ચાર પરી અને સૂરજદાદા – મીનાક્ષી ચંદારાણા

[ મીનાક્ષીબેન (વડોદરા) ખૂબ સારા ગઝલકાર અને લેખિકા છે. તેમની અનેક કૃતિઓ વિવિધ સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. તેમના સાહિત્યસર્જનમાં બાળવાર્તાસંગ્રહનો પણ સમાવેશ થાય છે. ‘વારતા રે વારતા’ નામના તેમના આ સંગ્રહમાંથી પ્રસ્તુત છે એક મધુર બાળવાર્તા સાભાર. આપ તેમનો આ સરનામે chandaranas@gmail.com અથવા આ નંબર પર +91 9998003128 સંપર્ક કરી શકો છો.]

Picture 095

ચાર સુંદર મઝાની પરીઓ હતી. સૂરજદાદાના દેશમાં ચારેય પરીઓ રહેતી હતી. પરીઓ તો આખો દિવસ આકાશમાં ઊડ્યા કરે. ફર્યા કરે, રમ્યા કરે. બસ ! પરીઓની રાણીએ ચારેય પરીઓને આખા દિવસમાં માત્ર એક-એક કામ કરવાનું જ સોંપેલું ! બાકી આખો દિવસ રમવાનું ! અરે…. ભણવાનું પણ નહીં ! એટલે ચારેય પરીઓને આમ તો લ્હેર હતી. માત્ર એક વાતનું એમને દુ:ખ હતું. ચારેય પરીઓ એક સાથે ક્યારેય રમી શકતી ન હતી ! એક પરીએ તો કામ કરવા જવું જ પડે. એટલે એક સાથે માત્ર ત્રણ પરીઓ જ રમી શકે એકબીજા સાથે ! ચારેય સાથે મળીને ક્યારેય રમી જ ન શકેને !

લાલપરીએ આખા દિવસમાં માત્ર એક જ કામ કરવાનું રહેતું. અને એ પણ કેવું મઝાનું ! સૂરજદાદાને રોજ સવારે ફરવા જવાની ટેવ. એ જ્યારે ફરવા જવા માટે પોતાના ઘરમાંથી નીકળે, ત્યારે પહેલાં તો આકાશમાં લાલ-ગુલાબી રંગો ઢોળીને એમનું સ્વાગત કરવાનું કામ લાલપરીએ કરવાનું. આ કામ માટે, બધાં સૂતાં હોય ત્યારે લાલપરી વહેલી વહેલી ઊઠીને લાલ-ગુલાબી રંગોના ઘડા ભરીને તૈયાર રાખે. સૂરજદાદા રથમાં નીકળવાની તૈયારી કરતા હોય, એમના ઘોડાઓને થપથપાવતા હોય, ત્યાં જ લાલપરી એક ઘડામાંથી પહેલાં તો થોડું થોડું ઝાકળ છાંટી દે ! પછી લાલ-ગુલાબી રંગોના ઘડા લઈ ગોળ-ગોળ ફરતી જાય, અને છાંટતી જાય. વળી ક્યાંક કોરું રહી ગયેલું લાગે, તો પિચકારી લઈને મંડી પડે ! થોડીવારમાં સૂરજદાદા એમની સાત ઘોડાની બગીમાં સોનેરી મુગટ પહેરીને નીકળે, ત્યારે લાલપરીએ છાંટેલું ઝાકળ અને લાલ-ગુલાબી રંગેલું આકાશ જોઈને લાલપરી પર ખૂબ જ ખુશ થાય. લાલપરીને રથમાં એક ચક્કર પણ મરાવે, અને પછી નીકળી પડે પ્રકાશ રેલાવવા !

Picture 093રોજ સવારે સૂરજરથમાં ફર્યા કરે છે લાલપરી !
કંકુછાંટણા મન ફાવે ત્યાં કર્યા કરે છે લાલપરી !
લિપસ્ટિક લાલમલાલ કરીને લાલ સાડીમાં લાલપરી !
ગુલાબવેણીની પાંખડીઓ વેર્યા કરતી લાલપરી !

જ્યાં સુધી એમનો રથ જતો દેખાય ત્યાં સુધી લાલપરી એમને જોતી ઊભી રહે. સૂરજદાદા આકાશમાં ખાસ્સા દૂર પહોંચી જાય ત્યાર છેક લાલપરીનું કામ પૂરું થાય, એટલે પછી લાલપરી પોતાને ઘેર પાછી આવે. એ ઘેર પહોંચે ત્યાં નીલપરી બારણે એની રાહ જોતી ઊભી જ હોય ! કારણ કે હવે કામ પર ચડવાનો નીલપરીનો સમય થયો ! લાલપરી અને નીલપરી એકબીજાને મળે, ન મળે, ને નીલપરી તરત કામ પર રવાના થઈ જાય !

હવે આકાશમાં તો એવું, કે આકાશ આખ્ખું મઝાનું નીલ રંગનું ! એક પણ ડાઘ વગરનું ! પ…ણ પેલાં તોફાની વાદળો ખરાને ! એ તો બસ આમ-તેમ દોડ્યાં કરે આકાશમાં, અને આખ્ખા આકાશમાં સફેદ રૂ જેવા ડાઘ મૂકતાં જાય ! નીલપરી વાદળોની પાછળ-પાછળ દોડ્યા કરે, અને આકાશમાં પડેલા ડાઘ પોતું મારીને લૂછ્યા કરે ! તોફાની વાદળોને ભગાડતી ફરે ! આમ આખ્ખો દિવસ એમની દોડાદોડી ચાલ્યા કરે, અને છતાંયે આકાશ આખ્ખું ચોખ્ખુંચણાંક, ઝગારા માર્યા કરે ! ત્યાં તો સાંજ પડવાની તૈયારી થાય, અને નીલપરીનું કામ પૂરું થાય. એટલે આમ નીલપરી પોતાના ઘર ભણી રવાના થાય, અને આમ તોફાની વાદળો પાછા આવી જાય આકાશમાં !

વિશાળપટમાં પાંખ પસારી નભમાં ઊડતી નીલપરી !
દરિયામાંથી પાણી લઈને નભ ધૂએ છે ફરી ફરી !
વાદળ છે તોફાની, પગલાં પાડ્યાં કરતાં ઘડી ઘડી !
નીલ રંગનું પોતું મારે નીલપરી તો ફરી ફરી !

નીલપરી તો ઘેર પહોંચીને હજુ વાદળોના તોફાનની વાતો કરે છે, ત્યાં સોનપરીને ઉતાવળે જવું પડે સૂરજદાદાના સ્વાગતની તૈયારી માટે. સાંજ પડ્યે સૂરજદાદા થાકીને ઘેર આવતા હોય ત્યારે એમને ખુશ કરવાનું કામ સોનપરીનું. લાલ-ગુલાબી રંગોની સાથે કેસરી, જાંબુડીયો અને સોનેરી રંગો આકાશમાં આમ તેમ ઢોળીને સોનપરી સૂરજદાદાને ખુશ કરી દે ! સાથે સાથે આકાશમાં ફરતાં વાદળો અને આમ-તેમ ઊડતાં પંખીઓ પણ ખુશ થઈ જાય ! એમને ખુશ થતાં જોઈને સોનપરી ફરીથી પીંછી પર નવો રંગ લે, અને આકાશમાં એક લસરકો પાડી દે. ફરીથી પંખીઓ એ લસરકા ફરતે ઊડવા લાગે. પંખીઓને પોતાની આસપાસ ઊડતાં જોઈ રંગો પણ આકાશમાં આમ-તેમ ફેલાતા જાય. ક્યારેક પંખીની પાંખ પર રંગો ફેલાય, તો ક્યારેક ખેતર પર, ઝરણા પર, તળાવ કે દરિયા પર ફેલાય. આગગાડી પર ફેલાય, તો ક્યારેક ઘાસ પર કે ઝાડ પર પણ ફેલાય. આખ્ખા આકાશમાં પથરાયેલા રંગોની વચ્ચે પંખીઓ તો ઊડ્યા જ કરે, ઊડ્યા જ કરે; તે છેક અંધારું થઈ જાય ત્યાં સુધી !

નીલપરીને બાય કહો ત્યાં આવી પહોંચે સોનપરી;
દૂર ક્ષિતિજે ઘટા પછીતે મલકી-મલકી સરી-સરી.
મેઘધનુષ ટોળીમાં ફરતાં ને રમતાં આડાંઅવળાં;
સહુ રંગોને સોનલ રંગે રંગ્યા કરતી ફરી ફરી.

આ જોઈ સોનપરી પણ ખુશ, અને સૂરજદાદા પણ ખુશ ! બંને રથમાં ઘેર જાય ! સોનપરી ઘેર પહોંચે, અને રંગોની અને પંખીઓની વાતો કરે, ત્યાં તો રૂપલપરીનું કામ શરૂ થાય. રૂપલપરીનું તો એવું કે એ તો એક જ રંગ પોતાની પાસે રાખે. રૂપેરી ! આખા આકાશમાં દેખાય એટલી બધી જ વસ્તુઓને એ તો રૂપેરી રંગે રંગવા લાગે. ચાંદો, તારા, ધરતી, ખેતર, વાદળ, ઝાળ, પર્વત, ઘર, મંદિર….. રૂપલપરીને તો જે કંઈ દેખાય, એને રૂપેરી રંગે રંગી નાખે ! જ્યાં જ્યાં અંધારું દેખાય, ત્યાં ત્યાં રૂપેરી રંગ છાંટી દે ! એટલે સુધી કે કાળુંડિબાંગ આકાશ પણ રૂપેરી રંગે ઝગારા મારવા માંડે !

ચાંદની સંગે રોજે રમવા આવે છે એક રૂપલપરી !
પીંછીં લઈ ચાંદામામાને રોજ કરે છે ગલીગલી !
મોગરાની માળા પહેરે, દાંતે દાડમની કળી !
સ્હેજ હસે, અંધારા ભાગે મુઠ્ઠી વાળી ડરી ડરી !

છેક વહેલી સવારે રૂપલપરીનું કામ પૂરું થાય, એ ઘેર પહોંચે, ત્યાં તો સોનપરી સૂરજદાદાનું સ્વાગત કરવાની તૈયારીમાં લાગી ગઈ હોય ! ચારેય પરીઓ આમ તો બહુ ખુશ રહેતી. ચારેયને સાથે રમવાનું બહુ મન થતું, પણ એવો સમય આવે જ નહીં ને ! એમણે તો આ વાતની ફરિયાદ કરી પરીઓની રાણીને ! પરીઓની રાણીએ એમની ફરિયાદ પહોંચાડી સૂરજદાદાને !
સૂરજદાદા તો હસતા હસતા ક્યે, ‘કંઈ વાંધો નહીં. આપણે એમને સાથે રમવા પણ દેશું.’
પરીરાણી પૂછે, કે ‘ એવું તો કેવી રીતે થાય ? જો પરીઓ રમ્યાં કરશે તો આકાશની શોભાનું શું ?’
તો સૂરજદાદા કહે : ‘ના રે, કામ કાંઈ સાવ બંધ થોડું કરાય ? આપણે દરરોજ સવાર-બપોર-સાંજ અને રાત તો પાડવાં જ પડેને ? પણ વચ્ચે-વચ્ચે થોડા દિવસો એમને રમવાનો સમય પણ આપવો જોઈએ ! આખ્ખા વરસમાં ચારેક મહિના આપણું વેકેશન ! ત્યારે ચારેય પરીઓ સાથે રમી શકે, બરાબર ?’

Picture 094

બસ, ત્યારથી ચોમાસાના ચાર મહિના આપણી ચારેય પરીઓને સાથે રહેવા, સાથે રમવા મળે છે. ચોમાસામાં સવારે લાલપરીને સવારે કામમાંથી છુટ્ટી હોય, કારણ કે સૂરજદાદા ફરવા નીકળે જ નહીં ને ! આખ્ખો દિવસ વાદળો પાછળ લપાઈને શાંતિથી સૂઈ જ રહે ! વળી સૂરજદાદાએ વાદળોને આકાશ બગાડવાની છૂટ આપી દીધી, એટલે નીલપરીને આકાશ ચોખ્ખું કરવાની કડાકૂટમાંથી મળી ગઈ છુટ્ટી ! સાંજે પણ સૂરજદાદા વાદળો પાછળ છુપાયેલા રહે, એટલે સોનપરીએ પણ સાંજના રંગો ઢોળીને એમનું સ્વાગત કરવાનું ન હોય ! છુટ્ટી…! અને રાતે તો બા….પ રે ! વાદળો આખ્ખું આકાશ કાળુંડિબાંગ કરી મૂકે. ચાંદાને પણ દેખાવા ન દે, અને તારાને પણ દેખાવા ન દે ! પછી રૂપલપરી રૂપેરી રંગ છાંટે તો પણ કોના પર ? એટલે એને પણ છુટ્ટી !

આમ, ચારેય પરીઓને થોડા દિવસો કામમાંથી છુટ્ટી ! બસ આખો દિવસ રમ્યા જ કરવાનું ! ક્યારેક પાંચિકા રમે ! ક્યારેક સંતાકૂકડી રમે ! હા, ક્યારેક ચારેય પરીઓને બહુ મન થાય કંઈક કરવાનું, તો સાંજે ચારેય ભેગી થાય અને બધા રંગોને થોડા થોડા, એક પીંછી પર લઈને ક્યારેક આકાશમાં એક સુંદર મેધધનુષ બનાવે, તો ક્યારેક સફેદ વાદળોની કિનારીને સોનેરી, લાલ, કેસરી કે રૂપેરી રંગે રંગી નાખે. રૂપલપરી તો બધાં જ કાળાં વાદળોને શોધી-શોધીને એની કિનારીને રૂપેરી બનાવી દે ! તોફાની વાદળો પાછાં દોડાદોડી કરી મૂકે, રંગોને આમ-તેમ વિખેરી મૂકે. પંખીઓ રંગોની અને વાદળોની દોડાદોડી જોતાં રહે, અને આખ્ખા આકાશમાં ઊડ્યાં કરે, ઊડ્યાં કરે !

[કુલપાન : 76.(સચિત્ર) કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : મીનાક્ષી ચંદારાણા, એ-228 સૌરભ પાર્ક, સુભાનપુરા, વડોદરા-390023. ફૉન : 9998003128.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાળકાવ્યો – પ્રો. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
બે ગઝલો – હનીફ મહેરી Next »   

17 પ્રતિભાવો : ચાર પરી અને સૂરજદાદા – મીનાક્ષી ચંદારાણા

 1. સરસ વાર્તા – મારી જેવા મોટી ઉંમરના બાળકને પણ મજા પડે એવી.

 2. સુંદર વારતા. સાથે સાથે દરેક પરી માટેના ટુચકાથી વારતા વધારે શોભે છે

 3. Mruga antani says:

  NICE STORY……..I LIKE IT VERRY MUCH……………………..THANKS………

 4. Dasharath Thakkar says:

  સાચે જ! બાળક થઈને આંખો મીંચી દેવાનું મન થાય, પરીઓ ક્યારે દેખાશે?

 5. sima shah says:

  સ..રસ વાર્તા………
  ઘણી જ સુંદર કલ્પનાશક્તિ……..
  ઘરમાં કામ બાકી હતુ, તો પણ આખી વાંચી જ ગઈ……
  જાણે હું પોતેજ બાળક બની ગઈ……
  આભાર અને અભીનંદન, મીનાક્ષીબેન….
  સીમા

  • Yogesh Bhatt says:

   ખુબ જ સરસ વાર્તા. છોકરાઓ ને તો ગમે પણ મોટા ને પણ વાંચવાનુ ગમે તેવી વાર્તા. KEEP IT UP Minaxiben.

 6. Malay Bhatt says:

  …”લિપસ્ટિક લાલમલાલ કરીને લાલ સાડીમાં લાલપરી !…”
  વાહ ભૈ વાહ પરીબેન ને પણ લિપ્સ્ટિક નો રંગ લાગ્યો ખરો !
  મજા આવી !

 7. Chirag Patel says:

  Excellent story… If any one can tell me the morle of the story – Please don’t missunderstand me – I did get the story and I did enjoy it – but want to see if others got the point of the story… This has very deep meaning and understanding….

 8. avidreader says:

  Minaxiben,

  You have got a really good imagination. Keep it up. May kids get more and more stories from you.

 9. Vipul Panchal says:

  Nice imagination. Sweet Story.

 10. preeti dave says:

  બહુ મસ્ત મજાની.. મને વાર્તા સાંભડવી બહુ ગમે. પણ હવે કોઇ કેતુ નથી 🙁 …
  તો રક્ષા બેને એ ખોટ પણ પુરી કરી દીધી…

  નીલપરી દરિયામાંથી પાણી લઈને નભ ધૂએ છે ફરી ફરી !” તે એ દ્રશ્ય કેવું લાગતું હશે?? એમ થાયા કરે છે.. 🙂

 11. nayan panchal says:

  એકદમ સરસ કલ્પનાવિશ્વમાં રમતા કરી મૂકતી વાર્તા. આંખ મીંચીને પરીલોકમાં પહોંચાડી દે એવી વાર્તા.
  આભાર,

  નયન

 12. Hitesh Mehta says:

  kalpanani duniya ma lai gaya….. khub j maja ni varta… aje balakne varata sambhalva malati nathi ane vanchan pan karata nathi….
  Hitesh Mehta
  Bharti Vidhyalay – Morbi

 13. preeti dave says:

  દરિયામાંથી પાણી લઈને નભ ધૂએ છે ફરી ફરી !
  ekdam mast ! varta re varta.. 🙂

 14. PURVI says:

  bahu maza aavi….imagination bahu saras 6….vanchta vanchta hu j pari lok ma pahochi gayii…..khub j saras 6….hope ke hu aavi biji stories read kari saku…..thanks.

 15. shraddha upadhyay says:

  “megh dhanush toli ma ma farta ne ramta aada avla” khub maja aavi a wah for u mam for u
  jo rang na hot patangiya ni pankh ma to vismaya na hot balak ni aankh ma”

 16. i like it very much.it is really a good story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.