- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

સાચા પોલીસમેન – દિવ્યકાન્ત પટેલ

[રીડગુજરાતીને આ સત્યઘટનાત્મક કૃતિ મોકલવા માટે દિવ્યકાન્તભાઈનો (શિકાગો, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : dkpatel1980@gmail.com]

[1]
બે વર્ષ પહેલાં હું મીઠાખળી અન્ડરબ્રીજ લ્યુના ઉપર પાસ કરી રહ્યો હતો ત્યારે બપોરે ખાસ ટ્રાફિક નહોતો. તે સમયે સામેથી બે વિદ્યાર્થીનીઓ સ્કુટી પર આવી રહી હતી. કોઈ કારણસર સ્કુટીનું બેલેન્સ ન રહ્યું અને ચલાવનાર વિદ્યાર્થીનીએ બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધું. ગમે તે થયું પણ એ સ્કુટી મારા લ્યુના સાથે જોરથી ભટકાયું અને હું રસ્તા પર પછડાયો. અકસ્માત એવો ભયંકર હતો કે હું બેભાન થઈ ગયો. પેલી વિદ્યાર્થીનીઓ પણ પડી અને એકના માથામાંથી થોડું લોહી નીકળ્યું. બરાબર એ સમયે ત્યાંથી એક પોલીસ પસાર થતો હતો. એ તરત જ સામેની દુકાનમાંથી પાણી લાવ્યો અને દુકાનદારો પણ એની મદદે આવ્યા. મારા માથામાં પુષ્કળ વાગ્યું હતું. બે હાથે ફ્રેકચર હતાં. એણે મારા માથા પર થોડું પાણી રેડ્યું. હું બેભાન અવસ્થામાં કંઈક બબડ્યો. એણે રિક્ષા ઊભી રખાવી અને એના ખોળામાં માથું મૂકીને મને સુવાડ્યો.

પેલી વિદ્યાર્થીનીબેનનો સ્કુટી નંબર, નામ-સરનામું લઈ લીધું અને તેને પણ પાટો બંધાવા કહ્યું. પરંતુ તેઓએ ના પાડી. તેઓ સ્કુટી ચાલુ કરીને ઘેર ગઈ. આ બાજુ, પોલીસમેને મને વી.એસ. હૉસ્પિટલમાં દાખલ કર્યો. દાખલ કરતાં પહેલાં એણે મારી બેગમાંથી રૂ. 10,000ની રોકડ રકમ, મારી આંગળીની અડધા તોલાની વીંટી, બેગમાંના અગત્યના કાગળો કાઢી લીધા અને બેગ પણ પોતાની પાસે સાચવીને રાખી. બેગમાંથી મારો ફોનનંબર લઈને મારા બંગલે ફોન કર્યો. માથામાં લોહીની ગાંઠ થવા માંડી હતી. મારા પુત્રે આવીને તરત પૂછ્યું કે ટ્રીટમેન્ટ કેમ આપતા નથી ? ત્યારે ‘ડૉક્ટર હજુ આવ્યા નથી’ એવો જવાબ મળ્યો. મારા પુત્રએ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનું લખી આપ્યું અને અમે જ્યારે એમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલમાં જવા તૈયાર થયા ત્યારે પેલા પોલીસમેને મારા પુત્રને બેગ, રોકડ રકમ, વીંટી. અને કાગળો સહિત બધું જ આપી દીધું અને કહ્યું કે આ બધું મેં સાચવી રાખ્યું હતું, જરા તપાસી લેજો. મારા પુત્રએ તે પોલીસ સહાયકને ઈનામ આપવા માંડ્યું ત્યારે એણે સાફ ના પાડી કે મેં તો મારી ફરજ બજાવી છે. તેમ છતાં એ પોલીસમેન જ્યારે નીકળવાની તૈયારીમાં હતો ત્યારે મારા પુત્રે ઈનામની થોડી રકમ એની જાણ બહાર એના પાટલુનના ખિસ્સામાં સરકાવી દીધી.

અમે ખાનગી હોસ્પિટલ પહોંચ્યા કે તરત તે પોલીસમેન ત્યાં આવી પહોંચ્યો. એણે અમને ક્લેઈમ મેળવવા માટે પોલીસકેસ કરવાની સલાહ આપી. ડૉક્ટરે પણ અમને એ સૂચન કર્યું. છેવટે અમે તૈયાર થયા અને એ ભાઈએ અમારો પોલીસ કેસ લખ્યો અને સહી કરાવી. અમે તેઓનું નામ પૂછ્યું પણ તેમણે અમને બતાવ્યું નહિ. થોડા સમય બાદ જ્યારે એ પોલીસમેન ચા પીવા નીચે ઊતર્યા ત્યારે ખિસ્સામાં હાથ નાખતા તેમને ખ્યાલ આવ્યો કે આ ઈનામની રકમ એમના પુત્રે મૂકી દીધી લાગે છે ! મારો પુત્ર દવા લેવા નીચે આવ્યો એટલે તેઓ તરત ઉપર આવીને છાનામાના મારા ઓશિકા નીચે એ ઈનામની રકમ પાછી મૂકીને જતા રહ્યા.

આજના સમયમાં પોલીસમેનને લોકો લાંચિયા અને હેરાન કરનાર તરીકે જુએ છે પરંતુ મારા કેસમાં ઈશ્વરે સાચો પોલીસ સહાયક મારી પાસે મોકલ્યો હતો. તેઓએ કોઈ પણ આશા વગર જે માનવતા દાખવી, સાચી સલાહ આપી અને સમયસર મદદ કરીને મારી જિંદગી બચાવી તેને કેમ કરીને ભુલાય ? આજે બે વર્ષ થયાં તે છતાં એ પોલીસ સહાયકને હું અવારનવાર યાદ કરું છું. જ્યારે પણ કોઈ પોલીસમેનને જોઉં ત્યારે મને એમની યાદ આવે છે. મેં અને મારા પુત્રએ તેમને શોધવાના અનેક પ્રયત્નો કર્યા પણ હજુ સુધી શોધી શક્યા નથી.

[2]
વર્ષો પહેલાંની વાત છે. હું મારા મિત્રો સાથે ટ્રાવેલ કંપની મારફતે રેલ્વેના રીઝર્વ કોચમાં દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યો હતો. યાત્રામાં અમારે કન્યાકુમારી મોટરમાર્ગે જવાનું હતું એટલે એક સાંજે અમારો કોચ તિરૂનવેલી જંકશને રોકાયો. રાત્રે ડબ્બામાંથી અમે મિત્રો સ્ટેશન બહાર ખરીદી માટે નીકળ્યા. પાછા ફરતાં સ્ટેશનની બહાર એક ચાના સ્ટૉલ પર અમે કૉફીનો ઑર્ડર આપ્યો. ભૂલમાં એણે ચા બનાવીને મોકલી. અમારામાંથી એક જણે ચાખી અને ચા પાછી મોકલી તથા કોફી મંગાવી. દસ રૂપિયાની નોટ આપતાં સ્ટૉલવાળાએ ચા અને કોફી બંનેના પૈસા કાપ્યા. અમે કારણ પૂછતાં સ્ટૉલવાળો ગુસ્સે થઈ ગયો અને બોલાચાલી વધી પડી ! અમારામાંના એકને તે મારવા ધસી આવ્યો. એણે એક બૂમ પાડતાં આજુબાજુમાંથી કુલી, રીક્ષાવાળા એવા સો માણસોનું ટોળું અમને ઘેરી વળ્યું. એક તો રાત્રીનો સમય, અમે અજાણ્યા અને ડબ્બામાં રહેલાને આ ઘટના બની છે એની ખબર નહોતી. વળી, અમારા દરેકના ખિસ્સામાં મોટી રકમ પણ હતી. અમે હેબતાઈ ગયા.

ત્યાં તો મોટેથી હિંદી બોલતો એક યુવાન ટોળામાંથી માર્ગ કરીને આવ્યો અને અમને બહાર કાઢ્યા. તે કોઈ ટેક્ષી ડ્રાઈવર હતો. માંડ માંડ અમે બચ્યા. પરંતુ એણે અમને કહ્યું કે પેલા સ્ટૉલવાળાએ ગુસ્સામાં એવી ધમકી આપી છે કે રાત્રે તમારો ડબ્બો સળગાવી નાખશે. અમે વધુ ગભરાયા. એટલામાં અમે રેલ્વે પોલીસ સ્ટેશનનું બોર્ડ જોયું. થોડીક હિંમત આવી. ત્યાંના પોલીસ ઑફિસરને અમારો પરિચય આપીને બનાવની હકીકત કહી. પ્રથમ તો એમણે અમને શાંતિથી બેસાડ્યા, કોફી મંગાવી અને તુરંત બે કોન્સ્ટેબલને અમારા ડબ્બાની ચોકી માટે મોકલ્યા. એ પોલીસ ઑફિસરે કોઈને ફોન કરીને તમિલ ભાષામાં વાત કરી. ‘બધા તમિલિયનો આવા નથી હોતા’ એમ કહીને તેમણે અમને શાંતિથી સૂઈ જવા જણાવ્યું.

સવારે અમે જોયું તો બે નવા પોલીસ કોન્સ્ટેબલ રક્ષણ માટે હતા. અમે તૈયાર થઈને સ્ટેશન બહાર મોટરમાં બેસતા હતા ત્યાં પેલો રાતવાળો ટેક્ષી ડ્રાઈવર દોડતો આવીને બોલ્યો : ‘બાબુજી, તમે એવું તે શું કર્યું કે રાત્રે જ પેલા સ્ટૉલવાળાને પોલીસ હાથકડી પહેરાવીને લઈ ગઈ ? પોલીસે એને લોકઅપમાં પૂર્યો છે. જામીન પર પણ છોડ્યો નથી. અને પોલીસે એવું કહ્યું છે કે યાત્રાળુઓની ટ્રેન ઉપડશે પછી જ એને છોડશે.’ અમે મનોમન એ મહાન ઑફિસરને વંદી રહ્યા. મને લાગ્યું કે ગુનો રેલ્વે હદની બહાર બન્યો હશે એટલે કદાચ ફોન કરીને ઑફિસરે પોતાના ઉપરી પાસેથી એ વ્યક્તિને એરેસ્ટ કરવાની ભલામણ મેળવી લીધી હશે. અમે મિત્રોએ તે પોલીસમેનને કંઈક આપવા વિચાર્યું.

સાંજે અમે કન્યાકુમારીથી પાછા આવી એ ઑફિસરને મળવા પોલીસ સ્ટેશન ગયા તો તેઓ હતા નહીં. ટ્રેન ઉપડવાને અડધો કલાકની વાર હતી. અમે કાગડોળે એમની રાહ જોતા ઊભા હતા. છેવટે તો ફક્ત પાંચ મિનિટ જ બાકી રહી અને તેઓ અમારી તરફ દોડતા આવતા જણાયા. અમે દરેકે એમની સાથે હાથ મિલાવ્યા. એમણે યાત્રા અંગે પૂછ્યું અને તકલીફ બદલ માફી માગી. એમના ચહેરા પર ક્યાંય કોઈ અપેક્ષા કે માગણીના ચિન્હો જણાયા નહીં. અમારી પણ હિંમત ન થઈ. ટ્રેને વ્હીસલ મારી. ટ્રેન ઉપડી અને તેઓ અમારાથી અદશ્ય થયા. ત્યાં સુધી અમે સૌ પરસ્પર હાથ હલાવતા રહ્યા. અમારા માટે તે દિવસે તિરૂનવેલી જંકશન તથા એ રેલવે પોલીસ સ્ટેશન યાત્રાધામ બની ગયું, અને તે મહાન, ભલા અને બાહોશ પોલીસ ઑફિસર જાણે કે અમારા માટે ભગવાન બની રહ્યાં !