બગડેલી પેનનું શું કરશો ? – નિર્મિશ ઠાકર

[ નિર્મિશભાઈ ઠાકરના હાસ્યલેખોના સુપ્રસિદ્ધ પુસ્તક ‘નિર્મિશાય નમ:’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@hotmail.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 068હાલ મગજ પણ બગડેલી પેન જેવું થઈ ગયેલું છે, નહીં તો સવારના પહોરમાં આવો વિષય સ્ફુરે નહીં ! હવે તો આખો દા’ડો બગડવાનો. વિચારોના છાંટા ઊડ્યા કરશે, પણ લેખમાં સાતત્ય નહીં આવે, જોજો તમે ! હાલ દોઢ ડઝન બગડેલી પેનો લઈને આ લેખ લખવા બેઠો છું અને વાક્ય દીઠ સાત-આઠ પેનો વારાફરતી વાપરીને (વારાફરતી જ વપરાયને, એકસાથે થોડી વપરાય !) જેમતેમ લેખમાં આગળ વધી રહ્યો છું. હું એ પણ જાણું છું કે પેન પર વધુ પડતો ભાર દેવાને કારણે કાગળ પર જે રીતે કાપા પડી રહ્યા છે, એથી તો લેખ પૂરો થતાં સુધીમાં કાગળ પણ દૂધી છીણવાની છીણી જેવો થઈ જશે, પણ શું થાય ? બગડેલી પેનની કૃપાથી એટલો સમય પણ મળી જતો હોય છે કે મૂળ વિષય બાજુ પર મૂકી તમે બગડેલી પેન વિષે જ વિચારવા લાગો !

બગડેલી પેન કરતાં બગડેલું સ્કૂટર સારું. ભલે ફેફસાં ઊંચા આવી જતાં હોય, પણ બગડેલું સ્કૂટર તાણવું સહેલું પડે, કારણ કે એમ કરતાંયે બગડેલા સ્કૂટર સાથે આગળ તો વધી શકાય છે ! પેન, માટે એવું નથી. પેન તો કાગળ પર જે સ્થાને બગડીને અટકી પડે, ત્યાંથી એને તાણીને આગળ વધી શકાતું નથી. એ ફરી ચાલુ થાય તો જ આગળ વધી શકાય છે. મારા લાં….બા અનુભવને આધારે હું એટલું કહીશ કે બગડેલી પેનને ચાલુ કરવા મરણિયા પ્રયત્નો ચાલુ રાખવા, પણ પેનને ફેંકી ન દેવી.

બગડેલી પેનને ફેંકી ન દેવી કારણ કે એને ખરીદવામાં આપણે પૈસા પણ બગાડ્યા હોય છે. વળી, ભેટમાં આવેલી પેન (જે બગડેલી જ હોય છે) ફેંકી દેવામાંયે મોટાં જોખમ હોય છે. ‘આપણા બાપનું શું જાય છે, લેએએ…..’ એમ બોલીને મેં ભેટમાં આવેલી અને બગડી ચૂકેલી એક પેનને બારી બહાર ફંગોળેલી. થોડી વારે એક મોટી મૂછોવાળો દૂધવાળો ભૈયો અમારે ત્યાં પ્રગટ થયેલો. ‘ઈ પૈન અબ આપ કો દેઢ સૌ મેં પડેગી…’ કહી એણે મૂછો આમળી લીધા પછી દૂધના મોટા બોઘેણામાંથી મારી પેન કાઢી આપેલી. આશ્ચર્યની વાત તો એ હતી કે મારા ઘરમાં જે પેન અટકી પડેલી, તે એના બોઘેણામાં પડ્યા પછી ચાલુ થઈ ગઈ હતી. ભૈયાએ મોટા ડોળા કાઢતાં મને જણાવેલું કે કથ્થાઈ રંગની શાહી જો દૂધમાં પ્રસરે તો એને ચા તરીકેય વેચી શકાય, પણ આ દૂધનું શું કરવું, આ તો તમારે ખરીદવું જ પડશે ! મેં બોઘેણામાં જોયું તો ભૂરા રંગનું પાતળું દ્રાવણ હિલોળા મારતું હતું ! એ ભૈયાને દોઢ સો ચૂકવ્યા પછી એ પેન વડે સફેદ અક્ષરોમાં લખાવું શરૂ થયેલું, કારણ, પેનમાં દૂધ ભરાઈ ગયું હતું. ટૂંકમાં, સફેદ કાગળ પર લખી શકાતું, પણ વાંચી શકાતું નહીં. માત્ર મારે જ આવું બન્યું છે એમ નથી, જોખમો તો સર્વત્ર છે. મારા મિત્રે ભેટમાં આવેલી (અને બગડી ચૂકેલી) પેનને ઘરની બહાર ફેંકી ત્યારે એક સન્નારીના અંબોડામાં ભરાઈ ગયેલી. ત્યાર પછી આખો મામલો છેડતીના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં ગયેલો. ત્યાં અમારા મિત્રે માફીપત્ર લખી આપવા પેલી અંબોડાવાળી પેન પાછી માગેલી અને એ ચાલુ પણ થઈ ગયેલી. નિષ્કર્ષ એટલો જ કે બગડેલી પેનો અળવીતરી પણ હોય છે, માટે એને બને ત્યાં સુધી આડીઅવળી ફેંકવી નહીં.

બગડેલી પેનને ચાલુ કરવા આપણી પાસે અમુક ઉપાયો તો છે જ. સહેલો અને અતિલોકપ્રિય ઉપાય તો એ જ કે પેનને હાથમાં લઈ થર્મોમીટર ઝાટકતા હોઈએ તેમ ઝાટકા મારવા. જ્યારે શક્તિશાળી હાથે નબળી પેન ઝટકાય છે ત્યારે એનાં ધડ-માથું અલગ થઈ જતાં હોય છે, એટલે એ સંજોગોમાં પેનની તબિયતના હિસાબથી ઝાટકા મારવા. જ્યારે નબળા હાથે શક્તિશાળી પેનને ઝટકાય છે, ત્યારે હાથમાં ગોટલા બાઝી જતા હોય છે. એ સંજોગોમાં બને તો રોજ દંડ જેવી કસરત કરીને હાથને મજબૂત કરી લીધા પછી જ નિરાંતે ઝાટકા મારવા… અને ઝાટકા મારીને થાક્યા પછી હાથ પર હળવા હાથે માલિશ કરાવવી. આ ઉપાયથી પેન થોડો સમય કદાચ ચાલુ થાય પણ ખરી…. મારા એક મિત્રે તો એમ પણ સૂચવેલું કે બગડેલી પેનને પાણીમાં નાંખીને ઉકાળવી. જોકે એમ કરવા જતાં એક વાર મારી આખી પેન પીગળીને ગઠ્ઠો બની ગયેલી ને થઈ આવેલું કે હુંયે ઊકળતા પાણીમાં કૂદી પડું ! જો ઉધરસ ન ચડી જતી હોય, તો બગડેલી પેનમાં ફૂંકો પણ મારી શકાય. આ આંતરડાં ઊંચાં લાવનારો ઉપાય છે, પણ બહુ વિશ્વાસપાત્ર નથી.

પેન ચાલુ કરવાના ઉપાયરૂપે મેં એક નવતર પ્રયોગ પણ કરી જોયેલો, જે થોડો જોખમી પણ છે. એમાં આમ તો ખાસ કાંઈ કરવાનું હોતું નથી. બગડેલી પેનનું મોઢું નીચું રહે (નિષ્ફળ ગયેલાંઓનાં મોઢા નીચાં હોય તે જ શોભે !) તે રીતે ઝાલીને આપણે ચાળીસ-પચાસ કૂદકા મારવા. ભૂખ્યા પેટે આ પ્રયોગ કરશો તો ચક્કર આવશે અને ખાધા પછી તરત કરશો તો ખાધેલું ગળે આવી જશે ને પેટમાં દુ:ખાવો ઊપડશે. એટલે ખાધા પછી દોઢ-બે કલાકે આ પ્રયોગ કરી શકાય. તમે જો ફલેટમાં ઉપરના માળે રહેતા હશો તો નીચે રહેતા પાડોશી સાથે ઝઘડો થવાના સ્કોપ ખરા. એટલે તો કહ્યું કે આ પ્રયોગ જરાક જોખમી છે…. પણ એ ક્યારેક ‘અણધાર્યા’ પરિણામ આપી શકે છે. આમ, તમે જોઈ શકશો કે કોઈ પણ ઉપાય સંપૂર્ણ વિશ્વાસપાત્ર તો નથી જ. પણ એમ તો કોઈ પેન પોતે પણ ક્યાં વિશ્વાસપાત્ર હોય છે !

ઘણી વાર તો બગડેલી પેન નિમિત્તે ઊંડા ચિંતનમાં પણ સરી જવાય છે. બગડેલી પેન અનેક પ્રશ્નો ઊભા કરે છે, તો ઊંડા ચિંતનમાંથી એના ઉત્તરો પણ જડતા હોય છે. બગડેલી પેન દ્વારા ઊભા થયેલા કેટલાક પ્રશ્નોના મારા ચિંતનમાંથી જડેલા જવાબો આપણે જોઈએ, જેથી તમે પણ એને આધાર બનાવી, વધુ ઊંડું ચિંતન કરી શકો. (અલબત્ત, એનાથી પેનની સ્થિતિમાં કોઈ ફરક નહીં પડે, પણ ઊંડું ચિંતન કરી શક્યાનો એક વધુ ઊંડો સંતોષ તમને અવશ્ય મળશે.)

પ્રશ્ન : પેન એટલે શું ?
ઉત્તર : અરે, ફટકી ગયું છે કે શું ? એમ તો છેક બ્રહ્માંડ એટલે શું – સુધી પહોંચી જવાશે ! મૂળ વિષયને વફાદાર રહેતાં શીખો ! આપણે બગડેલી પેન વિશે ચિંતન કરવાનું છે, ખોટાં ચિંતનો કરી આડે પાટે ચડવાનું નથી.

પ્રશ્ન : ઓકે, તો…. બગડેલી પેન એટલે શું ?
ઉત્તર : જે સુધરેલી નથી તે !

પ્રશ્ન : પેન શા માટે બગડે છે ?
ઉત્તર : હાલ સમય નથી બગડતો ? દુનિયામાં શું નથી બગડતું ? દાખલા તરીકે જૂનું અથાણું, નવી પેઢી વગેરે ઘણું બધું બગડતું હોય છે ! વિશાળ દિલ રાખીને વિચારવું કે પેન એ કોઈ અપવાદ નથી. વધુ વિચારવાથી જો મગજ બગડી શકતું હોય તો વધુ લખવાથી પેન ન બગડે ? વધુ વિચારી જુઓ તો !

પ્રશ્ન : પણ પેન તો જલદી બગડી જતી હોય છે, ક્યારેક તો એક શબ્દ લખીએ એ પહેલાં તો પેન બગડી જાય છે, એનું શું ?
ઉત્તર : ક્યારેકની વાત ક્યારેક સુધી જ રાખવી. એમ તો ક્યારેક એવો મિત્ર પણ મળતો હોય છે જે માનવનો આકાર ધરાવતો હોય છે પણ એમાં માનવતા હોતી નથી ! તો પછી પેનનો આકાર ધરાવતી વસ્તુ ક્યારેક પેનતા ન ધરાવતી હોય, એવું પણ બની શકે ! સત્તર વાર કહ્યું કે ખોટા ખેંચાયા વિના વિશાળ દિલ રાખી વિચારવું !

પ્રશ્ન : વિશાળ દિલ એટલે શું….મ….માફ કરશો…. પ….પેનને સંપૂર્ણપણે સુધારી નથી શકાતી, એવું કેમ ?
ઉત્તર : તમારા બાબલાને સંપૂર્ણપણે સુધારી શકો છો ? અરે ખુદ તમારી જાતને… જવા દો, વધુ ના બોલાવશો !

પ્રશ્ન : તો બગડેલી પેનનું શું કરવું ?
ઉત્તર : થાકો ત્યાં સુધી એની સાથે માથાં ફોડવાં અને ત્યાર પછી કોઈને ભેટમાં આપી દેવી.

….તો વાચકમિત્રો, ચિંતનમાંયે તમે ગમે એટલાં માથાં ફોડો, બગડેલી પેનનો તો કોઈ સંપૂર્ણ ઈલાજ છે જ નહીં. અંતે કાંઈ જ નિષ્કર્ષ નીકળતો નથી. તમારો સમય બગાડ્યા બદલ મને માફ કરશો. મારે થોડીક પેનો ભેટમાં આપવાની છે. તમે લેશો ?

[કુલ પાન : 114. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિશ્વાસભંગ – જગદીશ ઓઝા
વૃંદાવન મોરલી વાગે છે ! – સતીશ ડણાક Next »   

25 પ્રતિભાવો : બગડેલી પેનનું શું કરશો ? – નિર્મિશ ઠાકર

 1. જય પટેલ says:

  પેનકથા કંઈ જામી નહિ..!!

 2. મસ્ત એક્દમ…. !! 😀

  હાસ્યની સાથે થોડાં ફીલોસોફીકલ સત્યો પણ માણવા મળ્યાં…

 3. kumar says:

  પેનને ઘરની બહાર ફેંકી ત્યારે એક સન્નારીના અંબોડામાં ભરાઈ ગયેલી……….નિશાન અચુક લાગે છે. ઃડ્

 4. પેનને છોડો – કોમ્પ્યુટર અને પ્રિન્ટર વસાવી લ્યો.

 5. Sarika Patel says:

  one time readable

 6. ‘ઈ પૈન અબ આપ કો દેઢ સૌ મેં પડેગી…’ હા હા હા….

 7. ઈ પૈન અબ આપ કો દેઢ સૌ મેં પડેગી…ખુબ સરસ્….

 8. nim says:

  સવાલ બગળેલી પેન નો નથી સવાલ પેન ના દેખાવ નો છે
  તેથી જ પેન બગળેલી હોઈ છતાંય કોઈ કોઈ ને પેન કલેક્શન નો શોખ હોઈ છે.

  તાત્પર્ય આજ થી જાત જાત ની અને ભાત ભાત ની પેન કલેક્શન શરુ કરીયે.
  બાકી લેખ સુંદર હતો

  ધન્યવાદ

  નિમ

 9. ISHVAR H CHAUDHARI says:

  સરસ

 10. nayan panchal says:

  નિર્મિષભાઈ પાસેથી હંમેશા ઉંચી અપેક્ષાઓ હોય છે, ગનપત હુરટી પણ હોત તો મજા આવી જાત.

  નિર્મિષભાઈનુ નાટક સુરતમાં ભજવવાનુ શરૂ થાય છે તો તે બદલ અભિનંદન.

  બસ વાટ પૂરી.
  નયન

 11. Dhwani Mankodi says:

  now a days pens are for collection only as nim said. article is good pan pet pakdi ne hasvu n aavyu.

 12. બગડેલી પેને સવાર સુધારી!
  પેન પુરાણ પણ આટલુમ સ-રસ હાસ્યમય બનાવે એ જ નિર્મિષભાઈ ખુબીલીટી…

  થોડું અલગ રીતે હસવું હોય તો ઉપર મારા નામ પર ક્લિક કરતાં મારી હાસ્ય કથા વાંચી શકાશે.

 13. Harshad Patel says:

  Keep on using pen! Do not buy computer and may be good in writing but chances are it may collapse!!

  Enjoyed the article.

 14. anju says:

  સરસ લેખ ,
  પણ nirmish bhai બિજા લેખ જેમ હસિ ન સકાયુ

 15. ઈન્દ્રેશ વદન says:

  લેખ નું પહેલુ વાક્ય જ લેખ અને લેખક વિષે બધુ કહી દે છે. 🙂

  લેખકને એટલું જ કહેવાનુ કે, take a break and write something better, or give us a break.

 16. વલ્લભ says:

  લેખમાં બિલ્કુલ દમ નહોતો – તદ્દ્ન વાહિયાત લેખ!

 17. Dakshesh says:

  Can anybody write with the spoiled Pen….?????

  Think over…….
  …..
  1

  2

  3

  4

  5……

  O.k. The answer is Yes….

  Write using carbon paper……!!!!!!

  Enjoy…. Dakshesh

 18. Pravin Shah says:

  એક નાનકડા વિષય પર ખુબ સરસ હાસ્ય નિપજાવ્યુછે

 19. mahek says:

  ખુબ સરસ્….. i like it!!!

 20. Jigish says:

  ખુબ જ સરસ !!! અમુક મિત્રો લેખને સમજીના શક્યા તે સમજી શકાય છે. દરેક્માં સર્જનાત્મકતાની કદર/આદર કરવાનો વિવેક નથી હોતો. પણ લેખક કે લેખ વિશે ઉતરતું બોલવું તે ધ્રુણાસ્પદ છે. દરેક ભણેલો ગણેલો નથી હોતો મારા ભાઈ !!!

  • છોટા ચક્રી says:

   સાચી વાત છે. jigishbhai
   કહે વાય છેને
   બુદ્ધીની વાત બુદ્ધીશાળી જ સમજી શકે..
   બગડેલી પેનમાં હાસ્ય શોધી શકે એ ખરી વાત છે ને…..

 21. Ashish Dave says:

  Nirmeshbhai has written some fantastic articles with Ganpat Surati. I really enjoy him in Divyabhaskar…

  Ashish Dave
  Sunnyvale, California

 22. Dhiren Shah says:

  Nice Article… The writing style is like Jyotindra Dave.. (remember an article about ‘soy’ )

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.