પાંદડે પાંદડે રેખા – સં. મહેશ દવે

[‘પાંદડે પાંદડે રેખા’ પુસ્તકમાંથી સાભાર.]

[1] મનમળે તે મૈત્રી

મહાભારત વિશે કહેવાયું છે કે તેમાં સર્વ સંબંધોનો સમાવેશ થયો છે, ‘જે અહીં નથી તે બીજે ક્યાંય નથી.’ પૂર્વજો-વંશજો, પિતા-પુત્ર, માતા-પુત્રો, પતિ-પત્ની, ભાઈ-ભાંડરાંઓના અનેક પ્રકારના સંબંધો મહાભારતમાં નિરૂપાયા છે. મહાભારત મૈત્રી-સંબંધોનાં ત્રણ દષ્ટાંત નિરૂપે છે : કૃષ્ણ અને સુદામા, કૃષ્ણ અને અર્જુન તથા દુર્યોધન અને કર્ણ. કૃષ્ણ-સુદામાની મૈત્રી બાળપણની છે. એક અકિંચન બ્રાહ્મણ છે, બીજો ઐશ્વર્યવાન રાજવી છે. વર્ષો પછી મિત્રો મળે છે. તરત એકતાનતા સધાય છે. મિત્રને કૃષ્ણ ન્યાલ કરે છે, પણ ઉઘાડા દેખાડાથી નહીં. ડાબા હાથને ખબર ન પડે એમ જમણા હાથથી.

કૃષ્ણ અને અર્જુનનો મિત્ર-સંબંધ જુદા પ્રકારનો છે. યુવાવયે જન્મેલી સગાં-સંબંધી વચ્ચેની એ મૈત્રી છે. કૃષ્ણ અવતાર હોવા છતાં અર્જુનને સરખેસરખો ગણી સલાહ-માર્ગદર્શન આપે છે. હંમેશાં અણીને વખતે મદદે પહોંચી જાય છે. અર્જુનની ઈચ્છા પૂરી કરવા મોટા ભાઈના વિરોધ છતાં ચતુરાઈથી બહેન સુભદ્રાને અર્જુન સાથે ભગાડી મૂકે છે. સખા અર્જુનનો વિષાદ કૃષ્ણ દૂર કરે છે, તેની પડખે છતાં અલિપ્ત રહી દાર્શનિકની જેમ માર્ગદર્શન અને સહાય કરે છે. કર્ણ અને દુર્યોધનની મૈત્રી વળી જુદી છે. દુર્યોધનની જરૂરતમાંથી એ ઊભી થાય છે, પણ પછી પરસ્પર આદર-સ્નેહમાં એ મૈત્રી રૂપાંતર પામે છે. પાંડવપુત્રને માત કરવા દુર્યોધન કર્ણને મિત્ર બનાવે છે. બંને ગાઢ મિત્રો બને છે ને તરત સ્વાર્થ ઓગળી જાય છે. ગુરુ દ્રોણ, સલાહકાર મામા કે આદરણીય ભીષ્મપિતામહ, સર્વને અવગણી દુર્યોધન મિત્ર કર્ણમાં ભરોસો મૂકે છે, તેને મહત્વ આપે છે. કુંતીપુત્ર બનવાની, જ્યેષ્ઠ પાંડવ થવાની અને પતિ તરીકે દ્રૌપદીને ભોગવવાની અપાયેલી લાલચ તરછોડી મિત્ર તરીકે કર્ણ દુર્યોધન સાથે ઊભો રહે છે.

મૈત્રી માટે વય, જાતિ, જ્ઞાતિ, એકસરખો રસ, આર્થિક સ્થિતિ, મોભા કે મરતબાની એકરૂપતા અનિવાર્ય નથી. કશાનો બાધ નથી. મૈત્રીની શરૂઆત અનાયાસ, અકારણ, અકસ્માત કે સ્વાર્થને કારણે પણ થાય પણ એ સાચી મૈત્રીમાં પરિવર્તન પામે ત્યારે મૈત્રી નિરભ્ર આકાશ બની નિર્વ્યાજ, નિ:સ્વાર્થ છત્રનો છાંયો આપે. સંસ્કૃતમાં ‘મિત્ર’ શબ્દનો એક અર્થ છે, ‘સૂર્ય’. મિત્રને સૂર્યનો પર્યાય ગણવો સ-અર્થક છે. અંધકાર ફેડનાર સૂર્ય પ્રકાશ-દર્શક છે, મૂંઝવણ દૂર કરનાર મિત્ર પથદર્શક છે. સૂર્ય ઉષ્મા આપે છે, મિત્ર હૂંફ આપે છે. જળ ધરતીનું સિંચન કરે છે, પણ જીવન સૂર્યના તાપથી પ્રગટે છે : ઘાસ લીલું થાય, કૂંપળ ફૂટે, છોડ પાંગરે, કળી ઊઘડી પ્રફુલ્લ બને, વસંત મોરે, વૃક્ષ વિકસે અને ધન પાકે, એ બધો સૂર્યનો પ્રતાપ. અન્ય સંબંધો ભીના ભીના છે, પણ મિત્ર-સંબંધ જીવનને જીવંત બનાવે છે. સૂર્યનાં કિરણોમાં મેઘઘનુષના સપ્તરંગ છે, મિત્રના સ્નેહમાં જીવનના સર્વ રંગ છે. માતાપિતા અને કુટુંબનો સંબંધ લોહીનો છે, મિત્રનો સંબંધ હૃદયનો છે.

[2] સાદગી, સમૃદ્ધિ અને સુખ

સાદાઈ પછાત જ નહીં મૂરખાઈ ગણાય છે. તમારી પાસે મોબાઈલ નથી ? તમે વિમાનમાં બેઠા જ નથી ? તમે આવી સસ્તી ઘડિયાળ કે વીંટી પહેરો છો ? – તમારામાં લઘુતાગ્રંથિ ઊભી કરવા આવા પ્રશ્નો પુછાય છે. સાદગીથી જીવનારાઓની મજાક ઉડાડવાનું આજકાલ સહજ થઈ ગયું છે. સાદો અને સંતોષી માણસ મહત્વાકાંક્ષા વગરનો ગણાય છે. એ પ્રગતિ કરી શકતો નથી. એવો જ દુ:ખી રહે છે એવું માનવામાં આવે છે. આવી માન્યતા ધરાવનારાઓ માટે દાદા જે. પી. વાસવાણી કેટલાંક દષ્ટાંત આપે છે :

એક તાઓકથા છે. એક પ્રસિદ્ધ કલાકારે નાગનું ચિત્ર દોર્યું. એ ચિત્ર એવું જીવંત હતું કે જોનારાઓને જાણે એવું લાગતું કે હમણાં એના મોંમાંથી જીભ લપકારા મારશે અને ‘હિસસ…..’ એવો અવાજ આવશે. કલાકારની ખૂબ જ પ્રશંસા થઈ. કલાકારને પોરસ ચડ્યું. તેણે નાગની ચમકતી આંખો ચીતરી, ફેણ ચીતરી અને એવી રીતે ગોઠવી કે જોનારને એમ જ લાગે કે હમણાં એ ડંખ મારશે. લોકોને હવે નાગની બીક લાગવા માંડી. પ્રશંસા કરનારા અને જોવા આવનારાની સંખ્યા ઘટી. તોયે આગળ વધી કલાકારે નાગના પગ ચીતર્યા ! આના પરથી ચીની કહેવત પડી છે – ‘એ નાગના પગ ચીતરે છે.’ કહેવતનો અર્થ એવો થાય છે કે ‘એ માણસ મર્યાદા સમજ્યા વગર પરિસ્થિતિને વધારે ને વધારે ગૂંચવે છે.’

એક ધનાઢ્ય માણસે વિમાન ખરીદ્યું. હવે જ્યાં જવું હોય ત્યાં એ મનમોજીપણે જઈ શકતો. લોકોએ તેને કહ્યું, ‘તમે તો બહુ સુખી થઈ ગયા. જ્યાં જવું હોય, જ્યારે જવું હોય, ત્યારે તરત જ ઊપડી શકો.’ એણે કહ્યું, ‘હું તો દુ:ખી થઈ ગયો છું. ક્યાંય ન જવું હોય તોયે વિમાન અપ-ટુ-ડેટ તૈયાર રાખવું પડે, પાઈલોટ વગેરે સ્ટાફ રાખવો પડે ને જ્યારે કોઈ નેતા, ઉદ્યોગપતિ કે મોટો માણસ વિમાન માગે ત્યારે ના ન પડાય. ના પાડું તો સંબંધ બગડે. તેઓ જાય ત્યારે પેટ્રોલનું ઈંધણ પણ મારું ! આના કરતાં ચાર્ટર્ડ પ્લેન કરી લેવું સારું. નાનો હતો ત્યારે આકાશમાં ઊડતું વિમાન જોઈ વધુ મજા પડતી. હવે વિમાન વેચી નાખું તો આબરૂ જાય અને લોકોને આર્થિક સ્થિતિ વિશે શંકા-કુશંકા થાય.’

એક બહુ જ કમાણી કરતી ઍક્સ્ટ્રેસના ભાવ આસમાને ચડ્યા. સમૃદ્ધિની છનાછન થઈ પડી. બેસુમાર મોંઘાં કપડાં, જોડાં, ઘરેણાં વધ્યાં. કોઈએ તેને કહ્યું : ‘તમે તો બહુ સુખી થઈ ગયાં. કેવું લાગે છે ?’ તેણે કહ્યું, ‘કંઈ ખબર નથી પડતી. મારા જીવનમાં ખાવા-પીવામાં કંઈ ખાસ ફેર નથી પડ્યો. શરીર પર ઘરેણાંનું વજન વધ્યું છે, સલામતી માટે માણસો વધારવા પડ્યા છે ને કામ વધારે કરવું પડે છે !’ સાધનો વધે, સગવડ-સુવિધા વધે, સમૃદ્ધિ વધે, ટૅકનોલૉજીનાં ઉપકરણો વધે તેથી સુખ વધતું નથી. સગવડ-સમૃદ્ધિની પૂરતી સીમાએ પહોંચી ગયા પછીનું બધું નિરર્થક છે. શુદ્ધ, સ્વાદિષ્ટ પોષક ભોજન મળે તે પૂરતું છે. ચાંદીના થાળી વાટકા, વધારે વાનગીઓ કે વધારે ચટાકેદાર દાવતથી સુખની માત્રા વધતી નથી.

[3] આદર્શ દાંપત્ય

સ્કંદપુરાણમાં કથા વાંચવા મળે છે. બિમલનગરીનો રાજા ચંદ્રપ્રભ વનમાં શિકાર કરવા ગયો. ફરતાં ફરતાં તેને અપ્સરાઓનું વૃંદ જોવા મળ્યું. અપ્સરાઓએ ઉપવાસ રાખ્યો હતો. સૌએ દેવી પાર્વતીનું પૂજન કર્યું અને પ્રસાદ વહેંચ્યો. રાજાને પણ પ્રસાદ આપ્યો. રાજાના કાંડા પર તેમણે સૂતરના તાંતણાઓની આંટી બાંધી. કાંડે બાંધેલ આંટી નિહાળી રાજાની માનીતી રાણી વિશાલલક્ષી ચિડાઈ. આંટી તોડીને બે-ચાર તાંતણા રાણીએ સુકાઈ ગયેલા એક છોડ પર નાખ્યા. છોડ તરત લીલોછમ થઈ ગયો. બાકી રહેલા બે-ત્રણ તાંતણા રાજાની બીજી રાણી મહાદેવીએ પોતાના કાંડે બાંધ્યા. તરત મહાદેવી રાજાની માનીતી રાણી બની ગઈ. પહેલાંની માનીતી રાણી વિશાલલક્ષીને પોતાની ભૂલ સમજાઈ. વનમાં જઈ તેણે પાર્વતીનું ધ્યાન કર્યું, તપ કર્યું અને વ્રત કર્યું. પાછી તે માનીતી બની ગઈ. ત્યારથી સારું ઘર અને સારો વર મેળવવા કન્યાઓ ગૌરીવ્રત કરી પાર્વતીને પૂજે છે.

ઉપરની કથા સાચી હોય, નરી કલ્પનાકથા હોય, દંતકથા હોય કે ઉપદેશ અને વ્રત માટે ઉપજાવી કાઢેલી હોઈ શકે. પરંતુ એટલી વાત સાચી કે સ્ત્રીઓ માટે પાર્વતી જેવું આદર્શ પાત્ર ભાગ્યે જ મળે. પોતાનો પતિ શોધવાનો અધિકાર અને જવાબદારી પાર્વતીએ પોતે જ નિભાવી; ‘દોરે ત્યાં જાય’ એવી એ નહોતી. શંકરને પાર્વતી પોતે જ પસંદ કરે છે. તેને મેળવવા તપ કરે છે. તપ એટલે પલાંઠી વાળી એકધ્યાન બેસી જવું એટલું જ નથી. તીવ્ર ઈચ્છા અને ઈચ્છાશક્તિ સાથે પોતાના ધ્યેયને વળગી રહેવું અને તે માટે દઢ નિશ્ચયથી સતત અથાગ પ્રયત્ન કરવો એ તપ છે. પાર્વતીએ આવું તપ કર્યું. એકલસૂરા શંકર પર વિજય મેળવ્યો. પત્ની તરીકે સ્વીકારવા મહાદેવે સામેથી પ્રસ્તાવ મૂક્યો. પાર્વતી એટલે આવી શક્તિ છે. તેથી શંકર-પાર્વતી ‘શિવ-શક્તિ’ કહેવાય છે. પાર્વતી સ્વમાની છે. પિતા દ્વારા પતિનું અપમાન સાંખી લેતી નથી. પોતાની નિયતિ પોતે ઘડે છે. પતિ સાથે તેનો વ્યવહાર બરોબરીનો છે. તેથી જ એ દંપતી અર્ધનારીશ્વર કહેવાય છે.

આવાં પાર્વતીને કન્યાઓ પોતાનો આદર્શ માની વ્રત કરે તે સુયોગ્ય છે. વ્રત સાથે જોડાયેલી ખાવા-પીવા, ઉત્સવ વગેરેની યંત્રવત ક્રિયાઓ ગૌણ છે; જો કે એમાં કન્યાઓ આનંદ લે તો તેમાં કશું ખોટું નથી, પણ પાર્વતીને પોતાનો આદર્શ ગણી અનુસરવું એ અગત્યનું છે. છાપાઓમાં કિસ્સા આવે છે. પ્રેમીઓ આકર્ષાય છે અને છૂપાં લગ્ન કરે છે. કોમ, જાતિ, કુળ એવા બધા વાંધાને કારણે પ્રેમિકાનું કુટુંબ સામે પડે છે. પ્રેમી કે પતિની હત્યા સુધી મામલો પહોંચે છે. તે સમયે છોકરી કુટુંબને સાથ આપે છે, પ્રેમી કે પતિની વિરુદ્ધ પોતાના કુટુંબના કેસને સમર્થન આપે છે. આ સ્ત્રીઓ પાસે પાર્વતી જેવી શક્તિ નથી. એ શક્તિ આવશે ત્યારે સ્ત્રી પુરુષસમોવડી જ નહીં, સવાઈ પુરુષ બની રહેશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફાફડા અને જલેબી – સંકલિત
સંબંધોમાં સ્નેહ – અવંતિકા ગુણવંત Next »   

4 પ્રતિભાવો : પાંદડે પાંદડે રેખા – સં. મહેશ દવે

 1. મૈત્રી , સાદગી અને આદર્શ દામ્પત્ય વિશે ખુબ જ સરસ ઉદાહરણો દ્વારા સમજ આપી છે. પાંદડે પાંદડે રેખા નામે આવા સરસ લેખો નુ સંકલન કરવા બદલ માનનીય મહેશ્ભાઈ નો ખુબ ખુબ આભાર્

  નિતિન પટેલ
  ગામ વડગામ થી

 2. nayan panchal says:

  મૈત્રી અને સાદગી વિશે સુંદર લેખ. દામ્પત્ય વિશેનો લેખ અધૂરો લાગ્યો.

  આભાર,
  નયન

 3. anil says:

  મને આ લેખ “પાંદડે પાંદડે રેખા” બહુજ પસન્દ પદિયો કેમ કે તેમા આ મોર્દન જમન ખોવૈલ માનસ મતે એક ફેમિલિના સભયો સાથે મલિને રેહ્વનો અને એક બિજને મદદ રુપ થવનો બોધ આપે શે.

  હુ ખરેખર મહેશ્ભાઈ નો ખુબ ખુબ આભાર્ મનુ સુ અને તેવો ભવિસય મ પન આ વજ લેખો લખિને લોકોને આપનિ આવ્નર પેધિને સન્સ્ક્રુતિથિ જગ્રુત રખે

  તમરો સનેહિ
  અનિલ આદ્રોજા
  મોરબિ(સરવદ)

 4. zeel says:

  મેને ભિ ૧૧ સાલ તક વ્રત કિયા. માતા મુઝ્પર કુપા ક્યુ ન દિખઇ. વોહ સમઝ નહિ આતા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.