- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

વીણેલાં ફૂલ – હરિશ્ચંદ્ર

[ટૂંકીવાર્તાઓના પુસ્તક ‘વીણેલાં ફૂલ’ માંથી સાભાર.]

[1] પતંગિયું

બગીચામાં ઊડી રહેલ રંગબેરંગી પતંગિયાને જોવામાં સમીર લીન બની ગયો હતો. એને પકડવા દોડ્યા કરતો હતો. ત્યાં નીલ રંગનું એક સુંદર પંખી આવ્યું. એની પાંખો પરની પીળી ટપકીઓ એવી તો શોભતી હતી ! આની મખમલી પાંખને તો અડવું જ જોઈએ. છુપાઈને એ દીવાલ સાથે અડીને ઊભો રહ્યો. પછી બિલાડીની ચાલાક ચાલે ધીરે ધીરે આગળ વધ્યો. એકાએક એ કૂદ્યો…. ‘એ…. હાથમાં આવ્યું !’ પણ પંખી તો ફુર્રર્ર કરતું ઊડી ગયું !
ત્યાં પપ્પાએ એનો કાન પકડ્યો : ‘કપડાં કેવાં ગંદાં કરી નાંખ્યાં !’

સમીર ચોંકીને પોતાનાં કપડાં જોવા લાગ્યો. એને તો કાંઈ ગંદું દેખાયું નહીં. ત્યાં મમ્મી પણ આવી પહોંચી હતી. સમીરે પહેરેલા લાલ ટી-શર્ટની પીઠે લાગેલો ચૂનો એ ખંખેરી રહી હતી. ચૂનો તો ખંખેરાઈ ગયો, પણ સફેદ ધાબાં પડી ગયાં હતાં.
પપ્પાએ પૂછ્યું : ‘ચાલ બતાવ ! તારો લેફટ ફૂટ કયો ?’
સમીરે ડાબો પગ આગળ કર્યો.
‘વેરી ગૂડ !…. હવે લેફટ હેન્ડ બતાવ !’
સમીરની નજર પતંગિયા પર હતી. તેણે જમણો હાથ આગળ ધર્યો. પપ્પા ગુસ્સાને માંડ-માંડ કાબૂમાં રાખતાં તેને સમજાવવા લાગ્યા…. ‘બેટા, લેફટ ફૂટની ઉપર જ લેફટ હેન્ડ હોય.’

છેલ્લા થોડા વખતથી પપ્પા-મમ્મી બંને બહુ બેચેન હતાં. સમીરના એડમિશનનો ક્યાંય મેળ પડતો નહોતો. એ ત્રણ વરસનો થયો. હવે કે.જી.માં એને દાખલ કરવો જ પડે. પરંતુ અંગ્રેજી માધ્યમની ‘ટોપ’ ગણાતી ત્રણ સ્કૂલના ઈન્ટરવ્યૂમાં એ નાપાસ થયો. હવે સારી કહેવાય એવી એક જ સ્કૂલ બચી હતી. તેમાંય જો એડમિશન ન મળે, તો તો કમબખ્તી જ બેસી જાય ને ! પપ્પા ને મમ્મીએ રાત-દિવસ એક પ્રેક્ટિસ કરાવી હતી – ‘વૉટ ઈઝ યૉર નેમ ?’…… ‘વૉટ ઈઝ યોર ફાધર્સ નેમ ?’ પરંતુ સ્કૂલમાં તો એને લેફટ ફૂટ અને રાઈટ હેન્ડ વિશે પુછાયું. બીજી સ્કૂલમાં એને રાઈટ-લેફટ વિશે ગોખાવ્યું. પણ ત્યાં એને સીતાફળના ચિત્રમાં રંગ પૂરવાનું સોંપાયું. બિચારા સમીરે કદી સીતાફળ ખાધું નહોતું, જોયું નહોતું. એણે દ્રાક્ષનો ઝૂમખો સમજીને તેમાં રંગ પૂર્યો !

પપ્પાએ પાછા ફરતાં બજારમાંથી સીતાફળ તો નહીં ખરીદ્યું, પણ બધાં ફળોનો એક ચાર્ટ ખરીદી લીધો, અને ઘરે જઈને બધાં ફળોનાં નામ અંગ્રેજીમાં ગોખાવવા માંડ્યાં. ફળોને હવે ઓળખતા થયેલ સમીરને ત્રીજી સ્કૂલમાં ‘ટાઈગર’ અને ‘પેન્થર’નાં ચિત્રો બતાવી તેનાં નામ પૂછવામાં આવ્યાં. સમીર ફક્ત ‘લાયન’ને જ ઓળખતો હતો. એટલે બિચારો ટાઈગરનો શિકાર બન્યો ! એટલે જંગલી જાનવરોનો ચાર્ટ આવ્યો અને લાયન-ટાઈગર સાથે એલિફન્ટ ને મન્કી ને રેબિટ સમીરના નાનકડા મગજમાં દોડાદોડી કરવા લાગ્યાં.

પપ્પાએ ખૂબ પ્રયત્ન કરીને જાણી લીધું હતું કે પહેલી સ્કૂલના પ્રિન્સિપાલ લશ્કરના રિટાયર્ડ ઑફિસર હતા, બીજા સ્કૂલમાં ફળાહાર જ કરતા. ત્રીજા વાઈલ્ડ લાઈફ કલબના સભ્ય હતા. પપ્પાએ બે-ચાર જણને પૂછીને જ્ઞાન મેળવી લીધું હતું કે ચોથી સ્કૂલના પ્રિન્સિપાલ જીમખાનામાં જતા અને રમત-ગમતના શોખીન હતા. એટલે એમણે સમીરને એને માટે તૈયાર કરેલો. સ્કૂલના ચોગાનમાં પ્રવેશતાં જ સમીરની નજર રંગીન ઝૂલા પર પડી, ‘પપ્પા, હું ઝૂલા પર જાઉં ?’
‘હમણાં નહીં, ટેસ્ટ પતી જાય પછી.’
પપ્પાને હતું કે એક વાર ફરી બધું ગોખાવી જાઉં. એમણે પૂછ્યું, ‘બતાવ, બેટા ! એક છોકરીનું ચિત્ર છે. કાળી સરખી. જે બહુ ઝડપથી દોડે છે. નામ શું એનું ?’ સમીર મૂંઝાયો. કપિલ દેવ ને સચિન ને પી.ટી. ઉષાનાં નામ એને ગોખાવાયેલાં. ટીવીની જાહેરાતો જોઈને સચિન અને કપિલને તો એ ઓળખવા લાગેલો. પણ ઉષાનું નામ એની જીભે નહોતું ચઢતું.
પપ્પાએ ફરી પૂછ્યું : ‘બતાવ, બેટા ! ખૂબ દોડનારી કાળી સરખી છોકરી….’
સમીરની નજર હતી ફૂલ પર બેઠેલ પતંગિયા પર. એ બોલી ઊઠ્યો, ‘કપિલદેવ !’ અને એ પતંગિયું પકડવા દોડ્યો.

પરંતુ પપ્પાનો પંજો એની ગરદન પર પડ્યો અને એને ઈન્ટરવ્યૂના ઓરડા તરફ ઢસડી જવામાં આવ્યો. એ પાછળ ફરી ફરીને જોતો રહ્યો. પતંગિયું ફૂલ પરથી ઊડીને ઘાસ પર બેઠું હતું અને કોઈનો પગ એના પર પડી રહ્યો હતો. (શ્રી જિતેન ઠાકુરની હિંદી વાર્તાને આધારે…)
.

[2] પરીક્ષા

પ્રા. હિતેશ પોતાના પ્રાધ્યાપક જીવનની એક સાર્થકતા એ માને છે કે હવે લોકોએ સિફારસ લઈને એની પાસે આવવાનું છોડી દીધું છે. બાકી તો પરીક્ષાના દિવસો આવે અને –
‘મારો દીકરો પરીક્ષામાં બેઠો છે. સાંભળ્યું છે કે પરીક્ષક તમે છો. જરા જોજો !’
‘શું જોઉં ?’
‘એ તો એમ છે કે એ જરા કાચો છે.’
‘તો જરા પાકવા દો. પરીક્ષા આવતે વરસે આપે.’
‘તમ જેવાની રહેમનજર હશે, તો નીકળી જશે.’
‘માફ કરજો. મારાથી એ નહીં બને.’

એ નારાજ થઈ જતો રહેતો. કોઈ બીજો ફરીથી….
‘અરે, તમે તો આપણા જ માણસ ! આપણો મનોજ લખેલા જવાબો સાથે પરીક્ષાહોલ પર આવશે. તમારે મીનાક્ષીને પહોંચાડી દેવાના.’ હિતેશના મનમાં ઝાળ ઊઠતી. છતાં સંયમ રાખી એ કહેતા, ‘તમને મારો આવો જ પરિચય છે.’
‘યાર, પરિચયનો ક્યાં સવાલ છે ? દીકરી પરીક્ષામાં બેઠી છે, ત્યારે તમે યાદ આવો તેમાં શી નવાઈ ? જેનું જે ક્ષેત્ર !’
‘હું શિક્ષણના ક્ષેત્રનો માળી છું, રખેવાળ છું, સોદાગર કે લૂંટારો નહીં !’
‘આખરે પંતુજી જ ને !’ – એમ મનમાં બબડતો એ જતો રહેતો.

આવી રીતે અનેક જણ આવતા રહેતા. કોઈ મોટા મહાનુભાવની ચિઠ્ઠી લઈને આવતા તો કોઈ જાતજાતની ભલામણો કરાવતા. પણ બધા હિતેશ પાસેથી નારાજ થઈને જ પાછા ફરતા. પરંતુ જ્યારથી પેલી ઘટના બની, ત્યારથી બધાનું એની પાસે આવવાનું બંધ થઈ ગયું. બધા સમજી ગયા કે આ કોઈક જુદું પ્રાણી છે ! એક વાર બી.કોમની પરીક્ષા હતી. લાંબું ચાલેલું વિદ્યાર્થી-આંદોલન હજી હમણાં જ શમ્યું હતું. વિદ્યાર્થીઓ ઉદ્દંડ મિજાજમાં હતા. પરીક્ષામાં ઉઘાડેછોગ ચોરી કરવામાં આવતી. ત્યારે હિતેશે પરીક્ષાના હોલમાં પ્રવેશતાં જ ચેતવણી આપી દીધી, ‘ચિઠ્ઠી-ચબરખી-પુસ્તક કશું ન જોઈએ. નકલ કરતાં કોઈ પણ પકડાશે, તો તેને બહાર કાઢી મુકાશે. પછી કોઈનું કશું સંભળાશે નહીં.’ હોલમાં સન્નાટો છવાઈ ગયો. કેટલાક હિતેશને ટગર ટગર જોતા રહ્યા. હિતેશે પોતાની ચેતવણી બીજી વાર વધુ ભારપૂર્વક ઉચ્ચારી, ‘જેની પાસે જે કાંઈ હોય તે અત્યારથી જ આપી દેજો !’

બે-ચાર જણે ગભરાઈને પોતાની પાસેના કાગળો સોંપી દીધા. પરંતુ જે રીઢા હતા, તેમને કશી અસર થઈ નહીં. અને થોડા વખતમાં જ એમણે પોતાનાં કારસ્તાન શરૂ કરી દીધાં. હિતેશ બધે ચાંપતી નજર રાખી રહ્યા હતા. તે દિવસ એમણે એક પછી એક પાંચ વિદ્યાર્થીઓને ચોરી કરતા પકડીને પરીક્ષામાંથી બહાર કાઢી મૂક્યા. આખો હોલ સ્તબ્ધ બનીને જોઈ રહ્યો. એ પાંચમાં એક હતો કેળવણી મંડળના ટ્રસ્ટ્રીનો દીકરો, બીજો પ્રધાનનો ભત્રીજો, ત્રીજો હિતેશનો પોતાનો ભાણેજ, ચોથો વિદ્યાર્થી આંદોલનનો માથાભારે નેતા અને પાંચમો નગરપતિનો પૌત્ર. હિતેશે કોઈની શેહ-શરમ ન રાખી. પરંતુ એના સહપ્રાધ્યાપકો કે અન્ય પરિચિતો કોઈએ એને પ્રોત્સાહન ન આપ્યું. બલ્કે, એમ જ કહેતા રહ્યા કે – ‘તમે તમારા પગ પર કુહાડો માર્યો છે.’ ‘ટ્રસ્ટીની આંખ લાલ થઈ ગઈ છે.’ ‘પ્રધાન તમને નહીં છોડે. બરાબર પાઠ ભણાવશે.’ ‘પેલો તો સાવ ગુંડો છે. તમારો જાન પણ જોખમમાં સમજજો !’ ઘરમાં પણ બધા ગભરાઈ ગયા. હિતેશ બધાને સમજાવતા રહ્યા. આમ ડરી ડરીને ચાલ્યા કરીશું, તો આ બધું કેમ રોકાશે ? આટલું અમથું ન કરી શકીએ, તો જીવવાનો શો અર્થ ? મોતનો આટલો ડર ? મરવાનું તો એક જ વાર છે. આવું કાંઈ નહીં કરીએ તોયે માંદગીથી મોત નહીં આવે ? અકસ્માતથી મોત નહીં આવે ? ત્યારે આવી રીતે પ્રામાણિકતાથી પોતાની ફરજ બજાવતાં મોત આવે, તો આપણું મોત ઊલટાનું સુધરી ગયું ગણાય.

જો કે બીજે દિવસે પરીક્ષાના હોલમાં જતાં એની નજર પેલા કાઢી મૂકેલા વિદ્યાર્થી દાદા ઉપર પડી, ત્યારે સહેજ ધ્રૂજારી એણે જરૂર અનુભવી. પણ ત્યાંથી પસાર થતાં એને કાને પેલાના શબ્દો પડ્યા : ‘માત્ર મને જ નથી કાઢ્યો, પોતાના સગા ભાણેજનેય કાઢી મૂક્યો. માણસ પ્રામાણિક છે.’ હિતેશે વધારે મક્કમતાથી પરીક્ષાના હોલમાં પગ મૂક્યો. ત્યાર પછી વિદ્યાર્થીઓ એની આમન્યા રાખતા. હિતેશને સૌથી વધુ ખુશી એ વાતની હતી કે હવે લોકો કોઈ ખોટું કામ કરાવવા એની પાસે આવતા નહીં. (શ્રી મિથિલેશ્વરની હિંદી વાર્તાને આધારે.)

[ એક પુસ્તકના કુલ પાન : 88. એક પુસ્તકની કિંમત : રૂ. 30. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન. ભૂમિપુત્ર, હિંગળાજ માતાની વાડી, હુજરાતપાગા, વડોદરા-390001. ગુજરાત. ફોન નંબર : +91 265 2437957.]