો પ્રશ્ન પૂછી શકે. એમની સામે અંગતતાની કોઈ દીવાલ ટકેલી જોવા ન મળે.

કોણ છે આ દીદી ? ખૂબ જાણીતું નામ છે, એમાં એવોર્ડો મળ્યા છે એ કારણો નહીં, પરંતુ રાજસ્થાનના એ ગરીબ વિસ્તારને ગરીબી રેખાથી ઉપર ખેંચવા-તાણવાનો ભગીરથ પ્રયાસ કરનારી આ દીદી એમના માટે ભગવાન સમી છે. આ મહિલા છે એલિસ ગર્ગ. અજમેર પાસેના નાસીરાબાદમાં કેથોલિક મા અને પારસી પિતાના વૈભવશાળી પરિવારમાં જન્મ. પરંતુ માંડ ચાર વર્ષની થઈ ત્યાં મેજિસ્ટ્રેટ પિતાનું અકાળે અવસાન થયું અને બે કાકાશ્રીઓએ પરિવારની તમામ મિલકત પોતાના નામે કરી મા-દીકરીઓને ખાવાના પણ સાંસાનો અનુભવ કરાવવા એકલી છોડી દીધી. સાથે ઘરડાં દાદીમા પણ હતા, પરંતુ મા-દીકરીએ હિંમત રાખીને પોલીસ ખાતાની મદદ લઈને ધીરેધીરે ગુમાવેલી મિલકત પાછી ઘરભેગી કરી. ઓગણીસમે વર્ષે પાડોશમાં રહેતા અગ્રવાલ કુટુંબના કૃષ્ણબિહારી ગર્ગ સાથે લગ્ન કર્યા અને બન્ને વરવધૂ મા-બાપના કુટુંબોમાંથી બહિષ્કૃત થયા. બન્નેએ અધ્યાપન-કાર્યને ભરોસે ઘરસંસાર આરંભી દીધો, પરંતુ શિક્ષણકાર્ય દરમિયાન અભાવગ્રસ્ત બાળકોની બેહાલી સતત નજર સમક્ષ ઊભી રહી એની ભીતરના માતૃત્વને પડકારતી રહી. ગરીબ વર્ગનો વધારે ઘરોબો કેળવવા એણે સરકારી શાળાનું કામ સ્વીકાર્યું. અહીં મોટા ભાગનાં બાળકો ન કદી ફી ભરતા, ન ઘરકામ કરીને લાવતાં, ન એમની પાસે કોઈ ચોપડા કે દફતર હતા. એમની આ ‘અશિસ્ત’ માટે હંમેશાં એમની હથેળીઓ લાલઘૂમ થતી. એમની પાસેથી મળતા જવાબને ચકાસવા એકવાર એલિસ એમની પાછળ-પાછળ એમનાં ઘરે ગઈ અને એલિસ કહે છે – ગરીબાઈ એટલે શું, અછત-અભાવ કોને કહેવાય તે મને પહેલીવાર ત્યારે સમજાયું. બાળકો પાસેથી લાઘેલા આ સત્યની ચિનગારી એવી ફૂંકાઈ કે નોકરી છોડી આ બાળકો માટે કશુંક કરી છૂટવાની ધૂણી અંતરમાં પ્રગટી.

પરંતુ પડકારો અનેક અને શક્યતાઓ થોડી હતી. પોતાની પાસે પોતાના પ્રોવિડન્ટ ફંડના રૂ. 4,800 હતા. દરમિયાન સ્વીડન જવાનું થયું ત્યારે ત્યાંના મિત્રોની સહાયથી આર્થિક સહાય ઉપરાંત સેવાકાર્યનો ઝાંખોપાંખો નકશો પણ સાથે લેતી આવી. 1972માં પુરાની બસ્તીમાં કામ શરૂ કર્યું. ત્યાંથી મહેતરનાં ચાર બાળકોને પોતાને ઘેર લાવી રાખ્યાં અને પછી ‘બાલ-રશ્મિ’ નામની સંસ્થા રજિસ્ટર કરાવવા સરકારી કચેરીએ પહોંચી.

ઘરમાં પતિ-પત્ની ઉપરાંત બે દીકરીઓ અને ચાર ભાણિયા તો ત્રણ ઓરડામાં રહેતા જ હતા. એમાંથી એક ઓરડો ‘બાલ-રશ્મિ’ને ફાળવાયો. દશેય બાળકોનાં તમામ કામ એલિસ પોતે જ કરતી. કહે છે શરૂ શરૂમાં પેલા બાળકોનાં માવતર વચ્ચે વચ્ચે આવીને ખાતરી કરી લેતાં. હવે તો પોતાના કુટુંબની ખાણીપીણી પર પણ કાપ મૂકવો પડ્યો હતો. રોટલી પરનું ઘી છૂ થઈ ગયું હતું. કેવળ ગર્ગસાહેબના પગાર પર નભવાનું હતું. વળી થોડા જ વખતમાં બસ્તીના બીજાં છ બાળકો પણ ઉમેરાયાં હતાં. હરિજનોનાં વીસ બાળકોની જવાબદારી લે તો સરકાર તરફથી ત્રણ હજાર રૂપિયાની મદદ મળે તેમ હતી. એટલે વીસ બાળકોને રખાય એવું મકાન ભાડે લીધું. પોતાની માતાને બાળકોની દેખરેખ માટે રાખી. ધીરે ધીરે બાળકો વધતાં ગયાં. પરંતુ સરકારી ખાતું. મદદ સમયસર આવે તો જ નવાઈ ! ક્યારેક રસોડાનો આટો જ ખૂટી પડ્યો હોય ! એલિસની સોનાની બંગડીઓ એકેક કરતી હાથમાંથી ઊતરતી ચાલી અને કામ નભતું ગયું. બાળકોને ભણાવવા માસ્તર હતા, પરંતુ લખવા પાટી-પેન નહોતી, તો ધરતીની ધૂળને કામમાં લીધી અને જોતજોતામાં ‘બાલ-રશ્મિ’ના કિરણો ચોમેર ફેલાતા ગયા.

ત્યજાયેલાં બાળકો માટેનું અનાથાલય, આશ્રમશાળા, શિશુ માટે કિલકારી, કિશોરો માટે ‘ભવિષ્ય-નિર્માણ-કેન્દ્ર’ રમતગમત દ્વારા બાળકોને ભણાવવા માટે ખેડીમાં ‘રચનાલય’ નામનું એક કેન્દ્ર પણ આરંભાયું. ‘બાલ-રશ્મિ’ના હરતા-ફરતા દવાખાના દ્વારા 86 ગામોમાં આરોગ્ય-સુધારણાનું કામ પણ ચાલતું થયું. વચ્ચે-વચ્ચે વેગવેગળા રોગોના નિદાન-ચિકિત્સા માટે નેત્રયજ્ઞો જેવા કાર્યો પણ ઉપાડાયા. નારીજગતમાં જાગૃતિ તથા સુધારો થાય તે માટે સ્ત્રી સશક્તિકરણના કામ માટે પણ વિવિધ મહિલાજૂથો નિર્માણ કરાયા. ‘બાલ-રશ્મિ’ સંસ્થા તમામ સરકારી યોજનાઓનો ઉત્તમોત્તમ લાભ વંચિતોને મળે તે માટે ખડેપગે હાજર રહે છે. ક્યારેક અણધાર્યા પડકારો પણ આવે છે. જયપુરના જવાહરનગરની ઝૂંપડપટ્ટી ગંદી નીક પર ઊભી થયેલી. આ જ ઝૂંપડાવાસી મજૂરો દ્વારા એ જ વિસ્તારમાં બે વિશાળ સંકુલો ઊભા કરાયેલા. આ કોમ્પ્લેક્સના એક રસ્તા તથા ગટર પર આ ઝૂંપડપટ્ટી ઊભી થઈ ગયેલી અને સરકારે તેને તોડી પાડવાનો નિર્ણય કરેલો. ઝૂંપડાવાસીએ એલિસના બારણાં ખખડાવ્યાં અને સરઘસ, સૂત્રપોકાર વગેરેની ઝૂંબેશ દ્વારા કામ શરૂ થઈ ગયું. પોલીસ દિવસે ઝૂંપડીઓ પર બુલડોઝર ચલાવે અને લોકો રાતોરાત પાછી એને ઊભી કરી દે. એલિસ સામે તેર-તેર પોલીસ કેસ મંડાયા, પણ ધીરજપૂર્વક બધું કામ પાર પાડ્યું. સરકારી અમલદારોની વચ્ચે એલિસ વાઘણ બનીને ઘૂમતી અને લોકોના સમાન અધિકારો માટે ઝઝૂમતી ક્યારેક કહેતી – ગાંધીબાપુએ પોતે કહ્યું છે કે લોકોને તેમના અધિકાર ભોગવવા દેવામાં નહીં આવે તો ક્યારેક એ પોતે જ તે ઝૂંટવી લેશે. આખરે સરકારને તથ્ય સમજાયું અને તેણે પુનર્વાસ માટે બે જુદા જુદા સ્થળે પ્લોટો ફાળવ્યા. આ પ્લોટોમાં વચ્ચે વચ્ચે મોકળાશ રાખી હારબંધ ઓરડીઓ બાંધવાની જવાબદારી ‘બાલ-રશ્મિ’ને સોંપાઈ અને ઝૂંપડવાસીઓને પાકાં મકાન રહેવા મળ્યા.

‘બાલ-રશ્મિ’ની પ્રવૃત્તિઓ ધીરે ધીરે લોક-પ્રવૃત્તિ બનતી ગઈ એટલે એલિસે પણ કાર્યપદ્ધતિ બદલી. સરકાર કે લોકો પાસે અનુદાન મેળવવાને બદલે લોકો પાસેથી જ ઊઘરાણું શરૂ કર્યું. ભલે એ પ્રતીકરૂપે હોય, પરંતુ પાયો આત્મ-સમર્પણનો. હવે તો સ્વતંત્ર શાળાઓ પણ ઊભી થઈ ગઈ હતી. આરોગ્ય-સુધારણાના કામમાં ‘બાળ-રશ્મિ’ લાગ્યું. એલિસની દીકરી વંદના આ કામ સંભાળે છે અને શક્ય તેટલું લોકાધારિત કામ ચલાવે છે. એલિસની મા કૃષ્ણા તો હવે સૌ કોઈની ‘નાની મા’ બની ગઈ છે. મોટી દીકરી વત્સલા ઘરે રહીને સમગ્ર પ્રવૃત્તિનું કેન્દ્રિય સંચાલન કાર્ય સંભાળતા કહે છે કે હું ક્યાં કશું કરું જ છું. હું તો માત્ર ઘરમાં રહું છું.

પરંતુ ઘર ધીરેધીરે સાચા જ ‘બાલ-રશ્મિ’ ભવનમાં ફેરવાયું. તે માટે ઘરના દર-દાગીના, મોંઘી સાડીઓ, સાયકલ-સ્કૂટર જેવા અનેક સાધનો વેચાયા, પોતે પણ સો રૂ. થી વધારે કિંમતનું કશું નહીં પહેરવાનું નક્કી કર્યું. ધ ફેડરેશન ઑફ ઈન્ડિયન એન્જિનિયર્સ તરફથી એલિસને પચ્ચીસ હજાર રૂપિયાનો એવોર્ડ મળ્યો ત્યારે એલિસે જાહેર કર્યું કે મારી પાસે આ પચ્ચીસ હજાર રૂપિયા છે. મારે બાલ-રશ્મિ માટે 25 વીઘા જમીન જોઈએ. છે કોઈ તૈયાર ? આટલા ઓછા ભાવે કોણ તૈયાર થાય ? અંતે માનસર ખેડીના હરીજીભાઈએ જયપુરથી પચ્ચીસ કિલોમીટર દૂરની ખાડા-ટેકરાવાળી જમીન આપી. પાછળથી બિરલા અને ઓક્સફામ વહારે ધાયા અને બે વિશાળ ખંડો સાથે પાંચ ઓરડા બાંધવાનું કામ સ્વાશ્રયી શ્રમદાન દ્વારા થયું. છાપરું પણ જેમતેમ ઊભું થઈ ગયું, પરંતુ તળિયું કાચું જ હતું અને બાળકો રહેવા આવી ગયાં. ત્યાં સાપ ઉપરાંત સફેદ વીંછી નીકળતા. એલિસ દરવાજા પર સૂતી. જીવનમાં અકસ્માતો તો નડે જ. 1981માં જીપમાં ભયાનક અકસ્માત થયો. એલિસબહેન ત્રીસ ફૂટ દૂર ફેંકાયાં અને હાડકાં તૂટ્યાં, કપાળ પણ ફૂટ્યું. પરંતુ દવાખાનામાં તો ફળ-ફૂલ અને મીઠાઈના પ્રસાદ સાથે સેંકડો લોકો મુલાકાત લેતા રહ્યા. વંદનાના લગ્ન પણ સેંકડો ‘મમ્માઓ’એ ભેળા મળીને રંગેચંગે પાર પાડ્યા. ‘બાળક’ એલિસની નબળી કડી છે. બાળકની સરખી સારસંભાળ ન લેવાતી દેખાય તો એ સેવિકા પર તૂટી પડે. પરંતુ એલિસનો સ્વભાવ નાળિયેર જેવો. બહારથી કઠણ કવચ સમો, પણ ભીતર મીઠું-નિર્મળ નીર સચવાયેલું હોય. એકવાર કિલકારીમાં ડૉક્ટરોએ એક અત્યંત નબળા શિશુની જવાબદારી લેવા ના પાડી, ત્યારે પોતાની પાસે એને છ મહિના રાખી હૃષ્ટપુષ્ટ બનાવી પાછું સોંપ્યું.

1986માં સરકાર તરફથી અચાનક એકસામટા 19 શિશુબાળ આવી પહોંચ્યાં. કુટુંબમાં એક બાળક જન્મે છે તો પણ કેટલી પ્રવૃત્તિ વધી જાય છે, ત્યારે આ તો 19 ટાબરિયાં. આ સામૂહિક શિશુ-આગમનને પ્રતાપે દત્તક આપવાનો કાર્યક્રમ આરંભાયો. ‘દરેક બાળકને પોતાનું ઘર જોઈએ જ. હૈયાની હૂંફ વગર જીવત કોળે નહીં.’ ગાંધીજી-મધર ટેરેસા તો એલિસની શ્રદ્ધામૂર્તિ છે જ, પરંતુ વ્યક્તિગત પ્રેરણા માટે તે મહારાષ્ટ્રના દિવાકર અગાશેને શ્રેય આપે છે. એને મન તેઓ મોટા ભાઈ નહીં, ગુરુ સમાન છે. ‘શાબાશી’ની અપેક્ષા વગર કામ કરતા રહેવાની પ્રેરણા એમની પાસેથી મળી છે. પ્રવૃત્તિઓ તો વિકસતી જ રહેવાની. જેવી રીતે બાળક દિવસે ન વધે તેટલું રાતે અને રાતે ન વધે તેટલું દિવસે વધતું જ જાય, એવું જ પ્રવૃત્તિઓનું છે. શૂન્યમાંથી સૃષ્ટિ પેદા થઈ શકે તેવી એની કરામત છે. એટલે મુખ્ય વાત નિષ્ઠા અને લગનની છે. પોતાનું માનીને જાતને દિવસ-રાત ઘસતા રહીને એલિસે પોતાની આ અજાયબનગરીનો ઉજાસ નિર્માણ કર્યો છે. આરંભના દિવસોમાં તો બાળઘરની એ જ માતા હતી, નર્સ હતી, રસોયણ હતી, કામવાળી હતી. પાછળથી બાળકો ઉપરાંત બહેનોના પ્રશ્નો હાથમાં લેવાયા, ત્યારે તો અમાનુષી અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓના પ્રશ્નો હાથ ધરાયા ત્યારે તો રાતદિવસ એકાકાર થઈ ગયા. એ કહે છે, એશિયાભરનો અમારો સ્ત્રીસમાજ ત્રીજી દુનિયામાં નહીં, ચોથી દુનિયામાં વસે છે. અમારા માટે ગાંધી-ચિંધ્યો માર્ગ જ ખુલ્લો છે. માને કદી સર્વનાથ વહોરતો હિંસાનો માર્ગ ગળે જ ન ઊતરે. એટલે અમને તો ગાંધીમાર્ગ જ મુબારક છે.

એલિસનું સેવાકાર્ય આપણી સમક્ષ લોકશક્તિના પ્રયોગનો માર્ગ ખુલ્લો કરે છે. સરકારો તો આવશે અને જશે, તે તો પોતાની રીતે જ કામ કરશે અને સમાજના પ્રાણભૂત પ્રશ્નો ઠેરના ઠેર રહેશે. એટલે સ્વતંત્ર દેશે તો પ્રજાકીય પ્રશ્નો પોતે જ પોતાના હાથમાં લઈ નિવારવા પડશે. આ જ સાચો નાગરિક ધર્મ છે. કેવળ સંકટકાળમાં રાહતકાર્ય કરી છૂટવાની આ વાત નથી. આપણા માથા પર સંકટના જે કાળાં વાદળ કાયમ માટે ઘેરાયેલા રહે છે તેને વિખેરવાની વાત છે. જનતાની પોતાની એક સ્વતંત્ર લોકસંસદ છે, તેના કાયદાકાનૂન રીતરસમ કેવા નિરાળા હોય છે તેનું ઉજ્જવળ દષ્ટાંત એલિસના જીવનકાર્યમાંથી સાંપડે છે. ગામેગામ આવી એલિસબહેન આગળ આવે તો એને અનુસરવાની મોટી સેના એને મળી જ રહેશે. એલિસને બજાજ કે એવા જ બીજા સો-સો એવૉર્ડો આપી નવાજીશું, તેથી અદકેરી નવાજીશ એના કાર્યને અપનાવી લેવાથી થશે.