શિક્ષક, માતાપિતા અને આજનું શિક્ષણ – સંકલિત

[1] બાળકોને કેવા શિક્ષક ગમે ? – ડૉ. રઈશ મનીઆર

[ ‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર તેમજ ડૉ. રઈશભાઈનો (સૂરત) ખૂબ ખૂબ આભાર.]

એક શિક્ષક એક વર્ગમાં પચાસ વિદ્યાર્થીઓને ભણાવે છે, છ વર્ગમાં વરસભર તાસ લે તો આખા વર્ષમાં ત્રણસો બાળકો એના હાથ નીચેથી પસાર થાય છે. એક શિક્ષક પોતાની પાંત્રીસેક વર્ષની કારકિર્દીમાં લગભગ દસેક હજાર જેટલા વિદ્યાર્થીઓના ભાવિઘડતરમાં પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. એક સ્વસ્થ અને સુખી સમાજની રચના માટે એક ડૉક્ટર, એક એન્જિનિયર કે એક વકીલ કરતાં એક સારો શિક્ષક વધુ ફાળો આપી શકે. તેથી જ યુરોપના અમુક દેશોમાં તમામ વ્યવસાયીઓમાં શિક્ષકને સૌથી વધુ વેતન મળે છે. આવું હોય એટલે એની સીધી અસરરૂપે સમાજને વધુ બુદ્ધિમત્તાવાળા, ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકો મળવા માંડે. બીજું એવું સૂચન કરવાનું મન થાય કે કૉલેજના પ્રોફેસરો કરતાં પ્રાથમિક શિક્ષકોનું વેતન વધુ હોવું જોઈએ, કેમકે તેઓ વધુ મહત્વનું કામ કરે છે. કૉલેજોમાં તો પ્રોફેસરો નહીં, લાઈબ્રેરીઓ સમૃદ્ધ હોય તો વિદ્યાર્થીને વધુ ફાયદો થાય.

જોકે માત્ર ઊંચી ડિગ્રી કે સારા વેતનથી સારા શિક્ષકો નથી મળતા. માત્ર અંતર્દર્શનથી પણ સારા શિક્ષક બની શકાય છે. શિક્ષક માટે આપણે ‘ગુરુ’ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ‘ગુરુ’માં ગુરુતાગ્રંથિ ન હોય એ જ ઈચ્છનીય છે. ગુરુમાં ગુરુતાગ્રંથિ હશે તો દરેક બાળક પાસેથી એણે જે શીખવાનું છે એ ચૂકી જવાશે. ભોળપણ અને વિસ્મયના દરિયા જેવા બાળકને આપણે કંઈક આપવાનું છે એવો ભાર મગજ પરથી કાઢી નાખી આપણે બાળક પાસેથી કંઈક મેળવવાનું છે એટલી હળવાશ મનમાં હોય તો સારું. શિક્ષક તરીકે આપણે નબળા વિદ્યાર્થીને હોશિયાર બનાવી શકતા નથી. એવું જ જો હોય તો મંદબુદ્ધિ બાળક પણ આપણો સ્પર્શ પામી ચબરાક થઈ જવાં જોઈએ. પરંતુ એવું નથી થતું. આપણે શિક્ષક તરીકે માત્ર બાળકની આંતરિક શક્તિને, બુદ્ધિમતાને માંજવાનું, બહાર લાવવાનું કામ કરીએ છીએ.

આજના બાળક પાસે સમય સારી રીતે પસાર કરવાનાં, મનોરંજનનાં ઘણાં સાધનો છે. ટીવી સિરિયલો, કાર્ટૂન, વિડિયો ગેમ્સ, એમ્યુઝમેન્ટ પાર્કસ, રમતગમત આ બધું બાળકને આકર્ષે છે. એની સરખામણીમાં બાળકને શિક્ષણ પ્રમાણમાં નીરસ લાગે છે. તેથી સારા શિક્ષકની તમામ મહેનત અભ્યાસસામગ્રીને વધુ રસપ્રદ બનાવવાની દિશામાં ખર્ચાવી જોઈએ. દરેક બાળક શીખવા માંગે છે. આપણે શિક્ષક તરીકે એને શીખવા માટેનું સારું વાતાવરણ ઊભું કરી આપવાનું છે. એવું વાતાવરણ જેમાં બાળક કેન્દ્રસ્થાને હોય, એનાં જિજ્ઞાસા અને કુતૂહલ દબાઈ ન જાય, એને પ્રશ્નો પૂછવાનું ઉત્તેજન મળે, એના પર લખવાનું, ભણવાનું, લેસન કરવાનું, યાદ કરવાનું, ગોખવાનું કોઈ દબાણ ન હોય, એને મજા આવતી હોય એટલે એ ભણે અને એને રસ પડતો હોય તેથી એને આપોઆપ યાદ રહી જાય. ઘણાખરા શિક્ષકો આવું વાતાવરણ ઊભું કરી શકતા નથી. કોઈ પણ વિદ્યાર્થીને જો પૂછીએ કે પિરિયડ શરૂ થતાં પહેલાં તારી મનોસ્થિતિ કેવી હોય છે તો કંઈ આવો જવાબ મળશે. ‘મનમાં ભય રહે છે કે હમણાં શિક્ષક આવશે, લેસન ચેક કરશે, અંગૂઠા પકડાવશે, દસ વાર લખવા આપશે, મોઢે કરાવશે, ધમકાવશે, ચૂપ બેસવા કહેશે, મારશે, વાંક કાઢશે, અપમાન કરશે….. વગેરે.’

‘ભય પામવો’ અને ‘શીખવું’ એ બે ક્રિયાઓ એક સાથે થઈ શકતી નથી. શિક્ષક દ્વારા બાળકના સ્વમાન પર જાણ્યેઅજાણ્યે આઘાત થાય તો બાળક પ્રસન્નતા અને ઉત્સાહ ગુમાવી બેસે છે, એકાગ્રચિત્તે ભણી શકતું નથી. બાળકને સારી રીતે ભણાવવા માટેનું વાતાવરણ પૂરું પાડવામાં શિક્ષકનું પોતાનું વ્યક્તિત્વ મોટો ભાગ ભજવે છે. સારા શિક્ષક થવા માટે અંત:સ્ફુરણાનો ગુણ સૌથી મહત્વનો છે. કોઈ પણ વિષય કે કોઈ મુદ્દો બાળકોને મજા આવે તે પ્રકારે સારી રીતે ભણાવવ માટેની મૌલિક પદ્ધતિ સારા શિક્ષકને આપોઆપ સૂઝતી હોય છે.

બીજો ગુણ નિષ્ઠાનો છે. સારા શિક્ષકમાં ભારોભાર નિષ્ઠા હોવી જોઈએ. પોતે શાળામાં માત્ર 7.30 થી 12.30 કે 12 થી 5નો સમય પસાર કરવા નહીં, પરંતુ બાળકોના જીવનઘડતરના અમૂલ્ય દિવસોમાં પ્રાણ રેડવા જાય છે, એવી એને ખબર હોય છે. મકાન બનાવનાર એન્જિનિયર મકાનનો પાયો બનાવવામાં સૌથી વધુ સમય, શક્તિ અને સંપત્તિ ખર્ચે છે. શિક્ષક તરીકે આપણે શ્રેષ્ઠ સમય અને શ્રેષ્ઠ શક્તિ બાળકો માટે ફાળવીએ તે જ આપણી નિષ્ઠા. આપણી બેદરકારી, આળસ, કંટાળો, અકળામણ કે ગુસ્સાના કારણે બાળકના જીવનના અમૂલ્ય દિવસો વેડફાઈ ન જાય તેની તકેદારી રાખવી તે જ નિષ્ઠા. ત્રીજો ગુણ છે સંવાદિતા, કોમ્યુનિકેશન ! શિક્ષક બોલે અને વિદ્યાર્થી સાંભળે એવો એકતરફી વ્યવહાર બંને પક્ષે કંટાળો જન્માવે છે. વિષય રસપ્રદ બને તે માટે શિક્ષકે અને બાળકે એક સપાટી પર, એક સ્તર પર આવવું પડે છે. બાળકની વિષય વિશેની જાણકારી કેટલી છે ત્યાંથી શરૂ કરીને શિક્ષકે બાળકની ભાષા, બાળકની ગ્રહણશક્તિ અને બાળકના કુતૂહલનો ઉપયોગ કરી બાળકને વિષયના ઊંડાણ સુધી લઈ જવાનું હોય છે. આમ કરવા માટે શિક્ષકે બોલતા રહેવું પડે છે અને બાળકને પણ બોલતું રાખવું પડે છે. જ્યાં સંવાદ છે ત્યાં જ સ્વાદ છે. સંવાદ વગરનું શિક્ષણ નીરસ બને છે.

તો સારા શિક્ષકના આ ત્રણે ગુણ અંત:સ્ફુરણા, નિષ્ઠા અને સંવાદિતા… ત્રણે ઉત્સાહમાંથી જન્મે છે અને ઉત્સાહનું મૂળ આંતરિક પ્રસન્નતામાં હોય છે. જ્યાં આંતરિક પ્રસન્નતા ન હોય ત્યાં ઉત્સાહ ન હોય. ઉત્સાહ ન હોય ત્યાં અંત:સ્ફુરણા, નિષ્ઠા કે સંવાદિતા ન હોય. શિક્ષકો પણ આખરે સંઘર્ષપૂર્ણ જીવન જીવતા માનવીઓ છે. ભૂતકાળના કટુ અનુભવો, વર્તમાનના સંઘર્ષો, ભાવિની ચિંતાઓથી ઘેરાઈને તેઓ પણ અજંપા અને અકળામણથી પીડાતા હોય છે. સાસુ, પતિ અને સંતાનોની ત્રેવડી જવાબદારી ઉપાડીને શાળામાં ભણાવવા આવેલી શિક્ષિકા વર્ગખંડમાં ઊંઘી જાય, બરાડા પાડે, વિદ્યાર્થીઓને સજા કરે કે વિદ્યાર્થીનીઓ પાસે તુવેરસિંગ અને પાપડી છોલાવે તો એમાં નવાઈ પામવા જેવું નથી. શિક્ષકોએ પોતાની વ્યગ્રતા અને ઉગ્રતાને નીરખવાની અને પારખવાની ટેવ પાડવી જોઈએ. માત્ર પગાર, પેન્શન કે ગ્રૅચ્યુઈટી મેળવવા માટે આપણે શિક્ષક બન્યા નથી. એક બાળકની આંખમાં મનગમતા શિક્ષક માટે જે આદર હોય છે એની કિંમત કોઈ પણ વેતન, પી.પી. એફ કે ગ્રેચ્યુઈટી કરતાં વધારે હોય છે.

જો શિક્ષક પ્રસન્ન હશે તો વિદ્યાર્થી પણ પ્રસન્નતા પામશે. આ એક જ વાક્યમાં શિક્ષણની કળા, શિક્ષણનું વિજ્ઞાન અને શિક્ષણનું ગણિત છુપાયું છે.

[2] મમ્મી, આજે હું કાગડો છું – વીનેશ અંતાણી

[‘દિવ્ય ભાસ્કર’માંથી સાભાર.]

ચાર વર્ષનો સોહન સ્કૂલથી આવ્યો પછી એનું ધ્યાન બીજી કોઈ વાતમાં નહોતું. એ આજુબાજુથી કાંકરા એકઠા કરતો હતો. આંગણામાં કાંકરાનો ઢગલો થઈ ગયો. એ બાથરૂમમાં ગયો. પ્લાસ્ટિકના મગમાં પાણી ભર્યું, મગ આખો ભરાઈ ગયો. એ માથું હલાવવા લાગ્યો, જાણે કશુંક બરાબર થયું નહોતું. એણે અડધાથી વધારે પાણી ઢોળી નાખ્યું. આંગણામાં આવ્યો. મગમાં એક પછી એક કાંકરા નાખવા લાગ્યો. પછી ધ્યાનથી મગમાં જુએ, આંગળી બોળીને પાણીનું લેવલ તપાસી લે. મમ્મી ગુસ્સે થઈ ગઈ, ‘આ શું કરે છે, સોહન ? તારા હાથ તો જો ! યુ આર અ ડર્ટી બોય !’
સોહને જવાબ આપ્યો : ‘ના…. હું ડર્ટી બોય નથી, હું કાગડો છું !’ મમ્મીને રસ પડ્યો. એણે સોહનને વહાલથી પૂછ્યું, ‘શી વાત છે ? તું આજે સ્કૂલથી આવ્યો ત્યારથી આ કેવી રમત કરે છે ?’ સોહને કહ્યું : ‘મમ્મી, આજે મેડમે છે ને તે કાગડાની વાર્તા કહી. થર્સ્ટી ક્રો ! કાગડાને બહુ તરસ લાગી હતી, પણ…..’

મમ્મીને એ વાર્તા યાદ હતી. એ પણ દીકરાની સાથે એક-એક કાંકરો પાણીથી અડધા ભરેલા મગમાં નાખવા લાગી. સારા નસીબે સોહનની મમ્મી સમજુ હતી. બે વયસ્કો અને બાળકો વચ્ચેનો તફાવત જાણતી હતી. બધાં બાળકો સોહન જેવાં નસીબદાર હોતાં નથી. એક મમ્મી ઉતરાણના બે દિવસ પહેલાં ઑફિસથી ઘરે આવી. એના બંને દીકરા ઘરમાં નહોતા. એ બંને દોસ્તોની સાથે કપાયેલા પતંગ પકડવા દોડાદોડી કરતા હતા. મમ્મીએ સ્કૂલ બેગ જોઈ. દીકરાઓએ હોમવર્ક કર્યું નહોતું. એણે ‘સાઉટ’ કરીને બંનેને ઘરમાં બોલાવ્યા, ‘હોમવર્ક કેમ બાકી છે.’ એનો ઘાંટો સાંભળીને દીકરા થથરી ગયા, ‘અમે……પતંગ….ને, મમ્મી અમે આટલા બધા પતંગ… ક્રોધિત મમ્મીએ દીકરાઓના હાથમાંથી બધા પતંગો ઝૂંટવી લીધા ને ફાડી નાખ્યા. એ દિવસે પોતે કરેલા અઘટિત વર્તન માટે મમ્મી પોતાને જિંદગીભર માફ કરી શકી નહીં. સાત વર્ષની રેણુને તાવ હતો. ડૉક્ટરે એને ઈન્જેકશન આપવાની તૈયારી કરી. રેણુ સમજી ગઈ. એ રડતી-રડતી માને વળગી પડી. માએ પૂછ્યું, ‘ઈન્જેકશન વિના ચાલશે નહીં ?’ પિતાજી બહાદુર હતા. એમણે પત્નીને કહ્યું : ‘બાજુએ ખસ… તારું કામ નહીં !’ પિતાએ દીકરીને જોરથી પકડી. રડતી-કકળતી રેણુને ડૉક્ટરે ઈન્જેકશન આપ્યું. એ સાંજે રેણુ અને એનો ચાર વર્ષનો ભાઈ રૂમ બંધ કરી રમતાં હતાં. રેણુએ ભાઈને કહ્યું : ‘હું ડૉક્ટર છું. તને તાવ આવ્યો છે. તને સોય મારવી પડશે.’ ભાઈ પલંગ પર સૂતો તો ખરો, પણ સાચુકલું રડવા લાગ્યો. એ સાંભળીને મમ્મી આવી. જોયું તો રેણુ અણીવાળી પેન્સિલ ભાઈના પગમાં ઘોંચવા જતી હતી. ‘આ શું કરે છે, રેણુ ?’ મમ્મી ગુસ્સે થઈ ગઈ. રેણુએ કહ્યું : ‘મમ્મી તું અહીંથી ચાલી જા… તારું કામ નહીં….’

નાની છોકરી ઢીંગલીને નવડાવે છે, એના વાળ ઓળી દે છે. ઢીંગલીના વાળ ખેંચાય છે તેથી એ રડે છે. છોકરી ઢીંગલીને હાથથી થપડાક ચોડે છે – અને પછી એને છાતી સાથે લગાવે છે. બાળકો એમની કલ્પનામાં જાતજાતનાં પાત્રો ઊભાં કરે છે. એમની સાથે વાતો કરે છે, ઝઘડે છે, ફરિયાદો કરે છે. એમાં કોઈ રાક્ષસ હોય છે, કોઈ પરી હોય છે, કોઈ પાળેલું જાનવર હોય છે. કોઈક ચાંદામામા સાથે પણ રમે છે. આ બાળકોની દુનિયા છે – ને એમાં ઘણું બધું બને છે. એક નાનો દીકરો અને એના પપ્પા દરરોજ ‘જીવડું-જીવડું’ રમે છે. એના પપ્પાએ ક્યારેક હાથની આંગળીઓથી દેડકું બનાવવાનું આવે છે, ક્યારેક માત્ર ‘જીવડું’. દીકરો પિતાજી નારાજ હોય ત્યારે એમની સાથે અબોલા લે, પણ ‘જીવડા’ સાથે બધી વાત કરે. એ વાસ્તવિક પપ્પાની અવગણના કરે, પણ એમનામાંથી પ્રગટતા જીવડાને પ્રેમ કરે. બાળમાનસના અભ્યાસીઓ કહે છે તેને બાળક બે વર્ષનું થાય પછી પાંચ વર્ષની ઉંમર સુધી એના મનમાં એક કલ્પનાલોક ઊભો થાય છે. એ કલ્પનાલોકમાં જાતજાતનાં પાત્રો વિહરે છે. બાળકો એમની સાથે અજબ પ્રકારની નિકટતા અનુભવે છે. આ વય દરમિયાન બાળકોની વાસ્તવ અને કલ્પના વચ્ચેની સમજ ધૂંધળી હોય છે.

એક બોધકથા :
એક વાર બધાં પ્રાણીઓ-પક્ષીઓ ભેગાં થયાં. એમને લાગતું હતું કે એમનાં બચ્ચાઓ ‘નવી દુનિયા સાથે તાલમેલ સાધી શકતાં નથી. એથી બચ્ચાંઓના ‘સર્વાંગી વિકાસ’ માટે આધુનિક સ્કૂલ ખોલવામાં આવી. બચ્ચાઓમાં બધા જ પ્રકારની શક્તિઓ ખીલે એ માટે વ્યાપક ‘સિલેબસ’ તૈયાર કરવામાં આવ્યું. એક વર્ષ પછી રિપોર્ટકાર્ડ આવ્યા. પરિણામ નિરાશાજનક હતું. બાળક સ્વિમિંગમાં ફર્સ્ટ હતું, પણ એ રનિંગમાં ખૂબ નબળું હતું. સ્કૂલ પૂરી થયા પછી એને ટ્રેનિંગ માટે ખાસ કોચિંગ આપવામાં આવ્યું હતું. દોડી દોડીને બતકના પગ ખલાસ થઈ ગયા, એથી એ હવે તરતાં પણ ભૂલી ગયું હતું. સસલું દોડવામાં નિષ્ણાત હતું તો એ સ્વિમિંગમાં નાપાસ થયું હતું. ખિસકોલી ઝાડ ઉપર સડસડાટ ચડી જતી હતી પણ ઊડવાની બાબતમાં નાપાસ થઈ હતી. યાદ છે, બોધકથાઓનો ઉદ્દેશ કશોક બોધ આપવાનો પણ હોય છે ?

[3] શિક્ષણ નહીં, મૌલિક બુદ્ધિ માનવીને મહાન બનાવે છે – અર્કેશ જોશી

[‘ગુજરાત સમાચાર’ શતદલપૂર્તિમાંથી સાભાર.]

સુપ્રજનન શાસ્ત્રની સાર્થકતા શેમાં છે ? મહાન બાળકો જન્મે તે તો ખરું જ, પણ તેથી વિશેષ તેમની મહાનતાને પોષણ મળે, પાંગરે અને તેના પછી તે મહાનતા તેના વંશમાં પણ ઉતરે ત્યારે સુપ્રજ્જનશાસ્ત્ર સાર્થક થાય ! આ માટે આ શાસ્ત્ર ઘરે ઘરે પ્રચલિત બનવું જોઈએ, અને તેના અભ્યાસની પરંપરા સર્જાવી જોઈએ.

મહાપુરુષ કેવી રીતે બને છે ? તેમનામાં એવી કઈ વિશેષતા હોય છે જે સામાન્ય માનવીમાં નથી હોતી ? શું આજનું ભણતર મહાપુરુષો બનાવી શકે છે ? ના, આજનું ભણતર, જે અંગ્રેજોએ આપેલો વારસો છે, તે માત્ર બીબાઢાળ નોકરીયાતો ઊભા કરવાનું કારખાનું છે, મહાપુરુષો નહીં. ધીરુભાઈ અંબાણીને તેમના મેનેજરે પૂછ્યું, ‘સર, તમે ભણ્યા નથી છતાં આ ઊંચાઈએ પહોંચ્યા, તો ભણ્યા હોત તો કેટલા આગળ હોત !’ ધીરુભાઈએ જવાબ આપ્યો : ‘તો તારી જેમ કોઈ કંપનીમાં બેસીને નોકરી કરતો હોત.’ તેમના આ જવાબમાં આજના શિક્ષણની નિરર્થકતા દેખાઈ આવે છે. એવા કેટલા વ્યક્તિ છે જે પોતાના શિક્ષણના પ્રતાપે મહાન વ્યક્તિ તરીકે આગળ આવ્યા હોય ? એક પણ નહીં. મહાન સફળતા પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિ પોતાની અંદર રહેલી મૌલિક બુદ્ધિ વડે જ સફળ થાય છે, શિક્ષણ વડે નહીં. બિલગેટ્સ હોય કે ધીરુભાઈ, ગાંધીજી હોય કે ન્યુટન, વીર સાવરકર હોય કે આઈન્સ્ટાઈન, કોઈ પણ ક્ષેત્રમાં કોઈએ મૌલિક બુદ્ધિ વિના મહાનતા પ્રાપ્ત કરી નથી.

મહર્ષિ અરવિંદને શિષ્યએ પૂછ્યું, ‘તમે આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કરી અમલદાર બન્યા હોત તો શું થાત ?’ શ્રી અરવિંદે કહ્યું, ‘તો ફાઈલોના શુષ્ક ઢગલાં હેઠળ હું દટાઈ ગયો હોત.’ જો શ્રી અરવિંદ આઈ.સી.એસ. થયા હોત તો શું આપણને સમર્થ ક્રાંતિકારી અને મહાન યોગી મળી શક્યા હોત ? ના, શિક્ષણથી, આજના મેકોલેછાપ શિક્ષણથી મહાનતા જન્મી જ શકે તેમ નથી. તમારા સંતાનોમાં મહાન કાર્યો કરવા માટે ઈચ્છાશક્તિ જાગૃત કરો. તેને હંમેશા કહો કે બેટા, તારે જીવનમાં એવું કાર્ય કરવાનું છે જેને લોકો સદીઓ સુધી યાદ કરે. તું સામાન્ય સફળતાથી સંતોષ માનીશ નહીં. સામાન્ય સફળતા મેળવવા પાછળ તું દોડીશ નહીં. તારામાં મૌલિક બુદ્ધિ રહેલી છે. તેને કોઈક છોડને ઉછેરતા હોઈએ તેમ ઉછેરજે, તે જ તને મહાન બનાવશે. બાળક ગર્ભમાં હોય ત્યારે પણ તેને આ જ પ્રકારના સકારાત્મક સુચનો કરવા જોઈએ અને જન્મ પછી પણ બાળપણથી તેનામાં મહાન કાર્યો કરવા માટેના વિચારોના બીજ રોપવા જોઈએ. કોઈ અજ્ઞાત ચિંતકનું સુંદર કથન છે કે પ્રત્યેક બાળકમાં એક મહાન પ્રતિભા છુપાયેલી હોય છે. વાત સાચી છે. ઈશ્વરે બીજ રોપ્યું, ત્યારે કોઈ હેતુ હોય છે. બાળકનો જન્મ થાય ત્યારે ઈશ્વરે તેના માટે કોઈ જીવનકાર્ય નિર્મિત કર્યું હોય છે. માતાપિતાએ બાળકને તેનું આ જીવનકાર્ય શોધવા માટે વાતાવરણ આપવાનું છે. આ જીવનકાર્ય તેની પ્રતિભા ઘડે છે. એક વખત બાળકને ખ્યાલ આવશે કે મારું જીવન જેના માટે સર્જાયું છે, તે આ છે. પછી બાળક તેની જાતે જ ખીલી ઊઠશે. પછી તેની જાતે માર્ગ મળતો જશે, તે સ્વયં માર્ગ બનાવતો જશે.

માતાપિતાનું કાર્ય બાળકને સપનું આપવાનું છે અને તે સપનું આપવાની પરંપરા વંશમાં ઉતરે, તે માટે પણ ધ્યાન રાખવાનું છે. બાળકને સામાન્ય બનાવવા માટે ક્યારેય પ્રયત્ન કરતા નહીં. દરેક બાળક તેની રીતે અસમાન્ય જ હોય છે. સામાન્ય એટલે સમાનતા પરથી ઉતરી આવેલો શબ્દ. શિક્ષણ ભલે બધાને એક સમાન બનાવવા પ્રયત્ન કરે, તમે તમારા બાળકને અસામાન્ય, અન્યોથી કંઈક અલગ, કંઈક ઉચ્ચ, કંઈક વિશેષ બનાવવાનું લક્ષ્ય રાખજો. તેને મહાન બનાવાનું સપનું આપજો. અને તેને મહાન બનાવા માટે તેની મૌલિક બુદ્ધિને ખીલવા દેજો. તેની મૌલિક બુદ્ધિને ઉછેરજો. તેની મૌલિકતા, તેનામાં રહેલી વિશેષતાને શોધીને વિકસાવજો. અને મૌલિકતાને વિકસવા દેવાની આ પ્રથા ગર્ભસંસ્કાર તથા સુપ્રજનનશાસ્ત્ર વડે વંશપરંપરાગત રીતે કુટુંબમાં ઉતરતી રહે તે માટેનું આયોજન પણ કરતાં જજો…. તો સુપ્રજનનશાસ્ત્ર સાર્થક થશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કવિતા તો જિવાતાં જીવનનો હિસ્સો છે : રાજેન્દ્ર શુક્લ – જવલંત છાયા
સંસાર-સાધના – ફાધર વાલેસ Next »   

17 પ્રતિભાવો : શિક્ષક, માતાપિતા અને આજનું શિક્ષણ – સંકલિત

 1. trupti says:

  Nice article
  A revelation article.
  Children are loosing their childhood due to globalization, media and electronic gazettes. In olden days children used to have lots of physical activates and games, the media and electronic gazettes have captured the place of the same. To add to it, the present education system is also not allowing children to remain children and they grow before their age. I do not think in our life we ever complained of headache, fatigue or boredom. These words never existed in our dictionary. Now, every second child is complaining of these. The teachers, to whom we used to say, Guru, are no more Guru but money-producing machine and they are not interested in the welfare and well-being of the children. They do not take active interest in the education of the children in the school so that they can earn extra money by taking tuitions. Now the child of Junior K.G. also goes for the tuitions!!!!!!!! That means our children are so dump that they require tuitions even in K.G. Why a mother/father cannot teach a child, simple ABCD or nursery rhymes? However, this is a world of completion and every parent want to do or rather follow what others are doing. I fully agree with Dr. Raesh Manir, there is a need of a good teacher and teacher contributes to the growth of the children. As the full foundation supports the building, if the foundation is weak, the building may collapse, same way the foundation of the children should be strong, if it is weak, the life of the children will be ruined. Every person in the society is interdependent on each other. The teacher is also human and has the family of their own, to support, they need to earn well, if the salary structure of the teacher is weak, it is but natural that, they will have to work extra to meet their both the ends meet, and tuitions are the easiest option of the same. Some times back Hillary Clinton visited India and in one of the press conference, she emphasised on the high pay scale of the teachers. Our education dept. must think strongly in this respect.

  Last year I was on trip to the USA, and what I found that, the children over there enjoys life and study until their school level without much of tension. I also noticed that the girl up to the age of 12-13 plays with the Barbie and spends lots of time, money and energy in taking care of the dolls. They freely move out with their dolls on the roads, restaurants and malls. There are multi-storied malls only for the dolls and its accessories. There are hairdressers, hospitals and the houses with all the accessories and furniture for the dolls. There are male dolls (we call ‘dighalo’) for the dolls. We were amazed to see the shops. Here back in India, if any girl is playing with the doll after 5-6 years of age and moving out of the house with the same, we termed them as childish and don’t look upon them with respect as we expect the children to grow fast. At the same time, there, the children grow up very fast, and the eligible age for the driving license is 16 years as compared to 18 in India.

 2. Archana says:

  excellent article. it is always a pleasure to read on ReadGujarati

 3. Vatemargu says:

  બાળકોને કેવા શિક્ષક ગમે? તે લેખ વિશે હું વટેમાર્ગુ મારો તટસ્થ અભિપ્રાય આપું છું.

  ડૉ. સાહેબે કહ્યું તે મુજબ જો શિક્ષક સારો હશે અને ગુરૂતાગ્રંથી વાળો નહી હોય તો વિદ્યાર્થીઓ તાલિમબધ્ધ બનશે.

  હવે હું આપણા ગુજરાતની શિક્ષણ પધ્ધતિ વિશે જણાવવા માગું છું. શિક્ષક એટલે શિક્ષા કરે તે એમ કહેવાતું હકીકતમાં શિક્ષણ આપે તેને શિક્ષક કહેવાય. શિક્ષક માટે માસ્તર પંતુજી વગેરે જેવા વિશેષણથી નવાજવામાં આવતા. માસ્તર એટલે જેનું સ્તર મા સમાન છે તે માસ્તર. પહેલા ના સમય માં સોંગારત હોતા શિક્ષકો સારું શિક્ષણ આપવા માટે કટિબધ્ધ હતા. હવે શિક્ષણમાં કોર્પોરેટ કલ્ચર ઘુસી ગયું છે.

  ટ્યુશન વિના તો સારા માર્ક્સ આવે જ નહીં તેવો માહોલ અને તેવી વિચારસરણી ઉભી થઇ ગઇ છે. પી.ટી.સી. કર્યા પછી માત્ર રૂ.૧૨૦૦/- રૂ.૧૫૦૦/- જેટલો પગાર મળે છે. બી.એડ. કર્યા પછી પણ બહુ બહુ તો રૂ. ૨૫૦૦/- જેટલો પગાર મળે છે અને એમ.એડ. કર્યા પછી રૂ. ૬૦૦૦/- થી વધારે પગાર મળતો નથી. આજે મોંઘવારી વધારે પડતી વધી ગઇ છે એટલે શિક્ષકો શાળામાં ખાસ ભણાવતા નથી અને ટ્યુશન પર વધારે ભાર મુકે છે. ઇવન હવે તો કેવું છે કે શાળા ના જ શિક્ષકો પોતાના વર્ગના બાળકો ને પોતનું ટ્યુશન રાખો તો જ સારા માર્કસ આપીશ તેવિ લોભામણી જાહેરાત પણ કરે છે.

  બાળકો સારા માર્ક્સની આશાએ તેની પાસે જાય છે. એક વાર ટ્યુશન જામી જાય એટલે શાળામાં ભણાવવાનું મૂકી અને ટ્યુશન પર વધારે ધ્યાન આપે છે. આજે આવી હરકતો ને કારણે આપને શિક્ષકો ને માન આપતા નથી અને તેમને માટે ગમે તેવા શબ્દો નો ઉપયોગ કરતા અચકાતા પણ નથી. આજે આપણા ગુજરાતમાં શિક્ષણ એ બીઝ્નેશ બની ગયો છે. ગ્રાંટેડ શાળા ના શિક્ષકો ડરતા ડરતા ટ્યુશન કરે છે ને નોન ગ્રાંટેડ શાળાના શિક્ષકો છડેચોક ટ્યુશન કરે છે. વિદ્યાર્થીઓને લોભાવવા પોતાના ક્લાસ ને વિવિધ સુવિધાઓથી સજ્જ બનાવે છે. વિદ્યાર્થીઓ પણ આજે ચતુર બની ગયા છે. તેઓ જુએ છે કે સાહેબ નો ક્લાસ કેવો છે કઇ પધ્ધતિ થી શિખવે છે? ક્લાસ માં એસી છે? એલસીડી પ્રોજેક્ટર છે? વગેરે વગેરે…

  વળી શિક્ષક અમુક વિદ્યાર્થીઓ ને એમ પણ કહે છે કે જો તું મારા ક્લાસ માં અમુક સંખ્યામા વિદ્યાર્થીઓ લાવીશ તો તને મારી ફી માં અમુક % કમિશન પણ આપીશ. જુઓ થયોને બીઝ્નેશ. પૈસાની ભુખ આજના શિક્ષણને ક્યાં લઇ જશે તે આજે સમજાતું નથી? આ પ્રથા ને સુધારવી હોય તો સરકારે શિક્ષકો ની પગાર પધ્ધતિ ને સુધારવી પડે. હાઇફાઇ ક્લાસોમાં ભણવા પ્રેરાતા વિદ્યાર્થીઓ પોતાના મા બાપ પર ભાર મુકે છે. સમાન્ય વર્ગને આ બધું પોસાતું નથી.

  આ પ્રથા સુધારવા માટે આપણે સહુ એ પહેલ કરવી પડશે. સરકારને આ બાબતે જણાવવું પણ પડશે. હજી પન સમય છે શિક્ષણ ને બીઝ્નેશ થતાં હજી પણ રોકી શકાય તેમ છે. ૨૪ કલાકના સમયમાં આ કુપ્રથા માટે આપણે થોડો સમય ફાળવવો રહ્યો.

  આભાર,

  વટેમાર્ગુ.

  • Navin N Modi says:

   આપ ગુજરાત વિષે કહો છો, પરંતુ મને લાગે છે કે સમગ્ર ભારતમાં શિક્ષણક્ષેત્રે કોર્પોરેટ કલ્ચર ફેલાઈ ગયું છે.

 4. nayan panchal says:

  આદર્શ શિક્ષક કેવા હોવા જોઈએ તે માટે તોતો-ચાન કે Ignited Minds જેવા પુસ્તકો વાંચવા.

  એક ખરાબ માતા-પિતા એક બાળકને ખરાબ કરેછે, જ્યારે એક શિક્ષક આખી પેઢીને ખરાબ કરે છે.

  આભાર,
  નયન

  અંગ્રેજોના સમયની શિક્ષણવ્યવસ્થા ત્યાગવી નથી, પછી ફરિયાદ કરીને શો ફાયદો !!!

  આપણા નેતાઓ માટે આવા ફાલતુ મુદ્દાઓ માટે સમય નથી. જો આવા મુદ્દાઓ પર ધ્યાન આપશે તો પછી પૂતળાઓ ઉભા કરવા પર, આંતકવાદીઓના માનવીય અધિકારો, ટીવી પોગ્રામોથી સમાજને ખતરો, દેશવાસીઓને સુરક્ષા માટે આપવી પડતી જાહેર ચેતવણીઓ, વિવિધ શહેરો, સ્મારકોનુ નામકરણ, ઉદઘાટનો વગેરે જેવા ગંભીર કાર્યો પર કોણ ધ્યાન આપશે.

 5. કલ્પેશ says:

  બાળકોને ઘરે ભણાવવાનુ કેમ ન કરી શકાય?
  જો બહાર આવી પરિસ્થિતિ હોય તો આપણે કેમ વસ્તુને નજરઅંદાજ કરી શકીએ?

  Home schooling કેમ ન થઇ શકે?

  • Vatemargu says:

   કલ્પેશભાઇ, શક્ય તો બધુ જ છે પરંતુ હવે બધુ બધાને ચાવેલું મળે છે એટલે કોઇ પ્રયત્ન કરવા માગતું નથી.

   • trupti says:

    Which University or Institution will recognize this? In the world of Globalization, how far this kind of education is effective and valid?

    • કલ્પેશ says:

     If we care about university or institution, we won’t progress as much.

     On the flip side, people like Bill Gates and Dhirubhai were awarded “doctorate” by big name foreign university. I think it is universities, who wanted to be associated with those names than the other way round.

     I don’t know about India. But West has always lead the path for change in this 🙂
     And I am sure best ideas will come to us & we will change things as well.

    • કલ્પેશ says:

     Mrugeshbhai, I apologize for an extra comment.

     Truptiji: How much of what you learnt in school and college has been helpful to you?

     I thoroughly enjoyed my school days.

     But what school tries is to give you 10 things to eat one after the other rather than looking at what you like most & what you are good at and cultivating those things.

     I am sure people with agree with this sentiment.

     • જય પટેલ says:

      કલ્પેશભાઈ

      ગૃહ શિક્ષણનો આપનો વિચાર જરૂર આવકાર્ય છે.
      સમગ્ર ગુજરાતમાં આ વિચારનો અમલ જાણકારી મુજબ ફક્ત કવિશ્રી રાજેન્દ્ર શુકલે કર્યો હતો.
      ગૃહ શિક્ષણ જેવા ક્રાંતિકારી વિચારનો અમલ આમ જનતા કરી શકે નહિ.

      ગૃહ શિક્ષણ જેવા ક્રાંતિકારી વિચારનો અમલ કરવા માટે
      મા-બાપે ઘણો ત્યાગ અને આહુતી આપવી ઘટે જેવી કે ક્રિકેટ મેચ..ટીવી સિરીયલ…નાટક-સિનેમા જેવા મનોરંજન નો ત્યાગ અથવા રેસ્ટ્રીકટેડ યઝ…….કદાચ શક્ય નથી….!!!

  • Vijay says:

   Yes, it’s possible to HOME SCHOOL anywhere in the world. The million dollar question is: Are parents ready to take it? By heart most of the parent knows the answer, and the answer is “BIG NO”. They don’t have desire to take challenge. They are looking for shortcut in the life (which sometime gives elusion). They are ready to spend money, but not ready to take responsibility. They are ready to give birth to kid but not ready to nourish. So the problem is “PARENTS” not the teacher. There will always be a “SELLER” when there is “BUYER”. Seller can survive till Buyer exists.
   Read books on JOHN HOLT and it may enlighten you if you are ready to receive.

   Vijay

 6. Dhaval B. Shah says:

  Nice article.

 7. VIVEK DESAI says:

  wonderful & inspirational article. thanks for sharing.

 8. ખુબજ સુન્દર આર્ટીકલ અને એટલી જ સુન્દર કમેન્ટ્સ.
  વેરી નાઈસ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.