હાસ્યમંજરી – કલ્પના દેસાઈ

[રીડગુજરાતીને આ હાસ્યલેખો મોકલવા માટે શ્રીમતી કલ્પનાબેન દેસાઈનો (ઉચ્છલ, સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.]

[1] કુછ પાને કે લિયે

ઘણા વર્ષો પહેલાં ભરૂચમાં ડૉક્ટરોની એક સંસ્થા તરફથી હાસ્યલેખકોના એક કાર્યક્રમમાં મને આમંત્રણ મળેલું. તે સમયે મને પોતાને મારા હાસ્યલેખિકા હોવા બાબતે શંકા હતી પણ ઘણી વાર રોંગ નંબર લાગી જાય એમ મારો નંબર એ કાર્યક્રમમાં લાગી ગયેલો. આયોજકો એટલા ઉદારદિલ હતાં કે, દરેક લેખક/લેખિકાને એમણે ગુજરાતના જાણીતા લેખક તરીકે જ ઓળખાવેલા. હું તો ગદગદ, ભાવવિભોર ને નમ્રતાથી છલોછલ. તે સમયે તો મારી ડોકી આભારના ભારથી છેક સુધી ઝૂકેલી રહેલી. (કદાચ અંદરખાને શરમથી પણ હોય !) જો કે, એક વાર જાહેરાત થઈ ગઈ પછી ભાંડો ફૂટવાની બીકે મેં વધારે બોલવાનું ટાળેલું.

કાર્યક્રમ પત્યા પછી ભવ્ય ભોજનસમારંભ હતો. દરેક ‘જાણીતા’ લેખકની ફરતે બે-ચાર, બે-ચાર પ્રશંસકો ઊભેલાં. હું રાહ જોતી હતી. કોઈ આવે ને મને કંઈ પૂછે કે મારો ઓટોગ્રાફ માંગે ! મારા મનની મુરાદ પૂરી થતી હોય તેમ એક ડૉક્ટરના પત્ની – મિસિસ ડૉક્ટર – ખૂબ ખુશ થતાં થતાં મારી પાસે આવ્યાં. (હા…શ !) એ કદાચ જાણીતા લેખિકાના નામથી અંજાઈ ગયેલાં ! મને યાદ આવ્યું, વર્ષો સુધી હું પણ મોટા મોટા લેખકોના નામથી આમ જ અંજાઈ જતી. મારા મનમાં તો એમ જ કે, લેખકોના માથે સોનાનાં શીંગડાં હશે ! એમની પાસે હોય એનાથી પા ભાગની બુદ્ધિ સામાન્ય લોકોમાં નહીં હોય. એ લોકો તો આવા ને એ લોકો તો તેવા – જેવા જાતજાતના અહોભાવોથી મારું મગજ ચકરાતું રહેતું. પેલા બેને તો ખૂબ જ નમ્રતાથી મારા ખબરઅંતર પૂછ્યાં ને ક્યારનો એમના મગજમાંથી બહાર આવું આવું કરતો ને એમના મનને મૂંઝવતો પ્રશ્ન મને પૂછ્યો : ‘તમે ઘરનાં કામ અને કુટુંબની દેખભાળ કરવા ઉપરાંત પણ લખવાનો સમય ક્યાંથી અને કેવી રીતે મેળવી લો છો ?’

આ એક જ સવાલથી એણે તો મને હવામાં ઊડતી કરી દીધી ! મારામાં આટલી શક્તિ ને મને જ ખબર નહીં ? વાહ ! હું દુનિયાની એક માત્ર સ્ત્રી છું જેનામાં એક સાથે આટલા મોર્ચા સંભાળવાની તાકાત છે ! મને મારા ગુણોનો ભંડાર યાદ આવવા માંડ્યો ને થયું કે, એ બધાં ગુણોની પણ આ બેનને ખબર પડવી જોઈએ. ફક્ત એમ નહીં કે, આ મહાન લેખિકા કુટુંબની દેખભાળ કરવા ઉપરાંત લખે પણ છે ! હું મહાન છું ! મારામાં કંઈક ખાસ (ગુણ કે અવગુણ) હોય તો જ આ બહેન આટલા અહોભાવથી મને આ પ્રશ્ન પૂછે છે. વધારે વિચારમાં હવામાં જો ઊડ્યા કરત તો પેલાં બેનને એમના પ્રશ્નનો જવાબ કોણ આપત ? એટલે એમની દયા ખાઈને હું ધરતી પર આવીને એમને સ્માઈલ આપતાં કહ્યું : ‘પેલું કહેવાય છે ને કે કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ.. બસ એવું જ લખવા-વાંચવા માટે હું રોજ સવારે ચાર વાગ્યે ઊઠી જાઉં છું. ભલે મારી ઊંઘ બગડે ને મને ઓછી ઊંઘ મળે પણ નામ મેળવવા માટે એટલે કે લેખક બનવા માટે મારે એટલો ભોગ તો આપવો જ પડે !’

પેલાં બેન તો અહોભાવથી આંખો બંધ કરીને મારો અદ્દભૂત મંત્ર એમના કાનમાં ને એમના મગજમાં ઉતારી રહ્યાં હતાં. એક ઘડી મને થયું કે મારા ભાગની ઊંઘ એમણે પૂરી કરવા માંડી કે શું ? પણ બે મિનિટમાં જ એમણે આંખો ખોલી ને પવિત્ર જ્ઞાનગંગામાં ડૂબકી મારી હોય એવા તેજથી ચમકતાં ચહેરે એમણે મારો આભાર માન્યો ને ફરીવાર મળવાનું વચન આપ્યું. મને પણ તે દિવસે લાગ્યું કે, ભલે એક જ જણે આ સવાલ પૂછ્યો પણ આને જ ખરા ભાવક કહેવાય. હું તો આટલો બધો ભાવ મળતાં ધન્ય થઈ ગઈ.

ઘરે પાછાં ફરતાં સુધીમાં તો મારા મગજમાં પણ મેં ફૂંકેલો મંત્ર જ ઘુમરાયા કર્યો ને આટલાં વર્ષોમાં, કુછ-કુછ પાને કે લિયે મૈંને ક્યા-ક્યા ખોયા તેનું લિસ્ટ મગજમાં ચકરાયા કર્યું. મને યાદ આવ્યું કે, બસની ભીડમાં જગ્યા મેળવવા જતાં એક વાર મેં મારું પર્સ ગુમાવેલું. એક પર એક સાડી ફ્રી મેળવવાની લાલચમાં દુકાનની બહાર મેં મારી એક ચંપલ ગુમાવેલી. મનીઑર્ડર મેળવવાની ખુશીમાં મેં પોસ્ટમેનને ઘણીવાર પેન આપી દીધી છે. ભૂતકાળનું વજન પાછું મેળવવામાં મેં ભાવતાં ભોજનો ગુમાવ્યાં છે ! તંદુરસ્તી મેળવવા પરસેવો પાડ્યો છે. જીભને ખુશ કરતાં પેટને નાખુશ કર્યું છે. એક ચમચી મેળવણ લેવા જતાં એક વાટકી ખાંડ ગુમાવી છે. મોલમાં ખરીદી કરવાની લાલચમાં પર્સ ખાલી કર્યું છે. વાસણની દુકાનમાં એક ગ્લાસ પર એક ચમચી ફ્રી માંગતાં મગજ ગુમાવ્યું છે. સુખ મેળવવાની આશામાં સુખ ગુમાવ્યું છે ! આ એક જ વસ્તુ એવી છે જે મેળવવાની લ્હાયમાં કાયમ ગુમાવવાની જ થાય છે ! ને કદાચ એક જ વસ્તુ છે, જે મેળવવાની આશા ન રાખીએ તો ગુમાવવાની ચિંતા થતી નથી. આ બધી મોટી મોટી વાતોમાં મુખ્ય વાત તો રહી જ ગઈ ! પંચાત કરવામાં આનંદ મેળવવામાં મેં કાયમ વખત ગુમાવ્યો છે.

કદાચ મેળવવા-ગુમાવવાના આ લિસ્ટમાં હજુ બહુ ઊમેરવાનું બાકી રહી જાય પણ વધુ લખવાનો આનંદ મેળવવામાં વાચક ગુમાવવાની બીક ખરી. એટલે બાકીનો આનંદ તમે ઉડાવો ને ગણવા માંડો કે તમે કેટલું મેળવવાની સામે કેટલું ગુમાવ્યું ?

[2] મારો માસ્ક-પ્રયોગ

આજે સવારે જ ચા પીતાં અંતરાસ આવી અને જોરમાં ખાંસી ચાલુ થઈ ગઈ. જેવી ખાંસી ચાલુ થઈ કે મારી પ્રિય સવારની પહેલી ચાને મેં બાજુએ ખસેડી દીધી ને ખાંસીની ગણતરી શરૂ કરી દીધી. બાપ રે ! આટલી બધી ખાંસી ? નક્કી….મને…. ? હે ભગવાન ! આજે પહેલીવાર જ એવું બન્યું કે, અંતરાસની ખાંસીમાં મને એવો વિચાર ન આવ્યો કે, મારી કામવાળી કે મારા સાસુ મને યાદ કરતાં હશે કે ગાળ આપતાં હશે ! પણ એ બેએ મને પહેલીવાર બાજુએ મૂકી દીધી તેનો અફસોસ કર્યા વગર મારા મનમાં એક ભયંકર વિચાર ઝબકી ગયો. ક્યાંક મને….. ? હે ભગવાન ! હવે મારું શું થશે ? તેં મને આટલું જલદી બોલાવવાનું નક્કી કરી લીધું ? હજી મારો પુણ્યનો ઘડો ક્યાં ભરાયો જ છે ? પ્લીઝ…! ભગવાન ! મને માફ કર. મારા પતિની વિધુર થવાની આ ઉંમર નથી ને મારાં બાળકો નમાયાં થશે તો એમનું કોણ ? પ્લીઝ ! યમરાજા ! પાછા વળી જાઓ.’

મેં ચાને બદલે એક ગ્લાસ પાણી પી લીધું ને મનમાં ભરાયેલા વહેમને કાઢવા વહેલી તકે માસ્ક શોધવા માંડ્યો. ટીવી પર આટલી બધી જાહેરાતો જોયા પછી પણ એક સીધોસાદો માસ્ક ન ખરીદવા બદલ મને મારી જાત પર ગુસ્સો આવ્યો. ‘તારી જાતની કાળજી નથી રાખતી તો ઘરનાં સૌની કાળજી શું રાખવાની ?’ કશેકથી એકાદ માસ્ક – ભલે ફાટેલો પણ મળી જાય તો પહેરી લઉં, ઘરનાં સૌ ઊઠે ને એમને મારો ચેપ લાગે તે પહેલાં. પણ સઘળે નિરાશા જ સાંપડી. બે-ત્રણ વાર હાથમાં હેલ્મેટ આવી, પહેરવાનો વિચાર પણ આવ્યો. પછી થયું, ઘરમાં ક્યાં મારે દોડમદોડી કરવાની છે કે પછી ભીંત સાથે કે કોઈની સાથે માથાં ફોડવાનાં છે ! મારે તો ખાલી મારા ઉચ્છવાસની ને બીજાના શ્વાસની જ કાળજી રાખવાની છે. એક મોટો હાથરૂમાલ લઈને મોં પર બાંધી દીધો પણ જરાવારમાં જ ગભરાટ શરૂ થઈ ગયો ને મેં રૂમાલ છોડી નાંખ્યો. દુપટ્ટો માથા પર ને મોં પર વીંટાળી જોયો પણ ઘરમાં કોઈ દિવસ એવી રીતે આંટા નથી માર્યા, કામ નથી કર્યું એટલે કંઈ જામ્યું નહીં. હવે ?

એટલામાં મને રસોડામાં શાકભાજી ભરવાની જાળીવાળી કાળી થેલી દેખાઈ ને મેં તેને માથા પર પહેરી જોઈ. એકદમ પરફેક્ટ માસ્ક બની ગયો. દોરીને હળવેથી ગળામાં બાંધી ને જોરમાં ખેંચીને ગાંઠ મારવાને બદલે ગાંઠ થોડી ઢીલી રાખી. સ્વહસ્તે બનાવેલા, ગૃહઉદ્યોગ તરીકે વિકસાવી શકાય તેવા માસ્કને પહેરીને હું સૌ પહેલાં અરીસા સામે પહોંચી ગઈ. આ કોણ ? હું મને જ ન ઓળખી શકી ! જાતજાતના માસ્ક વર્ષોમાં પહેર્યાં છે ને અવનવા અનુભવો કર્યાં છે પણ શું ખબર કે કોઈવાર આવી અંધારકોથળી પણ ઓઢવી પડશે ? ખેર, અરીસામાં મારો ચહેરો તો મને પણ દેખાતો નહોતો એટલે વધારે વાર ત્યાં ઊભા રહેવાનો કોઈ અર્થ નહોતો.

જેવી હું રૂમની બહાર નીકળી કે,, ઘરમાં એક જોરદાર, ભયાનક, લાંબી…. તીણી ચીસ ઘૂમી વળીને પછી તો ચીસોના પડઘા ઘરની રૂમે રૂમે પડવા માંડ્યા. મારાથી ખાસ્સું અંતર રાખીને ઘરનાં સૌ સભ્યો એકબીજાને સહારે, ડરના માર્યા ઊભા ઊભા ધ્રૂજતાં હતાં. મને જોઈને એમની ચીસો ગળામાં અટકી ગઈ ને હવે હું, ડાબું કે જમણું ક્યું પગલું આગળ ભરીશ તેના વિચારમાં એકટક મને જોતાં રહ્યાં. પહેલાં તો હું પણ ગભરાઈ ગઈ ને એમની સાથે ઊભી રહી જવાનો જ વિચાર કરતી હતી પણ પછીથી મને ખ્યાલ આવ્યો કે મારા માસ્કને લીધે એ લોકો મને કોઈ ચોર કે આતંકવાદી ધારી બેઠાં લાગે છે ! મને દુ:ખ થયું. એક સામાન્ય, તદ્દન નજીવી શાકભાજીની કોથળીએ મારી ઈજ્જત ધૂળધાણી કરી નાંખી ! એમને શું ખબર કે, ઘરમાં ચોરી કરીને શું કરું ? ને આતંક સહન કરું પણ ફેલાવવાનું તો વિચારી પણ ન શકું. એના માટે તો મારી પાસે પેન ને કાગળ ક્યાં નથી ? મેં તરત જ એમને ડરવાની ના પાડતાં ઈશારા કરી કહ્યું :
‘એ તો હું છું હું !’
‘કોણ હું ?’
‘લો… હવે તમે બધાં મને નથી ઓળખતાં ? હું મમ્મી…. આ ઘરની માલકણ !’
‘ઓ…. જોગમાયા…. ! આ ઘરની માલકણ બનવાના ખ્વાબ છોડી દે. એ આવશે તો તને સીધી કરી દેશે. સીધેસીધું બોલી દે. કોણ છે તું ને કેમ આવી છે ?’

મારી આંખમાંથી અંગારાને બદલે આંસુ ખરવા માંડ્યાં. આજે મારાં જ મને નથી ઓળખતાં ? આંસુ લૂછવા મેં મોં પર હાથ ફેરવ્યો પણ કાળકોથળી આડી આવી ને હું ચમકી ! ઓહ ! બધો આ થેલી – આ માસ્કનો ખેલ છે ! જ્યાં મારો ચહેરો જ ન દેખાતો હોય ત્યાં આમનો શો વાંક ? મેં તરત જ કોથળી છોડી નાંખીને હરહંમેશ ચમકતો મારો ચહેરો સૌને બતાવી દીધો. બધાનાં મોં પર હાશકારો ફરી વળ્યો ને…. ‘ઓહ ! તું છે… ? અમને તો એમ કે…. કોઈ ખતરનાક ગુનેગાર ઘરમાં પેઠી છે ને આજે એને પકડાવી દઈએ તો પોલીસ તરફથી ઈનામ કે માનપત્ર મળે ને લોકોમાં વટ પડી જાય. હત્તેરીની ! તારે ઘરમાં આવું બધું પહેરીને ફરવાની શી જરૂર પડી ? હજી નાટકવેડા ગયા નહીં તારા કેમ ? નક્કામાં બધાને ગભરાવી માર્યાં. ચાલ, હવે જલદી બધાંની ચા મૂકી દે.’
‘મમ્મી, ખરી છે તું હં ! સાવ નાની કીકલી છે !’

આમાં આ લોકોનો કોઈ વાંક નથી. બીજાનું ભલું ઈચ્છનારના આવા જ હાલ થતાં મેં બહુવાર જોયાં છે, તો હું કોણ ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેટલાંક કાવ્યો – સંકલિત
કવિતા તો જિવાતાં જીવનનો હિસ્સો છે : રાજેન્દ્ર શુક્લ – જવલંત છાયા Next »   

13 પ્રતિભાવો : હાસ્યમંજરી – કલ્પના દેસાઈ

 1. HM says:

  Last line is good and bad. Good in the sense that it still keep cynicism away.
  Bad in the sense that it’s true..

 2. dr sudhakarhathi says:

  હાસ્ય લેખ લખવો ખુબ અગરો તેમા પણ સ્ત્રિ લેખિકા બહુ ઓચ્હા આભિ નદન

 3. sujata says:

  ખુ બ લ ખો….વા ચ ક મિ ત્રો ન હી ગુ મા વો……

 4. Vipul Panchal says:

  Nice Article.

 5. Veena Dave, USA says:

  સરસ લેખ્.

 6. ભાવના શુક્લ says:

  “આતંકવાદ માટે કાગળ અને પેન ક્યા નથી”!!!

  ભૈ વાહ!
  ખુબ સરસ!

 7. Chirag Patel says:

  Really funny articals…

 8. ઈન્દ્રેશ વદન says:

  As a novice writer, good article. But, Author will have to improve a lot to become popular.
  She was successful in first story to create suspense that there would be a sarcasm by the fan in the end, after listening to her mantra, that will become a punch line or generate some humor eventually. But, Alas….as there was nothing in the end or anywhere in the story that could’ve made it a comic-article !!

 9. “કુછ પાને કે લીયે” હાસ્ય લેખ કરતાં ચિંતનાત્મક લેખ વધુ લાગ્યો. અલબત્ત હસતા હસતા માણસ ક્યારે ફીલોસોફર બની જાય છે તે ખબર નથી પડતી. બીજો લેખ પણ ખાસ કાઈ “જરા હટકે” ન લાગ્યો. અલબત્ત હળવા લેખો વાંચવાથી રમુજ થાય કે ન થાય પણ માથું તો ભારે નથી જ થઈ જતું.

 10. nayan panchal says:

  મનોરંજન સાથે મનોમંથન પણ.

  આભાર,
  નયન

  સુખ મેળવવાની આશામાં સુખ ગુમાવ્યું છે ! આ એક જ વસ્તુ એવી છે જે મેળવવાની લ્હાયમાં કાયમ ગુમાવવાની જ થાય છે ! ને કદાચ એક જ વસ્તુ છે, જે મેળવવાની આશા ન રાખીએ તો ગુમાવવાની ચિંતા થતી નથી.

  જાતજાતના માસ્ક વર્ષોમાં પહેર્યાં છે ને અવનવા અનુભવો કર્યાં છે પણ શું ખબર કે કોઈવાર આવી અંધારકોથળી પણ ઓઢવી પડશે ?

 11. dharmesh n my little daughter bindi desai says:

  class in its own
  all the best
  n keep writing

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.