ત્રણ લઘુકથાઓ – ડૉ. ચારૂતા એચ. ગણાત્રા

[વ્યવસાયે હોમિયોપેથી ડૉક્ટર એવા ડૉ.ચારૂતાબેનની (રાજકોટ) કૃતિઓ જનકલ્યાણ સહિત અન્ય અનેક સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. રીડગુજરાતીને આ સુંદર લધુકથાઓ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dr_charuta81@rediffmail.com અથવા આ નંબર પર +91 281 2467109 સંપર્ક કરી શકો છો.]

[1] બારી

એ બારી હંમેશા બંધ રહેતી. નાનપણથી જ હું જોતો આવ્યો છું કે એ બારી હંમેશા બંધ હોય છે. ‘શું હશે એ બારીની બીજી તરફ ?’ બાળસહજ મારા મનમાં એ પ્રશ્ન જરૂર થતો. પણ એ બારી ક્યારેય ન ખુલતી. ક્યારેક કોઈને કહેતા સાંભળ્યા હતા કે બારીની પેલી તરફ કંઈક ભયાનક છે. પણ કોઈ સરખો જવાબ ન દેતા. એક દિવસ તો ઠપકો પણ મળ્યો કે :
‘ખબરદાર, બારી વિષે એક વાત પણ વિચારી છે તો ! આપણાં પૂર્વજોનાં જમાનાથી કોઈએ આ બારી ખોલી જ નથી.’

કોઈએ બંધ બારી ન ખોલી હોય તો શું થયું ? શું મારે પણ બારી ન ખોલવી ?! ફક્ત કોઈ કાલ્પનિક ભયથી પીડાઈને આ બારી બંધ જ રાખવી !! પણ મારો બળવાખોર સ્વભાવ બધા ઓળખી ગયા હતા. માટે બારી વિષેની ડરામણી વાતોથી માંડીને મારી ઉપર વર્તાતી કડકાઈમાં વધારો થતો ચાલ્યો. માનવનો સ્વભાવ એવો હોય છે કે જે વસ્તુની ‘ના’ પાડો એ વસ્તુ વારંવાર કરવાનું મન થાય. મને પણ બારી ખોલવાનું મન થતું. વધુ ને વધુ પ્રબળતાથી બારી ખોલવાનું મન થતું.

અને…
એક દિવસ….
ઘરે કોઈ નહોતું. મને કોઈ એકલા ન છોડતા, પણ આજે અનાયાસે ઘરે કોઈ નહોતું. ધીમે ધીમે મેં ડગલા બારી તરફ માંડ્યા. ચોર નજરે આજુબાજુ જોઈ લીધું કે કોઈ આવતું તો નથી ને ! દરેક ડગલે મનમાં રોમાંચ વધતો જતો હતો. ક્ષણેક અટક્યો. વિચાર પણ આવી ગયો કે કંઈક અજુગતું બન્યું તો ? ખરેખર કંઈક ‘ભયાનક’ હશે તો ? પણ એ વિચાર ખંખરી ફરી આગળ વધવા લાગ્યો. દરેક ડગલે વધતા હૃદયનાં ધબકારા, વધતો રોમાંચ… અને ક્યારે મેં બારી ખોલી નાખી એ યાદ ન રહ્યું…..
પણ….

….બારીની બીજી બાજુ તો હતું એક પ્રેમ ભર્યું આકાશ… લહેરાતા વૃક્ષો… કુદરતનું અનુપમ સૌંદર્ય, મ્હોરતા ફુલો, ચહેકતા પક્ષીઓ… ઘણું ઘણું… અને સાથે… અદ્દભુત આનંદ, નિતાંત શાંતિ.. મનનો રહ્યો સહ્યો ભય પણ ચાલ્યો ગયો… અને હું બોલી ઊઠ્યો : ‘આ તો મારા જ મનની બારી છે…’ કુદરત અને મારી વચ્ચે મારા મનની આ બંધ બારીનો જ પડદો હતો. કૃત્રિમતાનાં ઘરમાં એક બારી તો કુદરત તરફની હોય જ છે. બસ, જરૂર હોય છે એ બારીને ખોલવાની અને આપણી ભીતર કુદરતને આવકારવાની…

તમે એ બારી ખોલી કે નહીં ?! કુદરત છે તમારી પ્રતિક્ષામાં….

[2] અભૂતપૂર્વ

એ તદ્દન નિ:રસ દિવસ હતો. સવાર પડી પણ ઊઠી ન શકાયું. અને આંખ ખૂલી ત્યારે સવારના આઠ વાગી ગયા હતા. કસરત પણ ન થઈ અને ઑફિસે જવાની સાડાસાતની ટ્રેઈન ચુકી ગયો. ઑફિસે ફરજીયાત રજા લેવી પડી. શું કરવું ? ઘરે એકલો હતો. સારા જોવા જેવા કોઈ પિક્ચર પણ નથી આવ્યા. આજનો દિવસ તો નક્કામો ગયો જ સમજી લેવાનો. ચાલો, છાપાનાં પાનાઓ ફેરવું….!

છાપાનાં રોજિંદા સમાચારનાં પાના ઉપર કંઈક એવું લખ્યું હતું કે મારો ચહેરો ખીલી ઊઠ્યો. શરીરની અને મનની આળસ દૂર થઈ ગઈ. જલ્દીથી તૈયાર થઈ ગયો. હા, ત્યાં સાડાનવે પહોંચવાનું હતું અને પછી આખો દિવસ ત્યાં જ. સાંજે છુટ્ટા પડવાનું નક્કી કરેલું હતું. રસ્તામાં એક જ વિચાર આવતો હતો કે ત્યાં જઈ કોને મળીશ ? કોઈ ઓળખીતું હશે કે કેમ….! કોઈ પરિચિત… કોઈ મિત્ર ? વિચારોમાં હું ત્યાં પહોંચી ગયો. દરવાજા પર જ સસ્મિત મારું સ્વાગત થયું. મારા હાથમાં એક પુષ્પ મુકીને મને સુપ્રભાત પાઠવ્યા. મારું મન હસી પડ્યું, પણ કોઈ પરિચિત વ્યક્તિ ન દેખાણી….!

ખેર ! એ જગ્યા ક્યાં મારા માટે અપરિચિત હતી ? એ તો હતી મારી પોતાની જ શાળા… આજે હતું શાળાનાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન. નોકરીનું વળગણ એટલું ગજબનું હતું કે છાપું વાંચતો છેક સાંજે. આ તો અનાયાસે છાપુ હાથમાં આવી ગયું. રજા પણ પડી ગઈ અને…
‘સુજીત… સુજીત…. ! અહીં ઉપર છીએ… આપણાં જૂના વર્ગમાં…’ મારા જૂના મિત્રોનાં પોકાર મને સંભળાયા. બારમાં ધોરણમાં શાળા છોડી એ સમયે જે સ્ફૂર્તિ હતી એ જ સ્ફૂર્તિથી હું પહોંચી ગયો અમારા વર્ગમાં.
‘આપણા નામ હજી કોતરાયેલા છે…?’
‘હા, જો ઈશાંતનો ‘આઈ’, પ્રકાશનો ‘પી’ અને તારો – સુજીતનો ‘એસ’. બધા સાથે મળીને આઈ.પી.એસ. જો આ રહ્યા આપણાં નામ… ફરક એટલો છે કે શાળાની બેન્ચ પર નહીં શાળાની પત્રિકામાં છે આપણાં નામ… પત્રિકામાં લખ્યું હતું : ‘અમારી શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ…’ અને મારા-અમારા જેવા ઘણાં વિદ્યાર્થીઓનાં ફોટા હતાં. અમારા આચાર્ય પણ હાજર હતા અને તેમણે સંબોધ્યા, ‘આ અમારી શાળાના ભૂતપૂર્વ નહીં, અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે….’

મિત્રો સાથેની વાતચીત-મજાક, શિક્ષકોને મળવાનું અને શાળાનું વાતાવરણ…! એ દિવસની સાંજ ક્યાં પડી ગઈ એ ખબર જ ન પડી. પણ આ એક દિવસે મને જાણે આખા વર્ષની સ્ફૂર્તિ આપી દીધી. મિત્રો સાથે સરનામા, ફોનનંબરની આપ-લે કરી એ દિવસની યાદ ને મનમાં ભરી લઈ ઘરે આવ્યો.

….અને માનશો ! મારો આજનો દિવસ ખુબ સરસ પસાર થયો.

[3] વરદાન

‘મનુષ્ય રૂપે તું જન્મ લેવા જઈ રહ્યો છે. બોલ, તારી સાથે તું શું લઈ જવા માગે છે ?’ ઈશ્વરે પોતાના દરબારમાં ઉભેલા મનુષ્યોની કતારમાં આ પ્રશ્ન પુછ્યો.
‘ખૂબ પૈસા….’
‘પ્રતિષ્ઠા…’
‘અભ્યાસ…..’
દૂર દૂરથી અવાજો સંભળાવા લાગ્યા. ઈશ્વરે દરેકને યોગ્યતા પ્રમાણે ‘તથાસ્તુ’ કહી આશીર્વાદ આપ્યા.
‘તું કંઈ નથી બોલતો, પુત્ર ?’ ઈશ્વરનો પ્રેમાળ સ્વર સંભળાયો.
‘પ્રભુ ! હું આશિષ માગતાં અચકાઉં છું….’
‘જેમની યોગ્યતા હતી તેમને જ તો મેં આશીર્વાદ આપવા અહીં બોલાવ્યા હતા. દરેક પરિસ્થિતિને પોતાની રીતે પરિવર્તિત કરવાનો અધિકાર તો ઈશ્વર પણ નથી આપતા…..’
‘પ્રભુ મારે… અમરત્વનું વરદાન જોઈએ છે…’

આકાશે એક ધડાકો થયો…
‘શું માંગી રહ્યો છે તું ?’ ઈશ્વરનાં પ્રેમાળ સ્વરનું સ્થાન ક્રોધે લઈ લીધું, ‘અશક્ય વરદાન તું માગી રહ્યો છે. ઘોર તપસ્યા કરનાર પણ અમરત્વનું વરદાન નથી મેળવી શકતા…’
‘પ્રભુ ! ….ક્ષમા પ્રભુ… પણ મારી માગણી અધુરી છે….’
‘હજી પણ તું કંઈ માંગવા ઈચ્છે છે ?’ ઈશ્વરનો સ્વર વધુ ક્રોધિત બન્યો.
‘હા…’ એક નિર્ભિક સ્વરનો પડઘો પડ્યો.

ઈશ્વર પણ એક ક્ષણ માટે વિચારમાં પડ્યા અને છેવટે તેને વરદાન માગવાની અનુમતિ મળી.
‘પ્રભુ ! તમારી વરદાન આપવાની કૃપાની અવગણના કરવાનો કોઈ ઈરાદો નહોતો. પણ, મારા શબ્દોને યોગ્ય રીતે રજુ ન કરી શક્યો… જીવનભર નાદ બ્રહ્મની ઉપાસનાનું મને વરદાન આપો… શબ્દદેહે અને સ્વરદેહે હું અમરત્વ ઈચ્છું છું, પ્રભુ…! ઈશ્વરને પ્રિય, ઈશ્વરની સમીપ હોય તેવા કલાકાર તરીકે હું અમરત્વ ઈચ્છું છું…!’
‘તને વરદાન છે… તથાસ્તુ…’ પ્રભુનો માધુર્યભર્યો કોમળ સ્વર સંભળાયો. સર્વત્ર દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો. વાતાવરણ તરલ અને સુગંધી બની ગયું.

…અને પૃથ્વી પર તેનો જન્મ થયો. તેના વિષે કહેવાયું કે જેના રૂદનમાં પણ સુર પ્રગટતા. જેના સ્વરમાં માધુર્ય પ્રગટતું અને જેના શબ્દોમાં કલા પ્રગટતી. જેના હાથમાંથી સંગીતવાદન વહેતું અને પગમાં નૃત્ય રમતું. કદાચ ઈશ્વરની સાધનામાં આનંદ મળતો હશે, પણ ઈશ્વરને પ્રિય એવી કલાની સાધનામાં અભુતપૂર્વ દિવ્યાનંદની અનુભૂતિ થવા લાગી. ઈશ્વર દ્વારા મળેલું અમરત્વનું વરદાન લઈ જન્મતા મનુષ્યો, મહાન કલાકારો અમસ્તા જ નહીં બનતા હોય….!!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – ‘નાઝ’ માંગરોલી
પહેલાં દર્દ, પછી દવા – સુધા મૂર્તિ Next »   

14 પ્રતિભાવો : ત્રણ લઘુકથાઓ – ડૉ. ચારૂતા એચ. ગણાત્રા

 1. સવારના પહોરમાં એક અભૂતપુર્વ ઘટના ઘટી, મનની બારી ખુલી અને પ્રકૃતિના અનેરા સૌંદર્યનું પાન કરતાં કરતાં સ્વરદેહે અને શબ્દદેહે અમરત્વનું વરદાન પ્રાપ્ત થયું.

 2. જય પટેલ says:

  મનનીય કણિકાઓ.

  ખાસ કરીને વરદાન…

  ઈશ્વર દ્રારા મળેલું વરદાન…ખુબ સરસ.

  A beautiful face is the signature of the God.

  અહીં ફેસને કોઈ કળા કે સાધના પરિપ્રેક્ષ્યમાં પણ લઈ શકાય.

  Nice Article.
  આભાર.

 3. ખુબ સુંદર.

  દરરોજના નિત્યક્રમમાં ખોવાયેલો માણસ સૂર્ય ઉગે એટલે ઉઠે તો છે પણ સૂર્યને જોવા જેટલો સમય પણ ફાળવી શકતો નથી.

  માણ્ગનારે વરદાન પણ કેવુ માગ્યુ,નિજાનંદમાં રહેવાનુ ને છતાં ઇશ્વર સમીપે રહેવાનુ.

 4. trupti says:

  અભૂતપૂર્વ
  વીતેલા દિવસો યાદ આવી ગયા.

  This particular incident, reminded me of my school and school life. Many times I pass through my school with my daughter and can not resist telling her that,” look this is my school” and every time narrate to her the changes my school has gone through in recent years. I still remember the last word of our Principal Shri Pandyasaheb on our farewell function, “When you will come one day with your children to this School or pass through the school, you will proudly say, that, see this is my school.” I was a student of Smt. Goklibai Punamchand Pitambar High School, one of the best schools of our time in Vile-Parle, and getting admission and studying in our school was pride for many. Now the school is still there, as more and more people are going for English medium school, the charm of the school is gone. As it is run by Shri Vile Parle kelavani Mandal, (SVKM), they have opened another school in the same compound, for English medium named, Chatrabhuj Narsmee Memorial School (CNMS). (Our school had a huge lawn and big banyan tree on the front side of the school and at the back there was a huge playground with huge tamarind tree). To facilitate the English medium school, the lawn in the front is converted in the parking space for the school buses, on the huge ground at the back yard; the tall building of CNMS is standing.

  દિલ અદર થી રડે છે……… મારી શાળા ની આ હાલત જોઈને.આગળ હતો ઘેઘુર વડલો અને લિલુ છમ ઘાસ અને પાછળ હતુ આમલિ નુ ઝાડ જેની છાયા મા અમે રમતા, દોડતા, પડતા આખડતા, ત્યા છે આજૅ CONCRITE નુ JUNGULE !!!!!!!!!!!!!!!!

 5. Vipul Panchal says:

  Nice Article, specially વરદાન.

 6. nayan panchal says:

  સુંદર કણિકાઓ.
  આભાર,
  નયન

 7. Veena Dave, USA says:

  સરસ.

 8. Vraj Dave says:

  સરસ. બસ કુદરત છે તમારી પ્રતિક્ષા માં….

 9. Chirag Patel says:

  The last story reminded me of ONE Greatest Indian (Hindi Movie) Play Back Singer….

  Mohmmad Rafi Saab. His voice was Gift from God – and he made the voice – Gift to God!!!!! – I believe the person who asked for that boon was Mohmmand Rafi….

  Thank you,
  Chirag Patel

 10. dr ravi mrug says:

  all these 3 tels r beautiful full of some beautiful messages…….mem being a professional as u can do such type activity r really great….i remembered my college days after reading your tels……………bahu j saras vato kahi didhi tame……dr ravi mrug

 11. nilam doshi says:

  ફરી એકવાર સ્કૂલની યાદ તાજી થઇ ગઇ.

  સરસ…

 12. naresh says:

  phir beete hue wo din………..yaad aagaye…….આભાર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.