મૂલ્ય શિક્ષણ : આકરું પણ અનિવાર્ય – મનસુખ સલ્લા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે જાણીતા કેળવણીકાર શ્રી મનસુખભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9824042453.]

મૂલ્ય અને માન્યતાઓ-રિવાજો એક નથી. મૂલ્યો જીવનના મૂળભૂત આધારો છે. મૂલ્યો એ એક રીતે ધ્યેયો છે. એ ધ્યેયો જીવનને ઉન્નત દિશામાં લઈ જનારાં છે. જીવનની વર્તમાન સ્થિતિ વિષમ કે મૂલ્યવિરોધી હોઈ શકે છે. પણ તેથી મૂલ્યોનું મહત્વ ઘટતું નથી. મનુષ્યજાતે પડતાં-આખડતાં, ભૂલો કરતાં તારવ્યું કે જીવનનાં ધારણ-પોષણ અને સત્વસંશુદ્ધિ માટે કેટલાંક સ્થિર તત્વો હોવાં જરૂરી છે. એ તત્વો માન્યતાઓ કે રિવાજો કરતાં ઉચ્ચતર અને સર્વકાલીન હોય છે. માન્યતાઓ અને રિવાજો સાચાં, ખોટાં કે અસ્પષ્ટ હોઈ શકે છે, કારણ કે તે દેશકાળ સાપેક્ષ હોય છે. એ તત્કાલીન જરૂરિયાતોમાંથી જન્મેલાં હોય છે. એ જરૂરિયાત અપ્રસ્તુત બને કે નવી જરૂરિયાત જન્મે, એટલે નવી માન્યતાઓ અને રિવાજો જન્મે છે. પરંતુ મૂલ્યો દેશકાલ નિરપેક્ષ હોય છે.

સત્ય અને અહિંસા કોઈ અમુક કાળ કે દેશ-જાતિ-વર્ણ માટે જ નહિ, સર્વ માટે સ્થિર મૂલ્ય છે. મનુષ્યે ઉન્નત જીવન તરફ આગળ વધવું હોય, મનુષ્યત્વનો પૂર્ણ વિકાસ કરવો હોય તો આવાં મૂલ્યોના પ્રકાશમાં જીવન વ્યવહારો અને સંબંધો ગોઠવવાનાં રહે છે. એવું પણ બની શકે કે રિવાજો અને માન્યતાઓ મૂલ્યોથી વિરોધી પણ હોય. સંકુચિત અને સ્થળ-કાળ સીમિત પણ હોઈ શકે છે. દા..ત, સ્ત્રી સન્માનનો ભાવ. પુરુષપ્રધાન સમાજની રચના હોવાથી સ્ત્રીને નિમ્ન કે હલકી ગણવાનું સહજ બન્યું હોય, એ માન્યતા સેંકડો વર્ષોથી અમલમાં હોય, એનો ભોગ બનનાર સ્ત્રીઓ પણ એ માન્યતાગ્રસ્ત હોય. પરંતુ મૂલ્યના પ્રકાશમાં વિચારશું તો જણાશે કે સ્ત્રીસન્માન એ આખરે મનુષ્ય ગૌરવની બાબત છે. મનુષ્ય માત્ર સમાન હોય તો જાતિ-વર્ણ-લિંગ કે અન્ય કોઈ કારણે એક મનુષ્ય કરતાં બીજા મનુષ્યને ઉતરતો ગણી ન શકાય. આવું જ અસ્પૃશ્યતા વિશે, ગુલામી પ્રથા વિશે કે સ્વાતંત્ર્યના મુદ્દા વિશે કહી શકાય.

એક પુરુષ કેટલી સ્ત્રીઓને પરણી શકે તેનો વિવાદ યુગ જૂનો છે. દ્રૌપદીને પાંચ પતિ હતા, પરંતુ એ વ્યાપક રિવાજરૂપે સ્વીકારાયું નહિ. તેવું જ માતા-પુત્ર કે સહોદર ભાઈ-બહેન વચ્ચે લગ્ન ન થાય એ ખ્યાલ વ્યાપક રીતે સ્વીકારાયો છે. ગ્રીક નાટકોમાં આ પ્રશ્ન છેડાયેલો છે. રાજાઓ કે ધનપતિઓ કે માથાભારે માણસોએ મનધાર્યું કર્યું છે પરંતુ એનો મૂલ્ય તરીકે સ્વીકાર નથી થયો. કારણ કે લગ્નસંસ્થાનો પાયો વફાદારી છે. એ કેવળ સ્ત્રી અને પુરુષનો પ્રશ્ન નથી, બાળકો અને સમાજરચનાનો પણ પ્રશ્ન છે. મનુષ્યે જાતે લગ્નસંસ્થા નિપજાવી અને કેટલાંક નિયમનો સ્વીકાર્યાં. એમાં અપવાદો કે વિકૃતિઓ જોવા મળી શકે. કુટુંબજીવન એ સમાજનું પાયાનું એકમ છે. અને કુટુંબ મૂલ્યશિક્ષણ કે ગુણવિકાસનું પાયાનું એકમ છે, એટલે આત્મનિયમન એ જીવનમૂલ્ય છે. ઊપભોગવાદમાં મનુષ્ય રાચતો હોય, ગળાલગ ડૂબીને વિનાશને નોતરતો હોય એવું પણ બની શકે. આખો દેશ પણ એવી માન્યતા ધરાવતો હોય. પરંતુ ઈતિહાસના લાંબા પટને જોઈશું તો સમજાશે કે અસંયમી પ્રજાઓ ગમે તેટલી ભૌતિક સમૃદ્ધિ પછી પણ નાશ પામી છે.

હારજીતની ખેલદિલી વિકસાવવા ગ્રીકોમાં રમતનું ખૂબ મહત્વ હતું. (‘ઑલેમ્પિક’ શબ્દ તેમણે આપ્યો છે.) પરંતુ ધીરેધીરે એ ભાવ વિકૃત થતો ગયો. રમત એ શારીરિક કૌશલ અને માનસિક સ્ફૂર્તિનો વિકાસ મટીને ક્રૂરતાનો પર્યાય બન્યો. મનુષ્ય મનુષ્ય પરસ્પરને રહેંસી નાખે, એથી આગળ વધીને હિંસક પ્રાણી અને ગુલામો વચ્ચે સ્પર્ધા થાય, લોહીની છોળો ઊડતી હોય ત્યારે રાજ્યને ખર્ચે ભોજન અપાતું ! સ્ત્રી-પુરુષો-બાળકો સૌ લોહીની છોળો ઊડતી હોય તે જોતાં જોતાં મિઠાઈ ખાતાં હોય ! ચાર-પાંચ મિઠાઈ ખાધા પછી ગ્રીકો ઊલટી કરી, હોજરી ખાલી કરી, વળી નવી મિઠાઈ ખાતા ! આ આખો ભાવ જ જીવનવિરોધી હતો. પરિણામે અનેક ક્ષેત્રોમાં અદ્દભુત પ્રદાન કરનારી ગ્રીકસંસ્કૃતિ નાશ પામી. આજની પશ્ચિમી સંસ્કૃતિ પણ ઊપભોક્તાવાદની નાગચૂડમાં ખેલી રહી છે. એટલે ભારતના પ્રબુદ્ધ વિચારક રાજાજીએ કહેલું કે, ‘સંસ્કૃતિના વિકાસમાં સંયમ પાયાનું તત્વ છે.’

મૂળભૂત મૂલ્યોના પ્રકાશમાં જીવનને ટકાવનારા અને વિકસાવનારાં રિવાજો અને માન્યતાઓ અમલમાં આવે છે. કાળક્રમે તે વિકૃત થાય છે ત્યારે વળી મૂળભૂત મૂલ્યોના સંદર્ભમાં એ વિકૃતિ દૂર કરાવનારા મનુષ્યો જન્મે છે. તેઓ જાતે સહન કરીને પણ મનુષ્યજાતને જાગૃત કરે છે. એટલે તેઓ મહાપુરુષો કહેવાય છે. તેઓ નિરપેક્ષભાવે, સાક્ષીભાવે જીવનને જોઈ-તપાસી શકે છે. સાચું જીવતર કેવું હોય તે મૂળભૂત મૂલ્યોના સંદર્ભમાં દર્શાવી શકે છે. તો મૂલ્યોનું શિક્ષણ હોઈ શકે ? મૂલ્યશિક્ષણ કોણ આપી શકે ? કઈ સંસ્થાઓ આ કાર્ય માટે અસરકારક ગણાય ? આના ઉત્તરમાં કહી શકાય કે ચાર સંસ્થાઓ મૂલ્યશિક્ષણનું કાર્ય કરી શકે છે : (1) કુટુંબ (2) ધર્મસંસ્થા (3) કલા અને સાહિત્ય (4) વિદ્યાલય.

જીવનને ધારક અને પોષક મૂલ્યોનું જતન અને પાલન કરવું એ મનુષ્યની પસંદગી છે. દરેક પસંદગી જવાબદારી સર્જે છે. જે સંસ્થા બેજવાબદાર બની અનિષ્ટ પસંદગીઓ કરે છે તેને તેનાં પરિણામો ભોગવવાનાં આવે જ છે. મૂલ્યશિક્ષણની ઉત્તમ સંસ્થા કુટુંબ છે. તેમાં અનાયાસપણે પ્રેમના માધ્યમથી, જીવાતાંજીવાતાં મૂલ્યવર્ધન થઈ શકે છે. કારણ કે મૂલ્યનું શિક્ષણ એ કેવળ વાણીનો નહિ, આચરણનો વિષય છે. મૂળભૂત મૂલ્યોને કેટલીકવાર માનવીય ગુણોરૂપે પણ ઓળખવામાં આવે છે. મૂલ્યો એ ઉપદેશની નહિ, આચરણની બાબત છે. કુટુંબમાં એ સૌથી ઉત્તમ રીતે થઈ શકે. ધર્મસંસ્થાનું મુખ્ય કાર્ય મૂળભૂત મૂલ્યો પ્રતિ મનુષ્યને વાળવો તે છે. મૂળભૂત મૂલ્યોના પ્રકાશમાં કેવું જીવન ઈષ્ટ ગણાય તે ધર્મસંસ્થા દર્શાવી શકે. ધર્મસંસ્થાના પાયામાં ઉચ્ચ અને ઈષ્ટ જીવન જીવનારાં સ્ત્રી-પુરુષો હોય છે. આજની દંભી, દેખાડામાં રાચનારી, સ્વકેન્દ્રી ધર્મસંસ્થાઓ મૂલ્યશિક્ષણનું કાર્ય નહિ કરી શકે. કહી તો એમ શકાય કે એમનું પોતાનું આચરણ જ મૂલ્યવિરોધી છે. જો કે ધર્મસંસ્થાનું આ ઉત્કૃષ્ટ સ્વરૂપ નથી. પ્રામાણિક ધર્મસંસ્થા મૂલ્યસંવર્ધનમાં અગત્યનો ફાળો આપી શકે.

કલા અને સાહિત્ય હૃદયને આર્દ્ર કરીને વ્યાપક કરવાનું કાર્ય કરે છે. ઉત્તમ કૃતિઓએ મનુષ્યને સ્થૂળ-સુક્ષ્મ સીમાડાઓ અને બંધનોમાંથી મુક્ત થઈને વર્તતો દર્શાવીને ઉત્તમ દષ્ટાંતો પૂરાં પાડ્યાં છે. કલાકૃતિ સીધો ઉપદેશ નથી આપતી. જીવનનું એવું ચિત્ર પ્રસ્તુત કરે છે કે ઈષ્ટ અને અનિષ્ટમાંથી કોની પસંદગી કરવી તે મનુષ્ય સહજપણે સમજતો થાય છે. વિદ્યાલય એ મનુષ્યની કેળવણી માટેનું આયોજિત રૂપ છે. તેમાં કર્મ અને સમજણ દ્વારા મૂલ્ય તરફની ગતિ થાય છે. વિદ્યાલયમાં એક વિષય તરીકે મૂલ્યશિક્ષણને દાખલ કરવાથી એ હેતુ પાર નહિ પડે. આજના માત્ર અભ્યાસક્રમો શીખવનારાં અને પરીક્ષાલક્ષી વિદ્યાલયો તો પોતાના અસ્તિત્વની અનિવાર્યતા ભૂલીને ઉપરછલ્લી ભૂમિકા જ અદા કરે છે. મૂલ્યશિક્ષણ શિક્ષક-વિદ્યાર્થીના સંબંધમાંથી જન્મે છે. તેમાં શિક્ષકની વાણી કરતાંય તેનું વર્તન વધુ નિર્ણાયક થાય છે. વિદ્યાર્થી વિદ્યાલયમાં ભલે અમુક કલાક પૂરતું સમૂહજીવનમાં જીવે છે પરંતુ તે ગુણવિકાસમાં નિમિત્ત બની શકે. સમૂહજીવનના ભાગરૂપે વિદ્યાર્થી ફરજો અદા કરતો થાય, અન્યને પ્રતિકૂળ નહિ એવું આચરણ સ્વેચ્છાએ કરતો થાય અને વિવિધ કાર્યો દ્વારા ગુણવિકાસ કરતો કરતો મૂલ્ય ભાન અને પ્રીતિ પામે એવું આયોજન, વાતાવરણ અને સંબંધ આજના વિદ્યાલયોએ રચવાં જરૂરી છે. કાર્યને ધ્યેય સાથે સાંકળવા માટે જરૂરી એટલો વાણીપ્રયોગ ખપમાં લેવાય, પરંતુ અમુક વ્યાખ્યાનો ગોઠવી દેવાથી મૂલ્યશિક્ષણનો હેતુ નહિ સરે. વિદ્યાલય એ સમૂહસ્વરૂપ હોવાથી સમાજના પ્રચલિત રિવાજો અને માન્યતાઓ ઈષ્ટ છે કે અનિષ્ટ એ પણ વારંવાર તપાસતાં રહેવું પડશે. સત્યકામ જાબાલના પૌરાણિક આખ્યાનમાં ગુરુ સત્યને મૂલ્ય તરીકે સ્થાપીને જે નૂતન અભિગમ દાખવે છે તે વિદ્યાલયના પ્રત્યેક વ્યવહાર, રચના અને નિર્ણયમાં હોવો જોઈશે.

આ સૃષ્ટિનાં તમામ પ્રાણીઓમાં માત્ર મનુષ્યને જ સ્વનિરીક્ષણની અને ઉચ્ચ જીવનની અભિપ્સા અને શક્તિ મળેલી છે. એટલે જ મનુષ્યોમાં શ્રીકૃષ્ણ, ક્રાઈસ્ટ, બુદ્ધ અને ગાંધીની કક્ષા સુધીનો વિકાસ શક્ય બન્યો છે. એ વિકાસ દ્વારા મૂલ્ય સ્પષ્ટતા અને મૂલ્ય વિકાસનાં ધોરણો સર્જાય છે. દરેક કુટુંબે અને વિદ્યાલયે એને માટે યોગદાન આપવાનું છે. એ એનું અવતાર કૃત્ય છે. મૂલ્યશિક્ષણને આવી સર્વાંગી રીતે સમજીએ તો કેટલાક ભ્રમોનું નિરસન થાય અને વાજબી માર્ગો દ્વારા મૂલ્યો વિશેની સમજ અને પ્રતીતિ પ્રાપ્ત કરી શકાય.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાંભરે છે સથવારો – મીરા ભટ્ટ
વિદેશી ભડલી વાક્યો – મલય ભટ્ટ Next »   

8 પ્રતિભાવો : મૂલ્ય શિક્ષણ : આકરું પણ અનિવાર્ય – મનસુખ સલ્લા

 1. મૂલ્યની અમૂલ્યતા સમજાવતો ઉપયોગી લેખ.

 2. માનનીય શ્રી મનસુખભાઈ સાહેબ ને આવો સરસ લેખ લખવા બદલ ખુબ અભિનન્દન .આપ શ્રી ને વિનંતી કે આવુ મુલ્ય નીષ્ઠ શિક્ષણ ન પાઠ બાળકો ને કેવી રીતે શિખવાડી શકાય તે અંગે આપના સુચનો જ્ણાવશો તો ગમશે. અમે અમારા ગામ વડ્ગામ મા Child research & Education Development Project ચલાવી રહ્યા છીએ આપ આ બાબત વીશે વધુ જાણકારી http://www.vadgam.com ઉપર્થી મેળવી શકો છો. મારો મોબાઈલ ન ૯૪૨૯૪ ૦૭૭૩૨ છે તથા મારો ઈ મેલ id nitin2550@yahoo.co.in છે.

  આભાર

  નિતિન

 3. nayan panchal says:

  શિક્ષણની અને ગુરુની મહત્તા સમજાવતો સરસ લેખ.

  શિક્ષણ એવુ હોવુ જોઈએ જે વ્યક્તિને સાચા અર્થમાં વિધ્યાર્થી બનાવે. (મને સાલુ વિધ્યાર્થી લખતા કેમ નથી આવડતુ !!)
  અહીં વિધ્યાર્થી એટલે જે આજીવન શીખતો રહે તે.

  When the studen is ready, teacher appears.

  નયન

 4. કલ્પેશ says:

  નયનભાઇ,

  ધ ની જગ્યાએ દ વાપરો તો બરાબર લખી શકાશે. વિ દ્દ યાર્ થી.
  આપણે ઉચ્ચાર વખતે ધ વાપરીએ છીએ એટલે આપણે એને એમ જ લખીએ છીએ.

  આ ક્ષણે મને એમ લાગે છે કે આપણુ ઉચારણ જ ખોટુ હોઇ શકે. હિન્દીમા લોકો આ શબ્દમા દ વાપરે છે.
  કોઇ ભાષાના જાણકાર ખરુ ઉચ્ચારણ (જ આ શબ્દમા ધ વાપરવો ખોટો હોય) સમજાવે.

 5. nayan panchal says:

  વિદ્યાર્થી.

  આભાર, કલ્પેશભાઈ.

  નયન

 6. જગત દવે says:

  ખુબ સરસ અને આયોજનબધ્ધ ચિંતન.

  આનું નામ જ ઘડતર જેનો આપણી શિક્ષણ પધ્ધતિમાં અભાવ જોવાં મળે છે. મૂલ્યોનાં પણ શિક્ષણ આપતી શિક્ષણ સંસ્થાઓ ગુજરાતમાં કેટલી?

 7. Veena Dave. USA says:

  સરસ લેખ્.

 8. amisha shah says:

  ખુબ સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.