વિશ્વાસભંગ – જગદીશ ઓઝા

[રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા માટે વડીલ મુરબ્બી શ્રી જગદીશભાઈ ઓઝાનો (દિલ્હી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 11 22483919, +91 11 23264725 અથવા આ સરનામે jmojha@yahoo.com સંપર્ક કરી શકો છો.]

ઘણાં વરસો પહેલા સિનેમામાં એક પિક્ચર જોયું હતું. ઘણું કરીને સોહરાબ મોદીની ફિલ્મ હતી, જેમાં સોહરાબ કોઇને કહે છે કે ‘વિશ્વાસ કરતા શીખવું હોય તો જાનવરોથી શીખવું.’ આ શિખામણ મારા મનમાં રહી ગઈ અને મારા વરસોના અનુભવથી મને અચૂક સાચી લાગે છે. મને પશુ-પક્ષીઓ પ્રત્યે સહજ લાગણી છે અને મારા નાના ઘરમાં તેઓ નિર્વિઘ્ને ફરી શકે છે. એ એક રહસ્ય જ છે કે તેઓ પણ કેમ આપણાં વર્તન પરથી સહજ જ સમજી જાય છે કે તેમને અહીં કોઈ પજવશે નહીં….. કદાચ પજવણી હશે પણ એ એક ક્ષણિક રમત જ હશે. આવા અદમ્ય વિશ્વાસને ભાંગવુ, વિશ્વાસભંગ નહીં તો બીજું શું ! મારાથી એકવાર અજાણ્યે આમ થયું અને એ અનુભવ મને હમેશા ખૂંચતો રહેશે.

મારા પાસે એક સરસ કૂતરો હતો જેણે લગભગ 15 વરસ સુધી મને સાથ આપ્યો. એના ગયા પછી મેં કૂતરો ન પાળ્યો. કૂતરો ઘણો સ્નેહશીલ અને સ્વામીભક્ત પ્રાણી છે, જે તમને એકનિષ્ઠ સેવા આપે છે. પરંતુ એ પણ ખૂબ સેવા, સંભાળ અને એકનિષ્ઠતા માંગે છે, જે અમારી વધતી જતી ઉંમર, નાના થતા મકાનો અને વધતા જતાં ખર્ચાઓમાં શક્ય નહોતું. અમે નિર્ણય કર્યો કે મૂંગા અનન્ય સ્વામીભક્ત પ્રાણીને એક પીડાદાયક સ્થિતિમાં રાખવા કરતાં ન રાખવું સારૂં. આપણી પોતાની સુવિધા, સગવડ અને રુચિ માટે એક પ્રાણીને સંતાપમય સ્થિતિ માં રાખવું એ તો પાપ જ કહેવાય. એટલે કૂતરો તો ન રાખ્યો પણ જાણે ક્યાંથી એક બિલાડીનું બચ્ચું અમારા ઘરમાં આવી ચડ્યું ! બિલાડીઓ પહેલા પણ આવતી પણ કદાચ કૂતરાના ડરથી ભાગી જતી. પરંતુ હવે તો ઘર એમના માટે ખુલ્લું હતું. તે અવારનવાર આવવા લાગી અને એક નહીં પણ સાથે બે-ત્રણ બીજી પણ હોય જ. અમને ગમવા લાગ્યું ! વખત જતાં બિલ્લીઓએ બચ્ચાં દેવા માંડ્યા અને વસતી વધવા લાગી. એમના અને કૂતરાઓના આચરણ અને બાહ્યવ્યવહારમાં ઘણો ફરક છે. જો કે બિલ્લીઓ પણ અત્યંત સ્નેહમય પ્રાણી છે. એમની દરેક અદા તથા અંગોનું હલન-ચલન અને એમની ચપલતા જોવા જેવી હોય છે. એમની ચંચલ આંખોમાં ગજબનું આકર્ષણ હોય છે.

હું વાત કરવા માગું છું આત્મીયતાની જે જાનવરોમાં સહજ રીતે જ હોય છે. કૂતરા, બિલાડી વગેરે પાલતુ જાનવરોમાં તે જલ્દી વરતાઈ આવે છે અને જલ્દી ઉદભવે છે કારણ કે આ જાનવરો માણસો સાથેના સંપર્કમાં સદીઓથી ચાલ્યા આવે છે. અન્ય પશુઓમાં પણ તે સારા પ્રમાણમાં હોય છે પરંતુ તે સ્પષ્ટ વ્યક્ત થતાં વાર લાગે છે. સામા માણસના એકધારા વિશ્વસનીય વ્યવહારથી જયારે કોઈ પ્રાણી નિ:શંક થઈ જાય છે ત્યારે તે પ્રાણી પૂરી વિશ્વસનીયતા અને એકનિષ્ઠાથી પોતાને સમર્પિત કરી દે છે. એમની દરેક ક્રિયા-પ્રતિક્રિયામાં, વ્યવહાર કે ક્રીડામાં વિશ્વસનીયતા, નિખાલસતા અને પાલનકર્તા પર લાગણી ઝલકતી હોય છે. આવી વિશ્વસનીયતાનો છલ, કપટથી અથવા જાણી-જોઇને પોતાના સ્વાર્થ માટે અથવા બીજાને પાડવા માટે ભંગ તો કેવળ માણસ જ કરી શકે !

થોડાદિવસ થી હું જોતો કે એક બિલ્લી આમ-તેમ આંટા મારતી હતી. જાણે કાંઈ શોધતી હોય. એનું પેટ મોટું થઈ રહ્યું હતું એટલે લાગતું તો હતું કે બચ્ચાં દેવાની તૈયારીમાં છે. અને ખરેખર આગલા દિવસની સવારે મેં જોયું કે મારા સોફા નીચે બિલ્લી સૂતી-સૂતી તાજા જન્મેલા બચ્ચાઓને ધવરાવતી હતી ! હું ધર્મસંકટમાં પડયો. રૂમ બંધ કરું તો માં બચ્ચાઓ પાસે અવારનવાર આવ જાવ ન કરી શકે અને ખાસ કરીને અમને જ્યારે બહાર જવાનું હોય ત્યારે ખુલ્લુ રાખવું શક્ય નહોતું. ખબર નહીં, કેટલા દિવસો આમ વ્યવસ્થા કરવી પડે ! બચ્ચાઓ અને માંને એ સુવિધામાંથી બહાર ખસેડવામાં અમને નિર્મમતા લાગી. મા-બચ્ચાઓને એકબીજાથી દૂર રાખવા એ તો વિચારી જ કેવી રીતે શકાય ?

અમે ઘરની વ્યવસ્થા જ બદલવાનો વિચાર કર્યો અને હમેશાં કોઈ ને કોઈ તો ઘર માં હોય જ એમ ટાઈમટેબલ ગોઠવ્યું. લગભગ મહિનો આમ કરવું પડ્યું પણ વચમાં મા તેના બચ્ચાઓને મોઢામાં પકડીને લઇ જતી પણ સામાન્યતયા તે જ દિવસે અથવા એક-બે દિવસ પછી પાછી લઇ આવતી. સંભવત: આ કુદરતનો પોતાનો જાનવરોને શીખડાવવાનો ઢંગ હતો કે જેથી તે આસપાસના વાતાવરણથી પરિચિત બને. જેમ જેમ બચ્ચાંઓ મોટા થવા લાગ્યા તેઓ વધારે સુંદર અને ચંચલ થવા લાગ્યા. પછી તો રૂમમાં ફરતા, પડતા-આખડતા અને કોઈ કોઈ તો બહાર પણ ફરવા માંડયા. માની સાથે દૂધ પીતા પણ માની નજરોમાં રહેતા. તે બધુંય જોતી રહેતી અને વધારે દૂર જાય અથવા ખતરાની જગ્યાએ જવાનો કે ચડવા-ઊતરવાનો દુ:સાહસ કરે તો તે તરત જ જતી અને મોઢામાં પકડીને પોતાની જગ્યાએ મૂકી દેતી. વખત જતાં બચ્ચાઓ ઘરમાં લગાવેલ નાના વૃક્ષો પર પણ ચડતા, સૂતા, ધાવતા અને આખો દિવસ ગેલ જ કરતા. આમ ઘણા દિવસ ચાલ્યું.

બચ્ચાંઓ મોટા થતા ગયા અને નવા પણ આવતા ગયા. કોઈ રોકાતા ગયા અને કોઈ પોતાની મેળે ચાલ્યા ગયા અને એમ કરીને થોડા વરસોમાં ઘરમાં સાત-આઠ બિલાડીઓ થઈ ગઈ ! દર વાર જ્યારે નવી પ્રસુતિ થતી તેમનો વ્યવહાર બદલાયેલો લાગતો – નવજાત શિશુઓ પાસે ન જાતા, માંની પજવણી ન કરતા, જાણે માં નો આદર કરતા હોય ! માં તરફ જાય તો માં થોડો આકરો અવાજ કાઢે. પહેલા તો મને લાગ્યું કે માં બિવડાવે છે પણ પછી સમજાયું કે આ તો આમની સામાન્ય ભાષા હોય છે. ઘણીવાર આપણે મનુષ્યોના વ્યવહાર, આચરણ કે અન્ય ભાવ-ભંગિમાંઓને પશુઓ પર આરોપીએ છીએ, પણ એ ઘણીખરી ગેરસમજૂતી જ હોય છે. પ્રસંગાનુસાર જાતજાતના અવાજ કાઢવા એ તો મૂંગા પ્રાણીઓની આપસી સંવાદ-પદ્ધતિ હોય છે. અને જુદા-જુદા ભાવો પ્રદર્શિત કરવાની રીત અને આ ભાષા સામાન્ય રીતે સમજવી મુશ્કેલ નથી હોતી. કેટલી જલ્દી અને સરખી રીતે સમજી શકાય એ ઘણું ખરું માણસના પોતાના વલણ અને પશુઓ પ્રત્યે આપણી લાગણી પર નિર્ભર હોય છે.

અન્ય પશુઓની જેમ બિલ્લીઓ ઘણી પ્રેમાળ, સ્નેહશીલ અને ચંચલ તો હોય જ છે, જો કે એ લાગણીઓની અભિવ્યક્તિ બધા પશુઓમાં એક જેવી તો ન જ હોય પણ એ લાગણી જેવી રીતે પણ વ્યકત કરવામાં આવે, એને પરખવામાં કોઈને કદી કોઈ ભૂલ નહીં થાય. એમ જ એમને આપણાં પર પૂર્ણવિશ્વાસ થઈ જાય છે એ પણ ચોખ્ખું જ વરતાઈ આવે છે. માણસો બનાવટ કરી શકે છે, જાનવરો વિશ્વાસ કરશે ત્યારે એ વિશ્વાસ અડિંગ રહેશે. પછી ભલે ને, તેમનો પાલક તેમની સાથે ગમે તે રીતે વર્તે ! આ ભાવ કૂતરાઓમાં તો વધારે સ્પષ્ટ રીતે વરતાય છે પણ બિલ્લીઓ અને બીજા પશુઓમાં પણ પુષ્કળ હોય છે. તેમનો વિશ્વાસ કેટલો ઉંડો હોય છે, એનો અનુભવ આપણને અવારનવાર થતો હોય છે. ઘણીવાર બિલ્લીઓમાં આપસમાં ઝગડા થતા હોય ત્યારે અચાનક એક-બે ભાગીને મારા શરણમાં આવે. આપણી પાસે સુઈ રહે અને ઘણીવાર ઉઠાડો અથવા હેરાન કરો અથવા મારો તોય સળવળે નહીં ! એવા અસંખ્ય અનુભવો જે તેમના પાલનકર્તા પર અદમ્ય વિશ્વાસના પરિચાયક હોય છે. પશુઓ મૂક હોવા છતાં કેટલું અને કેવી રીતે કહી જાય છે, એ એક વિસ્મયકારક અનુભવ છે અને આપન઼ે ઘણું શીખવાનું મળે છે કે વાણી વગર પણ ભાવનાઓને કેવી સરસ રીતે અને વફાદારીથી વ્યકત કરી શકાય. વાણીથી ખોટું બોલાય પણ મૌનમાં એ કૃત્રિમતા નથી.

મારા અનુભવ પ્રમાણે બિલ્લી જયારે બચ્ચાં આપે છે, ત્યારે એનો વ્યવહાર બદલાઇ જાય છે. તે કોઈ એવી જગ્યા ગોતતી હોય છે જે સુરક્ષિત, આરામદાયક હોય. મને લાગે છે જે થોડી અંધારી પણ હોય અને જે બહારના બદલાતા હવામાનથી બચ્ચાઓની સંભાળ રાખી શકે. આવી જગ્યા એને બે-ત્રણ પ્રસૂતિ માટે તો મળી પણ પછી હું એકલો ન આપી શક્યો. મારી પત્ની ગુજરી ગઈ હતી અને મને ઘર બંધ રાખવું પડતું. હું અસમંજસમાં હતો અને કોઈ ઉપાય વિચારતો હતો પણ બિલ્લી તો પ્રસવ વેદનામાં હતી અને સારી જગ્યા ગોતતી જ રહી અને જ્યારે નહીં રહેવાયું તો ખુલ્લામાં જ બચ્ચું આપી દીધું ! પણ રાખવું કયાં ? આંગણાંમાં મેં લાકડાનું એક બોક્સ રાખી દીધું અને તેમાં ગાદીદાર કપડું પાથરી આપ્યું. મા તેના બચ્ચાને લઈને ત્યાં બેસી તો ગઈ પણ વધારે સુરક્ષિત જગ્યા શોધતી રહી. જયારે જ્યારે કોઈ રૂમનો દરવાજો ખૂલતો, ત્યારે ત્યારે તે અંદર આવતી. પણ હું એને અંદર વસવાટ કરવાનો મોકો ન આપતો. ન છૂટકે એ બહાર બોક્સમાં બેસતી પોતાના બચ્ચાંઓને ચાટતી અને ધવડાવતી. એ સ્પષ્ટ દેખાઈ આવતું કે તે સંતુષ્ટ નહોતી. વારે વારે મારી તરફ જોતી અને હું એની આંખોમાં વિનવણી જોઈ શકતો. મને પણ વેદના થતી પણ હું કશું ન કરતો કારણ કે મને ધાસ્તી હતી કે એકવાર તે અંદર બેસી જશે તો હું બંધાઈ જઈશ. મારી પત્નિના મૃત્યુ પછી હું હવે ઘરમાં એકલો જ હતો અને ઘર હંમેશા ખુલ્લું રાખવું એ શક્ય નહોતું. એટલે મેં મને જે ઠીક લાગી એવી સગવડ કરી આપી. પણ મને શું ખબર કે આનું એવું અણધાર્યુ પરિણામ આવશે જે મને હમેશાં સાલતું રહેશે.

મારી એ બિલ્લીએ ત્રણ બચ્ચાંઓ આપ્યા હતાં. એ ત્રણેને તેણે બોક્સમાં રાખી દીધા અને હમેશાં તેની આસપાસ રહીને એની સંભાળ રાખતી પણ તોય તેને ઘણીવાર બહાર જવું પડતું. પોતાનાં બચ્ચાઓને મારા અથવા ભગવાન ભરોસે મૂકીને તે જતી. બીજી બિલ્લીઓ અને તેના પહેલાંના બચ્ચાઓ તો તેની પાસે વધારે નહોતાં આવતા પરંતુ એક બિલાડો વારંવાર ત્યાં ચક્કર લગાવતો. એક દિવસ એક નવજાત બચ્ચાને તે ખાઈ ગયો ! મા આમ તેમ જાય એટલે ખાઈ જાય. એક દિવસ બિલ્લી બચ્ચાંઓને મોઢામાં પકડી બીજે કયાંક લઇ ગઇ. કદાચ વધારે સુરક્ષિત ઠેકાણે રાખવા. પછીથી ખબર પડી કે તે મોટો બિલાડો વાટ જ જોતો હતો કે કયારે મા થોડી ખસે કે હું ખાઈ જઉં અને તે ખરેખર બાકીનાને ખાઈ જ ગયો. બિલ્લી થોડીવાર અવાજ કાઢીને બચ્ચાંઓને બોલાવતી રહી પણ જયારે બચ્ચાઓ તરફથી કોઈ પ્રત્યુત્તર ન આવ્યો ત્યારે બિચારી ઉદાસ અને ગુમસુમ થઈને ફરતી રહી અને પછી બેસી ગઈ !

આ ઘટનાએ મને દુ:ખી તો કર્યો પણ સાથે આ આખાય ઘટનાક્રમમાં મારી ભૂમિકા અને જવાબદારી માટે મને વિચારતો પણ કરી દીધો. બિલ્લીને મારા પર સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો હતો કે ક્યાંય નહીં પણ અહીં તો મને આશ્રય જ નહીં અભય-સ્થાન પણ મળશે. અને આ વિશ્વાસ ઘણી ચકાસણી પછી ઊગ્યો હતો. એને જ્યારે કોઈ સતાવતું ત્યારે તે ભાગીને મારી પાસે લપાઇ જતી. મારી કેટલીયે પજવણીને રમત સમજી નિર્વિઘ્ન સૂઈ રહેતી. દર પ્રસૂતિ વખતે એ બચ્ચાઓને કેવલ મારા પાસે જ રાખીને નિશ્ચિંત થઈને ગમે ત્યારે અને ગમે તેટલા વખત માટે જઈ શકતી. એ વિચારતી હશે કે આ વખતે એવું તે શું થયું કે મારી આટલી અવગણના થાય છે ? તે વારંવાર મારી તરફ કાતર નજરોથી જોતી અને દરવાજો ખુલે કે અંદર ભાગતી અને હું એને બહાર કાઢતો. તેના માટે તો આ મારો વર્તાવ ન સમજાય તેવો હશે પણ મારા માટે તો અત્યંત દુ:ખદાયી હતો. મારા મનમાં કાંઈ કાવતરૂં નહોતું એટલે હું આને વિશ્વાસઘાત તો નહીં કહું પણ વિશ્વાસભંગ તો અવશ્ય છે, જે મને સતત સાલે છે. હું બીજા ઉપાયો પણ વિચારી શકતો હતો જે મેં ન કર્યા. મારા લીધે એને પ્રસૂતિ બહાર કરવી પડી
અને એક-એક કરીને પોતાના બન્ને બચ્ચાં ખોયા. એક તો બોક્સમાં જ અને બીજાને પોતાની સમજ પ્રમાણે વધારે સુરક્ષિત જગ્યાએ લઈ ગઈ પણ ત્યાં પણ એ બિલાડાએ એને ન મૂક્યો !

આટલું છતાં, હજી પણ એ બિલાડી મારા પાસે જ રહે છે. રમે છે, પહેલા જેટલી જ નિશ્ચિંતતા અને આરામથી ઊંઘે છે, પોતાના હાવ-ભાવ, આંખો અને અવાજમાં મારી સાથે વાતો પણ કરે છે…. એ વિશ્વાસ કેટલો ઊંડો હશે અને આને ભંગ કરવો કોને ગમે ! મને લાગે છે કે પ્રાણી-પ્રાણીમાં પરસ્પર વિશ્વાસ, નિર્ભરતા અને સહયોગ સૃષ્ટિ અને સમાજ-સંરચનાનો એક મજબૂત પાયો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એલિસની અજાયબ નગરી – મીરા ભટ્ટ
બગડેલી પેનનું શું કરશો ? – નિર્મિશ ઠાકર Next »   

26 પ્રતિભાવો : વિશ્વાસભંગ – જગદીશ ઓઝા

 1. nim says:

  જગદીશ ભાઈ,
  મને પ્રાણી પ્રેમ ખરો
  પણ બિલાડો નથી ગમતો. એનો અવાજ પણ ઈરીટેટ કરે એવો હોઈ છે.

  બાકી લેખ અદભુત છે એમા બેમત નહી હોઈ શકે.

  ધન્યવાદ
  નિમ

 2. JAWAHARLALA NANDA says:

  તમે કુતરા ને સ્વાન કહિ ને ઉલ્લેખ કરિ શક્યા હોત એમ મને લાગે ચ્હે??

 3. જય પટેલ says:

  રીડ ગુજરાતી પર આ બિલ્લી ઉત્સવ જામતો જાય છે..!!!

  પ્રાણીઓની દૂનિયામાં ડોકિયું કરાવવા બદલ લેખકશ્રીનો આભાર.

 4. જેમ જેમ માનવી વધુને વધુ સંવેદનશીલ બનતો જાય છે તેમ તેમ તેને પોતાની આસપાસનું સર્વ ચૈતન્યમય અનુભવાતું જાય છે. માનવ – માનવ વચ્ચે સંવાદિતા સધાયા બાદ , માનવ – પ્રાણીઓ વચ્ચે પણ સંવાદિતા સાધી શકાય છે અને ત્યાર બાદ માનવ – વનસ્પતિ તથા ત્યાર બાદ માનવ સમગ્ર સમષ્ટિ સાથે સંવાદિતા સાધીને એક અખંડ અવર્ણનિય વ્યાપક ચેતનાનો અનુભવ કરીને તે ધન્યતા અનુભવે છે.

  સારો સંવેદનશીલ લેખ.

 5. Dhaval B. Shah says:

  ખૂબ સરસ.

 6. dr sudhakar hathi says:

  khub sundar lekh manav swbhav aapane janishakta nathi parantu prani no swbhav avlokan kariye to jani shakay chhe prani o ne palva e tena par julm karva jevu chhe tene kudarati vata varan ma raheva devu joiye khubaj saras lekh

 7. nayan panchal says:

  ખૂબ સંવેદનશીલ લેખ.

  આવો જ એક લેખ રીડગુજરાતી પર રીનાબેનનો માણ્યો હતો. એકવાર પાલતુ પ્રાણીઓનો વિશ્વાસભંગ થયા પછી તેઓ પણ પૂરેપૂરો વિશ્વાસ મૂકી શકતા નથી.

  બિલાડીને નજીકથી જોવી પણ એક લ્હાવો છે, એકદમ છટાદાર. વાઘની માસી ખરીને.
  સુંદર લેખ બદલ આભાર,
  નયન

 8. dipak says:

  very nice true story.

 9. Veena Dave, USA says:

  સરસ લેખ.

 10. dineshtilva says:

  DAREK PASHU NE BHAGVANE MANS JATI NE UPYOGI J BANAVYA. TEMA PAN ગીર ગાય VISHE JANVA ATHAVA TENA GHEE TEMAJ TENA GAUMUTARA NA PRAYOG JANVA MANE JANAVSHO TO GUJARATI NI NAI PUSTIKA FREE MOKALISHU.

 11. AJAY KHONA says:

  મારા કાકા (uncle) પાસે પણ ૨- ૩ બિલાડી છૅ, આવો જ કઇ અનુભવ્ એમને પણ થયેલો. લેખ જુની યાદ અપાવી ગયો.

 12. sumi says:

  ખૂબ સરસ
  enjoyed the story
  keep writing

 13. sakhi says:

  Very nice toching story

 14. Dhwani Mankodi says:

  EACH WORD OF THE STORY IS A TOUCHY. ONCE WE HAD 8+ CATS IN MY IN LAWS HOUSE. CATS ARE VERY FUSSY FOR FOOD AND VERY FOND OF THEIR MASTER. OUR CATS WERE PREFER TO EAT GANTHIYA FROM PARTICULAR SHOP AND MUST BE FRESH ONE. SOME WERE LIKE TO EAT ROTLI TE PAN GARAM GARAM.OVER ALL WE HAD FUN WITH CATS.

 15. Vraj Dave says:

  સરસ લેખ !! !! !! !!.

 16. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  ખૂબજ હૃદયસ્પર્શી ઘટના.
  બિલાડી પણ મુ. જગદીશભાઈની લાચારી સમજી એમના સાનિધ્યમાં રહી એ મોટી કૃતજ્ઞતા!!!!!!!

 17. Naresh (DXB) says:

  ખુબ સવેન્દન્શિલ્

 18. બહુ સારો લેખ્…

 19. Vipul Panchal says:

  સરસ લેખ્…..

 20. preeti dave says:

  સરસ લેખ્….. જગદીશભાઈ,

  દિલ થી લખેલી વાત તો બધા ને સ્પર્ષે જ..જે લોકો પ્રાણી ઓ ને ” ઢોર” ગણે છે, એ પણ આ લખાણ વાઁચ્યા પછી સાવ ભોળકાઁ એવા પ્રાણી ઓ સાથે કદાચ સ્નેહતઁતુ થી બઁધાય શકશે..

  @ જવાહર ભાઈ- “તમે કુતરા ને સ્વાન કહિ ને ઉલ્લેખ કરિ શક્યા હોત એમ મને લાગે ચ્હે??” (આપે અતરાપિ બહુ પ્રેમ થિ વાઁચી લાગે છે.. ઃ) પણ સારમેય ને માળી એ જ તો કિધુ તુઁ ” કુત્તે ઔર સ્વન મે ફર્ક ક્યા કરના?? ફુલ ઔર પુશ્પ મેઁ ભી ભલા કોઇ ફર્ક કર્ને લગેગા… ઃ))

 21. Jagdish Buch says:

  Humanbeing will have to learn somany .thing from animals . excellent article. Jagdish Buch

 22. Chirag Patel says:

  Now look what you made me do!!!! Now I got to find some kittens!!!!

  Good artical…

  Thank you,
  Chirag Patel

 23. amol says:

  હ્યદયસ્પર્શી વાર્તા…..
  આભાર…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.