જાતકકથા-મંજૂષા – હરિવલ્લભ ભાયાણી

[જાતકકથાઓ એટલે જન્મકથાઓ. ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ. બુદ્ધના અનેક આગલા જન્મોમાં જે કોઈ નોંધપાત્ર પ્રસંગ, ઘટના વગેરે બન્યાં હોય તેને ગૂંથીને રચાયેલી કથા. ગૌતમ ‘બુદ્ધ’ થયા એટલે કે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ પહેલાં તેઓ ‘બોધિસત્વ’ કહેવાયા. એટલે જાતકકથાઓને ‘બોધિસત્વકથાઓ’ પણ કહે છે. અમુક વ્યક્તિ કે પ્રસંગને ધ્યાનમાં રાખીને આ કથાઓ એમણે એમના ભિક્ષુઓ પાસે કહી હતી જે અગાઉ સિંહલી ભાષામાં લખાઈ હતી અને પાલી ભાષામાં ઈસવી પાંચમી શતાબ્દીમાં અનુવાદિત થઈ હતી. ગુજરાતીમાં હરિવલ્લભ ભાયાણી સાહેબે આ કથાઓ પર સુંદર કામ કર્યું છે. 1993માં એમણે આ જાતકકથા-મંજૂષાનો સંગ્રહ આપતાં લખ્યું છે કે મૂળમાં 547 આવી વાર્તાઓ છે જેમાંથી આ મંજૂષામાં ફક્ત 34 વાર્તાઓ જ અનુવાદિત કરાઈ છે. જેમને આ ક્ષેત્રમાં કામ કરવું હોય તે માટે માર્ગ મોકળો છે. ગમે તે હોય, પરંતુ જાતકકથાઓ ભારતીય સંસ્કૃતિના કથાસાહિત્યની અમૂલ્ય સંપત્તિ છે. અહીં, તેને પુનર્જીવિત કરવાનો એક પ્રયાસ છે….. – તંત્રી]

[1] કૃતઘ્ન માનવી, કૃતજ્ઞ જાનવર

ભગવાન બુદ્ધ એક વાર વેણુવનમાં વિહાર કરતા હતા ત્યારે એમને મારવા માટે દેવદત્ત નામનો વ્યક્તિ એમની પાછળ પડેલો. ભિક્ષુઓને આશ્ચર્ય થયું કે આ દેવદત્ત બુદ્ધને કેમ મારવા ઈચ્છે છે ? ત્યારે જિજ્ઞાસા કરતાં ભગવાન બુદ્ધે તેઓને જણાવ્યું કે ‘અત્યારે જ નહિ, આ પૂર્વેના જન્મમાં પણ દેવદત્ત મારો વધ કરવા પ્રયત્ન કરતો હતો…..’ એમ કહીને ભગવાન બુદ્ધે તેમનાં કોઈ એક જન્મની કથા શરૂ કરી.

પહેલાંના સમયમાં વારાણસીમાં બ્રહ્મદત્ત રાજા રાજ્ય કરતો હતો ત્યારે તેનો દુષ્ટકુમાર નામનો એક પુત્ર હતો. એ ખૂબ જ કર્કશ, કઠોર અને જાણે ઝેરી સાપ જેવો હતો. ગાળ દીધા વિના કે મારઝૂડ વિના એ કોઈની સાથે વાત ન કરતો. ઘરના તેમજ બહારાના લોકોને તે આંખના કણા જેવો આકરો અને રાક્ષસ જેવો ત્રાસદાયક લાગતો હતો. એકવાર તે જળક્રીડા કરવા કેટલાક મિત્રો સાથે નદીકાંઠે ગયો. એ વખતે ભારે વાદળ ઘેરાઈ ગયા. દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. એણે નોકર-ચાકરોને હુકમ કર્યો કે ‘ચાલો, મને નદીની વચ્ચે લઈ જઈને નવરાવી લાવો…’ તેઓ એને નદીની વચ્ચે લઈ ગયા. નોકરોએ અંદરોઅંદર વિચાર્યું કે આને મારી નાખીશું તો રાજાને વળી ક્યાં ખબર પડવાની છે ? એમ નક્કી કરીને એણે દુષ્ટકુમારને ‘ચાલ રે ભૂંડા !’ એમ કહી ડુબાડી દીધો અને પાછા કાંઠે આવીને ઊભા.

‘કુમાર ક્યાં છે ?’ એમ પાછા ફરેલા નોકરોને પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે ‘ઘનઘોર ઘટા છવાઈ જતાં અમને કુમાર દેખાયા નહીં, અમને તો એમ કે તેઓ નહાઈને પહેલાં નીકળી ગયા હશે…’ રાજાએ અહીં તહીં બધે શોધ કરાવી પણ કુમારનો કોઈ પત્તો ન લાગ્યો. આ બાજુ, દુષ્ટકુમારે અંધારેલાં વાદળ અને વરસતા વરસાદમાં નદીમાં તણતાં તણાતાં એક થડ જોયું. તેના પર બેસીને તે મૃત્યુથી ભયભીત થયેલો રડવા લાગ્યો. હવે બન્યું એવું કે ત્યાં પાસે જ ચાળીસ કરોડ ધન દટાયેલું હતું અને એનો માલિક કોઈ શેઠિયો ધનના લોભમાં મૃત્યુ પામીને બીજા જન્મમાં સર્પ થઈને અવતરેલો ને એ ધન પાસે દર કરીને રહેતો હતો. એની નજીકમાં એવો જ એક બીજો શેઠિયો ધનના લોભે ઉંદર થઈને અવતરેલો અને એની પાસે ત્યાં ત્રીસ કરોડ ધન દાટેલું હતું. આ સર્પ અને ઉંદરના દરોમાં પાણી ઘૂસી જતાં તેઓ રાજકુમારના થડ પાસે પહોંચીને એ થડ પર બેસી ગયા. એ થડ જ્યાં હતું ત્યાં નદીને કાંઠે એક શીમળાનું ઝાડ હતું. એના પર એક પોપટનું બચ્ચું રહેતું હતું. એ ઝાડ પાણીના પ્રવાહથી નદીમાં જઈને પડ્યું એટલે પેલા પોપટના બચ્ચાએ પણ વરસતા વરસાદમાં અશક્ત હોવાને કારણે પેલા થડનો આશ્રય લીધો. આમ, સર્પ, ઉંદર, પોપટ અને પેલો રાજકુમાર એ ચારેય થડ સાથે વહેણમાં તણતાં તણાતાં આગળ જવા લાગ્યા.

એ જન્મમાં ભગવાન બુદ્ધ કાશીરાષ્ટ્રમાં ઉદીચ્ય બ્રાહ્મણકુળમાં જન્મ્યા હતા. મોટા થતાં પ્રવજ્યા લઈને નદીના વળાંક પર પર્ણકુટી બનાવીને રહેતા હતા. મધરાતે તેઓ લટાર મારતા હતા ત્યારે રાજકુમારનું મોટેથી રડવાનું સાંભળીને તેમના મનમાં થયું કે મારા હોવા છતાં આ બાળકનું મૃત્યુ થાય તે ઠીક નથી. મારે એને બચાવવો જોઈએ. એમ વિચારીને ‘બીક ન રાખીશ…. બીક ન રાખીશ….’ એમ કહીને તેઓ દોડ્યા અને થડનો એક છેડો ખેંચીને પેલા કુમાર સહિત તમામ પ્રાણીઓને કિનારે મૂકી દીધા. તેઓ બધાને પોતાના આશ્રમમાં લઈ ગયા. સર્પ વગેરે વધારે દુર્બળ હોઈને પહેલા એના શરીરને સૂકું કર્યું. તેઓને આહાર આપ્યો અને પછી રાજકુમારના શરીરને ચોખ્ખું કરીને તેને ફળમૂળ લાવી આપ્યાં. દુષ્ટકુમારે મનમાં વિચાર્યું કે ‘આ મારા જેવા રાજકુમારની અવગણના કરીને પશુઓનું પહેલાં સન્માન કરે છે ?’ એમ વિચારીને એણે વેરની ગાંઠ બાંધી. તે પછી કેટલાક દિવસ વીત્યા અને નદીનું પૂર ઓસર્યું. બધા સશક્ત બન્યા. તેથી સર્પ તપસ્વીને વંદન કરીને બોલ્યો કે, ‘તમે મારા ઉપર મોટો ઉપકાર કર્યો. હું દરિદ્ર નથી. મેં અમુક ઠેકાણે ચાળીશ કરોડ સુવર્ણ દાટ્યું છે. તમારે ધનનું કામ પડે ત્યારે મારી જગ્યાએ આવીને ‘દીર્ઘ !’ એવી બૂમ પાડજો એટલે હું તમને જોઈએ એટલું ધન આપીશ.’ એમ કહી સર્પ ચાલ્યો ગયો. ઊંદરે પણ એ જ રીતે ફલાણી જગ્યાએ આવીને ‘ઊંદર’ એમ બોલજો એટલે હું ધન આપીશ એમ કહી તે પણ ચાલ્યો ગયો. પોપટે કહ્યું કે મારી પાસે તો ધન નથી, પણ તમારે રાતી શાળની જરૂર પડે ત્યારે ફલાણે ઠેકાણે આવીને ‘પોપટ !’ એમ બૂમ પાડજો એટલે હું મારા જાતભાઈઓને કહીને ગાડાનાં ગાડાં ભરી રાતી શાળ મગાવી તમને આપી શકીશ – એમ કહી એ ચાલ્યો ગયો. બાકી રહેલા પેલા મિત્રદ્રોહી રાજકુમારે કશું કહ્યું નહીં અને ‘એ મારી પાસે આવશે એટલે મરાવી નાખીશ’ એમ વિચારીને ફક્ત એટલું જ કહ્યું કે ‘હું રાજા બનું ત્યારે આવજો. હું તમારો ચારે પ્રકારે સત્કાર કરીશ…’ એ પ્રમાણે કહીને ચાલ્યો ગયો.

સમય વીત્યો. થોડા વર્ષો બાદ એ રાજકુમાર રાજા બન્યો. તપસ્વીને પણ થયું કે ‘ચાલો, પરીક્ષા તો કરી જોઉં !’ એમ વિચારીને તેઓ પહેલા સર્પની પાસે ગયા. બૂમ પાડી. સર્પ પહેલા જ સાદે બહાર નીકળીને વંદન કરીને બોલ્યો કે ‘ભદંત, આ જગ્યાએ ચાળીશ કરોડ સુવર્ણ છે. એ બધું તમે લઈ જાઓ…’ બોધિસત્વે એટલે કે તપસ્વીએ કહ્યું કે, ‘સારું. કામ પડશે ત્યારે જોઈશ.’ અને ત્યારબાદ તેઓ ઉંદર પાસે પહોંચ્યા. ઉંદરે પણ એ પ્રમાણે કર્યું. એ પછી તેઓ પોપટ પાસે ગયા. એમણે સાદ પાડ્યો કે તરત પોપટે હાજર થઈને કહ્યું, ‘ભદંત, મારા જાતભાઈઓને કહીને તમારા માટે હિમાલય વિસ્તારમાંથી ઉત્તમ જાતની શાળ મગાવી આપું ?’ બોધિસત્વે કહ્યું કે ‘જરૂર પડ્યે હું જોઈશ…’ એને વિદાય કરીને ‘હવે રાજાની પરીક્ષા કરું…’ એમ વિચારી તેઓ રાજાના ઉદ્યાનમાં રહ્યા અને બીજે દિવસે વસ્ત્ર વગેરે ઠીકઠાક કરીને ભિક્ષાચર્યા માટે તેમણે નગર પ્રવેશ કર્યો.

એ વખતે પેલો મિત્રદ્રોહી રાજા હાથી પર બેસીને પરિવાર સાથે નગરભ્રમણ માટે નીકળ્યો હતો. એણે તપસ્વીને દૂરથી આવતા જોયા એટલે ‘પેલો કપટી તપસ્વી મફતનું ખાઈને મારી પાસે રહેવા આવ્યો છે અને એ મારા પર કરેલા ઉપકારની કોઈને વાત કરે એ પહેલાં જ હું એનું માથું કપાવી નાખીશ’ એમ વિચારીને એણે સૈનિકોને બોલાવ્યા અને હુકમ કર્યો કે ‘પેલો તપસ્વી કંઈક માગવા આવી રહ્યો લાગે છે. એ મને મળે એ પહેલાં જ એને પકડીને તેના હાથ પીઠ પર બાંધીને આખે રસ્તે પ્રહાર કરતાં કરતાં એને નગરની બહાર કાઢો અને વધસ્થાનમાં લઈ જઈને એને શૂળી પર ચઢાવી એનું માથું કાપી નાખો…..’ સૈનિકોએ આદેશનો સ્વીકાર કરીને પેલા નિરપરાધી તપસ્વીને બાંધ્યા અને આખે રસ્તે પ્રહાર કરતાં કરતાં વધસ્થાન તરફ લઈ જવા લાગ્યા. એ તો બોધિસત્વ હતા. એટલે એ માર પડતો ત્યારે ‘હે બાપ, હે મા’ એવો કોઈ અવાજ કરતા નહોતા. જરાય ચીસ પાડ્યા વગર નિર્વિકાર થઈને તેઓ એક શ્લોક બોલતા હતા, જેનો અર્થ આ પ્રમાણે હતો : ‘કેટલાક ડાહ્યા પુરુષોએ આવી બાબતમાં સાચું કહ્યું છે કે જળપ્રવાહમાંથી એવા તેવા કોઈ માણસને બહાર કાઢી બચાવવા કરતાં, લાકડું બહાર કાઢવું વધુ સારું….’

એમનો આ મધુર શ્લોક સાંભળીને પંડિતોએ એમને પૂછ્યું કે ‘હે તપસ્વી, શું તે અમારા રાજા ઉપર કોઈ ઉપકાર કર્યો છે ?’ બોધિસત્વે જે બન્યું હતું એ વાત કહીને બોલ્યા કે ‘એ રીતે એને જળપ્રવાહમાંથી બહાર કાઢીને મેં પોતાને માટે દુ:ખ વહોર્યુ. હું પહેલાંના ડાહ્યા પુરુષોનાં વચન પ્રમાણે વર્ત્યો નહીં એને યાદ કરીને આ શ્લોક બોલી રહ્યો છું.’ આ બધી વિગત જાણીને નગરવાસી ક્ષત્રિયો અને બ્રાહ્મણોને બહુ દુ:ખ થયું. ‘આ મિત્રદ્રોહી રાજા જીવતદાન દેનારનો પણ ઉપકાર જાણતો નથી તો એના વડે આપણા રાજ્યનું શું ભલું થશે ?’ એમ બોલીને ‘પકડો એને…’ કહેતાં ક્રોધે ભરાઈને ચોતરફથી બધા ઘેરી વળ્યા. અને રાજાને તીર, પથ્થર, ગદા વગેરે પ્રહારથી ઘાત કરીને, પગથી ધસડી ધસડીને પકડીને ખાઈમાં ફેંકી દીધો. પછી નગરજનોએ એ બોધિસત્વને જ એમના રાજા તરીકે સ્થાપ્યા.

ધર્મ અનુસાર રાજ્ય કરતાં તેમણે એકવાર સર્પ વગેરેની પરીક્ષા કરવાની ઈચ્છાથી સર્પના નિવાસસ્થાને જઈને ‘દીર્ઘ !’ એવી બૂમ પાડી અને તુરંત સર્પ વંદન કરતો આવીને ઊભો. ‘સ્વામી આ રહ્યું ધન, સ્વીકારો’. રાજાએ એ બધું ધન રાજકોષમાં ઉમેર્યું. પછી ઊંદર પાસે જઈને પણ તેનું ત્રીશ કરોડ જેટલું ધન પ્રજા માટે રાજકોશમાં ઉમેર્યું. પછી પોપટના નિવાસસ્થાને જઈને બૂમ પાડી કે તુરંત પોપટે કહ્યું : ‘સ્વામી ! શાળ મગાવી આપું ?’ એમણે પોપટને કહ્યું કે જરૂર પડે ત્યારે મંગાવી આપજે. એમ કહીને તેઓ તમામ ધન લઈને નગર પાછા ફર્યા. ઉન્નત મહાલયની ટોચે ચડીને એમણે ધનને ત્યાં સુરક્ષિત રાખ્યું. પછી સર્પને રહેવા માટે સોનાની નળી, ઊંદરને રહેવા માટે સ્ફટિકની ગુફા અને પોપટને માટે સોનાનું પાંજરું કરાવ્યું. સર્પ ને પોપટને ભોજન માટે સોનાના થાળમાં નિત્ય મધમિશ્રિત જવ અને ઊંદર માટે સુગંધી તાંદુળ આપવામાં આવતા. ખૂબ દાનપુણ્ય કર્યું. એ રીતે એ ચારે જણ જીવનપર્યંત હળીમળીને આનંદથી રહ્યા અને આયુષ્ય પૂરું થતાં પોતાના કર્માનુસાર પરલોક ગયા.

ભગવાન બુદ્ધે વાર્તા પૂરી કરતાં કહ્યું કે, ‘એ વખતનો દુષ્ટરાજા એ અત્યારનો દેવદત્ત છે. એટલે એ મને મારવા ફરે છે. સર્પ આ જન્મમાં સારિપુત્ર છે, ઊંદર મોગ્ગ્લાન બન્યો છે, પોપટ આનંદ છે અને એ જન્મમાં જે તપસ્વીને રાજ્ય મળ્યું હતું એ ધર્મરાજા હું હતો.’

[2] કપટી સાધુ

ભગવાન બુદ્ધ જ્યારે જેતવનમાં વિહાર કરતા હતા ત્યારે એમણે એક કપટી સાધુને કહ્યું ‘ત્યારે તો માત્ર તારી વાણી જ મીઠી હતી…’ એમની આ વાત સાંભળી ભિક્ષુઓ આશ્ચર્યમાં પડ્યા એટલે ભગવાન બુદ્ધે એમના એક પૂર્વજન્મની કથા કહી :

એક વાર વારાણસીમાં બ્રહ્મદત્ત રાજ્ય કરતો હતો ત્યારે બાજુના જ એક ગામમાં એક જટાધારી કપટી (ખોટો) તપસ્વી રહેતો હતો. એક ધનવાન ખેડૂતે એને જંગલમાં પર્ણકુટી બનાવી આપેલી તેમાં તે રહેતો અને તે ખેડૂત પોતાને ઘરેથી એને જરૂરી ભોજન વગેરે આપીને તેની સેવા કરતો. એ કપટી જટાધારી સાધુ ખૂબ મોટો તપસ્વી છે એવી શ્રદ્ધા રાખીને ખેડૂતે ચોરીના ડરથી સો સુવર્ણમુદ્રાઓ એની પર્ણકુટીમાં જઈને જમીનમાં દાટી અને એને કહ્યું : ‘ભદંત, આની દેખભાળ રાખજો.’ એટલે કપટી સાધુએ કહ્યું : ‘આયુષ્યમાન, અમને સંસારત્યાગીને એ કહેવાની જરૂર નથી. અમને કદી પરાયા ધનનો લોભ હોતો નથી….’
‘સારું ત્યારે…’ તેમ કહીને એમની પર શ્રદ્ધા રાખીને ખેડૂત પાછો ફર્યો.

એ દુષ્ટ તપસ્વી ‘આટલાથી તો જીવનભર નિર્વાહ થઈ શકશે’ એવું વિચારીને થોડાક દિવસ જવા દઈને, એ સુવર્ણમુદ્રા કાઢી લઈને રસ્તાની બાજુએ દાટીને પર્ણકુટીમાં પાછો ફર્યો. વળતે દિવસે ખેડૂતને ઘરે ભોજન લીધા પછી એણે કહ્યું, ‘વત્સ, અમે તારા આશ્રમમાં ઘણો સમય રહ્યા. લાંબો સમય એક જ સ્થાનમાં રહેવાથી માણસો સાથે સંસર્ગ વધે છે. અમારે પરિવ્રાજકો માટે સંસર્ગ સારો નથી. એટલે હવે હું વિદાય લઈશ…’ ખેડૂતે એને વારંવાર રહી જવાની યાચના કરવા છતાં એ પોતાનો નિર્ણય બદલવા સંમત ન થયો. એટલે ‘ભલે તો પછી આપ પધારો…’ એમ કહીને ખેડૂત એને પાદર સુધી વળાવીને પાછો ફર્યો. એ કપટી થોડે સુધી ગયા પછી ‘આ ખેડૂતને છેતરવો ઠીક રહેશે…..’ એમ વિચારીને પોતાની જટામાં એક ઘાસનું તણખલું મૂકીને પાછો ફર્યો. ખેડૂતે પૂછ્યું : ‘મહારાજ, આપ પાછા ફર્યા ?’
એણે કહ્યું : ‘આયુષ્યમાન, તારા ઘરના છાપરામાંથી એક ઘાસનું તણખલું મારી જટામાં ચોંટી ગયું. અમને પરિવ્રાજકોને કોઈનું આપ્યા વગરનું ન ખપે. એટલે હું તે તણખલું લઈને પાછું આપવા આવ્યો છું.’
ખેડૂતે કહ્યું : ‘આપ અહીં મૂકી જાઓ, ભદંત…’
‘પારકાનું ઘાસનું તણખલુંયે એમને ખપતું નથી. અહો ! આ તપસ્વી તો કેટલા સતર્ક છે !’ એમ પ્રસન્નતાથી વંદન કરીને ખેડૂતે એમને વિદાય આપી.

એ સમયે ભગવાન બુદ્ધે એ જન્મમાં બોધિસત્વરૂપે સામાનની લે-વેચ માટે રસ્તે જતાં વચ્ચે એ ગૃહસ્થને ઘરે નિવાસ કર્યો હતો. એમણે આ તપસ્વીની વાત સાંભળીને વિચાર્યું કે જરૂર એ દુષ્ટ આ ગૃહસ્થ ખેડૂતનું કશુંક ઉઠાવીને ગયો હોવો જોઈએ – એમ વિચારીને એમણે ખેડૂતને પૂછ્યું :
‘સૌમ્ય, તેં આ પેલા તપસ્વી પાસે કશું રાખ્યું હતું ?’
‘હા, સૌમ્ય, સોનાના સો સિક્કા રાખ્યા હતા…’
‘તો જા, એની તપાસ કર….’
પેલાએ પર્ણકુટીમાં જઈને, એ સુવર્ણસિક્કા ત્યાં ન જોતાં, ઝડપથી આવીને કહ્યું : ‘સૌમ્ય, એ તો ત્યાં છે નહીં.’
‘તારું સોનું બીજો કોઈ નહિ, એ કપટી તપસ્વી જ લઈ ગયો છે. ચાલ, તેનો પીછો કરીને એને પકડીએ…’ બંનેએ ઝડપથી જઈને, એ કપટી તાપસને પકડીને, હાથેથી અને પગેથી તેને પીટ્યો અને તેની પાસેથી સોનું લઈ લીધું. એ સોનું જોઈને બોધિસત્વ બોલ્યા : ‘સોનાના સો સિક્કા ઉઠાવી જતાં તું સતર્ક ન થયો, અને એક તણખલા માટે તેં સતર્કતા બતાવી ?’ એમ કહીને તેમણે આ પ્રમાણે શ્લોક કહ્યો : ‘રે મીઠાબોલા, તારી વાણી જ માત્ર મધુર હતી. એક તણખલું લઈ જતાં તેં કચકચ કરી, પણ સો સોનાના સિક્કા ઉઠાવી જતાં કશો વાંધો ન આવ્યો.’ એ પ્રમાણે બોધિસત્વે તેને કહ્યું : ‘હે કપટી જટાધારી, ફરી આવું ન કરતો…’ એમ ઉપદેશ દઈને પોતાના રસ્તે ચાલ્યા ગયા.

ભગવાન બુદ્ધે અગાઉના જન્મની આ કથા પૂરી કરતાં કહ્યું : ‘ભિક્ષુઓ, આ ભિક્ષુ હમણાં જ નહીં, પહેલાં પણ પાખંડી જ હતો. એ વખતનો કપટી તપસ્વી તે અત્યારનો આ પાખંડી ભિક્ષુક અને બોધિસત્વરૂપે એ વખતે હું જ ત્યાં હતો.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ‘માનસ’ થી લોકમાનસ – રઘુવીર ચૌધરી
નોકરી – વીણા ચૈતન્ય ઉપાધ્યાય Next »   

16 પ્રતિભાવો : જાતકકથા-મંજૂષા – હરિવલ્લભ ભાયાણી

 1. Chintan says:

  “કૃતઘ્ન માનવી, કૃતજ્ઞ જાનવર”

  ખુબ સરસ વાત..વાન્ચવાની મજા પડી.

  ધન્યવાદ.

 2. સંસ્કારોની વિવિધતા અને વિચિત્રતાને લીધે કોણ ક્યારે બહારથી અને અંદરથી કેવું વર્તન કરશે તે નક્કી કરવું ઘણું જ કઠીન છે. જેવી રીતે આ બાહ્ય જગત વિશાળ અને અસીમ છે અને જેને જાણવા માટે વૈજ્ઞાનિકો તન મન અને ધનથી શ્રમ ઉઠાવી રહ્યાં છે તેવી જ રીતે આપણું આંતર જગત પણ એટલું જ વિશાળ અને અસીમ છે અને જેનો તાગ મેળવવા માટે આપણા ઋષિઓએ અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે અને ઉઠાવી રહ્યાં છે. આ આંતર જગત અને બાહ્ય જગત એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને બંને જગતને સારી રીતે જાણવાની તથા વૈજ્ઞાનિક રીતે તથા શાસ્ત્રિય પદ્ધતિઓથી બાહ્ય સિદ્ધિઓ અને આંતરીક સત્વ બંને પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે.

 3. trupti says:

  Nice stories. When we were small, we used to enjoy reading the ‘Jatakatha’. When my child was born, we bought the same for her in English. But જે મઝા ગુજરાતી મા વાચવા ની છે તે મઝા english મા વાચવા ની નથી.

  • nim says:

   તૃપ્તિ,
   તમારા પ્રતિભાવ હંમેશા ઉંડાણ પુર્વક વિચારવા જેવા હોઈ છે.
   મારી વિનંતી છે કે શક્ય હોય તો ગુજરાતી માં લખો જેથી દરેક ને તમારા પ્રતિભાવ નો લહાવો મળી શકે.

   ધન્યવાદ
   નિમ

   • trupti says:

    નિમ,

    તમારો આભાર
    I would love to give my comments in my mother tongue, as you know, one’s thought process is only in their own mother tongue but my hands are not used to of the key board in Gujarati. First of all, I do not have Gujarati Key Board, whatever little I am typing in Gujarati, that is with the help of the Gujarati key Board made available by Mrugeshbhai.

    Thank you once again for your response.

    Regards,

    Trupti.

    • જય પટેલ says:

     તૃપ્તી

     તમારો ગુજરાતી ભાષા પ્રત્યેનો અનહદ પ્રેમ જાણી આનંદ થયો.
     આપ ગુજરાતીમાં સરળતાથી લખી શકો તે માટે જરૂરી માહિતી અને ડાઉનલૉડ કેવી રીતે
     કરવું તે માટે શ્રી ધવલ શાહના બ્લોગ પર જઈ માહિતી મેળવશો.

     http://dhavalshah.com

     શ્રી ધવલ શાહે ખુબ જ સરળ ભાષામાં ડાઉનલૉડ સમજાવ્યું છે.
     આશા રાખું છે કે તમારી સમસ્યા ઉકેલવામાં સહાય મળશે.

     મૃગેશભાઈ
     માફ કરશો તમારી ઘોષિત મર્યાદાનું ઉલ્લંધન થાય છે પણ
     નિયમીત વાચક સુશ્રી તૃપ્તીબેનને મદદ કરવાની ભાવના ટાળી શક્યો નહિ.

     સિમીત આકાશમાં ઉડનારૂ પંખી હું નથી
     મારે તો જોઈએ ગગન વિશાળ
     મુક્ત વિહરવાને…!!!

     ક્યારેક અહીં તહીં ભટકી પણ જાઉં
     પરવા નથી મુજને
     મારે તો જોઈએ ગગન વિશાળ
     મુકત વિહરવાને.

     આભાર.

  • Vraj Dave says:

   એક વિનંતી ગુજરાતી માં લખો તો સહુને સમજાય.
   આભાર.

 4. Sarika Patel says:

  very good stories.

 5. nim says:

  જાણવા જેવો અને જીવન માં ઉતારવા જેવો લેખ

  ધન્યવાદ
  નિમ

 6. nayan panchal says:

  સરસ વાતો.

  ઘણાને કદાચ આ લેખની સત્યતા વિશે શંકા જાગે કે અહીં આપેલ કથાઓ માત્ર દ્રષ્ટાંત રૂપે જ છે. અગાઉ પ્રિમાના લેખમાં મૃગેશભાઈએ કહ્યુ છે કે દરેક બાળક પોતાનુ ભાથુ લઈને જન્મે છે. મને પણ મેં જેટલુ વાંચ્યુ છે તેના પરથી લાગે છે કે અત્યારના આપણા આ જન્મના સ્વભાવ, ડર, ખૂબીઓ વગેરે પર આપણા પૂર્વજન્મોનો પ્રભાવ હોય છે, આપણુ ભાથુ સતત બંધાતુ જ રહે છે. આ જન્મમાં આપણા જીવનમાં જે વ્યક્તિઓ છે, તે અગાઊ પણ આપણી સાથે રહી ચૂક્યા હોય જ છે. આ સંબંધ બદલાતા રહેતા હોય છે. મનુષ્ય સિવાય અન્ય યોનિઓ વિશેની જાણકારી નથી.

  મેડિટેશનથી જ આ બધાની જાણકારી મળી શકતી હશે. બુધ્ધને ધ્યાન વડે જ નિર્વાણની પ્રાપ્તિ થઈ હતી. કદાચ આપણે જે જવાબો બહાર શોધીએ છીએ, તે જવાબો આપણી અંદર જ છે. નહીંતર આપણા ઋષિમુનિઓ, મહાવીર, બુધ્ધ વગેરેએ ધ્યાનનો આટલો મહિમા ન ગાયો હોત.
  આન્ય વાચકમિત્રો શું વિચારે છે તે જાણવુ રસપ્રદ થઈ પડશે…

  નયન

  • Navin N Modi says:

   નિર્વાણ પ્રાપ્તિ માટે બુદ્ધે જે કહેલ એ મેં ક્યાંક વાંચ્યાનું મને જે યાદ છે એ આજના લેખ સાથે સુસંગત હોવાથી અહિં રજુ કરું છું.

   ”ચિત્તના પ્રકંપો પ્રક્રુતિદત્ત છે. કામ, ક્રોધ, મોહ, મત્સર આ બધા આશ્રવો જન્મજાત અને સહજ છે. એની સાથે સંઘર્ષ કરી શકાય નહિં. એને જીતી પણ શકાય નહિં. જાગ્રત પુરુષ માત્ર એનું નિરીક્ષણ કરે છે અને એની ગતિને ઓળખી લે છે. બસ આ જ નિર્વાણનો માર્ગ છે.”

   શ્રી ભગવત ગીતામાં દર્શાવેલ સાક્ષીભાવ એ પણ આ વાત જ છે એમ લાગે છે.

 7. Veena Dave, USA says:

  સરસ લેખ.

  એ રે માનવી, તારા મનને તુ અને ઈશ્વર સિવાય કોણ જાણી શકે?

 8. Vraj Dave says:

  મેડીટેશનથી આંતરમન જાગ્રત થતાં ઇશ્વર જે આપણી અંદર છે તેનો સાક્ષાતકાર થાય છે. જે ગરવા ગિરનાર ની સાનીધ્યમા ક્યારેક કોય સંતના ચહેરા પર દેખાય છે. હું કોઇ પંથનો કે કોઇ સંપ્રદાયનો પ્રચારક નથી, પણ બુધ્દ્ધ કે મહાવીર કે ક્રશ્ણને જો મણવા હોય તો એક વખત “ઓશો”ના પ્રવચનો માં ધ્યાન ધરવા જેવું ખરું.તેમાય મેડિટેશન માટે તો ઉતમ.ભગવાનશ્રી બુધ્ધની વાતો થી આ વાત કહી.
  આભાર.
  વ્રજ દવે

 9. પ્રણવ says:

  ખૂબ સુંદર અને ખૂબ ખૂબ ધન્યવાદ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.