આમ્રમંજરી – સંકલિત

[1] બુધિયાની જેમ દોડવું નિરર્થક છે ! – શ્રી આર. કે. ભાલિયા

કેટલાક માણસો વધુ કમાવાની લાલચે આખી જિંદગી બુધિયાની જેમ દોડ્યા જ કરે છે. માણસ પાસે કેટલો પૈસો છે તે શ્રેષ્ઠ જિંદગીની પારાશીશી નથી. જિંદગીમાં સાચી ખુશીનો આનંદ ધનદોલત સાથે નથી. જીવનમાં નાનામાં નાની બાબતો તમોને કેટલા આનંદમાં અને હળવાફૂલ રાખે છે તે અગત્યનું છે. કેટલાક માત્ર કમાણી કરવામાં સમગ્ર જિંદગી ખર્ચી નાખી છે અને એવી ઈચ્છા રાખે છે કે પહેલા ખૂબ કમાણી કરીને નાણું એકઠું કરી રાખીએ. પછી પાછળની જિંદગીમાં નિરાંતે પૈસા ખર્ચીશું અને પાછળની જિંદગી આરામદાયક પસાર કરીશું. પરંતુ આ જરૂરિયાતોનો કોઈ અંત નથી. માણસને મોટી બિમારીની બ્રેક લાગે પછી જ અટકે છે. પછી તો જીવનપર્યંત સતાવે તેવા રોગ ઘર કરી જાય છે. માનવી પછી સુખેથી જીવી શકતો નથી. જિંદગીમાં બુધિયાને જેમ દોડી દોડીને એકત્ર કરેલા પૈસાનો ઉપયોગ કોઈ થતો નથી. વધુ દોડી દોડીને તબિયત બગાડી નાખી હોય તેની સારવારમાં પૈસા ખર્ચાય જાય છે અથવા તો નસીબદાર પેઢીના વારસદારો પછી આ પૈસાથી મોજની જિંદગી માણે છે. ખુદની કમાણીથી જાતે સુખ ભોગવી શકતો નથી. (ચર્ચાપત્રો પર આધારિત પુસ્તક ‘જાગ્યા ત્યાંથી સવાર’ માંથી સાભાર.)

[2] કુટુંબસ્નેહ – નગીનદાસ સંઘવી

સૌથી જૂની, સૌથી નાની, સૌથી વધારે મહત્વની અને સૌથી વધારે વ્યાપક સમાજસંસ્થા કુટુંબ છે, અને સીધી કે આડકતરી રીતે કુટુંબ લગ્નસંબંધોથી સ્થપાય છે અને ટકે છે. નરમાદાનો શરીરસંબંધ તો સમગ્ર જીવયોનીમાં છે. પણ નરમાદાના સંબંધ સ્ત્રી-પુરુષનો સંબંધ બને અને છેવટે પતિ-પત્નીના સંબંધમાં પરિણમે ત્યારે કુટુંબની સ્થાપના થઈ ગણાય છે. કેટલાંક પશુ-પંખીઓ બીજી કક્ષા સુધી પહોંચી શકે છે. માળો બાંધીને ઈંડાં-બચ્ચાંને સેવતાં પંખીઓ અથવા જિંદગી આખીની આળસ છોડીને સગર્ભા સિંહણ માટે ખોરાક આણનાર સિંહ જેવાં પશુઓ બીજી કક્ષાએ અટકે છે.

જગતનાં તમામ ભૌતિક સુખોમાં સર્વોચ્ચ સુખાનુભવ કરાવી શકે તેવા રતિસંબંધો અંગેની ચાળવાઈભરી છણાવટ કરીને પ્રતિષ્ઠા કે ધન કમાઈ લેનાર લોકો કુટુંબજીવનનું સુખ કે રહસ્ય પામી શકતાં નથી. કૌટુંબિક ભાવનાનો, સ્નેહભાવનો સહેજસાજ પણ સ્પર્શ ન હોય તેવા સંભોગસંબંધો હંમેશાં દુ:ખકર થઈ પડે છે. સેંકડો પુરુષો જોડે સંબંધ રાખનાર વેશ્યાઓ પણ પરમસુખનો અનુભવ તો કેવળ પોતાના એકાદ ‘યાર’ પાસેથી જ મેળવી શકે છે. કુટુંબજીવનમાં સહુ કોઈ એકબીજા જોડે અતૂટ તાણાવાણાથી વણાઈ ગયા હોવા છતાં પોતાનું સ્વત્વ જાળવી શકે છે. તેમની એકતામાં પણ થોડું વિશિષ્ટ અળગાપણું હોય છે. ખલિલ જિબ્રાને સરખામણી કરી છે તેમ દેવળના થાંભલાઓ પરસ્પર સંબંધિત થઈને પવિત્ર સ્થાનને ટકાવે છે, પણ એકબીજાથી અલગ વ્યક્તિત્વ ધરાવે છે. કુટુંબ સાથે રહે છે, પણ કેવળ સાથે રહેવાથી કૌટુંબિક સંસ્થા બનતી નથી. ભવભૂતિએ કહ્યું છે તેમ કોઈ અકળ આંતર હેતુ પદાર્થોને અને માનવીઓને એકરસ બનાવી મૂકે છે. આવી સમરસતા સિદ્ધ થયા પછી ગુણદોષ, સમૃદ્ધિ કે ગરીબાઈ કે અન્ય કોઈનું કશું મહત્વ રહેતું નથી. ઠીક ઠીક વજનદાર છોકરાને કેડે ઉપાડીને ઊભેલી છોકરીને વિનોબાજીએ પૂછ્યું : ‘છોકરી, તને ભાર લાગતો નથી ?’ છોકરીએ કહ્યું : ‘લે, વળી ! ભાર શાનો લાગે ? આ તો મારો ભાઈ છે.’ એકબીજાનો ભાર લાગતો બંધ થાય ત્યારે કુટુંબજીવન સિદ્ધ થયું ગણાય. (‘સુખી જીવન’ સામાયિક, સૂરત, માંથી સાભાર.)

[3] શુભકાર્ય – જોન કુલર્ટન

ખુશનુમા પ્રભાત થતાંની સાથે જ ખેતરમાં ખેડૂત બી વેરે છે અને તે ક્યાં ક્યાં વેરાય છે તે જોવાની પરવા નહિ કરતાં બાકીનું કામ ઈશ્વરને સોંપે છે કે જે ઈશ્વર વરસાદ અને સૂર્યનાં ચળકતાં કિરણો મોકલે છે અને પાક વખતે સો ગણું આપે છે. એ જ પ્રમાણે માયાળુ શબ્દો અને માયાળુ કાર્યો પણ ભૂલાં પડેલાં, એકલાં અને દુ:ખી પ્રાણીઓ પ્રત્યે જરૂરિયાતને પ્રસંગે ખરેખરા પવિત્ર હૃદયથી બોલવામાં તથા કરવામાં આવશે તો વખત જતાં પુષ્કળ માયાળુ કાર્યો અને માયાળુ શબ્દો જગતમાં ફેલાતા જણાશે. (‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.)

[4] સમત્વ અને સમભાવ – રવિશંકર મહારાજ

જીવનમાં સમત્વ જોઈએ. સમત્વ વિના કોઈ પણ ચીજ કામમાં ન આવે. જીવનમાં રજસ-તમસ ને સત્વ એ ત્રણેયની અમુક અંશે જરૂર છે. પરંતુ તેમાંથી એકાદનો પણ અતિરેક થાય તો કામ ન આવે. આ ત્રણેય વચ્ચે સમત્વ જળવાવું જોઈએ. દાળમાં મીઠું, મરચું, ગોળ, આમલી વગેરે બધું પ્રમાણસર પડ્યું હોય તો દાળ ખાવા જેવી થાય. પણ આમાંથી કોઈ એક ચીજ પણ વધુ પડતી પડી જાય તો દાળ બેસ્વાદ જ બની જાય ને ? કો’કને થાય કે મીઠા વિના તો દાળ ફિક્કી ફિક્કી લાગે છે, મીઠું નાખીએ છીએ ત્યારે તેમાં સરસ સ્વાદ આવે છે, તો લાવ ને ખોબો ભરીને મીઠું ધબકાવું ! તો શું થાય ? એ દાળ કોઈ મોંમાં યે નાખી શકે ખરું ?

કુટુંબમાં પણ બધા સંયમથી ને સમભાવથી રહે ત્યાં સુધી વાંધો નહીં. પણ કુટુંબની એકાદેય વ્યક્તિ બીજાને દબાવીને માથું ઊંચું કરવા જાય તો ઘરમાં તકરાર પેસી જાય, અને ઘરની શાંતિનો ભંગ થાય. ત્યારે ગમે તેવી સુખ-સમૃદ્ધિના દૂધમાંયે મીઠાનો ખારો ગાંગડો પડી જાય. આવું જ સમાજમાં પણ છે. સમાજમાં પણ બધા સમભાવથી રહે ત્યાં સુધી સમાજમાં શાંતિ જળવાઈ રહે. પણ તેમાં કોઈ વ્યક્તિ બીજાઓને હડસેલીને પોતે આગળ વધી જવાનું કરે, કે આખા સમાજના હિતનું ધ્યાન રાખવાને બદલે પોતાના જ સ્વાર્થ પર નજર રાખે તો સમાજનું વાતાવરણ ડહોળાઈ જાય અને સમાજમાં શાંતિ ન રહે. (‘સંતની મંગલવાણી’ પુસ્તકમાંથી સાભાર.)

[5] પ્રાર્થના – ગિજુભાઈ બધેકા

કોઈપણ બાળકને માથે ફરજ તો ન હોય કે તેણે નિયમિત રીતે પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કરી કરાતી નથી, એ તો થઈ જાય છે. પ્રાર્થના પણ અંતરાત્માનો એક સ્વભાવ છે. અંતરાત્માનો એ સ્વભાવ જ્યારે પ્રગટ થાય છે, ત્યારે આપણે તેને પ્રાર્થનાને નામે ઓળખીએ છીએ. આ સ્વભાવ આવિર્ભાવ નિયમિતપણે કેમ થઈ શકે ? સમૂહપ્રાર્થના ચાલતી હોય તેમાં કોઈ બાળક જોડાય કે ન જોડાય, તે કેવળ બાળકની મુનસફી પર છે… જેને ભૂખ ન લાગી હોય તે ન ખાય, તો આપણે શું તેના પર અત્યાચાર કરીએ ? કે તેની નિંદા કરીએ ? પ્રાર્થના અંત:સ્ફૂર્તિની બાબત છે… ખરી પ્રાર્થના સ્થળકાળથી અતીત છે. માટે તો પ્રાર્થના નિર્બંધ છે, માટે તો પ્રાર્થના સ્વયંભૂ છે. ઊંડી પ્રાર્થનાને બધી ઋતુઓ, બધા દિવસો, બધું વાતાવરણ, બધી પરિસ્થિતિ સમાન છે… વાયુની સૌરભ, ધૂપાધૂપની મહેક અને ધ્રુત દીપનો સૌમ્ય પ્રકાશ – આ વાનાં પ્રાર્થનાનાં પોષક છે. પ્રાર્થનાને સ્થળે આ બધું હોવું જોઈએ. ઉત્તેજિત વાતાવરણથી પ્રાર્થનાને એ વાતાવરણમાં પ્રગટ થવું સહેલું પડે છે. આથી પ્રાર્થનામંદિરોની સમગ્ર રચના કલામય હોય છે – રાખવામાં આવે છે. બાલમંદિરમાં પ્રાર્થના ચાલે છે, તેની પાછળ આ વિચારો છે. (‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.)

[6] બોધકથા – શ્રી સુરેશ પ્રા. ભટ્ટ

જીવનમાં દુ:ખો આવે ત્યારે જ સુખનું મહત્વ સમજાય છે. ખૂબ ઠંડીમાં ત્રાસ પામી જનારા લોકો આજે 43-44 ડિગ્રી ગરમીમાં એ રજાઈ અને એ ઠંડીની મજાને યાદ કરતા હશે. પ્રકૃતિમાં બધું જ બરાબર યોગ્ય હોય છે. એને જોવાની આપણી દષ્ટિ વિધાયક-હકારાત્મક હોવી જોઈએ. ઈશ્વર બધું સારું-યોગ્ય સમયે જ કરતો હોય છે. આપણે એમાં આપણી બુદ્ધિરૂપી ટાંગ નાખી અવરોધ અને આપત્તિ આમંત્રીએ છીએ.

ગુરુ અને શિષ્યો બાગમાં ફરતા હતા. એક શિષ્ય બોલ્યો – કેટલું સરસ પીળું ગુલાબ છે. એની સુગંધ પણ કેવી સરસ છે પણ બિચારાની તકલીફ એ છે કે કંટકોથી ઘેરાઈને જ એને રહેવું પડે છે; ઈશ્વરની અવકૃપા જ ને ? બીજો શિષ્ય બોલ્યો – એ કંટકો છે તો એ આટલું મોટું-સુંદર-વિકસિત થયું અને રહી શક્યું – પ્રકૃતિ અને ઈશ્વરના એને આ આશીર્વાદ જ સમજવા જોઈએ. ગુરુએ બન્ને શિષ્યોની વાત સાંભળી હતી. એક શિષ્ય જીવનને નકારાત્મક દષ્ટિકોણથી જોતો હતો, બીજો હકારાત્મક હતો. ભૂકંપે તારાજી સર્જી એમ પણ કહેવાય અને નવસર્જનનાં બારણાં ખોલી આપ્યાં એમ પણ કહેવાય – બે દિવસ વચ્ચે એક રાત હોય છે અને બે રાત વચ્ચે માત્ર એક દિવસ પણ જોઈ શકાય. દષ્ટિકોણ બદલી તનાવ ભગાડો…. (‘અખંડઆનંદ’ માંથી સાભાર.)

[7] સંસ્કૃતિ પાંગરે છે કૃતિમાંથી – વિનોબા ભાવે

સંસ્કૃતિ પાંગરે છે કૃતિમાંથી. પહેલાં કૃતિ, સત્કૃતિ. તેની કીર્તિ. તેને લીધે કૃતિની પરંપરા. અને તેમાંથી પાંગરતી રહે છે સંસ્કૃતિ. એક કૃતિ થઈ, સારી કૃતિ થઈ. તેનું જે ફળ મળવાનું હતું, તે સમાજને મળ્યું. પરંતુ તેની જે કીર્તિ ફેલાઈ, તે કીર્તિને લીધે ભવિષ્યમાં પણ કૃતિ કામ કરતી રહે છે. આપણે સરસ ખેતી કરી, બહુ મહેનત કરી, તો આપણા ખેતરમાં સરસ ફસલ આવશે. આપણને તે સારી કૃતિનું સારું ફળ મળી ગયું. કૃતિ સફળ થઈ તે ત્યાં સમાપ્ત પણ થઈ. પરંતુ અમુક ખેડૂતે અમુક પદ્ધતિએ કામ કર્યું અને બહુ સારી ફસલ મેળવી, એવી કીર્તિ ફેલાઈ જાય છે તેને લીધે તે કીર્તિ એવા જ પ્રકારની કૃતિઓ માટે માણસજાતને પ્રેરણા આપે છે. બીજા ખેડૂતો આનું અનુકરણ કરે છે. તેઓ પણ એવું જ ફળ પામે છે. પછી એમની કીર્તિ અને તેમાંથી પાછી એવી જ અનેક સત્કૃતિઓ નિર્માણ થાય છે. એટલે કૃતિની પરંપરા ચલાવનારી જે શક્તિ છે, તેને કીર્તિ કહે છે. નહીં તો, મારી કૃતિ કે મારા પરિવારની કે સમાજની કૃતિ થઈ, ફળ મળ્યું અને પછી સમાપ્ત. આની પરંપરા કઈ રીતે ચાલશે ? માતા-પિતાનાં સંતાન હોય છે, તો ‘કુળ’ની પરંપરા ચાલે છે. ગુરુના શિષ્ય હોય છે, તો ‘જ્ઞાન’ની પરંપરા ચાલે છે. પરંતુ કૃતિની પરંપરા કઈ રીતે ચાલશે ? કૃતિનાં કોઈ સંતાન છે, કોઈ શિષ્ય છે, જેઓ કૃતિની પરંપરા ચલાવશે ? તો કીર્તિને કૃતિની પરંપરા ચલાવનારી શક્તિ માનવામાં આવી છે. (‘ભારતીય સંસ્કૃતિ’ પુસ્તકમાંથી સાભાર.)

[8] શબ્દો – શ્રી માતાજી

આપણા રોજિંદા વ્યવહારમાં શબ્દોનો અખંડ ગણગણાટ આપણને અનિવાર્ય જેવો જ લાગે છે. પરંતુ તમે આ ઘોંઘાટને ઓછામાં ઓછો કરી નાખવા પ્રયત્ન કરશો તો તમને જણાવા લાગશે કે ઘણીએક વસ્તુઓ તમે જો બોલ્યા વિના મૂંગા મૂંગા કરશો તો તે વધારે સારી રીતે અને વધારે ઝડપથી થઈ શકે છે. એવી શાંત ક્રિયા તમારી આંતર શાંતિને તથા એકાગ્રતાને ટકાવી રાખવામાં પણ મદદગાર બને છે. તમારે જો એકલા રહેવાનું ન હોય અને બીજાઓની સાથે રહેવું પડતું હોય તો પછી તમે એવી ટેવ પાડો કે જેથી તમારે બોલી બોલીને તમારી જાતને સતત બહિર્મુખ ન બનાવવી પડે. અને તમે જોશો કે તમારી અને બીજાઓની વચ્ચે ધીરે ધીરે એક આંતરિક સમજૂતી સ્થપાતી જાય છે. તે પછી તમે તમારી વાત ઓછામાં ઓછા શબ્દો દ્વારા અથવા બિલકુલ શબ્દ વિના પણ બીજાને પહોંચાડી શકશો. આ બહારની નીરવતા તમારી આંતરિક શાંતિને માટે પણ બહુ અનુકૂળ હોય છે અને તમારામાં જો શુભેચ્છા અને અખંડ અભીપ્સા હશે તો તમે એવું વાતાવરણ સર્જી શકશો કે જે પ્રગતિને માટે બહુ જ પોષક નીવડશે. (‘અર્પણ’ સામાયિક (શ્રી અરવિંદ આશ્રમ)માંથી સાભાર.)

[9] પ્રશાન્ત મન – ચિત્રભાનુ

પ્રભાતે પ્રકાશનું દ્વાર ખોલ્યું હતું. મુનિ-બેલડી નદી પાર કરી રહી હતી. ત્યાં ચીસ સંભળાઈ. જળ ભરવા આવેલ સુંદરીનો પગ લપસ્યો અને એ પ્રવાહમાં તણાઈ રહી. બંને કિનારા નિર્જન હતા. નિરાધાર નારીને કોણ બચાવે ? મુનિ ? એ તો સ્ત્રીને સ્પર્શે પણ નહિ. એક કરુણાપૂર્ણ મુનિથી આ ન જોવાયું. એણે પ્રવાહમાં ઝંપલાવ્યું. કન્યાને બચાવી લીધી અને એનાં આભારવચન પણ સાંભળ્યા વગર એ પંથે પડ્યા. માર્ગમાં સાથીએ ઠપકો આપ્યો :
‘તમે આ શું કર્યું ? સ્ત્રીને ખભે ઉપાડી તમે વ્રત-ભંગ કર્યો. તમારી શી ગતિ થશે ?’ પેલા મુનિ તો મૌનમાં કર્તવ્યપંથે ચાલતા જ રહ્યા.

સાંજ નમી. પ્રતિક્રમણ પૂર્ણ થયું. રૂઢિચુસ્ત મુનિએ ફરી કહ્યું : ‘પ્રાયશ્ચિત કર્યું ? પાપ સામાન્ય નથી કર્યું. પ્રતિજ્ઞાભંગ કરી, સુંદરીને ખભે ઉપાડી છે !’ પ્રશાન્ત મુનિએ કહ્યું : ‘હું તો એને કિનારે જ મૂકી આવ્યો, પરંતુ આપ તો એને હજુ માથે ઉપાડીને ફરો છો !’ (‘પાથેય’ પુસ્તકમાંથી સાભાર.)

[10] સંકલ્પ-વિકલ્પ – ઈદરીશ શાહ

એક અકળાયેલા માણસે સંકલ્પ કર્યો : ‘જો આ મુસીબતોમાંથી બચી જઈશ તો મારું ઘર વેચીને એના પૈસા હું ગરીબોને આપી દઈશ.’ પછી મુસીબતો દૂર થઈ ગઈ અને સંકલ્પ પૂરો કરવાનો સમય આવ્યો. પણ આટલા બધા પૈસા આપી દેવા માટે તેનું મન માનતું નહોતું. આથી તેણે એક યુક્તિ કરી. તેણે ઘરની કિંમત એક રૂપિયો જાહેર કરી; અને સાથે એક બિલાડીની કિંમત એક લાખ રૂપિયા રાખી. સાથે એવી પણ શરત રાખી કે, ખરીદનારે ઘર અને બિલાડી બંને એકસાથે ખરીદવાં પડશે.

એક ગ્રાહકે કિંમત ચૂકવી આપીને ઘર અને બિલાડી બંને ખરીદી લીધાં ને પેલા માણસે કોઈ ભિખારીને એક રૂપિયો દાનમાં આપી દઈ પ્રતિજ્ઞા પાળ્યાનો સંતોષ લીધો. મોટા ભાગના લોકોનાં મન આ રીતે જ કામ કરે છે. તેઓ ગુરુની સલાહનું પાલન કરવાનું નક્કી તો કરે છે, પણ એ સલાહનો પોતાને લાભ થાય એ રીતે મનફાવતો અર્થ ઘટાવે છે. જ્યાં સુધી સાધના દ્વારા તેઓ આ ટેવમાંથી છૂટી ન જાય ત્યાં સુધી તેઓ કશું શીખી નથી શકતા. (‘પાથેય’ પુસ્તકમાંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્માઈલનું સેલ – સંકલિત
વીણેલાં ફૂલ – હરિશ્ચંદ્ર Next »   

12 પ્રતિભાવો : આમ્રમંજરી – સંકલિત

 1. HM says:

  ten diamonds..
  manas je che te aaj che..print kari ne rakhva jevo lekh..
  thanks..

 2. Vijay Trivedi says:

  બુધિયા ની જેમ દોઙવું તે ખરેખર નિરથક છે કે કુટુબ્બ સમ્ભાવના માટે જરુરી છે?

 3. shakshi says:

  Beta tane aa chokara no bhar nathi lagato??

  na bhar seno lage, ee to maro bhai che.

  excellent line,,
  roj na jivan ma thati avi nani nani vato vinobaji jeva mahan purusho apadne samjhave, ee apadi bhartiya sanskruti ni visheshta che

 4. જય પટેલ says:

  મનન અને મંથન માટે મજબૂર કરતી કણિકાઓ.

  ખાસ કરીને
  ભૂકંપે તારાજી સર્જી એમ પણ કહેવાય અને
  નવસર્જનના બારણાં ખોલી આપ્યા એમ પણ કહેવાય……..ખુબ જ Inspirational

  The Biggest Enemy of Success is fear of failure, So
  When fear knocks the door..
  Send Courage to open the Door.
  Success will walk in….!!!!!

 5. nayan panchal says:

  ખૂબ સરસ સંકલન.

  માણસની બુધ્ધિ manipulation કરવામા બધાથી આગળ.

  નયન

 6. Veena Dave, USA says:

  વાહ ખુબ સરસ.

 7. Vraj Dave says:

  વાહ અતી સરસ.

 8. Chirag Patel says:

  Here we go… Anohter one of those things… “Do this… Don’t do this….”

  Thanks,
  Chirag Patel

 9. hiral says:

  ૧. બુધિયાની જેમ દોડવું નિરર્થક છે .
  પણ મુસીબત એ જ છે કે બુધિયાઓ આવું વાંચવાને સમયનો બગાડ સમજે છે અને ભાગ્યે જ આ વાત એમને કોઇ સમજાવી શકે છે.

  ૧૦. સંકલ્પ-વિકલ્પ – ઈદરીશ શાહ
  સાવ સાચી વાત.

  બધી જ કણિકાઓ સુંદર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.