નિમ્મેસભૈ ને ગનપટ હુરટી – નિર્મિશ ઠાકર

[ નિર્મિશભાઈ ઠાકરના હાસ્યલેખોના નવા પુસ્તક ‘નિમ્મેસભૈ ને ગનપટ હુરટી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@hotmail.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 091[1] હેઈઈઈ…..ઍવૉર્ડ લાગ્યો !

‘હેલો…. નિમ્મેસભૈ ?’ ગનપટ હુરટીનો ફોન આવ્યો.
‘હા, બોલો ગણપતભાઈ….’
‘કેમ ઢીલું બોલો છ ? માંડા છો કે હું ?’
‘માંદો નથી યાર. મૂડ આઉટ છે….’ મેં કહ્યું.
‘અરે અમનાં જ ઉં ટમારો મૂડ જમાવી ડેઉં…. બસ વાટ પૂરી !’
‘કેવી રીતે ?’
‘મને જાનવા મઈલું છ કે ટમને ‘વિપ્ર સુદામા ઍવૉર્ડ’ મલવાનો છ !’
‘શું વાત કરો છો ? એની જાહેરાત તો થઈ નથી !’
‘જાહેરાટ ટો ઠહે ટારે ઠહે, પન અમને બઢા ખબર એડવાન્સમાં મલી જાય, હાં કે !’ ગનપટ હુરટીની આ વાત સાંભળી મને ધ્રાસકો પડ્યો.

પ્રિય વાચકમિત્રો, તમે થોડા ગૂંચવાયા હશો, કારણ કે તમે નિર્દોષ છો. તમે કાંઈ પરાયા નથી, એટલે એવૉર્ડ અંગે કહી શકાય એટલી વાતો હું જરૂર કહીશ. વાડા ફક્ત ગાયો-ભેંસો માટે જ હોય, એવું નથી. અમારે-સાહિત્યકારોને પણ વાડા હોય છે ! ભડક્યા ને ? ખરે, આ વાત થોડી અઘરી છે… એટલે હાલ પૂરતી એને છોડી દઈએ ! અમારા ક્ષેત્રમાં શું છે કે પ્રથમ પંક્તિના સાહિત્યકાર બની જવા, ગમે તે રીતે પોતાનું નામ ઊછળતું રાખવું પડે છે ! ઍવૉર્ડો મળવાને કારણે તો નામ માર્કેટમાં, આઈ મીન, સાહિત્યક્ષેત્રમાં ઊછળતું થઈ જ જાય છે. જો ઍવૉર્ડ મેળવવામાં પનો ટૂંકો પડી જાય, તો ગમે તે વિવાદમાં કૂદી પડીને પણ નામને ઊછળતું કરી શકાય, સમજ્યા ?

પ્રથમ પંક્તિના સાહિત્યકારની દષ્ટિ બગલા જેવી હોવી જોઈએ ! પાણીમાં એક પગે સ્થિર ઊભેલા બગલાની દષ્ટિ માછલી પર કેવી રીતે પડે છે ? એ જ રીતે પ્રથમ પંક્તિના સાહિત્યકારની દષ્ટિ ઍવૉર્ડ પર પડવી જોઈએ ! ઍવૉર્ડ અંટાવી લેવા પાછલે બારણેથી ઘણી વ્યવસ્થાઓ-ગોઠવણો કરવી પડે છે. મારી જ વાત લો ! આ વર્ષે મને એક પણ ઍવૉર્ડ લાગ્યો (એટલે કે… મળ્યો) નહોતો. હું ભારે ચિંતામાં હતો, ત્યાં મારી દષ્ટિ ‘વિપ્ર સુદામા ઍવૉર્ડ’ પર પડી. પછી તો બસ ખલાસ ! મને જાણવા મળ્યું કે એ એવોર્ડ બ્રાહ્મણ સાહિત્યકારને જ અપાતો હોય છે. હું જન્મે તો બ્રાહ્મણ છું જ. એટલે મેં વર્ષોથી ફગાવી દીધેલી જનોઈ ફરીથી પહેરી લીધી ! ત્યાર પછી મેં લગભગ છ મહિના સુધી માત્ર ભજનો ને આરતીઓ લખી. એનો સંગ્રહ પ્રગટ કરી મેં એની અડધો ડઝન નકલો ‘બ્રાહ્મણ સાહિત્યસભા’ પર મોકલી આપી. (બ્રાહ્મણ સાહિત્યસભા જ ‘વિપ્ર સુદામા ઍવૉર્ડ’ આપે છે !) વધુ રસ લેતાં જાણવા મળ્યું કે બ્રાહ્મણ સાહિત્યસભાના પ્રમુખ જટાશંકર જોશીને કોકિલા નામની એક દીકરી છે. મેં તરત મારા બાબલા માટે ત્યાં માગું નાંખ્યું. આટલું થતાંમાં તો ઍવૉર્ડ મારા માટે નક્કી થઈ ગયો !
‘એ કાળીકલુટી કોકિલા સાથે હું પરણવાનો નથી !’ મારા બાબલાએ ઘરમાં રાડારાડ કરી મેલી.
‘અરે, તારે તો ફક્ત સગાઈ પૂરતો જ સહકાર આપવાનો છે. મને ઍવૉર્ડ મળી જાય, પછી સગાઈ તોડી નાંખવાની સમજ્યો ને ?’ મેં કહેલું.
‘પપ્પા, યુ આર ગ્રેટ !’ મારો પુત્ર પણ પ્રભાવિત થઈ ગયો.

પ્રિય વાચકમિત્રો, ગઈ કાલે જ મને ‘વિપ્ર સુદામા ઍવૉર્ડ’ એનાયત થઈ ગયો ! એ નિમિત્તે પત્રકાર પ્રવીણભાઈએ મારો ઈન્ટરવ્યુ લીધેલો, તે આ પ્રમાણે હતો…
‘જય શ્રી કૃષ્ણ…..’
‘તમારી કાંઈ ભૂલ થાય છે, હું તો નિર્મિશ ઠાકર છું !’ મેં કહ્યું.
‘તમે બ્રાહ્મણ છો ?’
‘કેમ, કોઈ શંકા છે ?’
‘આ પીતાંબર પહેલીવાર પહેર્યું ? એની પાટલી પાછળની બાજુ ના હોય, જાણો છો ?’ પ્રવીણભાઈએ પૂછ્યું.
‘ઓહ, માફ કરજો. ઍવૉર્ડ લેવાની લાહ્યમાં સાલું…..’
‘ખેર, હવે કેવું લાગે છે ?’
‘લાગે છે કે આ પીતાંબર થોડીક વારમાં નીકળી પડશે !’
‘અરે, એમ નહીં. ઍવૉર્ડ મળ્યાથી કેવું લાગે છે ?’
‘પ્રવીણભાઈ મને ઊંડો સંતોષ થયો છે.’
‘ઍવૉર્ડમાં તમને શું મળ્યું ?’
‘આ ઘંટડી, એક શ્રીફળ, નાડાછડી, તાંબાનો લોટો ને… એક સો એકાવન રૂપિયા રોકડા !’ મેં ગર્વથી કહ્યું.
‘બસ એટલું જ ?’ પ્રવીણભાઈએ પૂછ્યું.
‘આ પ્રતિષ્ઠિત ઍવૉર્ડ છે, એમાં પૈસા ના જોવાય !’
‘પસંદગી સમિતિમાં કેટલા બ્રાહ્મણ હતા ?’
‘એમાં બ્રાહ્મણો હતા જ નહીં, પટેલો હતા ! એટલે તો રિઝલ્ટ જાહેર થઈ શક્યું !’
‘એમાં બ્રાહ્મણો નહોતા ? શું વાત કરો છો !’
‘કોઈને ઍવૉર્ડ આપવા એકમત તો થવું પડે કે નહીં ? બ્રાહ્મણો કદી એકમત થાય ?’ મેં પૂછ્યું.
‘ઍવૉર્ડ મળવાથી તમારી સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ મળશે, એમ લાગે છે ?’
‘વેગ ? અરે હવે તો મારામાં સાહિત્યનું વાવાઝોડું ફૂંકાવા લાગ્યું છે ! હવે તો હું બ્રાહ્મણ-સાહિત્યને ઉજાગર કરવા ઝંખું છું !’ મેં ભારે ઉત્સુકતા દર્શાવી.
‘તમે વાચકોને શું સંદેશ આપવા માંગો છો ?’ પત્રકાર પ્રવીણભાઈએ રાબેતા મુજબનો છેલ્લો પ્રશ્ન કર્યો.
‘સંદેશરૂપે એ જ કહીશ કે…. ઍવૉર્ડના ધખારા ન રાખવા. એનાથી પ્રગતિ રુંધાય છે. મારી વાત અલગ છે ! મારે તો મજબૂરીમાં આ ઍવૉર્ડ સ્વીકારવો પડ્યો ! આ ઍવૉર્ડ સાથે સમગ્ર બ્રાહ્મણ જ્ઞાતિની સંવેદનાઓ સંલગ્ન હતી, એની અવગણના શી રીતે કરું ? એની પાછળની સદભાવના ખાતર મેં નમ્રપણે આ ઍવૉર્ડ સ્વીકાર્યો છે. તમને નથી લાગતું કે એથી ઍવૉર્ડનું ગૌરવ વધ્યું છે ?’

ખેર, મિત્રો ! તમારા ધ્યાનમાં જો બીજા કોઈ ઍવૉર્ડ હોય, તો મને જણાવજો. હવે તો તમે જાણો છો કે અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાય, એમ મને ઍવૉર્ડ દેખાય છે !
.

[2] કરસનકાકા રેડિયાવાળા

‘કરસનકાકા આવવાના છે. એમનો સ્વભાવ જરા કડક છે, એટલે….’ શ્રીમતીએ જીવ અદ્ધર કરતાં સમાચાર આપ્યા.
‘એટલે મારે એમની સામે નમ્ર થવાનું છે, એમ ને ?’ મેં પૂછ્યું.
‘નહીં તો ખોટી ચડભડ થાય ને ! એ મારા દૂરના કાકા થાય.’ શ્રીમતી આગળ બોલે એ પહેલાં તો ‘કરસનકાકા’ જેવા હોવા જોઈએ, એ પ્રકારના એક કાકા દેખાયા. નાક તીક્ષ્ણ, ભમરો તંગ, કપાળે કરચલીઓ, એક હાથમાં ટ્રાન્ઝીસ્ટર, ખભે છત્રી અને એક મોટો બગલથેલો !

‘આવો કરસનકાકા….’ શ્રીમતીએ આવકાર્યા.
‘જમાઈ તો કાંઈ બોલતાયે નથી ! મારે અહીં એકાદ મહિનો રહેવું હોય તો….’
‘ખુશીથી રહો ! આ તમારું ઘર છે !’ મારાથી બોલાઈ ગયું. કાકાએ બધો સામાન મને ઝલાવી સોફામાં પડતું નાખ્યું.
‘તમારા ઘરમાં આ રેડિયો મુકાય એવી કોઈ સારી જગ્યા છે ?’ કહેતામાં તો એમણે અમારા ટીવીને ઑફ કરી, ડટ્ટો કાઢી નાખ્યો, ‘આ ટીવી-બીવી આપણને ના ગમે !’ એમણે ટીવી પર રેડિયો મૂકી એને ઑન કરી દીધો. મને લાગ્યું કે આતંકવાદી જેવો સ્વભાવ ધરાવતા આ કાકા ટૂંક સમયમાં જ અમારા ઘરની દરેક વસ્તુ પર એમનો કબજો જમાવી દેશે !
‘કાકાજી, હું નીકળું ? મારે હવે ઑફિસે…..’ મેં કહ્યું.
‘અરે જમાઈરાજ, ઑફિસે પછી જજો. પહેલાં આ સાયગલનું ગીત સાંભળો, ધન્ય થઈ જશો ! નૈહરં છૂંઊંઊંટો રી જાય…. હાંઆંઆંય….’ કાકાએ રેડિયો સાથે ગાતાં મારો હાથ ઝાલી, મને બેસાડી દીધો.
‘કાકાજી, મારી બસ જશે તો મારી નોકરી….’ મેં કહ્યું.
‘અરે હજી તો ઘણું ઘણું જશે, તમે ચિંતા ના કરો !’
‘લો કાકા, ચા બની ગઈ છે….’ શ્રીમતીએ પ્યાલો ધર્યો.
‘એમાં ફુદીનો નથી નાંખ્યો ને ? જાવ, ફુદીનો નાખી ફરીથી બનાવી લાવો….’ કાકાએ દિવેલિયું મોઢું કરી પ્યાલો પાછો આપ્યો.

‘જમાઈરાજ, તમને કયા ગાયકો ગમે છે ?’ એ મારી બાજુ ફર્યા.
‘મને તો… કુમાર સોનુ, જસવિંદર નરુલા, ઉદિત નારાયણ, સોનુ નિગમ, ઈલા અરુણ, ઉષા ઉત્તુપ…’
‘બસ, બસ, બસ ! અટકી જાવ. ટૂંકમાં તમને કચરો ગમે છે, બરાબર ? તમે રેડિયામાં કદીયે ‘ભૂલે બિસરે ગીત’ કાર્યક્રમ સાંભળ્યો છે ?’
‘ન….ના… એવું તો કાંઈ…..’
‘તમારી પસંદગી જ વિચિત્ર છે ! તમે કદી સી.એચ. આત્મા, કે.સી.ડે, અનમોલ ઘડી-વાલો સુરેન્દ્ર, શમશાદ બેગમ, સુરૈયા વગેરેને સાંભળ્યાં છે ?’ કરસનકાકાએ ડોળા મોટા કર્યા.
‘ના…. ખાસ નહીં !’ મેં કહ્યું.
‘તમારે ત્યાં રેડિયો છે ?’
‘છે, પણ બગડી ગયેલો છે.’
‘આખો જમાનો બગડી ગયો છે, એટલે રેડિયો બગડે જ ને ! ચાલો એ રેડિયો લાવો, હું રિપેર કરું. મારા બગલ થેલામાં ડીસમીસ, પક્કડ અને હથોડી પડ્યાં છે, એ પણ લેતા આવો.’ કાકાએ હુકમ છોડ્યો. એ દિવસે હું ઑફિસ જઈ શક્યો નહીં. એમણે રેડિયાને વેરણછેરણ કરી નાંખ્યો. મને લાગ્યું કે આ કાકા મારા જીવનને પણ રેડિયો જેવું કરી મેલશે !
‘આ કોઈ ચાલુ કંપનીનો રેડિયો લાગે છે. ભંગારમાં આપી દેજો.’ બોલ્યા.
‘ભંગારમાં ?’
‘હું કહું એટલે ફાઈનલ ! તમને ખબર નથી, પણ મને તો ‘કે.કે. રેડિયાવાળા’ તરીકે આખું ગામ જાણે. કરસનકાકા રેડિયોવાળા રેડિયા વિષે જે કહે, તે ફાઈનલ જ હોય !’ કાકાએ ગર્વથી ઊંડા શ્વાસ લીધા. ત્રણ દિવસમાં તો કાકાએ અમને અડધાં ગાંડાં કરી મેલ્યાં ! રેડિયો તો એમની સાથે જ રહે, એ બાથરૂમમાં હોય કે સંડાસમાં ! રાત્રે સૂતી વેળા પથારીમાંયે રેડિયો !

‘તમે છાપામાં લખો છો, ખરું ને ?’ એમણે મને પૂછેલું.
‘હા.’
‘આ એક ચર્ચાપત્ર છે, પોસ્ટ કરી દેજો !’ એમણે મને એક બંધ કવર આપ્યું. પોસ્ટબોક્ષમાં નાંખતાં પહેલાં મેં એને ખોલીને વાંચી લીધું. આ પ્રમાણે હતું :
મહેરબાન તંત્રીશ્રી,
સ્વરાજ આપણને પચ્યું નથી. સમાજ સડી ગયો છે, એટલે મારા જેવા પથપ્રદર્શકોને ખૂણે નાંખી દેવાયા છે. ટીવીએ તો દાટ વાળ્યો છે. એના લીધે નવી પેઢી ગુમરાહ થઈ ગઈ છે. ઊંડું કોણ વિચારશે ? તમારે ત્યાં તો નિર્મિશ ઠાકર જેવા અડબંગ કોલમિસ્ટો છે, જેઓ સમાજને હાસ્યના નામે છીછરા લેખો પીરસે છે, સમાજને મીઠું ઝેર આપે છે ! એમની કોલમ તાત્કાલિક બંધ થવી જોઈએ. આ ટૂંકું, પણ તેજાબી ચર્ચાપત્ર છાપશો ? એ જ, લિ. કે. કે. રેડિયાવાળા.
ખરે, મેં એ ચર્ચાપત્ર દાંત પીસીને ફાડી નાખ્યું.

‘ગણપતભાઈ ?’ મેં ઑફિસથી ગનપટ હુરટીને ફોન જોડ્યો.
‘હા નિમ્મૈસભૈ, બોલો બોલો….’
‘યાર, તમારું કામ પડ્યું છે.’ મેં કહ્યું.
‘ઉં ટમારાં બઢ્ઢાં કામ કરી ડેવા, ટમે જલ્ડી બોલો ની !’
‘અમારે ત્યાં એક વિચિત્ર કાકા મહેમાન થઈ આવ્યા છે. અમારા દૂરના સગા થાય ! યાર, એમણે તો ઘરમાં આતંક મચાવ્યો છે. એ મારું ટૂથબ્રશ વાપરે છે, નહાવા જતાં મારો ટોવેલ વાપરે છે ! એટલું જ નહીં, એમણે તો એક ચર્ચાપત્રમાં…..’ મેં કાકા અંગે બધું જ વિગતવાર જણાવ્યું.
‘નિમ્મેસભૈ, એ કાકાને ભગાડવા એક નાટક કરવું પડહે, બસ વાટ પૂરી !’ ગનપટ હુરટીએ મને આખો પ્લાન સમજાવ્યો.
*****

‘નિમ્મેસભૈ છે કે ?’ ગનપટ હુરટીએ આવતાંવેંત બારણાને લાત મારી, ને કરસનકાકા ભડકી ઊઠ્યા.
‘શું છે ?’ મેં આગળ આવતાં કહ્યું.
‘હું છે ની… ! પેલ્લાં પૈહા કાઢો પૈહા ! પાંચ હજાર ઉઢાર લીઢા છ, એ યાડ ખરું કે નીં ?’
‘પ….પણ હાલ તો પૈસા નથી, વપરાઈ ગયા !’ મેં ઢીલા થઈ કહ્યું.
‘નઠી ? એની અમનાં કૌ ટે…. પંડર ડારાઠી મને ગોર ગોર ફેરવો છ ! ને પાછા રેડિયા વગાડો છ ?’ ગનપટ હુરટીએ કાકાનો રેડિયો જમીન પર પછાડી ગદડી નાંખ્યો !
‘અલ્યા એઈઈઈ…..’ કાકાના ગળામાં ચીસ અટવાઈ ગઈ.
‘એ કાકા, જો વચમાં બોઈલા ટો ડાચું ફેરવી નાખા……’ એણે ખીંટીએ લટકતા કરસનકાકાના ઝભ્ભાના ખિસ્સામાં હાથ નાંખી રૂપિયાની થોકડી બહાર કાઢી, રૂપિયા ગણી લીધા. ‘હજાર રૂપિયા ઠીયા ટે જમા કરું છ !’ એણે ઝનૂનથી થોકડી પોતાના ખિસ્સામાં મૂકી કાકાનો ઝભ્ભો ફાડી નાંખ્યો. કાકા તો સ્તબ્ધ !
‘બીજા ચાર હજાર બાકી ! કાલ ઉં ફરી આવા. જો પૂરા પૈહા નીં મલહે ટો આ ઘર ખેડાનમેડાન કરી લાખા…. બસ વાટ પૂરી !’ ગનપટ હુરટી વાવાઝોડાની જેમ આવીને ચાલ્યો ગયો. કરસનકાકા ધ્રૂજી રહ્યા હતા.

‘મારે આજે જ મારે ગામ જવું પડશે, એક અગત્યનું કામ યાદ આવ્યું છે…’ કાકાએ મને કહ્યું. મેં સમજીને તરત એમના ગામ જવાનું ભાડું આપ્યું. ગનપટ હુરટીની કૃપાથી કાકા તો તરત ચાલ્યા ગયા. હે વાચકમિત્રો, ગનપટ હુરટી જેવો મને ફળ્યો એવો તમનેય ફળજો, બસ વાટ પૂરી !

[કુલ પાન : 146. કિંમત રૂ. 100. પ્રાપ્તિ સ્થાન : રન્નાદે પ્રકાશન, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-1. ફોન : +91 79 22110081, 22110064. ઈ-મેઈલ : rannade_2002@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધી બ્લેક-બોર્ડ – ગૌરાંગી પટેલ
શોભા અને સુશિમા – સ્વામી આનંદ Next »   

23 પ્રતિભાવો : નિમ્મેસભૈ ને ગનપટ હુરટી – નિર્મિશ ઠાકર

 1. Gunvant says:

  મજા પડી ગઇ

 2. કેતન રૈયાણી says:

  ખરેખર બહુ જ સરસ…બુધવારે દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં હું “ગણપત – નિમ્મેસ”ની જ રાહ જોતો હોઊ છું..

 3. જય પટેલ says:

  મઝાનો હળવો હાસ્યલેખ.

  ગણપટ હુરટીએ ટો ભારે કરીનીં
  બૉઉ મજ્જા આયી..!!

  એમાં બ્રાહ્મણો હતા જ નહીં, પટેલો હતા ! એટલે તો રીઝલ્ટ જાહેર થઈ શક્યું !

  થોરામાં ઘનું
  વ્યંગવાળી આ સિક્સરથી ટો બોલ પણ સ્ટેડીયમ બહાર ચાઈલો ગયો, ટે પાછો જ ની આયવો.

 4. Vipul Panchal says:

  ગનપટ હુરટી જેવો મને ફળ્યો એવો તમનેય ફળજો, બસ વાટ પૂરી……

  Good One નિર્મિશભાઈ…

 5. amol says:

  ગનપત હુરતીની વાત વાચવાની મઝા આવી ગઈ……
  આભાર નિમ્મેસભૈ…………..

 6. Sarika Patel says:

  બિજો લેખ વધારે સારો લાગ્યો.

 7. rajnichheda says:

  આભાર નિમ્મેસભૈ

 8. nayan panchal says:

  ગનપટ હુરટી હોય પછી કંઈ પૂછવા જ ની મલે…

  ખડખડાટ હ્સવુ આવી ગયુ.

  નયન

 9. Parthiv Desai says:

  મજ્જા પડી ગઈ.
  નિમેશ્ ભાઈ ગનપટ વગર ગાડૂ નહી ચાલે

 10. nim says:

  ઘણુ સરસ
  જો રેટીંગ જેવું કઈંક હોઈ તો હું 5 stars માંથી 4 stars અવશ્ય આપુ

  ધન્યવાદ

  નિમ

 11. નિમ્મેસભૈ એવોર્ડ મળ્યો અને કાકા યે ગયા – હવે બ્રાહ્મણો જમાડવા પડે. બ્રાહ્મણો જમવા બાબતે એક મત હોય છે અને કોઈનુ એ આમંત્રણ પાછું ઠેલતા નથી – બીચારા યજમાનનું દિલ ન દૂભાવું જોઈએ.

 12. Veena Dave, USA says:

  બહુ મઝા આવી.

 13. Jaydev says:

  એ કાકા, જો વચમાં બોઈલા ટો ડાચું ફેરવી નાખા……’ :)) , khub saras ગણપટ હુરટી bhai..

 14. Vraj Dave says:

  સરસ. બહુ મઝા પડી.. શ્રીઅતુલભાઇ લાડવા ખાવા જાવ ત્યારે મને પણ બ્બ્બ્બુ…..મ્મ્મ્મ્મ્મ્મ પાડજો.
  બિચારા યજમાનનું દિલ(જો હોયતો)ના દૂભાવું જોઇએ.
  વાચકોમાં બ્રાહ્મણો અને તેમા પણ દવે સારા પ્રમાણમાં છે.
  ધન્યવાદ.
  વ્રજ દવે

 15. ગણપત હુરતિ says:

  નિમમેસ ભાઈના હાિયાની વાત હોઠે આવી ગઈ. નિમમેસભાઈને હાચે જ લાઈમલાઈટમાં રેવું ગમે હે. ઐવો્રડ માટેતો નિમમેસભાઈ કંઈ બી કરી હકે.

 16. ઈન્દ્રેશ વદન says:

  એમ લાગે કે નિમ્મેસભૈ બસ હુરટી ડાયલોગો વ્હાપરી ને જ થોડું ઘણ્ણું હાસ્ય ઉપજાવી સકે.
  એ વિના, લેખ કે લેખક માં દમ ની મલે. થોડું substantial લખો તો વધુ ગમ્મ્ત મલે ની, ભલા માણહ..!!!

 17. Chirag Patel says:

  Gabbar: aur 2 ke pehle?

  Sambha: 2 ke pehle ek aata

  Gabbar: beech mein kaun aata hai?

  Sambha: beech mein koi nahi aata

  Gabbar: toh phir dono ek saath kyun nahi aate?

  Sambha: 2 ek ke baad aata hai kyunki 2 ek se bada hai

  Gabbar: 2 ek se kitna bada hai?

  Sambha: 2 ek se ek bada hai

  Gabbar: 2 ek se ek bada hai toh ek ek se kitna bada hai?

  Sambha: Sarkaar, aap mujhe goli maar do

 18. Chirag Patel says:

  Gabbar: Kitne aadmi the?

  Sambha: sarkaar 2 the

  Gabbar: mujhe ginti nahi aati, 2 kitne hote hain?

  Sambha: 2 ek ke baad aata hai

  Gabbar: aur 2 ke pehle?

  Sambha: 2 ke pehle ek aata

  Gabbar: beech mein kaun aata hai?

  Sambha: beech mein koi nahi aata

  Gabbar: toh phir dono ek saath kyun nahi aate?

  Sambha: 2 ek ke baad aata hai kyunki 2 ek se bada hai

  Gabbar: 2 ek se kitna bada hai?

  Sambha: 2 ek se ek bada hai

  Gabbar: 2 ek se ek bada hai toh ek ek se kitna bada hai?

  Sambha: Sarkaar, aap mujhe goli maar do

 19. hari patel says:

  મજા પડિ ગઈ

 20. meghna says:

  કેમ ચો નિમેશ્ભૈ. મને તમારિ સુરતિ ભાશા ખુબ ગમિ ગયિ. and i like your article too.
  great pair with ganpat hurti.
  thanks for that.

 21. Ashish Dave says:

  Tooo goood Nirmishbhai as always…

  Ashish Dave
  Sunnyvale, California

 22. Sawankumar Patel says:

  ગનપત હુરતી નો કોઇ દિવસ પ્રતિસ્પર્ધી નહિ મલે…
  અરે નિમ્મૈસભૈ ગનપટ હુરટીનો ફોન નમ્બર આપ જો ને..અમારે પન ક્યારેય સાસરીવાલા કાકા ભગાડવા કામ લાગે.

 23. જિજ્ઞેશ શનિશ્વરા says:

  બો મજ્જા આવી. આ ગનપટ હુરટી પેલ્લો હુરટી મયલો કે જે ગારો બોલતો જ નીં મલે. નિમ્મેસભૈ એટલે નિમ્મેસભૈ!! એવું હુરટી લખતાં ચ કે મને તો એ હો હુરટી જ લાગતા ચ.

  નિમ્મેસભૈની વાટો હાંભરીને કોઈ હહરીનું હસે નૈ, ટો હમજો કે તેમાં સેન્ટ ઓફ ટ્યુમર (સેન્સ ઓફ હ્યુમર) છે જ નથી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.