જાગીને જોઉં તો સ્કૂટર દીસે નહીં ! – રતિલાલ બોરીસાગર

[‘તિલક કરતાં ત્રેસઠ થયાં’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રતિલાલભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 096નરસિંહ મહેતાની એક કવિતામાં ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એવી એક પંક્તિ આવે છે. સુગમ સંગીતના એક કાર્યક્રમમાં આ પંક્તિ સાંભળીને આંખના ડૉક્ટર એવા અમારા એક મિત્રે કહેલું કે ઊંઘમાંથી ઊઠ્યા પછી કંઈ દેખાયું નહિ, તો નરસિંહ મહેતાએ કવિતા લખવાને બદલે આંખના કોઈ સારા ડૉક્ટરને આંખ બતાવવી જોઈતી હતી. આ કવિતા ન લખાઈ હોત તો નરસિંહ મહેતાને કે બીજા કોઈને કશું નુકશાન થવાનું નહોતું. સુગત સંગીતના ગાયકો બીજી કવિતા ગાત કે છોકરાંઓ બીજી કવિતા ભણત, પણ આંખ પ્રત્યે બેદરકારી બતાવવાથી ગંભીર નુકશાન થઈ શકે.’ આ વાત મને એટલા માટે યાદ આવી કે થોડા દિવસ પહેલાં એક સુંદર સવારે મેં જાગીને જોયું – અલબત્ત ચા-બા પી, છાપા-બાપા વાંચીને જોયું – તો મારું સ્કૂટર મને દેખાયું નહિ. અલબત્ત, નરસિંહ મહેતાને તો આખું જગત દેખાયું નહોતું. મારો કેસ એટલો સિરિયસ નહોતો. મને મારા સ્કૂટર સિવાય બધું જ દેખાતું હતું. એક સંસ્કૃત નાટકનો નાયક પોતાની આસપાસ અનેક સુંદર સ્ત્રીઓને જોઈને નિસાસો નાખીને કહે છે, ‘સુંદર નેત્રોવાળી અનેક રમણીઓ અહીંતહીં ફરે છે, માત્ર મારી પ્રિયા જ ક્યાંય દેખાતી નથી.’ મારી સ્થિતિ પણ લગભગ આવી જ હતી. પડોશીઓનાં બધાં સ્કૂટર સલામત દેખાતાં હતાં – એક માત્ર મારું જ સ્કૂટર ક્યાંય દેખાતું નહોતું ! એટલે આંખના ડૉક્ટરને શોધવા કરતાં સ્કૂટર શોધવું વધુ જરૂરી છે એમ મને લાગ્યું.

ચાવીની મદદથી પણ મારાથી સ્કૂટરનું લૉક સહેલાઈથી ખૂલતું નથી, એટલે ચાવીની મદદ વગર સ્કૂટરનું અપહરણ કરી જનારની હિંમત અને કુશળતા માટે મને માન થયું. મેં ચાવી શોધી તો ચાવી ન મળી. ચાવી ભેરવવા માટે ચાવીના આકારનું જ કલાત્મક સાધન ઘણી ઊંચી કિંમતે ખરીદીને મેં ઘરમાં વસાવ્યું છે; જો કે એમાં ચાવી ભેરવવાનું મારાથી ભાગ્યે જ બને છે. ચાવી મારાથી ક્યાંક મુકાઈ જાય છે અને પછી અમારે ત્યાં ઘરકામ કરનાર એ શોધી કાઢે છે. એકવાર તો પીવાના પાણીના ગોળામાંથી એણે મારા સ્કૂટરની ચાવી શોધી કાઢી હતી. એને જેમ વાસણ માંજવાના, કચરાપોતાં કરવાના, કપડાં ધોવાના કામના પૈસા ઠરાવેલા છે તેમ મારી ચાવી શોધી આપવાના કામના પૈસા પણ ઠરાવ્યા છે. એટલે ચાવી ન મળી તેથી ચાવી ઘરમાં નહિ જ હોય એવું કહી શકાય તેમ નહોતું. એ જ રીતે ચાવી ઘરમાં હશે જ એમ પણ કહી શકાય તેમ નહોતું. કોઈ ઘરમાં આવી, ચાવી લઈ સ્કૂટર પર સવાર થઈ જતું રહ્યું નહિ હોય ને ? આવી એક કલ્પના મને આવી. આ કંઈ તદ્દન અશક્ય નહોતું. અમારા એક પ્રોફેસર મિત્રનો રેડિયો વાગતો હતો. મિત્ર પોતે રેડિયો સાંભળી રહ્યા હતા. એ વખતે કોઈ રેડિયો ઉપાડી ગયું હતું !

આખરે મેં ઘરના સભ્યો સમક્ષ નિવેદન કર્યું :
‘કંપાઉન્ડમાં સ્કૂટર નથી ને ઘરમાં ચાવી નથી !’ ઘરમાં ઘડીભર સન્નાટો છવાઈ ગયો, પછી પ્રશ્નોની ઝડી વરસી.
‘સ્કૂટર ક્યાં મૂકીને આવતા રહ્યા હતા ?’
‘ચાવી ક્યાં મૂકી હતી ?’
‘સ્કૂટર લૉક કર્યું હતું કે ચાવી સ્કૂટરમાં ને સ્કૂટરમાં રાખી દીધી હતી ?’ પ્રશ્ન તો અનેક પુછાયા હતા પણ ઉપર સેમ્પલ રૂપે ત્રણ પ્રશ્નો આપ્યા છે. આ પ્રશ્નો દ્વારા ઘરના સભ્યોનો જે ગુસ્સો વ્યક્ત થતો હતો, મારી બેદરકારી પ્રત્યે જે નારાજગી પ્રગટ થતી હતી તે બધાંનું વર્ણન કરવું તો મારા માટે અશક્ય છે. સુજ્ઞ વાચકો એની કલ્પના કરી લે એવી વિનંતી છે. આમાંથી એક પણ પ્રશ્નનો ઉત્તર મારી પાસે નહોતો એ કહેવાની પણ ભાગ્યે જ જરૂર છે.

સોસાયટીમાં રહેતા અને તાજેતરમાં જ સોસાયટીના પ્રમુખપદની ચૂંટણીમાં મારો મત મળવા છતાં હારી ગયેલા મારા મિત્રને મેં સ્કૂટર ઊપડી ગયાની વાત કરી. કારગિલની લડાઈમાં સરકારને વગોવવાની તક મળતાં કૉંગ્રેસવાળા જેમ આનંદમાં આવી ગયા હતા, એમ સોસાયટીના નવા વરાયેલા પ્રમુખને વગોવવાની ઉમદા તક મળતાં મિત્ર આનંદમાં આવી ગયા ! ‘તમારું સ્કૂટર ગયું એ એક રીતે સારું થયું. હવે આ પ્રમુખના બચ્ચાને આપણે ખબર પાડી દઈશું. આવડત તો છે નહીં ને સોસાયટીનો વહીવટ કરવા હાલી નીકળ્યા છે !’ મારું સ્કૂટર ગયું એને મિત્ર આવકાર્ય ઘટના ગણતા હતા એ જાણી મને દુ:ખ થયું, પરંતુ એ અંગે હું કશું બોલ્યો નહિ. સ્કૂટર ઊપડી ગયા અંગે પ્રમુખને ખબર પાડી દેવાનો મિત્રનો ઉત્સાહ હું સમજી શકતો હતો, પણ પ્રમુખના બચ્ચાને આમાં વિના વાંકે શા માટે સંડોવવો જોઈએ એ મારી સમજમાં ન ઊતર્યું એટલે મેં કહ્યું : ‘આપણે પ્રમુખને જ મળવું જોઈએ. પ્રમુખનો પુત્ર તો અત્યારે કૉલેજ ગયો હશે.’
‘હા, તે પ્રમુખને જ મળવાનું છે ને ? એમના પુત્રનું આમાં શું કામ છે ?’ મિત્રે કહ્યું.
‘તમે પ્રમુખના બચ્ચાને ખબર પાડી દેવાનું કહ્યું એટલે….’
‘તમે તો યાર, સાવ ભોળા છો. ઝઘડાની ભાષા જ તમે જાણતા નથી. પ્રમુખનો બચ્ચો એટલે પ્રમુખ જ.’ પ્રમુખ અને એના સંતાન વચ્ચેની આ અભિન્નતા મને ન સમજાઈ, પણ કશું બોલ્યા વગર હું એમની સાથે ચાલવા લાગ્યો.

પ્રમુખના સદભાગ્યે અને મિત્રના (તેમજ મારા પણ) દુર્ભાગ્યે પ્રમુખશ્રી બહારગામ ગયા હતા. સેક્રેટરીની તપાસ કરી તો એમના કોઈ સગા ગુજરી જવાની અણી પર હતા એટલે તેઓ વહેલી સવારે ત્યાં પહોંચી ગયા હતા. ‘જોયું ? પ્રમુખ-મંત્રી થવું છે પણ ઘેર રહેવું નથી.’ મિત્ર ગુસ્સામાં બોલ્યા. સોસાયટીના પ્રમુખ-મંત્રીએ કામધંધો-સંબંધ-સગપણ બધું છોડી ચોવીસે કલાક ઘેર રહેવું જોઈએ એવી મિત્રની અપેક્ષા મને વધુ પડતી લાગી, પરંતુ એ અંગે કશી ચર્ચા ન કરતાં મેં મિત્રને પૂછ્યું, ‘હવે શું કરીશું ?’
‘હવે પોલીસમાં ફરિયાદ કર્યા સિવાય બીજો કશો રસ્તો નથી. ચાલો, પ્રમુખ અને મંત્રી પર કેસ ઠોકી દઈએ.’ મને કાયદાનું ઝાઝું જ્ઞાન નથી, પણ સોસાયટીમાં સ્કૂટર ચોરાઈ જાય તો એમાં પ્રમુખમંત્રી પર કેસ ન થઈ શકે એટલું તો હું અવશ્ય જાણતો હતો, પણ મિત્રને સમજાવવાનું ઘણું અઘરું હતું. એટલે મેં કહ્યું : ‘પોલીસચોકીએ તો હું એકલો જઈ આવું છું. પછી પાછો તમને મળું છું.’ આટલું કહી મિત્રનો પ્રતિભાવ મેળવ્યા વગર જ હું ચાલતો થયો.

પોલીસ ખાતામાં મારા કેટલાક મિત્રો છે. કેટલાક તો ઉચ્ચ હોદ્દા પર છે. મારા મોટા ભાઈ પોલીસ ખાતામાં સર્વિસ કરી રિટાયર થયા છે. આમ છતાં, મને પોલીસની બહુ બીક લાગે છે. એમ તો મને ડૉક્ટરનીય બહુ બીક લાગે છે. પણ ડૉક્ટર પાસે જવું જ પડે છે ત્યારે જાઉં છું એમ આજે પોલીસચોકીએ જવાનું અનિવાર્ય હતું એટલે રિક્ષામાં બેસી હું પોલીસચોકીએ ગયો.
‘ક્યું સ્કૂટર હતું ?’ ફરિયાદ લખનાર પોલીસ અધિકારીએ પૂછ્યું.
‘કાઈનેટિક હોન્ડા’ મેં ઉત્તર આપ્યો.
‘કેવા રંગનું હતું ?’
‘કાળા રંગનું સાહેબ ! કાળો રંગ મને અતિશય પ્રિય છે. જોકે એક વાર મેં વાંચેલું કે બદમાશ માણસોને કાળો રંગ બહુ પ્રિય હોય છે ત્યારે હું ગભરાઈ ગયેલો – પણ પછી આપણા એક સંતે કહ્યું કે એમને કાળો રંગ બહુ પ્રિય છે એટલે પછી મને શાંતિ થયેલી. મીરાંબાઈને પણ કાળો રંગ બહુ પ્રિય હતો એવું એના એક પદ પરથી લાગે છે. હું જોકે બદમાશ પણ ન કહેવાઉં અને સંત પણ ન કહેવાઉં.’ પોલીસ અધિકારી મારી સામે એવી રીતે તાકી રહ્યા હતા કે એમની આંખો સામે જોતાં જ હું બોલતો અટકી પડ્યો.
‘તમે પ્રૉફેસર છો ?’ પોલીસ-અધિકારીએ પૂછ્યું.
‘હતો – પછી એ નોકરી છોડી….’
‘એ વખતે બોલવાનું બાકી રહી ગયું હોય એટલું અહીં કહેવાની જરૂર નથી. બોલો, સ્કૂટરનો નંબર શું હતો ?’
‘9775….’
‘એકલો નંબર ન ચાલે…. સિરિઝ સાથે નંબર કહેવો પડે.’
‘સિરિઝ એટલે શું સાહેબ ?’ સ્કૂટર વિશેનું મારું ઘોર અજ્ઞાન જોઈ પોલીસ-અધિકારી થોડા અકળાઈ ગયા. ‘સ્કૂટર ચલાવો છો ને સરખો નંબર યાદ નથી ? સિરિઝ એટલે શું તેની ખબર નથી ? સ્કૂટરમાં શરૂઆતનાં અક્ષરો હોય છે ને…’
‘સાહેબ ! સાચું કહું ? કવિતાઓની ઘણી પંક્તિઓ મને યાદ છે, પણ સ્કૂટરનો નંબર આપ જે રીતે પૂછો છો એ રીતે મને યાદ નથી. હવે તો મને 9775 છે કે 9757 છે કે 7975 છે એ વિશે પણ શંકા પડવા માંડી છે. એટલે સ્કૂટરની ચોપડી જોયા સિવાય નંબરનો ખ્યાલ નહિ આવે.’
‘સ્કૂટરની ચોપડી લાવ્યા છો ?’
‘ના સાહેબ !’
‘તો લઈને આવો.’
‘સાહેબ ! સ્કૂટરની ચોપડી ઘરમાં જ છે, પણ જડતી નથી. એ એકવાર શોધતો હતો ત્યારે ખોવાયેલું રૅશનકાર્ડ જડ્યું હતું. એય જોકે અત્યારે તો પાછું ખોવાઈ ગયું છે.’
‘સ્કૂટરની ચોપડી શોધીને આવો.’ હું આગળ કંઈક કહેવા જતો હતો પણ પોલીસ-અધિકારીના ચહેરા પરના ભાવ જોઈ હું પોલીસચોકીનાં પગથિયાં ઊતરી ગયો.

પોલીસચોકીએથી પાછા વળતાં મને યાદ આવ્યું કે સોસાયટીના નાકે આવેલી ઝેરોક્ષની દુકાનેથી ઝેરોક્ષ માટે આપેલા કાગળો લેવાના છે. એટલે હું શૉપિંગ સેન્ટરની અંદર ગયો. દુકાનદાર કહે, ‘સાહેબ ! ગઈ કાલે તમે સ્કૂટરની ચાવી અહીં ભૂલી ગયા હતા. ચાવી વગર સ્કૂટર કેવી રીતે લઈ ગયા હતા ?’ ચાવી લઈને હું એકદમ શૉપિંગ સેન્ટરનાં પગથિયાં ઊતરી ગયો – મારું સ્કૂટર સામે જ પડ્યું હતું ! અલબત્ત, આજે પણ શૉપિંગ સેન્ટરમાં દાખલ થતી વખતે મેં સ્કૂટર જોયું નહોતું !

[કુલ પાન : 200. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંસાર-સાધના – ફાધર વાલેસ
સાંભરે છે સથવારો – મીરા ભટ્ટ Next »   

24 પ્રતિભાવો : જાગીને જોઉં તો સ્કૂટર દીસે નહીં ! – રતિલાલ બોરીસાગર

 1. Vatemargu says:

  ખુબ મજા પડી, ભુલી જવાની પણ એક કળા હોય છે અને સદભાગ્યે તે કળા પ્રોફેસરોને મળી છે. (અમુક જ હોં કે) સવારે આ લેખ વાંચી ખુબ આનન્દ થયો. આજે દિવસ સારો જશે કારણ કે દિવસની શરૂઆત હસવાથી કરી છે. ખુબ ખુબ આભાર બોરીસાગરજી.

  અને આભાર મૃગેશભાઇ આપનો કે આપના દ્વારા અમને હંમેશા ઉત્તમ પ્રકારનું હાસ્ય પ્રાપ્ત થાય છે.

  આભાર

  વટેમાર્ગુ.

 2. તરંગ હાથી says:

  ભાઇ ભાઇ, સવાર સુધરી ગઇ, આજે તો માર ઘરના લોકો ના બધ્ધા કામ થવાના કારણકે આજે તો મારો મુડ એક્દમ સોલ્લ્લ્લ્લિડ છે.

  આભાર બોરીસાગર સાહેબ અને આભાર ઇન્ટરનેટ ગુરૂ.

  તરંગ હાથી.

 3. Vipul Panchal says:

  Nice Article. Refreshing Morning.

 4. harikrishna patel says:

  ગુડ કોમેડી.મજા આવિ ગૈ

 5. Kavita says:

  Very good morning Mrugeshbhai,

  You made my day. Wonderful.

 6. trupti says:

  Very good, good humor!

 7. bhavik says:

  hi this is bhavik from auckland, nz . good work from “read gujarati” website .
  nice article ,very funny and witty also is it possible to put article of ashok dave’s “budhvar ni bapore ” of gujarat smachar on “read gujarati”

 8. Chintan says:

  મસ્ત મજ્જા પડી ગઇ.

 9. nayan panchal says:

  સરસ મજાનો લેખ, ખૂબ આભાર.

  નયન

 10. રતિલાલભાઈની લેખનિ જ એવી છે કે એ કદી ‘બોર’ ન કરે! પણ બોરીઓ ભરીને નિર્દોષ હાસ્ય પિરસે.

  આજ કાલ જો કંઈ મોઘું થયું તો એ સાચું હાસ્ય છે.

  માણસ ધીરે ધીરે હસવાનું ભુલી રહ્યો છે. ત્યારે આવા લેખો જિવનમાં નવા રંગ ભરે છે. કદાચ, સ્કૂટરની માફક માણસ હસવાનું ય ભુલી તો નથી રહ્યો ને??

 11. Vinod Patel, USA says:

  વાંચવાની મઝા આવી. બોરીસાગર સાહેબ, મને પણ પોલીસની બીક લાગે છે- ફક્ત ઇન્ડિયન પોલીસની

 12. Pravin Shah says:

  ખુબ સરસ હાસ્યલેખ

 13. મજા આવી. જો કે આ માત્ર હાસ્યલેખ નથી વાસ્તવિક પણ છે – કારણકે હું પોતે બે વખત સ્કુટર, ખરીદીના સ્થળે મુકી આવીને પછી ઘરે ગોતા ગોત કરવાના પ્રસંગમાંથી પસાર થયો છું.

 14. Vraj Dave says:

  ચા-બા પીને,છાપું-બાપુ વાંચીને………શ્રીરતીભાયના લેખ વાંચવાની મજા જેમ લેવા જેવી છે તેમ તેઓને સાંભળવા ની પણ એક ઓરજ મજા છે.પણ હવે ડાયરા જુજજ જોવા મલે છે.
  આભાર લેખકશ્રી નો અને સારા સાહિત્યના દર્શન કરાવનાર ઇન્ટરનેટ ગુરુ નો.
  વ્રજ દવે

 15. સરસ હાસ્ય લેખ!

 16. Maharshi says:

  ખુબ ખુબ સરસ હાસ્ય લેખ!

 17. Jayesh parekh says:

  Very nice artical

 18. nanda kamlesh says:

  very beautiful article.

 19. jigar shah says:

  ખરેખર મજા આવે તેવુ છે.

 20. aniket.telang says:

  ખુબજ સરસ અનિકેત તેલન્ગ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.