- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

બે નિબંધો – તન્વી બુચ

[ નવોદિત યુવા લેખિકા તન્વીબહેનના કેટલાક લેખો આપણે અગાઉ માણ્યા છે. સાહિત્યક્ષેત્રે જીવનપ્રેરક નિબંધો તેમનો પ્રિય વિષય છે. ત્રણેક વર્ષ પહેલાં M.COMનો અભ્યાસ પૂરો કરીને હાલમાં તેઓ સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતા સાંજના દૈનિક અખબાર ‘જનયુગ’માં નિયમિત કૉલમ લખી રહ્યા છે. આ અગાઉ ફૂલછાબ અખબારમાં પ્રકાશિત થતી તેમની ‘વિચાર’ નામની કૉલમ ખૂબ લોકપ્રિય રહી છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તન્વીબહેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tanvi123485@yahoo.com અથવા આ નંબર પર +91 9924022929 સંપર્ક કરી શકો છો. ]

[1] સંબંધો-કાચનાં રમકડાં

સ્નેહને સીમા ના હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવે કિન્તુ હોશમાં,
કે વધુ ટકરાઈ પડતાં જામ ફૂટી જાય છે. – ‘બેફામ’

દરેક વસ્તુની એક સીમા હોય છે. એ સીમાને અનુસરવી ખૂબ જ જરૂરી હોય છે. જો એ સીમાનું પાલન કરવામાં આવે તો વિકાસ થઈ શકે, નહિતર વિનાશ પણ થઈ શકે. સંબંધોને પણ આ જ વાત લાગુ પડે છે. સંબંધોની સીમા તો અતિશય નાજૂક હોય છે. એટલે જ સંબંધો એ કાચનાં રમકડાં જેવાં છે. કાચના રમકડાંથી રમવાની છૂટ હોય છે પરંતુ તમે કેવી રીતે રમો છો તેનાં પર બધો આધાર છે. જો તે રમકડાં સાથે યોગ્ય રીતે નહીં રમવામાં આવે તો તે તૂટવાનો ચોક્કસ ભય રહેશે. અને બીજું, કે આ રમકડાંને માટે એક નિયમ એ લાગુ પડે છે કે આ રમકડાંને ફરીથી જોડી શકાતાં નથી. તે એક વખત તૂટી જાય પછી કદાચ આપણે તેને જોડવાનો પ્રયાસ કરીએ તો પણ તેમાં કાયમ માટે તિરાડ રહી જાય છે.

એક પ્રસંગકથા છે જેનું નામ છે ‘બા નો ફોટોગ્રાફ’. એ કથામાં ‘બા’ એ એક એવું વ્યક્તિત્વ છે કે જે હંમેશાં ઘરમાં ઢસરડો કરે છે. બા આખો દિવસ પોતાનાં કામકાજ કર્યા કરે છે. પરંતુ આખી જિંદગીમાં કોઈ દીકરાએ બા પર ધ્યાન આપ્યું નહીં. બા હંમેશાં બધાની સંભાળ રાખતાં. આખરે એક દિવસ બા મરણપથારીએ પડ્યાં. ત્યારે બાને તેમનાં દીકરાઓએ કહ્યું કે, બા ચાલો તમારો ફોટો પડાવવાનો છે. કારણ એ હતું કે દીકરાઓ બાનાં ફોટોગ્રાફને ભીંત પર લગાડવા માંગતા હતા. અંતિમ સમયે તેમને એક સ્ટુડિયોમાં લઈ જવામાં આવ્યા ત્યારે ફોટોગ્રાફરે બાને સહેજ સ્મિત કરવાનું કહ્યું. બા રડી પડ્યાં. બાની આખી જિંદગીનો હૈયાનો બોજ આંસુ રૂપે વહી રહ્યો હતો. બા સંબંધોને નિભાવી જરૂર શક્યા હતા પરંતુ સંબંધોને જીવી શક્યા ન હતા.

માણસ એક સંવેદનશીલ જીવ છે. એટલે જો તમે તેની લગામ હાથમાં રાખીને તેને દોરવવા માંગો તો તે દોરાઈ શકે નહીં. પશુની લગામ એ કદાચ લાકડી હોઈ શકે પરંતુ માણસ માટે તો પ્રેમનો તાંતણો જ હોઈ શકે. પ્રેમનો તાર કે જે હૃદયથી હૃદય સાથે જોડાય છે. કોઈ શેઠ, કોઈ શિક્ષક કે કોઈ પણ માતા-પિતાને કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોય ત્યારે એ સંબંધમાં જીવ માત્ર પ્રેમથી જ પૂરી શકાય. સંબંધો જેટલાં કાચ જેવાં નાજૂક હોય છે તેટલાં જ પારદર્શક હોય છે કે જેથી આરપાર બધું જોઈ શકાય છે. કોઈ પણ શંકા, નફરત કે ગેરસમજ સંબંધોના સરોવરને એક જ ક્ષણમાં સુકવી નાંખે છે. લાગણીઓનાં દુષ્કાળને ચોમાસાની ઋતુ સુધી રાહ જોવાની પણ જરૂર હોતી નથી !

હમણાં જ તાજેતરમાં એક વ્યક્તિ સાથે પણ કંઈક આવું જ બન્યું. એ વ્યક્તિ એક સરકારી કચેરીમાં મેનેજર હતાં. તેમની બદલી થઈ અને તેઓ નવી ઑફિસમાં જોડાયાં. ઑફિસમાં પહેલે દિવસે તેમનો પ્રવેશ થતાં જ બધાં હાથ નીચેના કર્મચારીઓએ ઊભા થઈને માન વ્યક્ત કર્યું. માત્ર એક જ વ્યક્તિ બેસી રહ્યો હતો. મેનેજરને તે વ્યક્તિ પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તે પોતાનો રોષ ઠાલવવા જતાં હતાં ત્યાં જ તેમની નજર ખુરશીની બાજુમાં પડેલી ઘોડી પર પડી. તે ભાઈ અપંગ હતાં. મેનેજરને થયું કે જો આજે ગેરસમજને કારણે હું કંઈ પણ બોલી ગયો હોત તો હું જિંદગીભર મારી જાતને માફ ન કરી શકત. એક જ ક્ષણમાં કચકડાં જેવાં સંબંધોના ટુકડા થઈ જાત. કાચનાં ટુકડાઓને તો હજુ વીણી શકાય છે અને એ વીણતી વખતે પગમાં ઈજા થઈ શકે અને લોહીનું ખાબોચિયું થઈ શકે પરંતુ સંબંધોનાં અદશ્ય ટુકડાઓ તો હૃદયને જ ઈજા પહોંચાડે છે અને આંસુનો દરિયો વહી જાય છે.

[2] આત્મસંતોષ

પ્રકૃતિનો જે નિયમ છે તે અવિચળ રહેશે,
કામ નહિ આવે કદી એ સદા નિર્બળ રહેશે,
જ્યાં સરોવર કે નદી બદલે હશે સુકું રણ,
પડશે વરસાદ છતાં રોજ ત્યાં મૃગજળ રહેશે – ‘બેફામ’

આજકાલ વ્યક્તિ પાસે દરેક પ્રકારનાં સુખનાં સાધનો છે. માણસ જે ઈચ્છા કરે છે તે મેળવે છે. ઈચ્છાઓ અનંત છે. માણસ સતત તેને પોષતો રહે છે. પોતાનાં મનને ગમે તેવું થાય તો આનંદ આવે છે. આમ છતાં શું તેને સાચો સંતોષ મળે છે ? માણસની પાસે ઘણું બધું હોવા છતાં હંમેશા એક પ્રકારની ફરિયાદ રહે છે. કોઈપણ પ્રકારની વસ્તુ કે જેની તીવ્ર ઈચ્છા હોય, મનમાં સતત તે વસ્તુનાં જ વિચાર રમતાં હોય તેવી વસ્તુ હાથમાં આવી જાય પછી પણ તેમાંથી મળતા સંતોષનું આયખું આટલું ટૂંકું કેમ હોય છે ? જેમની પાસે અઢળક સંપત્તિ હોય કે પછી અત્યાધુનિક કાર ના માલિક હોય તેવાં લોકો પણ હૃદયનાં એક ખૂણામાં એટલું બધું દુ:ખ સાથે જીવતા હોય છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. બીજી તરફ જેની પાસે કંઈ નથી, માત્ર રહેવા ઝૂંપડું છે અને જે રોજેરોજનું કમાઈને ખાય છે તેવાં ગરીબો પણ સંતોષથી જીવતા હોય છે.

આવું શા માટે થાય છે ? કારણ કે ગરીબ લોકોને પોતાના માટે વિચારવાનો સમય જ નથી. એ લોકોને જે વસ્તુ મળે છે તેમાં પૂર્ણવિરામ મૂકીને આરામથી સૂઈ જાય છે. તેનાથી વિરુદ્ધ, જેને બધું જ મળી શકે તેમ છે અથવા તો મેળવ્યું છે તેમ છતાં તેની ઈચ્છાઓની બાજુમાં હંમેશા અલ્પવિરામ જ આવે છે. કોઈપણ રીતે તે અસંતોષનો અનુભવ કરતા હોય છે. કારણ કે બધું જ હોવા છતાં હંમેશા પોતાના વિશે જ વિચાર આવતાં હોય છે. એટલે જ સાચું સુખ આત્મસંતોષમાં છે. આપણી બહાર પણ એક દુનિયા જીવી રહી છે. તેને પણ ઘણી બધી ફરિયાદો છે. ક્યારેક તેના વિશે પણ વિચારીએ તો એની ફરિયાદનું પણ નિવારણ થઈ શકે અને આપણને પણ ગજબનો સંતોષ મળે છે.

આપણે એક વાત તો જાણીએ છીએ કે જ્યારે આપણે કોઈનું સારું કરીએ છીએ ત્યારે તેના હૃદયમાંથી હાશકારો નીકળે છે અને એ જ હાશકારાની આપણા પર હકારાત્મક અસર થાય છે. કારણ કે દિલનું દિલથી અદ્રશ્ય જોડાણ છે. આપણે જ્યારે આપણી ઈચ્છા પૂર્ણ કરીએ ત્યારે જે ખુશી કે સંતોષ મળે તેના કરતાં સામેવાળી વ્યક્તિ ને ખુશી આપીએ ત્યારે જે આત્મસંતોષ મળે છે તે ગજબનો હોય છે. જ્યારે બીજાનાં આત્માને સંતોષ પહોંચાડવામાં આવે ત્યારે જ આત્મસંતોષ મળે છે. હમણાં જ થોડા સમય પહેલાં અખબારમાં વાંચ્યું હતું કે એક વિદ્યાર્થીને એવી ટેવ છે કે તે હંમેશાં પોતાની સાથે ચપ્પલની જોડી રાખે છે અને જે ગરીબ વ્યક્તિ મળે છે તેને આપે છે. એક ભાઈને એવી ટેવ છે કે તે પોતાની સાથે ચોકલેટ્સ રાખે છે અને જે નાના બાળકો મળે છે તેને ચોકલેટ આપે છે. એક ભાઈ પોતાની સાથે પરચૂરણ એટલે કે રૂપિયો-બે-રૂપિયા કે પાંચ રૂપિયાના સિક્કા રાખે છે અને ગરીબોને આપે છે. સવાલ એ છે કે આ ત્રણેયમાંથી સૌથી વધુ સંતોષ કોને મળશે ? બેશક જે વ્યક્તિ ગરમ તાપમાં ચાલતા લોકોનાં પગને ઠંડક આપે છે તેને. બીજાને પણ સંતોષ તો મળશે જ. પરંતુ ઉતરતા ક્રમમાં. કોઈ પણ વ્યક્તિને અન્નદાન કરવાથી કે તેની ભૂખ સંતોષવાથી તે વ્યક્તિને તો સંતોષ થાય જ છે પરંતુ જે વ્યક્તિ અન્નદાન કરે છે તેને પણ પરમ સંતોષ મળે છે. બે વ્યક્તિનાં ચહેરાં ખીલી ઊઠે છે.

કોઈ પણ વ્યક્તિને મદદ કરવાનાં ઘણાં રસ્તાં છે. જરૂરી નથી કે આપણે કોઈને કંઈ આપીને જ મદદ કરી શકીએ. કોઈનું કાર્ય કરીને કે પછી કોઈ દુ:ખી વ્યક્તિ ને સાંત્વન આપીને પણ મદદ કરી શકીએ. પરંતુ આજકાલ તો આપણે જોઈએ છીએ એક સરકારી કચેરીમાં દશ વ્યક્તિઓ હોય તો માંડ અમુક જ વ્યક્તિઓ તેમાંથી કાર્ય કરતા હશે. બાકીનાં માત્ર ટાઈમપાસ જોબ કરતા હશે. કદાચ એ સમયે તેના મનમાં ખુશી પણ થાય કે હું દુનિયાની ખૂબ જ સુખી વ્યક્તિ છું કે મારે કંઈ પણ કરવું પડતું નથી. પરંતુ એ ખુશી ખૂબ જ ટૂંકા સમયની હોય છે. આવી બનાવટથી સાચો સંતોષ ક્યારેય મળી શકે નહીં. આ પ્રકારના લોકો એક યા બીજી રીતે અસંતોષથી જ પીડાય છે. આ લોકો બીજાનું કાર્ય તો પછી, પણ પહેલાં પોતાનું કાર્ય પણ કરી શકતાં નથી. એટલે જ તેઓને આત્મસંતોષ નહિ, પરંતુ સંતોષનો અનુભવ થવો પણ મુશ્કેલ બને છે. આત્મસંતોષની ચાવી આપણા હાથમાં છે, તેનું તાળું પણ આપણી સામે જ છે, માત્ર જરૂર છે તેને ખોલવાની.