ઘર તમે કોને કહો છો ? – જયવતી કાજી

[‘જનકલ્યાણ’ સામાયિક ઑગસ્ટ-2009માંથી સાભાર.]

બે-ત્રણ વર્ષ પહેલાં અમારે કેનેડા જવાનું થયેલું. ટોરન્ટોમાં અમારા એક પરિચિત હતા. એમનો ઘણો આગ્રહ હતો, એટલે એમને ઘેર રહેવાનું નક્કી કર્યું. પતિ-પત્ની અને એમના બે દીકરાઓ. બંને છોકરાઓ અમેરિકામાં ભણતા હતા. પતિ ડૉક્ટર અને પત્ની ત્યાંની એક મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર. મોટું ઘર, સરસ બગીચો અને એમના ગ્રીન હાઉસમાં કેટકેટલા ખૂબસૂરત વૃક્ષો હતાં ! પરંતુ સૌથી નોંધપાત્ર વસ્તુ એમના ઘરની હોય તો તે હતી એમની ચોખ્ખાઈ, સુઘડતા અને જબરજસ્ત વ્યવસ્થા ! ક્યાંય એક ડાઘો જોવા ન મળે ! એક ચીજ પણ આઘીપાછી નહિ ! એમનાં ઘરમાં સેજલબહેન કીટલીમાંથી ચા કપમાં રેડીને તરત જ કીટલીનું નાળચું પેપરનેપકીનથી લૂછી નાંખે ! એમનાં રસોડામાં અનાજના ડબ્બાઓ અને મરીમસાલાની બાટલીઓ કવાયત માટે તૈયાર થઈને ઊભેલા સૈનિકોની માફક શિસ્તબદ્ધ કબાટમાં હોય ! જરા ઉતાવળમાં તમારાથી કંઈ આડુંઅવળું મૂકાય તો સેજલબહેન તરત જ ઊઠીને સરખું કરી દે. તમે લજવાઈ જાવ ! પણ હું તો આદત સે મજબૂર….

ઘરમાં વિડિયો કેસેટ્સ પર નંબર અને વિગતનું લેબલ લગાડેલું. ઓડિયો કેસેટ્સનું પણ બરાબર વર્ગીકરણ હતું. શાસ્ત્રીય સંગીતનો એક વિભાગ, વાદ્યસંગીતની કેસેટ્સ જુદી. ગરબા-ગીતો-ભજનોનો વિભાગ અલગ અલગ, પુસ્તકોની સંભાળ પણ એવી જ ! ત્રણ દિવસ સુનીલભાઈ અને સેજલનાં ઘરમાં એમની સાથે રહ્યાં પછી મને મારી જાત પર શરમ ઉપજી. સેજલ માટે મને ખૂબ જ અહોભાવ થયો. મને થયું માણસ કઈ રીતે આટલું બધું વ્યવસ્થિત રહી શકતું હશે !

અમે કેનેડાથી ન્યૂયોર્ક જવા માટે પ્લેનમાં બેઠાં. પ્લેન ઉપડ્યું કે તરત અનૂપે કહ્યું : ‘જોયું તમે ? ઘર કેવું રખાય તે ? આપણે ઘેર તો કોઈ પણ ચીજ જ્યારે જોઈએ ત્યારે મળે જ નહિ ! શોધાશોધ કરવી જ પડે ! નાનું સરખું કામ હોય અને સ્ક્રૂ ડ્રાઈવર જોઈતું હોય તો એની જગ્યાએ હોય જ નહિ !’
‘તમારે જે કહેવું હોય તે કહો, પણ મને આવું સંગ્રહાલય જેવું ઘર જરાયે ગમે નહિ. આખો દિવસ સાચવ્યા જ કરવાનું ? ઓહ ! અહીં ડાઘો પડી જશે અને છાપું ચોળાઈ જશે !’
‘એ તો છે ને તે “અશક્તિમાન ભવેત સાધુ” જેવું છે ! તારું એ કામ જ નહિ’ અનૂપે કહ્યું.
‘હા, હા ! મારે આવા ‘neat and absolutely organised’ થવું જ નથી સમજ્યા ! હું કંઈ ઘરનું વાળવાઝૂડવાનું વેક્યુમક્લીનર નથી ! હું તો જીવતી જાગતી ધબકતી વ્યક્તિ છું. બસ હવે !’ મેં ગુસ્સામાં કહ્યું અને મારું પુસ્તક કાઢી વાંચવા માંડ્યું. અમારા આખા એ પ્રવાસ દરમિયાન ભાગ્યે જ હું થોડા શબ્દો બોલી હતી.

જ્યારે પણ હું કબાટો કે પુસ્તકોનો બ્યુરો ગોઠવતી હોઉં ત્યારે અનૂપ હંમેશ ટીકા કરતાં કહે છે : ‘જે ચીજવસ્તુઓ છેલ્લા બે વર્ષમાં વપરાઈ નહિ હોય તે હિંમતથી ફેંકી દે. ઘરમાંથી અર્ધો ‘કચરો’ જતો રહેશે તો તને જ સારું પડશે.’ એમની વાત ગમે તેટલી સાચી હોય અને ‘ચોખ્ખાચટ’ માણસો ભલે નકામું કશું સંઘરતા નહિ હોય, પરંતુ હું એમ નથી કરી શકતી. આકાશ માટે લીધેલી પહેલી ટ્રાઈસીકલ અને સોહા માટે આંખ બંધ ખોલ કરે એવી સરસ મોટી ઢીંગલી ! એ બધી નાની નાની વસ્તુઓ સાથે તો મારાં જીવનનાં મીઠા સંભારણાં સંકળાયેલા છે એને હું કેવી રીતે ફેંકી દઉં ! આવે બધે પ્રસંગે હું મારી જાતને પૂછું છું : ‘ઘર એટલે શું ? ઘર તમે કોને કહો છો ? ઘર શેનાથી બને છે ? એના પાયામાં શું હોય છે ? માત્ર ઈંટ-પથ્થર અને લોખંડ ! ઘર તો માનવ સંસ્કૃતિના વિકાસનું ઊગમસ્થાન છે. એક ઘર કાં તો માત્ર ઈમારત હોઈ શકે કે કાં તો તીર્થધામ સમું પવિત્ર અને રળિયામણું પણ હોઈ શકે.

એક માએ એના નાના પુત્રને પૂછ્યું, ‘તને ખબર છે ? ઘર એટલે શું ?’ બાળકે સહેજ વિચાર કરી કહ્યું, ‘ઘર એટલે તું… મા તું અને પિતાજી. જમવા માટેનું ટેબલ અને મારું બિછાનું. આપણું આ ઘર છે, કારણ કે આપણે એકબીજાને ચાહીએ છીએ !’ આ તો ઘર એટલે શું ? એનો બાળકે આપેલો જવાબ છે. આપણે તો પુખ્ત વયના અને અનુભવી છીએ છતાં જો કોઈ આપણને આ પ્રશ્ન પૂછે, ‘ઘર એટલે શું ? What makes a home ? ઘર કેવી રીતે નિર્માણ થાય છે ?’ તો કદાચ આ નાના બાળકના સાદા સીધા ઉત્તરમાં આપણે વિશેષ કંઈ જ નહિ ઉમેરી શકીએ. પ્રેમ હોય છે ત્યાં ઘર છે. આપણું હૃદય જ્યાં જવા તલસે છે તે આપણું ઘર છે. આ લખતી વખતે મને કવિશ્રી મુરલી ઠાકુરનું આ હાઈકુ યાદ આવે છે :
બળ્યો ઝળ્યો હું
આવ્યો ઘરે, માંડવે
મધુમાલતી

વિશાળ મકાન, મોટો બગીચો, છેલ્લી ઢબનું રાચરચિલું-સગવડના તમામ આધુનિક ઉપકરણો અને મોંઘા ગાલિચા-આ બધાંની ભીતરમાં ફરિયાદો-બબડાટ-અલગ અલગ વ્યક્તિત્વનો ટકરાવ અને થીજેલી લાગણીઓને ઢાંકી શકાતાં નથી. વર્ષો પહેલાં મારી પુત્રી દિવ્યાને ન્યૂર્યોકમાં મેનહેટનમાં એપાર્ટમેન્ટ જોઈતો હતો. હું એની સાથે થોડાંક ઘર જોવા ગયેલી. સરસ રીતે સજાવેલો એપાર્ટમેન્ટ હોય પણ ઘરમાં હોય નાનકડું બાળક, એની બેબી સીટર, કૂતરો અથવા બિલાડી ! બાળક રમકડાંના ઢગલાની વચ્ચે એકલું રમતું હોય અને બેબીસીટર ઝોકાં ખાતી હોય કે ટી.વી. જોતી હોય ! આ જ સંદર્ભમાં બીજો એક પ્રસંગ કહું. એક સરસ એપાર્ટમેન્ટ હતો. અમને એ ગમ્યો. મેં સહજ ઉત્સુકતાથી ઘર બતાવનાર દલાલને પૂછ્યું હતું : ‘ઘર તો સરસ છે. શા માટે એમને વેચવું છે ?’ એટલામાં એક મધ્યમ વયની મહિલા આવી પહોંચી. એણે કહ્યું, ‘અમારા ડીવોર્સ થઈ ગયાં છે. અમે બંને છૂટાં થઈ ગયાં છીએ એટલે આ ઘર કાઢી નાખવું છે.’ એ સાંભળીને મારું મન એકદમ ખિન્ન થઈ ગયું હતું.

મને થયું ઘર એ છે, જ્યાં આપણને કોઈ પ્રેમ કરતું હોય, જ્યાં કોઈ આપણી રાહ ઉત્સુકતાથી જોતું હોય. ઘર એ છે, જ્યાં આપણને પ્રફુલ્લિત કરતાં શબ્દો બોલનાર કોઈ હોય….
‘Home is sweet and only sweet
Where there’s one we love to meet’

એ મીઠું મધુરું ઘર છે જ્યાં કોઈકને મળવા આપણું દિલ તલસતું હોય. જ્યાં આદાન પ્રદાન-સ્વાર્પણ અને પ્રત્યાર્પણ આપોઆપ થતું હોય છે, જ્યાં એકતા અને સંવાદિતા હોય છે એ ઘર ‘ઘર’ હોય છે. કવિશ્રી નિરંજન ભગતનું કાવ્ય ‘ઘર’ – ઘરની સાચી ઓળખ આપે છે. કવિ પૂછે છે :
‘ઘર તમે કોને કહો છો ?
જ્યાં ટપાલી પત્ર લાવે ?
જેનું બધાને નામ ઠેકાણું આપી શકો ?
તેને તમે શું ઘર કહો છો ?’

કવિ એનો ખૂબ જ સરસ પ્રત્યુત્તર આપતાં કહે છે : ‘આટલું જ પૂરતું નથી, ઘર એ છે, જ્યાં તમે બધો જ ભાર ઉતારીને ‘હાશ’ કહી નિરાંત અનુભવી શકો.’ જ્યાં દિલને આરામ અને અપનાપન લાગે એ ઘર છે. જે સ્થળે સુમેળનું સૌંદર્ય હોય, પ્રેમનો આનંદ હોય, બાળકોનો કલરવ હોય, વડીલોની પ્રેમાળ છત્રછાયા હોય અને સંતુષ્ટ સ્વભાવ ઘરની સગવડ હોય… એને ઘર કહેવાય.

મને અત્યારે એ પુસ્તકનું નામ કે એના લેખકનું નામ ચોક્કસ યાદ નથી. ઘણા સમય પહેલાં એક સુંદર પ્રાર્થના મારા વાંચવામાં આવી હતી. મને એ ખૂબ જ સ્પર્શી ગઈ હતી. અત્રે તો હું એનો સંક્ષેપમાં મને યાદ છે તેટલો ભાવાનુવાદ જ રજૂ કરી શકું એમ છું : ‘ઘર એ છે, જ્યાં પતિ-પત્ની એકબીજાને કહે છે…. “કોનો વાંક છે, કોની ભૂલ છે, એ મહત્વનું નથી. આપણે એકબીજાની સંભાળ રાખતાં આનંદથી રહીએ. અન્યોન્યને પ્રેમ કરતાં રહીએ, જ્યાં આપણાં સંતાનો જીવનને આનંદથી ઝીલે, જ્યાં આપણાં હૃદયપર્ણો સદાયે તાજગીભર્યાં લીલાંછમ રહે એવું ‘ઘર’ નિર્માણ કરીએ. એવું ઘર નિર્માણ કરીએ કે જ્યાં શ્રીમંતમાં શ્રીમંત અને અકિંચનનો સમાનભાવે સત્કાર થાય. જ્યાં ફૂલોને, વૃક્ષોને, પ્રાણીઓને અને પુસ્તકોને ચાહવાનો આનંદ હોય. જ્યાં બીજાંને સુખી કરવાનો અને ઉત્તમ પ્રગટ થવાનો આનંદ હોય, અને જ્યાં સાથે પ્રાર્થના કરવાનો આનંદ હોય…. જ્યાં શાંતિ અને પ્રસન્નતા પ્રસરેલી હોય એવું ઘર નિર્માણ કરવાની પ્રભુ ! અમને શક્તિ આપો. આવા ઘરનો નિર્માતા છે પરમાત્મા સ્વયં, જેણે નક્ષત્ર મંડળની અને જગતની રચના કરી છે.” ’

કોઈક ઘર ભાંગે છે, ત્યારે મને ખૂબ જ દુ:ખ થાય છે, કારણ કે, Broken House means broken family. ઘર વેરવિખેર થાય છે ત્યારે કુટુંબ તૂટે છે અને કુટુંબ તૂટે છે ત્યારે સમાજ તૂટે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાચા પોલીસમેન – દિવ્યકાન્ત પટેલ
આનંદ – માનવ પ્રતિષ્ઠાન Next »   

15 પ્રતિભાવો : ઘર તમે કોને કહો છો ? – જયવતી કાજી

 1. Vipul Panchal says:

  ઘર વેરવિખેર થાય છે ત્યારે કુટુંબ તૂટે છે અને કુટુંબ તૂટે છે ત્યારે સમાજ તૂટે છે.

  Really Nice……

 2. જય પટેલ says:

  ઘર પર નિબંધ ગમ્યો.

  મારી સમજ પ્રમાણે
  ઘર એટલે જ્યાં હૈયાં ધબકતાં હોય.
  આ ધબકતામાં બધું જ આવી જાય….લાગણીઓ..સંવાદિતા…સેક્રિફાઈસ..વગેરે વગેરે.

  લેખિકા બહેન વેસ્ટર્ન લાઈફને સમજવામાં ગોથું ખાઈ ગયાં હોય તેમ લાગે છે. પશ્વિમી જગતમાં ઘરની
  નેબરહૂડની સફાઈને જબરજસ્ત મહત્વ આપવામાં આવે છે. ઘર જેટલું અંદરથી સાફ સૂથરૂ હોય તેવી જ
  રીતે નેબરહૂડ પણ ક્લીન હોય અને તે પ્રમાણે પ્રોપર્ટી માર્કેટ હોય.
  કોઈ એવું ના ઈચ્છે કે તેમના નેબરહૂડની રીયલ એસ્ટેટ વેલ્યુ ડાઉન જાય અને તે માટે મોટેભાગે
  બધા જ સભાન હોય. પશ્વિમના જગતમાં સાફ-સફાઈ જીવનમાં એવી તો ગૂંથાઈ ગઈ છે જે આપણા
  ભારતીયોને અજબ-ગજબ જેવું લાગે.

  ઘરની…નેબરહૂડની ક્લીનલીનેસ અને રીયલ એસ્ટેટ વેલ્યુ એકબીજા સાથે સંકળાયેલા છે.

  • Madhuri says:

   I don’t agree with ur thesem following sentences
   લેખિકા બહેન વેસ્ટર્ન લાઈફને સમજવામાં ગોથું ખાઈ ગયાં હોય તેમ લાગે છે
   પશ્વિમના જગતમાં સાફ-સફાઈ જીવનમાં એવી તો ગૂંથાઈ ગઈ છે જે આપણા
   ભારતીયોને અજબ-ગજબ જેવું લાગે.

   No NRI has right to say anything about India or Indians. What ever it is we r proud to be Indian.

   • જય પટેલ says:

    સુશ્રી માધુરીબેન

    સૌ પ્રથમ તો સ્પટતા કરૂ કે મારા હૈયે વસેલ ભારતનું હિત આપના કરતાં કયાંય
    ઓછું નથી અને કોઈનું અપમાન કરવાની ભાવના કે ઈરાદો સ્વપનમાં પણ વિચારી ના શકું.
    તમે કેવા ચશ્માંથી દૂનિયા આખી નિહાળો છો તે તમારા અને તમારા ચશ્માં પર અવલંબન કરે છે..!!

    તમે NRI ની વાત કરો છો પણ મને આશ્વર્ય થાય છે કે તમે કઈ દૂનિયામાં જીવો છો ?
    આ શબ્દ ૨૧ મી સદીમાં હવે ભૂતકાળ બની ગયો છે.
    ભારત સરકાર વિદેશ રહેતા ભારતીયને ઑવરસીસ ઈંડિયન કહે છે અને હા
    ડ્યુઅલ સિટીઝનના જમાનામાં ભાગ્યે જ કોઈ વિદેશી ભારતીય ભારતીય નથી.
    નેટના જમાનામાં માણસ નૉર્થ કે સાઉથ પૉલ પર રહે છે તે અપ્રસ્તુત છે..!!

    ઘરની સાફ-સફાઈ પર જેમ તૃપ્તીએ કહ્યું તેમ….
    ઘર સુઘડ ન રાખે તે ઘરની સ્ત્રી કુવડ ગણાય.

    વાતે વાતે વિદેશીઓની ભાંડણલીલા કરવાનું ટાળીએ.
    દૂનિયામાં જે કંઈ સારૂ હોય તે નમ્રતા પૂર્વક ગ્રહણ કરીશું તો કંઈક પામીશું.

    થોરામાં ઘનું.
    કોઈપણ ઘર કેટલું સુઘડ છે તેનો અંદાજ ઘરના સંડાસ પરથી પણ મળે…!!!

 3. Sarika Patel says:

  સુન્દર નિબધ્.

 4. Dhaval B. Shah says:

  ખૂબ સરસ.

 5. nayan panchal says:

  સુંદર લેખ.

  મને પણ ખૂબ બધી સુઘડતા, વધુ પડતી વ્યવસ્થાની ચીડ છે. ઘરમાં થોડું આમતેમ પડ્યુ હોય તો તેની પણ પોતાની સુંદરતા હોય છે.

  બાકી ઘર અને મકાનમાં ફરક તો તેમા વસનાર સંબંધોથી જ થતા હોય છે.

  નયન

 6. trupti says:

  I also like my house to be clean and tidy. I do not like when my hubby and daughter keeps things here and there. I always feel that, the house should always look presentable. As the character of the woman of the house is well judged by her house.

  મે ઘણિ વાર મારી mummy પાસે થી સાભ્ળૂ છે કે, સવાર ના જે કચરો ન કાઢે અને ઘર સુઘડ ન રાખે તે ઘર ની સ્ત્રી ફુવડ ગણાય.
  માનવિ સબધો ની સાથે ઘર ની સુઘડતા પણ એટલી જ જરુરી છે.’

 7. ઘર એટલે જ્યાં અર્ધા દોરાયેલ ચિત્રો આમતેમ ઉડતાં હોય. તમે કાંઈક વાચતા હો ને દિકરો આવીને ધરાર ચોપડી એક બાજુ હડસેલી ને કહે કે મારી સાથે રમો. ઘર એટલે તમે ગમે તેવી વ્યસ્તતામાંથી બહારથી આવ્યાં હો પણ ઘરમાં પેસતા વેંત જ બીજુ કાઈ ન પુછતા દીકરી કહે કે પપ્પા પરમ દિવસે મારે પ્રવાસમાં જવાનું છે અત્યારે જ મને પ્રવાસના પૈસા આપી દ્યો. ઘર એટલે તમે ધીરેથી પુછો કે મારે માટે કોણ પાણી લાવશે? અને દીકરી જોરથી બોલે કે હું અને દિકરો દોડીને પાણી લઈ આવે તે. ઘર એટલે પત્નિ રોષપુર્વક કહે કે હવે રાતના બાર વાગ્યા છે કાલે વાંચજો – સુઈ જાવ છાના માના. અને આવી તો ઘરની અનેક વ્યાખ્યાઓ આપી શકાય. અને જેમ જયભાઈએ કહ્યું તેમ કે ઘર એટલે જ્યાં હૈયા ધબકતાં હોય. અને હા ઘર એટલે જ્યાં દાદિમા પૌત્ર અને પૌત્રિને વાર્તા કહેતાં હોય. ઘર એટલે દાદાજી છાપુ વાંચતા હોય અને આનંદથી પગ ઉપર હાથ થપથપાવીને હસતાં હોય. ઘર એટલે જ્યાં આવતા, નાના મોટા કોઈને સંકોચ ન થાય અને બિલ્લી જેવા પ્રાણીઓ નિર્ભયતાથી આંટા મારતા હોય. બસ બસ હવે બહુ લખી નાખ્યું.

 8. ' સંતોષ ' એકાંડે says:

  રવિ કિરણો ફેલાવે તેનાં
  સોના મઢ્યાં તેજસ્વિ હીર..
  દૂર કરે નિશાનો તિમિર
  પંખીઓનો કલરવ હોય જ્યાં
  એ જ મારુ ઘર
  પ્રભાતે માનાં મુખમાંથી
  સંભળાતા ભજનોનાં નાદ
  દૂર થતાં મનનાં વિષાદ
  અને શરુ થતો જીવન સંચાર
  એ જ મારુ ઘર
  તેંત્રીસ કરોડ દેવ આપણાં
  કરતાં મારામાં વસવાટ
  ‘હું’ નહી, એવુ ધારતાં મારા પિતા ને માત
  એ વંદનીયોનાં સ્મરણો છે જ્યાં
  એ જ મારુ ઘર
  એમની અ-હયાતિનો
  છે મનમાં તલસાટ
  છતાંય હજુ જ્યાં કરુ છું વસવાટ
  એ જ મારુ ઘર

  ‘ સંતોષ ‘ એકાંડે

 9. Veena Dave, USA says:

  ખુબ સરસ.

 10. preetam lakhlani says:

  ધર એટલે ચાર દિવાલ વચ્ચેની ખાલી જગ્યા, આજે ચાર દિવાલ વચ્ચે માણસે આટલુ બધુ ભરી દીધુ છે કે માણસ ધરને સોધવા વલખા મારે છે….આ જ વાત મન માટે પણ લાગુ પડૅ છે.!!!!

 11. Jigna Bhavsar says:

  ઘર જયાં પોતે જે કરવું હોય તે કરી શકે, જ્યાં જતાં કોઈ આર્મી કે જેલ જેવુ કડક વ્યવહાર ના હોય. પરંતુ જ્યાં આપણને શાંતિ મળે તેને એક મન્દીર ની જેમ ચૌખ્ખું રાખવું જોઇએ. અને છેલ્લે આપણિ સલામતિ, કિડા, ઉંદર તથા આવવા જવા માં કોઇ ખીલી, ફર્નીચર ના હોય તેનું ધ્યાન પણ રાખવું જોઇએ.

  જે ઘર સાફ, ચૌખ્ખું હોય ત્યાં લક્ષ્મી નો તથા ભગવાનનો વાસ હોય.

 12. Vraj Dave says:

  ભાવ અને પ્રતિભાવ બંને આનંદ દાયક. બસ આજે આટલું જ.

 13. sneha shah says:

  ઘર એટલે જ્યા બધુ જ પોતાનુ…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.