મારું ગામ લાડોલ – પ્રજ્ઞા પટેલ

[‘વહાલું વતન’ પુસ્તકમાંથી સાભાર. લેખિકા શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલ ગાંધીનગરમાં માહિતી વિભાગમાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવે છે. તેઓ વાર્તા, કવિતા, નાટક વગેરે લખે છે અને ‘આત્મન ફાઉન્ડેશન’ નામની સંસ્થા દ્વારા તકવંચિત બાળકો સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આપ તેમનો આ નંબર પર +91 9825438394 અથવા આ સરનામે pragna_atman@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

મારું ગામ એ શબ્દની સાથે જ સંવેદનાઓથી હૃદય છલકાવા લાગે છે. ‘મારું ગામ’ માત્ર લલિત નિબંધનો વિષય ? લીલાછમ્મ શબ્દોની લીલીછમ્મ રંગપૂરણી ? તળાવ, મંદિર, ખેતરો ને એવાં બધાં વર્ણનો ? ‘મારું ગામ’ એટલે શું ? એને ક્યા પ્રકારે શબ્દોમાં-ભાષામાં ઉતારી શકાય ? વિદ્યાર્થીઓ પોતાના ગામ વિશે હરખથી-ઝડપથી નાનો નિબંધ લખી કાઢે… એવું નજીકનું, પોતાનું હોય છે આ ગામ. ને છતાંય, એને યાદ કરી – એના વિશે લખવા બેસીએ ત્યારે એ કામ અઘરું પણ લાગે. દૂર રહી ગયેલા એ ગામને જાતની અંદર શોધવું-પામવું પડે, ત્યારે જ એના વિશે કંઈક લખી શકાય. ‘મા’, ‘મારી મા’ કહેતાં, જેમ મોં ભરાઈ આવે તેવું જ ‘મારું ગામ’ કહેતાં લાગણી થાય. એવો નજીકનો આ શબ્દ. ગામ-વતન… આ શબ્દો આજની પેઢીમાં થોડા ભેળસેળિયા બની કંઈક અંશે ઓગળવા માંડ્યા છે. કેમકે, આજની પેઢી માટે જ્યાં જન્મ્યા કે જ્યાં ઊછર્યા, ભણ્યા, જિંદગીનો મહત્તમ સમય જ્યાં પસાર કર્યો હોય તે જ ગામ-વતન બની જતાં હોય છે અને પોતાનું અસલ ગામ દૂર છૂટી જતું હોય છે.

ઉત્તર ગુજરાતનું, મહેસાણા જિલ્લાનું, વિજાપુર તાલુકાનું જાણીતું ગામ લાડોલ તે મારું ગામ. એમ કહેવાય છે કે એક સમયે આ ગામમાં આસપાસનાં 72 ગામોનો ન્યાય તોળાતો હતો. લાડોલને યાદ કરતાં જ બાળપણનાં સ્મરણો વિશેષ તાજાં થાય. બાળપણ – એક એવો જાદુઈ ચિરાગ, જે હંમેશાં આકર્ષ્યા કરે. એનો જાદુ કદીય ઓછો ન થાય. એની એ જ વાતો, એ જ યાદો, છતાં દર વખતે કંઈક જુદી જ તાજગી અનુભવાય એમાંથી. મારો જન્મ વિસનગરમાં. મારા પિતાને રેલવેમાં નોકરી, તેથી જુદાં જુદાં સ્થળે રહેવાનું અને ઊંઝા, દ્વારકા, સિદ્ધપુરમાં ભણવાનું બન્યું. સિદ્ધપુરમાં 14 વર્ષ વિતાવ્યાં. સિદ્ધપુર પણ વતન જેવું આત્મીય બની ગયું હતું. આજેય ઘણા મને સિદ્ધપુરની વતની તરીકે જ ઓળખાવે. અને હવે છેલ્લાં વીસ વર્ષથી ગાંધીનગર ‘મારું ગામ’ બની ગયું છે. છતાં ‘મારું વતન તો લાડોલ જ’ એમ સગર્વ હું કહીશ.

લાડોલનું નામ દઈએ કે તરત હરસિદ્ધ માતાજીનું મંદિર યાદ આવે. આ મંદિર અત્યંત પ્રસિદ્ધ છે. તેની સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે, જેમાંની એક રાજા સિદ્ધરાજ સાથે જોડાયેલી છે. આજના સમયમાં પણ દૂર-સુદૂરથી ઘણા લોકો હરસિદ્ધ માતાની પૂનમ ભરવા લાડોલ આવે છે. હરસિદ્ધ માતાજીમાં અખૂટ આસ્થા ધરાવનાર ભાવિકોનો વર્ગ ઘણો મોટો છે. બાજુમાં રણછોડરાયનું વિશાળ મંદિર છે. મને યાદ આવે છે, નાનાં હતાં ત્યારે આ બંને મંદિરની ઊંચી પાળ પર અમે સંતુલન રાખીને ઊભાં ઊભાં ચાલવા મથતાં…. એ પાળ લગભગ 20-25 ફીટ ઊંચી. જો પડીએ તો કેડ ભાંગી જ જાય. મંદિરનું ચોગાન અમારા રમવાનું સ્થળ. પ્રસાદ માટે ટાંપીને બેસીએ. માતાના મંદિરમાં પ્રવેશતાં પિત્તળનો મોટો ઘંટ લટકે… ત્યાં સુધી હાથ ન પહોંચે, કૂદકા મારી, એકબીજાને તેડીને પણ એ ઘંટ વગાડીએ. આજે પણ એ મંદિરમાં પ્રવેશતાં ઘંટ વગાડું છું ત્યારે મારી અંદર કૂદકો મારતી એક નાની છોકરીને હું અનુભવું છું.

પિતાજીને નોકરી તેથી ગામથી દૂર રહેવાનું વધારે બન્યું છે, પણ પ્રસંગોપાત્ત, સામાજિક પ્રસંગોએ માતા-પિતા સાથે ગામ જવાના પ્રસંગો ઘણા. દ્વારકાથી લાંબી ખેપ ખેડી રેલવેમાં ફરતાં ફરતાં વિજાપુર ઊતરીએ… દાદાની ગાડી લેવા આવી હોય (મારા દાદા એટલે કે પિતાના કાકા, એ જમાનાના ગર્ભશ્રીમંત ગૃહસ્થ, એ સમયમાં ‘કંત્રાટી’ – ‘મુખી’. એ ઘોડી પણ રાખતા એમ સાંભળ્યું છે, જોઈ નથી, પણ એમ્બેસેડર રાખતા હતા). ત્યારે તો આટલી ગાડીઓ નહોતી. દાદાને ત્યાં જ રોકાવાનું હોય. એ ઈશ્વરદાદાની પ્રતિભા કંઈ ઓર જ. ખૂબ પ્રેમાળ, કાકાનાં, ફોઈઓનાં બધાં બાળકો વૅકેશનમાં ભેગાં થયાં હોય. દાદાનું ત્રણ માળનું વિશાળ – પાકું બાંધેલું મકાન. સૌ સાથે હળીમળીને રહે. ફળોના તો આખા કરંડિયા જ ખરીદવા પડે. ચીકુ, પપૈયાં, કેરી, જામફળ – જે હોય તે, દાદાને ત્યાં વેચવા આવનારી બહેનો આખા ટોપલા જ ઉતારી જાય. દાદા ઉદાર જીવના. શહેરી છોકરાં ગામનાં ફળોનો સ્વાદ ચાખે ! દાદાના ઘેર ટેલિફોન પણ ખરો. એ જમાનાનું કાળા રંગનું, મોટું ઈન્સ્ટ્રુમેન્ટ, ટેલિફોન જેવો ઉપાડો, પછી ટેલિફોન ખાતાની ઑફિસમાં એ જાય, નંબર માગવો પડે. અમે ઉપાડીએ, બહુ કૌતુક લાગતું, ને પછી સામેથી આવતો અવાજ સાંભળી ગભરાઈને પટ કરતો મૂકી દઈએ. એ પછી વળી ગોળ કાણામાં આંગળી ઘુમાવી ડાયલ કરવાની સિસ્ટમ આવેલી, તે ગમે તે નંબર ઘુમાવ્યા કરીએ. આ બધું તદ્દન છાનામાના જ કરવાનું હોં. ઘરમાં અનાજ ભરવાની મોટી મોટી પાકી-ચણેલી કોઠીઓ. એકમાં ઘઉં ભર્યા હોય, એકમાં બાજરી. ઉપરનું મોઢિયું ખૂલે કે ધુબાકા મારી એમાં ઊતરવાની મજા પડી જાય. ઘઉંના દાણા શરીરને અડે ને ગલગલિયાં થાય. દાદા બેસતા, ત્યાં પેઢીમાં – દુકાને રાખતાં તે ઢાળિયું – ટેબલ, લાકડાનું. ગાદી-તકિયો. એ ગાદી-તકિયા, ઢાળિયા પર હાથ ટેકવી ક્યારેક હું બેસી લેતી. એમ કંઈ દાદા બની જવાતું હશે ? એ વાત આજે સમજાય છે.

એ મોટો માઢ. ગામનો ઊંચેરો ભાગ. ત્યાં મોટો ઢાળ. એ ઢાળ ઝડપથી ઊતરવો અમારે માટે એક ગમ્મત. ઢાળ ઊતરીએ કે બાજુમાં જમણા હાથે એક મોટો કૂવો. કૂવો પુરાઈ ગયેલો. એમાં પણ ભૂસકો મારીએ. એ જ માઢમાં, ખૂણામાં મારાં માસીનું ઘર. એની એક બારી બહારની તરફ રસ્તા પર પડે. ત્યાં બેસીને અવરજવર હું જોયા કરું. એ પછી તો દાદાએ ગામના નવા વિકસતા પરામાં, હરસિદ્ધપુરામાં નવું મકાન બંધાવેલું. એ પછી અમારી અવરજવર એ ઘરમાં થતી. એ ઘરમાં મોટી બહેનોના લગ્નપ્રસંગ ઉજવાયા હતા. જાન બે દિવસ રહેતી. મોટા મંડપો ઘરઆંગણે જ બંધાયા હોય. ત્રણ દિવસ તો રસોડું ચાલે. ત્યારે આજના જેવી કેટરર્સ સર્વિસ નહિ. ઘેર ઘેર ફરીને ગાદલાં, ચાદર, જાજમ, વાસણો બધું જ ઉઘરાવવું પડે. એની યાદી કરવી પડે. આ ગામનો એક રિવાજ બધાં એકબીજાના પ્રસંગ સાચવી લે. પિતા અને ભાઈ સાથે આ રીતે બધી વસ્તુઓ એકઠી કરવા હું ફરેલી, એવું આજે પણ સ્મરણમાં છે.

ગામની બહાર રહેતાં, એટલે થોડા અંશે ‘શહેરી’ કહેવાતાં. વૅકેશનમાં ઘરે જઈએ એટલે એ જૂના બાળદોસ્તો સાથે રમવાની મજા પડી જતી. ફોઈનાં લતા-રાજુ અને ગામની જ પડોશમાં રહેતી દર્શના. આ પાક્કાં મિત્રો. મને યાદ છે, દર્શના, કાકાની મીના, માસીની પ્રવીણા, પિતરાઈ ભાઈ જયેશ, રાજુ, સતીશ, સંજય, બહેન વર્ષા – આ બધાં સાથે ખૂબ તોફાન-મસ્તી કર્યાં છે. સાતોળિયું, સંતાકૂકડી, આઈસપાઈસ, અમદાવાદ, ડોશીમા, બાજીપત્તાંની વિવિધ રમતો – આ બધી ખૂબ ગમતી રમતો. ક્યારેક કોઈ ગાડું જતું હોય, પાછળ દોડીએ ને પછી સહેજ ઢાળ આવે કે તેમાં કૂદીને લટકી પડીએ. પાછાં દોડતાં ઘરે આવી જઈએ. રમતાં રમતાં ગમે તેના ખેતરમાં ઘૂસી જઈએ…. વરિયાળીનાં કુમળાં ફૂમતાં તોડી લઈએ. ક્યારેક વળી આંબલી કે રાયણના ઝાડ પર ચડી જઈએ, પથરા મારી કાતરા પાડીએ. અરે, ભેંસનાં પૂંછડાં આમળવાની પણ મજા લીધી છે. નાની પાડી હોય તો ઉપર લટકીને બેસી જઈએ. કૂતરાં તો ખૂબ દોડાવ્યાં છે. દાદાની એક જામફળી. એ ખેતરમાં જઈએ ને તાજાં જામફળ જોઈને તો ગાંડાં જ બની જઈએ. ને પછી લાલ-ગુલાબી જામફળ શોધવા જે મથામણ કરીએ…..! કદીક ખેતરો ખૂંદવા નીકળી પડીએ. તાજાં કાઢેલાં બટાટાંના ઢગલેઢગલા જોઈ એવું તો રાજી થઈ જવાય. માટીનાં ઢેફાં હાથમાં લઈ એકબીજાને મારી પાણીની વહેતી નીકમાં પગ ઝબોળી થાકીને બેસી પડીએ.

ઘરના ખૂણે કે ઓટલે લપાઈને બેસીએ. ઘરઘત્તાંની રમત માંડીએ. ખબર નહિ, શું કાલીઘેલી વાતો કરતાં હોઈશું ને શું સપનાં જોતાં હોઈશું ! પણ બરાબર યાદ છે, કોઈનું પણ ગાડું ઊભું હોય, એના પર ચડવાની-ઊતરવાની ખૂબ મજા આવતી. ત્યારે તો બીજાં કોઈ સાધન-સુવિધા, મનોરંજન કે રમતનાં સાધનો નહિ. તદ્દન નિર્દોષ ને મફતની રમતો જ રમવાની. ગામમાં રહેવાના એ થોડા દિવસો નિરાળી મસ્તી, નિર્દોષ તોફાનોથી ખૂબ હર્યાભર્યા બની જતા. કદીય ગામમાં જવાનો ઉત્સાહ ઓછો ન થતો. ગામ જવું ગમતું. એની માટીમાં રગદોળાવું ગમતું. પિતાજી જવાની વાત કરે ને તરત એની માટી મારામાં મહેકવા માંડતી. મને દર્શના, રાજુ-લતા, મીના, એ મંદિર, એ ગાડું – બધું યાદ આવવા માંડતું. ખૂબ તોફાનો કર્યાં છે, બાળસહજ ખૂબ મસ્તી કરી છે. એવું સહેજ યાદ નથી આવતું કે હું કોઈનાથી રિસાઈ હોઉં કે ઝઘડી હોઉં.

મારું ગામ લાડોલ – જિલ્લાનું ઘણું જાણીતું ગામ કહેવાય. આજે ખેત ઉત્પાદન – તમાકુ, જીરૂ, વરિયાળી, બટાટાંના વેપારમાં પણ એ આગળ પડતું. ઘણું સમૃદ્ધ કહી શકાય. સુખી ગામ. આજે એ શહેરી સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવા મળે. રાજકારણની રીતે પણ એ જાણીતું ગામ. ખેતરોની જગ્યાએ હવે ઘણી સોસાયટીઓ બની ચૂકી છે. મારા પિતાની ખૂબ ઈચ્છા, ગામમાં પોતાનું ઘર હોવું જોઈએ. એમણે પગારમાંથી પૈસા બચાવીને સરસ ઘર પણ બનાવ્યું. સરસ મજાની સોસાયટીમાં છેલ્લી લાઈનમાં અમારું ઘર, પિતાએ નામ આપેલું ‘સૌરભ’. ઘરના ઓટલે ઊભા રહીને ને સામે દેખાય ખેતરો…. એક પ્રકારનું ખુલ્લાપણું અનુભવાય. આજે પણ બધી જ વસ્તુઓ સાથે ઘર એવું જ અકબંધ છે… પણ એમના સ્વપ્નનું ઘર ખાલી છે. પિતાની સ્મૃતિઓને અકબંધ જાળવીને ઘર સૂનું છે. આજે પણ ગામમાં જાઉં છું ને એ બધી સ્મૃતિઓ મને ઘેરી વળે. એ બાળમિત્રો ક્યાંય ખોવાઈ ગયાં છે. એ તોફાન-મસ્તી સ્મૃતિઓમાં કેદ, મારા જ ગામમાં હું મને જ જુદી – કંઈક અંશે પારકી લાગવા માંડું છું.

‘કેમ છે બેટા…’ ચાલતાં ચાલતાં ઘણા હૂંફાળા સાદ, એ જ પરિચિત રસ્તા-માટી-ઘર-મંદિર – એ જ બસ-સ્ટેન્ડ, બસ-સ્ટેન્ડની આજુબાજુમાં નાની છાપરીઓ, ઝૂંપડાં, તેમાં રહેતા ખેતમજૂરો, એ ગામનું લાડોલિયું તળાવ, એ બળભદ્રનો ચોક, એ મોટો માઢ, કાકાની એ દુકાનો….. આ બધું જોઉં – અનુભવું ને ‘મારું ગામ’ મને બાથમાં લઈ લે છે. ગામની મમતા ઘેરી વળે છે. હું ગમે ત્યાં રહું, સ્થાયી થાઉં, ગમે તે કામ કરું, પણ મારું ગામ તો લાડોલ જ ! હા, લાડોલ જ. મારો પરિવાર ઘણો બહોળો છે, ઘણો બહોળો. કાકાઓ-કાકીઓ – બધાં સ્વજનો, ગામમાં બહુ ઓછા મને પ્રજ્ઞા તરીકે ઓળખે, આજે પણ તેમનાં મન તો એમની લાડકી હું ‘મુન્ની’ જ છું. મારા સદ્દગત પિતા આત્મારામભાઈ પટેલને ગામની ઘણી મમતા. 1965માં તેમણે સંશોધન કરીને ‘લાટપલ્લી લાડોલ’ પુસ્તક પ્રસિદ્ધ કરેલું. તેમાં લખેલી બે પંક્તિ ટાંકીશ :
‘લાટપલ્લી,
વલ્લી તું હેમની.’
લાડોલમાં અનેક શૂરવીરો થઈ ગયા છે, દાતાઓ અને વિવિધ ક્ષેત્રે પ્રદાન કરનાર મહાનુભાવો પણ આ ગામે આપ્યા છે. આ ગામે પ્રતિભાવાન અનેક વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, ડૉક્ટરો અને શિક્ષકો આપ્યા છે. ગામમાં સેવાપ્રવૃત્તિ પણ સરસ ચાલે છે. ગામમાં આજથી વર્ષો પહેલાં પણ બહેનો અપરિણીત રહી સેવાભક્તિમાં પ્રવૃત્ત રહેલી. આજે પણ એવી ઘણી બહેનો વિવિધ સ્થળે સરસ રીતે કાર્યરત છે.

ગામમાં મંદિર પાસે એક ઊંચું ટાવર છે. નાની હતી ત્યારે પણ એ જોતી, આજે પણ એને જોઉં છું. હવે પેલી ઊંચી પાળ પર હું ચાલી શકતી નથી કે મંદિરના ચોગાનમાં મુક્ત મને ઘૂમી શકતી નથી, પણ આજેય, એ ટાવર, પાળી પાસેથી પસાર થતાં હું મારામાં પેલી મુગ્ધ રમતિયાળ છોકરીને સળવળતી અનુભવું છું. મારા લાડોલ ગામ, ગોધૂલિએ ઊડતી તારી ધૂળ હજુય મારાં ફેફસામાં એ અલગ મહેક ભરી દે છે. તારી ધૂળને મારા પ્રણામ, તારાં લહેરાતાં ખેતરોને મારી પ્રેમભરી સલામ.

[કુલ પાન : 446. (આડી સાઈઝ) કિંમત રૂ. 350. પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ. અમદાવાદ-380001. ફોન : 91-79-26564279. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શોભા અને સુશિમા – સ્વામી આનંદ
સ્માઈલનું સેલ – સંકલિત Next »   

22 પ્રતિભાવો : મારું ગામ લાડોલ – પ્રજ્ઞા પટેલ

 1. જય પટેલ says:

  ઘેર ઘેર ફરીને ગાદલાં, ચાદર, જાજમ, વાસણો બધું જ ઉઘરાવવું પડે.
  ગામનો એક રિવાજ બધાં એકબીજાનાં પ્રસંગ સાચવી લે.

  ગ્રામ્ય જીવનનો પડઘો અને પરસ્પર લાગણી આ બે વાક્યમાં વ્યકત થાય છે.
  City Kids કદાચ આ બધું વિસ્મય ચહેરે નિહાળે પણ ૩૦-૩૫ વર્ષ પહેલાં આ હકિકત હતી.

  સુંદર પ્રવાહી અને શ્રી મણિલાલ પટેલ શૈલીમાં ગ્રામ્ય જીવનનો ધબકાર સંભળાય છે.

  પુસ્તક વસાવવા યોગ્ય.

 2. Chintan says:

  ગ્રામ્ય જીવન નુ તાદ્રશ્ય નિરુપણ વાન્ચિ ને ઘણોજ આનન્દ થયો.
  ગ્રામ્ય જીવનની સુવાસજ અનેરી છે.

  ખુબ સુન્દર વર્ણન. આભાર.

 3. લેખ સ્પર્શી ગયો. એ વાત તો હકિકત જ છે કે માણસ કોઇપણ ક્ષેત્રમાં ગમે તેટલી પ્રગતિ કરે, નામ, દામ કમાય પરંતુ તે તેના માદરે વતન ને ક્યારેય ભુલી શકતો નથી.

 4. જનની જન્મભૂમિશ્ચ
  સ્વર્ગાદપિ ગરિયસી

  સુંદર લેખ.

 5. Vipul Panchal says:

  Nice Story.

 6. Kavita says:

  Tjhis article took me back to my childhood. Correct, no matter where we live, native place remains close to the heart. I left india nearly twenty years back, still whenever I go back to my towm, people come to meet me. My children finds it so ammusing that I am still welcomed and loved by my neighbours. My daughter always tells me that ” Mum, we cannot walk 2 mins without meeting people and talking to them whenever we go to your town.” I always cherish my visit to India and it replenish my life.

 7. hari patel says:

  i really like this nostalgic moments.any writings speciially about villages,i really love it.i am very much thankful to readgujarati for this.i have addicted to this site.

 8. Veena Dave, USA says:

  સરસ લેખ.

 9. ઈન્દ્રેશ વદન says:

  Quite Soporific.!!!

 10. Akash says:

  તદ્દન નિર્દોષ ને મફતની રમતો જ રમવાની…
  આ વાક્ય જ ઘનુ બધુ કહિ જાય ચ્હે..આજ ના બાલકો નુ તો કહેવુ જ શુ??

 11. trupti says:

  Now this is the forth generation of ours who is living in Mumbai.

  My Nana and Nani were born and brought up in Mumbai, then my mum and her siblings, then me and my siblings and my cousins and now the last generation is my child and my cousin’s children. We all are born and brought up in Mumbai bust still any one talks of Gujarat, we proudly say that, we are Gujarati and belongs to Vyara ( dist. Surat- that is my father’s birth place) and proudly associates our selves with Vyara. Though we have never stayed there beyond our school vacations. After the school, the visits were further reduced and after getting married, got so much engrossed in our own life, that some times cannot go even for years together, but still any body comes from Vyara or talks about Vyara, my heart starts blinking. Therefore, I can very well imagine, the feelings of the people who uprooted themselves and settled in the other country or place leaving their birthplace.

  This kind of articles really brings back our lost memory back.

  Awesome article.

  • trupti says:

   I forgot to mention. When we used to go to Vyara during our school vacations, generally we used to reach at the middle of the night. In those days, the convenient train to go was only Flyingrani, which used to reach Surat by 10 p.m. then had to take ST to reach Vyara. By the time we reach there, it used to be almost midnight. Vyara is 60 km away from Surat. Next day morning, whoever sees us or meet us, the first question from all of them would be, ” ક્યારે આવ્યા? કેટલા દિવસ રેહવા ના છો?, બધા મઝા મા છો ને?, મમ્મી પપ્પા કેમ છે?” વિ…………… પણ એ પુરછા મા પ્યાર હતો. આજે જમાનો બદલાઈ ગયો છ પણ હજી પણ જયારે વ્યારા જવા નુ થાય ત્યારે એજ મીઠાસ નો અનુભવ થાય છે.

 12. Pravin Shah says:

  લેખ વાન્ચેી ને મને મારા ગામ મા વેીતાવેલુ બચપન યાદ આવેી ગયુ. શુ સુન્દર દિવસો હતા !
  મારુ ગામ મહેલોલ, પન્ચમહાલ જેીલ્લા મા આવેલુ છે.

 13. nayan panchal says:

  લેખ વાંચીને મને ઉકાઈ યાદ આવી ગયુ. તાપીના કિનારે વીતાવેલા તે વર્ષો અદભૂત હતા.

  સરસ લેખ બદલ આભાર,
  નયન

 14. VB says:

  Very nice article – being a born Bombayite but who has been to many villages – I know how unlucky I am for not being able to call a village as my village!

 15. પ્રજ્ઞા બહેને ખુબજ સરસ માહિતિ પોતાના ગામ વિશે આપી. . ગ્રામ્ય જીવન એજ સાચુ જીવન છે એ આ લેખ ઉપરથી સમજી શકાય છે.
  અમે પન અમારા ગામ ના વિકાસ હેતુ વિવિધ પ્રવ્રુતિ ઓ કરી રહ્યા છિએ . આપ વધુ મહિતિ અમારી વેબસાઇટ http://www.vadgam.com/
  ઉપરથી મેલવી શકો છો.

  આભાર સહ્

  નિતિન
  વડગામ

 16. thanks

  Its very good article i can imagine what i did in my childhood by reading your article. Reaaly i feel very good by reading your true story.

 17. Rakesh Patel says:

  It’s really a great…. heart touching article. I am also from the Ladol(MotoMaddh)…

 18. MEHUL PATEL says:

  હુ તમારા ગામ નો જ દિકરો, તેથિ તમે મારા ફોઈ થાઓ.
  ખુબ સારુ લાગ્યુ લેખ વાન્ચિને .
  જે અમારુ દિલ વિચારે તેજ શબ્દો તમે લખ્યા
  ખુબ ખુબ ખુબ જ સુન્દર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.