- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

‘માનસ’ થી લોકમાનસ – રઘુવીર ચૌધરી

[પૂ. મોરારિબાપુના જીવનપ્રસંગો, સાહિત્યકારોના પ્રતિભાવો, કથા-આસ્વાદ અને મુલાકાતોનો સમન્વય કરતા સુંદર પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે આદરણીય સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી તેમજ શ્રી સંજયભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] બેટા, આપણે સાધુ છીએ

સાતમા ધોરણમાં આવ્યા છે મોરારિ.
પ્રભુદાસબાપુ અને સાવિત્રીમા વાત કરે છે : ‘દીકરાએ તલગાજરડાથી મહુવા આવજા ચાલુ રાખીને અભ્યાસ કરવો કે મહુવામાં રહીને ? જો મહુવાના કોઈ છાત્રાલયમાં રહીને શાળાએ જવાનું થાય તો રોજના દોઢ-બે કલાક બચે.
શું કરવું ?’
સાવિત્રીબાને તો એમ કે દીકરો નજર સામે રહે તો સારું. મંદિર, મહેમાન કે ઘરના કામમાં મોરારિનો ટેકો મળી રહે છે. પણ પ્રભુદાસબાપુ બહારની દુનિયા જોઈ બદલાતા સંજોગમાં શિક્ષણનું મહત્વ સ્વીકારતા થયા હતા. સમગ્ર હરિયાણી પરિવારે જોયું હતું કે જ્ઞાન-ભક્તિ દ્વારા આત્માની કેળવણી સાથે માહિતી અને વિદ્વાન દ્વારા વધતી આધુનિક ઢબની યોગ્યતા પણ કેળવવી સારી. પ્રભુદાસબાપુને નવલકથાઓ વાંચવાનો શોખ હતો, એમાં થયેલા નવી દુનિયાના વર્ણન વિશે એ વાત કરતા.

મોરારિને મહુવામાં મૂકીએ તો ખરાં પણ એ રહેશે ક્યાં ? આ પ્રશ્નનો ઉત્તર પ્રભુદાસ બાપુને પહેલાં જડ્યો. એમને મહુવાની વાડીઓ અને છાત્રાલયોની જાણકારી હતી. યાદ આવ્યું : આહીર સમાજનું એક છાત્રાલય છે. એના સંચાલક બહુ ભાવ રાખે છે. એ રાજી થશે. આપણા સાધુ સમાજનું છાત્રાલય તો ક્યાંથી હોય ? – માના આ શબ્દો મોરારિના કાને પડે છે. છાત્રાલયમાં જગા ન મળે તેથી કોઈનો અભ્યાસ અટકી જાય એવું બનતું હશે ખરું ? પ્રભુદાસબાપુને (પિતાજી) ખાતરી હતી કે આહીર જ્ઞાતિના છાત્રાલયમાં જરૂર પ્રવેશ મળશે. અને આવકાર સાથે પ્રવેશ મળી ગયો.

સાવિત્રીબાએ મોરારિના કપડાંલત્તાં સાથે ટીનના એક ડબ્બામાં ઘી આપ્યું. એમને ખબર ન હતી કે છાત્રાલયના રસોડામાં રોટલી સાથે ઘી મળે છે કે દરેક વિદ્યાર્થી પોતાનું ઘી રાખે છે. અહીં ઘરની ગાયનું ઘી હતું. ડબામાં ભરી આપ્યું એ તો ઠીક પણ કપડાં જોતાં કિશોર મોરારિને પ્રશ્ન થયો : બહારગામ રહેવાનું છે ને ફક્ત બે જોડ કપડાં ?
‘મા, આ બે જ ચડ્ડી કેમ ?’
સાવિત્રીબાએ અમી નજરે દીકરા સામે જોયું. જવાબ એમાં આવી ગયો હતો છતાં ચોખવટ કરી : ‘બેટા, આપણે સાધુ છીએ. આપણે વધારે નહિ રાખવું જોઈએ.’ દાદાજી દ્વારા મળેલી વૈરાગ્યની સમજણમાં આ એક અનન્ય ઉમેરો હતો. ‘બેટા, આપણે સાધુ છીએ…’ – આ કથન સ્મૃતિમાં સચવાઈને વય વધતાં મંત્રનું કામ આપે છે.

[2] અતિથિને જમાડવા બાજરી વેચી બટાટા

રવિવારની રજા હતી. આંગણેથી બંને ગાયોને છોડીને મોરારિ ધણ ભેગી મૂકી આવે છે. ગોવાળ સાથે જઈ ગાયો ચરાવવાનું ગમે. ગાયો વડને છાંયે બેઠી હોય ત્યારે ગિલ્લીદંડા રમવાનું મળે. પેલા સ્વામિનારાયણ સાધુ ગામમાં આવેલા એમણે મુક્તાનંદનું પદ ગાયેલું. કૃષ્ણ ગાયો ચરાવીને સાંજે પાછા આવે છે. એક પંક્તિ ગમી ગયેલી : ‘ગોરજ અંગ ઉપર લપટાની સો છબિ અધિક સોહાવે..’ ગોધન, ગોરજ, ગોધૂલિ, ગોલોક – દાદાજીની પદ્ધતિએ આ શબ્દોને પામવા મનની માળા શરૂ થાય છે.

શિક્ષકોને ગુરુદક્ષિણામાં એક એક માળા ભેટ આપવાને વિચાર છે. પણ બેત્રણ માળા ભેગી થાય ત્યાં કોઈ ને કોઈ માગી જાય. આજે આખો દિવસ આ એક જ કામ કરવું છે. માનસ-શિક્ષા પૂરી થતાં તુલસીની દાંડી હાથમાં લીધી. મણકો કાપી ઘાટ આપવાનો, રામપાત્રમાં મણકા ભેગા કરવાના, ચેતન કે ટીકો એમાંથી ઉઠાવી ન જાય એની કાળજી રાખવાની. દેવો (એમના ભાઈ દેવાનંદભાઈ) એક વાર મણકો ગળી ગયેલો. દાદાજીએ હસીને કહેલું : ‘એને તુલસીની ચોપાઈ ગાતાં જલદી આવડશે. પ્રસાદમાં મળતાં તુલસીનાં પાન તો સહુનું આરોગ્ય સાચવે છે.’

માએ કિશોરને શોધવા આંગણા બહાર નજર કરી. એ બાળભેરુ સાથે રમવા જતો રહ્યો છે. માળા બનાવવામાં મગ્ન મોરારિની પાસે આવીને થોડા સંકોચ સાથે સાવિત્રીબાએ કહ્યું :
‘ભાઈ, જરા મંદિરમાં ડોકિયું કરી આવે છે ? કોઈ અતિથિ હોય તો…’
‘હા મા.’ ઘડેલા મણકા જુદા મૂકી મોરારિ તુરત ઊઠે છે. અતિથિ છે. આદરપૂર્વક ખબરઅંતર પૂછી કુનેહથી જાણી લીધું કે અતિથિ પ્રસાદ લેશે. વિગત જાણી માને આનંદ થયો. કોઠી પાસે ગયાં. બાજરો ભરેલો વાડકો મોરારિના હાથમાં મૂક્યો : ‘જાઓ આના બટાકા લઈ આવો. આપણે તો શાક વિના ચલાવી લેત, પણ મહેમાનને એમ રોટલો ને છાશ આપતાં આપણો જીવ ચાલે ?’ તુલસીના મણકા ગોખલામાં મૂકી મોરારિ શાક લેવા ઊપડે છે. પાછા વળતાં રસ્તામાં ત્રિવેદીસાહેબ મળે છે. એમને સાથ આપવા ઝડપ ઘટાડે છે. ત્રિવેદીસાહેબ જાણે છે કે એમના આ વિદ્યાર્થીને તુલસીની માળા બનાવવાનો ભારે શોખ છે. ઠપકો આપવાની રીતે ત્રિવેદીસાહેબ કદર કરે છે. પછી સલાહ આપે છે : ‘લેસન પૂરું કર્યું ? એ પહેલું…’
‘જી, આ માળા પૂરી કરી લેસન પતાવીશ. પછી જમીશ.’
બટાકાનો વાટકો લેવા બહાર આવેલાં સાવિત્રીબા ત્રિવેદીસાહેબને ‘જય સિયારામ’ કહી આદર આપે છે. ત્રિવેદીસાહેબને એમના રસ્તે વળતા જોઈ મોરારિને પૂછે છે : ‘તેં સાહેબને એકય માળા ભેટ આપી કે નહીં ?’
‘ગોરાણીબાને આપી છે. સાહેબને માળા આપું તો એ અમને ભણાવવાને બદલે વર્ગમાં માળા ફેરવ્યા કરે. તો સરસ્વતી માતા મારા પર નારાજ ન થાય ?’
‘મને ખાતરી છે કે મોરારિ મારાથીય સારો શિક્ષક થશે.’ – કહેતા ત્રિવેદીસાહેબ એમની વાટે વળી અદશ્ય થઈ ગયા.

શ્રી જગન્નાથભાઈ ત્રિવેદી તલગાજરડાની વ્રજલાલ નરોત્તમદાસ પ્રાથમિક શાળાના આચાર્ય હતા. એમને ત્રિભુવનદાસ બાપુની (મોરારિબાપુના દાદાજી) વિદ્વત્તા માટે આદર હતો અને સમગ્ર કુટુંબની સંસ્કારિતા એમને માટે દષ્ટાંતરૂપ હતી. શિક્ષકો જોતા કે કવિતા ભણાવતી વખતે મોરારિની આંખમાં ચમક આવી જાય છે. એને કવિતા ગાતાં ગાતાં યાદ રહી જાય છે. એને હરીફાઈની ટેવ નથી. આગળના અમુક ક્રમમાં બેસવાની જીદ નથી. વર્ગના બ્લેક બોર્ડ પર કંઈ ને કંઈ લખવાનો વિદ્યાર્થીઓને શોખ હતો. શિક્ષક વહેલામોડા હોય ત્યારે આ પ્રવૃત્તિ ખીલી ઊઠતી. મોનીટર પોતાનો મોભો જાળવીને કેટલાક ભાઈબંધોને લીટાં કરવાની તક આપતો. ચિત્ર નીચે નામ લખવાનો રિવાજ હતો જેથી જોનારને ઓળખવામાં અગવડ ન પડે. મોરારિને ચોક પકડવાની તક મળી તો એણે હનુમાનજીનું ચિત્ર દોરી નીચે લખ્યું : ‘રામ રાખે તેમ રહીએ…..’

[3] પ્રથમ રામકથા

પહેરણ-ચડ્ડી પહેરતા કિશોર મોરારિના હૃદયમાં મનોરથ જાગે છે.
પોતે રામચરિતમાનસનો પાઠ કરે છે એનું પુણ્ય તો દાદાજીને ચરણે અર્પણ થતું રહેશે પણ દાદાજીના સત્સંગીઓ તો આખા મુલકમાં વસે છે. રામજી મંદિરની ઉત્તર-પૂર્વે ગામના ગોચરમાં પરબ બેસે છે. ત્યાં વડ અને બીજાં વૃક્ષોને કારણે મંદિર જેવું વાતાવરણ છે. ખેડૂતો-ગોવાળો અહીં ગાય-ભેંસ ચારે છે. એમનામાંથી જેમને રામકથા સાંભળવામાં રસ હોય એમને ભેગા કરીને માનસનો. દાદાજીએ સમજાવેલ મર્મ રજૂ કરી શકાય. રામજી મંદિરમાં પૂજાનો વારો દાદીમાનો હતો. એમણે કહ્યું : ‘તું પૂજા કરજે.’

મોરારિનો મથોરથ ફળે છે. નદીએ સ્નાન કરીને માટીના સિંહાસન પર ફોટો મૂકીને પ્રથમ કથાની તૈયારી કરે છે. ત્રણ શ્રોતા મળે છે : શામજી, સુખરામ અને ભૂરો. ત્રણેય ધ્યાનથી કથા સાંભળે છે. ક્યારેક કોઈ વાછરડું કે પાડું નજીક આવીને ઊભું રહે છે. ક્યારેક કોઈ ભેંસ દૂર નીકળી જાય છે. શ્રોતાઓ બે બાજુ ધ્યાન રાખવાની શક્તિ ધરાવે છે. ચોપાઈ પૂરી થતાં ઊઠીને પોતાના ઢોરને પરબડી નજીક વાળી લાવે છે. મારતા નથી, હોંકારે-ડચકારે કામ લે છે. એમને લાગે છે કે ઢોરને મારીએ તો રામ રાજી ન રહે. પાછા આવી માટીના સિંહાસન પર આરૂઢ બાળક શા બાપુના ચરણે બેસે છે. થવા દ્યો બાપુ, શ્રોતા રજા આપે છે. રજા એ જ વિનંતી. આમ તો આ ત્રણેય જણે એમના બાપદાદાઓ અને દાદીઓ પાસેથી રામાયણ-મહાભારતનાં પાત્રો અને પ્રસંગો વિશે કંઈ ને કંઈ સાંભળ્યું છે. ભવાઈ કે નાટકવાળાઓના ખેલમાં જોયું છે. ત્રિભુવનદાસ બાપુ જેવા વડીલ સાધુઓ ચોમાસામાં આખો શ્રાવણ માસ મંદિરમાં પારાયણ કરતા. એનીય પ્રસાદી મળેલી છે. પણ આ કિશોર મોરારિના અવાજનો રણકો એમને સાંભળવો ગમે છે.

આજે અહીં રામવાડી છે. હનુમંતયજ્ઞ થાય છે. સામે શિવપુરી છે. જ્યાં હનુમાનજી મહારાજને પ્રિય સંગીત-નૃત્યની રજૂઆત થાય છે. દૂર સુદૂરથી આવેલા કલાકારો બાપુની શુભેચ્છારૂપે શાલ અને રામનામી પામી ધન્યતા અનુભવે છે.

[4] રેશનની દુકાન

ચૌદ વર્ષની ઉંમરથી મોરારિબાપુ રામકથામાં રમમાણ હતા. વીસેક વર્ષની ઉંમરે શિક્ષક થયા એ પહેલાં માસ પારાયણ કરતા. શિક્ષક થયા પછી કથા નવ દિવસની થઈ જેથી લોકશિક્ષણ સાથે વર્ગશિક્ષણની ફરજને બાધ ન આવે. એવા પણ પ્રસંગો બન્યા છે કે ભણાવીને કથાના સ્થળે પહોંચી ગયા હોય. એ વર્ષોમાં પોતાના જોખમે કથાઓ થતી પણ હિસાબમાં કાચા હોવાથી ટેક્સીનું ખર્ચ પણ કરી બેસતા. એક જ દિવસમાં બાપુને બે જગાએ જોઈને કોઈકને વળી ચમત્કારની વાત કરવાનું મન થતું. પણ મૂળમાં હિસાબની અણઆવડત.

શિક્ષક થયા એ પહેલાં રેશનની દુકાને કામ મળેલું. મૅટ્રિક સુધી ભણેલાને ઘઉં-ચોખાના વેચાણનો હિસાબ તો આવડે જ. એવી ખાતરી હતી એ કામ સોંપનારને અને બાપુને પણ. પહેલા દિવસે હિસાબ કર્યો ત્રણ રૂપિયા વધ્યા. માપતોલ બધું બરાબર હતું. કશી વધઘટ થવી નહોતી જોઈતી. તો પછી આ ત્રણ રૂપિયા વધ્યા એનું રહસ્ય શું ? ઝાઝો વિચાર ન કર્યો. અંગત વ્યસન તો હતું નહીં. એ ત્રણ રૂપિયા ઘરખર્ચમાં કામ લાગ્યા. બીજા દિવસે એટલા જ ઉત્સાહથી કામ કર્યું. સાંજે હિસાબ કર્યો. બાર રૂપિયા ઘટ્યા. ફરીથી ગણતરી કરી. સાચે જ બાર રૂપિયા ઘટ્યા. જોડવાના આવ્યા ! પેલા ત્રણ રૂપિયાને સિલક ગણીએ તો પણ નવ રૂપિયા ઘટ્યા. નવના આંકડા સાથે બાપુને પહેલેથી લેણદેણ છે. તેથી એક પ્રેરણાદાયી સૂત્ર મળ્યું : ‘ભૂલથી પણ પૈસા ગજવામાં રહી જાય તો ત્રણગણું મૂલ્ય ચૂકવવું પડે !’

બાપુ હિસાબમાં કાચા છે એવું માનીને એમનું નામ વટાવી દાન મેળવવાનો કેટલાકે પ્રયત્ન કર્યો. ટ્રસ્ટ સ્થાપ્યાં. બાપુએ એવાં ટ્રસ્ટો સાથે પોતાને લેવાદેવા નથી એમ છસોમી કથામાં આર્દ્ર સ્વરે જાહેર કર્યું. શ્રી સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા એમનો માનવધર્મ પ્રવર્તે છે. યોગ્ય સંસ્થાના યજ્ઞકાર્યમાં એ તુલસીપત્ર રૂપે મદદ કરે છે.

[કુલ પાન : 384. કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : સુનીતા ચૌધરી, રંગદ્વાર પ્રકાશન. જી-15, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ-380009. ફોન નં : +91 79 27913344.]