- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ઘર તમે કોને કહો છો ? – જયવતી કાજી

[‘જનકલ્યાણ’ સામાયિક ઑગસ્ટ-2009માંથી સાભાર.]

બે-ત્રણ વર્ષ પહેલાં અમારે કેનેડા જવાનું થયેલું. ટોરન્ટોમાં અમારા એક પરિચિત હતા. એમનો ઘણો આગ્રહ હતો, એટલે એમને ઘેર રહેવાનું નક્કી કર્યું. પતિ-પત્ની અને એમના બે દીકરાઓ. બંને છોકરાઓ અમેરિકામાં ભણતા હતા. પતિ ડૉક્ટર અને પત્ની ત્યાંની એક મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર. મોટું ઘર, સરસ બગીચો અને એમના ગ્રીન હાઉસમાં કેટકેટલા ખૂબસૂરત વૃક્ષો હતાં ! પરંતુ સૌથી નોંધપાત્ર વસ્તુ એમના ઘરની હોય તો તે હતી એમની ચોખ્ખાઈ, સુઘડતા અને જબરજસ્ત વ્યવસ્થા ! ક્યાંય એક ડાઘો જોવા ન મળે ! એક ચીજ પણ આઘીપાછી નહિ ! એમનાં ઘરમાં સેજલબહેન કીટલીમાંથી ચા કપમાં રેડીને તરત જ કીટલીનું નાળચું પેપરનેપકીનથી લૂછી નાંખે ! એમનાં રસોડામાં અનાજના ડબ્બાઓ અને મરીમસાલાની બાટલીઓ કવાયત માટે તૈયાર થઈને ઊભેલા સૈનિકોની માફક શિસ્તબદ્ધ કબાટમાં હોય ! જરા ઉતાવળમાં તમારાથી કંઈ આડુંઅવળું મૂકાય તો સેજલબહેન તરત જ ઊઠીને સરખું કરી દે. તમે લજવાઈ જાવ ! પણ હું તો આદત સે મજબૂર….

ઘરમાં વિડિયો કેસેટ્સ પર નંબર અને વિગતનું લેબલ લગાડેલું. ઓડિયો કેસેટ્સનું પણ બરાબર વર્ગીકરણ હતું. શાસ્ત્રીય સંગીતનો એક વિભાગ, વાદ્યસંગીતની કેસેટ્સ જુદી. ગરબા-ગીતો-ભજનોનો વિભાગ અલગ અલગ, પુસ્તકોની સંભાળ પણ એવી જ ! ત્રણ દિવસ સુનીલભાઈ અને સેજલનાં ઘરમાં એમની સાથે રહ્યાં પછી મને મારી જાત પર શરમ ઉપજી. સેજલ માટે મને ખૂબ જ અહોભાવ થયો. મને થયું માણસ કઈ રીતે આટલું બધું વ્યવસ્થિત રહી શકતું હશે !

અમે કેનેડાથી ન્યૂયોર્ક જવા માટે પ્લેનમાં બેઠાં. પ્લેન ઉપડ્યું કે તરત અનૂપે કહ્યું : ‘જોયું તમે ? ઘર કેવું રખાય તે ? આપણે ઘેર તો કોઈ પણ ચીજ જ્યારે જોઈએ ત્યારે મળે જ નહિ ! શોધાશોધ કરવી જ પડે ! નાનું સરખું કામ હોય અને સ્ક્રૂ ડ્રાઈવર જોઈતું હોય તો એની જગ્યાએ હોય જ નહિ !’
‘તમારે જે કહેવું હોય તે કહો, પણ મને આવું સંગ્રહાલય જેવું ઘર જરાયે ગમે નહિ. આખો દિવસ સાચવ્યા જ કરવાનું ? ઓહ ! અહીં ડાઘો પડી જશે અને છાપું ચોળાઈ જશે !’
‘એ તો છે ને તે “અશક્તિમાન ભવેત સાધુ” જેવું છે ! તારું એ કામ જ નહિ’ અનૂપે કહ્યું.
‘હા, હા ! મારે આવા ‘neat and absolutely organised’ થવું જ નથી સમજ્યા ! હું કંઈ ઘરનું વાળવાઝૂડવાનું વેક્યુમક્લીનર નથી ! હું તો જીવતી જાગતી ધબકતી વ્યક્તિ છું. બસ હવે !’ મેં ગુસ્સામાં કહ્યું અને મારું પુસ્તક કાઢી વાંચવા માંડ્યું. અમારા આખા એ પ્રવાસ દરમિયાન ભાગ્યે જ હું થોડા શબ્દો બોલી હતી.

જ્યારે પણ હું કબાટો કે પુસ્તકોનો બ્યુરો ગોઠવતી હોઉં ત્યારે અનૂપ હંમેશ ટીકા કરતાં કહે છે : ‘જે ચીજવસ્તુઓ છેલ્લા બે વર્ષમાં વપરાઈ નહિ હોય તે હિંમતથી ફેંકી દે. ઘરમાંથી અર્ધો ‘કચરો’ જતો રહેશે તો તને જ સારું પડશે.’ એમની વાત ગમે તેટલી સાચી હોય અને ‘ચોખ્ખાચટ’ માણસો ભલે નકામું કશું સંઘરતા નહિ હોય, પરંતુ હું એમ નથી કરી શકતી. આકાશ માટે લીધેલી પહેલી ટ્રાઈસીકલ અને સોહા માટે આંખ બંધ ખોલ કરે એવી સરસ મોટી ઢીંગલી ! એ બધી નાની નાની વસ્તુઓ સાથે તો મારાં જીવનનાં મીઠા સંભારણાં સંકળાયેલા છે એને હું કેવી રીતે ફેંકી દઉં ! આવે બધે પ્રસંગે હું મારી જાતને પૂછું છું : ‘ઘર એટલે શું ? ઘર તમે કોને કહો છો ? ઘર શેનાથી બને છે ? એના પાયામાં શું હોય છે ? માત્ર ઈંટ-પથ્થર અને લોખંડ ! ઘર તો માનવ સંસ્કૃતિના વિકાસનું ઊગમસ્થાન છે. એક ઘર કાં તો માત્ર ઈમારત હોઈ શકે કે કાં તો તીર્થધામ સમું પવિત્ર અને રળિયામણું પણ હોઈ શકે.

એક માએ એના નાના પુત્રને પૂછ્યું, ‘તને ખબર છે ? ઘર એટલે શું ?’ બાળકે સહેજ વિચાર કરી કહ્યું, ‘ઘર એટલે તું… મા તું અને પિતાજી. જમવા માટેનું ટેબલ અને મારું બિછાનું. આપણું આ ઘર છે, કારણ કે આપણે એકબીજાને ચાહીએ છીએ !’ આ તો ઘર એટલે શું ? એનો બાળકે આપેલો જવાબ છે. આપણે તો પુખ્ત વયના અને અનુભવી છીએ છતાં જો કોઈ આપણને આ પ્રશ્ન પૂછે, ‘ઘર એટલે શું ? What makes a home ? ઘર કેવી રીતે નિર્માણ થાય છે ?’ તો કદાચ આ નાના બાળકના સાદા સીધા ઉત્તરમાં આપણે વિશેષ કંઈ જ નહિ ઉમેરી શકીએ. પ્રેમ હોય છે ત્યાં ઘર છે. આપણું હૃદય જ્યાં જવા તલસે છે તે આપણું ઘર છે. આ લખતી વખતે મને કવિશ્રી મુરલી ઠાકુરનું આ હાઈકુ યાદ આવે છે :
બળ્યો ઝળ્યો હું
આવ્યો ઘરે, માંડવે
મધુમાલતી

વિશાળ મકાન, મોટો બગીચો, છેલ્લી ઢબનું રાચરચિલું-સગવડના તમામ આધુનિક ઉપકરણો અને મોંઘા ગાલિચા-આ બધાંની ભીતરમાં ફરિયાદો-બબડાટ-અલગ અલગ વ્યક્તિત્વનો ટકરાવ અને થીજેલી લાગણીઓને ઢાંકી શકાતાં નથી. વર્ષો પહેલાં મારી પુત્રી દિવ્યાને ન્યૂર્યોકમાં મેનહેટનમાં એપાર્ટમેન્ટ જોઈતો હતો. હું એની સાથે થોડાંક ઘર જોવા ગયેલી. સરસ રીતે સજાવેલો એપાર્ટમેન્ટ હોય પણ ઘરમાં હોય નાનકડું બાળક, એની બેબી સીટર, કૂતરો અથવા બિલાડી ! બાળક રમકડાંના ઢગલાની વચ્ચે એકલું રમતું હોય અને બેબીસીટર ઝોકાં ખાતી હોય કે ટી.વી. જોતી હોય ! આ જ સંદર્ભમાં બીજો એક પ્રસંગ કહું. એક સરસ એપાર્ટમેન્ટ હતો. અમને એ ગમ્યો. મેં સહજ ઉત્સુકતાથી ઘર બતાવનાર દલાલને પૂછ્યું હતું : ‘ઘર તો સરસ છે. શા માટે એમને વેચવું છે ?’ એટલામાં એક મધ્યમ વયની મહિલા આવી પહોંચી. એણે કહ્યું, ‘અમારા ડીવોર્સ થઈ ગયાં છે. અમે બંને છૂટાં થઈ ગયાં છીએ એટલે આ ઘર કાઢી નાખવું છે.’ એ સાંભળીને મારું મન એકદમ ખિન્ન થઈ ગયું હતું.

મને થયું ઘર એ છે, જ્યાં આપણને કોઈ પ્રેમ કરતું હોય, જ્યાં કોઈ આપણી રાહ ઉત્સુકતાથી જોતું હોય. ઘર એ છે, જ્યાં આપણને પ્રફુલ્લિત કરતાં શબ્દો બોલનાર કોઈ હોય….
‘Home is sweet and only sweet
Where there’s one we love to meet’

એ મીઠું મધુરું ઘર છે જ્યાં કોઈકને મળવા આપણું દિલ તલસતું હોય. જ્યાં આદાન પ્રદાન-સ્વાર્પણ અને પ્રત્યાર્પણ આપોઆપ થતું હોય છે, જ્યાં એકતા અને સંવાદિતા હોય છે એ ઘર ‘ઘર’ હોય છે. કવિશ્રી નિરંજન ભગતનું કાવ્ય ‘ઘર’ – ઘરની સાચી ઓળખ આપે છે. કવિ પૂછે છે :
‘ઘર તમે કોને કહો છો ?
જ્યાં ટપાલી પત્ર લાવે ?
જેનું બધાને નામ ઠેકાણું આપી શકો ?
તેને તમે શું ઘર કહો છો ?’

કવિ એનો ખૂબ જ સરસ પ્રત્યુત્તર આપતાં કહે છે : ‘આટલું જ પૂરતું નથી, ઘર એ છે, જ્યાં તમે બધો જ ભાર ઉતારીને ‘હાશ’ કહી નિરાંત અનુભવી શકો.’ જ્યાં દિલને આરામ અને અપનાપન લાગે એ ઘર છે. જે સ્થળે સુમેળનું સૌંદર્ય હોય, પ્રેમનો આનંદ હોય, બાળકોનો કલરવ હોય, વડીલોની પ્રેમાળ છત્રછાયા હોય અને સંતુષ્ટ સ્વભાવ ઘરની સગવડ હોય… એને ઘર કહેવાય.

મને અત્યારે એ પુસ્તકનું નામ કે એના લેખકનું નામ ચોક્કસ યાદ નથી. ઘણા સમય પહેલાં એક સુંદર પ્રાર્થના મારા વાંચવામાં આવી હતી. મને એ ખૂબ જ સ્પર્શી ગઈ હતી. અત્રે તો હું એનો સંક્ષેપમાં મને યાદ છે તેટલો ભાવાનુવાદ જ રજૂ કરી શકું એમ છું : ‘ઘર એ છે, જ્યાં પતિ-પત્ની એકબીજાને કહે છે…. “કોનો વાંક છે, કોની ભૂલ છે, એ મહત્વનું નથી. આપણે એકબીજાની સંભાળ રાખતાં આનંદથી રહીએ. અન્યોન્યને પ્રેમ કરતાં રહીએ, જ્યાં આપણાં સંતાનો જીવનને આનંદથી ઝીલે, જ્યાં આપણાં હૃદયપર્ણો સદાયે તાજગીભર્યાં લીલાંછમ રહે એવું ‘ઘર’ નિર્માણ કરીએ. એવું ઘર નિર્માણ કરીએ કે જ્યાં શ્રીમંતમાં શ્રીમંત અને અકિંચનનો સમાનભાવે સત્કાર થાય. જ્યાં ફૂલોને, વૃક્ષોને, પ્રાણીઓને અને પુસ્તકોને ચાહવાનો આનંદ હોય. જ્યાં બીજાંને સુખી કરવાનો અને ઉત્તમ પ્રગટ થવાનો આનંદ હોય, અને જ્યાં સાથે પ્રાર્થના કરવાનો આનંદ હોય…. જ્યાં શાંતિ અને પ્રસન્નતા પ્રસરેલી હોય એવું ઘર નિર્માણ કરવાની પ્રભુ ! અમને શક્તિ આપો. આવા ઘરનો નિર્માતા છે પરમાત્મા સ્વયં, જેણે નક્ષત્ર મંડળની અને જગતની રચના કરી છે.” ’

કોઈક ઘર ભાંગે છે, ત્યારે મને ખૂબ જ દુ:ખ થાય છે, કારણ કે, Broken House means broken family. ઘર વેરવિખેર થાય છે ત્યારે કુટુંબ તૂટે છે અને કુટુંબ તૂટે છે ત્યારે સમાજ તૂટે છે.