આભૂષણ – વિકાસ નાયક

[ યુવાલેખક તેમજ ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારના ‘ઈન્ટરનેટ કૉર્નર’ના કોલમિસ્ટ શ્રી વિકાસભાઈના ‘આભૂષણ’ પુસ્તકમાંથી અગાઉ આપણે કેટલીક કૃતિઓ માણી હતી. આજે માણીશું આ પુસ્તકમાંની અન્ય કેટલીક સુંદર કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી વિકાસભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vikas.nayak@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તકની વધુ વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે.]

[1] હાથીની માન્યતા

હું હાથીઓના ટોળા પાસેથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક થોભી ગયો. કારણ મેં જોયું કે આ આવડાં મોટાં પ્રાણીઓને તેમના આગળના પગે બાંધેલી એક નાનકડી દોરી માત્રથી કેદ કર્યા હતા. ન હતી કોઈ સાંકળ કે ન હતાં કોઈ પાંજરાં. આ જોઈને મને ખૂબ નવાઈ લાગી ને વિચાર આવ્યો કે હાથીઓ ગમે તે ઘડીએ ઈચ્છે તો પેલી નાનકડી દોરી તોડીને ભાગી જઈ શકે તેમ હતા, પણ કોઈક કારણસર તેઓ તેમ કરતા ન હતા. મેં ત્યાં નજીકમાં મહાવતને જોયો અને તેને પૂછ્યું કે શા માટે આ સુંદર અને શક્તિશાળી પ્રાણી આટલી શાંતિથી અહીં ઊભાં રહે છે. ભાગી જવાનો પ્રયત્ન પણ કરતાં નથી ?

મહાવતે જવાબ આપ્યો : ‘એમાં એવું છે ને કે જ્યારે આ હાથી ખૂબ નાની વયના હોય છે ત્યારે અમે તેમના પગમાં આ નાનકડી દોરી બાંધતા હોઈએ છીએ જે એ સમયે તેમને બંદી બનાવી રાખવા માટે પૂરતી હોય છે, પણ પછી જેમ જેમ હાથી મોટા થતા જાય છે તેમ તેમ તેમના મનમાં એવી ગ્રંથિ બંધાઈ જાય છે કે તેઓ ક્યારેય આ દોરી તોડી શકશે નહિ. આથી તેઓ દોરી તોડીને ભાગવા વિષે વિચાર સુદ્ધાં કરતા નથી.’ મને ખૂબ આશ્ચર્ય થયું. આ વિશાળકાય પ્રાણીઓ ક્યારે પણ પોતાની બેડીઓ તોડી આઝાદ થઈ શકે એમ હતું પણ તેઓ એમ માનતાં હતાં કે પોતે એમ કરી શકવા સક્ષમ નથી. આથી તેઓ ત્યાંનાં ત્યાં જ કેદ થઈ ઊભાં રહેતાં હતાં – વર્ષોનાં વર્ષો સુધી.

ક્યાંક આપણામાંના કેટલાક પણ આ હાથીઓની જેમ જ ફક્ત પહેલાં મળેલી એકાદી નિષ્ફળતાવશ, એકાદી ગેરમાન્યતા કે ગ્રંથિથી પ્રેરાયેલું જીવન તો નથી જીવી રહ્યા ને ?

[2] સૉક્રેટિસ અને ત્રણ ગળણાંની કસોટી

પ્રાચીન ગ્રીસમાં (469-399 ઈ.સ. પૂર્વે) સૉક્રેટિસ તેની વિચક્ષણ બુદ્ધિપ્રતિભા માટે ખૂબ પ્રખ્યાત હતો. એક દિવસ એક ઓળખીતો સૉક્રેટિસ પાસે દોડીને આવ્યો અને કહેવા લાગ્યો, ‘તમને ખબર છે તમારા શિષ્ય પ્લેટો વિષે મેં કૈંક સાંભળ્યું છે ? એ….’
સૉક્રેટિસે કહ્યું : ‘ઊભો રહે, તું મને કંઈ પણ કહે એ પહેલાં તારે મારી ત્રણ ગળણાંવાળી કસોટીમાં પાર ઊતરવું પડશે.’
‘ત્રણ ગળણાંવાળી કસોટી ?’
સૉક્રેટિસે કહ્યું : ‘બરાબર. તું મને મારા શિષ્ય વિષે કંઈ પણ કહે એ પહેલાં તારે જે કહેવાનું છે તેને એ ગળણામાં પસાર કરી જોઈ લઈએ. પહેલું ગળણું છે સચ્ચાઈનું. શું તને વિશ્વાસ છે કે તું જે કહેવાનો છે તે 100 ટકા સાચું છે ?’
‘ના, મેં તો એ વિષે હમણાં જ કોઈક પાસે સાંભળ્યું છે.’
‘ઠીક છે. એટલે તને ખબર નથી કે એ વાત સાચી છે કે ખોટી. તો ચાલો હવે બીજા ગળણાની કસોટી કરીએ, જે છે સારાપણાનું ગળણું. તું મને મારા શિષ્ય વિષે જે વાત કરવાનો છે તે સારી છે ?’
‘ના… ઊલટાનું….’
સૉક્રેટિસે કહ્યું : ‘તો પછી તું મને મારા શિષ્ય વિષે કંઈક ખરાબ કહેવા ઈચ્છે છે જે તને ખબર પણ નથી સાચું છે કે ખોટું.’

પેલાએ થોડા છોભીલા પડી જઈ હકારમાં માથું ધુણાવ્યું. સૉક્રેટિસે વાતનો દોર આગળ વધારતાં કહ્યું, ‘હજી એક ગળણું બાકી છે, કદાચ તું એમાં ખરો ઊતરે. આ ગળણું છે ઉપયોગિતાનું. તું મને મારા શિષ્ય વિષે જે વાત કરવા જઈ રહ્યો છે તે મને કોઈ રીતે ઉપયોગી થવાની છે ?’
‘ના… ખરું જોઈએ તો ના એ તમને કોઈ રીતે ઉપયોગી થવાની નથી….’
‘તો પછી જે વાત સાચી છે કે નહિ તે નક્કી નથી, જે વાત સારી પણ નથી અને ઉપયોગી પણ નથી તે વાત તારે મને કહેવી જ શા માટે જોઈએ ?’ પેલી વ્યક્તિ નિરાશ થઈ ગઈ અને શરમથી તેનું માથું ઝૂકી ગયું. આ વાર્તા પરથી ખ્યાલ આવે છે કે સૉક્રેટિસ શા માટે એક મહાન તત્વચિંતક કહેવાયા અને ખૂબ પ્રખ્યાત થયા.

[3] ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર

ટ્રેન ચાલુ થઈ ગઈ. બધી ઉંમરના લોકોથી એ ખીચોખીચ ભરેલી હતી. મોટા ભાગે નોકરી કરતાં સ્ત્રીપુરુષો અને કૉલેજ જતા વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. બારી પાસે એક વૃદ્ધ પોતાના ત્રીસેક વર્ષના પુત્ર સાથે બેઠા હતા. જેવી ટ્રેન ચાલુ થઈ કે તરત તે યુવાન જાણે ભાવવિભોર થઈ ગયો. બહારનાં મનભાવન દશ્ય જોઈ તે આનંદથી ઝૂમી ઊઠ્યો. તે ગેલમાં આવી જઈ જરા મોટેથી પોતાના પિતાને કહેવા લાગ્યો, ‘જુઓ પપ્પા, બહાર લીલોતરીભર્યું કેટલું સુંદર દશ્ય દેખાઈ રહ્યું છે !’ ત્રીસ વર્ષના એક યુવાનની આવી વર્તણૂક આજુબાજુના પ્રવાસીઓને જરા વિચિત્ર લાગી. બધા પરસ્પર આ યુવાન વિષે ગુસપુસ કરવા માંડ્યા. તાજા પરણેલ અનુપે પોતાની પત્નીને કહ્યું : ‘આ યુવાન ગાંડો લાગે છે….’ એવામાં અચાનક વરસાદ પડવા લાગ્યો. વરસાદના છાંટા બારી પાસે બેઠેલા પ્રવાસીઓનાં કપડાં અને શરીર પર પડવા લાગ્યા. આ ટીપાં યુવાનના હાથ પર પડતાં તે ખુશીનો માર્યો પિતા સમક્ષ કહેવા લાગ્યો, ‘જુઓ પિતાજી… આ વરસાદ પણ કેટલો સુંદર છે !’ અનુપની પત્નીનાં નવાંનક્કોર કપડાં ભીંજાઈ જતાં તેણી ગુસ્સે ભરાઈ અને છણકો કરવા લાગી.

અનુપે કહ્યું : ‘એ બુઢ્ઢા…. જોતો નથી વરસાદ લોકોનાં કપડાં પલાળી રહ્યો છે… તારા દીકરા પર ગાંડપણ સવાર થયું હોય તો તેને ગાંડાની હૉસ્પિટલમાં લઈ જા. આમ બીજા લોકોને તકલીફ ના આપ.’ પહેલાં તો વૃદ્ધ ભોંઠો પડી ગયો અને પછી ધીમા સાદે બોલ્યો : ‘અમે અંધ લોકોની હૉસ્પિટલમાંથી પાછા ફરી રહ્યા છીએ. મારો આ પુત્ર જન્મથી જ અંધ હતો, તેની ગયા અઠવાડિયે જ ઑપરેશન દ્વારા આંખો પાછી ફરી છે અને તે આજે આ લીલોતરી, આ વરસાદ અને આ બધી સુંદરતા પહેલી વાર જોઈ રહ્યો છે. તમને બધાને તકલીફ પડી હોય તો અમને માફ કરી દેશો.’

આપણે જે જોઈ રહ્યા હોઈએ તે બધું જ કંઈ સાચું હોતું નથી. ઘણી વાર આપણે હકીકત જાણ્યા વગર જ અનુમાન કરી બીજાને અન્યાય કરી બેસતા હોઈએ છીએ. અને જ્યારે આપણને સત્યની જાણ થાય ત્યારે તે કદાચ આપણને પણ મોટો જખમ આપી શકે તેવું બની શકે છે. આથી કોઈ પણ પરિસ્થિતિને ફક્ત ઉપરછલ્લી દષ્ટિએ માપી તરત નિર્ણય ન કરી લેવો જોઈએ કે તરત પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ.

[4] કોણ કોનો હાથ પકડે ?

નાનકડો બાળક અને તેના પિતા એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. પિતાને થોડો ડર લાગ્યો તેથી તેમણે પોતાના નાનકડા પુત્રને કહ્યું, ‘બેટા, મારો હાથ પકડી લે, જેથી તું નદીમાં પડી ન જાય.’ પુત્રે કહ્યું : ‘ના પપ્પા, હું તમારો હાથ નહીં પકડું. તમે મારો હાથ પકડી લો.’ પિતાએ મૂંઝવણમાં પડી જઈ કહ્યું, ‘એમાં શો ફેર પડવાનો છે દીકરા ?’ નાનકડા બાળકે જવાબ આપ્યો. ‘બહુ મોટો ફરક છે એમાં. જો હું તમારો હાથ પકડું અને મને કંઈ થઈ જાય તો શક્ય છે કે મારાથી તમારો હાથ છૂટી જાય, પણ જો તમે મારો હાથ પકડશો તો મને ખબર છે કે ચોક્કસ તમે મારા હાથને તમારાથી છૂટો પડવા નહીં દો, ભલે કંઈ પણ થઈ જાય.’

કોઈ પણ સંબંધમાં, વિશ્વાસનું મહત્વ અદકેરું છે. વિશ્વાસ સામેવાળાને બાંધી લેવામાં નથી, છતાં પ્રેમના બંધનમાં છે. આથી તમે જેને પ્રેમ કરતા હોવ, તે તમારો હાથ પકડે એવી આશા ન રાખતાં, તમે તેનો હાથ પકડી લો. આ વાત ઘણી નાની છે… પણ એમાં ગૂઢાર્થ છુપાયેલો છે.

[5] ચાલતું ચલણ ચલાવો….. !

વૈજ્ઞાનિકોના એક જૂથે પાંચ વાંદરાઓને એક ઓરડામાં સાથે બંધ કરી દીધા અને ત્યાં વચ્ચે એક સીડી મૂકી જેની ટોચ પર કેળાનું એક ઝૂમખું ગોઠવ્યું. જેવો કોઈ એક વાંદરો સીડી પર ચડવા જતો કે વૈજ્ઞાનિકો બાકીના વાંદરાઓ પર ઠંડું પાણી છાંટતા. થોડા સમય બાદ એમ બન્યું કે જેવો કોઈ વાંદરો સીડી પર ચડવા જતો કે બીજા વાંદરાઓ તેને મારવા લાગતા. થોડા સમયમાં પરિણામ એ આવ્યું કે પ્રલોભન છતાં હવે કોઈ વાંદરાએ સીડી પર ચડવાનો વિચાર કે હિંમત જ ન કરી. વૈજ્ઞાનિકોએ હવે એક વાંદરાને બદલવાનું નક્કી કર્યું. નવો વાંદરો આવતાવેંત પહેલાં સીડી ચડવા ગયો પણ બીજા વાંદરાઓ તરત તેને મારવા લાગ્યા. થોડા માર પછી નવા વાંદરાએ પણ સીડી ચડવાના પ્રયત્નો બંધ કરી દીધા. શા માટે તેનું કારણ તે પોતે પણ જાણતો ન હતો.

પછી તો વૈજ્ઞાનિકોએ બીજો વાંદરો બદલી નાંખ્યો પણ તેની સાથે પણ એ જ થયું. જૂના વાંદરાઓ સાથે પહેલા બદલેલા નવા વાંદરાઓ પણ, જ્યારે બદલાયેલા બીજા નવા વાંદરાએ સીડી ચડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને મારવાનું શરૂ કરી દીધું. પછી તો વૈજ્ઞાનિકોએ ત્રીજો, ચોથો અને છેલ્લે પાંચમો એમ બધા વાંદરા બદલી નાખ્યા પણ દરેક વખતે એમ જ બન્યું કે પહેલાં તો નવો વાંદરો સીડી ચડવા જતો પણ જૂના વાંદરાઓ તેને મારવા લાગતા અને પછી તે પણ એ મારવાવાળા વાંદરાઓની જમાતમાં જોડાઈ જતો. છેલ્લે ઓરડામાં બધા બદલાયેલા નવા વાંદરા બચ્યા જેમના પર ઠંડું પાણી છાંટવામાં આવ્યું ન હતું, છતાં જેવો કોઈ વાંદરો સીડી ચડવા જતો કે બીજા વાંદરાઓ તેને મારવા લાગતા. જો વાંદરાઓને પૂછવામાં આવે કે તેઓ શા માટે સીડી પર ચડવા જતા વાંદરાને મારવા લાગતા અને તેઓ જવાબ આપી શકે તેમ હોત તો ચોક્કસ તેમનો જવાબ હોત – ‘ખબર નહિ કેમ પણ અહીં આમ જ ચાલતું આવે છે….’
ક્યાંક સાંભળેલું લાગે છે ?

ઘણી વાર આપણા બધાનો અભિગમ કંઈક આવો જ હોય છે. નવો અને કંઈક અલગ રસ્તો હોવા છતાં આપણે જે ચાલતું આવ્યું છે તે જ અનુસરતા હોઈએ છીએ. જરૂર છે આ અભિગમ બદલવાની. આલબર્ટ આઈનસ્ટાઈને કહ્યું છે : ‘જગતમાં બે વસ્તુઓ અનંત છે. એક બ્રહ્માંડ અને બીજું મનુષ્યની મૂર્ખતા. તેમાંની પહેલી વિશે હું ચોક્કસ નથી….!’

[6] ફરિયાદ કરતાં પહેલાં….

આજે તમારા પતિ કે પત્ની વિષે કોઈ ફરિયાદ કરતાં પહેલાં તેનો વિચાર કરજો જે ભગવાન પાસે સાથી માટે યાચના કરતાં કરતાં થાકી ગયું છે. આજે જીવન વિષે કોઈ ફરિયાદ કરતાં પહેલાં તેનો વિચાર કરો જે સમય પહેલાં જ ખૂબ જલદી ભગવાન પાસે પહોંચી ગયું છે. આજે તમારા બાળક વિષે કોઈ ફરિયાદ કરતાં પહેલાં તેનો વિચાર કરો જે બાળક માટે વલખાં મારે છે. આજે કોઈ પણ કડવો શબ્દ બોલતાં પહેલાં તેનો વિચાર કરો જે બોલી જ શકતું નથી. આજે તમારા ભોજનને વખોડતાં પહેલાં તેનો વિચાર કરો જેને એક ટંક પણ કંઈ જ મળતું નથી. આજે તમારા ઘરની સંકડાશ કે ઘરની અસ્વચ્છતા વિષે કોઈ ફરિયાદ કરતાં પહેલાં તેનો વિચાર કરો જે ફૂટપાથ પર સૂઈ જાય છે. આજે તમારે ગાડી હંકારી કાપવા પડતા અંતર વિષે કોઈ ફરિયાદ કરતાં પહેલાં તેનો વિચાર કરો જે એટલું જ અંતર ચાલીને જાય છે.

અને જ્યારે તમે થાકી ગયા હોવ અને તમારી નોકરી કે ધંધા વિષે કોઈ ફરિયાદ કરતા હોવ તે પહેલાં તેનો વિચાર કરો જે બેકાર કે અપંગ છે અને તેની પાસે તમારા જેવું કામ કે તે કરવાની ક્ષમતા નથી. ખાસ કરીને જ્યારે તમે કોઈના પર દોષારોપણ કરી રહ્યા હોવ કે કોઈને ધિક્કારતા હોવ ત્યારે યાદ રાખો કે આપણામાંનું કોઈ દૂધે ધોયેલું નથી, દરેકમાં કોઈ ને કોઈ ખામી રહેલી જ છે. છેવટે જ્યારે તમને હતાશા ઘેરી વળે કે અતિ નિરાશાજનક વિચારો તમને દુ:ખની ઊંડી ખાઈમાં ધકેલી દે ત્યારે મોઢા પર સ્મિત લાવો અને (ઈશ્વરનો આભાર માનતા) વિચારો કે હજી તમે જીવંત અને હરતાફરતા છો.

[ કુલ પાન : 104. કિંમત રૂ: 60. પ્રાપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ. અમદાવાદ-380001 ફોન : 91-79-26564279. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વીણેલાં ફૂલ – હરિશ્ચંદ્ર
શબ્દ – દિલીપ ઠાકર Next »   

22 પ્રતિભાવો : આભૂષણ – વિકાસ નાયક

 1. rutvi says:

  I found the webpage, that has powerpoint presentation on exactly what is said in ચાલતુ ચલણ ,
  you can view by click in below link…
  http://www.funonthenet.in/articles/Paradigm-Presentation.html

  સરસ જીવનમા ઉતારવા જેવો લેખ,..
  આભાર

 2. HM says:

  ખુબ સરસ લેખ..આભાર

 3. Vijay Trivedi says:

  રોજીદા જીવનમાં બનતા નાનાં પ્રસંગો જ MOTIVETIVE હોય છે

 4. Vipul Panchal says:

  Six Diamonds, Very Inspiration Article.
  Thanks.

 5. જય પટેલ says:

  હાથીની માન્યતા વાળી વાત ગમી.

  લોક ચલણમાં તેથી જ કહેવાય છે કે તેની બુધ્ધિ તો હાથી જેવી છે.
  રહસ્ય આજે ખબર પડી. પાતળો એક દોરો મહાકાય ગજરાજને નિયંત્રિત કરવા પુરતો છે.

  નંબર 3 માં નવયુવાનને મળેલી દ્રષ્ટિથી કુદરતને માણવાની નિર્દોષતા સ્પર્શી ગઈ.
  ઘણી વાર નરી આંખે દેખાતું સત્ય વામણું પુરવાર થાય છે.

 6. trupti says:

  Nice article. Specially 4,5 and 6.

  ૪…..બાળક ની સમજ અને વિશ્વાસ ને દાદ આપવી પડે. જે બાળક બાળપણ મા મા-બાપ પર આટલો વિશ્વાસ મુકે તેજ બાળક મોટુ થઈ તેમનો વિશ્વાસઘાત કરે છે તે પણ જીવનનુ એટલુ જ કડવુ સત્ય છે.
  અપવાદરુપ ઘણી વાર મા-બાપ પણ તેમના સતાનો નો વિશ્વાસઘાત કરતા હોય છે.

  ૫…. રુઢીવાદી સમાજ આ જ કરે…………આપણે પણ ક્યા કોઇ નુ આધળુ અનુકરણ નથી કરતા?
  ૬….. Men are never satisfied with what they have, rather they carve for more then what they can get and expect. One must look up to them self rather then down. But it is human nature to look down.

 7. Ravi says:

  superb.. amazing..
  small stories have such a meaningful thoughts..

 8. nayan panchal says:

  માણસે જીવન સફળ બનાવવા મોટી મોટી વાતો સમજવાની જરૂર નથી. આવી નાની નાની વાતોને આત્મસાત કરી લે તો ય બેડો પાર થઈ જાય.

  ખૂબ આભાર,
  નયન

 9. સુંદર આભૂષણો.

  ઈન્ટરનેટ કોર્નર માં પ્રસિદ્ધ થયેલ શ્રી વિકાસ નાયકના અન્ય ૩ લેખો વાંચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.

  http://bhajanamrutwani.wordpress.com/tag/વિકાસ-નાયક/

 10. Payal says:

  ખુબ જ સરસ્ તેમજ ઉપ્યોગિ.

 11. Mirage says:

  Amazing stories. Made my friday morning.

 12. Veena Dave, USA says:

  અમુલ્ય આભુષણ. દરરોજ ધારણ કરવા જેવુ. (જીવનમા ઉતારવા જેવુ).

 13. riya says:

  I like 6. Always need to keep these things in mind.

 14. Chirag Patel says:

  Good one… Sepcially Father and Son story…

 15. Paresh says:

  Last one very good.. If we read and keep in mind we would never be unhappy

 16. Hitesh Mehta says:

  jivanma privartan hovu jaruri che alag andajthi rahevu pan jaruri che.. hathi ni vat kari tem apane juni rudhi mathi bahar nikalvani jarurat che… badhi tuki varta sari che.
  Hitesh Mehta
  BHARTI VIDHYALAY- MORBI

 17. devina says:

  darek gharenu (aabhushan) aajivan sachav va jevu anmol lagyu.

 18. pooja says:

  SUPERBBBBBBBB.. LAST ONE VERY TOUCHY..

  jivan maa uutarva jevu….

 19. ખુબ જ સુંદર. જો આવી નાની નાની વાતો ના આભૂષણ આપણે ધારણ કરી શકીએ તો બીજા કોઇ આભૂષણનો મોહ નહિ બચે.

 20. માણસે જીવન સફળ બનાવવા મોટી મોટી વાતો સમજવાની જરૂર નથી. આવી નાની નાની વાતોને આત્મસાત કરી લે તો ય બેડો પાર થઈ જાય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.