જીવનપ્રેરક વાતો – સંકલિત

[પુન: પ્રકાશિત]

[1] પ્રકૃતિ
કુદરતે આપણા મનોરંજન અને હળવાશ માટે સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે. જ્યારે તણાવના ભાર તળે દબાઈ જવાની લાગણી અનુભવો ત્યારે પવનની સંગત માણો, એનું સંગીત સાંભળો. નદીકિનારે જાઓ, એના પાણીમાં પગના પંજા બોળી આસપાસનું સૌંદર્ય માણો. નદી કે સમુદ્રતટની રેતીમાં તમારી આંગળીઓ ફેરવો. હાથની હથેળીમાં મુઠ્ઠી વાળીને રેતી પકડી રાખવાનો પ્રયત્ન કરો; વારંવાર તેમ કરી જુઓ. આમાં એક અગત્યની શીખ છે. જીવનની સમસ્યાઓ પણ રેતી જેવી જ છે, એ કાયમ રહેવાની નથી, સરી જવાની છે; માત્ર આજનો સમય ધીરજપૂર્વક પસાર થઈ જવા દો. તમારા જીવન પર સમસ્યાઓને સવાર ન થઈ જવા દેશો. પ્રકૃતિની સુંદરતાને માણો. સવારનો કુમળો તડકો કે સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી આકાશમાં કેસરી રંગની જે રંગોળી રચાય છે તેની સાથે એકરૂપ બની જાઓ. આકાશમાંથી પસાર થતાં વાદળોમાં જાતજાતના આકારો કલ્પો. વરસાદનું સંગીત લિજ્જતથી સાંભળો. વરસાદમાં બાળક બનીને પલળવા નીકળી પડો. ભાદરવાની નમતી સાંજે મેઘધનુષના રંગો જુઓ. કાળી ડિબાંગ રાતે આકાશમાં ટમટમતા તારાઓ સાથે મૈત્રી કરો. બાગમાં ફૂલે ફૂલે ઊડતાં પતંગિયાંને જુઓ. વૃક્ષોનાં પર્ણોમાંથી વાતા પવનનું સંગીત સાંભળો. પ્રકૃતિ સુંદરતાથી સભર છે. ધરતી, વૃક્ષો, નદી, પક્ષીઓ, આકાશ, તારાનું સૌંદર્ય તમારા જીવનને આનંદથી ભરી દેવા તમારી રાહ જોઈને બેઠું છે. પછી રાહ શેની જુઓ છો ? નીકળી પડો.

[2] જીવનનું સરવૈયુ – દોલતભાઈ દેસાઈ
માણસના જીવનની શરૂઆતમાં સરવાળાનો યુગ આવે છે. બધું જ ઉમેરવા મળ્યા કરે ! પત્ની ઉમેરાય, સંતાન ઉમેરાય, કમાણી ઉમેરાય, કીર્તિ ઉમેરાય, પચીસથી ચાળીસ સુધીની ઉંમર સરવાળાની ઉંમર હોય, આ વય દરમ્યાન માણસને બાદબાકી કરવાની ઈચ્છા જ થતી નથી. બાદબાકીનો વિચાર પણ નથી આવતો !
પછી ગુણાકારની ઉંમર આવે. ત્રીસ-પાંત્રીસથી ગુણાકાર શરૂ થાય. જે કર્યું હોય તેનું અનેકગણું ફળ મળે. માણસની રિદ્ધિ-સિદ્ધિની અવસ્થા છે એ વેળા એ ભાગાકાર વિચારતો જ નથી. પચાસની ઉંમરે માણસ ભાગાકાર કરવા માંડે. દીકરા દીકરીના લગ્નમાં ખર્ચ થાય. ઘર વસાવવામાં થાય. પોતાની આવક ભાંગીને જીવે. ભાગાકાર સમયનો થાય, ભાગાકાર શક્તિનો થાય. પચાસે નવી શક્તિ ક્યાંથી લાવે ? જે છે એમાંથી ખર્ચાતું જાય ! ને સાઠે આવે બાદબાકી ! સત્તા, ધન, કીર્તિ વડે આકર્ષાઈને લાભ લેવા જે જે આવતાં, તે હવે બાદ થતાં જાય ! કોઈ અંગત જ બે જણ મળવા આવે. માણસની બાદબાકી માણસને પજવે. એ હૈયાવરાળ કાઢે. જમાનો સ્વાર્થનો થતો જાય – માણસ એકલો પડતો જાય.
પણ જો કોઈપણ ઉંમરે આ ચારેય ક્રિયાઓ ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી સાથે જ ચાલ્યા કરે, તો માણસ સુખી થાય, પ્રસન્નતા મેળવે. પચાસની ઉંમરે માણસ સ્વાર્થની તદ્દન બાદબાકી કરે, અહમનો ભાગાકાર કરે, ધર્મ અને કલ્યાણપ્રવૃત્તિનો ગુણાકાર કરે અને અન્યનાં સુખનો સરવાળો – તો જીવન ભર્યું ભર્યું બને.

[3] આદર્શો
આપણે ઘણી વખત કોઈ મક્કમ સંકલ્પ કરીએ છીએ અને પછી કસોટી આવે ત્યારે ઢીલા પડી જઈએ છીએ. પ્રલોભનો હંમેશાં આવે છે. આદર્શને વળગી રહેવાનું બહુ જ કઠિન હોય છે. પ્રલોભનોને એક બાજુ નાખીને તમે આદર્શને વળગી રહો છો ત્યારે મનમાં ગજબની ખુમારી આવે છે. આવી ખુમારી કરોડો રૂપિયા ખર્ચવાથી પણ મળતી નથી. એટલે ગમે ત્યારે તકલીફો આવે એટલે આદર્શોને પડતા ન મૂકો. જ્યારે કમનસીબીનું તોફાન આવશે ત્યારે આદર્શોનો મજબૂત પાયો હશે તે તમારી જીવનનૌકાને તોફાનમાંથી બચાવી લેશે.

[4] ઈશ્વરનો સ્વભાવ
માણસને પડવાનાં સાધનો તો ઘણાં છે, એને પડવાને સારું પ્રયત્ન પણ નથી કરવો પડતો, ચઢવાને સારું જ પ્રયત્ન કરવો પડે છે. જે ધર્મપુસ્તકથી આપણું જ શ્રેય થવાનું છે એમ આપણે માનીને તેનો આદર કરીએ, તેને યોગ્ય સ્થાને મૂકીએ, પણ તેના બાહ્ય આદરમાં જ બધું સમાવી દેનારને એ સાધન બંધનરૂપ થાય છે. માટે આદરમાં પણ વિવેક હોવો જોઈએ; તો જ એ આદર આપણને આગળ વધારે. એની બાહ્યપૂજા કરવામાં જ બધું સમાઈ જતું નથી આપણે તેથી આગળ વધવું જોઈએ. ગ્રંથમાં લખ્યા પ્રમાણે અનુસરવાનો પ્રયત્ન કરીએ. ઈશ્વર પોતે સર્વશક્તિમાન છે. આપણે એની કૃતિ છીએ પણ જ્યારે આપણે બધા તેની કીડીઓ જેવા એને જ ખાઈ જવાને ઈચ્છીએ ત્યારે એની શેષ શક્તિનો એ ઉપયોગ કરે છે. ઈશ્વર એટલો બધો નજીક છે કે આ દેખાય, આ દેખાય…. એમ લાગે, છતાં એ હાથ આવતો નથી એટલો દૂર પણ છે. જેમ આકાશ અને વાયુ અરસપરસ અડીને રહેલાં છે, તેમ ઈશ્વર અને જગતનું છે. જે માણસ શ્રદ્ધાળુ છે એ ઈશ્વરને જાણે છે. જે અશ્રદ્ધાળુ છે તે ઈશ્વરમાં નથી. ઈશ્વર કોઈની ઉપર જઈને પડતો નથી, પણ જેને એનામાં ભળવું હોય તેને માટે જગ્યા બંધ પણ કરતો નથી. એવો ઈશ્વરનો સ્વભાવ છે.

[5] ધાર્યું ન બને ત્યારે – પૂ. મોટા
આપણી ધારેલી મુરાદો બર ન આવે ત્યારે આપણે ઝટ છંછેડાઈ ઊઠીએ છીએ. લાગણીવશ બની જઈએ છીએ, કેટલીક વાર નિરાશ પણ બની જઈએ છીએ. પરંતુ સાચી રીતે જો વિચારીએ તો એથી આપણું જીવનનું કામ વધારે બગડે છે, ને આપણે પણ બગડતા જઈએ છીએ. જગતમાં બધાનું ધાર્યું બનતું હોતું નથી. માનવી પોતે ગમે એટલો પૂરેપૂરો સ્વતંત્ર પોતાને માને, તોયે તેનું ધાર્યું બધું જ પૂરું પાંસરું પાર ઊતરતું નથી. બધું તો શું પરંતુ ઘણો મોટો ભાગ ! જો તે સાચી રીતે પોતાનાં વિચારો, ધારણાઓ, આશાઓને બરાબર સમજીને તેમનો સરવાળો કરે તો કેટલુંય નહિ ફળ્યું હોય એવું નીકળે. પોતાનું ધારેલું કે ઈચ્છેલું ન થાય એવા પ્રસંગોમાં તટસ્થતા જાળવવી, સમતા પ્રગટાવીને શાંતિને ધારણ કરવી ને મનમાં જરાપણ ઓછું ન આણવું. બીજા પર ચીડ કે ગુસ્સો આવવો, અપમાન લાગી જવું, લાગણીનું છંછેડાઈ જવું – આવું બધું તો દેવતામાં ઘી નાખીએ ને જેમ ભડકો થાય તેના જેવું છે. પરંતુ એવા પ્રસંગોએ નિશ્ચયતાપૂર્વક શાંત બનવું. પ્રસન્નતાને, શાંતિને, સમતાદિને ટકાવી રાખીએ અને એવા પ્રસંગને જીવન વિકાસનો પ્રસંગ માનીને તેમાં જીવન વિકાસનાં ગુણો પ્રગટાવતાં રહીએ તો ગુણોની શક્તિની ખાતરી જ્ઞાનપૂર્વકનાં ઉપયોગના પ્રમાણમાં આપણને થતી જાય.

[6] સાફ વાત – ગાંધીજી
‘ગાંધીવાદ’ જેવી કોઈ વસ્તુ છે જ નહીં, અને મારે મારી પાછળ કંઈ સંપ્રદાય મૂકી જવો નથી. મેં કંઈ નવું તત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો દાવો નથી. મેં માત્ર જે શાશ્વત સત્યો છે તેને આપણા રોજરોજના જીવન અને પ્રશ્નોને લાગુ પાડવાનો મારી ઢબે પ્રયાસ કર્યો છે. એટલે મનુસ્મૃતિના જેવી સ્મૃતિ મૂકી જવાનો પ્રશ્ન મારી બાબતમાં ઊઠતો નથી. એ મહાન સ્મૃતિકાર અને મારી વચ્ચે સરખામણી ન જ હોય. મેં જે અભિપ્રાયો બાંધ્યા છે અને જે નિર્ણયો પર હું આવ્યો છું તે છેવટના નથી. હું એ કાલે બદલું. મારે દુનિયાને નવું કશું શીખવવાનું નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે.

[7] સત્કર્મો – સ્વામી વિવેકાનંદ
આપણે બધા જ જાણીએ છીએ કે આપણે મરશું ત્યારે પૈસા અને બીજી તમામ વસ્તુઓ છોડી દેવી પડશે, અને તે છતાં એ મેળવવા માટે કેટલા પ્રમાણમાં આપણે શક્તિ વાપરીએ છીએ એ તો જુઓ ! તો પછી એ જ આપણે મનુષ્યજીવો, જે કદી નાશવંત નથી પરંતુ સદાને માટે આપણી સાથે જ રહે છે, તેવા આત્માને મેળવવા માટે તે કરતાં હજારગણી વધુ શક્તિ અને સામર્થ્ય કેમ ન વાપરીએ ? યાદ રાખશો કે મૃત્યુ પછી પણ જે આપણી સાથે આવે છે તે એકમાત્ર મહાન મિત્ર આપણાં સત્કર્મો છે, આપણી આધ્યાત્મિક ઉન્નતિ જ છે; બીજું બધું જ શરીરની સાથે અહીં પાછળ પડ્યું રહે છે.

[8] નામસ્મરણ – ડૉ. ચીનુભાઈ નાયક
માનસશાસ્ત્રની દ્રષ્ટિએ મુલ્યાંકન કરીએ તો નામ સ્મરણથી આપણા મનની અનેક નિર્બળતાઓ દૂર થાય છે. વિકૃતિઓનું શમન થાય છે અને તે અલૌકિક શાંતિનો અનુભવ કરે છે. નામસ્મરણથી આપણા જીવનમાં શ્રદ્ધા અને અભયના ગુણો પ્રગટ થાય છે. નામસ્મરણ દ્વારા ચિત્તની શુદ્ધિ થવાથી ચિત્તના અનેક વિકારોનું શમન થાય છે. ચિત્તશુદ્ધિ થયા પછી શરીરની શુદ્ધિ આપમેળે જ થઈ જાય છે. કારણ કે ચિત્ત એ આપણા શરીરનો નિયંતા છે. આપણે સૌ જાણીએ છીએ રાષ્ટ્રપિતા ગાંધીજી તેમના જીવનમાં રામનામના સ્મરણ દ્વારા અનેક મુશ્કેલીઓમાંથી માર્ગ શોધી કાઢતા હતા. તેઓ જાહેરમાં એકરાર કરતા હતા કે શરીર અને મનની શુદ્ધિ માટે રામનામનું સ્મરણ રામબાણ ઉપાય છે. ભક્તિ માર્ગમાં નામસ્મરણ એ કોઈ ચમત્કારની બાબત નથી પરંતુ મનની પરમ શાંતિના અનુભવની બાબત છે. ભક્તિ એ બુદ્ધિનો નહિ પણ હૃદયની શુદ્ધિનો માર્ગ છે.

[9] જિંદગી – મોહમ્મદ માંકડ
આપણી જિંદગી મર્યાદિત છે. બહુ મોટી અને પોલી મહત્વાકાંક્ષા પાછળ પડવાને બદલે જે કામ સારું હોય, અને હાથવગું હોય એ તરત જ કરજો. ઘણીવાર એક સારું કામ બીજા માટે રસ્તા ખુલ્લા કરશે. નામના અને કીર્તિ બધાને ગમે છે, પરંતુ મોટેભાગે એની પાછળ પડનારાથી એ દૂર ભાગે છે. અને જે માણસ નિષ્ઠાપૂર્વક પોતાને મનગમતું કામ કરે છે એને જરૂરી કીર્તિ સામેથી આવીને મળે છે અને ન મળે તો એને એનો અફસોસ થતો નથી.

[10] સુખી – ગુણવંત શાહ
સુખી લોકોનું એક લક્ષણ હોય છે. તેઓ થાક ન લાગે તોય આરામ કરી શકે છે. ભૂખ ન લાગી હોય તોય તેઓ ખાતા રહે છે. તરસ ન લાગી હોય ત્યારે પણ શરબત પીવાની ટેવ ખબર ન પડે એમ પડી જાય છે. કોઈ ખાસ આપત્તિ વગર પણ તેમનો મૂડ બગડી જાય છે. ક્યારેક કારણ વગર ટેન્શન રહે છે. પૂરતી ટાઢ ન હોય તોય સૂટ પહેરવાનું જરૂરી બને છે.
કદાચ આ કારણે જ સમાજના કેટલાય લોકોને ભૂખ લાગે ત્યારે ખાવા મળતું નથી. આરામની જરૂર હોય ત્યારે ઢસડબોળો કરવો પડે છે. નિરાંતની પળોમાં આ વિચારવા જેવું છે.

[11] પ્રસન્નતા – ભૂમિપુત્ર
પ્રસન્નતા વિકાસનો પ્રાણ છે. વિકસતાં જીવંત પ્રાણી કે વનસ્પતિને જોવામાં આ સત્યનું દર્શન સહજ છે. પ્રકૃતિની વરસાદ પછીની પ્રફુલ્લતા, વસંત ઋતુની પલ્લવિતતા, પ્રત્યેક પ્રભાતની રંગબેરંગી રમણીયતા નિસર્ગની પ્રસન્નતાની શોભા છે. પ્રસન્નતાથી વક્તાની વાણીમાં પ્રસાદ આવે છે, મિત્રનું મિલન રસિક અને મધુર લાગે છે. શિક્ષકનું શિક્ષણ રસિક બને છે ને મજૂરને મજૂરીનો શ્રમ હળવો થાય છે. પ્રસન્નતામાં પ્રાણ વિકસે છે. પ્રસન્ન મન અભિમુખ થઈ ત્વરાથી કૂટ પ્રશ્નોને સમજી શકે છે. પ્રસન્ન મનને સઘળું આહલાદ આપે છે. પ્રસન્ન ચિત્ત એકાગ્રતાનો આનંદ અનુભવી શકે છે. પ્રસન્ન મન બુદ્ધિની ઝીણવટમાં જઈ શકે છે. પ્રસન્ન શરીર અને ઈન્દ્રિયો સ્ફૂર્તિથી કામ સાધી શકે છે. પ્રસન્નતાનો પાયો આરોગ્ય, શાંતિ , સ્વાતંત્ર્ય, સ્વાધીનતા ને આંતર-બાહિર જગતના ઐક્યાનુભવમાં છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આનંદ – માનવ પ્રતિષ્ઠાન
‘માનસ’ થી લોકમાનસ – રઘુવીર ચૌધરી Next »   

9 પ્રતિભાવો : જીવનપ્રેરક વાતો – સંકલિત

 1. જય પટેલ says:

  ૧૧ મણકાની વિચારમાળા મનનીય.

  ખાસ કરીને
  સરવાળા…ગુણાકાર…ભાગાકાર…બાદબાકી..!!
  પ્રેરણાત્મક.

 2. જીવનપ્રેરક વાતો આમ તો વારંવાર વાચવી જોઈએ, અને કદાચ એટલે જ તેને અત્રે પુનઃપ્રકાશિત કરવામાં આવી હશે.

 3. anju says:

  ખુબ સરસ વાતો કહિ ખાસ તો જિવનનુ સરવેયુ

 4. nayan panchal says:

  આટલુ સરસ લખાણ જેટલી વાર વાંચીએ એટલુ ઓછું.

  ખૂબ આભાર,
  નયન

 5. ‘ગાંધીવાદ’ જેવી કોઈ વસ્તુ છે જ નહીં, અને મારે મારી પાછળ કંઈ સંપ્રદાય મૂકી જવો નથી. મેં કંઈ નવું તત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો દાવો નથી. મેં માત્ર જે શાશ્વત સત્યો છે તેને આપણા રોજરોજના જીવન અને પ્રશ્નોને લાગુ પાડવાનો મારી ઢબે પ્રયાસ કર્યો છે.

  પરમ પુજનિય બાપુએ કેટલી સીધી વાત સરળ શબ્દોમાં કહી છે. એઓની દરેક વાત સીધી અને સચોટ હતી!
  આજના યુગમાં બાપુ વિસરાય રહ્યા છે. એ સમયે આવી સરસ પ્રેરક વાતો વાંચીને આનંદ થાય.
  સત્યના માર્ગે ચાલી બાપુ અમર થઈ ગયા.

 6. Veena Dave, USA says:

  સરસ.

 7. Chirag Patel says:

  Nothing new…. Same old …. Same old… We should do this… we should do that… we shouldn’t do this and we shouldn’t do that…. Gee! I wonder how many writers / speakers actually live with their own “Should and Shouldn’ts”???

  Chirag Patel

 8. Pooja says:

  Bahut hi Achi bat kahi he Pahele topik me, Jab muj par bhi aisi musibat ati he tab me bhi sant mahol pasnd karti hu, Or sochti hu ki sukh dukh to aate jate rahete hena.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.