બાળકાવ્યો – પ્રો. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

[ પ્રો.ડૉ. રક્ષાબહેન દવેએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ. બી.એડ. તેમજ ભાવનગર યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી કર્યું છે. ત્યારબાદ તેમણે શિક્ષક તેમજ વ્યાખ્યાતા તરીકે વર્ષો સુધી વિવિધ કૉલેજોમાં સેવાઓ આપી છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એમ બંને કાળમાં એમણે બાળસાહિત્યક્ષેત્રે વિપુલ સાહિત્યસર્જન કર્યું છે. આ માટે તેમને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તરફથી ‘શ્રી ગિજુભાઈ બધેકા સુવર્ણ ચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો છે. તેમણે ગુજરાતી સાહિત્યને અનેક બાળવાર્તાસંગ્રહો અને બાળકાવ્યોના સંગ્રહો આપ્યા છે. તેમના પુસ્તક ‘તબડક તબડક’, ‘ધીન ધીન’, ‘માણુંમીઠું’ અને ‘છુકછુક ગાડી’ માંથી કેટલાક બાળકાવ્યો સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તકો ભેટ મોકલવા માટે રક્ષાબહેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 9898060900 પર સંપર્ક કરી શકો છો. આ પુસ્તકો મેળવવા માટે તેમનો આ નંબર પર સંપર્ક કરવો.]

[1] ચકીબહેનને આમંત્રણ

આવો ચકીબહેન ! આવો ચકાભાઈ !
મારે તે ઘેર માળો મૂકવાને.
ફઈબાએ છાબડી ટાંગી છે ઊંચે
તમારા માળાને ઝૂલવાને.

મમ્મીએ અભરાઈ પર તપેલું ઊંધું
થોડું અધૂકડું મૂક્યું છે;
એને પોલારિયે તરણાંઓ મેલો
નાનકડાં ઈંડાં મૂકવાને…. આવો….

જેજેબાપાના ઝાઝેરા ફોટા
પપ્પાએ ઢળતા ટાંગ્યા છે;
એની પછવાડે તરણાંઓ મેલો
વ્હાલાં બચુડિયાંને રહેવાને…. આવો….

સૂવાના ખંડમાં કે ભોજનના ખંડમાં
કે પછી રૂપાળે બેઠકને ખંડ,
જ્યાં મન માને ત્યાં બાંધોને માળો
ચોખા દઈશ તમને ચણવાને… આવો….

[2] ‘ક’ ના લટકા

ક – ‘ક’ને કોઈ નહીં સંગાથે;
‘ક’ને કાંઈ નહીં ક.

કા – ‘ક’એ લાકડી લીધી હાથે;
‘ક’ને કાનો કા.

કિ – ‘ક’એ જમણે ઓઢ્યો ખેસ;
‘ક’ને હસ્વઈ કિ.

કી – ‘ક’એ ડાબે ઓઢ્યો ખેસ;
‘ક’ને દીર્ઘઈ કી.

કુ – ‘ક’એ વાળી છે પલાંઠી;
‘ક’ને હસ્વઉ કુ.

કૂ – ‘ક’એ લાંબો કીધો પગ;
‘ક’ને દીર્ઘઊ કૂ.

કે – ‘ક’એ માથે ખોસ્યું પીંછું;
‘ક’ને એક માતર કે.

કૈ – ‘ક’ને સસલા જેવા કાન;
‘ક’ને બે માતર કૈ.

કો – ‘ક’એ માથે ઓઢી ટોપી….
ને હાથમાં લીધી સોટી;
‘ક’ને કાનો માતર કો.

કૌ – ‘ક’એ ટોપી ઉપર પીંછું ખોસી
હાથમાં લીધી સોટી;
‘ક’ને કાનો, બે માતર કૌ.

કં – ‘ક’એ માથે કીધું ટીલું;
‘ક’ને માથે મીંડું કં.

ક: – ‘ક’એ કાંઈ સુશોભન કીધાં !
પડખે બે ફૂમતડાં ટાંક્યાં;
‘ક’ને આગળ બે મીંડાં ક:
‘ક’ને વિસર્ગ લાગે ક:.

[3] મીની ! મીની !

મીની ! મીની ! મ્યાઉં મ્યાઉં, આવ દૂધ પાઉં.

પપ્પા ગ્યા છે ઑફિસ, મીની ! મમ્મી ગઈ બજાર,
ભાઈ ગયો છે સ્કૂલ, દીદી દર્પણમાં મશગૂલ.
કોઈ જુએ ના મારી સામું, જે માગે તે આપું.
ઘોડા પરના ડબરા સઘળા કેમ ભરેલા રાખું ?
મેવા, મીઠાઈ, મોટા પાઉં, મીની ! મીની ! મ્યાઉં મ્યાઉં

ઘીની બરણી આજ ભૂલી ગઈ મમ્મી પિંજરમાં,
દહીંની મટકી આંબી ગઈ હું છોને શીંકામાં,
પપ્પાનાં છે થોથાં મોટાં મૂકું ઉપરાઉપરી,
તો પણ મટકી આઘી રહે તો મૂકું મારી પોથી,
મેવા, મીઠાઈ, મોટા પાઉં, મીની ! મીની ! મ્યાઉં મ્યાઉં

પીપી ખાઉં, બિસ્કિટ ખાઉં, આવ તને પણ દઉં,
દૂધની ઝારી, ઘીની ઘારી, માખણ-મિસરી દઉં,
આપું તાજાં ખાજાં, આજે હું છું ઘરમાં રાજા –
-જાણી કાળો કાગો બોલે : કાઉ-કાઉ-કાઉ.
મેવા, મીઠાઈ, મોટા પાઉં, મીની ! મીની ! મ્યાઉં મ્યાઉં

[4] પરબ

મારે બાગે બદામડી
બદામ ડાળે પરબડી
પરબમાં કાંઈ પંખીડાં
ન્હાતાં ગાતાં ઘેલુડાં
પીએ થોડું ને ઢોળે બહુ
તો ય મને તે ગમતાં બહુ.

પરબ ફરતાં તોરણિયાં
ટાંગ્યાં જાણે ઝૂલણિયાં !
હીંચકા ખાતાં ચકલાંઓ,
પારેવાં ને લેલાંઓ
કલબલ કલબલ કલબલતાં
પરબનો ‘જયજય’ કરતાં.

એઈ, બધાં તમે મૂંગા રહો,
કેદારભાઈ, રોતા નહીં હો !
પોપટ પીવા આવ્યો છે,
મારે મન બહુ ભાવ્યો છે.
વાહ પરબડી, વાહ રે વા !
પોપટ તો ઊતર્યો ન્હાવા.

[5] જોડકણાં

ક્ષમલો કેવો ડાહ્યો !
હસતાં હસતાં નાહ્યો
રમલો રોઈ રોઈ થાક્યો;
બાવો લઈને ભાગ્યો
*****

એક હતી બબૂડી,
તેના હાથમાં ટબૂડી,
ટબૂડી તો કાણી
ઘર પાણી પાણી
*****

એક હતો ગાંડો,
તેનું નામ બાંડો,
બાંડો ગયો ફરવા,
પૂરી-પકોડી જમવા,
જમતાં વધ્યો ફાંદો,
આવ્યો મોટો વાંધો.
*****

મોટી જબરી ખૂંધ છે ને
આઠે અંગે વાંકો,
લાંબા ભરે લાંઘા, એ તો
ઊંટ, બાપો બાપો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અસ્તિત્વનો અર્થ – જયવતી કાજી
ચાર પરી અને સૂરજદાદા – મીનાક્ષી ચંદારાણા Next »   

12 પ્રતિભાવો : બાળકાવ્યો – પ્રો. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

 1. RAKESH THAKKAR, VAPI says:

  બાળગીતો- કાવ્યો સુંદર છે.

 2. સુંદર બાળકાવ્યો.

  બારાક્ષ્રરી શીખવાડવા માટેના ‘ક’ ના લટકા મજાના છે.

 3. Premilaben says:

  “ક” – નો લટકો બહુ મઝાનો.

 4. sudhir patel says:

  સુંદર બાળકાવ્યો!
  ભાવનગરના પ્રા. રક્ષાબેનદવેને અભિનંદન!
  સુધીર પટેલ.

 5. Veena Dave, USA says:

  સરસ.

 6. sima shah says:

  સુંદર બાળકાવ્યો.
  તેમાંય ‘ક’ ના લટકા તો બહુ મઝાના…………
  સીમા

 7. Pro.Dr.Chhaya N. Jani says:

  રક્શાબહેનના મોટા માટૅના કાવ્યો વધુ સરસ હોય છે તેનો પણ અમને લાભ કરાવો.

 8. nayan panchal says:

  સરસ કાવ્યો, મજા પડી ગઈ.

  આભાર,
  નયન

 9. Nayan Ben says:

  સુંદર બાળકાવ્યો મને તમારિ આ ક્રુરુતિ ખુબજ ગમિ તથા મોતાના મતે નિ પન ક્રુતિઓ ખુબ્જ સુન્દર ચે આપ સુ નથિ આપ તો મોતાના માતે પન ખુબજ સારિ ક્રુતિઓ નિ રચ્ના કરિ ચે બલ્કયયવ્ય,ન્રુત્યકવ્ય અને અથ્યત્મિક પુસ્તકો પન વાચવા જેવો ચે….

 10. Om parmar says:

  વાંચતા-વાંચતા ગાયું. ખુબ મજા પડી ગઈ.

 11. Om parmar says:

  વાંચતા-વાંચતા ગાયું. ખુબ મજા પડી ગઈ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.