આનંદ – માનવ પ્રતિષ્ઠાન

[આલેખન : મૃગેશ શાહ]

આનંદ એ પ્રાણીમાત્રનો સ્વભાવ છે. આ જગત જાણે કે આનંદના સુત્રથી પરોવાયેલું છે. પશુ-પક્ષીથી લઈને મનુષ્ય સુધીની જીવસૃષ્ટિ સતત આનંદ પ્રાપ્ત કરવા મથે છે. પરંતુ વિનોબાજી કહે છે તેમ પશુઓના આનંદ અને માનવીય આનંદ વચ્ચે ફરક એટલો છે કે માનવીનું લક્ષ્ય ફક્ત આનંદ પ્રાપ્તિનું નથી, સાથે સાથે આનંદ શુદ્ધિનું પણ છે. ચીજવસ્તુઓ દ્વારા આનંદ મેળવતાં મેળવતાં મનુષ્ય ક્યારેક એવા શિખરને સ્પર્શી શકે છે કે જ્યાં તેને કોઈ પણ ઉપકરણોની સહાયતા વિના પોતાના હોવાપણાનો સહજ આનંદ પ્રાપ્ત થાય છે. ઘોડિયામાં સૂતેલું બાળક કારણ વિના કોઈને જોઈને જ્યારે ખડખડાટ હસી પડે છે ત્યારે પ્રગટ થતો આનંદ મનુષ્યના હોવાપણાની સાચી ઓળખ આપતો હોય તેમ લાગે છે. એ આનંદની ક્ષણો સંઘરવા જેવી હોય છે.

Picture 073

માનવીય જીવનમાં જુદા જુદા સમયે જુદી જુદી રીતે પ્રગટતી આ આનંદની ક્ષણોને કેમેરામાં કેદ કરવાનું અદ્દભુત કામ ‘માનવ પ્રતિષ્ઠાન’ સંસ્થાની ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ તસ્વીરકારોએ કર્યું છે. અમદાવાદમાં આવેલી આ સંસ્થા રાજ્યસ્તરે પ્રતિવર્ષ ફોટોગ્રાફી સ્પર્ધા યોજે છે જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. પ્રતિવર્ષ જુદા જુદા વિષયો નક્કી કરવામાં આવે છે અને તેના પર આધારિત તસ્વીરો સ્પધકે મોકલવાની રહે છે. આ અગાઉ ‘કેળવણી’, ‘ઘડપણ’, ‘પ્રેમ’ જેવા વિષયને લઈને સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાંથી પુરસ્કૃત થયેલી અને પસંદગી પામેલી તસ્વીરો પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ હતી. આ પુસ્તકોનો ટૂંકો પરિચય અને તેમાંની તસ્વીરો આપણે અગાઉ રીડગુજરાતી પર માણી હતી. આ સંસ્થા દ્વારા વર્ષ-2008ની ચતુર્થ તસ્વીર સ્પર્ધામાં ‘આનંદ’ વિષય પસંદ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં આ વિષય પર આધારિત પસંદગી પામેલી તસ્વીરોનું ‘આનંદ’ નામથી પુસ્તક સ્વરૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાંની પ્રત્યેક તસ્વીર પર ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિઓ દ્વારા તસ્વીરને ધ્યાનમાં રાખીને લખાયેલી કવિતા પણ તસ્વીર સાથે પ્રગટ કરાઈ છે. આમ, આ પુસ્તક આપણને તસ્વીરો અને કાવ્યોની જુગલબંદીનો બેવડો આનંદ આપે છે. તો ચાલો માણીએ, એ આનંદમય તસ્વીરો, તેનો આસ્વાદ અને કાવ્યની રસસભર કડીઓ… હવે તમારી આંખોના ખૂણા ન ભીંજાય તો જ નવાઈ !

[1] તસ્વીરકાર : સુરેશ પારેખ, વડોદરા

Picture 074

શૈશવ એટલે જ આનંદનો ઉત્સવ. કશું જ ન હોવાનો આનંદ ! હેતુ વગર હેત કરવાનો આનંદ. બાળપણ એટલે નિર્દોષતાની ચરમસીમા. વિસ્મય અને કૂતુહલતાનું ભર્યું ભર્યું જગત. એમાંય ગ્રામીણ બાળકો એટલે ભોળપણ સિવાય બીજું કશું જ નહીં. રેડિયો પરની કોઈક જાહેરાતમાં રડતા બાળકનો અવાજ સાંભળીને એક ગ્રામીણ બાળક જોરજોરથી રડવા માંડ્યો. કોઈએ તેને પૂછ્યું કે એકદમ શું થયું ? તો કહે, આમાં કોઈ નાનો ભઈલુ પુરાઈ ગયો છે, એને બહાર કાઢો ને ! – આટલી નિર્દોષતા હોય ત્યાં આઠેય પહોર આનંદ જ હોય ને ! કદાચ બાળક જ એવું છે જેને ફોટો પાડતી વખતે ‘સ્માઈલ….’ એમ કહેવું પડતું નથી. કોઈ ફોટો પાડવાનું કહે ત્યારે આ ભોળિયાઓના મોં કેવા હસુ હસુ થઈ જાય છે એની મધુર ક્ષણો તસ્વીરકારે અદ્દભુત રીતે આ તસ્વીરમાં કેદ કરી છે. જામનગરના કવિ શ્રી ચંદ્રેશભાઈ શાહ, એની પર કાવ્યનું કોતરકામ કંઈક આ રીતે કરે છે :

આ શૈશવનો ઉત્સવ છે
કે
વિસ્મયનો વૈભવ છે ?

શૈશવનું ઘર હોય
સાથમાં સહિયર હોય
જિંદગી કેવી તરબતર હોય….!

શૈશવમાં
ઉદાસી ક્યાં કદી હોય છે….!
કેવળ નિર્દોષ ભાવોની
ખળખળ નદી હોય છે….!

છલોછલ શૈશવનો ચહેરો છે
ભરપૂર મસ્તીની લહેરો છે
ભલે ઝડપાતી
દુર્લભ તસવીર અમારી
નજર સામે કેમેરો છે….!
(ચંદ્રેશ શાહ, જામનગર)
.

[2] તસ્વીરકાર : યોગેશ બારિયા, વડોદરા

Picture 075

લગ્નટાણું એટલે આનંદનો મહામૂલો અવસર. ઘરમાં મંગલ પ્રસંગ આવે એટલે બધા સભ્યો બીજુ બધું ભૂલીને કેવા આનંદમગ્ન થઈ જાય છે ! માત્ર ઘર જ નહિ, આપણે ત્યાં તો એ આનંદ શેરી અને મહોલ્લા કે સોસાયટીની ગલીઓ સુધી પ્રસરે છે. બાહ્ય ઝાકઝમાળથી દૂર કેટલાય એવા લગ્નો આજે પણ થાય છે જેમાં હૃદયનો ભાવ સ્પષ્ટ રીતે નિખરી ઊઠતો દેખાય છે. એવા આ લગ્નમાં, દાદીમા જીવનની લીલી-સૂકી યાદ કરવાનું બાજુએ મૂકીને બે ઠુમકા મારતાં કેવી પ્રસન્નતા અનુભવી રહ્યા છે ! એમને નૃત્યમાં મગ્ન જોઈને વરરાજાસહિત બધાના ચહેરા પર આનંદ સાકાર થઈને પ્રગટી રહ્યો છે. યોગેશભાઈએ કેદ કરેલી આ મધુર ક્ષણ વિશે, રાજકોટના કવિ શ્રી જિગર જોષી કંઈક આવું કહે છે :

[હાથ લાગ્યું છે સુખનું સરનામું]

હાથ લાગ્યું છે સુખનું સરનામું
ટોળાની વચ્ચે કોઈ મનગમતાં અવસરમાં
ખિલ્યું છે સ્મિત આજ બાનું
હાથ લાગ્યું છે…..

ચહેરાની ધરતી પર ખુશીઓનો ધોધ
અને આંખોમાં હેત તણી હેલી
આનંદી લહેકાથી લેશે ઓવરણાઓ
શેરીની એક એક ડેલી
હૈયાની રંગોળી એવું બોલી કે –
‘આજ મોટું ના આજ કોઈ નાનું’
હાથ લાગ્યું છે…..

શેરીના રુદિયામાં હિલ્લોળા લે છે
એક ઉન્માદી સાગરનું ટાણું
દૂર દેશોથી આવેલા સપનાંનાં પંખીઓ
પાથરશે ટહુકાનું ગાણું
એમ લાગે છે તડકાએ આવીને બારસાખે
ટાંગ્યું છે તોરણ સોનાનું
હાથ લાગ્યું છે……
(જિગર જોષી ‘પ્રેમ’, રાજકોટ)
.

[3] તસ્વીરકાર : હિમાંશુ પરમાર, અમદાવાદ

Picture 076

નાનકડું ગામ. ગામને પાદર તળાવ. તળાવ કિનારે પીપળો અને ત્યાં ફેરાફરતી વહુવારુઓ – કેવું મધુર દ્રશ્ય ! પ્રગતિની દોડમાં આવા કેટલાંય દ્રશ્યો ન દેખાય એવો મોતિયો આપણી આંખને ક્યારનોય લાગી ચૂક્યો છે. કોઈના ચહેરાનું સ્મિત જોઈને રોમાંચ થઈ આવે એવી સહ્રદયતા આપણા જીવનમાં ક્યારે પ્રગટશે ? અહીં ત્રણ પેઢી જાણે એકબીજાને જાણે સ્મિતનું દાન કરી રહી છે. સુતરના તાંતણે સ્નેહનું બંધન બંધાઈ રહ્યું છે. આ અનુપમ ક્ષણો એ જ જીવનની સાચી મૂડી છે. તસ્વીરકાર આ મૂડીને બરાબર સાચવીને કેમેરામાં કેદ કરી લે છે અને તેને જોઈને વડોદરાના ગઝલકાર ખલીલ સાહેબની લેખની લખી ઊઠે છે….:

સમી સાંજે અજવાળું પાછું ફર્યું છે
જવાનીએ ઘડપણને તિલક કર્યું છે

રચાયો છે કેવો આ ત્રિવેણી સંગમ
આ અદ્દભુત અવસર આ સુંદર સમાગમ

મિલન કેવું નિર્દોષ મસ્તીભર્યું છે
સમી સાંજે અજવાળું પાછું ફર્યું છે

અહિ વૃક્ષ છે, પાંદડું છે ને કૂંપળ
જીવનનો ત્રિભેટો ને મોસમઝળાહળ

અહિ સ્મિત મહેક્યું ને હૈયું ઠર્યું છે
સમી સાંજે અજવાળું પાછું ફર્યું છે

ખરી પ્રેરણા આપી તસ્વીરકારે
જીવન આમ વીતે સહારે સહારે
સંબંધોથી ઘર આખું અભરે ભર્યું છે

સમી સાંજે અજવાળું પાછું ફર્યું છે
જવાનીએ ઘડપણને તિલક કર્યું છે
(ખલીલ ધનતેજવી, વડોદરા)
.

[4] તસ્વીરકાર : રાજેશ પટેલ, કાલોલ-પંચમહાલ

Picture 077

કહેવાયું છે ને કે નશો શરાબની બોટલમાં હોત તો બોટલ ડોલતી હોત ! એમ, નગ્નતા દ્રશ્યમાં નહીં પણ જોનારની આંખોમાં હોય છે. શૈશવ તો વિશેષણ મુક્ત અવસ્થા છે. ગંગાસતી કહે છે કે ‘જાતિ-પાતિ નહીં હરિ કેરા દેશમાં…’ એમ આપણે કહી શકીએ કે બાળકોની દુનિયા બધા જ પ્રકૃતિ ભેદોથી સાવ અલિપ્ત છે. મધ્યાહ્ને ગામને પાદરે આવેલા તળાવમાં ધુબાકા મારીને બહાર નીકળેલી આ બાળાઓ હવાની ઠંડી લહેરખીથી શરમાઈ-સંકોચાઈને કેવી હરખથી હસી રહી છે. શું ઈશ્વર એમની આ આનંદ અવસ્થાથી દૂર રહી શક્યો હશે ખરો ? ખલીલ ધનતેજવી સાહેબ કહે છે :

બચપણની આ કિલ્લોલતી ગમ્મત ટકી રહે,
આ હાસ્યની ઘડપણ સુધી ઈજ્જત ટકી રહે !

આંખોમાં અચંબો છે, અચંબાને વિચારો
નિર્દોષ નિખાલસતા છે પોષાક અમારો
બસ એ જ કુતુહલતાની દોલત ટકી રહે
બચપણની આ કિલ્લોલતી ગમ્મ્ત ટકી રહે

કહેવાય કોને નગ્નતા અમને ખબર નથી
તૂટે છે ક્યાંથી સભ્યતા અમને ખબર નથી
એ ભોળપણ અમારું સલામત ટકી રહે
બચપણની આ કિલ્લોલતી ગમ્મત ટકી રહે

ક્યારેક અમારા જેવા તમે થાવ તો ખરા
જેવા છો બસ એવા તમે દેખાવ તો ખરા
એવું કરો તમે કે શરાફત ટકી રહે
બચપણની આ કિલ્લોલતી ગમ્મત ટકી રહે
આ હાસ્યની ઘડપણ સુધી ઈજ્જત ટકી રહે
(ખલીલ ધનતેજવી, વડોદરા)
.

[5] તસ્વીરકાર : દિનેશ તિલોકાની, વડોદરા

Picture 081

બાળપણ અને યુવાનીમાં ફરક એટલો છે કે એકમાં સવારી કરવાની મળે છે જ્યારે બીજામાં ઘણું બધું આપણી પર સવાર થઈ જતું હોય છે ! ઘરની જવાબદારીઓ, ઑફિસના કામ, રોજની દોડધામ, સામાજિક પ્રસંગો – આ બધું આપણી પર સવાર થાય એ પહેલાં આનંદની સવારી કરી લેવી સારી ! તસ્વીરમાં બાળક ચગડોળની નહીં પણ આનંદની સવારીમાં મગ્ન જણાય છે. એની મુસ્કાન કંઈક અલભ્ય ચીજ મેળવ્યાની સાક્ષી પૂરે છે. રોમેરોમથી એ પ્રફુલ્લિત જણાય છે. એની આ સવારી જોઈને આપણા લાડીલા કવિ કૃષ્ણ દવે કલમ પર સવાર થઈને લખે છે :

[ઉગે છે…]

કોઈ બાળકના ચહેરે મુસ્કાન ઊગે છે,
મને લાગે કે જાણે ભગવાન ઊગે છે !
કોઈ માળામાં નાનકડું ગાન ઊગે છે,
મને લાગે કે જંગલને કાન ઊગે છે !

મેં તો માન્યું જે મારું ખોવાઈ ગયું રે,
એ તો માટીના ખોળે સચવાઈ ગયું રે,
કોઈ હમણાં આવીને જરા ગાઈ ગયું રે,
મારું હોવું ના હોવું ભીંજાઈ ગયું રે,

કોઈ ધરતીનું લીલુંછમ ધ્યાન ઊગે છે,
મને લાગે મોંઘેરા મહેમાન ઊગે છે !

મેં તો ટોચે જઈ દરવાજા ખોલી જોયા,
બે’ક આંસુ મળ્યાં તો એને તોલી જોયાં,
મારા હોઠે હરખાઈ એને ગીતો ગણ્યાં,
મેં તો તરણાંના કાનમાં એ બોલી જોયાં,

પછી પથ્થરમાં ખળખળ તોફાન ઊગે છે,
મને લાગે પર્વતનું સન્માન ઊગે છે !
(કૃષ્ણ દવે, અમદાવાદ)
.

[6] તસ્વીરકાર : નિમેષ વડનગરા, અમદાવાદ

Picture 078

આનંદને કોઈ સરનામું હોતું નથી. એ તો ગમે ત્યાં પ્રગટી આવે ! કાળા ડિબાંગ વાદળો દૂર થતાં પેલે પારથી પ્રગટતું સૂર્યનું પહેલું કિરણ જેમ સુવર્ણમય લાગે છે એમ ક્યારેક દુ:ખની પળોને વિદાય આપીને આવતી સુખની પહેલી ક્ષણ આનંદનો સોનેરી ઊજાસ ચોમેર પાથરી દે છે. ભલે ને પછી એ હૉસ્પિટલ જ કેમ ન હોય ! ઑપરેશનના થોડા દિવસો બાદ જ્યારે ડૉક્ટર બધુ જ ખાવાની છૂટ આપે ત્યારે પહેલીવાર અર્ધાંગિનીના હાથે બટકુ બટકુ કોળિયો ખાવાનો અવસર મોં પર આનંદ પ્રગટાવ્યા સિવાય રહી શકે ખરો ? આનંદમાં ઓતપ્રોત આ દશ્ય જોઈને વડોદરાના ગઝલકાર અશ્વિન ચંદારાણા લખી ઊઠે છે :

વાયરા ઊના ને ભીંજવતો વિસામો આપજે
જાત સાથે પણ લડું એવો તકાજો આપજે

ભરજવાનીમાં મને નમણો ઝુરાપો આપજે
ને વ્યથા જીરવી શકું એવો બુઢાપો આપજે

જિંદગીના તું ભલે અઘરા સવાલો આપજે
પણ પછી હું જે પૂછું એના જવાબો આપજે

ટાઢ-તડકા આપજે, છાંયોય થોડો આપજે
બાળપણ મ્હોરી શકે એવી નિશાળો આપજે

કૂંપળોને માર્ગ દેવા પાંદડાં ખરતાં રહે
આ ઊછરતી પેઢીને વળતો મલાજો આપજે

કાગડોળે વાટ જોતી આંખનું આંસુ બની
વ્હેમમાં સરકી શકું એવી ટપાલો આપજે.
(અશ્વિન ચંદારાણા, વડોદરા)
.

[7] તસ્વીરકાર : મહેન્દ્ર જાદવ, વડોદરા

Picture 079

માના હાથના રોટલા પાસે દેવોનું અમૃત પણ તુચ્છ છે. એ મીઠાશ સામે જગતની તમામ સંપત્તિ કે પદ-પ્રતિષ્ઠા પાણી ભરે ! એમાંય આખુ વર્ષ મહેનત કરીને ખેતર ખેડ્યું હોય, બી રોપ્યાં હોય, વર્ષાની કાગડોળે વાટ જોઈ હોય અને પછી મોસમની પહેલી મીઠી બાજરી લણીને એનો લોટ પોતાના હાથે દળ્યો હોય, આંગળાની છાપ પાડીને રોટલો ઘડ્યો હોય અને દેવતાની મીઠાશમાં એને ચઢવ્યો હોય ત્યારે તો એને કઈ ઉપમા આપવી ? તસ્વીરમાં ગ્રામીણ મા એવા રોટલાને જોઈને આનંદવિભોર થઈ ઊઠે છે. લીંબડીના કવિ ચન્તકાન્ત નિર્મલ કહે છે કે એ રોટલામાં માવડીને પહેલા આણે આવતી પોતાની દીકરીની તસ્વીર દેખાય છે. તસ્વીરકારે જાણે એક જ તસ્વીરમાં અનેક તસ્વીરોને મઢી દીધી છે !

નવી મોસમની મીઠી બાજરી, કર્યું દળણું વહેલી પ્રભાત
હળવે હાથે થાબડી ધીરે, મા પકવે એ ધીરે તાપ
કે મીઠો માનો રોટલો……

હાથે ટીપાતા રોટલામાં, માને કોનો ચહેરો દેખાય
રોટલામાં જોતી મલકે માવડી, કોને જોઈ હરખાય
કે મીઠો માનો રોટલો…..

કાલે મળી’તી પ્રિય સખી એની, જેને કહેતી’તી એ બધી વાત
માના હાથનો રોટલો ખાધા, જાણે જુગજુગની થઈ વાર
કે મીઠો માનો રોટલો…….

ભઈલો ગયો છે તેડવા એને, લાડકડીને પહેલે આણે
સમય થયો આ આવી કે આવશે, વિચારતા મા મલકે અટાણે
કે મીઠો માનો રોટલો……
(ચન્દ્રકાન્ત નિર્મલ, લીંબડી)
.

[8] તસ્વીરકાર : મુકેશ શાહ, અમદાવાદ

Picture 080

આદ્ય કવિ નરસિંહ મહેતા કહે છે કે ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે….’ આખું જગત ચૈતન્યમય છે. અહીં દ્રષ્ટા એ જ દ્રશ્ય છે અને દ્રશ્ય ક્યારેક દ્રષ્ટા બની જાય છે. કંઈક એવું આ તસ્વીરમાં થયું છે. કોણ કોની તસ્વીર લે છે ? તસ્વીરકારે બાળકોની તસ્વીર લીધી છે કે બાળકોએ તસ્વીરકારની તસ્વીર લીધી છે ? કેમેરાની આંખે કંઈક પામી ગયેલું બાળક તો જાણે સદીઓથી ફોટોગ્રાફર હોય એમ લાક્ષણિક ઢબે બેઠું છે ! બધા જ બાળકો આ નવીનપ્રવૃત્તિમાં આનંદમગ્ન છે. ખલીલ સાહેબ આ તસ્વીર વિશે કહે છે કે…:

સુંદરતા સૌ સમેટી છે પરવરદિગારની
તસ્વીર કોણે ખેંચી છે તસ્વીરકારની

કોને ખબર કે આવનારી કાલ શું હશે
જોયું જશે, જે કાંઈ થવાનું હશે થશે

લડવું પડે તો લડશું લડત આરપારની
તસ્વીર કોણે ખેંચી છે તસ્વીરકારની

બચપણની મોજમસ્તી ફરી ક્યારે આવશે
મોટા થશું તો આવું બધું કેમ ફાવશે

હમણાં તો માણી લેવા દો મોસમ બહારની
સુંદરતા સૌ સમેટી છે પરવરદિગારની

ઘડપણમાં યાદ કરવાપણું જોઈએ કશું
ભાથું સફરનું થોડું ઘણું જોઈએ કશું

સાંજે કરીશું બેસીને વાતો સવારની
સુંદરતા સૌ સમેટી છે, પરવરદિગારની

તસ્વીર કોણે ખેંચી છે તસ્વીરકારની !
(ખલીલ ધનતેજવી, વડોદરા)

[નોંધ : અમદાવાદના જાણીતા ફૉટોગ્રાફર શ્રી કેતનભાઈ મોદી ‘માનવ પ્રતિષ્ઠાન’ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી છે. પ્રતિવર્ષ જુદા જુદા વિષયોને લઈને આ સ્પર્ધા નિયમિતરીતે યોજવામાં આવે છે. આ લેખ બાબતે આપનો પ્રતિભાવ આપવા માટે, સ્પર્ધામાં ભાગ લેવા માટે કે સ્પર્ધાની માહિતી મેળવવા માટે અથવા આ પુસ્તકની નકલ મેળવવા માટે આપ શ્રી કેતનભાઈનો આ નંબરો પર +91 79 26639045 અથવા +91 9825347813 સંપર્ક કરી શકો છો. પુસ્તકની કિંમત રૂ. 251 છે (કુલ તસ્વીરો : 56) અને પ્રાપ્તિસ્થાન છે : માનવ પ્રતિષ્ઠાન, શ્રીમતિ વિ. એમ. મોદી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ‘આશુતોષ’ એ/2 જયમીન એપાર્ટમેન્ટ્સ, કીર્તિમંદિર સોસાયટી સામે, ચંદ્રનગર બસસ્ટેન્ડ પાસે, પાલડી, ભઠ્ઠા, અમદાવાદ-380007. રીડગુજરાતીને આ સુંદર પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી કેતનભાઈનો ખૂબ ખૂબ આભાર.]

[તા.ક : ચાલુ વર્ષે આ સંસ્થા દ્વારા ‘શ્રદ્ધા’ વિષય પર ફોટોગ્રાફ સ્વીકારવાનું નક્કી કરાયું છે. જેમને ભાગ લેવાની ઈચ્છા હોય તેમણે ઉપર જણાવેલા સરનામે, તા-17-જાન્યુઆરી-2010 પહેલાં 8 x 12 ઈંચના આ વિષય પરના કોઈ પણ ત્રણ જુદા જુદા ફોટોગ્રાફની સોફટ (સીડી) તેમજ હાર્ડ કોપી પોતાના પરિચય સાથે મોકલી આપવી. વધુ માહિતી માટે શ્રી કેતનભાઈનો સંપર્ક કરવો.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘર તમે કોને કહો છો ? – જયવતી કાજી
જીવનપ્રેરક વાતો – સંકલિત Next »   

30 પ્રતિભાવો : આનંદ – માનવ પ્રતિષ્ઠાન

 1. bhairavi says:

  ખુબ સરસ,ફોટૉગ્રાફ અને કવિતાઓ

 2. Niraj says:

  Well done!
  Sending hard copy now a days seems little awkward for people abroad.
  Hope organizers will take care of that at some point of time.
  Good work again.

 3. HM says:

  Awesome Mrugeshbhai..
  aaj aanand saathe jeevta shikhvu che..
  touchwood and god bless..
  regards,
  HM

 4. trupti says:

  Awesome. All pictures as well as the poems are interesting and giving true pictures of life.
  I liked all the poems but specially, ‘ ma na rotla’ વાળી કવિતા is simply great.

 5. જય પટેલ says:

  મારી દ્રષ્ટિએ ઉપરોકત બધી જ તસવીરોમાં શ્રેષ્ઠ….માના હાથનો રોટલો કે પછી માના હાથનું અમૃત..?

  શ્રી મહેન્દ્ર જાદવના કેમેરાની આંખે ચડેલ માના ચહેરા પરનું નિર્દોષ હાસ્ય ઘણું બધું બયાન કરે છે.
  ગરીબોને પોતાની ગરીબીમાં જે અમીરી દેખાય છે તે જ હકિકત અમીરોની અમીરીમાં રિફ્લેકટ નથી થતી.
  છેવટે તો ચહેરા પરની એક મુશ્કરાહટ ગમે તેવા ગમને ગળી જવા કાફી છે.

  કવિતાઓ પણ તસવીરોને અનુકૂળ છે.
  માના હાથના રોટલા પરની કવિતાની કલ્પના હકિકતની નજીક હોવાની સંભાવના છે.

  સુંદર તસવીરો.

 6. Sarika Patel says:

  very good collection.

 7. nayan panchal says:

  A picture is worth thousand words.

  ખૂબ જ સુંદર ચિત્રો અને એટલુ જ સરસ વર્ણન તથા કવિતાઓ.

  આજે સવારે જ એક સ્કૂલબસ પસાર થઈ, બસની પાછળની બારી પર ટેણિયાઓ ધમાલમસ્તી કરતા હતા, કાશ મારી પાસે કેમેરો હોત…

  ખૂબ આભાર,
  નયન

 8. ખુબ જ સરસ ચિત્રો અને લેખ

 9. ભાવજગતને આંખ દ્વારા જે રીતે ઝીલી શકાય તે શબ્દો દ્વારા વર્ણવી નથી શકાતું. આનંદ ને વર્ણવી શકાય? સાકરનો સ્વાદ મુખેથી બોલી શકાય? આનંદની તો અનુભુતિ થાય અને તે અનુભુતિ ચહેરા દ્વારા (ભાવ દ્વારા) પ્રગટ થાય. પણ પુરે પુરી અનુભુતિ તો કેમેરાથી પણ ન પકડાય. ભાઈ આ આનંદ નું જગત જ એવું છે કે તે તો માણવું જ પડે. માનવ પ્રતિષ્ઠાન સંસ્થાનો સુંદર પ્રયત્ન અને મૃગેશભાઈનો અત્રે રજુ કરવાનો પુરુષાર્થ. સહુને ધન્યવાદ.

 10. Vipul Chauhan says:

  Mrugeshbhai,

  Bliss… Happiness… pleasure is almost everywhere. We just need to explore it.
  Your efforts are giving pleasure to us.
  Seen this photographs and the concepts behind. In normal day to day life we got so mechanised that we are not coming out from ourselves.
  Nice efforts by Manav Pratishthan.

  Vipul

 11. Devina says:

  sampoorna article vaanchi maru man anandmay thai gayu,mrugeshbhai apno khub khub aabhar.

 12. Meha says:

  I am totally impressed with all the pics…

 13. Dr Janak Shah says:

  Wonderful and Excellent. All the poems suit to the photographs. Congratulation to Chandrakant Nirmal for an extraordinary poem written simply with touching words. I remember the tune of old Gujarati song reading his poem.

 14. Veena Dave, USA says:

  મસ્ત મસ્ત આનંદ.

 15. Vinod Patel, USA says:

  Nice pictures reminding us to be happy in any adverse situations. I am always good at assumptions-these pictures cannot be from America.

 16. naresh(Dubai) says:

  its pleasure to read, and and realy its pleasure to feel……tge what is ealy happiness…
  murgeshbhai………a very unique pointof view to find a happiness in small but important moment fro our life.

  bravo…………

 17. pradip joshi says:

  Sh. Mrugesh Bhai,
  Excellent , good photograph & poet,

 18. Manisha says:

  ગમ્યુ……………

 19. Chirag Patel says:

  Now this is more like it… Excellent photostories… Great artical… Had fun reading and veiwing those pictures….

  Thank you,
  Chirag Patel

 20. Excellent.

  આનંદનુ ભાવજગત આપણી આસપાસ છે….બસ આપણે એને જોઇ શકીએતો.

 21. ચિત્ર-કાવ્યનું સરસ સંયોજન.

 22. Pravin Shah says:

  તસ્વિરો જોઇ ને ખુબ “આનન્દ” થયો.

 23. Vraj Dave says:

  ખુબજ શુંદર. કવિ અને છબિનો સંગમ સરસ અતી સરસ.

 24. Urvi pathak says:

  અદભૂત…..

 25. preeti dave says:

  EXCELLENT !!

  બોલકિ તસ્વિરો અને ગમતિલાઁ ગીતો ની જબરદસ્ત જુગલબંધી !! 🙂

 26. varsha says:

  Amazing mrugeshbhai

  સુંદરતા સૌ સમેટી છે પરવરદિગારની
  તસ્વીર કોણે ખેંચી છે તસ્વીરકારની

  heartliest salute to મુકેશ શાહ, અમદાવાદ
  and ખલીલ ધનતેજવી, વડોદરા)
  no words to express the gratitude towards these sahitya premi

 27. dhiraj thakkar says:

  ખુબ સરસ ફોટોગ્રાફી !!!!

  અભિનંદન !!!!!

  પણ એક પ્રષ્ન પુછુ,? ફોટોગ્રાફર ને તો તેની રચના માટે નામ પણ મલ્યુ હશે અને કદાચ દામ પણ મલ્યા હશે પણ જે ગરીબ બાલકો ના ફોટો છે. તેમને શુ કંઈ મલ્યુ?

  ફોટોગ્રાફી નુ જે પણ ઈનામ મલ્યુ હોય તે આ ગરીબ બાલકો ને મિઠાઈ વહેંચવા મા વપરાવુ જોઈયે…….

 28. Vipul Panchal says:

  really nice photography & poems.

 29. Mrugeshbhai bahu j saras vaktvya tamein ahiya raju karyu che
  anand ma je anubhav thay che eno anero j anand che
  very nice….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.