સંસ્કૃતસત્ર : સંસ્કૃત સાહિત્યમાં કથા (ભાગ-2) – મૃગેશ શાહ

[ ભાગ-1 થી વધુ આગળ…. ]

[9] વેતાલપંચવિંશતિ – મનસુખ સાવલિયા

DSC_5672

બીજા દિવસની સવારની આ સંગોષ્ઠિના અંતિમ વક્તા શ્રી મનસુખભાઈ સાવલિયાએ ‘વૈતાળપચ્ચીસી’ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે : ‘આ આધુનિક જમાનામાં, જ્યારે વિજ્ઞાનના અદ્દભુત આવિષ્કારો સર્જાયા છે, ત્યારે આપણા પ્રાચીન ગ્રંથો બૃહતકથામંજરી, કથાસરિત્સાગર, શુકસપ્તતિ, સિંહાસનદ્વિતાંશિકા અને જેની હું વાત કરવાનો છું એ વેતાલપંચવિંશતિને જો વાચા ફૂટે તો આ બધા ગ્રંથો એમ કહે કે ‘અમારોય એક જમાનો હતો, કોણ માનશે ?’ એક સદી પહેલાં આ બધી વાર્તાઓ વંચાતી અને કહેવાતી. આજે જમાનો ફર્યો છે. પુષ્કળ પ્રમાણમાં ગુજરાતી અને અન્ય ભાષાઓમાં સાહિત્ય સર્જાય છે. લઘુકથાથી લઈને નવલકથા સુધી અનેકઘણું લખાય છે – એ આનંદની વાત છે. પરંતુ ક્યારેક નવા સર્જનને પરિણામે આ જૂના ગ્રંથો પશ્ચાદભૂમાં ધકેલાય છે. મને એ વાતનો આનંદ છે કે અહીં આયોજકોએ કાળની પેટીમાં પુરાયેલા આ પ્રાચીન ગ્રંથોને બહાર કાઢી વારે-વારે લોકોની સમક્ષ મુકવાનો જે ઉપક્રમ રાખ્યો છે તે અભિનંદનને પાત્ર છે. આ બધો અણમોલ ખજાનો છે.

થોડી પૂર્વભૂમિકા વિશે વાત કરું. માનવબાળને પ્રથમ પ્રકૃતિમાતાએ સંગીત શીખવાડ્યું. મહાસાગરનો ઘુઘવાટ, કલકલ વહેતા ઝરણાંનો મધુર અવાજ, વનમાં વાતા પવનનો મધુર સ્વર – એ બધાં હાલરડાં મનુષ્યએ પહેલાં સાંભળ્યા. એ પછી આવ્યા માતાના હાલરડાં. કુતૂહલ માણસનો જન્મજાત સ્વભાવ છે. સૂર્યના કિરણો, ચંદ્રની ચાંદની, વનઉપવનની હરિયાળી, સરિતા, સાગરો – બધાને વિસ્મયથી માનવે જોયા કર્યું. સમગ્ર માનવજાતિએ આ રીતે પ્રકૃતિ પાસેથી કવિતાના અને કથાના એકડા ઘૂંટ્યા છે. એટલે જ બાળકમાં હાલરડાં અને વાર્તાઓનો રસ પરાકાષ્ટામાં હોય છે. એ એની માતા, દાદી, નાની પાસેથી વાર્તાઓ સાંભળે છે અને બાળપણમાં જે વસ્તુ ગમે છે એ પછી જીવનમાં ચિરસ્થાયી થઈ જતી હોય છે. ઘડા કાચા હોય ત્યારે કુંભાર એના પર રંગબેરંગી ચિત્રકામ કરે છે અને પછી જ્યારે એ ઘડો પકાવે છે ત્યારે એ રંગો ઘડામાં એવા બેસી જાય છે કે પછી ક્યારેય ઝાંખા પડતા નથી. વિશ્વસમસ્તની માનવજાતિમાં આ રીતે આ લોકકથાઓ છપાઈ ગઈ છે અને જીવનપટમાં રંગીન તાણાવાણાની જેમ વણાઈ જતી હોય છે.’

આ વિશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે : ‘આરંભમાં તો આ બધી કથાઓ મૌખિક રીતે કહેવાતી અને સંભળાતી હતી. પછી સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ થયો ત્યારે એ લિપિબધ્ધ કે ગ્રંથસ્થ થઈ હશે. લોકોના રોજિંદા જીવન વ્યવહારોમાંથી એ પ્રગટે છે. સમય પરિવર્તન સાથે આ કથાઓમાં ફેરફારો થતા રહે છે. એના મૂળની તપાસ કરીએ તો વૈદિક સાહિત્યની ઉન્નત ગિરિમાળાઓમાં એનું પગેરું પહોંચે. બધા જ ગ્રંથોમાં વાર્તાઓની ઘેઘૂર વનરાજી નજરે પડે છે. સંસ્કૃતમાં આવી લોકકથાઓ રચાઈ. ગુણાઢ્ય નામના એક રસકવિએ ‘બૃહદકથા’ નામનો એક ગ્રંથ લખ્યો હતો. એવું કહેવાય છે કે સાત વર્ષમાં એણે સાત લાખ શ્લોકોમાં એનું સર્જન કર્યું હતું. એ ગ્રંથ આજે પ્રાપ્ત નથી. એને એમ થયું કે આવો ગ્રંથ મેં લખ્યો છે તો કોઈ રસિક રાજાને સંભળાવું. એ જમાનામાં ‘શાકવાહન’ નામનો રાજા હતો. એને એ મળવા ગયો. એ ગ્રંથ એને અર્પણ કર્યો. રાજા કવિ પણ હતો પરંતુ કવિતાનો થોડો મદ હતો. રાજાએ એને કહ્યું કે ‘તમારો આ ગ્રંથ તો પૈશાચી ભાષામાં છે, આટલા બધા શ્લોકો છે…. ધિક્કાર છે તમારી આ કથાને.’ એમ કહી એનો એણે તિરસ્કાર કર્યો. ગુણાઢ્યને બહુ લાગી આવ્યું. એક પછી એક ગ્રંથના પાનાએ અગ્નિ પેટાવીને બાળવા માંડ્યો. વાંચતો જાય અને અગ્નિના કૂંડમાં ફેંકતો જાય. આસપાસ એના શિષ્યો એકઠા થઈ ગયા. કથા તો એમ કહે છે કે જંગલમાંથી સુવર, હરણાં અને બધા પ્રાણીઓ આવીને ત્યાં ઊભા રહી ગયા. શિષ્યો અને પશુની આંખમાં આંસુ ભરાયા. શિષ્યોએ વિનંતી કરી કે થોડુંક રાખો. ત્યારે એક લાખ શ્લોકો બચ્યા. એટલો ભાગ આગમાંથી બળતા બચી ગયો. એ એક લાખ શ્લોક પરથી લગભગ આઠમી નવમી શતાબ્દિમાં બુદ્ધસ્વામી નામના એક વિદ્વાને ‘બૃહદકથાશ્લોકસંગ્રહ’ નામનો એક ગ્રંથ રચ્યો. ત્યાર પછી ‘બૃહતકથામંજરી’ આવી. એ પછી ‘કથાસરિત્સાગર’ આવ્યો. આ બધાનો આધાર ગુણાઢ્યની મૂળ કથાઓ છે. કેટલું મોટું કથાસાહિત્ય આપણી પાસે છે. હું આજે જેની વાત કરવાનો છું તે વેતાલપંચવિંશતીની ઘણી કથાઓ પહેલા બૃહદકથાશ્લોકસંગ્રહ, ત્યારબાદ બૃહતકથામંજરી અને ત્યારબાદ કથાસરિત્સાગરમાં આવી અને એમાં થોડા પરિવર્તનો સાથે ‘વેતાલપંચવિંશતી’માં આવી છે. બહુ લોકપ્રિય થયેલી કથાઓ છે. ટીવીએ એની સિરિયલ બનાવી છે, પણ વિચિત્ર બનાવી છે !

વેતાલે રાજા વિક્રમને કહેલી પચ્ચીસ કથાઓ એટલે ‘વેતાલપંચવિંશતિ’. પહેલાં તો એ પદ્યમાં હતી. પછી ગદ્યમાં આવી. ગુજરાતમાં શામળભટ્ટે અને કેટલાક જૈનવિદ્વાનોએ પણ એનો અનુવાદ કર્યો. ગુજરાતીમાં એ ‘વેતાળપચ્ચીસી’ નામે ઓળખાઈ. ‘વેતાળ’ શબ્દના વિદ્વાનોએ ઘણા અર્થ કર્યા છે પરંતુ એમાં બહુમાન્ય અને સાચો અર્થ છે તે એ છે કે માણસ મૃત્યુ પામે પછી એનો જીવ કોઈ મૃતદેહમાં જઈ વસે એવા પ્રેતને ‘વેતાળ’ કહેવામાં આવે છે.’

કથાનો આરંભ કરતાં તેમણે કહ્યું હતું કે : ‘આરંભ એવો છે કે શાંતિશીલ નામનો એક કપટી ભિક્ષુક છે. એ તાંત્રીક હતો. એ વિક્રમના દરબારમાં આવે છે. રોજ રાજાના દરબારમાં આવે અને એક ફળ ભેટ આપે. એવું બાર વર્ષ સુધી બન્યા કર્યું. એક વાર એ ફળ નીચે પડી ગયું અને એમાંથી કિંમતી રત્ન નીકળ્યું. રાજાને આનંદ અને આશ્ચર્ય થયું. રાજાએ અગાઉના ફળો મંગાવ્યા તો એમાંથી રત્નોનો મોટો ભંડાર નીકળ્યો. રાજા વિક્રમે શાંતિશીલને પૂછ્યું, ‘હે શાંતિશીલ ! તારું આ વર્તન મને અત્યંત નવાઈ પમાડે એવું છે. તું આ રત્નનો ભંડાર શા માટે આપે છે ?’ શાંતિશીલે કહ્યું કે હું આખા વિશ્વમાં ફર્યો પણ કોઈ મારું કામ કરવા તૈયાર નથી. મેં આપની વાત સાંભળી. આપ નિર્ભય છો, મહાન છો, પરાક્રમી છો એટલે મને શ્રદ્ધા થઈ તેથી હું આવું છું. રાજાએ પૂછ્યું ‘શું કામ કરવાનું છે ?’ શાંતિશીલે કહ્યું કે ‘એક સ્મશાનમાં કાળીચૌદસની રાતે હું એક વેતાળની સાધના કરવાનો છું અને એ સાધના માટે તમારે ઘરઘરા નદીને કિનારે એક ઘેઘૂર સીસમનું ઝાડ છે એની ડાળી પર એક મડદું લટકે છે એને ઉતારી, ખભે મૂકી, બિલકુલ બોલ્યા વિના, ચૂપચાપ મારી પાસે લઈને આવવું. જો બોલશો તો મડદું પાછું ચાલ્યું જશે. આ કામ અઘરું છે.’ રાજા વિક્રમ તો પરદુ:ખભંજન. આ કામ કરવા તૈયાર થાય છે. કાળાવસ્ત્રો પહેરે છે, બિહામણું સ્મશાન છે. ચૌદસની કાળી અંધારી રાત છે. કાળું સિસમનું ઝાડ છે એની પર લટકે છે કાળું મડદું. પેલો તાંત્રિક પણ કાળાકામ કરનારો છે ! અત્યંત ભયાનક વર્ણન સંસ્કૃતમાં આપ્યું છે. રાજા એકલો જાય છે. ઝાડ પર ચઢે છે. મડદાનો ગાળિયો કાપે છે. મડુ નીચે પડે છે, એમાં વેતાળ છે. જેવું એ નીચે પડ્યું કે ખડખડાટ હસવા માંડ્યું, રડવા માંડ્યું, હુંકારા કરવા માંડ્યું. રાજા એકદમ નીચે ઊતર્યો અને એને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો ત્યાં મડદુ ઊડીને પાછું ઝાડ પર ચાલ્યું ગયું. રાજાને થયું કે હું બોલ્યો માટે આમ થયું. હવે બોલીશ નહિ. બીજી વાર એ ચડ્યો. મડદાને નીચે ઊતાર્યું પોતાના ખભા પર લીધું. ચૂપચાપ બોલ્યા વિના લઈને ચાલે છે. મડદામાં રહેલો વેતાળ રાજા વિક્રમને કહે છે, ‘હે રાજન સાંભળો, હું તમને એક સરસ વાત કરું. પંથ બહુ લાંબો છે. તમે મારો ભાર ઉપાડીને ચાલો છો એટલે તમારા મનોવિનોદ માટે હું તમને સરસ વાર્તા કહું છું. આનંદ થાય ત્યારે ભાર, ભાર નથી લાગતો. એમ કહીને એણે ત્રેવીસ વાર્તાઓ કીધી. કુલ ચોવીસ કીધી. પણ એની વાત પછી.

સૌપ્રથમ એણે એક નાની વાર્તા કીધી. વાર્તાની શરૂઆત કરતાં વેતાળે કહ્યું કે સાંભળો એક સરસ વાર્તા કહું, ‘એક રાજકુમારને પદમાવતી નામની કન્યા પર અત્યંત પ્રેમ હતો. એનો મિત્ર મંત્રીપુત્ર હતો. એણે એને બધી જ પ્રકારની સહાય કરી. બંનેને મેળવવા માટે એટલા બધા ષડયંત્રો અને એટલા બધા ચતુરાઈના ખેલ ખેલ્યા કે છેવટે એવી પરિસ્થિતિ સર્જાણી કે રાજાને આ વાતની ખબર પડી. એ દેશના રાજાનું નામ કર્ણોત્પલ હતું. અફવાઓ એવી ફેલાવેલી કે આ બધી જવાબદારી પદમાવતીની છે. તેથી પદમાવતીનો એણે દેશનિકાલ કર્યો. પદમાવતીતો નિર્દોષ હતી. પ્રેમ કંઈ ગુનો નથી. પદમાવતીનો દેશનિકાલ થયો એટલે એના માતાપિતાને ખૂબ આઘાત લાગ્યો. આઘાતમાં પહેલાં પિતા અને પછી એની માતા મૃત્યુ પામી. વાર્તા આટલી જ છે, પણ અંદર તો કથાઓ ઘણી છે. વાર્તા પૂરી કરીને વેતાળ રાજાને પ્રશ્ન પૂછે છે. હમણાં ટીવી પર ‘સચ કા સામના’ સિરિયલ આવે છે; વિચિત્ર પ્રશ્નો, ન પૂછવા જેવા અશ્લીલ પ્રશ્નો એમાં પુછાય છે. કેવા પ્રશ્ન પૂછવા, ક્યાં પૂછવા, કેવી રીતે પૂછવા એની ખબર પડવી જોઈએ. વેતાલ પૂછે છે, ‘આ પદમાવતીના માતાપિતાના આકસ્મિક મૃત્યુ થયા એ માટે કોણ જવાબદાર ગણાય ? રાજપુત્ર, મંત્રીપુત્ર કે પદમાવતી ?’ આખી વાર્તા વાંચો તો આપણને ત્રણેય દોષિત લાગે. વિક્રમે જવાબ આપ્યો કે આમાંથી કોઈનો વાંક નથી. રાજ્યનો રાજા કર્ણોત્પલ એના માટે જવાબદાર છે. રાજ્યમાં જે ષડ્યંત્રો રચાય એની પૂરતી ન્યાયી તપાસ કરવાનો અધિકાર રાજાનો છે અને આ રાજા એમ કરી શક્યો નથી. માટે રાજા જવાબદાર છે.’ વૈતાલ કહે કે મને નથી લાગતું એ દોષી છે. રાજા કહે છે એ એનો ધર્મ છે, એણે જોવું જ જોઈએ. આ રીતે વૈતાલ વિક્રમને ત્રેવીસ કથાઓ કહે છે. બધી જ કથાઓ ને અંતે માર્મિક પ્રશ્નો પૂછે છે. એવા જ માર્મિક અને ચોટદાર જવાબો રાજા આપે છે. ચોવીસમી કથા જરા વિચિત્ર છે. સમસ્યાવાળી અને અટપટી છે. એનો જવાબ રાજા નથી આપી શકતા. રાજા મૂંગો રહે તો વેતાળ એના પરથી ઊતરી જાય. પણ એ અગાઉની બે-ચાર કથાઓ આપને ટૂંકમાં કહું.

કેવી સુંદર કથાઓ છે ! કેમ જવાબ આપવો, કેમ બોલવું એ શીખવે છે. બુદ્ધિ અને તર્કશક્તિ વધારે એવી આ બધી વાર્તાઓ છે. રાજા ફરી મડદાને ઉપાડીને આગળ ચાલ્યો એટલે વેતાળ એને કહે છે તમે બહુ ડાહ્યા છો, સત્વશાળી છો. મહાપરાક્રમી છો. આ કાર્ય તમારા સિવાય કોઈ કરી ન શકે. તમારા મનોવિનોદ માટે એક સરસ વાર્તા કહું છું. જમનાને કાંઠે બ્રહ્મસ્થલ નામનું એક ગામ હતું. ત્યાં અગ્નિસ્વામી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એને ત્યાં મંદારવતી નામની અત્યંત રૂપાળી પુત્રી જન્મી. વિધાતાને પણ એમ લાગ્યું કે અપ્સરાઓનું રૂપ પણ આની આગળ તુચ્છ છે ! એણે યૌવનમાં પ્રવેશ કર્યો એટલે પિતાએ એના લગ્નની તૈયારી કરી. કનોજ શહેરમાંથી ત્રણ વિપ્ર યુવાનો… જે સરખા રૂપ, સરખા ગુણ અને સરખી ઉંમરવાળા હતા, એ ત્યાં આવ્યા. પિતાને એમ લાગ્યું કે મારે આ કન્યાને કોકને તો આપવી જ છે. આ ત્રણમાંથી એકને પસંદ કરું. પિતાએ ત્રણમાંથી એક યુવાનને પસંદ કર્યો. મંદારવતીએ કહ્યું કે આ ત્રણેય એક સરખા રૂપ-ગુણવાળા યુવાન છે. એમાંથી હું એકને કેવી રીતે પરણી શકું ? એમ કહી એણે લગ્ન કરવાનું માંડી વાળ્યું. પણ પેલા ત્રણ યુવાનોએ એના પર મોહિત થઈને એને ત્યાં જ ધામા નાખ્યા. સતત એના મુખને જોવા લાગ્યા.

આ સમય દરમ્યાન એક ઘટના ઘટી. એકાએક તાવ આવવાથી મંદારવતી મૃત્યુ પામી. આ ત્રણેય યુવાનોએ સ્મશાનમાં જઈને એને અગ્નિદાહ દીધો. એમાંથી એક યુવાન જે સાચો પ્રેમી હતો એ સ્મશાનમાં મઠ બનાવી મંદારવતીની ભસ્મ શરીરે લગાવી ત્યાં જ રહેવા લાગ્યો. બીજો યુવાન મંદારવતીના અસ્થિ લઈને ગંગામાં પધરાવવા ચાલ્યો ગયો. ત્રીજો યુવાન મંદારવતીના આત્માની શાંતિ થાય એ માટે તીર્થાટનમાં નીકળ્યો. પેલો તીર્થાટન કરતો એક ગામમાં ગયો. ત્યાં એક અગ્નિહોત્રી બ્રાહ્મણે એનો સત્કાર કર્યો. એને રોક્યો અને જમવા બેસાડ્યો. એ ભોજન કરવાની તૈયારી કરતો હતો ત્યાં આ ગૃહસ્થનું નાનું બાળક મોટેથી રડવા લાગ્યું. ગૃહિણી ગુસ્સે થઈ ગઈ, ઉપાડીને આગ બળતી હતી એમાં ફેંકી દીધું. આવું તો કેમ બને ? આ અશક્ય છે ? એવો કદાચ તમને પ્રશ્ન થાય પણ કથામાં આવી બધી વાતો સ્વાભાવિક જ આવે ! બાળક ભસ્મ થઈ ગયું. પેલો તો હતપ્રભ થઈ ગયો. એને થયું હું તો બ્રાહ્મણને ઘરે આવ્યો છું કે બ્રહ્મરાક્ષસના ઘરે આવ્યો છું ? એ ભોજન કર્યા વિના ઊભો થયો એટલે ગૃહસ્થે કહ્યું, ‘ઉતાવળા ના થાઓ. હું હમણાં જ એને જીવતો કરું છું.’ ગૃહસ્થે ઉપરથી એક પુસ્તક ઉતાર્યું, એને ઉઘાડ્યું, એમાંથી મંત્રપાઠ કરી જેવી અંજલિ રાખ પર છાંટી કે બાળક જીવતું થઈ ગયું. પહેલા હતું એના કરતાં પણ વધારે તેજસ્વી થઈ પ્રકાશવા લાગ્યું. આ યુવાનને આશ્ચર્ય અને આનંદ થયો. રાત્રે બધા સૂતા. ગૃહસ્થ ઊંઘી ગયા, એટલે આ યુવાન ઊભો થયો અને એ પુસ્તક ચોર્યું. ચોરીને સીધો સ્મશાને આવ્યો. મઠ બનાવીને જે યુવાન રહેતો હતો એને ઊઠાડ્યો અને કહ્યું કે હું હમણાં મંદારવતીને જીવતી કરું છું. એ જ વખતે ગંગામાં અસ્થિવિસર્જન કરીને બીજો બ્રાહ્મણ યુવક પણ પરત આવ્યો. પેલાએ અંજલિ છાંટી અને રાખમાંથી મંદારવતી ફરીથી ઊભી થઈ. સોના જેવી તે ચમકવા લાગી. પેલા ત્રણેય હવે વિવાહ કરવા માટે વિવાદ કરવા લાગ્યા. પેલો કહે કે મેં એને જીવતી કરી છે એટલે એના પર મારો અધિકાર છે. બીજો કહે એના અસ્થિ મેં ગંગામાં પધરાવીને તર્પણ કર્યું એટલે એના પર મારો અધિકાર છે. ત્રીજો કહે કે એના રાખની પથારી બનાવીને, મઠ બાંધીને હું અહીં રહ્યો એટલે ખરેખર તો મારો અધિકાર છે. આ ત્રણેય યુવાનો વાદ-વિવાદ કરવા લાગ્યા ત્યારે વેતાળે રાજાને પ્રશ્ન કર્યો, ‘હે મહારાજ, તમે સમર્થ છો. તમે કહો, કે મંદારવતી કોની પત્ની થવાને લાયક છે ?’ રાજા સરસ જવાબ આપે છે. રાજા કહે છે કે : ‘જેણે એની પર અંજલિ છાંટીને એને જીવતી કરી છે એણે તો એને પેદા કરવાનું પિતૃકાર્ય કર્યું છે, માટે એ એનો પિતા થાય, પતિ ના બની શકે. બીજો યુવાન જેણે અસ્થિ ગંગામાં પધરાવ્યા હતા એણે તો પુત્રનો ધર્મ બજાવ્યો છે. એ એનો પુત્ર થાય, પતિના બની શકે. પણ આ ત્રીજો યુવાન જે છે કે જે અહીં ભસ્મની પથારી કરીને રહ્યો, મઠ બાંધીને રહ્યો – એ એનો સાચો પ્રેમી છે, માટે એ જ એનો પતિ થઈ શકે….’ એમ કહ્યું એટલે મડદું તરત જ ઊડીને પાછું ઝાડ પર ટીંગાઈ ગયું. પેલા બે જણનો પ્રેમ, રૂપ પર આધારિત હતો. પલાયનવાદ હતો. જેવી મંદારવતી જીવતી થઈ કે પાછા આવ્યા. એક જ જણનો પ્રેમ સાચો પ્રેમ હતો.

બીજી એક વાર્તા સોમપ્રભા નામની યુવતીની છે. એ યુવાન થઈ, પિતાને એના લગ્નની ચિંતા થઈ. સોમપ્રભાએ કહ્યું કે હું શૂરવીર અથવા તો જ્ઞાની અથવા તો વિજ્ઞાની – એ ત્રણમાંથી કોઈ એક ને જ વરીશ. બીજા કોઈ સાથે લગ્ન કરશો તો હું મરી જઈશ. પુણ્યસેન નામનો રાજા હતો એના મંત્રીની આ દીકરી. પિતાનું નામ હરિસ્વામી. એ સંધિ માટે દક્ષિણના એક દેશમાં કોઈ કામથી ગયો ત્યારે ત્યાં એને એક બ્રાહ્મણ યુવાન મળ્યો. એણે એને પસંદ કરી. પિતાએ પેલા યુવાનને પૂછ્યું કે ‘તમે કેવા પ્રકારના છો ? તમારા ગુણ ક્યા છે એ કહો. કારણ કે મારી દીકરી તો શૂરવીર અથવા જ્ઞાની અથવા વિજ્ઞાનીને જ પરણશે.’ પેલો કહે છે કે ‘હું વિજ્ઞાની છું.’ હરિસ્વામીએ પૂછ્યું કે ‘તમે શું વિજ્ઞાન જાણો છો ?’ યુવાને કહ્યું કે ‘હું સરસ મજાનું વિમાન એટલે કે ઉડનખટોલા બનાવી શકું છું.’ એમ કહીને પેલા યુવાને વિમાન બનાવ્યું, હરિસ્વામીને બેસાડ્યા અને આકાશની યાત્રા કરાવી. હરિસ્વામી તો ખુશ થઈ ગયો, કે આવો વર તો ભાગ્યે જ મળે ! એણે એની સાથે દીકરીનું વેવિશાળ નક્કી કર્યું અને અઠવાડિયા પછી લગ્ન કરવાની ખાત્રી આપી. અહીં ઉજ્જૈન નગરીમાં એનો એક દીકરો હતો. એનું નામ દેવસ્વામી. એણે વળી એક બીજા બ્રાહ્મણ યુવાનને પસંદ કર્યો જે શૂરવીર હતો. એણે આ યુવાન સાથે એની બહેનના લગ્ન કરવાનું નક્કી કર્યું. એનેય વચન આપ્યું કે અઠવાડિયા પછી લગ્ન કરી દઈશું. એની માતા પાસે પણ એક યુવાન આવ્યો. માતાએ કહ્યું કે મારી દીકરી આ પ્રકારના યુવકને પસંદ કરે છે. પેલા યુવાને કહ્યું કે હું ત્રિકાળજ્ઞાની છું. માતા એ એને પસંદ કર્યો. બીજે દિવસે હરિસ્વામી ઘેર આવ્યો ત્યારે એણે જાણ્યું કે દીકરીની માતાએ જ્ઞાની યુવાન અને દીકરાએ કોઈ શૂરવીર યુવાનને પસંદ કર્યો છે. ત્રણ-ત્રણ યુવાન સાથે આ પ્રકારની વાત થઈ એટલે હરિસ્વામીને આશ્ચર્ય પણ થયું અને દુ:ખ પણ થયું. શું કરવું ? અઠવાડિયું પૂરું થયું એટલે પેલા ત્રણેય યુવાનો તો જાન લઈને આવી પહોંચ્યા ! વિવાદ કરવા લાગ્યા. બરાબર એ જ સમયે સોમપ્રભા ક્યાંક ચાલી ગઈ હતી. એ ક્યાં ગઈ છે કોઈને ખબર નહોતી. એટલે પેલા પિતાએ જ્ઞાનીને પૂછ્યું કે ‘આ સોમપ્રભા ગઈ ક્યાં ?’ એણે એની વિદ્યા દ્વારા કહ્યું કે ‘ધુમ્રશિખા નામનો વિંધ્ય પ્રદેશનો એક રાક્ષસ એને વિંધ્યાચળના જંગલમાં ઉપાડી ગયો છે.’ હરિસ્વામીએ પેલા વિજ્ઞાની તરફ જોયું કે હવે આનો ઉપાય શું ? વિજ્ઞાનીએ તુરંત અસ્ત્ર-શસ્ત્ર સહિતનું ઉડનખટોલા એટલે કે વિમાન બનાવ્યું. એમાં હરિસ્વામી પેલા યુવાનો સાથે બેસીને વિંધ્યના જંગલમાં ઊતર્યા. રાક્ષસ પાસે ગયા. રાક્ષસ સાથે શૂરવીરે યુદ્ધ કર્યું અને વિમાનમાં બેસી બધા પાછા ઉજ્જૈની નગરીમાં કુંવરીને લઈને પાછા આવ્યા. પાછા આવીને ત્રણેય યુવાનો સોમપ્રભા સાથે વિવાહ માટે વિવાદ કરવા માંડ્યા. પહેલો કહે કે ‘જો મેં તમને રસ્તો ના બતાવ્યો હોત તો તમે એને કેવી રીતે મેળવી શકત ? માટે મારો અધિકાર.’ બીજો કહે, ‘જો મેં અસ્ત્રશસ્ત્ર સહિતનું વિમાન ન બનાવ્યું હોત તો તમે ક્યારે ત્યાં પહોંચી રહેત ? માટે મારો અધિકાર.’ શૂરવીર કહે : ‘તમે બેઉ સાચા. પણ જો મેં રાક્ષસ સાથે યુદ્ધ ના કર્યું હોત તો તમારામાં શું તાકાત હતી કે તમે સોમપ્રભાને પાછી મેળવી શકત ? માટે મારો અધિકાર.’ વેતાળે રાજાને પ્રશ્ન કર્યો કે રાજન તમે જ કહો. આમાંથી કયો યુવાન લાયક ગણાય ? રાજાએ કહ્યું કે જ્ઞાની અને વિજ્ઞાની છે એ બંને તો સહાયક કહેવાય. એ કંઈ મુખ્ય નથી. આ શૂરવીર યુવાને રાક્ષસ સાથે યુદ્ધ કર્યું, એને માર્યો અને કુંવરીને છોડાવી માટે એ જ સાચો છે. વેતાળ કહે છે કે ‘જ્ઞાન અને વિજ્ઞાન ગમે એટલું મોટું હોય, જો વીરત્વ ન હોય તો એ કશું કામનું નથી. વીરત્વથી જ જ્ઞાન અને વિજ્ઞાનની રક્ષા થાય છે.’ આપણા દેશ પર અનેક જાતિ અને કોમ આવી. એ સમયે આપણે ત્યાં ઘણા જ્ઞાની અને વિજ્ઞાની હતા. તોય મૂઠીભર લોકોએ આપણને વશ કર્યા. કોઈપણ રાષ્ટ્ર પાસે ગમે તેવું જ્ઞાન-વિજ્ઞાન હોય, ગમે તેવી ટેકનોલોજી હોય પણ વીરપુરુષો ન હોય, તો એ રાષ્ટ્રની રક્ષા નથી થઈ શકતી. આ વસુંદરા અને સ્ત્રીઓની રક્ષા શૂરવીર જ કરી શકે છે. જ્ઞાન-વિજ્ઞાન તો એના સહાયક બની શકે. આપણે અહીં આ સત્રમાં બેસીને વેતાળની વાતો શાંતિથી સાંભળીએ છીએ એનું કારણ એ છે કે આપણા સૈનિકો આપણી સીમાની રક્ષા કરે છે. પરાક્રમ સૌથી મોટી વસ્તુ છે એની વાત આ કથા કરે છે.

સમય અભાવે હવે છેલ્લી વાત કહી દઉં. આવી તો ત્રેવીસ કથાઓ છે. ચોવીસમી કથા જરા અટપટી અને સમસ્યાવાળી છે. એનો જવાબ રાજા નથી આપી શકતો. કથા એવી છે કે એક રાજાને ચંદ્રાવતી નામની રાણી હતી અને લાવણ્યવતી નામની રાજકુંવરી હતી. એ રાજા પર શત્રુ રાજાએ હુમલો કર્યો અને રાજા, રાણી અને રાજકુંવરી ભાગ્યા અને વિંધ્યના જંગલમાં સંતાઈ ગયા. રાજા ત્યાં લડતા લડતા મરણ પામ્યાં. માતા ચંદ્રાવતી અને પુત્રી લાવણ્યવતી નિરાધાર બની ગયા. દોડીને દૂર એક ગહન જંગલમાં તેઓ ઘુસી ગયા. રસ્તામાં ધૂળમાં એમના પગલાં પડ્યા હતા. એ વખતે એ પ્રદેશનો ચંડસિંહ નામનો રાજા અને એનો પુત્ર સિંહપરાક્રમ – એ બંને શિકાર કરવા નીકળ્યા. જોયું તો પગલાં પડ્યા હતા. રાજા પુત્રને કહે છે કે ‘આ જો બે સ્ત્રીઓના પગલાં પડ્યા છે. એમાં મોટા પગલાંવાળી સ્ત્રી મોટી ઉંમરની હશે અને નાના પગલાંવાળી સ્ત્રી નાની ઉંમરની હશે. જો એ મળી આવે તો નાની ઉંમરની સ્ત્રી સાથે તારા લગ્ન કરું.’ પુત્ર કહે છે કે : ‘આ મોટા પગલાં પડ્યા છે ને એમાં રાજચિન્હો છે. તેથી જો આપ તેનો મહારાણી તરીકે સ્વીકાર કરો તો હું નાની સ્ત્રીનો સ્વીકાર કરું.’ એમ શરત કરીને બંને અંદર ગયા તો આ માતા અને પુત્રી ત્યાં બેઠા હતાં. રાજાએ પ્રસ્તાવ મૂક્યો. એ લોકોએ સ્વીકાર્યો. જે મોટા પગલાંવાળી સ્ત્રી હતી તે રાજાની પત્ની બની, પણ એ પુત્રી હતી ! પગ મોટા હતાં પણ એના પગલાં નાનાં હતાં. નાના પગલાંવાળી સ્ત્રી મોટી ઉંમરની હતી. એના પગ નાના પણ એ માતા હતી. ઘણીવાર મોટા પગલાંવાળા બહુ નાના હોય છે ! મોટાપગલાંવાળી સ્ત્રી રાજા ચંડસિંહની પત્ની બની અને નાના પગલાંવાળી સ્ત્રી પુત્રની પત્ની બની. હવે મુશ્કેલી એ થઈ કે દીકરી હતી એ સાસુ બની અને મા હતી એ વહુ બની. હવે આ બંનેના લગ્ન બાદ સમય જતાં તેઓને અનેક સંતાનો ઉત્પન્ન થયા. એટલે વેતાળે રાજાને પ્રશ્ન કર્યો, ‘હે મહારાજ, તમે કહો. આ બંનેના જે સંતાનો ઉત્પન્ન થયા, એ અરસપરસ શું સગા થાય ?’ રાજા કંઈ જવાબ આપી શક્યો નહિ. ટૂંકમાં, આ પ્રકારની એમાં કથાઓ છે. આપણે બધા પોતાના ખભા પર સત્તા, સંપત્તિ, શક્તિના વેતાળને ઉપાડીને ચાલીએ છીએ. એને જો આપણે મૂકી દઈએ તો તરત નિરાંત થઈ જાય !’ એમ કહીને શ્રી મનસુખભાઈ પોતાના વક્તવ્યને વિરામ આપ્યો હતો.

[10] પંચતંત્ર-હિતોપદેશ – મનસુખ મોલિયા

DSC_5801

મધ્યાહ્નના વિરામ બાદ સાંજે સંગોષ્ઠિ-4નો પ્રારંભ થયો હતો. આ સંગોષ્ઠિનું સંચાલન શ્રી મનસુખભાઈ સાવલિયાએ કર્યું હતું અને તેમાં પ્રથમ વક્તવ્ય શ્રી મનસુખભાઈ મોલિયાએ આપ્યું હતું. આ વક્તવ્યનો વિષય ‘પંચતંત્ર અને હિતોપદેશ’ની કથાઓ વિશેનો હતો. તેમણે વક્તવ્યની શરૂઆત કરતાં કહ્યું હતું કે : ‘અહીં બેઠેલાઓમાં કોઈ એવું હશે ખરું જેણે બાળપણમાં એકેય પ્રાણીકથાની વાત સાંભળી ન હોય ? મને લાગે છે કે એ શક્ય નથી. વાર્તાઓ સંસ્કાર ઘડતરમાં એટલો બધો મોટો ફાળો આપે છે કે જેને બચપણમાં આ ખજાનો નથી મળ્યો એ કદાચ દુનિયાનો સૌથી ગરીબ બાળક છે. ગિજુભાઈ બધેકાએ સરસ વાક્ય કહ્યું છે કે ‘દુનિયાનો સૌથી ગરીબ બાળક કોણ ? તો કહે, જેને એના પિતા પાસેથી એક પણ વાર્તા સાંભળવા નથી મળી તે દુનિયાનો સૌથી ગરીબ બાળક.’ ભગવાન કૃષ્ણને યશોદામાતા વાર્તા કહે છે કે રામ નામના એક રાજા થઈ ગયા. કૃષ્ણ કહે છે ‘હં.’ યશોદા આગળ કહે છે કે એની પત્નીનું નામ સીતા હતું. કૃષ્ણ કહે છે ‘હં.’ પછી યશોદા કહે છે કે ‘પિતાની આજ્ઞાથી તેઓ પંચવટીમાં ગયા. ત્યાં રાવણે સીતાનું અપહરણ કર્યું.’ આટલું થયું ત્યાં કૃષ્ણને પોતાની નિજ પુરાતન કથા યાદ આવી એટલે કૃષ્ણ તરત જ કહે છે, ‘હે લક્ષ્મણ, મારું ધનુષ્ય લાવ….’ આ વાર્તાની તાકાત છે કે જે શ્રીકૃષ્ણને પોતાનો યુગ પણ ભુલાવી શકે છે !

મારે વધારે તો પ્રાણીકથાની વાત કરવી છે. પ્રાણીકથાઓ દ્વારા સંદેશ કેમ અપાય છે ? શું મનુષ્યોને સીધું ન કહી શકાય ? પણ ના. છેક વેદ કાળના ઋષિએ પ્રાણીઓને વાર્તાના માધ્યમ બનાવ્યા છે. કદાચ પ્રાણીઓને આપણી જરૂર નથી, પણ આપણે તો પ્રાણીઓ-પક્ષીઓ વગરનું જગત કલ્પી પણ ન શકીએ. પ્રાણીઓને બાદ કરી દઈએ તો આપણી શું હાલત થાય ? આપણા સાહિત્યની શું હાલત થાય ? – એ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. આમ જોઈએ તો ખરેખર આ પ્રાણીઓ છે જ નહીં. સંસ્કૃતમાં કહેવાયું છે કે ‘મનુષ્યરૂપેણ મૃગાશ્ચરન્તિ’, પણ અહીં આ પંચતંત્રામાં તો ‘મૃગા: મનુષ્યરૂપેણ ચરન્તિ’. અહીં તો મૃગના રૂપમાં મનુષ્ય છે ! આપણી જ બધી વૃત્તિઓ, આપણી જ બધી ગ્રંથિઓ, આપણી જ બધી ભાવનાઓ અને આપણી જ બધી લાગણીઓને આપણે પશુના માધ્યમથી મૂકી છે. એ પશુઓ ખરેખર પશુઓ નથી, આપણે પોતે જ છીએ ! માનવના સ્વભાવના અનેક રંગ અહીં પ્રતિબિંબિત થાય છે. હકીકતે તો આપણી વૃત્તિઓ પશુઓ લઈને ફરે છે. એને તો આ સાથે કોઈ નિસ્બત જ નથી. માણસના મનને માપવું અને માણસના મનને પામવું બહુ અઘરું છે. પંચતંત્રની પ્રાણીકથાઓનો તો મુખ્ય ઉદ્દેશ જ બોધ છે. પંચતંત્રમાં તો ક્યારેક વાર્તાની અંદર વાર્તા એમ છ પેટાવાર્તાઓ સુધી ક્યારેક વાર્તા ચાલે છે. ભારતની બહાર પંચતંત્રની વાર્તાઓના લગભગ 200 રૂપાંતર થયા છે. કોઈ પણ ધર્મ પુસ્તક સિવાય આટલા અનુવાદો પામનાર, એક માત્ર જગતનું આ પુસ્તક છે. 60 જેટલી ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. 1570માં એનો અંગ્રેજી અનુવાદ થયો. આ કથાઓએ વિશ્વવિજય હાંસલ કર્યો છે.

એક સામાન્ય માન્યતા એવી છે કે આ કથાઓ બાળકો માટે છે. પણ હકીકતે એવું નથી. સંસ્કૃતમાં ‘બાલ’ શબ્દનો અર્થ અજ્ઞાની એવો પણ થાય છે. માત્ર રાજનીતિને શીખવતો આ ગ્રંથ છે, એ ભ્રમણા છે. રવિસાહેબ પાઠકે કહ્યું છે કે આ દુનિયાદારીનું ડહાપણ આપતો ગ્રંથ છે. દરેકને એની જરૂર છે. યુવાન હોય, વિદ્યાર્થી હોય, મેનેજમેન્ટનો માણસ હોય અથવા ગામડાનો ખેડૂત હોય તો એને પણ આની જરૂર છે. આ જીવનનું શિક્ષણ છે. હિતોપદેશ તો કંઈ નવું નથી આપતો. એમાં ખાલી વાર્તાઓ જુદી રીતે ગોઠવાઈ છે. પ્રકરણોમાં ફેરફાર કર્યો છે. વિષ્ણુશર્માનું પંચતંત્ર એ પ્રાણીકથાઓનો ખૂબ મોટો આધાર છે. પ્રાણીકથાઓ વેદકાલીન સમયથી આવે છે પણ પ્રાણીકથાઓને બોધકથા તરીકે વાપરવાનું કામ પહેલવહેલું મહાભારતમાં થયું. એ પછી તે પંચતંત્રમાં આવે છે. પંચતંત્રની બીજી એક લાક્ષણિકતા એ છે કે એમાં એક સંગ્રહશ્લોકમાંથી વાર્તા ફૂટે છે. દાખલા તરીકે, વાર્તાની શરૂઆત એવી રીતે થાય છે કે ‘ન કરવાનું કામ નહીં કરવું જોઈએ, નહીં તો વાંદરા જેવી દશા થશે.’ એટલે પછી તમને જિજ્ઞાસા જાગે કે એ શી વાત છે ? અને વાર્તા શરૂ થાય છે. આ પંચતંત્રની રીત છે. બીજી એક વાત એ છે કે પંચતંત્રમાં પ્રાણીઓના નામ બહુ સરસ છે. નામ વાંચતાની સાથે તરત જ ખ્યાલ આવે કે કથાકાર શું કહેવા માંગે છે. જેમ કે ચતુર શિયાળ, ઉદ્ધત ગધેડો, લપલપિયો કાચબો વગેરે.’

પંચતંત્રના પાંચેય તંત્રનો સંક્ષિપ્ત પરિચય આપતા શ્રી મનસુખભાઈ મોલિયાએ કહ્યું હતું કે : ‘પંચતંત્રમાં કુલ પાંચ તંત્રો છે. પહેલા તંત્રનું નામ છે : ‘મિત્રભેદ.’ મિત્રોની વચ્ચે ભિન્નતા ઊભી કરવી એટલે મિત્રભેદ. એક વેપારી મથુરા તરફ જતો હોય છે. રસ્તામાં તેના બળદનો પગ ભાંગી જાય છે. બળદને મૂકીને તે આગળ ચાલતો જાય છે. બે-ત્રણ દિવસે બળદ સાજો થયો. જંગલમાં તો કોઈ હતું નહીં. એને લીલુંછમ ઘાસ ખાવા મળ્યું. ઠંડુ પાણી અને શીતળ હવા મળી. એટલે એ તો હૃષ્ટપુષ્ટ થઈ ગયો. મન ફાવે ત્યાં ફરતો અને હાકોટા મારતો. વનનો રાજા સિંહ છે. એક વાર તળાવ પાસે પાણી પીતાં એણે આ બળદની ગર્જના સાંભળી અને ગભરાયો. એને થયું કે આ કોનો અવાજ છે ? સિંહના મંત્રી તરીકે બે શિયાળ છે પરંતુ એને તેણે મંત્રીપદેથી ભ્રષ્ટ કર્યા છે. એક શિયાળને થયું કે આ ખરો સમય છે. સિંહની દુ:ખતી નસ દબાવીને ફરી મંત્રીપદ હાંસલ કરવાનો સમય આવ્યો છે. બીજા શિયાળને આ બધું નથી ગમતું. વાર્તાકાર કેવી સુંદર રીતે વિવિધ વિચારોને મુકે છે ! એક શિયાળ જતું રહે છે. બીજું સિંહની પાસે જાય છે અને પૂછે છે કે ‘તમે ડરી ગયા છો ?’ સિંહ પહેલાં તો આનાકાની કરે છે. પણ પછી એ કહે છે કે અહીં ભયંકર અવાજ આવે છે. મારે વન છોડવું પડશે કે શું ? શિયાળ કહે છે કે હું તપાસ કરી જોઉં. અવાજની દિશામાં ગયો અને જોયું તો એ તો બળદ હતો. શિયાળ રાજી થઈ ગયો. સિંહ પાસે આવીને કહે કે ‘છે તો બહુ મોટું પ્રાણી પણ મેં ગમે તેમ કરીને વશ કરી લીધું છે.’ સિંહ કહે છે ‘મને એની પાસે લઈ જા અને અભયદાન અપાવ !’ શિયાળ બળદ પાસે ગયો અને પૂછ્યું કે તું અહીં વનમાં કેમ ફરે છે ? આ તો ચંડિકાના વાહન સિંહનું વન છે. બળદ કહે ‘હું તો વનમાં પહેલીવાર આવ્યો છું. કંઈ જાણતો નથી. સિંહને કહે કે મને બચાવી લે.’ આમ શિયાળે બંનેને પોતાના વશમાં કર્યા. બંનેને મિત્રો બનાવ્યા. બળદના સાનિધ્યથી સિંહમાં ધીમે ધીમે અહિંસાવૃત્તિ દેખાવા માંડી. સિંહ શિકાર કરવા ન જાય. એટલે શિયાળને થયું કે હવે આ બંને વચ્ચે ભેદ પડાવવો જોઈએ. બીજું શિયાળ એને ફરી સમજાવે છે કે તું ભેદ ના પડાવ. પંચતંત્રકાર આવી રીતે આપણી સામે વિવિધ વિચારધારાઓ મુકે છે જેથી આપણને તરત જ ખ્યાલ આવી જાય છે કે કયા શિયાળનું આચરણ આપણે જીવનમાં કરવું જોઈએ. પેલું શિયાળ બળદ પાસે જઈને કહે છે કે સિંહ તારા પર ગુસ્સે થયો છે અને કાલે સવારે તને હણી નાખવાનો છે. બળદ ગભરાઈ જાય છે. એની વાત માનતો નથી. શિયાળ કહે છે કે કાલે સવારે તું સિંહને જોજે, એમની આંખ લાલ હશે, નાક કંપતું હશે, હોઠ ધ્રુજતા હશે અને ક્રૂર દષ્ટિ તારી પર ફેંકે તો માનજે તારી પર શત્રુબુદ્ધિ છે. સિંહને પણ શિયાળે ચઢાવ્યો કે બળદ તો તમને મારી નાખવા તૈયાર થયો છે. એ કહે છે કે વનનો રાજા હું બનીશ. સિંહ માનતો નથી, પણ પછી એ માને છે. શિયાળ એને કહે છે કે તમે બળદ આવે ત્યારે જોજો કે એ અયોગ્ય જગ્યાએ બેસી જશે, તમને પ્રણામ નહીં કરે. પેલો એવી રીતે જ ગયો અને યુદ્ધ ફાટી નીકળ્યું. એમાં બળદનો વધ થયો. કથા એ બોધ આપે છે કે કાચાકાનના મિત્રો વચ્ચે સહેલાઈથી ભેદ ઉત્પન્ન થાય છે માટે મૈત્રી એકદમ પાક્કી હોવી જોઈએ.

પંચતંત્રનું બીજુ તંત્ર છે : ‘મિત્રપ્રાપ્તિ.’ અદ્દભુત તંત્ર છે ! આમાં તો કાગડાની પીઠ પર બેસીને ઉંદર સવારી કરે છે ! જે જન્મજાત વેરીઓ છે, પ્રકૃત્તિદત્ત વેરભાવ છે એવા પાત્રોની મૈત્રી રચીને મૈત્રીનું મહત્વ કેટલું છે એ પંચતંત્રકાર બતાવી આપે છે. ઉંદર, કાગડો, કાચબો અને હરણની આ મિત્રકથા છે. એક શિકારીએ જાળ પાથરી હતી. કાગડાએ ઝાડ પરના બધાને ચેતવ્યા પણ એટલામાં કબૂતરોનું ટોળું આવ્યું અને એ તો દાણા ખાવા બેસી ગયું. બધા સપડાઈ ગયા. પણ કબૂતરોનો રાજા છે એણે બધાને કહ્યું કે એક સાથે આપણે બધા ઊડીશું. બધા પક્ષીઓ ઊડી ગયા. આ પક્ષીઓનો મિત્ર ઉંદર હતો. બધા કબૂતરો ઉંદરની ગુફા સુધી ગયા. એને બોલાવ્યો. ઉંદરે જાળ કાપી નાખી. કાગડો આ બધાની પાછળ જતો હતો. આ બધું એણે જોયું એટલે એને થયું કે ઉંદર સાથે દોસ્તી કરવા જેવી છે. કાગડો મૈત્રીનો પ્રસ્તાવ મૂકે છે પણ ઉંદર કહે છે કે આપણી વચ્ચે તો જન્મજાત વેર છે ! આપણી વચ્ચે દોસ્તી કેવી ? તોય કાગડો મૈત્રી માંગે છે. છેવટે ધીમે ધીમે એ બંને વચ્ચે મૈત્રી બંધાતી ગઈ. કથાકાર કહે છે કે નખ અને માંસ વચ્ચે જેમ પ્રીતિ હોય એવી પ્રીતિ બંધાઈ. કાગડો ઉંદર માટે દાણા લાવે. ઉંદર પણ કાગડા માટે લાવે. પછી એક સમય એવો આવ્યો કે દુષ્કાળ પડ્યો. કાગડાએ કહ્યું કે હવે અહીં રહેવા જેવું નથી. ઉંદર કહે છે મને પણ સાથે લઈ લો, મારે પણ એક દુ:ખ છે જે હું તમને પછીથી કહીશ. ઉંદરને પોતાની પીઠ પર બેસાડી કાગડો પોતાના મિત્ર કાચબાની પાસે ઉંદરને લઈ જાય છે. કાચબો ઉંદરને પૂછે છે કે તમને શું દુ:ખ છે ? ઉંદર કહે છે કે મારી વાત સાંભળવા જેવી છે. હું એક લશ્કર સાથે એક મઠમાં જતો હતો. ભિક્ષુક ખોરાક ઊંચે ટીંગાડે અને બધા ઉંદરો ભેગા થઈ કૂદકા મારીને ખોરાકને લઈ આવે. ભિક્ષુકને નવાઈ લાગે. એ ઉંદરને ભગાડવા વાંસડો ખખડાવે. એક દિવસ એ ભિક્ષુકનો એક મિત્ર આવ્યો. બંને વાતો કરતા હતા ત્યારેય પેલાએ વાંસડો ખખડાવવાનું ચાલુ રહ્યું, તેથી આ મિત્રને થયું કે તું મારી સાથે વાતો કરતા કરતા બેધ્યાન કેમ થાય છે ? પેલો કહે ‘શું કરું ? ઉંદરો બહુ હેરાન કરે છે.’ મિત્ર એને કહે છે, ‘આવું હોય નહિ. જરૂર એમાં કંઈક કારણ હોવું જોઈએ.’ પછી પંચતંત્રકારે બહુ સરસ બોધ આપ્યો છે કે કૂદકાનું કારણ હંમેશા ધનની ઉષ્મા હોય છે. ધનની ઉષ્મા સિવાય કોઈ બીજી વસ્તુ માણસને આટલા ઊંચા કૂદકા મરાવી ના શકે. રાત્રે પેલા મિત્રોએ ઉંદરોનું દર ખોદી કાઢ્યું તો બહુ મોટો ધનભંડાર મળ્યો. બીજે દિવસે પણ ઉંદર આવ્યા. પણ પેલો મિત્ર ભિક્ષુકને કહે કે હવે ડંડાની જરૂર નથી. એ લોકો નહીં કુદી શકે ! અને સાચે જ ઉંદરો આવ્યા પણ બહુ કૂદીના શક્યા. કારણ કે ધનનો મદ હવે ઉતરી ગયો હતો. ઉંદરો એની જાતિમાં આવી ગયા હતા. માણસને ધનનો મદ ચઢે ત્યારે બહુ કૂદકા મારે. એ પછી તો કાગડો અને ઉંદર સાથે હરણને અને કાચબાને પણ મિત્રતા થઈ. વાર્તા તો આગળ બહુ સરસ રીતે ચાલે છે, પણ આ બોધ ખૂબ મહત્વનો છે.’

સમય અભાવે બાકીના ત્રણેય તંત્રોની વાત સંક્ષિપ્તમાં રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે : ‘ત્રીજું તંત્ર છે : ‘કાકોલુકિય.’ એટલે કે કાક અને ઉલુક. કાગડા અને ઘુવડ વચ્ચેની આ કથા છે. આ રાજનીતિનું આખું તંત્ર છે. એમાં કાગડો-ઘુવડ સાથે મિત્ર હોવાનો ડોળ કરીને એને ત્યાં રહે અને પછી ઘુવડોની આખી ગુફા સળગાવી નાખે છે. આ તંત્રનો બોધ એ છે કે શત્રુ સાથે તમે ગમે એટલી મૈત્રી કરો તો પણ એ ક્યારેય પોતાનો થતો જ નથી. આ ભારતીય રાજનીતિ છે. પડોશી દેશ માટે આપણે આ વાત ધ્યાન રાખવી જોઈએ. એ પછી ચોથું તંત્ર છે : ‘લબ્ધપ્રણાસ.’ એમાં મગર અને વાંદરાની જાણીતી વાર્તા છે. લબ્ધપ્રણાસ એટલે મેળવેલી વસ્તુનો વિનાશ. મગર રોજ જાંબુ લઈ જાય. મગરી પૂછે છે ત્યારે મગર પોતાના મિત્ર વાંદરાની વાત કરે છે. મગરી એને વાંદરાનું હૃદય લાવી આપવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એ વાર્તામાં બધા માનવીય સંબંધો બહુ સરસ રીતે વ્યક્ત થાય છે. પાંચમું છેલ્લું તંત્ર છે : ‘અપરીક્ષિતકારક.’ એમાં પણ સુંદર વાર્તાઓનો સંચય છે. અતિલોભ કરનાર માણસના મસ્તક પર કેવું મોટું ચક્ર ભમતું હોય છે એની એમાં કથા છે. ટૂંકમાં, પંચતંત્ર એ આપણને જીવન જીવવા માટે જોઈએ તે બધું જ આપ્યું છે. અને આપણો પ્રમાદ, આપણી અસાવધાની, આપણી આળસ એ પંચતંત્રને સહેજ પણ મંજૂર નથી. માણસ કોઈને છેતરે નહીં એ સારી વાત છે, પણ માણસ છેતરાવો પણ ન જોઈએ એની પંચતંત્રને સતત ચિંતા છે. એટલે જ આપણને આ સુંદર ગ્રંથ પંચતંત્રકારે આપ્યો છે. જ્યાં સુધી માણસ હશે ત્યાં સુધી પંચતંત્રની કથાઓ જીવશે.’

[11] વેદસંહિતા – પ્રજ્ઞા જોશી

DSC_5866

સાંજની આ સંગોષ્ઠિના બીજા વક્તા પ્રજ્ઞાબેને વેદસંહિતા વિશે વાત કરી હતી. તેમણે વાતનો આરંભ કરતાં જણાવ્યું હતું કે : ‘વેદએ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. વેદમાં ક્યાંય કથા નથી. એ એના મંત્રો દ્વારા ઉપદેશ આપે છે. વેદ જેવા ગહન વિષય પર બોલવું એ દુષ્કર વસ્તુ છે. વેદ સ્વરો પર આધારિત છે. એમાં તો એક ઉચ્ચારણની પણ ક્ષતિ થાય તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે જ કહેવાયું છે કે વ્યાકરણ વિના વેદનું અધ્યયન થાય નહીં. એક એવો રમુજી ટૂચકો છે કે સભામાં એક જણે ઊભા થઈને કહ્યું કે, ‘તમે બધા સાંત થઈ જાઓ.’ હકીકતે ‘શાંત’ શબ્દ હોવો જોઈએ. ‘સાંત’ થઈ જાઓ એટલે તો મરી જાઓ એવો અર્થ થાય ! શબ્દો ખૂબ અગત્યના છે. એક ભાઈ કહે મારે ત્યાં ‘શ્વજનો’ આવ્યા હતા. એનો અર્થ તો એમ થાય કે કૂતરાનાં માણસો ! હકીકતે ‘સ્વજન’ હોવું જોઈએ. આ તો ઉચ્ચારણની વાત થઈ, સ્વરો ખસી જાય તો તો શું થાય ! એ દષ્ટિએ વેદ તો અતિગહન વિષય છે.

ભારતીય સંસ્કૃતિમાં વેદનું સ્થાન સર્વોત્તમ છે. આયુષ્ય અલ્પ છે અને વિધ્નોનો પાર નથી, એટલે હંસની જેમ સારતત્વ લઈ લો – એમ વેદો કહે છે. તૈતરિયઉપનિષદ કહે છે કે વેદ અનંત છે. વેદસંહિતાઓનું પણ એવું છે. હજુ આજ સુધી વેદસંહિતાઓમાં કથાના સ્વરૂપની સંમતિ સાધી શકાઈ નથી. પૌરુષેય અને અપૌરુષેયના ભેદોને કારણે તે હજુ નક્કી થઈ શક્યું નથી. વેદે કથા કહી નથી પણ એમાં એવી અનેક કથાઓના બીજ પડ્યા છે જેમાંથી કેટલીક વાત હું કરીશ. વેદ એટલે ઋગવેદ, સામવેદ, યજુર્વેદ અને અર્થવવેદ. એ ઈશ્વરનો નિ:શ્વાસ છે. વેદમાં 1131 શાખાઓ છે. આપણું દુર્ભાગ્ય એ છે કે આપણને એમાંની અમુક શાખાઓ જ આજે પ્રાપ્ત થાય છે. વેદમાંથી પછી બ્રાહ્મણગ્રંથો અને એમાંથી પછી આરણ્યક અને ઉપનિષદો થયા. સમગ્ર ભારતીય સાહિત્ય વેદોનો વિસ્તાર માત્ર છે. વેદની અંદર કથા શબ્દ મળે છે. પણ ‘કેવી રીતે ? કઈ રીતે ?’ એ પ્રશ્નરૂપે પ્રાપ્ત થાય છે, પરંતુ કથા એટલે વાર્તા એવો અર્થ વેદોમાં નથી. ‘ગાથા’ શબ્દ જરૂર મળે છે. પરંતુ એ પણ સ્તુતિ અને પ્રશંસાના અર્થમાં પ્રાપ્ત થાય છે. એટલે એ દષ્ટિએ વેદમાં કથા વાર્તાના સ્વરૂપમાં પ્રાપ્ત થતી નથી. વેદમાં જે કહેવામાં આવ્યું એના પર બ્રાહ્મણગ્રંથોએ અને અન્ય ગ્રંથોએ કથાઓની રચના કરી. તેથી એના આધાર પર આપણે થોડી વાત કરી શકીએ.

ઘણા લોકો એવું કહે છે કે વેદમાં રાષ્ટ્રને લગતી વાત નથી. પરંતુ ના, વેદમાં ઠેર ઠેર માતૃભૂમિને લગતા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. માતૃભૂમિ માટે અત્યંત ગૌરવપૂર્ણ ઉદગાર સૌથી પહેલો અર્થવવેદમાં મળે છે : ‘माता भूमि: पुत्रो अहं पृथिव्या:’ ‘આ ભૂમિ મારી માતા છે અને હું એનો પુત્ર છું…’ એવા અર્થમાં આ સૌપ્રથમ ઉદગાર મળે છે. યજુર્વેદમાં 22માં અધ્યાયને વિશ્વનું પ્રથમ રાષ્ટ્રગીત ગણી શકાય. વેદમાં મધુચ્છન્દાના પુત્ર જેતાની કથા છે. તેઓ બીજા રાષ્ટ્રમાં ગયા અને ત્યાંથી પછી કેવી રીતે પાછા ફર્યા એની આ કથા છે. એ હું આપને ટૂંકમાં કહું. એમના પિતાને સો પુત્ર તો હતા જ, પણ એમણે એક જ્યેષ્ઠ પુત્ર દત્તક લીધો એટલે કુલ 101 પુત્રો થયા. સો પુત્રો બે ભાગમાં વહેંચાયા. એક પિતાની તરફેણમાં હતા. બીજા ગ્રુપના પુત્રો પિતાની વિરુદ્ધમાં હતા. વિરુદ્ધમાં હતા એ દેશ છોડીને ઈરાન તરફ ગયા. ત્યાંના રાજાએ તેઓને આવકાર્યા અને માન, સન્માન, અને મોટા હોદ્દાઓ આપ્યા. આ લોકોને તો જાણે સ્વર્ગ મળી ગયું ! એ લોકો ખુશ થઈને રહેવા લાગ્યા. મધુચ્છન્દા ઋષિએ પોતાનું તેજ એમના પુત્રોમાં વાવેલું હતું. એટલે એમના પુત્ર જેતાને ઘણી સુખસગવડો મળતી હતી પણ તોય ત્યાં ગમ્યું નહીં. એમણે રહેવાની મના કરી. એમને થયું કે અહીં કોઈ યજ્ઞનો માહોલ નથી, વેદની ઋચાઓ નથી સંભળાતી. આ રાષ્ટ્રની અંદર કોઈ કલ્યાણકારી વાતો નથી તો પછી આ સુખ સગવડો ભોગવવાનું કારણ શું ? પશુઓની જેમ જીવવાનું અને પેટ ભરવા માટે જ કામ કરવાનું હોય તો આ જગ્યાએ રહેવું જોઈએ નહીં. એટલે જેતા રહેવાની ના પાડે છે. એમને બહુ પસ્તાવો થાય છે. એ માંડ માંડ દિવસો કાઢતા હતા ત્યાં ભયંકર દુકાળ પડ્યો. દુકાળમાં પ્રજા અત્યંત દુ:ખી થાય છે. ખૂબ ખરાબ પરિસ્થિતિ સર્જાય છે. ત્યાંના નરેશ રાજ્યમાંથી થોડો ભાગ આપે છે, પણ એટલાથી તો શું થાય ? પ્રજા ખૂબ પીડાય છે. રાજા આ બીજા દેશમાંથી આવેલા લોકોની કોઈ સગવડ ઓછી કરતા નથી. કુશળ રાજવીની આ કૂટનીતિ છે કે બીજા દેશમાંથી આવેલાને સાચવવા અને આશ્રય આપવો. જેતા વિચાર કરે છે કે જો મારા દેશમાં દુકાળ પડ્યો હોત તો રાજા અનેકઘણું ધન પ્રજાને આપત, ઋષિઓ યજ્ઞ કરીને ઈન્દ્રને રીઝવત અને મારા જેવો શુદ્ર માણસ બધી શક્તિ કામે લગાડી દેત. અહીં તો મારે ફક્ત બધું જોઈને બેસી રહેવું પડે છે. હું કોઈ કામ કરી શકતો નથી, તો અહીં શા માટે રહેવું ? એટલે આ લોકો સાથે કોઈ ચર્ચા-વિચારણા કર્યા વગર તેઓ પાછા ફરે છે. પાછા ફરીને અહીં આવીને તે ઈન્દ્રને પ્રાર્થના કરે છે કે હું આર્ય જ છું. મને એ રાષ્ટ્રમાં બિલકુલ ગમ્યું નથી. જે રાષ્ટ્રમાં રાજા પોતાની પ્રજા તરફ જોતો નથી, જ્યાં ઈશ્વરની સ્તુતિ થતી નથી અને જે રાષ્ટ્રમાં લોકો સંયમી નથી, એવા રાષ્ટ્રની અંદર રહીને હું શું કરું ? એ પ્રાર્થનાથી ઈન્દ્ર પ્રસન્ન થયા, દર્શન આપ્યા અને એમને ઋષિત્વ પ્રાપ્ત કરાવ્યું. આજે આપણું વિદ્યાધન અથવા તો આપણા યુવકો જ્યારે વિદેશ જઈ રહ્યા છે અથવા રાષ્ટ્ર છોડીને બીજા રાષ્ટ્રની સુવિધાઓ મેળવવા જાય છે, ભોગો ભોગવવા જાય છે એને માટે આ કથા બહુ માર્મિક વાત કરે છે. કથા બોધ આપતાં કહે છે કે વિદેશની અંદર ગમે એટલું જાઓ તો પણ ત્યાં તમને એ સુખ પ્રાપ્ત થતું નથી જેટલું પોતાના રાષ્ટ્રમાં અને પોતાના રાષ્ટ્રનું કલ્યાણ કરવામાં પ્રાપ્ત થાય છે.’

વધુમાં પ્રજ્ઞાબેને જણાવ્યું હતું કે : ‘વેદમાં સંવાદસુક્તો છે. યમ-યમી, ઉર્વર્શી-પુરુરુવા સંવાદસુક્તો છે. એમાંથી મેં યમ-યમી સંવાદ ખાસ લીધેલો છે જે આજના સંદર્ભમાં સમજવો જરૂરી છે. આ સુક્ત ભાઈ-બહેનનું સુક્ત છે. એમાં બહેન છે એ ભાઈ પાસે ભોગની એટલે કે સહવાસની માંગણી કરે છે. આપણે જાણીએ છીએ કે વેદના કોઈ પણ વિચારો અશ્લીલ કે ગંદકીભર્યા હોતા નથી. એમાં જે કહેવાયું છે તે પાછળના યુગોના આધારે કહેવાયું છે. એનો હેતુ સમાજને બોધ આપવાનો છે. વેદો તો ઈશ્વરનો નિ:શ્વાસ છે. બંને સગા ભાઈ-બહેન છે. એક નિર્જન સ્થાનમાં યમી યમ સાથે માંગણી કરે છે કે તું મારી સાથે ગમન કર. યમ તો એકદમ ચોંકી જાય છે કે ‘અરે આ કેવી વાત? હું તો તારો સગો ભાઈ છું. આ કેવી રીતે શક્ય છે? આ તો અધ:પતન કહેવાય.’ યમી સામે જવાબ આપતા કહે છે કે ‘દેવો તો આવું સહગમન કરતા હોય છે.’ યમ ના પાડે છે અને કહે છે તું કોઈ બીજા પાસે જા. અને તું કહેતી હોય કે આ નિર્જન સ્થાન છે, તો એવું નથી. ઈશ્વરના દૂતો બધું જ જોઈ રહ્યા છે. યમી એને અનેક રીતે સમજાવવા પ્રયત્ન કરે છે પરંતુ યમ સંમત થતો નથી. યમ કહે છે કે ‘આપણે સૂર્ય અને સૂર્યપત્નીના પુત્રો છીએ, સહોદર છીએ તેથી આ કૃત્ય કરી શકાય નહીં. ભવિષ્યમાં આવતી પેઢી જો એમ કરે તો શું થશે ?’ એમ કરીને એને સમજાવે છે. પરંતુ જુદા જુદા વ્યાખ્યાકારો અને અભ્યાસીઓ જુદુ જુદુ કહે છે. કોઈ એમ કહે છે કે યમ-યમી સહોદર હતા, કોઈ એમ કહે છે કે તેઓ સહોદર નહોતાં તો ક્યાંક વળી એમ વાંચવા મળે છે કે તેઓ પતિ-પત્ની હતાં અને આ પતિ-પત્નીનો સંવાદ છે. પરંતુ પતિ-પત્ની છે એ વાદને બહુ સમર્થન નથી મળ્યું કારણ કે એ સૂક્તમાં ‘સહોદર’ શબ્દ વારંવાર વપરાયો છે. ટૂંકમાં આ સૂક્ત યૌનસંબંધો અને સામાજિક મર્યાદા નક્કી કરનારું સુત્ર છે. સગોત્ર અને સહોદર વચ્ચે વિવાહ થવો જોઈએ નહિ એનો તે બોધ આપે છે. તથા કોઈ પણ સ્થાન નિર્જન હોતું નથી એવી શીખ આપે છે. આ બધી બાબતો સૌથી અગત્યની છે. એટલે જ મનુસ્મૃતિકારે પણ કીધું છે કે માતા, પુત્રી અને બહેન સાથે પણ કદી એકાંતમાં રહેવું જોઈએ નહીં કારણ કે ઈન્દ્રિયોનો સમુહ ભલભલા વિદ્વાનોને પણ ચલિત કરી નાખે છે. કામાસ્ત વ્યક્તિઓની કોઈ ચિકિત્સા નથી. પ્રજ્વલિત વિકાર શીલ, તપ, વિદ્યા અને વિનયને બાળી નાખે છે. એથી, કામુકતાથી ડરવું જોઈએ. પ્રજનનશાસ્ત્રની દષ્ટિએ આ સૂક્ત બહુ મહત્વનું છે. સગોત્ર વિવાહ શારીરિક રોગોનું પણ કારણ બને છે.

વેદની અંદર એક પ્રચલિત કથા છે. એ વિદ્યાના ક્ષેત્રની છે. દધિચી અને ઈન્દ્રનો એક સંવાદ છે. ઋગવેદમાં છ જગ્યાએ એના ઉલ્લેખો આવે છે. દધિચી ઋષિનો આશ્રમ હતો. એમનું ગુરુકૂળ એકદમ ધમધમતું હતું. ત્યાં એ બધાને મધુવિદ્યા શીખવતા હતા. એકવાર તે વિદ્યાઅભ્યાસ કરાવવાની શરૂઆત કરે છે ત્યારે એક તેજસ્વી આગંતુકને જોઈને પૂછે છે કે આપ કોણ છો ? પેલો કહે છે કે હું તમને જરૂર મારો પરિચય આપું પણ તમે મારી વાત માન્ય રાખો તો હું પરિચય કહું. દધિચીએ કહ્યું સારું. પેલા આગંતુકે પોતાનો પરિચય આપતા કહ્યું કે ‘હું ઈન્દ્ર છું અને મધુવિદ્યા શીખવા અહીં આવ્યો છું. મને આપ શીખવો.’ દધિચીએ કહ્યું કે હું જરૂર તમને શીખવીશ. ત્યારબાદ અગ્નિની સાક્ષીએ દધિચી ઋષિ ઈન્દ્રને મધુવિદ્યા શીખવે છે. છેલ્લે દધિચી કહે છે કે ‘હે ઈન્દ્ર, ખરેખર તું આ વિદ્યાને લાયક નથી. તારામાં કામ, ક્રોધ, લોભ, મોહ છે. આ તો હું વચનબદ્ધ હતો એટલે મેં તને શીખવી છે. તું આત્મનિષ્ઠ થા તો જ આ વિદ્યાથી તું લાભાન્વિત થઈશ.’ ઈન્દ્રને બહુ ખોટું લાગે છે. એ ગુસ્સે થાય છે અને મારી નાખવા તૈયાર થાય છે પણ પછી એને ભાન થાય છે કે આમ ન કરવું જોઈએ. એટલે ઈન્દ્ર જતાં જતાં કહે છે કે જો આ વિદ્યા તમે કોઈ બીજાને શીખવશો તો હું તમારું મસ્તક કાપી નાખીશ. મધુવિદ્યા હવે શીખવા નહિ મળે એમ માનીને આખું ગુરુકૂળ નિર્જન થઈ ગયું. બધા લોકો ચાલ્યા ગયા. દધિચી બેઠા બેઠા સ્વાધ્યાય કરવા લાગ્યા. એમાં એક દિવસ બે સુંદર કુમારો ત્યાં આવ્યા. એ અશ્વિનીકુમારો હતા. તેઓ ચિકિત્સકો જ હતા. એમણે મધુવિદ્યા શીખવા વિનંતી કરી. ગુરુને લાગ્યું કે તેઓ સુપાત્ર છે. એ ખુશ થયા પણ પછી તરત દુ:ખી થઈ ગયા કારણ કે એમને ઈન્દ્રની શરત યાદ આવી. અશ્વિનીકુમારોએ કહ્યું કે ‘તમે ચિંતા ના કરશો, અમારી પાસે એનો ઉપાય છે. અમે આપનું મસ્તક કાપીને એક જગ્યાએ સાચવીને મૂકી દઈશું. એના બદલે અશ્વશિર એટલે કે ઘોડાનું માથું આપના માથે લગાવી દઈશું. આપ એનાથી ઉપદેશ કરજો. અને જ્યારે ઈન્દ્ર આપનું મસ્તક ઉડાડી દે એટલે અમે અમારી વિદ્યાથી આપનું મૂળ મસ્તક પાછું લગાડી દઈશું.’ અહીં નવાઈની વાત એ છે કે માણસને કશું મેળવવું હોય ત્યારે એ બે વાર પોતાનું મસ્તક કપાવે એ તો સમજાય, પરંતુ અહીં તો જેણે આપવાનું છે એ આપવા માટે એટલા આતુર છે કે બે વાર પણ પોતાનું મસ્તક કપાવવા તૈયાર થાય છે. એવા ગુરુઓ આપણે ત્યાં થયા છે જે વિદ્યાનો પ્રચાર-પ્રસાર અટકે નહીં એ માટે માથું કપાવવા પણ તૈયાર થઈ જાય. અંતે એ પ્રમાણે થયું. આ દધિચીને આજે એટલા માટે યાદ કરવાના કારણ કે આજે શિક્ષણ ખરાબ માર્ગે જઈ રહ્યું છે, શિક્ષકો ખોટા માર્ગે જઈ રહ્યા છે, જ્યારે પાપાચાર અને વ્યભિચાર શિક્ષણ સંસ્થાઓમાં જ થઈ રહ્યો છે એના માટે આ કથા અત્યંત જરૂરી છે. છેલ્લે, ઈન્દ્રને પોતાના કર્યા પર પસ્તાવો થાય છે. એ આવીને માફી માંગે છે. એ પછી વૃત્રાસુરના વધ વખતે દધિચી ઋષિ પોતાના હાડકાં સુદ્ધાં આપે છે. આ બધી વાત આમ તો પ્રતિકાત્મક છે. મૂળ અર્થ આપણે એ લેવાનો છે કે આપણે ત્યાં આવા મહાન ઋષિઓ થઈ ગયા કે જેઓ પોતાની સંસ્કૃતિ બચાવવા માટે ઘસાયા, માથા કપાવ્યા અને સંસ્કૃતિને બચાવી. એ તેજસ્વી ઋષિઓ વિના આજે ધરતી સૂની છે. સમાજનું સ્તર નીચું ઊતરતું ગયું છે. બહાર પાપાચાર વ્યભિચાર દેખાય છે. આ સમયમાં આપણે સારી રીતે વર્તવું જોઈએ એ માટે જ આ વેદસાહિત્યની કથાઓ છે. ગર્ભાવસ્થાથી આવી વાતો માતાઓએ સાંભળવી જોઈએ. બાળકોને બાળપણથી આ કથાઓ કહેવી જોઈએ.’ એમ કહીને પ્રજ્ઞાબેને વેદસંહિતાઓ વિશેની વાત પૂરી કરી હતી.

[12] કથાસરિત્સાગર – કનુભાઈ જાની

DSC_5875

સંગોષ્ઠિ-4ના અંતિમ વક્તા શ્રી કનુભાઈ જાનીએ ‘કથાસરિત્સાગર’ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કથાની કથાના બે લાભ છે, એક તો કથા મળે અને વિદ્યા પણ મળે. એટલે જ કથાસરિત્સાગરમાં ‘કથાપીઠ’ એવો શબ્દ વપરાયો છે. કથાસરિત્સાગરમાં બધા જ ગ્રંથોનો સમાવેશ થાય છે. કથાસરિત્સાગર એકદમ વિશાળ છે. એમાં મેં કથાઓ ગણી તો 1891 થઈ. 19મી સદીમાં આ ગ્રંથની ભાળ મળી. કલકત્તાની પ્રેસિડેન્સી કૉલેજના પ્રિન્સિપાલ ટોની અને પેન્ઝર નામના વ્યક્તિઓએ સૌ પ્રથમ પોતાના જીવનના 25-30 વર્ષ કથાસરિત્સાગરને આપ્યા અને દશ વોલ્યુમ 1923માં અંગ્રેજીમાં બહાર પાડ્યા. આ બધી હું તમને માત્ર વાત નથી કહેતો, મારો ભાવ તો આ વિદ્યાપુરુષોને વંદન કરવાનો છે. પંચતંત્ર વગેરે બધા કથાજૂથોનો આમાં સમાવેશ થાય છે. 1889માં આ ગ્રંથની સંસ્કૃતપ્રતિ ઉપલબ્ધ થઈ કે તરત જ બે ગુજરાતીઓએ સૌપ્રથમ ગુજરાતી અનુવાદ 19મી સદી પહેલાં કર્યો. અને તેઓ હતા શામજી-વાલજી. કથાસરિત્સાગર એટલે કથા કુંભનો મેળો.

યુરોપના વિદ્વાનોએ પણ કહ્યું છે કે યુરોપ આખાની કથાઓનું મૂળ ભારત છે. અન્ય એક વિદ્વાને પણ કહ્યું છે કે ભારત એ વાર્તા કહેવાની કળાનું ઉદગમસ્થાન છે. ભારતમાંથી કથા પર્શિયામાં ગઈ, ત્યાંથી અરેબિયન નાઈટ્સ થઈ, ત્યાંથી કોન્સ્ટન્ટીનોપલ ગઈ, ત્યાંથી વેનિસ ગઈ – ત્યારબાદ અનેક સંગ્રહોમાં બાંધી યુરોપમાં બોકાશિયો વગેરેએ પ્રકાશિત કરી. આમ ભારતમાંની જ કથાઓ બધે ફેલાઈ. કથાસરિત્સાગરનું પ્રાગટ્ય 11મી સદીમાં થયું. કાશ્મીરના રાજાને ત્યાં રહેલા રાજકવિ સોમદેવે તે પ્રદેશની રાણીને સંઘર્ષના સમયમાં સાંત્વન મળે એ માટે આ કથા રચી. કથાસરિત્સાગરમાં કથાઓ કલ્પિત છે પણ ભૂગોળ સાચી છે. એમાં ભારતની પશ્ચિમે આવેલા વિંધ્યાચળ પ્રદેશોની વાત છે. એમાં ગુજરાતનો ઉલ્લેખ વારંવાર આવે છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ભરૂચ વગેરેના નામ પણ આ કથાઓમાં આવે છે. ભારતમાં આ કથાઓ વાંચવા-વંચાવવાની પરંપરા યુગોથી ચાલી આવે છે. ભારતમાં જો કશુંય સતત ચાલુ રહ્યું હોય તો તે છે કથા. આ કથાકારોએ સાવ અભણ રહેલા આપણા જનસમુદાયને અંદરથી ભણેલો-ગણેલો અને ખાસ તો કોળેલો રાખ્યો છે. ભારત જ એક એવો દેશ છે જેની સામાન્ય જનતા આજે પણ બહુ ભાષી છે. હજારો વર્ષોથી આમ છે. સોમદેવની પહેલાં પણ એક હજાર વર્ષ અગાઉ ગુણાઢ્ય નામના વ્યક્તિએ આ કથાઓ પૈશાચી ભાષામાં રચી હતી. એ શાલિવાહન રાજાનો મંત્રી હતો. તે ઘણી ભાષાઓ જાણતો હતો. એની માતા બ્રાહ્મણ હતી અને તે પરણી હતી નાગકુળના કીર્તિસેનને. એની બૃહતકથા અનેક લોકોએ વાંચી છે.

એક વાર્તા કહું છું. એક જબરા જુગારીનું નામ ઠંઠીકરાલ હતું. એ પાયમાલ થાય તોય પાછો રમવા જાય. ચિતામાં રોટલા શેકે અને મંદિરના ઓટલે સૂઈ જાય. એકવાર એણે મંદિરના દેવીઓની મૂર્તિને હાલતી જોઈ. એને થયું કે આ તો મજા પડી ! હવે મૂર્તિઓ પણ મારી સાથે જૂગટું રમશે. એણે મૂર્તિઓને નિમંત્રણ આપ્યું. મૂર્તિઓ સ્થિર થઈ ગઈ. એ સમજ્યો મૌન એટલે સંમતિ ! એણે તો પાસા નાખ્યા અને જીત્યો. એટલે બોલ્યો કે લાવો લાવો ધન લાવો. મૂર્તિએ તો પૈસા આપ્યા. પછી તો એ રોજ આવું કરે. મા ચામુંડાએ થોડા દિવસ તો જોયા કર્યું પછી એમણે મૂર્તિઓને કીધું કે તમે પેલાને કહી દો કે ‘હું જુગાર બહાર છું..’ એમ કહેવાથી તમારે એની સાથે રમતમાં નહીં જોડાવું પડે. મૂર્તિઓએ કહ્યું. હવે શું કરવું ? આણે તો મહાદેવને નિમંત્રણ આપ્યું કે, ચલો શિવજી, જુગાર રમવા. શિવજી કહે ‘અલ્યા, હું તો આ બધાયથી પર છું.’ પેલાએ શિવજીના પગ પકડ્યા. એટલે શિવજીએ કહ્યું કે ‘તું ભલે અહીં મંદીરમાં પડ્યો રહેજે.’ શિવજીએ આગળ કહ્યું કે ‘રાત્રે અહીં વાવમાં બધી અપ્સરાઓ નહાવા આવે છે. એ આવે ત્યારે એમના વસ્ત્રો તું લઈ લેજે. એ પછી એ અપ્સરાઓ જો એવું કહે કે અમને વસ્ત્રો આપો તો તારે એમ કહેવાનું કે કલાવતી આપો તો વસ્ત્રો આપું.’ અપ્સરાઓ આવી, આણે વસ્ત્રો લઈ લીધા, અપ્સરાઓ કરગરી. પેલાએ કલાવતીની માંગણી કરી. અપ્સરાઓએ કલાવતી આપી. આમ એક જુગારીને અપ્સરા મળી !

કથાસરિત્સાગરમાં અહલ્યાની પણ કથા છે. મૂળ વાલ્મિકી રામાયણની જેમ અહલ્યા શીલા થઈ એવું છે જ નહિ. અહીં ‘શીલાભાવ’ શબ્દ છે. કારણ કે ઋષિ તો જતા રહ્યા. શાપ હતો કે તારે અહીં પડ્યા રહેવાનું. મૂળમાં જે કથા છે એ થોડી જોઈએ. ગૌતમ ઋષિ ત્રિકાળ જ્ઞાની. પત્ની અત્યંત રૂપાળી. ઈન્દ્ર રૂપલુબ્ધ બન્યો. ગૌતમ ઋષિની અનુપસ્થિતિમાં આવ્યો. ઋષિ તો ત્રિકાળ જ્ઞાની. એમણે જાણી લીધેલું. ઋષિ પણ આવ્યા. તત્ક્ષણ ભયના માર્યા ઈન્દ્રએ તો બિલાડાનું રૂપ લીધું. આવતા જ ઋષિએ પૂછ્યું, ‘અહીં કોણ ઊભું છે ?’ અહલ્યાએ કહ્યું કે અહીં જે ઊભો છે એ મજ્જાર છે. ‘મજ્જાર’ શબ્દના બે અર્થ થાય. સરળ અર્થ બિલાડો પરંતુ મત+જાર એટલે કે મારો પ્રેમી ઊભો છે. ઋષિ જાણતા હતા. ઋષિએ કહ્યું ‘હું શાપ આપું છું..’ એમ કહીને એમણે શાપ આપ્યો. એ શાપ ક્યારે ઉતરશે એ પણ કહ્યું. એમણે કહ્યું કે અહીં રામ તને જોશે ત્યારે આ શાપ ઉતરશે. અહીં સ્પર્શની વાત નથી.

સમાપન કરતાં તેમણે કહ્યું હતું કે, ‘મૂળમાં ગુણાઢ્યે આ બધી કથાઓ વિદ્યાદ્યર પાસે સાંભળી અને પછી એને પૈશાચી ભાષામાં ઉતારી. બહુ મોટો ગ્રંથ બન્યો. પછી એણે વિચાર્યું કે આ ગ્રંથ કોને આપવો ? બે શિષ્યોને લઈને તે રાજાના નગરમાં ગયો. બે શિષ્યો દરબારમાં લઘરવગર ગયા. પૂછવામાં આવ્યું કે આ શું લખ્યું છે ? તો કહે કથાઓ. શેનાથી લખી છે ? તો કહે લોહીથી અને પૂછ્યું કઈ ભાષામાં છે ? તો કહે પૈશાચી. એટલે કહેવામાં આવ્યું કે આ બધું પાછું લઈ જાઓ. ગુણાઢ્યને તો હાડોહાડ લાગી ગઈ. ઘોર જંગલમાં એ ગયો. એક એક પાનું વાંચતા જાય અને યજ્ઞમાં હોમતા જાય. બધા વનચરો બેઠેલા. રાજાને ખબર પડી કે કોઈક આવું કરે છે. ગમે તેમ તોય રાજા સાહિત્યરસિક માણસ ! એને લાગ્યું કે આ ખોટું થાય છે. એણે જોયું તો ગુણાઢ્ય ! રાજાએ એ બધુ બંધ કરાવ્યું. છ ભાગ એટલે કે છ લાખ શ્લોકો હોમાઈ ગયા હતા. અને સાતમો એક ભાગ બચી ગયો હતો. એ સાતમો ભાગ એટલે નરવાહનદત્તના પરાક્રમો અને આ નરવાહનદત્તના પરાક્રમો એટલે કથાસરિત્સાગર.’ સાંજે સાત વાગ્યે આ સંગોષ્ઠિનું સમાપન થયું હતું.

[ત્રીજો દિવસ]

[13] જાતક કથા – દીપ્તિ ત્રિપાઠી

DSC_6006

સંસ્કૃતસત્રના આ અંતિમ દિવસનો પ્રારંભ શ્રીમદ ભગવદગીતાના ‘અધ્યાય-12 : ભક્તિયોગ’ના શ્લોકોથી થયો હતો. સમગ્ર વાતાવરણ આ ગાનથી પવિત્ર બન્યું હતું. ત્યારબાદ અંતિમ સંગોષ્ઠિ-5નો પ્રારંભ થયો હતો. આ સંગોષ્ઠિનું સંચાલન શ્રી ગૌતમભાઈ પટેલે કર્યું હતું. તેમાં સૌપ્રથમ દીપ્તિબેન ત્રિપાઠીએ હિન્દીમાં તેમનું ‘જાતક કથાઓ’ વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમણે શરૂઆત કરતાં કહ્યું હતું કે, ‘જાતક કથાઓ પરંપરાની કથાઓ કરતાં અલગ છે. તે બુદ્ધધર્મ સાથે સંકળાયેલી છે. પરંતુ હું બુદ્ધધર્મને અલગ ધર્મ નથી માનતી. મુખ્ય વાત તો એ છે કે જેને આપણે ધર્મ કહીએ છીએ તે આજે ધર્મ છે જ નહિ. ‘બૌદ્ધમત’ શબ્દ મને વધારે યોગ્ય લાગે છે. આ બૌદ્ધમતમાં જે કથાઓ આવી એની આ વાત છે. કથાનું સ્વરૂપ વાચિક છે. એનું લેખિત સ્વરૂપ બહુ અગત્યનું નથી. આ જાતક કથાઓ પણ વાચિક હતી.

હવે પ્રશ્ન એ થાય કે ‘જાતક’ એટલે શું ? જેનો જન્મ થાય એ બધા જાતક. જેમ કે જ્યોતિષમાં આપણે કહીએ છીએ કે ‘જાતકની ગ્રહદશા આમ છે… જાતકની ગ્રહદશા તેમ છે…વગેરે’ જાતક એટલે આપણે બધા જ. તો આપણને પ્રશ્ન થાય કે આપણી કથાઓ જાતક કથા કહેવાય ? પણ ના. એવું નથી. જાતકકથાના સ્વરૂપે જ્યારે આપણે વિચારીએ ત્યારે જાતકકથાઓ એ ભગવાન બુદ્ધના પૂર્વજન્મના રૂપ, એટલે કે તેઓ જ્યારે બોધિસત્વ હતા ત્યારની આ બધી કથાઓ છે. બોધિસત્વ એટલે બુદ્ધત્વની પ્રાપ્તિની દિશામાં અગ્રેસર થનાર. જ્યારે પૂરું જ્ઞાન થયું ત્યારે એ બુદ્ધ કહેવાયા. આપણામાંના કેટલાકને એ સાંભળી નવાઈ લાગશે કે બુદ્ધ પણ એક નથી થયા. શાક્યમુનિ બુદ્ધ એ અત્યાર સુધીના આખરી બુદ્ધ છે. એની પહેલા બીજા 27 બુદ્ધ થઈ ચૂક્યા છે. એ બધા અલગ અલગ યુગમાં અલગ અલગ સમયે થયા છે. કેટલાકના તો નામ આપણા અહીંના ઋષિઓના નામ જેવા છે ! જેમ કે એક બુદ્ધનું નામ છે નારદ. આ બધી વાતો બૌદ્ધમતમાં આવે છે. આ જાતકકથાઓ સમજવાની પૂર્વભૂમિકા રૂપે મેં આપને વાત કહી.

શાક્યમુનિબુદ્ધે બુદ્ધત્વ ગયામાં પ્રાપ્ત કર્યું. જ્ઞાન મળ્યા પછી એમણે સારનાથમાં જઈને પોતાનો પહેલો ધર્મોપદેશ આપ્યો. એ વખતે એમના પાંચ શિષ્યો હતા. ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ એ વાક્યનો સૌપ્રથમ પ્રયોગ સારનાથમાં થયો હતો. પોતાના સિદ્ધાંતોનો શિષ્યોને ઉપદેશ આપવો એ તો સરળ હતું પરંતુ પોતાના એ સિદ્ધાંતોને જનસાધારણ સુધી પહોંચાડવું એક અઘરું કામ હતું. એ અઘરાકામને બુદ્ધે સરળ કર્યું કથાઓના માધ્યમથી. બુદ્ધ જન્મજનમાંતરની પરંપરાઓ એટલે કે પુનર્જન્મમાં માનતા હતા. જાતકકથાઓના માધ્યમથી ભગવાન બુદ્ધે એ વાતો જનસાધારણ લોકો સુધી પહોંચાડી કે જે બાબતો બુદ્ધધર્મની મૂલાધાર બાબતો છે. એટલે જ પ્રત્યેક કથા એક સિદ્ધાંતવાક્યથી શરૂ થાય છે, પછી એનો પ્રસંગ આવે છે. બુદ્ધે સ્વયં આ કથાઓ કહેલી છે. કથાઓના માધ્યમથી નીતિની વાત, ધર્મની વાત, કર્મની વાત, દયા, કરુણા – એ બધી વાતો એમણે કહી. બુદ્ધના શરીરત્યાગ પછી એમના શિષ્યોએ આ કથાઓ ભેગી કરી. એ પછી ‘જાતકકથાઓ’ રૂપે એનું સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું. બુદ્ધના ઉપદેશ મોટે ભાગે પાલિ ભાષામાં હતા તેથી આ કથાઓ મૂળમાં પાલિ ભાષામાં છે. એ સંસ્કૃતમાં નથી. મૂળમાં કથાઓ પદ્યમાં હતી પરંતુ પછી સમજાવવા માટે તેમાં વચ્ચે વચ્ચે થોડું ગદ્ય ઉમેરવામાં આવ્યું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્રએ શ્રીલંકામાં સર્વપ્રથમ જાતકકથાનો ગ્રંથ ઉપલબ્ધ કરાવ્યો જેમાં પાંચસો જાતકકથાઓ મળે છે. પાંચમી સદીમાં આર્યશૂર નામના વિદ્વાને 34 કથાઓ પસંદ કરીને ‘જાતકમાલા’ નામે આ કથાઓનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો. સંસ્કૃતથી દૂર જઈને પાલિ ભાષામાં ભગવાન બુદ્ધે એટલે જ ઉપદેશ આપ્યો હતો કે જનસાધારણ સુધી પહોંચે, પણ અંતે કથાઓ સંસ્કૃતમાં રૂપાંતરિત થઈ. ભગવાન બુદ્ધ સાથે પણ એમ જ બન્યું. તેઓ મૂર્તિપૂજા અને કર્મકાંડનો વિરોધ કરતા હતા, તો લોકોએ બુદ્ધને જ પૂજવાનું શરૂ કર્યું ! બુદ્ધના જ મંદિર બન્યા ! મૂળથી દૂર ગયેલી શાખા જાણે મૂળમાં જોડાઈ ગઈ.’

કથના પ્રવાહમાં તેમણે આગળ કહ્યું કે : ‘આ કથાઓ કેવી છે ? તો એ સમજવા માટે હું આપને એક કથા સંભળાવું. ‘સિંઘચમ્બ કથા’ નામની એક વાર્તા છે. એક બ્રાહ્મણના પરિવારમાં બોધિસત્વનો જન્મ થયો. પોતાના ધર્મનું પાલન કરતાં કરતાં એ મોટા થયા. એક દિવસ એમના ઘરે એક વેપારી રહેવા માટે આવ્યો. એ વ્યાપારી ગધેડાની પીઠ પર સમાના મૂકીને ફરતો હતો અને આજીવિકા ચલાવતો હતો. એણે આવીને પોતાનો બધો સામાન ઊતાર્યો. રાત્રે બધા સૂઈ ગયા ત્યારે આ વેપારીએ ગધેડાને સિંહનું ચામડું ઓઢાડી દીધું. એ પછી એને ખેતરમાં છોડી દીધો. વિચાર એ હતો કે ગધેડાને છોડીશ તો લોકો મારીને એને ભગાડી દેશે, પણ એને સિંહના સ્વરૂપે છોડીશ તો લોકો એને નહીં ભગાડે. ગધેડું ચરવા લાગ્યું. સવારે એક જણે જોયું કે આ તો સિંહ છે. એણે દોડીને ગામમાં જઈને લોકોને જણાવ્યું. પચાસ-સો જણ ડંડો લઈને ખેતરમાં આવ્યા. એ લોકોએ આ નકલી સિંહને ચારે બાજુથી ઘેરી લીધો. કોઈએ એને પહેલો ડંડો માર્યો. જેવો ડંડો માર્યો કે તરત મોઢામાંથી ગધેડાનો અવાજ નીકળ્યો ! લોકોએ કહ્યું ‘અરે, આ તો સિંહ છે જ નહિ, આ તો ગધેડો છે.’ પછી તો લોકોએ એને બહુ માર્યો જેથી ગધેડો ત્યાં મરી ગયો. કથા બોધ આપે છે કે વ્યક્તિએ પોતાના સત્વ થી દૂર જઈને અન્ય સત્વનું ઓઢણું ઓઢીને સત્વનો આડંબર ન કરવો જોઈએ. પોતાના વ્યક્તિત્વ અનુસાર આચરણ કરવું જોઈએ. બીજાનું અનુકરણ લાંબુ ટકતું નથી.’

વિશેષમાં દીપ્તિબેને કહ્યું હતું કે : ‘આ કથાઓમાં ઘણી બધી કથાઓ આપણી પૌરાણિક પરંપરામાંથી લેવામાં આવી હોય તેમ લાગે છે. દશરથ, જનક અને પાંડવ જાતકકથાઓ પણ મળે છે. એ બધી એ મૂળ સ્વરૂપે પણ નથી. ક્યાંક તો કોઈ કથાઓ એટલી વિકૃત રીતે આલેખવામાં આવી છે કે આપણને આક્રોશ અને પીડા થઈ આવે. હું ક્ષમા ચાહું છું પણ કેટલીક વાતો મારા મોઢેથી નીકળી જશે જે બૌદ્ધધર્મ પ્રતિ સહૃદયતા રાખવાવાળાને કદાચ નહિ ગમે. પણ મારા મનમાં દૂર દૂર સુધી એવો કોઈ વિચાર નથી કે હું કોઈ ધર્મનું અપમાન કરું કે પીડા પહોંચાડું. હું તો જે વસ્તુસ્થિતિ છે એનું વિવરણ આપી રહી છું. જેમ કે દશરથ-જાતકમાં રાજા દશરથને વારાણસીના રાજા દર્શાવવામાં આવ્યા છે. જાતકકથાઓમાં વારાણસીને બહુ મહત્વ અપાયું છે. રાજા દશરથને એક રાણી હતી. એમને ત્રણ સંતાનો હતા. એક પુત્રનું નામ રામ હતું, બીજા પુત્રનું નામ હતું લક્ષ્મણ અને ત્રીજી પુત્રી હતી જેનું નામ સીતા હતું ! રાજાની રાણીનું અવસાન થયું એટલે રાજાએ બીજું લગ્ન કર્યું. એ બીજા લગ્નથી એક પુત્ર થયો. જેનું નામ પડ્યું ભરત. ભરતની માતાએ વરદાનના રૂપમાં દશરથ પાસે માંગ્યું કે રામને વનવાસ આપો. કારણ કે ભરતની માતાની ઈચ્છા ભરતને રાજા બનાવવાની હતી. રામ સાથે લક્ષ્મણ અને સીતા પણ વનમાં ગયા. અગિયાર વર્ષે, દશરથ રાજાનું નિધન થયું. ભરત રામને બોલાવવા જાય છે. રામ પાદુકા આપે છે અને લક્ષ્મણ અને સીતાને લઈ જવાનું કહે છે. ભરત પરત આવે છે. ત્યારબાદ ભરતનો રાજ્યાભિષેક થાય છે અને સીતા સાથે એમનો વિવાહ કરવામાં આવે છે ! આ દશરથજાતકની આવી કથા છે જે જરાય ગળે ઊતરે એમ નથી. રામ તો મર્યાદાપુરુષોત્તમ છે. એમનો અવતાર રાક્ષસીવૃત્તિનો નાશ કરવા માટે થયો હતો. રાક્ષસ એટલે કંઈ મોટા નખ અને દાંતવાળા નથી હોતા. એ તો આપણી વૃત્તિઓ જ છે. રાક્ષસને આપણે ખોટા ચીતરીએ છીએ. રાવણના પૂતળા ખૂબ ખરાબ ચીતરવામાં આવે છે. એ તો વિદ્વાન પુરુષ હતો. વીર હતો. રાજનીતિજ્ઞ હતો. એના જીવનની એક જ ભૂલ હતી કે એણે સીતાહરણ કર્યું. એ એક ભૂલ ને કારણે જ એના બધા ગુણો ધોવાઈ ગયાં. ક્યાંક મનુષ્યમાં પણ એના ચારિત્ર્યની એક ખામી એના બધા ગુણોને ધોઈ નાખવા માટે પર્યાપ્ત હોય છે. આ પ્રકારની અમુક વિકૃત જાતક કથાઓ રચવાનો ઉદ્દેશ એ હોઈ શકે કે જે લોકોનો આદર્શ હોય એને જ નીચો પાડો અને પછી જે લોકો એને અનુસરે એ બધા આપોઆપ નીચા થઈ જાય. એવી કથાઓ કૃષ્ણ માટે પણ રચાઈ છે. એમને દાસીપુત્ર ગણાવ્યા છે.

પરંતુ આથી એવું ના સમજવું જોઈએ કે બધી જાતકકથાઓમાં આવી આડી-અવળી વાતો છે. બહુ જ બધી જાતક કથાઓ સુંદર વિચારો આપે છે. જેમ કે શીવી-જાતક કથાઓ છે એમાં દાનનું મહાત્મય બતાવવામાં આવ્યું છે. એક રાજા બહુ દાની હતો. ઈન્દ્ર એની પરીક્ષા લેવા બ્રાહ્મણ બનીને આવે છે. રાજા પૂછે છે ‘તમારે શું જોઈએ છે ?’ ઈન્દ્ર કહે છે હું આંધળો છું મારે આંખો જોઈએ છે. રાજા વચનબદ્ધ હતો એટલે પોતાની એક આંખ કાઢીને બ્રાહ્મણરૂપમાં રહેલા ઈન્દ્રને આપી દીધી. ઈન્દ્ર કહે ‘એક આંખથી અડધો સંસાર જ દેખાય, મને તો બીજી આંખ પણ આપો.’ રાજાએ બીજી આંખ પણ આપી દીધી. દાનશીલતાની આવી વાતો પણ જાતકોમાં છે. દયા, કરુણાની પણ અનેક કથાઓ છે. મારે એ ભ્રમ ઊભો નથી કરવો કે એમાં પૌરાણિક મતનું ખંડન કરતી કથાઓ જ છે. એ પ્રકારની થોડી ઘણી છે, પરંતુ બાકીની બોધ આપતી સુંદર કથાઓ પણ છે.’

અંતમાં તેમણે કહ્યું હતું કે : ‘બુદ્ધનો મધ્યમમાર્ગ બહુ જાણીતો છે. એક મત હતો કે જગત મિથ્યા છે. કેવળ પરબ્રહ્મ સત્ય છે. બીજો મત એવો હતો કે પુનર્જન્મ જેવું કંઈ છે જ નહિ. ભોગ ભોગવો અને દેવું કરીનેય ઘી પીઓ ! બુદ્ધે આ બંને વચ્ચેથી મધ્યમમાર્ગ કાઢ્યો. આ મધ્યમમાર્ગ પ્રમાણે પુર્નજન્મ થયા જ કરે છે. વળી, આ જન્મ-મરણ એકવાર નથી થતાં, પ્રતિક્ષણ આપણો જન્મ થાય છે અને પ્રતિક્ષણ આપણું મરણ થાય છે. બુદ્ધત્વ એટલે કે મોક્ષ ના મળે ત્યાં સુધી આ જન્મ-મરણ ચાલ્યા જ કરે છે અને કર્મ અનુસાર ઉત્પત્તિ થયા કરે છે. એટલે જ બુદ્ધ વારંવાર આવ્યા છે. કથાઓથી એમણે આ રીતે જનસામાન્યને ઉપદેશ પહોંચાડ્યો છે.’

[14] યોગવસિષ્ઠ – વસંત પરીખ

DSC_6032

આ સંગોષ્ઠિના અંતિમ વક્તા શ્રી વસંતભાઈ પરીખે હળવી અને મધુર શૈલીમાં યોગવસિષ્ઠ વિશેની ગહન વાતો કરી હતી. એમણે શરૂઆત કરતાં એમ કહ્યું હતું કે : ‘અત્યાર સુધીની આપણે જે કંઈ કથાઓ સાંભળી એ બધી સુંદર હતી અને એમાં આપણા જ્ઞાનનું સંવર્ધન થયું હશે એમાં પણ શંકા નથી. પણ મારે હવે જે કંઈ વાત કરવી છે તે આનાથી કોઈ જુદી દિશામાં જાય એવા પ્રકારની છે. આપણી અત્યાર સુધીની કથામાળામાં આપણું વ્યવહાર જગત હતું, હવે હું જેના વિશે વાત કરવાનો છું એ સાવ જુદી વાત છે. અમુક પ્રકારના પ્લેન દોડ્યા વગર ઊડી શકે છે, એ પ્રકારે આ એવી વાત છે જે આપણને વર્તમાન સ્થિતિમાંથી એકદમ સાવ ઊંચે લઈ જાય અને કંઈક નવી જ અનુભૂતિ કરાવે. એક અદ્દભુત અને અકલ્પ્ય સૃષ્ટિના અનુભવોની વાત કરાવનારો અદ્દભુત ગ્રંથ યોગવસિષ્ઠ છે. તમામ વેદાંત ગ્રંથોમાં એ શિરમોર એટલા માટે છે કારણ કે એ ચિંતનનો ગ્રંથ હોવા છતાં, કવિતા છે. દાર્શનિક કવિતાનો આ પ્રકાર છે. એક વિદ્યાર્થીએ મને પૂછ્યું કે ‘દાર્શનિક કવિતા એટલે શું ?’ આમ તો હું કંઈ કવિતાનો માણસ નહીં. પણ મેં મારી સમજ પ્રમાણે એને એટલું કીધું કે : ‘મનની વાત હૃદયની ભાષામાં કહેવામાં આવે એને દાર્શનિક કવિતા કહેવાય.’ આવું મને લાગે છે. ગહનચિંતન જ્યારે હૃદયની ભાષામાં કહેવામાં આવે ત્યારે યોગવસિષ્ઠ જેવા રામાયણનો જન્મ થાય. 1952માં આ ગ્રંથનો મને પરિચય થયો. અમારા ગામમાં એક સ્વામીજી આવ્યા હતા. એમણે આ ગ્રંથનો ખૂબ ઉલ્લેખ એમની કથામાં કર્યો હતો. એમણે ઘણા પુસ્તકો લખ્યા હતા. જો કે એ વખતે મારે વિદ્યાર્થી અવસ્થામાં એ બધી સમજવાની શક્તિ નહોતી. પણ સમય જતાં એનું ‘સસ્તું સાહિત્ય’એ પ્રકાશન કર્યું હતું એ ગુજરાતીમાં વાંચ્યું. પછી થોડું સમજાયું ત્યારબાદ મૂળગ્રંથ ટીકાસહિત વાંચ્યો. યોગવસિષ્ઠની જાણે આખી નવી જ સૃષ્ટિ છે. હમણાં અહીં આવવાનું થયું ત્યારે એ બહાને ફરી સ્વધ્યાય કરવાનો મોકો મળ્યો. અધ્યયન કરવાનો એક ફાયદો એ છે કે એ બહાને ઘરના લોકોને આપણે ઓછા નડીએ !!

યોગવસિષ્ઠના આરંભમાં વસિષ્ઠ રામને કહે છે કે ‘હું જે કહેવા માંગું છું એને પચાવવા માટે ચાર વસ્તુ જોઈએ. પહેલા તો ‘શમ’ જોઈએ.’ શમ એટલે મનની પરમ શાંતિ જોઈએ. પરમ ધૈર્ય જોઈએ. મન જરાય રખડવા ન જાય ! ચિત્ત શાંત થવું જોઈએ. શાંત ચિત્ત તો ત્યારે જ થાય જ્યારે એના પાણીને ખળભળાવનારા પથ્થરો એમાં પડતા ન હોય. એ પથ્થરો એટલે બધા આપણી ઈચ્છાઓ, આપણા રાગ-દ્વેષ, આપણા ગમા-અણગમા. બીજી વસ્તુ છે વિચાર. એટલે કે જ્ઞાન, મનન અને ચિંતન અથવા ઊંડાણપૂર્વક વિચાર કરવો તે. ત્રીજું પગલું છે સંતોષ. સંતોષ એટલે તમારી વર્તમાન પરિસ્થિતિને તમારે સ્વીકારવી. સંતોષનો અર્થ અહીં સ્વીકાર છે. જે કંઈ છે એનો બિનશરતી સ્વીકાર. એ પછી ચોથી વાત જરા અઘરી છે, એ છે સદાચાર. અગાઉની ત્રણ વસ્તુ આચારમાં પ્રગટ થવી જોઈએ. રોજબરોજના વ્યવહારમાં આવવી જોઈએ તો એ સદાચાર કહેવાય. પગલે પગલે આપણા આચાર સાથે શિથિલતાનો વ્યવહાર કરતા હોઈએ છીએ. આચરણમાં એ પ્રગટ થવી જોઈએ. આ ચાર વસ્તુ ગ્રંથના આરંભમાં મુકવામાં આવી છે. તમારે યોગવસિષ્ઠમાં પ્રવેશ કરવો હોય અને એનાથી જો તમારે તમારું રૂપાંતર કરવું હોય તો આ ચાર વસ્તુ ખૂબ અગત્યની છે. બાકી, ગ્રંથને જાણો તો માહિતી વધે અને લોકોમાં તમારો વટ પડે – એ સિવાય બીજું કંઈ થાય નહીં ! પણ જેને જીવનમાં એને ઉતારવું છે એની માટે કપરું કાર્ય છે. ભારતીય સંસ્કૃતિનું એક બહુ મોટું લક્ષણ છે કે આપણે જ્ઞાનને આચારથી જુદું નથી પાડતા. જ્ઞાન આવ્યું એટલે આચાર આવી જ ગયો. જ્ઞાન અનુભૂતિ સાથેનું જ હોય. જ્ઞાની હોય એ સદાચારી હોય જ. આ યોગવસિષ્ઠની પૂર્વભૂમિકા છે. આ યોગાવસિષ્ઠ બારમી સદીમાં લખાયું છે. એમાં અનેક વિચારોનું સંકલન કરવામાં આવ્યું છે. શૂન્યવાદ, શંકરાચાર્યનો વાદ, ભગવદગીતા સહિત અનેક બાબતો તેમાં સમાવી લેવાઈ છે. 628 સર્ગમાં 32,000 શ્લોકોમાં એનું નિરૂપણ થયું છે. યોગવસિષ્ઠ સીધેસીધી વાત કરે છે. એ મૂળપ્રશ્નને જ ઉપાડે છે અને આજની તારીખે પણ દુનિયાનો મૂળપ્રશ્ન એક જ છે : ‘આપણે કોણ ?’ The problem of self identity. પોતાની પોતાને જાણવાની ખોજ. કોઈ આપણને પૂછે કે ‘તમે કોણ ?’ એટલે આપણે બાયો-ડેટા છાપાવાળા અને ટીવીવાળાને આપીએ છીએ પણ આપણે જાણીએ છીએ કે એમાંનું બધું બૉગસ છે ! એ બાયો-ડેટા તો નકામો છે. એ બધું ભૂંસી શકાય એવું છે. નામ-રૂપના માધ્યમથી અપાયેલી ઓળખાણ છે એ તો ભ્રામક, કલ્પિત અને ભૂંસી શકાય એવી, બદલાવી શકાય એવી, નષ્ટ કરી શકાય એવી છે. એ તો કંઈ ઓળખ નથી. તો ખરેખર મારો પરિચય શું ? ખરેખર હું કોણ છું ? આ એક સવાલના જવાબમાં 32,000 શ્લોકોનું યોગવસિષ્ઠ રામાયણ આવ્યું છે.’

યોગવસિષ્ઠમાં પ્રવેશ કરતાં વસંતભાઈએ જણાવ્યું હતું કે : ‘એના આરંભમાં રામાયણની કથા જ નથી. થોડી ભૂમિકા માટે થોડોક અંશ છે. વાલ્મિકીને બ્રહ્માએ આજ્ઞા કરી કે ભારદ્વાજ ઋષિને તું આ રામાયણ સંભળાવ. બસ, આ એની શરૂઆત છે. ઉઘાડ એવો થાય છે કે રામ કિશોર અવસ્થા પાર કરી ચૂક્યા છે. દશરથના દરબારમાં વિશ્વામિત્રે આવીને રામની માંગણી કરી. દશરથે કહ્યું કે ‘હું ના નથી પાડતો પણ રામ બહુ લાંબી યાત્રા કરીને આવ્યા છે અને આવ્યા પછી એ એમના મહેલના ખંડમાં બેઠા રહે છે, બહાર નથી નીકળતા. અમારી સાથે વાતો નથી કરતા. કોઈ બોલાવે તો જવાબ નથી આપતા. ભોજન પરાણે કરે છે. કોઈ ચિંતા કે વિચારમાં ખોવાઈ ગયા છે. એટલે રામ તમારા યજ્ઞનું રક્ષણ કરવા કેવી રીતે આવે ?’ વસિષ્ઠે કહ્યું કે ‘બોલાવો તો ખરા ! એમ કહેજો કે વિશ્વામિત્ર અને વસિષ્ઠ બોલાવે છે એટલે તુરંત આવશે.’ ગુરુઆજ્ઞા થાય એટલે આવવું પડે. રામ આવ્યા. આવીને પગે લાગ્યા. રામને જ્યાં જોયા ત્યાં વિશ્વામિત્ર પોતાની માંગણી ભૂલી ગયા ! વિશ્વામિત્રે પૂછ્યું કે ‘હે રામ ! તમે કેમ થાકેલા લાગો છો ? યાત્રા કરીને આવનાર તો પ્રસન્ન હોય.’ પરાણે પરાણે બોલતા હોય તેમ રામ બોલ્યા, પછી તો વિશ્વામિત્રે પ્રોત્સાહન આપ્યું એટલે રામ બોલ્યા. પૂરા 21 અધ્યાય બોલ્યા ! રામની વાણી સાંભળવા માટે બધા સભાસદો તદાકાર થઈ ગયા. સિદ્ધો, અપ્સરાઓ અને દેવો આકાશમાં આવી ગયા. એ 21 અધ્યાયમાં રામે એમ કહ્યું છે કે ‘મેં મારી યાત્રામાં જે આંખ અને કાનથી જોયું-સાંભળ્યું એનાથી મને બહુ પીડા થઈ છે. મેં સંસારમાં દુ:ખથી ત્રસ્ત પ્રાણીઓ, જંતુઓ અને મનુષ્યોને જોયા. અકાળે મૃત્યુ પામતા લોકોને જોયા છે. નાની બાબતમાં સંઘર્ષ કરીને સ્વજનોને હણતાં જોયા છે. સત્યનું આચરણ કરીને કપટથી એકબીજાની હત્યા કરતા જોયા છે.’ – રામની વાત સાંભળીને આપણને એમ લાગે કે એ આ તો આ જમાનાનું લાગે છે, પણ ના. એ જમાનામાં પણ આવું જ હતું. આ બધું સરખું જ ચાલ્યું આવે છે ! રામ કહે છે કે ‘આ બધું જોઈને મને એમ થાય છે કે આ સંસારમાં રહેવા જેવું નથી.’ તૃષ્ણાને કારણે આ બધું થયું છે એમ તેઓ કહે છે. તમામ દુ:ખના મૂળમાં ઈચ્છા પડેલી છે. તમને કદાચ સાંભળીને નવાઈ લાગશે કારણ કે એક જગ્યાએ રામે કહેલું છે કે ‘મારી સ્થિતિ તો બુદ્ધ જેવી છે.’ રામ બહુ ભાવવાહી શબ્દોમાં નિરૂપણ કર્યું છે. રામને બહુ વૈરાગ્ય આવ્યો. છેવટે એમણે કહ્યું કે મને તો આ શરીર છોડવાની ઈચ્છા થાય છે. પણ આપ જેવા ગુરુ પધાર્યા છો તો મને ઉપદેશ આપો.

હવે આગળની વાત જરા ધ્યાનથી સાંભળજો. વિશ્વામિત્ર કહે છે કે ‘તમને વૈરાગ્ય આવ્યો છે એની માટે હું તમને અભિનંદન આપું છું. આટલી નાની ઉંમરે તમને વૈરાગ્ય આવ્યો એ માટે ખરેખર તમને ધન્યવાદ. પણ રામ, તમારા વૈરાગ્યના મૂળમાં વિષાદ છે. જે વૈરાગ્યના મૂળમાં વિષાદ હોય એ વૈરાગ્ય ટકતો નથી. વૈરાગ્ય તો એ જ સાચો હોય છે જેના મૂળમાં જ્ઞાન હોય છે.’ વિષાદથી વૈરાગ્ય તો આપણને રોજ આવતા હોય છે. ચામાં ખાંડ ના હોય અને દાળમાં ડબલ મીઠું હોય, ત્યારે માથે હાથ મૂકાઈ જાય કે અરેરે… અને એમ કરીને જ્યાં છાપું લઈને બેસીએ ત્યાં છોકરા માથે તબલાં વગાડે ! ઑફિસમાં જઈએ ત્યારે બોસ ધમકાવે કે હવે તમે સુધરો નહીં તો મારે બીજો વિચાર કરવો પડશે. માંડ માંડ બહાર નીકળીએ અને ચંપલની પટ્ટી તૂટી જાય. કોઈ ગાડીની હડફેટે ચડીએ અને કો’ક સાઈકલવાળો ડબલમાં ઘરે મૂકી જતો હોય ત્યારે રસ્તામાં પંચર પડે અને એક બાંકડે બેસીને કહીએ કે આના કરતાં તો હિમાલય જઈએ ! વૈરાગ્ય જાણે તરત આવી જાય ! એ જ મિનિટે એમ થાય કે હિમાલય તો આઘો પડશે… ગિરનાર રાખું ગિરનાર ! પછી એમ થાય કે સાંજ પડી છે ગિરનાર સુધી નહીં પહોંચાય, સતાધાર જવાય તો જવાય ! છેવટે એમ થાય કે સતાધારને બદલે મૂળ આધાર ઘર છે. ત્યાં જ જઈએ. ઘરે પહોંચે ત્યાં ઘરવાળા કહે કે તમારા બા આવ્યા છે તે શીરો, પૂરી અને ભજિયાં કર્યા છે…. એટલે પતી ગયું… બધું સૂરસૂરિયું. બીજે દિવસે નવા વૈરાગ્ય માટે સજ્જ થઈ જાઈએ ! એટલે વિશ્વામિત્ર કહે છે કે ‘રામ, આ વિષાદથી ઉત્પન્ન થતો વૈરાગ્ય છે એ બરાબર નથી.’ વૈરાગ્ય આવશ્યક છે પણ એ જ્ઞાનમૂલક હોવો જોઈએ. સમજણપૂર્વકનો હોવો જોઈએ. એના કારણો લૌકિક ન હોવા જોઈએ, એના કારણો અલૌકિક હોવા જોઈએ.

રામ હાથ જોડે છે કે, ‘આપ મને સમજાવો.’ વિશ્વાસમિત્ર કહે છે કે ‘સમજાવું તો ખરો પણ તમારો ધર્મ તમારા કુલગુરુ પાસેથી જ્ઞાન મેળવવાનો છે. વસિષ્ઠજી તમને સમજાવે એ યોગ્ય કહેવાય.’ આ વિશ્વામિત્રની ખાનદાની. પછી રામ વસિષ્ઠને હાથ જોડે છે ત્યારે વરિષ્ઠઋષિ કહે છે કે ‘રામ, તમે કંઈ નથી જાણતા એવું નથી. પણ છતાંયે આ બધો સમાજ ભેગો થયો છે એના લાભાર્થે તમે આ બધી લીલા કરો છો એ મને ખબર છે. હું તમને કહીશ.’ પછી વસિષ્ઠ કહે છે કે : ‘આ ખાલીપો, આ વૈરાગ્ય, આ બેચેની કેમ થાય છે એ તમને ખબર છે ? કારણ કે તમે દશ્યને સત્ય માની લીધું છે.’ દ્રષ્ટા જ્યારે દ્રષ્યને દ્રષ્ટાથી નિરપેક્ષ એવા સત્ય તરીકે માની લે છે ત્યારે એમાંથી જીવવાની કટોકટી એટલે કે crisies of life ઉત્પન્ન થાય છે. ‘તમે દ્રષ્યને તમારાથી અલગ માન્યું. તમે દ્રષ્યને સાચું માન્યું અને પાછું તમારાથી જુદુ માન્યું. એ પછી તમે એની સાથે સંબંધ કરવામાં જોડાયા. ખરેખર જે છે નહિ એને તમે સાચું માનીને એના પ્રત્યે તમે વહેવાર કરવા જાઓ – જે વસ્તુ જ્યાં નથી તે ત્યાં છે એમ માનીને એને તમે બાથ ભરવા જાઓ તો તમે પડો નહિ તો બીજું શું થાય ? તમારી આ સ્થિતિ જ થાય.’

રામ પૂછે છે કે : ‘દ્રષ્ય મિથ્યા કઈ રીતે હોઈ શકે ? આ સામે બધું દેખાય છે એને તમે મિથ્યા માનો એ કેમ બને ?’ વસિષ્ઠ કહે છે કે ‘વાત તો તમારી બરાબર છે. બધાયને સામે જગત દેખાય જ છે. એની ક્યાં ના છે ? પણ જેને દેખાય છે એને શું કામ દેખાય છે ? અને એને જેવું દેખાય છે એવું બીજાને દેખાય છે એની ખાતરી શું છે ? સૌનું અલગ અલગ જગત હોય એવું નથી લાગતું ? અને અલગ અલગ એટલા માટે લાગે છે કે આ જગત સર્જાયું નથી, પ્રક્ષેપિત થયું છે.’ The world is not created, it is projected. ‘તમારા ચિત્તનું પ્રક્ષેપણ તમારા નજર સામે આકરિત થઈને, એમાં તમને સ્વયંને ફસાવીને, આ આખીયે સર્ગલીલાનું નાટક તમારી પાસે કરાવતું હોવાથી, તમે તમારા સ્વરૂપને ભૂલી ગયા હોવાથી, મિથ્યા સ્વરૂપને સત્ય માનીને વર્તન કરતા હોવાથી, જે નથી એવા દુ:ખના તમે ભોગ બન્યા છો. આ પરિસ્થિતિ છે.’ રામ કહે છે : ‘આપની વાત મને સમજાય છે પણ બરાબર પકડમાં આવતી નથી. મન માનતું નથી.’ વસિષ્ઠ કહે છે કે ‘જે વાત કેવળ અને કેવળ અનુભવગમ્ય હોય એને અધુરીવાણીના માધ્યમથી ગમે એટલું તમે સમજાવો તોય ઘણું બધું છૂટી જાય. ગેરસમજ પણ થાય અને ખોટાસંકેતો પણ જાય. આવું બને. જ્યારે આવું થાય ત્યારે કેવળ એક ઉપાય છે, હું તમને કથાઓના માધ્યમથી આ સત્ય ઉદઘાટીત થાય એવી કોશિશ કરું.’ એટલે યોગવસિષ્ઠની કથાઓ, અત્યાર સુધી આપણે આ આખાય સત્રમાં જે ગોષ્ઠિ કરી એના કરતાં આ રીતે ભિન્ન છે. આ કથાઓ આપણને એક બીજા જ જગતમાં કે બીજી જ કોઈ ભૂમિકાએ લઈ જવા માટેની કથાઓ છે. અન્ય કથાઓમાં જાદુ અને ચમત્કૃતિ આવે એવું આમાંય છે પણ એ જાદુ નથી, એ ચિદવિલાસ છે.

વસિષ્ઠ કહે છે કે : ‘હું તમને બહુ મોટી કથા કહું છું પણ આમાં તમને કાલ અને દેશની ગરબડ થતી લાગશે. આપણું જીવન દેશ અને કાળની સીમામાં જ જીવાય છે અને રામ, કાળ એ સ્વતંત્ર નથી. કાળ કલ્પિત છે. દેશ પણ તમારા ચિત્તનો વિવર્ત છે. એટલે દેશ પણ તમારાથી અલગ નથી. દેશ અને કાળ તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિના માત્રને માત્ર કલ્પિત પરિમાણો છે. આટલી વાત ધ્યાનમાં રાખીને જે હું વાત કરું છું તે એક લીલા નામની સ્ત્રીની વાત કરું છું.’ લગભગ 40 અધ્યાયોની આ વાર્તા છે. એને ‘લીલોપાખ્યાન’ કહે છે. સંક્ષેપમાં કહું છું. કોઈ એક દેશમાં પદ્મ નામનો રાજા હતો. લીલા નામની એની રાણી હતી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં. સંસારને ખૂબ આનંદથી માણતા હતા. એમાં એક દિવસ લીલાને વિચાર આવ્યો કે આ આનંદ ક્યાં સુધી રહેશે ? આ યૌવન તો ચાલવા માંડ્યું છે. આ ભોગ તો પૂરા થઈ જશે ! મારો પતિ અજર અમર રહે તો કેવું સારું ! એણે પંડિતોને બોલાવ્યા. પંડિતોએ કહ્યું કે ‘અમને ખબર હોત તો અમે ના થઈ ગયા હોત ? એવું થાય નહી.’ લીલાને થયું કે આમાં મારે કંઈક જાતે જ કરવું પડશે. એટલે એણે સરસ્વતીની આરાધના કરી. તપ કર્યું. સરસ્વતી એના પર પ્રસન્ન થયા. કહ્યું કે ‘માગ… માગ…’ એને ખબર હતી કે અમરતાનું વરદાન તો સરસ્વતી નહીં આપે. એણે માગ્યું કે ‘જો હું વહેલી મૃત્યુ પામું તો કોઈ સવાલ નથી. પણ ધારોકે મારી પહેલાં મારા પતિનું મૃત્યુ થાય તો હું એમનો વિયોગ એક ક્ષણ પણ સહન કરી શકું એમ નથી. એટલે મને એવું વરદાન આપો કે મારા પતિનો જીવાત્મા મારી સામે જ રહે. બીજું વરદાન એ આપો કે હું આપને યાદ કરું ત્યારે આપ પ્રગટ થઈને મારી મુશ્કેલી દૂર કરો.’ સરસ્વતીએ હા પાડી. યોગ્ય સમયે પતિનું મૃત્યું થયું. અંત:પુરમાં લીલાએ પતિના શબને સાચવી રાખ્યું. એને બહુ આઘાત લાગ્યો અને એ ચિંતનમાં પડી ગઈ. એ પછી એણે સરસ્વતીનું સ્મરણ કર્યું. મધ્યરાત્રી થઈ હતી. એણે સરસ્વતીમાતાને પૂછ્યું કે ‘મારા પતિનો આત્મા ક્યાં હશે એ મને બતાવશો ?’ સરસ્વતીએ કહ્યું કે ‘હું તારા પર પ્રસન્ન છું, હું તને બતાવું છું. એક આશ્ચર્યની વાત તું સાંભળ. અત્યંત દૂર પણ ચિદાકાશમાં એક ગામ છે, આખું ગામ બ્રાહ્મણોનું છે અને એમાં વસિષ્ઠ અને અરુંધંતિ નામના દંપતિ રહેતા હતા. બંને સાદગીથી જીવતા હતા અને અચાનક અરુધંતિને પણ તારી જેમ થયું કે મારા પહેલા મારો પતિ મૃત્યુ પામશે તો એના વિના રહી શકીશ નહિ. એટલે એણે પણ મને પ્રસન્ન કરી હતી અને તારી જેમ એણે પણ બે વરદાન માગ્યા હતા. મેં આપ્યા હતા. આ વસિષ્ઠ નામનો બ્રાહ્મણ એકવાર ટેકરા પર બેઠો બેઠો નદી અને વનરાજીને જોતો હોય છે ત્યારે ત્યાંથી રાજાની સવારી પસાર થાય છે. રાજાનો ભપકો જોઈને વસિષ્ઠને જીવનમાં પહેલીવાર અભાવ આવ્યો. ‘હું રાજા થાઉં તો કેવું ?’ એનું મન ચગડોળે ચઢ્યું અને એમાંને એમાં એ મરી ગયો ! અરુધંતિને આઘાત લાગ્યો. એ પણ આઘાતમાં મરી ગઈ. સરસ્વતિ કહે છે કે ‘હે લીલા, આ રાજા જે મૃત્યુ પામ્યો એ વસિષ્ઠરૂપે અવતર્યો હતો. તું જે લીલા છે ને એ અરુધંતિ રૂપે અવતરી હતી અને એને મર્યાના આઠ દિવસ થયા છે. લીલા ગૂંચવાઈ ગઈ. એ કહે હજી તો મારા પતિને મર્યે અડધી રાત થઈ છે. એમાં તમે એક નવા સંસારની વાત કરી ? એ અમે હતા એમ કહો છો એટલે મારું મગજ દિગભ્રાન્ત થઈ જાય છે. હું કેવી રીતે ત્યાં અરુધંતિ રૂપે હોઈ શકું ? અને તમે કહો છો કે અમારે અનેક છોકરાઓય હતા. છોકરાઓને જન્મવામાં બે-બે વરસ તો જાય કે નહિ ? તો અમારો એ ઘરસંસાર તો વર્ષો સુધી ચાલ્યો હોય. આ મારા પતિના વિયોગની તો હજુ રાતની ઘટના બની છે. આ બધું કંઈ સમજાતું નથી. સરસ્વતી કહે છે કે ‘હજી તને એક બીજી વાત કરું. કે એ જે વસિષ્ઠ છે ને એ મરીને રાજા થયો છે. એ પાછો દૂર દૂર ક્યાંકનો રાજા થયો છે. એનેય એક રાણી છે. અને એ જે રાજા છે ને એ વસિષ્ઠ છે અને એ જે રાણી છે ને એ તું છે.’ લીલા કહે છે ‘મારું તો મગજ સાવ ભમી ગયું છે. મને તો આમાં કંઈ ખબર પડતી નથી.’ વાતેય સાચી. લીલા સરસ્વતીને એમ કેમ કહે કે તમે ગપ્પા મારો છો ?! સરસ્વતીના નામે ગપ્પા ચાલતા હોય એ જુદી વાત છે.’ એમ કહીને વસંતભાઈએ સમાજને હળવી ટકોર કરી હતી.

આગળ તેમણે જણાવ્યું કે : ‘સરસ્વતી કહે છે કે આ વાત વાણીથી સમજાવી શકાય એમ નથી, હું તને પ્રત્યક્ષ મારી સાથે લઈ જાઉં. એ લીલાના અતિવાહિક દેહને સાથે લઈને ગગનમાર્ગે ઉડ્ડયન કરે છે અને પછી એમાં ચૌદ ભુવનનું વર્ણન આવે છે. એક ગામ પાસે લઈ જઈને એણે કહ્યું કે ‘જો આ ગામ અને આ ગામમાં આગળ ઊભેલો છોકરો એનું નામ છે જ્યેષ્ઠશર્મા. આ તારો પુત્ર છે.’ બંને ત્યાં ઊતર્યા. કોઈક સાધવીઓ આવી છે એમ માનીને પેલો પુત્ર એને પગે લાગ્યો. પુત્રે કહ્યું કે ‘હે સાધવીઓ, આપ અમારે ત્યાં આવ્યા પણ અમારે ઘરે તો શોક છે આઠ દિવસનો. પિતા અને એની પાછળ માતા મરણ પામ્યા છે. અમે બધા જ ગહેરા શોકમાં ડૂબી ગયા છીએ. અમને શું કરવું એ ખબર પડતી નથી. અમારો વિષાદ દૂર થાય એવું કરો.’ સરસ્વતીએ એના માથે હાથ મૂક્યો. લીલાએ પૂછ્યું કે ‘આમાં હું ક્યાં આવી ?’ સરસ્વતીએ એના માથે પણ હાથ મૂક્યો. ત્યારે લીલાને બધું દેખાયું. એ વસિષ્ઠને પરણી ત્યારથી લઈને આ છેલ્લે મૃત્યુ પામી ત્યાં સુધીનું આખું જીવન એને દેખાડી દીધું. એ મૂંઝાઈ. લીલાએ પૂછ્યું કે ‘હે સરસ્વતી માતા આ કેમ કરીને બને ? મને તો બહુ આશ્ચર્ય લાગે છે. અર્ધરાત્રે મારો પતિ પદ્મ નામનો રાજા, એના શબને હજી સુવડાવ્યું છે, પાસે હું બેઠી છું એમાંથી તમે મને ઊંચકીને એક આખા જન્મને અને તેય સમાંતર ભવને બતાવો છો ? પૂર્વજન્મ હોય તોય હજી સમજ્યા. પણ આ તો તમે મને આ જન્મમાં મારી સામે જ મારા બીજા જન્મની વાત કરો છો એ કેમ કરીને બને ?’ વસિષ્ઠ ઋષિ રામને કહે છે કે ‘આ ત્યારે જ શક્ય બને જ્યારે આ દેશ અને કાળ ખોટા છે એમ તું માની લે. તારા ચિત્તમાં રહેલી ઘનિભૂત વાસનાને કારણે નિષ્પન્ન થયેલી આ સૃષ્ટિ છે. જ્યારે કોઈ વાસના આપણા મનમાં ઘનીભૂત થઈ જાય ત્યારે આપણે ન જોયું હોય એવું દેખાવા માંડે.’ વસિષ્ઠ કહે છે કે ‘સ્વપ્નાની દુનિયા એનામાંથી ઉત્પન્ન થઈ છે. સપનું કેમ બધાને સમજાઈ જાય છે ? કારણ કે તમે એમાંથી જાગો છો. જાગો ત્યારે ખબર પડે છે કે આ એક સપનું હતું. આ જગત પણ એક સ્વપ્ન છે. એની પ્રતીતિ જાગ્યા વિના નહીં થાય. તમે હજી જાગ્યા નથી એટલે તમને આ જગત સાચું લાગે છે. સ્વપ્નકાળે સ્વપ્ન સૃષ્ટિ પરમ સત્ય જ હોય છે. એમ જાગૃતકાળે મિથ્યા હોવા છતાં જાગૃતિની અનુભૂતિ સત્ય લાગે છે, પણ એ એવી છે નહિ. એ કેવળ તમારા ચિત્તનો વિલાસ છે.’ આ બધું વસિષ્ઠ ઋષિ લીલાને સરસ્વતીના મુખે સંભળાવે છે. અરીસામાં પર્વત દેખાય અને સામેય પર્વત દેખાય અને અરીસો ખસેડી લો તો ત્યાં કોઈ પર્વત હોય નહિ, એ જે અનુભવ છે તે અનેકરૂપતાનો અનુભવ છે. આપણે બધા જ આપણી વાસનાઓના લીધે અનેકરૂપે એકમાં રહેલા છે.

બીજી એક વાર્તા ચૂડાલાની કથા છે જે વસિષ્ઠ રામને કહે છે. એમાં મનની સ્થિતિ, મનનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે એની વાત છે. શિખીધ્વજનામનો માલવ દેશનો રાજા સૌરાષ્ટ્રની ચુડાલાને પરણ્યો. બંને અત્યંત આનંદપ્રમોદથી રહેતા હતા. એને પણ વૃદ્ધાવસ્થા આવી ત્યારે ચુડાલાને જાગૃતિ થઈ કે આ સંસાર તો અનિત્ય છે. શરીર તો જીર્ણ છે. આમાં કોઈ મજા નથી. એણે શાસ્ત્ર અભ્યાસ કર્યો. યોગ કર્યો અને ઘણી ઊંચી સ્થિતિએ પહોંચી ગઈ. રાજાને પણ એણે સમજાવ્યું કે તમે પણ આ સમજો. રાજાને ગળે બહુ વાત ઊતરી નહીં. ફરીવાર ચુડાલાએ સમજાવ્યું. રાજા સમજ્યો નહિ. એને તો આનંદપ્રમોદમાં રસ હતો. પણ ચૂડાલાની સ્થિતિ એટલી ઊંચી હતી કે રાજાને એના સંગથી વનમાં જઈને તપ કરવાની ઈચ્છા થઈ. રાજા રજા માંગે છે ત્યારે ચુડાલા એક બહુ સરસ વાત કહે છે. ચુડાલા કહે છે કે ‘તમે જાઓ, ખુશીથી જાઓ. હું બહુ રાજી થઈ. પણ તમે જશો એટલે કોણ જશે ? આ શરીર જશે પણ એની અંદર તો મન એનું એ જ છે. એ તમારી જોડે જ આવશે. તમને જે ભોગવિલાસની ઈચ્છા, તૃષ્ણા અને વાસના થાય છે એ તો મનને કારણે થાય છે. શરીરને કારણે નથી થતી. ઈન્દ્રિયો જુએ છે એ બધું મન પોતાના અર્થઘટનો કરીને સમજે છે. એટલે તમે જ્યાં જશો ત્યાં મન તો ભેગું જ આવવાનું છે.’ તો શું થાય ? રાજાએ વાત સમજી. એણે મનને સુધારવાનો પ્રયત્ન કર્યો. અઢાર વર્ષ પછી ચુડાલા એની પરીક્ષા કરવા ગઈ ત્યારે એણે જોયું કે રાજાને ખરેખર જ્ઞાન પ્રાપ્ત થયું છે. જ્યાં સુધી માણસ પોતાના મનનો લય નથી કરી નાખતો ત્યાં સુધી એને પોતાના સ્વરૂપનું અનુસંધાન થતું નથી. જ્યારે સ્વરુપાનુસંધાન થઈ જાય છે ત્યારે સ્થૂળ દેહ ગમે તે સ્થિતિમાં હોય તો પણ એના આંતરિક સત્વને બિલકુલ અસર થતી નથી. એ સંસારમાં રહેવા છતાં સંસારની ઉપર એવી different plane of reality માં વસે છે. ક્યારેક તમે બેઠા હો અને તમે તમને જ જુઓ છો એવો પ્રયોગ કરવા જેવો ખરો ! એ પ્રયોગમાં કદાચ એકાદ ક્ષણ એવી આવશે કે આપણે બધા જ આપણાથી ઉપર ઊઠી ગયા હોઈશું એમ લાગશે.’ એમ કહીને વસંતભાઈએ યોગવસિષ્ઠ વિશેના વક્તવ્યનું સમાપન કર્યું હતું.

[ ‘વાચસ્પતિ પુરસ્કાર’ પ્રદાન વિધિ ]

સંગોષ્ઠિ-5ના સમાપન બાદ, પ્રતિવર્ષ આ ઋષિપંચમીના દિવસે નિયમિતરૂપે અપાતા ‘વાચસ્પતિ પુરસ્કાર’ પ્રદાન વિધિનો આરંભ થયો હતો. આ વર્ષે તત્વજ્ઞાનના વરિષ્ઠ-પ્રસિદ્ધ વિદ્વાન અને અમદાવાદના રહેવાસી એવા પ્રો. સી.વી. રાવળ સાહેબને (શ્રી ચીમનલાલ વલ્લભરામ રાવળ) આ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પ્રદાન વિધિ અગાઉ વિવિધ વક્તાઓએ તેમનું અભિવાદન કર્યું હતું. શ્રી અજિતભાઈ ઠાકોરે ‘પુરસ્કારપત્ર’નું વાંચન કર્યું હતું. તેમજ સમગ્ર સત્રના સુત્રધાર શ્રી હરિશ્ચંદ્રભાઈ જોશીએ અગાઉના વર્ષોમાં અપાયેલા ‘વાચસ્પતિ પુરસ્કાર’ની વિગતો આપી હતી જેમાં ઈ.સ. 2000માં પ.પૂ શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી, 2001-ડૉ. કે.કા. શાસ્ત્રી, 2002-ડૉ. ભગવતીપ્રસાદ પંડ્યા, 2003-ડૉ. એસ્તેર સોલોમન, 2004-ડૉ. વસંત પરીખ, 2005-ડૉ. તપસ્વી.એસ.નાંદી, 2006-ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, 2007-ડૉ. લક્ષ્મેશ વલ્લભજી જોષી, 2008-ડૉ.પ્રો. અરવિન્દ હર્ષદરાય જોષીને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રી હરિશ્ચંદ્રભાઈએ ચાલુ વર્ષે અપાનાર વર્ષ-2008 માટેના પુરસ્કૃત વિદ્વાન પ્રો. સી.વી રાવળ સાહેબનો વિસ્તૃત પરિચય આપ્યો હતો જેની વિગતો આ પ્રમાણે હતી :

‘પ્રો. ચીમનલાલ વલ્લભરામ રાવલનો જન્મ 13, નવેમ્બર 1929ના દિને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શીયાણી ગામે શિક્ષક માતા-પિતાને ત્યાં થયો. તેઓએ પોતાનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ચોટીલા તથા લીંબડી ખાતે પૂર્ણ કર્યું. મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીકની પરીક્ષા તેઓએ દ્વિતીય વર્ગમાં 1946ના વર્ષમાં ઉત્તીર્ણ કરી. તેઓ માધ્યમિક શાળામાં પાંચ વર્ષ શિક્ષક તરીકે રહ્યા. ત્યારબાદ નોકરી છોડી વધુ ઉચ્ચ અભ્યાસ અર્થે ધર્મેન્દ્ર કૉલેજ, રાજકોટ ખાતે દાખલ થયા અને 1955માં ગુજરાત યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાનના વિષયમાં પ્રથમ વર્ગમાં પાસ થઈ કોલેજના ફેલો નિમાયા. ભાવનગર શામળદાસ કૉલેજમાં તત્વજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે પસંદગી પામતાં ત્યાં પાંચ વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું. તે દરમ્યાન બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પરીક્ષા તત્વજ્ઞાનના વિષય સાથે દ્વિતીય વર્ગમાં 1959ના વર્ષમાં પસાર કરી. આ ઉપરાંત, તેઓએ રાષ્ટ્રભાષા ‘રત્ન’, વર્ધાની ઉપાધિ 1953માં તથા હિન્દી ‘સેવક’ની ઉપાધિ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતેથી 1954ના વર્ષમાં પ્રાપ્ત કરી હતી. તેઓએ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટના અને ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ અને પી.એચ.ડી.ના વિઝીટીંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપી છે. વિવિધ સરકારી કૉલેજોમાં તત્વજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક તથા અધ્યક્ષપદે રહી કુલ 33 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા.

ફેકલ્ટી ઑફ આર્ટસ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી; એકેડેમિક કાઉન્સીલ તથા ફેકલ્ટી ઑફ આર્ટ્સ, ગુજરાત યુનિવર્સિટી; બોર્ડ ઑફ સ્ટડીઝ, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા; ફીલોસોફી એડવાઈઝરી કમિટી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ; સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર; અભ્યાસક્રમ સમિતિ-ધોરણ-12, ગુજરાત રાજ્ય; પાઠ્યપુસ્તક લેખક સમિતિ; જ્ઞાન કોશ-ફિલોસોફી, ગુજરાત યુનિવર્સિટી; બોર્ડ ઑફ સ્ટડીઝ ઈન ફિલોસોફી, ભાવનગર યુનિવર્સિટી વગેરેમાં સભ્ય તરીકે રહી ચૂક્યા છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ મેમ્બર પણ રહી ચૂક્યા છે. તેઓ બોર્ડ ઓફ સ્ટડીઝ ઈન ફીલોસોફી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ અધ્યક્ષ પણ છે. પ્રો. સી.વી. રાવલ ઈન્ડિયન ફિલોસોફિકલ કોંગ્રેસ, અખિલ ભારતીય દર્શન પરિષદ, ગુજરાત તત્વજ્ઞાન પરિષદ તથા વર્લ્ડ ફેડરેશન ઓફ ઈન્ટર-રિલીજીયસ કાઉન્સીલના આજીવન સભ્ય છે. તેઓ ગાંધીજી અને ગીતા, જૈન દર્શનમાં સદાચાર, ભગવાન બુદ્ધનો જીવનસંદેશ, ચાણક્યનું નીતિશાસ્ત્ર જેવા અનેક રેડીયો વાર્તાલાપમાં ભાગ લઈ ચૂક્યા છે તેમજ કોમ્યુનલ હાર્મની જેવા અમદાવાદ દૂરદર્શનના ટી.વી. શૉમાં ભાગ લઈ ચૂક્યા છે.

તેઓએ તત્વજ્ઞાન વિષયના ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કૃતના સ્નાતક તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓ તથા અન્ય જિજ્ઞાસુઓને ઉપયોગી એવા ચાર્વાક દર્શન, શ્રીમદ શંકરાચાર્યનું તત્વજ્ઞાન, પૂર્વમીમાંસા દર્શન, પારિભાષિક કોશ-તત્વજ્ઞાન, ભારતીય દર્શન (ષડદર્શનો), આચાર્યોનું તત્વચિંતન (આદિ શંકરાચાર્યથી પં. બલદેવ વિદ્યાભૂષણ), અવૈદિક દર્શનો (ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શન), પ્રસ્થાન-ત્રયી (ઉપનિષદો, બ્રહ્મસુત્રો તથા શ્રીમદ ભગવદગીતા દર્શન), શ્રીમદ ભગવદગીતા દર્શન, શ્રીમદ શંકરાચાર્ય (કેવલાદ્વૈતવાદ), શ્રી રામાનુજાચાર્ય (વિશિષ્ટાદ્વૈત), શ્રીમદ વલ્લભાચાર્ય (શુદ્ધાદ્વૈતવાદ), ભારતીય દર્શનમાં આત્મતત્વ તથા પરમાત્મતત્વની વિભાવના (જૈન દર્શનના વિશિષ્ટ સંદર્ભમાં) જેવા પુસ્તકો લખ્યા છે. તેઓએ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગેઝીન અને રીસર્ચ જર્નલ્સમાં તત્વજ્ઞાન, કમ્પેરેટીવ રિલીજીયન, આઈડીયોલોજી વગેરે વિષયો પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનેક મનનીય લેખો લખ્યા છે. ભારતીય તત્વજ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓને પ્રણવ ભારતી ફાઉન્ડેશન, કર્ણાટક દ્વારા ‘પ્રણવ ભારતી’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ધર્મ તથા દર્શન ક્ષેત્રે થતી વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં તેઓએ સક્રિય સેવા તથા અમૂલ્ય પ્રદાન આપ્યું છે. નિવૃત્તિ બાદ પણ તેઓ વાચન-લેખનની પ્રવૃત્તિમાં યત્કિંચિત યોગદાન આપી રહ્યા છે. હાલ તેઓ 28, નોવેક્ષ રો-હાઉસીઝ, શિવરંજની સોસાયટી પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ-380015 ખાતે પોતાના કુટુંબ સાથે આનંદથી જીવન પસાર કરી રહ્યા છે.’ એમ કહીને શ્રી હરિશ્ચંદ્રભાઈએ પુરસ્કાર પ્રદાન વિધિ માટે સૌને નિમંત્રણ આપ્યું હતું.

DSC_6108

પુરસ્કાર વિધિમાં સૌપ્રથમ તેમનું અને તેમના પત્ની શ્રીમતી મૃદુલાબેનનું તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂ.બાપુએ રાવલ સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. તે પછી તેમના હસ્તે ‘વાચસ્પતિ પુરસ્કાર’ પ્રદાન કરવામાં આવ્યો હતો જેનું શ્રોતાઓએ ઊભા થઈને તાળીઓથી અભિવાદન કર્યું હતું. રોમાંચ પેદા કરતી આ ધન્ય ઘડી સૌ કોઈ માટે ચિરસ્મરણીય બની રહી હતી. પુરસ્કારની રકમ મહુવાના નિવાસી અને વરિષ્ઠ પત્રકાર શ્રી કાન્તિભાઈ ભટ્ટના હસ્તે આપવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર સત્રના અંતિમ ચરણમાં પૂ. મોરારિબાપુએ આભારદર્શન માટેના વક્તવ્યનો પ્રારંભ કર્યો હતો.

[આભારદર્શન – પૂ. મોરારિબાપુ]

DSC_6121

શ્રી રામચંદ્રં શરણં પ્રપ્રદ્યે |
શ્રી રામદૂતં શરણં પ્રપ્રદ્યે ||

પ્રતિવર્ષ યોજાતા ત્રિદિવસીય સંસ્કૃતસત્રના સમાપન દિવસે, સંસ્કૃતની જેમણે ઉપાસના કરી એવા વિદ્યાપુરુષની ઉપાસના કરવાનો આપણો આ એક ક્રમ રહ્યો, એ ક્રમમાં આજે આપણે બધાએ સાથે મળીને જે વિદ્યાપુરુષની વંદના કરી એ પૂજનીય તેમજ આદરણીય રાવલસાહેબને મારા પ્રણામ અને સાથે સાથે મૃદુલાબહેનને પણ મારા પ્રણામ. જેમના વડે આ કાર્ય થઈ રહ્યું છે તે કમિટિના બધા જ આદરણીય વડીલો, ત્રણ દિવસ ઔદાર્યપૂર્વક આવેલા અને જેમણે પોતપોતાના વિષયમાં રહીને આપણને સત્સંગ કરાવ્યો… એ સહુ આદરણીય વક્તા-વડીલો-બહેનો ઉપરાંત સૌ ભાવકો, શ્રોતાઓ અને અન્ય સૌ ભાઈ-બહેનો… સૌને મારા પ્રણામ. આ ભૂમિના સમર્થ પત્રકાર શ્રી કાન્તિભાઈ ભટ્ટને પણ માર નમન.

અસ્મિતાપર્વ અને સંસ્કૃતસત્રના સમાપનમાં મારે બોલવાનું આવે જ છે અને બોલું પણ છું પણ મેં એક સંત પાસેથી સાંભળેલું જે મને ગમેલું કે સાચો ઉપવાસ કયો ? એ સંતે મને કહેલું કે એકાદશીનો ઉપવાસ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે બારસના દિવસે એને ચિંતા થાય કે આજે મારે જમવું પડશે ! આવું એક દુ:ખ સર્જાય. આમ જેને થાય એનું એકાદશીનું વ્રત સાચું. એમ મને હંમેશાં એમ લાગ્યું છે કે શ્રાવણ મહિનાનું એક મહિનાનું મૌન થયા પછી મને અંદરથી બીક લાગે કે આજે મારે બોલવું પડશે ! એવી હંમેશા મારી અનુભૂતિ રહી છે. પરંતુ આપ સૌ વિદ્યાપુરુષો-બહેનો સૌ ગુરુકૂળનું આમંત્રણ સ્વીકારીને આવો છો અને મને ઘરે બેઠાં આટલો સત્સંગ કરાવો છો તેથી મને લાગે છે કે હું બડભાગી છું. હું કંઈ ભાગ્યના નામે રોદડાં રોવું એવો બાવો નથી ! કહેવાય છે ને કે નદીમાં પૂર ગામમાં વરસાદ થાય એના લીધે ના આવે, પૂર તો ત્યારે જ આવે જ્યારે ઉપરવાસમાં બહુ વરસાદ થયો હોય. એમ આ બધી જ પ્રવૃત્તિમાં ક્યાંક ઉપરવાસનો વરસાદ કામ કરે છે. આ સિવાય બીજું કશું નથી. એટલે જ હું મારા ભાગ્યને સદભાગી ગણું છું. એક તો સાધુકૂળમાં જન્મ્યો ત્યારથી જ સદભાગી છું. આપ સૌ કેવળ અમારા અહેતુ પ્રેમને લીધે અહીં આવવા હંમેશા પ્રસન્ન હોવ છો એ મારું વિશેષ સદભાગ્ય છે.

આખું વર્ષ ફર્યા કરું છું, બોલ્યા જ કરું છું, પણ અહીં અસ્મિતાપર્વના ચાર-પાંચ દિવસ અને સંસ્કૃતસત્રના ત્રણેક દિવસ, જે શ્રવણ કરું છું એ મારી ભક્તિ છે. કારણ કે નવધાભક્તિમાં શ્રવણને પ્રથમ ભક્તિ કહી છે. એટલે મારે બોલવું પડે છે તેથી બોલું છું પણ બોલવું ગમતું નથી એમ પણ વાત નથી. કથાની તો આખી વાત જ જુદી છે. પણ અહીં એમ થાય કે કેવું સુંદર સમાપન વસંતભાઈએ કર્યું ! પછી શું બોલવાનું બાકી રહે ? મને લાગે છે વસંતભાઈ જ્ઞાન સાથે હિંમત આપે છે અને જ્ઞાન સાથે સ્મિત પણ આપે છે. આ બોલવાની વાત પરથી મને યાદ આવે છે કે આદરણીય શ્રી સુરેશભાઈ દલાલે એક લેખનું મથાળું આપ્યું હતું કે ‘વાણીનો વણકર કબીર’. મને આ મથાળું બહુ ગમ્યું. આખરે તો કોઈ પણ રૂપમાં કથાની પ્રસ્તુતિ કરનારા બધા વાણીના વણકરો છે. કથાના કેટલા બધા લક્ષણો જાણવા મળ્યા ! કથાનું આટલું વિશાળ સ્વરૂપ આજે ખબર પડી ! હું તો કથા કહ્યે જ જાઉં છું ! ઉપરવાસના વરસાદને લીધે અને તમારા સૌના આશીર્વાદથી બે કાંઠામાં વહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. વણકર જ્યારે કાપડ વણે છે ત્યારે તાણવાણા નાખે છે. તો મને એમ થાય છે કે વાણીના વણકરના તાણાવાણા ક્યા ? વાણીનો વણકર એટલે પોતપોતાના ક્ષેત્રમાં કાર્ય કરનાર કોઈ પણ. એ પછી લખીને કથા કરતો હોય, બોલીને કરતો હોય, વાંચીને કરતો હોય…. ગમે તે. એ બધા જ વ્યાસપીઠના કબીરો છે. એણે એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે એના તાણાવાણા બરાબર સમજાવવા જોઈએ. વાણીના વણકરના ‘વાણા’ એટલે વિચાર અને ‘તાણા’ એ વર્તન. તુલસીદાસજીએ આ બાબતને લગતી વાત કરતાં વિનયપત્રિકામાં આખું યોગવસિષ્ઠ ઉતાર્યું. અહીં વૈરાગ્યની પણ હમણાં વાત થઈ. આપણો વૈરાગ્ય તો કેવો ? નિષ્કુળાનંદજીને ગાવું પડ્યું ‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના’. એમાંની શરતો પણ આપણે જોઈ. અહીં કહેવાયું કે શાંતપણું, નિર્મળ વિચાર, સંતોષ – પણ છેલ્લે જે આચરણ અને વર્તનની વાત આવી એ મોટામાં મોટી કસોટી છે. વર્તન એ તાણો છે અને વિચાર એ વાણો છે. વાણો હોય અને તાણો ના હોય તો વસ્ત્ર બનતું નથી. જે વક્તાની પાસે વાણીનો વાણો હોય, વર્તનનો તાણો હોય તો એમાંથી કયું વસ્ત્ર બને ? એ વસ્ત્ર જે બને એનું નામ છે વિવેક. કબીરે વાણી અને વર્તનના તાણાવાણાથી એક વિવેકની ચાદર વણી અને પંડિતોની વચ્ચે આ માણસ વિવેકની ચાદર ઓઢીને ફરતો હતો. આપણા બધાના સદભાગ્ય છે કે જ્યારે જ્યારે આપણે આ બધા વક્તાઓને સાંભળીએ છીએ ત્યારે ત્યારે આપણને બધાને એ ચાદર કોઈને કોઈ રૂપે ઓઢેલી દેખાય છે.

કથાની શરૂઆત માણસના સર્જનથી થઈ, વેદકાળથી થઈ…. એમ અહીં જુદી જુદી રીતે કહેવાયું. કથાનો ઈતિહાસ જાણે કે બહુ જ આદિ સૃષ્ટિ સાથે શરૂ થયો. પણ મારે તમને એ કહેવું છે કે રામચરિત માનસનું દર્શન આ કથાના પ્રવાહ માટે શું કહે છે ? એના માટે મારે એટલું જ કહેવાનું કે :

પૂછેઉ રઘુપતિ કથાપ્રસંગા | સકલ લોક જગ પાવની ગંગા ||

ભગવાન મહાદેવ બોલ્યા છે કે કથાઓ સકલ જગતને પાવન કરનારી ગંગા છે. એ કથા કોઈ પણ હોય. કથાસરિત્સાગરમાં આવતી હોય, બ્રાહ્મણગ્રંથમાં આવતી હોય કે જાતકકથાઓમાં આવતી હોય. અમારા લાભુદાદા તો એમ કહે કે ‘યા દેવી સર્વભૂતેષુ, કથારૂપેણ સુસંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:’ બધી જ કથાઓ ગંગા છે. આ કથાઓ પ્રગટે ક્યાંથી ? રહે ક્યાં અને જાય ક્યાં ? શ્રદ્ધાજગતમાં કથા શિવની જટામાંથી પ્રગટે. એટલે કે કોઈ પણ કથાનું પ્રાગટ્ય પ્રજ્ઞાવાન વ્યક્તિના મસ્તકમાંથી થતું હોય છે. રામચરિત માનસમાં આવે છે કે ‘રચિ મહેશ નિજ માનસ રાખા…’ એટલે કે કથાઓનું નિવાસસ્થાન હૃદય છે. હમણાં વસંતભાઈએ કહ્યું તેમ હૃદયની ભાષાની આ વાત છે. કેવળ બુદ્ધિમાંથી નીકળેલી વાત વાયા હૃદય ન થાય તો એને ગંગાસાગરનો વિશ્રામ પ્રાપ્ત ન થાય. કથા પરંપરા પ્રવાહી જ રહેવી જોઈએ. એ વહેતી રહેવી જોઈએ. પાણીથી કપડાં ધોવાય પણ પાણીનો બરફ થાય તો એ કપડાંને ફાડી નાખે. એમ પરંપરાઓ જડ બને તો એ કેટલાયનાં પોત બગાડી નાખે. કથાની પરંપરા પ્રવાહી છે. એ કથા જાય છે ગંગાસાગરમાં. એટલે કે કથાને પહોંચવાનું છે લોકો સુધી. એ જ એનો ગંગાસાગર છે. શ્લોકને પહોંચવાનું છે લોક સુધી. છેલ્લા માણસ સુધી આ કથા પહોંચવી જોઈએ. એ રીતે આ બધી જ પ્રવૃત્તિઓ કથાના પ્રવાહરૂપે પ્રતિવર્ષ વહેતી રહે છે. આપની પ્રજ્ઞાના વિચારોમાંથી ઊઠેલો પ્રવાહ આપ હૃદયથી આ મારા નાનકડા એવા આ ગંગાસાગરમાં ભેળવવા પધારો છો એનો અમને એક વર્ષ સુધી ગંગાસાગરના ઉછાળાની જેમ આનંદ રહે છે. આપ સૌ આવો છો એ આપની ઉદારતા છે. આ આપ સૌના વખાણ કરવા માટે નથી કહેતો. આપ મને સમજી શકો છો. હું હૃદયથી કહી રહ્યો છું. હૃદયથી આપને પ્રણામ કરું છું. આ વિદાય આપને ફરીથી બોલાવવા માટે છે. નીતિનભાઈ વડગામાએ હમણાં એક બહુ સરસ ગઝલ લખી કે શું કામ આપણે આ મહાપુરુષોની, હનુમાનજીની અને વિદ્વાનોની વંદના કરીએ છીએ ? એનું કારણ એમણે કંઈક આ રીતે આપ્યું :

આયખું કો’ક આખું ભરે છે, એટલે માથું નમે છે.
ઝીણું ઝીણું ઝરમરે છે, એટલે માથું નમે છે.

હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે આ બધી કથાઓમાં પ્રતિકો અને નિમિત્તો જુદા છે બાકી સત્ય જ કેવળ સત્યનું દાન આપી શકે છે. સત્ય પોતે જ પોતાને આપી શકે છે, બીજું કોઈ એને આપી શકતું નથી. જેમને સત્ય મળ્યું હોય એ જ સત્યનું દાન કરી શકે એટલે જ એમને માથું નમે છે. એ પછી ભલેને કોઈ પણ કળા કે કોઈ પણ વિદ્યા હોય. ‘ઝીણું ઝીણું ઝરમરે છે’ એટલે પ્રભાવ પાડ્યા વગર સ્વાભાવિક વરસી જાય છે એટલે માથું નમે છે. આજે આપ સૌની સમક્ષ એટલે જ માથું નમે છે કારણ કે આપ અમારું આયખું ભરો છો. આ ગુરુકૂળ એથી ધન્ય બને છે. આ ગુરુકૂળમાં ગામડાંના અકિંચન સાધુઓના બાળકો ભણે છે અને રહે છે. હું ક્યારેય એમને પ્રવચન આપતો નથી કે એમના ટકા પૂછતો નથી. જયદેવભાઈ વગેરે છે એ એમની સંભાળ લે છે. પણ ગુરુકૂળ બન્યાના આટલા વર્ષો પછી હવે મને સમજાય છે કે વિદ્યાર્થીઓ તો નિમિત્ત છે પણ આ ગુરુકુળ કદાચ આ પ્રકારના સત્રો માટે જ બન્યું હશે. તેથી આપ આ સત્રોમાં તો આવો જ છો પણ જ્યારે જ્યારે આપને એમનેમ પણ આવવાની ઈચ્છા થાય – સ્વાધ્યાય કરવા, ચિંતન કરવા, અનુષ્ઠાન કરવા ત્યારે કાયમ ગુરુકૂળના દરવાજા ખુલ્લા છે જ પણ એ સાથે મોરારિબાપુનો હૃદયનો દરવાજો પણ ખુલ્લો છે. એટલે આપ સૌ આવતા રહેજો. વિશેષ કંઈ નહીં કહેતા, એક પંક્તિથી પૂરું કરું :

પ્રેમ સે બોલા કરો,
પ્રેમ સે બુલાયા કરો,
યે આપ કા ઘર હૈ, આયા જાયા કરો  |

.


[ સંસ્કૃતસત્ર-10ના ફોટોગ્રાફ્સ નીચે પ્રમાણે છે : (સૌજન્ય : સંગીતની દુનિયા પરિવાર, મહુવા) ]

[સંસ્કૃતસત્ર-10ના સંપૂર્ણ લેખની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે : Click Here ]

[1] સંસ્કૃતસત્ર-10: ડી.વી.ડી પ્રાપ્તિસ્થાન :
સંગીતની દુનિયા પરિવાર, c/o નિલેશ સંગીત ભવન, નાગરીક બેન્ક પાસે, મહુવા-364290. ગુજરાત. ભારત. ફોન : +91 2844 222864.

[2] કાર્યક્રમનું સ્થળ:
શ્રી કૈલાસ ગુરુકુળ, માલણ નદીને કાંઠે, મહુવા (જિ. ભાવનગર, ગુજરાત): ફોન : +91 2844-222090.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ‘અજંતા’નો જનતા-સમય – વંદના શાંતુઈન્દુ
સંસ્કૃતસત્ર : સંસ્કૃત સાહિત્યમાં કથા (ભાગ-1) – મૃગેશ શાહ Next »   

15 પ્રતિભાવો : સંસ્કૃતસત્ર : સંસ્કૃત સાહિત્યમાં કથા (ભાગ-2) – મૃગેશ શાહ

 1. મૃગેશભાઈ,

  આ આખાંય સત્રની વિગતો એકી બેઠકે વાંચી ગયો. જેટલી મજા એને સાક્ષાત સાંભળવાની આવી હતી એટલીજ મજા વાંચવાની પણ આવી, આ આપણા સૌ માટે એક પરિપાક છે, જેનું મનન આપણે સત્તત કરતા રહેવું અતિ આવશ્યક છે.

  આપણા સદભાગ્ય કે પૂ. બાપુ દ્વારા પ્રેરીત આવા આયોજનો આપણને સૌને એક માધ્યમ પૂરું પાડે છે એ જાણવાનું, જે આપણી સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે. આ માટે પૂ. મોરારીબાપુ અને સૌ સહયોગીઓને શત શત પ્રણામ.

 2. M.D.Gandhi, U.S.A. says:

  વાંચતા વાંચતા પણ થાકી જવાય પણ આવી સરસ વાતો વાંચીને જ્ઞાનસત્રમાં ગયા વગર પણ જાણે હાજર હોઈએ એવો અનુભવ થાય કે જો હાજર હોત તો કેવો આલ્હાદક અનુભવ મળત.

  પુજ્ય શ્રી મોરારિબપુએ સરસ કહ્યું કે ‘કહેવાય છે ને કે નદીમાં પૂર ગામમાં વરસાદ થાય એના લીધે ના આવે, પૂર તો ત્યારે જ આવે જ્યારે ઉપરવાસમાં બહુ વરસાદ થયો હોય. એમ આ બધી જ પ્રવૃત્તિમાં ક્યાંક ઉપરવાસનો વરસાદ કામ કરે છે. આ સિવાય બીજું કશું નથી.’ એમ આ બધી કથાઓ આજે ભલે ભુલાતી જાય છે પણ ખરેખર આ બધી કથાઓમાં જે જ્ઞાન છે તે આજે પણ જીવનમાં ડગલે ને પગલે છાને અછાને ઉપયોગી લાગે છેજ.

  આટલું બધું બહુ સરસ વાંચવા અને જાણવા મલ્યું. તમે લખવાની પણ બહુ સરસ મહેનત કરી છે. આવી સરસ “વાનગી’ઓ સુંદર રીતે સજાવીને પીરસવા બદલ તમને ખુબ ખુબ અભિનંદન.

 3. ખૂબ સુંદર. આટલા સરસ અહેવાલ બદલ આપનો આભાર.

 4. Vraj Dave says:

  અત્યારે તો ફક્ત ખુબજ દિલચસ્પ અને જકડી રાખે તેવું.
  ફરી આગળ મલસું.
  ખુબજ લાગણીસભર આભાર.
  વ્રજ દવે

 5. nilam doshi says:

  મોરારીબાપુનું વકતવ્ય હમેશની માફક શિરમોર સમાન રહ્યું.

  મૃગેશભાઇ..લોકો સુધી પહોંચાડી તમે ખરેખર સાચા અર્થમાં ગમતાનો ગુલાલ કર્યો છે.

  આભાર અને અભિનંદન

 6. dilip says:

  Mrugeshbhai,
  Please keep this article in our read gujarati so that anybody can read in future.Your previous article of Mahuva satsang still i wish to read.Thank you very much for providing such healthy spiritual articles.Thanks.

 7. RAKESH THAKKAR, VAPI says:

  સરસ જાણકારી મળી.

 8. nim says:

  મૃગેશભાઇ નો ખુબ ખુબ આભાર.

 9. 'સંતોષ' એકાંડે says:

  શ્રી મૃગેષ ભાઈ,
  લેખ આપીને સંસ્કૃત સત્રમાં હાજર હોવાની અનૂભૂતિ કરાવી દીધી.તમામ વક્તાઓનાં વક્તવ્યો જાણે ત્યાં સાક્ષાત
  હાજર રહીને અનુભવ્યાં.
  વક્તાઓનાં વ્યાખ્યાનોને કારણે આપણાં ભૂલાતાં જતા વેદ તેમજ પુરાણોનાં સાહિત્યને નવી નજરે નિહાળવાનો
  મોકો મળ્યો. બાકી આજનાં ઝડપી જમાનામાં એ તરફ નજરજ કોની જાય છે…? થોડામાં ઘણુ એટલેજ જાણેકે,
  “કથરોટ માં ગંગા” મળી ગઈ.
  તે જમાનાનાં લેખકોએ સમાજને સદમાર્ગે વાળવા આ પ્રકારનાં પુરાણોની રચનાઓ કરી. તે કથાઓને આધાર બનાવીને આજ નાં લેખકો હાલનાં જમાનાની આધુનીક શૈલી અપનાવીને તેમનાં લેખો કે વારતાઓ લખે, તો તેનો ઉપયોગ સમાજને પાછો સદમાર્ગે વાળવા થઈ શકે. ફક્ત આજનાં યુવાનને સાહિત્ય તરફ વાળવાનો પ્રયત્ન કરવો પડે.
  આપણાં લાડીલા મોરારિબાપુનો યત્ન ત્યારેજ સફળ થયેલો ગણાશે.
  વંદે માતરમ્

 10. સંસ્કૃતસત્રમાં સહભાગી થવાનું તો સદભાગ્ય નથી મળ્યું પણ કથાનું શ્રવણ પણ ચિત્ત મનને એક અદ્ભૂત અનુભુતિથી ભરી દે છે.

  સારુ છે મૃગેશભાઇ તમે બે દિવસનો વિરામા રાખ્યો છે નહીંતર ચાર નવા લેખ વંચવાની લાહ્યમાં આટલી બધી અમૂલ્ય વાતો ગુમાવી દેત. 🙂

  નાના હતા ત્યારે પંચતંત્રની વાતો સાંભળતા અને કેટલીક વાતો મનમાં બેસી ગયેલી …જેવીકે ચતુર કે લુચ્ચુ શિયાળ, ભોળુ ઘેટું, ચતુર કાગડો વિગેરે. વાર્તાનું વિશ્વ એટલું વિશાળ અને રોમાંચિત કરે એવું હોય છે કે આજે પણ બાળકો વાર્તાનું નામ પડતાં જ ઉછળી પડે છે. આજે આ વાર્તાનું માધ્યમ માત્ર પુસ્તક નથી પણ હવે તે વિડીઓ સી.ડી. સ્વરુપે પણ ઉપલ્બ્ધ છે.

  કથા એટલે આપણા મનમાં એક વ્યાખ્યા ઘર કરી ગઇ છે કે આધ્યાત્મિક કથા કે ઉપદેશ….પણ કથા એટલે વાર્તા, કથા એટલે જ્ઞાનની વહેંચણી ….

  સાપેક્ષ/નિરપેક્ષ રીતે આ જ્ઞાના આપનાર સૌનો આભાર.

 11. harikrishna patel says:

  ખરેખર આનન્દ દાયક્.

 12. sudhir patel says:

  સંસ્કૃત-સત્રના સુંદર અહેવાલ બદલ અને અમને વિદેશ બેઠા પણ વિસ્તૃત માહિતી પૂરી પાડવા બદલ મૃગેશભાઈનો હાર્દિક આભાર!
  સુધીર પટેલ.

 13. Ashish Dave says:

  Thanks Mrugeshbhai for sharing such a beautiful articles…

  Ashish Dave
  Sunnyvale, California

 14. પ્રિય મૃગેશભાઇ ! અને દાદા…નમસ્કાર !બન્ને ભાગનો
  પ્રવાહ વાઁચી સૌ તરફ આભાર સહિત પ્રણામની એક
  લાગણી પરદેશમાઁ બેઠો મોકલુઁ છુઁ.આવો જ પ્રયાસ
  ભવિષ્યમાઁ અન્ય ભાષા માટે પણ સ્તુત્ય ગણાશે.
  પૂજ્ય બાપુ તો આપણા જ છે ને ?દરેક વક્તાને
  મારા શત શત વઁદન કહેશો.મેઁ તો ઘેર બેઠાઁ ગઁગાનાઁ
  પાવન જળ પી આત્મસઁતોષ મેળવી લીધો છે.આભાર !

 15. પુનઃ…..એક વાત લખવી ભૂલ્યો.
  દરેક વક્તાનો ટૂઁકો પરિચય આપો તો ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.