પહેલાં દર્દ, પછી દવા – સુધા મૂર્તિ

[ ‘બેસ્ટ સેલર’ શ્રેણીમાંના શ્રીમતી સુધાબેન મૂર્તિના સુપ્રસિદ્ધ પુસ્તક ‘મનની વાત’માંથી સાભાર. (અનુવાદ : સોનલબેન મોદી.) પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 090એક વાર હું ટ્રેનમાં બેંગ્લોરથી હુબલી જઈ રહી હતી. ટ્રેન બપોરે અઢી વાગે ઊપડે અને રાત્રે દસ વાગે હુબલી પહોંચાડે. આ ટ્રેનમાં ક્યારેય રિઝર્વેશનની જરૂર ન પડે. બસ ટિકિટ લો અને બેસી જાવ. ભારત દેશમાં ટ્રેન કે બસમાં મુસાફરીની મજા જ કંઈ ઔર છે ! ભાતભાતના લોકો મળે અને જાતજાતની વાતો થાય. બાર ગાઉએ બોલી તો બદલાય જ. જોડેજોડે પહેરવેશ, વનસ્પતિ, પ્રાણીઓ, રીતરિવાજો. બધું જ વૈવિધ્યસભર. એકલા ભારત દેશમાં ટ્રેનમાં ફર્યા કરો તો કંઈ કેટલાંય દેશ-વિદેશ ફર્યાનો આનંદ મળે.

હા, તો હું મારી ટ્રેનની મુસાફરીની વાત કરતાં-કરતાં આડે પાટે ચડી ગઈ. અઢી વાગે ટ્રેનમાં ચઢી. ડબ્બામાં હું એકલી જ હતી. છેલ્લા બે દિવસથી એક અઘરા પ્રોજેક્ટ પર સતત કામ કરીને નીકળી હતી એટલે ખૂબ થાકેલી હતી. મને એમ કે શાંતિથી ઊંઘી જઈશ. હું બારીની બાજુમાં બેસી ગઈ. હવામાં ભેજ હતો પણ પવન ઠંડો હતો. ચંપલ કાઢીને સામેની ખાલી સીટ ઉપર પગ લંબાવ્યા. ઝોકું આવવાની તૈયારી જ હતી, ત્યાં જ ટ્રેન ઊપડવાની બે મિનિટ પહેલાં એક છોકરી દોડતી-દોડતી આવીને મારી બાજુમાં બેસી ગઈ. લગભગ પચીસેક વર્ષની લાગતી હતી. કોટન પંજાબી, દાગીનામાં ખોટી ચેન, નાની બુટ્ટી અને બ્રેસલેટ. દોડતાં-દોડતાં જ ટ્રેન પકડી હતી એટલે હાંફતી હતી અને પરસેવે રેબઝેબ થઈ ગયેલી. મધ્યમવર્ગના સંસ્કારી કુટુંબની નોકરી કરતી છોકરી લાગતી હતી.

ટ્રેન ઊપડી. છોકરીએ હાથરૂમાલ કાઢી, પરસેવો લૂછ્યો. પાકીટના પાછલા પડમાં અરીસો હતો, તેમાં જોઈ વાળ-ચાંલ્લો વ્યવસ્થિત કર્યા, પાણીની બોટલમાંથી પાણી પીધું અને મારી સામે જોયું. પરીક્ષા આપવા પ્રયાણ કરી રહેલી ઉત્સાહી વિદ્યાર્થિની જેવી તે લાગતી હતી. મારી સામે મીઠું હસી. તેણે વાત શરૂ કરી :
‘કઈ બાજુ જવાનાં, બહેન ?’
મેં કહ્યું : ‘હુબલી.’
‘હુબલીમાં ક્યાં ?’ તેણે પૂછ્યું.
મને જવાબ આપતાં જરા દ્વિધા થઈ. આ છોકરીને પહેલી વાર તો મળું છું. સરનામું આપવું કે ન આપવું ? છતાંય મેં કહ્યું :
‘નીલકંઠનગર.’
‘એમ ? નીલકંઠનગરમાં ક્યાં ?’
‘તને નીલકંઠનગર એરિયા વિષે ખબર છે ?’ મેં પૂછ્યું.
‘હા… હા… મારા એક કાકા એ તરફ જ રહે છે.’ છોકરીએ કહ્યું.
‘મારે શાંતિ કૉલોની જવાનું છે.’ મેં કહ્યું.
‘કઈ શાંતિ કૉલોની ? તેના તો બે વિભાગ છે ને ?’ છોકરી બોલી.
હું આ છોકરીના જ્ઞાનથી છક્કડ ખાઈ ગઈ. મેં ધીમેથી કહ્યું : ‘રેલવે ક્રોસિંગ નજીક છે ને તે.’

હવે તે કહે, ‘તે બંને વિભાગ રેલવે ક્રોસિંગની નજીક જ છે ને ? વિભાગ એક કે બે ?’
મેં કહ્યું : ‘વિભાગ એક.’ હાશ, મને થયું હવે આ છોકરીને શાંતિ થશે. તેના બધા પ્રશ્નોના જવાબો મેં આપી દીધા હતા. હવે હું ઊંઘવા પામીશ. પણ ના, હજુ તો ઘણુંબધું બાકી હતું. મારા નસીબમાં ઊંઘ ન હતી. તેણે તો વાતો ચાલુ જ રાખી. આમ તો હું પોતે પણ સખત વાતોડિયણ છું, પણ આ છોકરી તો મારીયે ‘ગુરુ’ નીકળી.
મને કહે : ‘તે…તમે નોકરી કરો છો ?’
મેં કહ્યું : ‘હા.’ તે આગળ કોઈ પ્રશ્ન પૂછે તે પહેલાં જ મેં કહી દીધું, ‘હું કૉલેજમાં નોકરી કરું છું. હમણાં અમારે વેકેશન પડ્યું છે. હું હુબલીની છું એટલે ઘેર જાઉં છું.’ હા…શ, ચલો પત્યું. મને થયું. ત્યાં તો મીઠું હસીને તેણે આગળ ચલાવ્યું : ‘તમે કયો વિષય શીખવો છો ?’ જે વાતોડિયાં હોય તેઓ કોઈપણ વિષય પર વાતો કરી શકે છે. જે અંતર્મુખી વ્યક્તિઓ હોય તે કોઈ પણ પ્રશ્નના એકાક્ષરી જવાબો આપીને વાતને આગળ વધતી અટકાવી શકે છે.

પ્રિય વાચકો, તમને બધાંને એવી વ્યક્તિઓનો અનુભવ થયો જ હશે કે, જેઓ પોતાના વિષે રતીભાર માહિતી જણાવ્યા વગર તમારા વિશે બધું જ જાણી લે. મને આ છોકરી એમાંની જ લાગતી હતી. હવે મારી ઊંઘ ઊડી ગઈ. મેં નક્કી કર્યું, ‘ચાલને, હવે આ છોકરી સામે એવો દેખાવ કરું કે હું કંઈ જ જાણતી નથી. જરા બુદ્ધુ છું – જોઉં તો ખરી, પૂછી-પૂછીને કેટલું પૂછી શકે છે ?!’
મેં તેના આગલા પ્રશ્નનો જવાબ આપ્યો : ‘હું બેંગ્લોરની ક્રાઈસ્ટ કૉલેજમાં કમ્પ્યૂટર સાયન્સ ભણાવું છું.’
છોકરી મને કહે, ‘એમ ? કમ્પ્યૂટર સાયન્સ ? આજકાલ તો કમ્પ્યૂટરનો વ્યાપ એટલો વધી ગયો છે કે એક દિવસ એવો આવશે કે જે વ્યક્તિને કમ્પ્યૂટરનું જ્ઞાન નહીં હોય તે તો અભણ જ ગણાશે. શું કહો છો ?’ મને એની પ્રશ્નો પૂછવાની શક્તિ પર ખરેખર માન થયું. ગમે તે રીતે પ્રશ્નોનો મારો ચલાવી તે મને વાતોમાં વ્યસ્ત રાખી રહી હતી. મેં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની જેમ જવાબ આપ્યો – ગોળગોળ અને મોઘમ – ‘એ તો દરેકની પોતાની વિચારસરણી પર આધાર રાખે છે.’
છોકરી હવે ફિલસૂફી પર ચડી ગઈ. મને કહે, ‘ભણતર અને ગણતર વચ્ચે ઊંડી ખાઈ જેટલો ભેદ છે. તમે શું માનો છો ? ભણતર એટલે ફક્ત જ્ઞાનપ્રાપ્તિ અને ગણતર એટલે અનુભવની એરણે જ્ઞાનની કસોટી. શું કહો છો ?’

હું આ છોકરીને શું કહું ? ટ્રેન બેંગ્લોરની બહાર નીકળી ગઈ હતી. સુંદર, લીલાંછમ ખેતરો, નદી-નાળાં, દૂર ચરતાં ગાય-ભેંસ અને શીતળ પવન. મને થયું, જો આ છોકરી બીજા છ-સાત કલાક આ જ રીતે પ્રશ્નોનો મારો ચલાવશે તો અસહ્ય થઈ જશે. મને ગળા સુધી આવી ગયું કે તેને પ્રેમથી કહી દઉં કે, ‘તારા જેટલી સમજણ મારામાં નથી. મને ઊંઘ આવે છે.’ પણ છોકરી પારેવા જેવી ભોળી લાગતી હતી. ઉત્સાહથી ભરપૂર. મોં પર અજબની જિજ્ઞાસાનો ભાવ. મારા કલાસના કોઈ પણ હોશિયાર, ઉત્સાહી વિદ્યાર્થી જેવી તે લાગતી હતી. આવી મીઠડી છોકરીને કંઈ પણ નકારાત્મક કહીને તેની લાગણીને હું કેવી રીતે ઠેસ પહોંચાડી શકું ? મેં કંઈ કહ્યા વગર તેને હલકું સ્મિત આપ્યું.

તરત જ તે બોલી, ‘બહેન, હસતાં રહેવું અને ખુશ રહેવું તે આપણી તબિયત માટે અત્યંત જરૂરી છે. હોં કે ! જો તમે હસશો તો દુનિયા પણ તમારી સાથે હસશે, પણ જો તમે રડશો તો કોઈ તમારી જોડે રોવા નહીં આવે.’
‘અરે વાહ, સરસ વાત કરી તેં તો !’ મેં કહ્યું.
‘ના, ના, આ મારું સુવાક્ય નથી. અમિતાભ બચ્ચનો ડાયલોગ છે. તમને અમિતાભ ગમે છે ?’ – ફરી પ્રશ્ન. હવે નવી જ જાતનો. મને થયું, હવે આની જોડે કંઈક રમત રમવી જ પડશે તો જ એ ચૂપ થશે.
મેં કહ્યું : ‘મને તો ઋત્વિક રોશન વધારે ગમે છે.’
તે તરત બોલી : ‘ઋત્વિક તો ટોપ છે જ ને ! કેટલો હેન્ડસમ છે !’ એક જ સેકંડમાં તે અમિતાભને છોડીને ઋત્વિકના ત્રાજવામાં બેસી ગઈ. મને કહે, ‘ઋત્વિકના મોં પર જે શરમાળપણાનો અને નિખાલસતાનો ભાવ છે ને તેને કારણે તે જુદો જ તરી આવે છે. અક્ષયના મોં પર પણ આવો જ ભાવ છે. શું કહો છો ?’
‘ક્યો અક્ષય ?’ મેં પૂછ્યું. અત્યાર સુધી તો મેં તેના પ્રશ્નોના જવાબ જ આપ્યા હતા પણ કઈ ઘડીએ હું વાર્તાલાપમાં અજાણતાં જ ઘસડાઈ ગઈ તેનો મને ખ્યાલ જ ન રહ્યો.
‘હાય હાય ! તમને અક્ષય વિષે કંઈ ખબર જ નથી ? હું અક્ષય ખન્નાની વાત કરું છું. વિનોદ ખન્નાની પહેલી પત્નીનો દીકરો. ‘તાલ’માં ઐશ્વર્યા સામે હીરો તરીકે હતો તે. અક્ષયકુમાર તો જુદો. ડિમ્પલની દીકરી ટ્વિન્કલને પરણ્યો ને તે !’

ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિષેના તેના અગાધ જ્ઞાનથી હું અભિભૂત થઈ ગઈ. સવારથી મને થોડો માથાનો દુ:ખાવો તો હતો જ, હવે વધ્યો. મને થયું. મારા એક જ, માત્ર એક પ્રશ્નનો તે આટલો લાંબો, વ્યવસ્થિત અને વિગતવાર જવાબ આપી શકે છે, તો હુબલી પહોંચતા-પહોંચતા તો મારો ઘડો-લાડવો થઈ જશે. છેલ્લા દોઢ કલાકથી તેણે મને પ્રશ્નો પૂછ્યા હતા. અથવા તો વાતોમાં જ રોકી રાખી હતી. મેં નક્કી કર્યું : ‘હવે તો આને કહી જ દઉં…. મારે ઊંઘવું છે, મને માફ કર, બહેન.’ જાણી જોઈને જ મેં મારો હાથ મારા કપાળ પર મૂક્યો અને મેં લમણાં દબાવવાં શરૂ કર્યાં. તેણે આ ક્રિયા જોઈ. પ્રતિક્રિયામાં પાછો એક પ્રશ્ન આવ્યો :
‘તબિયત નથી બરોબર ?’
મેં કહ્યું : ‘આ…. સહેજ માથું દુ:ખે છે.’ તેને કહું તો અવિવેક લાગે કે સવારથી દુ:ખતું જ હતું, પણ છેલ્લા દોઢ કલાકમાં વધારે દુ:ખવા લાગ્યું.’
‘કંઈ દવા-બવા લાવ્યા છો, બહેન ?’ તેણે ધીમેથી પૂછ્યું.
‘ના.’ મેં ટૂંકો, એકાક્ષરી જવાબ આપીને તેને ટાળી.

તેણે તેની હેન્ડબૅગ ખોલી. તેમાંથી એક નાનકડી શીશી કાઢી. મને કહે, ‘લો, આ લગાવી જુઓ. સારું લાગશે. આયુર્વેદિક બામ છે. નવી જ પ્રોડક્ટ છે. નિરંજના આયુર્વેદિક બામ. શરીરના દુ:ખાવામાં પણ એટલો જ અક્સીર છે. સુગંધ પણ કેવી સરસ છે, નહીં ? તમને લગાવ્યા પછી ચીકાશ પણ નહીં લાગે. આ બધાં મોંઘા બામ કરતાં ઘણો રસ્તો, પણ વધારે અસરકારક છે, હોં. લગાડ્યા પછી પાંચ મિનિટમાં તો ફ્રેશ થઈ જશો. મોટી બાટલી લેવી હોય તો કિંમતમાં પણ ઘણો ફેર છે. આ તો સેમ્પલની શીશી છે, લો રાખો. લાવો, લગાવી દઉં ?’
હવે મારાથી પૂછ્યા વગર ન રહેવાયું : ‘તું ક્યાં નોકરી કરે છે ?’
ફરીથી એ જ મીઠા હાસ્ય સાથે તેણે જવાબ આપ્યો : ‘આ નિરંજના આયુર્વેદિક પ્રોડકટ કંપનીમાં હું સેલ્સગર્લ છું.’

મને મનોમન હસવું આવી ગયું, બામ વેચવાની કેવી અજીબોગરીબ તરકીબ ! પહેલાં માથું દુ:ખાડો, પછી દવા આપો. પહેલાં દર્દ – પછી દવા.

[ કુલ પાન : 212. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573. ઈ-મેઈલ : sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ત્રણ લઘુકથાઓ – ડૉ. ચારૂતા એચ. ગણાત્રા
ધી બ્લેક-બોર્ડ – ગૌરાંગી પટેલ Next »   

22 પ્રતિભાવો : પહેલાં દર્દ, પછી દવા – સુધા મૂર્તિ

 1. મજા આવી ગઈ. સવારથી માથુ દુઃખતુ હતુ. ઍનેસિન લીધી, ચા પીધી, હવે નિરંજના બામ લગાડ્યા પછી સારુ લાગે છે.

 2. જય પટેલ says:

  અખબારમાં આવતી સુશ્રી સુધા મૂર્તિની કૉલમથી પરિચીત તેમના લેખો માણવા ગમે છે.
  આજનો હળવો લેખ થોરામાં ઘનું કહે છે.

  પ્રિય વાચકો…જેઓ પોતાના વિષે રતિભાર માહિતી જણાવ્યા વગર તમારા વિષે બધું જ જાણી લે.
  આ સ્ટેટમેંટ સાથે સંપૂર્ણ સંમત.

  You need diplomatic skill.
  This is an art, Some time it is God gifted, Some time it can be achieved tho’ training.

 3. trupti says:

  I have read the full book. It is worth reading. The writing of Shri Sudha Moorthy and the translation of the same by Sonalbhen in simple Gujarati is very good.
  Her book ‘Dollarvahu’ is also worth reading. I have read few books of her but do not recollect the name at present, but they were also very good. Sudha Moorthy has neck of writing related to the general public and their nature.

  Reading this article once again here refreshed the memory of my earlier reading her books.

 4. Vipul Panchal says:

  I have read so many articles of Mann ni vaat thru Gujarat Samachar (Ravipurty), feeling well with niranjan baam.

  Thanks.

 5. Sarika Patel says:

  such a very good artical. All the salesman/or salesgirl should read this article to promote their business.

 6. nayan panchal says:

  ઘણા સમય પહેલા આ પુસ્તક વાંચ્યુ હતુ. સુધા બહેનના લેખને સોનલબેને એટલા સરસ રીતે રૂપાંતરિત કર્યા છે કે ખબર જ નહિ પડે કે આ અનુવાદિત લેખ છે.

  આ લેખ ઓકે છે, પુસ્તકમાં આનાથી પણ સરસ લેખો. વસાવવાલાયક પુસ્તક.

  આભાર,
  નયન

 7. હા હા હા….. That girl was a perfect sales person 🙂

 8. Veena Dave, USA says:

  મઝા આવી.

 9. સુંદર વાર્તાઓ સભર પુસ્તક

 10. rajnichheda says:

  મઝા આવી.

 11. Navin N Modi says:

  આટલા સુંદર અનુવાદ બદલ સોનલબેનને અભિનંદન. જો જણાવ્યું ન હોય તો આ ક્રુતિ અનુવાદિત છે એવું લાગે જ નહિં.

 12. Vraj Dave says:

  મઝા આવી ગઇ. સુ,શ્રી સોનલબેન અનુવાદ ખુબ સારો છે. “શંદેસ” માં આપના કોઇ લેખીકા ના પત્રો ના અનુવાદ વાંચેલ. રિપ્લાય આપવો હતો,આપ ઇ-મેઇલ આઇડી પણ આપતા..પણ જ્યારે લખવા બેઠો ત્યારે નો મલ્યું . .તે નોજ મલ્યું.
  નમસ્કાર…..આભાર.
  વ્રજ દવે

 13. Ritesh Mehta says:

  સરસ વાર્તા, અંતમાં અનાયાસે મલકાઇ જવાયું …

 14. ajay morzaria says:

  સરસ વાર્તા, અંતમાં અનાયાસે મલકાઇ જવાયું

 15. Malay Bhatt says:

  … તુમ્હી ને દર્દ દીયા હૈ તુમ્હી દવા દેના… 😉

 16. Chirag Patel says:

  LOL…. Great sotry…. Had fun reading it….

 17. sakhi says:

  Very very nice artical……

 18. Pinakin Pandya says:

  It was very nice atical. I have also read other book ” SAMBHARNANI SAFAR” it book also very very nice. Shri Sudha Moorthi is very good person. Her thoths, her work, her Infosys foundtion are very very good. can i get e-mail id of shri Sudha Moorthi? Shri Sonal Modi also very good translet of Shri Sudha Moorthi’s book thanks for it and please translet next book of Shri Sudha Moorthi.

 19. સુધા મુર્તિ અને સોનલબેન જનકલ્યાણમાં હંમેશ વાંચવા મળે, મારે તો પેરેસીટેમલ અંગે જાણવું હતુ તેમાં આ નવું માણ્યું અને જનકલ્યાણ હવે બંધ થયા તો એમના લેખો આ રીતે વાંચવા મળશે માટે આભાર.
  કાંતિલાલ પરમાર
  હીચીન

 20. Shivali says:

  મનની વાત , સંભારણાની સફર, તમે જ તમારુ અજવાળુ અને ડોલર વહુ સુધા મૂર્તિના લખેલા પુસ્તકો છે.

  એમાં પણ જો કયાંયથી પણ નારાયણ મૂર્તિએ ઈન્ફોસીસ શરુ કરી ત્યાનો લેખ ખરેખર ખુબ જ સરસ છે.

 21. manishbhai says:

  lesson for salesman

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.