સફળતાનો સાચો રસ્તો – નટવર પંડ્યા

[ સૂરતના શ્રી નટવરભાઈની કલમે આપણે તેમના હાસ્યલેખો અનેકવાર માણ્યા છે. આજે માણીએ તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘સફળતાનો સાચો રસ્તો’ પુસ્તકમાંથી કેટલાક જીવનપ્રેરક નિબંધો સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી નટવરભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9375852493]

[1] મનનો ખોરાક

Picture 098તમે પેલા ગાંધીજીના ત્રણ વાંદરાનું ચિત્ર જોયું જ હશે. એક વાંદરો હાથથી આંખો બંધ કરીને બેઠો છે. બીજો બંને કાન પર હાથ મૂકી કાન બંધ કરીને બેઠો છે. ત્રીજો વાંદરો મોં પર બંને હાથ મૂકીને મોં બંધ કરીને બેઠો છે. આ ત્રણે વાંદરા મનના ખોરાકની જ વાત કરે છે. કારણ કે માણસ માત્ર મોં વાટે જ ખોરાક લે છે. એવું મનનું નથી. મનને તો જોવાથી, સાંભળવાથી, બોલવાથી, વાંચવાથી વર્તનથી ખોરાક આપી શકાય છે. મન જેવું સાંભળશે, બોલશે, જોશે, વાંચશે, વિચારશે એવું ઘડાશે અને જેવું મન ઘડાશે એવો માણસ ઘડાશે અને એટલી જ પ્રગતિ કરી શકશે.

મનના ખોરાકનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને નાના બાળકોમાંથી મળે છે. બાળકને જો તમારે સારી બાબત શીખવવી હશે તો તમારે તેની પાછળ ખાસ મહેનત કરવી પડશે. આપણી આજુબાજુના વાતાવરણમાંથી ઘણી વાર સારી બાબતો મળતી નથી. તેથી મનને સારો ખોરાક મળતો નથી. તેથી મન સારી રીતે ઘડાતું નથી. જો તમે બાળકને કોઈ ખરાબ વસ્તીમાં મૂકી આવશો તો બાળક થોડા દિવસોમાં ખરાબ શબ્દો બોલતાં શીખી જશે. કારણ કે ત્યાં એવા હલકાં શબ્દો જ તેના કાને પડશે. કાન દ્વારા આવો હલકો ખોરાક મનને મળે છે. તે પ્રમાણે મન ઘડાય છે અને મનમાં ઘડાયેલું મોંએથી બહાર નીકળે છે.

અભ્યાસમાં આવતી કવિતા બાળકને મોઢે કરાવવી પડે છે. પણ ફિલ્મીગીતો મોઢે કરાવવાં પડતાં નથી. કારણ કે બાળકને કવિતા શાળામાં ફક્ત ગુજરાતીના પિરિયડ દરમિયાન માંડ એકાદવાર સાંભળવા મળે છે. એટલે તેના મન સુધી કવિતા પૂરી પહોંચતી નથી. મનમાં ઊતરતી નથી. એટલે કે તેના મનને કવિતા શીખવી છે પણ તેને કવિતારૂપી ખોરાક મળતો નથી. જ્યારે ફિલ્મી ગીતો તેને ઘેર, ઘરની બહાર, રસ્તામાં બધે જ વારંવાર સાંભળવા મળે છે. આવો ફિલ્મી ગીતોનો ખોરાક મનને સતત મળ્યા જ કરે છે. બાળક ફિલ્મી ગીતો આપમેળે શીખી જાય છે. જેમ ફિલ્મી ગીતો સાંભળવા મળે છે, એ રીતે બાળકને વારંવાર સંસ્કૃતના શ્લોકો બધે જ સાંભળવા મળે તો બાળકને કશું જ સંસ્કૃત ભણ્યા વગર સંસ્કૃતના અઘરામાં અઘરા શ્લોકો પણ મોઢે થઈ જાય અને તે આનંદથી શ્લોકો ગાવા લાગે.

હજુ વધુ એક દાખલો જુઓ. આપણે ત્યાં ગ્રેજ્યુએટ થયેલા ઘણાં યુવાનોને અંગ્રેજી બોલતા આવડતું નથી. જ્યારે અહીંનો ચાર-પાંચ ધોરણ ભણેલો માણસ લંડન કે ન્યુજર્સી જઈને વસે તો બે-ચાર વર્ષમાં કશું જ ભણ્યા વગર અંગ્રેજી બોલતાં શીખી જાય છે. એમાં તેણે ખાસ મહેનત કરવી પડતી નથી. કારણ કે ત્યાં તેના કાને સતત અંગ્રેજી અથડાય છે. તેથી તેના મનને અંગ્રેજી ભાષાનો ખોરાક સતત મળતો રહે છે. તેથી મન આપોઆપ અંગ્રેજી શીખી જાય છે. આમ, મનને કેળવવા માટે ઘણા સારા ખોરાકની જરૂર મનને પડે છે. પરંતુ આપણે શરીરના ખોરાક વિશે ઘણું જાણીએ છીએ પણ મનના ખોરાક વિશે કશું જ વિચાર્યું નથી. મનનું ઘડતર કેવી રીતે કરવું ? મનનાં મજબૂત અને ઉત્સાહી વિચારો કેમ પ્રગટાવવા અને ટકાવી રાખવા એ વિશે કદી વિચાર્યું જ નથી. કારણ કે મનના ખોરાક વિશે આજ સુધી આપણને કોઈએ કશું કહ્યું જ નથી અને યોગ્ય માર્ગદર્શન મળ્યું નથી. આંખો થકી મનને સારો-નરસો ખોરાક મળતો રહે છે. આપણી આંખો જાણ્યે-અજાણ્યે આખો દિવસ બધું જ જોયા કરતી હોય છે. ભલે બધી બાબતોમાં નહિ પણ અમુક બાબતોમાં તો આપણે તેના પર કાબૂ રાખી શકીએ છીએ. જેમ કે ફિલ્મ-ટી.વી. વગેરેમાં હલકી કક્ષાનું કે નબળું હોય તે જોવું નહિ, તેનો ત્યાગ કરવો. કારણ કે નબળી વસ્તુ વધારે પડતી જોવાથી મન તેના પર વિચારતું થઈ જાય છે. ધીમે ધીમે મન એવું કાર્ય કરવા પ્રેરાય છે અને આ રીતે મનને આવો નબળો ખોરાક મળ્યા પછી મન પણ તેવું નબળું જ બને છે. ધીમે ધીમે આવી બાબતોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરશો તો ત્યાગ કરી શકશો.

તમને એવો પ્રશ્ન થશે કે આ બધું જોવાનો ત્યાગ કઈ રીતે કરવો ? તમારે ટી.વી. અને ફિલ્મ વગેરે જોવું જ હોય તો જે સારું જોવાલાયક આવતું હોય તે જુઓ એટલે આપોઆપ નબળાનો ત્યાગ થઈ જશે. ક્યારેક પણ કશી ખરાબ ટેવ છોડવી હોય તો તેના બદલામાં કંઈક સારી આદત અપનાવો, સારી ટેવ પાડો એટલે આપોઆપ નબળાનો ત્યાગ થઈ જશે. આવી રીતે મનમાંથી નબળી બાબતો દૂર કરવી સરળ થઈ પડશે. એકવાર મનને આવા સારાપણાની આદત પડી જશે તો પછી એ સારું જ સ્વીકારશે. એ પછી તે નબળા વિચારોને સ્વીકારશે નહિ. એક સારો વિચાર બીજા અનેક સારા વિચારોને ખેંચી લાવશે અને મન દિવસે-દિવસે વધારે મક્કમ બનતું જશે. તમારું મનોબળ આ રીતે દ્રઢ બનશે. દઢ મનોબળથી દુનિયામાં કોઈ કામ અશક્ય નથી. તમારું મનોબળ દઢ કરવા માટે તમે આજથી જ, આજથી જ નહિ પણ અત્યારથી જ લાગી જાવ. મનને સૌ પ્રથમ તો એવા વિચારો આપો કે મનને સહેલાઈથી કેળવી શકાય છે અને હું મારા મનને દઢ બનાવીને જ જંપીશ.

[2] ધીરજ ધરો

ખૂબ જાણીતી કહેવત છે કે જે સૌએ સાંભળી હશે, ‘ઉતાવળે આંબા ન પાકે.’ બીજી કહેવત છે, ‘ધીરજના ફળ મીઠા.’ ઘણા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે કે જમાનો ઝડપી થઈ ગયો છે. આજકાલ માણસનું જીવન ફાસ્ટ લાઈફ બની ગયું છે. વાત ખોટી નથી, જમાનો ઝડપી થઈ ગયો છે. વળી જમાનાને ઝડપી બનાવે એવા અનેક આધુનિક ઉપકરણો બજારમાં આવી ગયા છે. આજે તમે ઘેર બેઠા સેકન્ડોમાં દુનિયાના એક છેડેથી બીજા છેડે વાત કરી શકો છો, પત્રવ્યવહાર કરી શકો છો, માહિતી જાણી શકો છો અને બહુ થોડા કલાકોમાં દુનિયાના એક છેડાથી બીજા છેડે પહોંચી જઈ શકો છો. વળી તમારી કંપનીના જબરજસ્ત હિસાબો કમ્પ્યુટરની મદદથી મિનિટોમાં કરી શકો છો. એટલે વાત સાચી છે કે જમાનો ઝડપી આવી ગયો છે. પણ સફળતા મેળવવા માટે કે મનને કેળવવા માટે તો તમારે ધીરજની જરૂર પડશે. તમારે ભોગ તો આપવો જ પડશે.

જો આ ઝડપી જમાનામાં તમે એવું ઈચ્છતા હો કે રાતોરાત મને સફળતા મળી જાય તો એવું આજે પણ નથી. અથવા જો અકસ્માતે રાતોરાત સફળતા મળી જાય તો તે લાંબુ ટકતી નથી. આજે તો સ્પર્ધા વધી છે માટે સરવાળે એ જ જીતે છે જે લાંબા સમય સુધી ધીરજપૂર્વક પોતાના કાર્યને વળગી રહે છે. જમાનાને ઝડપી બનાવનાર અતિ આધુનિક સાધનોની શોધ કરવામાં વૈજ્ઞાનિકોએ ધીરજપૂર્વક કેટલાય વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે એ વાત ન ભૂલવી જોઈએ. હા, જીવનમાં આપણે કાર્યો ઝડપથી કરવાના છે. છતાં પણ સમજણપૂર્વકની ધીરજ એટલી જ જરૂરી છે. ધીરજ વગર ધ્યેય સિદ્ધ થતું નથી. એક ખૂબ જાણીતું દષ્ટાંત અહીં રજૂ કરું છું – આફ્રિકા કે કોઈ એવા પ્રદેશમાં જ્યાં સોનું મળી આવતું હતું, ત્યાં એક ધનવાન માણસે ખાણ ખોદીને સોનું કાઢવા માટે કેટલીક જમીન ખરીદી. અગાઉ પણ તે આ રીતે જમીન ખરીદી સોનું કાઢવા માટે પાંચ-સાત જગ્યાએ ખાણો ખોદાવી ચૂક્યો હતો. પણ તેને સોનું હાથ લાગ્યું નહોતું. તેથી તેણે ફરી એક વધુ પ્રયત્ન કર્યો. જમીન ખરીદી ત્યાં ખાણ ખોદાવી શરૂ કરી. આ વખતે તેણે નિર્ણય કર્યો કે અહીંથી તો સોનું મેળવવું જ છે. તેથી તે મહિનાઓ સુધી ખાણનું ખોદકામ કરાવતો રહ્યો. સોનાની આશાએ તે ખાણને વધુને વધુ ઊંડી ખોદાવતો રહ્યો. પણ સોનું ન મળ્યું. અંતે તે થાક્યો, તેની ધીરજ હવે ખૂટી ગઈ હતી. તેથી તેણે નસીબને દોષ દઈને સોનાની ખાણ બીજા કોઈ ઉદ્યોગપતિને વેચી દીધી. થોડા દિવસ પછી તે બીજા ઉદ્યોગપતિએ તે જ ખાણને ઊંડી ખોદાવવાનું શરૂ કર્યું. અને તેના આશ્ચર્ય વચ્ચે થોડા જ દિવસમાં તેને ખાણમાંથી સોનું મળી આવ્યું અને તે અનેક ગણો ધનવાન બની ગયો.

પેલા ખાણ વેચનાર શ્રીમંતે કપાળ કૂટ્યું. આ દષ્ટાંતમાં ધીરજે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. કારણ કે અગાઉના શ્રીમંતે છેક છેલ્લે ધીરજ ગુમાવી દીધી અને તે સોનાથી વંચિત રહી ગયો. માટે જ્યારે તમને કોઈપણ કાર્ય હાથમાં લીધા પછી કદાચ લાંબો સમય તેમાં સફળતા ન મળે અને કાર્ય છોડી દેવાનો વિચાર આવે તો તે જ સમયે, તે જ ક્ષણે કાર્યને છોડી દેવું નહિ પણ થોડો સમય વધારે આગળ ચલાવશો. કદાચ એવું બને કે ત્યાર પછીના થોડા સમયમાં જ તમને સફળતા મળવાની હોય !

આ બાબત મેં જાતે અનુભવી છે. એકવાર હું પોતે જ એક બસ સ્ટોપ પર બસની રાહ જોઈને ઊભો હતો. બસનો સમય થઈ ગયો હતો. છતાં બસ ન આવી. અંતે મારી ધીરજ ખૂટી. હું કંટાળીને રિક્ષામાં બેઠો. બસ જ્યાં માત્ર પાંચ રૂપિયામાં લઈ જતી હતી, ત્યાં રિક્ષાવાળો ત્રીસ રૂપિયામાં આવવા તૈયાર થયો. છતાં હું કબૂલ થયો અને રિક્ષા કરી. રિક્ષા ઉપડી અને ત્યાર પછીની ચોથી મિનિટે એ જ બસ અમારી રિક્ષાને ઓવરટેક કરીને આગળ ગઈ. જો મેં માત્ર ચાર મિનિટ વધારે રાહ જોઈ હોત તો હું ઘણો સસ્તામાં અને વધુ ઝડપથી મારા ધાર્યા સ્થળે પહોંચી ગયો હોત. આમ કટોકટીની પળે ધીરજ ગુમાવી દેવાથી આપણા મોં સુધી આવેલો સફળતાનો પ્યાલો ઢોળાઈ જાય છે. માટે કટોકટીના એવા સમયે કે જ્યારે આપણે મનથી નિષ્ફળતાને સ્વીકારી લીધી હોય ત્યારે થોડો વધુ સમય આપણા કામને, ધ્યેયને વળગી રહેવું. કદાચ તે કટોકટી પાછળ જ સફળતા રહેલી હોય છે. જો તમે ધીરજથી કામ કરશો તો જ કાર્ય સારી રીતે થશે અને તમને નાની-નાની સફળતાઓ મોટા ધ્યેય સુધી પહોંચાડશે. પણ જો તમે ખરા સમયે ધીરજ ગુમાવશો તો સફળતાની લગભગ નજીક પહોંચી ગયા પછી પણ હાથમાં આવેલી સફળતા ગુમાવશો. આમ જે કોઈ ક્ષેત્રમાં લોકો સફળ થયા છે, પ્રખ્યાત થયા છે તેઓએ ખૂબ જ ખંતથી અને ધીરજથી કામ કર્યું છે.

ધીરજ માટે તમે કોઈપણ મહાન કલાકાર, વૈજ્ઞાનિક કે મહાપુરુષોના જીવનના ઉદાહરણ લઈ શકો. વૈજ્ઞાનિકો પોતે નક્કી કરેલી શોધ કરવા માટે કેટલીક વાર આખી જિંદગી મથતા હોય છે. આવા જ એક મહાન વૈજ્ઞાનિક એક ખાસ સંશોધન માટે પ્રયોગશાળામાં પ્રયોગો કરી રહ્યા હતા. તેમણે તે વિષયમાં બસ્સો જેટલા પ્રયોગો કરી જોયા પણ સફળતા ન મળી. ત્યારે તેમના સાથીઓએ કહ્યું કે, ‘રહેવા દો ને સાહેબ, હવે આ બાબત શોધવી શક્ય નથી.’ ત્યારે પેલા મહાન વૈજ્ઞાનિકે સૌનો ઉત્સાહ વધારતા કહ્યું, ‘આ શોધ માટે કદાચ આપણે એક હજાર પ્રયોગો કરવા પડે, તો તેમાંથી આપણે બસ્સો પ્રયોગો તો કરી દીધા. હવે આપણે માત્ર આઠસો જ પ્રયોગો કરવા રહ્યા. મતલબ કે જે ઘર શોધવા નીકળ્યા છીએ તે માટે આપણે બસ્સો દરવાજા ખખડાવી લીધા. હવે આઠસો જ તપાસવા રહ્યા ! ટૂંકમાં, બસ્સો દરવાજા જોવાનું કામ તો ઓછું થયું.’ આવા અભિગમ અને આવી ધીરજ સાથે વૈજ્ઞાનિકો પોતાના ધ્યેયને વળગી રહે છે. ત્યારે જ તેમાં સફળતા મળે છે. સફળતા મેળવવા સંઘર્ષ તો દરેક માણસે કરવો જ પડે. પણ એ સંઘર્ષના સમયમાં ધીરજ ન ગુમાવવી. એ ખૂબ મહત્વનું છે. સંઘર્ષના સમયમાં માણસ વ્યાકુળ થઈ, ધીરજ ગુમાવી તેને છોડી દેશે તો સફળતા માટેનો સૌથી મુશ્કેલ તબક્કો પૂરો કર્યા પછી પ્રમાણમાં સહેલા તબક્કામાં પ્રવેશ્યા હોય ત્યારે જ ધીરજ ગુમાવે તો બધું જ ગુમાવી બેસે છે અને સરવાળે નિષ્ફળતા જ હાથ લાગે છે. ધીરજ સામાન્ય વ્યવહારમાં પણ ખૂબ ઉપયોગી છે. જો તમે ધીરજથી કામ લેશો તો તમારા મગજ પર કાબૂ રાખી શકશો અને મગજ પર કાબૂ રાખવાથી તમારા કાર્યો તો સફળ થશે સાથોસાથ તમે જે ટીમ સાથે અને જે માણસો સાથે કામ કરી રહ્યા છો તેમની સાથેના તમારા સંબંધો વધારે સારા અને ગાઢ બનશે. આવા સંબંધો તમને ભવિષ્યમાં પણ ખૂબ કામ લાગશે. આમ ધીરજથી કાર્ય કરવાથી સફળતા તો મળશે જ ઉપરાંત તમે સંબંધોરૂપી સારી મૂડી પણ એકઠી કરી શકશો. સાચા સંબંધો એવી ચીજ છે કે દુનિયામાં કદાચ તમે બધું જ ગુમાવી બેસશો ત્યારે આવા સાચા સંબંધો જ તમને કામ લાગશે, તમને કોઈપણ પરિસ્થિતિમાં મદદરૂપ થશે.

સર ન્યુટનનું નામ તો આખા જગતમાં મહાન વૈજ્ઞાનિક તરીકે જાણીતું છે. આ ન્યુટને વર્ષો સુધી અનેક પ્રયોગો કરી તેના પરિણામો, વિગતો વગેરેની કાગળો પર નોંધ કરી હતી. આ કાગળો તેમના માટે પ્રાણ સમાન હતા. કારણ કે વર્ષો સુધી કરેલી મહેનતનો નિચોડ અને શોધ-સંશોધનની તલસ્પર્શી વિગતો આ કાગળોમાં લખાયેલી હતી. આવા કાગળો ટેબલ પર પડ્યા હતા. બાજુમાં એક મીણબત્તી સળગતી હતી. ન્યુટન કોઈક કામ માટે જરા બહાર ગયા બરાબર તેજ સમયે તેમનો પાલતું કૂતરો ડાયમંડ પ્રયોગશાળમાં ગયો અને ટેબલ પર કૂદ્યો. તેથી સળગતી મીણબત્તી કાગળો પર પડી અને થોડી જ વારમાં બધા જ કાગળો સળગીને રાખ થઈ ગયા. ન્યુટન થોડીવારમાં આવ્યા અને તેમણે જોયું કે કૂતરો રૂમમાં હતો અને આ બધું આ કૂતરાને કારણે થયું હતું. થોડીવાર તો ન્યુટન શૂન્યમનસ્ક બની ઊભા રહ્યા. તેમણે ગુસ્સો ન કર્યો. પછી કૂતરા પાસે જઈ માથે હાથ ફેરવતાં કહ્યું, ‘ઓહ ! ડાયમંડ, તને ખબર નથી કે તેં શું કર્યું છે ?’ કેટલી ધીરજ અને કેટલી સહનશીલત ! અને ન્યુટન ફરીથી એ જ કામ એકડે એકથી કરવામાં ગળાડૂબ થઈ ગયા. ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ખીલા મારી જડી દેવામાં આવ્યા ત્યારે જિસસે એટલું જ કહ્યું હતું, ‘ઓહ ગોડ, તેમને માફ કરજે, તેઓ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથી.’ વૈજ્ઞાનિકો ધીરજ અને સહનશક્તિની બાબતમાં ઋષિમુનિઓ જેવા હતા. તેથી જ તેઓ મહાન બની શક્યા. એ રીતે આપણા ક્ષેત્રમાં પણ સફળ થવા માટે ધીરજ જોઈએ. ખૂબ જલદી સફળતા મળશે એવી ગણતરીથી જો કોઈ કાર્ય શરૂ કરશો તો કદાચ નિરાશ થવાનો જ વારો આવશે.

એક મહાન શાસ્ત્રીય સંગીતકાર જ્યારે ખૂબ સફળ થયા અને તેમનું નામ દેશભરમાં જાણીતું થયું ત્યારે તેમને ઈન્ટરવ્યૂમાં એક પત્રકારે પૂછ્યું : ‘તમને રાતોરાત આવી ભવ્ય સફળતા મળી તેનું રહસ્ય શું છે ?’ ત્યારે સંગીતકારે જવાબ આપેલો કે, ‘દોસ્ત, મારી એ રાત ખૂબ લાંબી હતી.’ મતલબ કે મેં વર્ષો સુધી સંગીતસાધના કરી હતી અને સંઘર્ષ કર્યો હતો પણ હજુ સુધી કોઈએ એની નોંધ લીધી નહોતી. માટે અહીં શીખવાનું એ છે કે જ્યારે તમે સફળતા માટે સંઘર્ષ કરી રહ્યા છો અને પરિશ્રમ કરી રહ્યા છો ત્યારે કદાચ કોઈ તમારી નોંધ પણ નહિ લે. ત્યારે કદાચ કોઈ તમને અભિનંદન પણ નહિ આપે. કદાચ તમે જે કાર્યને વળગી રહ્યા છો, તેને કારણે લોકો તમને મૂર્ખ અથવા બુદ્ધિ વગરના પણ કહેશે. પણ આપણે ધીરજપૂર્વક આપણા ધ્યેયને વફાદાર રહેવું. સંઘર્ષના સમયમાં દરેકની આવી જ પરિસ્થિતિ હોય છે. પણ ખાસ વાત કે ધીરજ ગુમાવશો નહિ. આજે કોઈ પણ શાસ્ત્રીય સંગીતકારોના જીવનચરિત્રો વાંચો, તેમના વિશે જાણો તો તમને ખ્યાલ આવશે કે તેમણે પંદરથી વીસ વર્ષ સુધી દરરોજના બાર-બાર કલાક કે તેનાથી વધુ રિયાઝ કર્યો હોય છે. ત્યારે તેઓ સફળ થયા હોય છે અને સફળ થયા પછી પણ રિયાઝ કરતા રહે છે.

આવા કાર્યો ધીરજ વગર શક્ય બનતા નથી. માટે ખાસ યાદ રાખો કે સફળતમાં ધીરજ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. માટે કહેનારાઓએ સાચું જ કહ્યું છે કે ‘ઉતાવળે આંબા ન પાકે.’ છતાં જો તમે ગમે તેમ કરી શોર્ટકટ શોધીને આગળ વધી જાઓ તો એવી સફળતા લાંબો સમય ટકતી પણ નથી.

[કુલ પાન : 112. કિંમત રૂ. 77. (પરદેશમાં US $ 4.5 ) પ્રાપ્તિસ્થાન : ભરાડ ફાઉન્ડેશન, સરસ્વતી કોમ્પલેક્સ, ધર્મેન્દ્ર કૉલેજ સામે, યાજ્ઞિક રોડ, રાજકોટ-380001. ફોન : +91 9979908322.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિદેશી ભડલી વાક્યો – મલય ભટ્ટ
ઓહ ! તમને ડાયાબિટીસ થયો છે ?…અભિનંદન ! – વિનોદ ભટ્ટ Next »   

19 પ્રતિભાવો : સફળતાનો સાચો રસ્તો – નટવર પંડ્યા

 1. ખુબ જ સુંદર અને જીવન પ્રેરક નિબંધો.

  ૧. કહેવાય છે કે આપણી વાણી એ આપણા વિચારોનું પ્રતિબિંબ છે. જેવું વિચારીએ છીએ તેવું બોલીએ છીએ અને તેવું આચરણમાં મૂકીએ છીએ. માટે સારા વિચાર મળે એ સૌથી વધુ મહત્વનું છે.

  ૨. “ધીરજ ધ્રરો” જેવો અનુભવતો મને પણ ઘણી વાર થયો છે….હાથ પર લીધેલું કામ નિશ્રિત સમય મર્યાદામાં કરવાનું હોય અને ઘણા પ્રયત્નો પછી ન થાય ત્યારે એમ થાય કે હવે આ કામ મારે તો નથી જ કરવું, ત્યારે મારી માએ મને આપેલી શિખામણ યાદ આવે… “કોઇ પણ કામ કરવા માટે બે વસ્તુની હંમેશાં જરુર પડે છે ૧. ધીરજ ૨. સતત પ્રયત્ન, હાથ પર લીધેલું કામ ક્યારેય અધુરુ ન છોડવું, રણ મેદાનમાં હારી જવામાં વાંધો નહિ પણ હાર થશે એવા વિચારથી લડવાનું ન છોડી દેવું”……… અને હું ફરી પાછી કામે લાગી જઉં છું.

 2. સંતોષ ' એકાંડે says:

  શ્રી નટવર સર,
  ખૂબજ ચિંતન પ્રેરક લેખ

  त्याजं न धैर्य विधुरे पि काले,धिर्यात्कदाचिद्रतिमाप्नुयात्सः I
  यथा समुद्रे पि च पोतभंगे, संयात्रिको वांच्छति ततर्मेव II

  ( વિપરીત સમયે પણ માણસે ધીરજ ગુમાવવી નહી; કારણકે
  ‘ધીરજ રાખવાથી માણસ સારી ગતિ મેળવી શકે છે, જેવી રીતે કે,
  ભર દરિયે નાવડી ટૂટી જાય તો મુસાફર તરીને બહાર પણ ધીરજ
  થકીજ આવે છે.)
  વંદે માતરમ્

 3. Chintan says:

  યોગ્ય જીવનઘડતર માટે બાળકો ને આપવા જેવી અનમોલ કણિકા વાન્ચિ ને ઘણોજ આનન્દ થયો.

  આભાર.

 4. nayan panchal says:

  પ્રથમ લેખના અનુસંધાનમા માત્ર ચાર પંક્તિઓઃ
  Sow a Thought and you reap an Act;
  Sow an Act, and you reap a habit;
  Sow a habit, and you reap a character;
  Sow a character, and you reap a destiny.

  ધીરજ કાર્યસિધ્ધી અને માનવીય સંબંધોમા પણ મહત્વનો ભાગ ભજવે છે.

  સરસ લેખ,
  નયન

 5. સુંદર પ્રેરણાત્મક લેખ.

 6. બહુ જ ઉમદા અને સત્ય વાત માનનીય શ્રી નટવરભાઈ એ પ્રસ્તુત પુસ્તક ધ્વારા સમજાવી છે. મન ઉપર નો કાબુ અને ધીરજ ધ્વાર મુશ્કેલ પરીસ્થીતી નો સામનો કરી સફળતા મેળવી શકાય છે.

  માનનીય મ્રુગેશભાઈ ની પ્રવ્રુતી આનુ એક સરસ ઉદહારણ ગણી શકાય્

  ફરી થી માનનીય નટવરભાઈ નો આવો સુન્દર લેખ લખવા બદલ અને રીડ ગુજરાતી ન માધ્યમ ધ્વરા અમારા સુધી પહોંચડાવવા બદલ આભાર

  નિતિન
  વડગામ થી

 7. Vipul Panchal says:

  Thank u Very much Mr.Natwarbhai, today ur story is too much helpful to me.

 8. Veena Dave, USA says:

  ખુબ સરસ લેખ્.

 9. Aniket Shah says:

  ધિરજ વિશે ની વાત દરેક જણાઍ અનુભવિ હશે.

  અનિકેત શાહ

 10. કલ્પેશ says:

  સરસ લેખ, નટવરભાઇ.

  બસ સ્ટોપનુ ઉદાહરણ ઠીક ન લાગ્યુ. મારા પ્રમાણે એ “cost-benefit analysis” કહેવાય.

  હુ ઉતાવળમા છુ અને બસ આવતી ન હોય તો રિક્શા કરવી પડે. અને પાછળથી બસ આવી ગઇ હોય તો જ “ધીરજ”નો વિચાર આવે.
  દા.ત. એક મિત્રે શેરમા રોકાણ કર્યુ. અને એને નાણાની જરુર પડી. શેરનો ભાવ સારો હતો એટલે એણે વેચ્યા અને નાણાને જ્યા જરુર હતી, ત્યા ઉપયોગ કર્યો.

  પછી થોડા દિવસમા શેરનો ભાવ સારો વધી ગયો. ત્યારે મિત્રે મને કહ્યુ કે – હમણા વેચ્યા હોય તો વધુ કમાણી થાત.

  એટલે ધીરજ (જેમા નિર્ણય લીધા પછી પાછળથી દુઃખી ન થઇએ) તો જ સમતોલ કહેવાય.
  ધીરજ ખૂટી જાય અને પાછળથી બસ આવી જાય અને રિક્શા લેવાથી એમ લાગે કે ખોટો નિર્ણય લીધો, તો એને ધીરજ ન રાખી એમ કેમ કહેવાય. બીજાની દ્રષ્ટિથી લાગે કે ધીરજ રાખવી જોઇતી હતી. પણ જેણે જે સમયે જે નિર્ણય લીધો, પછી પાછળથી ફાયદો થશે કે નુકસાન એ માટે તૈયાર રહેવુ જોઇએ.

  એટલે ધીરજની સાથે નિર્ણયશકિત અને અડગતા પણ જરુરી છે.

 11. Vraj Dave says:

  ખુબજ સરસ.

 12. ઈન્દ્રેશ વદન says:

  મનનો ખોરાક સારો લેખ.
  ધીરજ વિષે બીજી એક કહેવત છે કે, Patience is virtue.

 13. Jay Panchal says:

  Nice snippet of showing what Patience and Perseverance can do in a human being’s life. I do agree with Kalpesh. An instance of BUS can’t examplify patience and decision making.

  Well all in all..very nice.

 14. material says:

  Hi,

  If Patience gives success than it’s good but,if it brings failure than the world becomes opposite so.

  Only patience doesn’t help, You need to get success as well. Whatever example we mentioned,we tried to show success after that but, lots of the case are there who after keeping patience not become successful.

  People call them food that after giving advice to you, you still doing the samething and what you achieved.

  I don’t like this article and nothing new with this. Lots of articles are there which has same kind of content.

  If human knows what will be the result after waiting than they will wait.People make decision based on there expirience and circumstances.Sometime you want to keep patience but, you don’t have time for that.

  All these are good for writing but in real life that was not simple.

 15. stupid says:

  Stupid article……really write something which is not available or someone don’t know buddy…Grown up!!!

 16. Nikhil Desai says:

  Realy Very Good.

 17. sunil shah (YOG SIR ) says:

  very nice articles

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.