ઓહ ! તમને ડાયાબિટીસ થયો છે ?…અભિનંદન ! – વિનોદ ભટ્ટ

[ગતવર્ષે શ્રી વિનોદભાઈનો ડાયાબિટીસ વિશેનો એક લેખ આપણે માણ્યો હતો. એ જ લેખ રૂપાંતરિત થઈને તાજેતરના ‘જનકલ્યાણ’ સામાયિકમાં પ્રકાશિત થયો છે. તો માણીએ, એ જ લેખ એક નવા સ્વરૂપે… ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

ઓહો, તમને ડાયાબિટીસ થયો છે ? તો તો તમે ભારે નસીબદાર, ભાઈ ! સ્વામી વિવેકાનંદ, એચ.જી. વેલ્સ, એડગર વૉલેસ અને લોકમાન્ય તિલક જેવી લોકમાન્ય વિભૂતિઓની પંગતમાં તમે બેસી ગયા, એમની કક્ષામાં તમે આવી ગયા. આ બધાને ડાયાબિટીસ થયો હતો. મહાભારતકારે નથી લખ્યું, પણ અમને વહેમ છે કે ભગવાન શ્રીકૃષ્ણને ચોક્કસ ડાયાબિટીસ થયો હશે, તો જ વિદુરે તેમને માટે દૂધપાક કે બાસુંદી બનાવવાને બદલે, તેમના ડાયાબિટીસની આમન્યા રાખીને ભાજી (કે પછી ભાજી-પાઉં) પર પસંદગી ઉતારી હશે. ના, ભીષ્મદાદાને ડાયાબિટીસ નહીં હોય – જો હોત તો તે બાણશૈયા પર દિવસો સુધી ના સૂતા હોત. ડાયાબિટીસ માણસને બાણશૈયા પર સૂવા નથી દેતો – હા, એવું ‘ફિલ’ જરૂર કરાવે છે.

ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ એવા વિખ્યાત ડૉક્ટર આર.ડી.લૉરન્સે ડાયાબિટીસના દરદીઓને મુબારકબાદ આપતાં જણાવ્યું છે કે નસીબદાર વ્યક્તિઓને જ ડાયાબિટીસ થાય છે. આની ચોખવટ કરતાં કહે છે કે કોઈપણ રોગ જો થવાનો જ હોય તો પસંદગી કરવા માટે આ રોગ ઉત્તમ છે. તેને સમજાવી-પટાવીને તાબામાં રાખી શકાય છે. જ્યારે હૃદયરોગમાં તો એવું છે કે હૃદય ગમે ત્યારે દગો દે છે. મોઢે ચડાવેલ કામદારોની માફક ગમે તે ક્ષણે હડતાળ પર ઊતરી જાય છે, ધબકવાની કામગીરી છોડી દે છે. એ રીતે જોવા જઈએ તો અન્ય રોગોના મુકાબલે ડાયાબિટીસ ઓછો ખર્ચાળ છે. ઈન્ટેન્સિવ કૅર યુનિટમાં તે ભાગ્યે જ લઈ જાય છે. તમે એને સાચવો, તેની ઈજ્જત કરો, તો એ પણ તમને સાચવે છે. રાખરખાપતમાં તે માને છે. તમે એને છંછેડો તો ગુસ્સે થઈને તમને થોડા રિબાવે ખરો, પરચો બતાવે, પણ પછી હસીને માફ પણ કરી દે. ડાયેટિંગ એટલે શું એનું પ્રશિક્ષણ ડાયાબિટીસ આપે છે. (ડાયેટિંગનો કેટલાક લોકો ‘ડાઈ વિધાઉટ ઈટીંગ’ જેવો અર્થ પણ કરે છે.)

વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ પહેલા નંબરનો રોગ હૃદયરોગ છે. આ રોગ માટે હૃદય હોવું જરૂરી નથી. ત્યારબાદ બીજા નંબરે કેન્સર આવે છે. આ રોગ આમ તો સામાન્ય થઈ ગયો છે, પણ તે સામાન્ય રોગ નથી. ક્રમમાં ત્રીજો નંબર ડાયાબિટીસનો આવે છે. ઈનામો વહેંચવાનાં હોય તો ત્રીજું, કોન્સોલેશન પ્રાઈઝ ડાયાબિટીસને આપી શકાય – જેને તે થયો હોય છે તેને માટે પણ આશ્વાસનરૂપ હોય છે. મરવામાં તે ઉતાવળ નથી કરાવતો. ડાયાબિટીસના દરદીઓ લાંબું આયુષ્ય ભોગવે છે એવો એક ‘સર્વે’ છે; એટલે કહેવું હોય તો કહી શકાય કે ડાયાબિટીસ ઈઝ ગુડ ફૉર યુ. વિશ્વમાં દર પાંચ વ્યક્તિએ એકને ડાયાબિટીસ મેળવવાનું સદભાગ્ય સાંપડે છે. ભારતમાં આ પ્રમાણ બે તૃતીયાંશ જેટલું જણાયું છે. શ્રીમંત લોકો ડાયાબિટીસને કૂતરાની જેમ પાળે છે, વ્હાલ કરે છે – તેને સ્ટેટસ સિમ્બોલ ગણે છે.

આ ડાયાબિટીસ પાંચમા સૈકામાં શોધાયો હતો. આયુર્વેદાચાર્ય મહર્ષિ સુશ્રુતે તે શોધવાનું કોલમ્બસ-કાર્ય કર્યું. એ વખતે ‘મધ જેવા પેશાબ’ તરીકે ઓળખાતો. ત્યાર પછી બારસો વર્ષ બાદ થોમસ વિલિએ આ રોગ અંગ્રેજીમાં શોધી કાઢ્યો; નામ ડાયાબિટીસ પાડ્યું. આ રોગ વારસાગત પણ હોય છે. માત્ર ખાંડ જ નહીં, ટેન્શન પણ ડાયાબિટીસની લહાણી કરી શકે છે. અને વજનદાર માણસોને આ રોગ મેળવવામાં ખાસ પરિશ્રમ કરવો પડતો નથી. વજનદાર માણસોની સોબત આ રોગને વિશેષ ગમે છે.

તમને આ રોગ થયો છે એમ ક્યારે માનવું ? ચશ્માનો નંબર વારંવાર બદલાય, રૂપિયા સોને બદલે દસની નોટ દેખાય. (આમ જોવા જઈએ તો સોની નોટ દસની નોટ જેટલું જ મૂલ્ય ધરાવતી થઈ ગઈ છે. પણ ઓછું દેખાવાને લીધે રૂપિયા દસની નોટને બદલે સોની નોટ આપી દેવાનું બને એ પહેલાં આંખને બદલે ડાયાબિટીસ ચેક કરાવી લેવો સારો.) ડાયાબિટીસને લીધે હાથે-પગે ને ક્યારેક મગજમાં ખાલી ચડે. કવિતા કરવાનું મન થાય. આવું ખતરનાક પરિણામ આવવું શરૂ થાય ત્યારે સૌથી પહેલો શક ડાયાબિટીસ તરફ કરવો. વારંવાર ને વધુ પડતી તરસ લાગે, આખેઆખું મૃગજળ પી જવાનું મન થાય…. ત્યારે તમારા શરીરમાં રહેલી સાકરનો સ્ટોક જોવડાવી લેવો. નજીકના ડૉક્ટરનો સંપર્ક સાધો, તેની સલાહ લો પણ આવાં દરદોમાં તેને બહુ સીરિયસલી ના લેશો. યાદ રહે, ઈશ્વરથી નહીં ડરો તો ચાલશે, પણ ડૉક્ટરથી ડરીને ચાલશો. કહેવાય છે કે ડાયાબિટીસની પ્રથમ જાણ 60 ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. ડાયાબિટીસનું મોટું સુખ એ છે કે તે એક એવા અતિથિ જેવો છે જે ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વખત પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેય અધવચ્ચે છોડી જતો નથી. છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.

ડાયાબિટીસને રાજી રાખવો હોય તો તમારે વાનગી નહીં, કેલેરી જમો છો એમ માનીને જ ચાલવાનું. કેલેરીના કોળિયા ભરીને મોંમાં મૂકવાના…. સાદો ને પથ્ય ખોરાક લેવાનો. નવી વાનગીઓના અખતરાથી ખાસ બચવાનું. કારણ એટલું જ કે એમાં પછી મુશ્કેલી એ ઊભી થાય કે ડાયાબિટીસ ન થઈ જાય તો કઈ કઈ વાનગીના કેટલા મિશ્રણથી આ પરિણામ આવ્યું એ જાણવું અઘરું પડે. ડાયાબિટીસ ધરાવનારે ભોજન બે વખતને બદલે છ વખત લેવું. સવારે ઊઠીને સાત વાગ્યે તે પહેલાં નાસ્તા માટે ટેબલ પર હાજર થઈ જવાનું. પછી અગિયાર વાગ્યે અલ્પાહાર લેવો. અલ્પાહાર અને નાસ્તામાં ફેર એટલો જ કે નાસ્તામાં લીધી હોય એ વાનગીઓ અલ્પાહારમાં નહીં લેવાની. ત્યાર બાદ ભૂખ હોય કે ન હોય, બપોરે એકથી બેની વચ્ચે જમવું. ચાર વાગ્યે ફરી પાછો બ્રેકફાસ્ટ. આઠ વાગ્યે વાળું કરવું. રાત્રે અગિયાર વાગ્યે નાસ્તો કરવો, ને ઊંઘમાંથી અડધી રાતે જાગી જવાય તો હાથમાં આવે તે ખાઈ લેવાનું. કોઈ જિજ્ઞાસુ આત્માને પૂછવાનું મન થાય કે આટલો બધો વખત ખા-ખા કરીશું તો પછી નોકરી-ધંધે ક્યારે જવાનું ! જુઓ ભાઈ, શું, ક્યારે ને કેટલું ખાવું એ કહેવાની અમારી ફરજ. બાકી એ માટે તમારે ક્યારે ને કેટલું કમાવું એ જણાવવાનું કામ અમારું નથી. ઠીક છે, વચ્ચે અડધો-પોણો કલાકની અનુકૂળતા ઉપરાંત મૂડ હોય તો ઑફિસે આંટો મારી આવવાનો.

આ ડાયાબિટીસની સારવાર કેમ કરશો ? સૌ પ્રથમ તમે તમારું વજન અને ઊંચાઈ માપી એક આદર્શ વજન નક્કી કરી નાખો. તમે વજન ચોક્કસ ઘટાડી શકશો, પરંતુ ઊંચાઈ ઘટાડવાનું મન થાય તો તેને માટેય ઉપાય છે, બિરબલની મદદ લેવી. તમારાથી વધારે ઊંચાઈવાળા માણસો સાથે ફર્યા કરવાથી ઊંચાઈ આપોઆપ ઓછી થઈ જશે. કેક, મીઠાઈ, સૂકો મેવો, મુરબ્બો, આઈસ્ક્રીમ તેમજ તળેલા પદાર્થો જાહેરમાં ના ખાવા, છતાં ખાવાનું મન થાય તો ડૉક્ટરને સાથે રાખવો. દારૂ જેવાં કેફી પીણાં ના પીવાં, માત્ર ચાખવાં (માત્ર ત્રણ પેગથી વધારે ચખાય નહીં.) પાલક, સવા, તાંદળજો, મૂળા, મોગરી, કારેલાં, કંકોડાં, કાકડી અને લીલાં શાકભાજી વધારે પ્રમાણમાં ખાવાં. આ બધું ડાયાબિટીસ પર અકસીર છે. ( ઉ.ત. હાથી લીલોતરી ખાય છે તેથી તેને ડાયાબિટીસ થતો નથી.)

મહર્ષિ સુશ્રુતે લખ્યું છે કે મધુપ્રમેહના દરદીએ વનમાં ખોવાયેલી ગાયોને શોધવા જવું. આજે આપણી પાસે સુશ્રુત નથી, વનો નથી, ને એવી ગાયો પણ નથી જે જંગલોમાં ખોવાઈ જાય. આજકાલની ગાયો તો શહેરની પોળોમાં અને સોસાયટીઓમાં છાપાંની પસ્તી, પ્લાસ્ટિકની કોથળીઓ અને એંઠવાડ વાગોળતી બેઠી હોય છે જે તેમના માલિકોને દોહવા ટાણે અનાયાસે જડી જતી હોય છે, એટલે ગાયોની અવેજીમાં સ્કૂટરનો ઉપયોગ ડાયાબિટીસની દવા લેખે કરી શકાય. સ્કૂટર જે દિશામાં પાર્ક કર્યું હોય એની વિરુદ્ધ દિશામાં, પોલીસની મદદ લીધા વગર, શોધવા માટે ઘાંઘા થઈને દોડાદોડ કરવી. એકાદ કલાક આ રીતે દોડધામ કર્યા પછી સ્કૂટર જ્યાં પાર્ક કર્યું હોય ત્યાં પહોંચી જવું. સ્કૂટર તદ્દન નવુંનકોર હશે ને કોઈકની આંખમાં તે વસી ગયું હશે ને આર્થિક નુકશાન થવાનો યોગ ભાગ્યમાં લખાયો હશે તો કદાચ કોઈ મોરલો કળા કરી ગયો હશે, પણ એ વાત અહીં ખાસ મહત્વની નથી. મૂળ વાત તો ડાયાબિટીસને કાબૂમાં લેવાની છે.

ડૉ. પોલ ડડલી વ્હાઈટના જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિ પાસે બે ડૉક્ટરો છે. જમણો પગ અને ડાબો પગ. રાજી થવા જેવી વાત એ છે કે આ બન્ને માનદ દાકતરો મહેનતાણું લીધા વગર ડાયાબિટીસની દવા કરવા સદાય તત્પર હોય છે. તેમને સાથે રાખવા, બન્ને એકબીજાથી રિસાઈને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ન જાય તેની તકેદારી રાખવી. તમે બસમાં મુસાફરી કરતા હો તો બે-ત્રણ સ્ટેન્ડ આગળ ઊતરી જવું. માત્ર પાંચ બસ સ્ટેન્ડ જેટલે દૂર જવાનું હોય તોપણ ચારેક સ્ટેન્ડ આગળ ઊતરીને ચાલી નાખવું. આથી સિટી બસ-સર્વિસને તેમજ તમને બંનેને ફાયદો થશે. રવિવારના દિવસે પૈડાં વગરની સાઈકલનો કસરત માટે ઉપયોગ કરો, એથી ડાયાબિટીસમાં રાહત જણાશે. ઉપરાંત સાઈકલ ઘણાં કિલોમીટર ચલાવ્યા છતાં તમે ઘરમાં જ હશો. ઘરમાં રહ્યાનો આનંદ તમે માણી શકશો. વહેલી સવારે ચાલવું, કૂતરાં પાછળ પડે તો દોડવું, હોજમાં પાણી હોય અને તરતાં આવડતું હોય તો તરવું વગેરે કસરતોથી કદાચ અન્ય કોઈ શારીરિક ગરબડો ઊભી થશે, પણ ડાયાબિટીસમાં ફાયદો જણાશે. પગમાં લોહીનું ભ્રમણ બરાબર રહેવું જોઈએ, મગજમાં ન થાય તો ચાલે. ડાયાબિટીસ ઓછો કરવામાં પગ કામ આવે છે, મગજ નહીં…. શરીર પર કોઈ ઘા ના પડે તેની કાળજી રાખવી, હૃદય પર પણ કોઈ જોખમ ન પડે તેની ખાસ સંભાળ રાખવી.

સ્કૂલે જતાં નાનાં ભૂલકાંઓનાં ખિસ્સામાં ઓળખપત્રો મૂકવામાં આવે છે જેથી તે ખોવાઈ ન જાય. એ રીતે ડાયાબિટીસ તમને ખોઈ ન કાઢે એ માટે પોતાનું ઓળખપત્ર શર્ટ-બુશર્ટના ઉપરના ખિસ્સામાં, દેખાય એ રીતે રાખવું, જેમાં ઉકેલી શકાય એવા સ્પષ્ટ અક્ષરે લખવું, ‘મને ડાયાબિટીસ છે. અમુક યુનિટ ઈન્સ્યુલિન લઉં છું. રોજની કેટાપ્રસની બે ટીકડી લઉં છું. હું મારી મેળે બેભાન થઈ જાઉં – કોઈ ગઠિયાએ મને બેહોશ કરી નાખ્યો ન હોય તો / અથવા તો મારું વર્તન કુદરતી ન જણાય તો માની લેવું કે મારા લોહીમાં સાકરનું પ્રમાણ ઘટી ગયું છે… એટલે જો હું ગળી શકતો હોઉં તો કોઈ પણ ગળ્યું પ્રવાહી મને પીવડાવી દો. તે લેવા છતાં મારામાં કોઈ સુધારો ના જણાય તો મને કોઈ ડૉક્ટરને હવાલે કરી દેવો. મૃત્યુ માટે કોઈને તો નિમિત્તરૂપ બનાવવો જ જોઈએ. નામ-સરનામું ફોન નંબર વગેરે…..’

અહીં અટકી જવું પડશે; કેમ કે આટલું લખતાં અમારી સાકર ઘટી ગઈ હોય એમ લાગે છે. અમે પણ ડાયાબિટીસના દરદી છીએ….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સફળતાનો સાચો રસ્તો – નટવર પંડ્યા
બે ગરબા – સંકલિત Next »   

25 પ્રતિભાવો : ઓહ ! તમને ડાયાબિટીસ થયો છે ?…અભિનંદન ! – વિનોદ ભટ્ટ

 1. khyati says:

  સુપર્બ! ડાયાબિટિસ નું જ્ઞાન ખુબ વધ્યુ. હવે ચાલવા જાવ છું. ઃ)

 2. હાસ્યલેખમાં’ય ઘણી બધી માહીતી આપી દીધી. 🙂

 3. trupti says:

  લેખકે હસતા હસતા ઘણી સત્ય અને કડવી હકીકતો જણાવી દીધી.
  ખરેખર, ઘણો જ સરસ લેખ.

 4. Chintan says:

  ખુબ સરસ 🙂

 5. Ravi says:

  Vinod sir,.. Very nice and funny article 🙂
  aek dam vindo vruti thi j serious diabetes
  ni important info. share kari chhee….

 6. sujata says:

  એ ક એ ક શ્બ્દ બ્ રો બ ર વ્ં ચા યો તે થી ખ ત રો ન થી……….

 7. Vipul Panchal says:

  Nice Artcile,

  Good Precscription with fun by Vinod Bhatt.

 8. સંતોષ ' એકાંડે says:

  સૂરજ સામે દિવો ધરીએતો…
  (…….!!!!!!) માં ખપીએ.

  વંદે માતરમ્

 9. nayan panchal says:

  વિનોદ ભટ્ટ હોય એટલે પૂછવુ જ શું!! સિર્ફ નામ હી કાફી હૈ..

  મજા પડી ગઈ, આભાર.
  નયન

 10. ડાયાબીટીસના અભીનંદન. મે બે ચાર વખત સુગર ચેક કરાવી પણ અફસોસ કે હજુ અભીનંદનને પાત્ર નથી બની શક્યો.

 11. મા. વિનોદભાઈની ફોઈબાને ધન્યવાદ આપવા જોઈએ કે ઘોડિયામા સુતેલ એ નાનકડા નટખટ બાળની ખાસિયત એઓ ઓળખી ગયા હતા અને નામ આપ્યું ‘વિનોદ’ !!
  કેટલું સાર્થક નામકરણ..!

  શેક્સપિયર એમણે અહિં જરૂર ખોટો પાડ્યો કે બિચારો કહી ગયો હતોઃ What is in a name?

  વિનોદ એટલે વિનોદ એટલે વિનોદ…(અહિં ‘ભટ્ટ’ શબ્દ પર્યાય સમજવો.)

 12. Jinal Patel says:

  માઈન્ડ બ્લોઇન્ગ્ !! મજા આવિ ગઈ..

 13. ઈન્દ્રેશ વદન says:

  આદરનીય વિનોદભાઈ, આ લેખ તમારા બીજા લેખો જેટલો comical નથી.. વધુ સારા વિષય પર લખવાને વિનંતી.

  • trupti says:

   ઈન્દ્રેશ વદનજી
   I have often marked that most of your comments are nagative, why can’t you see the positive side of anything?

   • ઈન્દ્રેશ વદન says:

    Trupti, I do make a point of appreciating a good written article.
    As an audience If I do not like it, I ought to let the author know.
    If everyone starts lauding mediocre material, Authors will be content with the run-of-the-mill compositions.
    Eventhough you like movies, do you applaud each one released every week??
    Well, I did leave positive remarks on “વિદેશી ભડલી વાક્યો”. 😀

 14. Ramesh Patel says:

  રાજરોગ ને વિનોદભાઈ એ અંબાડી પર બેસાડી યાત્રા કરાવી.
  શોભાયાત્રામાં જોડવાની મજા આવી કારણકે ડાયાબિટીસ આપણાથી
  ગભરાય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 15. Chirag says:

  Good to know the facts and figures. Good artical.

  Thank you,
  Chirag Patel

 16. mahek says:

  રમુજ સથે જાણકરી માટે ખુબ ખુબ આભર્. ….

 17. nim says:

  ડાયાબિટીસનું મોટું સુખ એ છે કે તે એક એવા અતિથિ જેવો છે જે ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વખત પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેય અધવચ્ચે છોડી જતો નથી. છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.

  હવે ડાયાબિટીસ થી ગભરાવવાની જરુર નથી
  બાબા રામદેવ ના યોગાસન થી ડાયાબિટીસ જડમૂડ થી નાબુદ થાય છે.

  ધન્યવાદ
  નિમ

 18. Sonali says:

  Article is giving gud information 🙂
  Thanks

 19. Janak Mehta says:

  This is really good….

  -Janak

 20. Pankaj Lakhani says:

  Vinodji, it was mere introduction and brief do’s and dont’s to avoid / control the diabetes. I want you to give more detail and precautionary steps for the young guns who never care of themselves. I am diabetic and hence aware of this MAHAROG, but I want you to make a MISSION AGAINST DIABETES and make people aware. Since the same is a kind of social work, you Writers are MASTERS of doing the same.
  Thanks a ton.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.