સંસાર-સાધના – ફાધર વાલેસ

[‘સંસાર-સાધના’ પુસ્તક (આવૃત્તિ : 1983) માંથી સાભાર.]

[1] સોનું અને તાંબું

શેઠ ભીખ આપે છે – ભિખારીને દૂર કરવા માટે. મિલમાલિક દાન આપે છે – કરવેરામાંથી મુક્તિ મેળવવા માટે. ડોશીમા ધર્માદો આપે છે – ભગવાનની પૂજા કરવા માટે.
મન તેવું કાર્ય.
હેતુ તેવું કર્મ.
ભાવના તેવું પુણ્ય.
ભિખારી શેઠને હેરાન કરે છે, એના કંગાળ શરીરનું દર્શન આંખને નડે છે, એનો કર્કશ અવાજ કાનને અભડાવે છે, માટે એના હાથમાં બે પૈસા નાખીને એને ચાલતો કરવામાં શેઠ ડહાપણ જુએ છે. આ દુનિયાનું ડહાપણ હશે, પણ ધર્મનું કામ તો નથી. મૂડી આટલા લાખથી વધે તો કરવેરાનું ધોરણ આટલું વધે, સરકારને ન છૂટકે પૈસા આપવાને બદલે પોતાના નામની જાહેરાત કરવા ઈસ્પિતાલ બાંધવાનું મિલમાલિકની વેપારબુદ્ધિ પસંદ કરે છે. એ વેપાર હશે કે આત્મજાહેરાત હશે, પણ સેવાકાર્ય તો નથી જ. પુણ્યનો હિસાબ રૂપિયા-પૈસામાં થતો નથી. કેટલું આપ્યું એ નહિ પણ શા માટે આપ્યું, કઈ રીતે આપ્યું, ક્યા હેતુથી આપ્યું એ પ્રશ્ન પૂછવાનો છે. દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ પણ દિલમાં શું હતું એ જોવાનું છે. માણસોની નજર ચેકમાં લખેલી રકમ ઉપર જાય છે, પણ અંતર્યામી ભગવાન તો હૃદયના ભાવો તપાસે છે.

એક ડૉક્ટર દર્દીઓની દવા કરે છે પૈસા કમાવા માટે, બીજો નામના મેળવવા માટે, ત્રીજો સેવા કરવા માટે. કામ તો એનું એ જ – દુનિયાની દષ્ટિએ; પણ ભગવાનના દરબારમાં એના જુદા જુદા હિસાબ નોંધાય છે, અને એનું વળતર પણ જુદાં જુદાં ચલણમાં અપાય છે – સોનામાં, રૂપામાં કે ત્રાંબામાં. અને સોનાનો એક કણ ત્રાંબાના ઢગલા કરતાં કીમતી છે એ દુનિયા પણ કબૂલ કરે છે. ઉત્તમ પરિણામ તો ત્યારે આવે કે જ્યારે ઢગલો થાય અને તે સોનાનો થાય. અને આપણાં રોજનાં કાર્યોનો ઢગલો સોનાનો બનાવવાની જડીબુટ્ટી આપણા હૃદયમાં જ છે. કામ એનાં એ જ, પણ એની પાછળની ભાવના જુદી જુદી. દ્રવ્યના અણુપરમાણુઓ એના એ જ, પણ તેને એકબીજાની આસપાસ ફરતા મૂકનાર શક્તિ જુદી જુદી. તીર ઊંચે ઊડે એ માટે આંખથી અને દિલથી ઊંચું નિશાન આંબવું જોઈએ.

એક સાધકે પોતાની આત્મીય નોંધપોથીમાં લખ્યું હતું કે, ‘જ્યારે જ્યારે મારા હૃદયના ભાવો તપાસું છું ત્યારે જણાય છે કે મારા એક પણ કાર્યની પાછળ મારો હેતુ શુદ્ધ રહેતો નથી. લોકસેવા કરું છું, પણ સાથે સાથે મારી કીર્તિ નહિ તો કદર તો થાય એ ઝંખના દિલમાં છુપાયેલી હોય છે. લોકોને સલાહ આપું ત્યારે તેમનું હિત થાય એ હેતુ ખરો, પણ એ હિત મારા પ્રભાવથી થાય એ અસ્પષ્ટ ભાવ પણ મારા મનમાં ઊંડેઊંડે રમ્યા કરે છે. મારી મહેનતના પૈસા લઉં છું એ કુટુંબનું ગુજરાન ચલાવવા માટે, પણ પૈસાનો સ્પર્શ હાથને મૃદુ લાગે છે એ મારે કબૂલ કરવું પડશે. એક પણ એવું કાર્ય નથી જેમાં હું છાતી ઠોકીને કહી શકું કે એનો હેતુ સો ટકા શુદ્ધ છે.’ હા, કલિયુગનાં બજારોમાં સો ટચનું સોનું મળતું નથી. સોના સાથે તાંબું મેળવેલું હોય છે. પણ એ સોનાને ગાળી ગાળીને બને તેટલું શુદ્ધ બનાવવું એ આપણી જીવનસાધના છે.

હેતુ એટલે દિશા.
જીવન એ યાત્રા છે, તો કયા ધામમાં જવું એ ઊપડતાં પહેલાં નક્કી કરી લેવું જોઈએ. સંસાર એ સાગર છે, તો કયા બંદરમાં પહોંચવું છે એ લંગર ઉપાડતાં પહેલાં સુકાનીએ જાણી લેવું જોઈએ. હુકમ મળ્યો મુક્તિના ધામમાં જવાનો, એટલે સુકાનીએ દિશા બાંધી સુકાન સંભાળ્યું. પણ એક વખત વહાણનું મોં લક્ષ્ય તરફ મૂકવાથી સુકાનીનું કામ પૂરું થતું નથી; એ તો રોજનું, પળેપળનું કામ છે. દરિયામાં મોજાં ઊછળે છે ને પવનની લહેરીઓ રમે છે તે વહાણ સાથે ખેલ કરીને તેને આમતેમ ફેરવવા પ્રયત્ન કરશે. મહાસાગરના પેટમાં ગુપ્ત પ્રવાહો વહે છે તે વહાણને ખેંચી ખેંચીને ગોઝારા વમળ તરફ લઈ જવા પ્રપંચ રચશે. માટે સુકાની રોજ રોજ તારાઓની સલાહ લઈને ને હોકાયંત્રની ઉપાસના કરીને સુકાન ફેરવતો અદશ્ય ચીલે વહાણને હાંકવાની સાધના કરતો રહેશે. આપણું જીવનધ્યેય પણ નક્કી છે : શુદ્ધ વ્યવહાર, પરોપકાર, મુક્તિ. પણ દુનિયાની લહેરીઓ ને હૃદયની ગહન વાસનાઓ સુકાનીને – આત્માને – ભરમાવવા ખેલ આદરશે. દિશા સહેજ બદલાશે, દષ્ટિ ઝાંખી થશે, રસ્તો ભુલાઈ જશે. માટે રોજ તારાઓ સામે જોઈને અસલ દિશા સાચવવી જોઈશે.

પ્રથમ નોકરી મળી ત્યારે આભારની લાગણી સાથે મનમાં ગાંઠ વાળી કે હવે ફરજ, નિષ્કામ કર્મ, અનાસક્તિયોગ એ જ મારું જીવનવ્રત. પણ નોકરી તો રોજનું વૈતરું, અને પેઢી-ઑફિસનું વાતાવરણ વળી વૈરાગ્ય-આશ્રમનું નથી હોતું. એટલે ફરજ સાથે લાભ, કર્મ સાથે પ્રતિષ્ઠા અને યોગસાધના સાથે મહિને મહિને પગારનું પરબીડિયું એ સંકર સંબંધો બંધાયા. સોનામાં હલકી ધાતુની ભેળસેળ થઈ. રોજનો એ બગાડ, માટે રોજ જાગ્રત થઈને સોનું ઘસીઘસીને તેના ઉપર પડેલા ડાઘ સાફ કરવા જોઈએ. શિક્ષક સરસ્વતી-મંદિરમાં પહેલવહેલો પ્રવેશ કરે ત્યારે એના હૃદયમાં પૂજાનો ભાવ વિશેષ હોય છે : આ તો દેવોનું કામ ! બાળમાનસને ઘડવું, કોમળ હૃદયમાં સંસ્કારો રેડવા, ભાવિ નાગરિકોનું નિર્માણ કરવું, ચારિત્ર્યના શિલ્પી બનવું ! પણ જેમ એ પણ રોજનું કામ બની જાય છે, તેમ આદર્શની નકશી ઉપર કાળનાં જાળાં બાઝતાં જાય છે. દેવોનું કામ પંતૂજીની વેઠ બની જાય છે. સંસ્કારને બદલે પરીક્ષા, શિક્ષણને બદલે ટ્યૂશન, જીવનઘડતરને બદલે સ્કૂલ-કૉલેજની ખટપટ…. એમ તેનો ધ્રુવતારો બદલાતો જાય છે. માટે સજાગ થઈને અસલ માર્ગને નિષ્ઠાપૂર્વક વળગી રહેવામાં સાચું કલ્યાણ છે. બહારનું કામ ગમે તે હોય, તેની પાછળની ભાવના એ તેના પ્રાણ હોય છે.

આપણે કામ કરીએ તો ફરજ બજાવવા, ભીખ આપીએ તો જાણે ભગવાનને અર્ધ્ય ચડાવવા, સેવા કરીએ તો જાણે મંદિરમાં પૂજા કરવા – એ આદર્શ રાખવો ઘટે. આપણું માનસચક્ષુ એક એક પ્રસંગ વીંધીવીંધીને, તેની પાછળ ભગવાનની છાયા પારખીને જીવનનાં નાનાં-મોટાં કામને દિવ્ય સ્વરૂપ આપતું રહેશે. આપણા પગ ધરતી ઉપર ફરશે, પણ આપણું મન સ્વર્ગલોકમાં વિહરતું રહેશે. આપણું જીવન નિર્મલ અને આનંદમય બની જશે. આપણી કુંડલીમાં સો ટચનું સોનું ચળકતું રહેશે.

[2] આરંભે શૂરા

ઝાડ રોપવું સહેલું છે; પરંતુ રોજ ઝાડને પાણી પાઈને, ઢોરથી તેનું રક્ષણ કરીને, ખાતર નાખીને, તેના ઉપર ફળ બેસે ત્યાં સુધી તેની માવજત કરવી એ આકરી સાધના છે. દીક્ષા લેવી એક ક્ષણની વાત છે, પણ સંન્યાસના આદર્શોનો અમલ કરવો એ સુદીર્ઘ જીવનકાર્ય છે. શ્રેષ્ઠ જીવન જીવવાનો મનસૂબો કરવો સુલભ છે, પણ રોજના વ્યવહારમાં તેને મૂર્ત બનાવવો એ જીવનવીરની કસોટી છે. હિમાલયની યાત્રાએ અનેક સાહસવીરો ઊપડ્યા, પણ એવરેસ્ટની ટોચ સુધી તો આંગળીને વેઢે ગણી શકાય એટલા જ પહોંચ્યા. સ્કૂલ-કૉલેજમાં અનેક વિદ્યાર્થીઓ દાખલ થયા, પણ યુનિવર્સિટીના પદવીદાન સમારંભ સુધી ઓછા પહોંચી શક્યા. આદર્શ જીવન ગાળવાની પ્રતિજ્ઞા ઘણાએ મનમાં લીધી, પણ વ્યવહારમાં કેટલાં આદર્શ જીવન જોઈએ છીએ ?

ઉત્સાહ આપણામાં ઓછો નથી. પણ ખંત, ધીરજ, ટકી રહેવાની શક્તિ, વળગી રહેવાનો આગ્રહ – એનું પ્રમાણ ચંચલ માનવીના હૃદયસંસ્કારોમાં અત્યંત ઓછું છે. અને કોઈ વખત મુસાફરીનું પૂરું ભાથું લીધા વગર પણ એ ઊપડે છે, ખર્ચનો અંદાજ કાઢ્યા વિના મકાનનો પાયો નાંખે છે, સંસારસાગરનો તાગ લીધા વિના જીવનહોડીમાં બેસે છે. પણ સાગર ઊંડો છે, મુસાફરી લાંબી છે, મકાનનો ખર્ચ ભારે છે…. અને તેનો ખ્યાલ આવે ત્યારે ઉત્સાહ બેસી જાય અને આદરેલી સાધના અધૂરી રહી જાય. બાઈબલનું કથન છે : ‘જે ખેડૂત હળ પર હાથ મૂક્યા પછી પાછળ નજર કરે એ સાચો ખેડૂત નથી; એનો ચીલો સીધો નહિ પડે.’ જીવનના ક્યારામાં જો સીધો ચીલો પાડવો હોય તો ઈન્દ્રિયરૂપી બળદને આત્માના હળમાં જોડ્યા પછી કદી પાછું જોવાનું ન હોય. આનાકાની કે ઢીલ કરવાની ન હોય.

જે કામ એક ઝપાટે કરી શકાય એ આપણને ફાવે છે. પતાવી નાખવું, કરી છૂટવું એ સહજ પ્રક્રિયા છે. પણ સેવા ને સાધના, ભક્તિ ને ઉપાસના એકઝપાટે સાધી શકાય એવાં નથી. તે પ્રેમનું કામ છે, માટે રોજનું કામ છે, જિંદગીનું કામ છે. ઝાડને આજે, કાલે ને પરમ દહાડે પાણી પાવું જોઈએ; રોજ થોડું થોડું, ધીરે ધીરે, એ જ સમયે, એ જ પ્રમાણમાં. એમાં ઉતાવળ નહિ ચાલે કે બેદરકારી નહિ પાલવે. આખી મોસમમાં ઝાડને જે પાણી પાવાનું હોય તે એકસામટું એક દિવસ એના ઉપર નાખીએ તો એ સડી જશે. ચાવીવાળા ઘડિયાળને રોજ ચાવી આપવાની હોય છે; અને કંટાળીને જો આખા વર્ષની એકીસાથે આપવા જઈએ તો કમાન તૂટી જશે અને ઘડિયાળ બંધ પડી જશે. સ્થૂળ દેહને ટકાવવા એને રોજ બે ટંક જમાડીએ છીએ; કામનું દબાણ કે સમયનો અભાવ હોય તોય અઠવાડિયાનો ખોરાક એક બેઠકે ભરખી જવાનો પ્રયત્ન આપણે કરતા નથી. આત્માનું પોષણ પણ રોજનું કામ છે, નિષ્ઠાનું કામ છે, નિયમિત કરવાનું કામ છે. રોજ એને ભક્તિનું પાણી પાઈને, રોજ ઢીલી પડેલી નીતિની કમાન ફરીથી ચડાવીને, રોજ સેવાકાર્યનો સાત્વિક ખોરાક એને પીરસીને તેનો વિકાસ સાધવાનો હોય છે.

સેવાનું કામ પણ ધર્મનું કામ છે, ઉપાસનાનું કામ છે એટલે રોજનું કામ છે. કરોડપતિએ સેવાકાર્ય માટેના ફંડમાં માગી એવી રકમ આપી એટલે જીવતરનું ઋણ ઉતાર્યું ? ચેક ઉપર સહી કરી એટલે ખરેખર સેવાનું કાર્ય કર્યું ? લાખો રૂપિયાનું દાન તો કર્યું; એ પૈસા લઈને ઈસ્પિતાલ બંધાશે; એ ઈસ્પિતાલમાં દર્દીઓની સેવા-શુશ્રૂષા થશે; પરંતુ જો એ દાનવીર એ દર્દીઓની મુલાકાતે નહિ આવે, જો દુ:ખીઓની પીઠ ઉપર પોતાનો હાથ નહિ ફેરવે, જો પીડિતોની આપવીતી પ્રેમથી નહિ સાંભળે – તો તેનું પુણ્યકામ દાનનું કે ત્યાગનું કે ઉદારતાનું હશે, પણ સેવાનું તો નહિ. એના પૈસે બાંધેલી ઈસ્પિતાલમાં જે કોઈ સેવાભાવી નર્સ રાતદિવસ એક કરીને પ્રેમથી, વહાલથી, કુશળતાથી, દર્દીને દર્દી વચ્ચે ભેદ પાડ્યા વગર પણ દરેકમાં ભગવાનનાં દર્શન પામીને બધાંની સેવાચાકરી એકનિષ્ઠાથી કરતી રહેશે તેનાં પુણ્ય અનેકગણાં ચડશે.

આપણાં તમામ કાર્યમાં જો ઉપાસનાનો ભાવ આવે તો એમાં નિયમિતતા અને ખંત આપોઆપ આવી જશે. ફક્ત આનંદ-લહેરની ખાતર પર્યટને ઊપડ્યા હોય તો ઊપડતી વખતે તો ઓર ઉત્સાહ લાગે, પણ જેમ દિવસો પસાર થાય અને મુસાફરીનો અંત નજીક આવે તેમ એ ઉત્સાહ બેસી જાય છે. પરંતુ શુદ્ધ ધાર્મિક ભાવનાથી પુણ્યધામની યાત્રાએ નીકળ્યા હોય તો જેમ રસ્તો કપાય તેમ આનંદ વધે, પગમાં જોર આવે, વેગ વધી જાય. જીવન પણ એક મંગળ પર્યટન છે. અમૃતના ધામમાં જવા ભાવિક યાત્રાળુઓનું મંડળ ઊપડી ગયું છે. શરૂઆતનો ઉમંગ રોજ રોજ ટકાવી રાખવો, બલકે વધારી લેવો જોઈએ. રસ્તામાં ઢીલાશ નહિ પાલવે, વિલંબ નહિ પરવડે. હિમાલયની સાધનામાં જેમ ઊંચે ચડીએ તેમ હવા શુદ્ધ અને પૃથ્વીનાં દર્શન વિશાળ થાય છે. મુક્તિનાધામનું આમંત્રણ કાને પડે છે. શરૂઆતના ઉન્માદની મૂડી રોજના પ્રયત્નોની રોકડમાં વટાવીને આપણી જીવનયાત્રા સફળ બનાવીએ.
આરંભે શૂરા.
રસ્તે ખંતીલા.
અંતે જીતનારા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શિક્ષક, માતાપિતા અને આજનું શિક્ષણ – સંકલિત
જાગીને જોઉં તો સ્કૂટર દીસે નહીં ! – રતિલાલ બોરીસાગર Next »   

10 પ્રતિભાવો : સંસાર-સાધના – ફાધર વાલેસ

 1. hardik says:

  father wallace.. ek evu naam je mane hamesha ek beek ane ek excitement aaptu hatu..
  when i was studying i and my friends used to solve toughest question in his maths book..
  father wallace nu samaj and jivan ghadtar maate khub j yogdan che..
  aaje aa vaarta vaanchi ne hoon maari jaat ne aama joi shaku choon..good post mr.editor

 2. આરંભે શૂરા.
  રસ્તે ખંતીલા.
  અંતે જીતનારા.

  “રસ્તે ખંતીલા” ઉપર પુરતો ભાર મુકવામાં આવે તો “અંતે જીતનારા” નિશ્ચિત છે.

  હંમેશની માફક ફાધર વાલેસનો વધુ એક ઉમદા લેખ.

  • કલ્પેશ says:

   અતુલભાઇ,

   તમારી વેબસાઇટ વાંચુ છુ એટલે તમને આ પ્રશ્ન છે, જે લેખના સંદર્ભમા છે.

   જો કોઇ માણસ ચેક લખે છે અને એનો હેતુ ઉપયોગી થવાનો છે, સાથે જો એને કરવેરામા લાભ મળતો હોય તો ખોટુ શુ છે?

   અને મને લાગે છે કે ઘણુ લખાયુ છે, બોલાયુ છે પણ અનુકરણમા નથી આવતુ. એનુ કારણ શુ?

   આપણે ઘણુ વાંચીએ, સાંભળીએ પણ જીવનમા એ બહુ જ ઓછુ કરીએ છીએ. એટલે કદાચ રોજના કાર્યોમા આ બધી વસ્તુઓ વણી લેવામા આવે તો ફેર પડે (કદાચ). નહીતો એક કાનથી સાંભલ્યુ અને બીજાથી બહાર. પ્રવચનની બહાર નિકળ્યા અને ભીડમા ખોવાઇ ગયા.

   તમારો પ્રતિભાવ જણાવશો પ્લીઝ.

 3. જિવન નિ સાધના સતત કરવાથિ જ સફલ જિવન ક રિ સકા તે ફાધર વાલેસ જ સિખવિ સકે.

 4. Neha says:

  Very nice article. Thanks.

 5. nayan panchal says:

  આત્માનું પોષણ પણ રોજનું કામ છે, નિષ્ઠાનું કામ છે, નિયમિત કરવાનું કામ છે. ખરેખર, જેમ જેમ ઉપર જતા જઈશુ તેમ દ્રશ્ય વિશાળ થતુ જશે.

  સરસ લેખ.
  નયન

 6. Chintan says:

  હર હંમેશ ની જેમ આ લેખમા પણ ફાધર વાલેસના વિચારો મનને સ્પર્શિ ગયા.

 7. rajnikant shah says:

  i always admire articles written by father.
  very simple and very effective.

 8. Jigar Shah says:

  ગ્રેટ – એક જ શબ્દ માં કહિ શકાય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.