- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

અધ્યાત્મ એટલે શું ? – હરેશ ધોળકિયા

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

ભારતીય માનસમાં કેટલાક શબ્દો સાંસ્કૃતિક માહોલના કારણે ઘૂસી જ ગયા છે એમ કહેવું અયોગ્ય નહીં થાય. ત્યાગ, મોક્ષ, માયા, ભવસાગર, ધર્મ, અધ્યાત્મ, ધ્યાન વગેરે ! નાનકડાં બાળકને પણ આ શબ્દોનો ઉપયોગ કરતાં જોઈ શકાશે. (થોડા વખત પહેલાં એક ‘બાલ શિબિર’માં દસ વર્ષનાં થોડાં બાળકોને ‘શિબિરમાં શા માટે આવ્યાં છો’ એમ પૂછતાં જવાબ મળેલા કે ‘મોક્ષ મેળવવા’, ‘ભવસાગર તરવા’ કે ‘માયાથી મુક્ત થવા’ !!) પ્રૌઢો તો જેમ સરળતાથી ગાળો બોલી શકે છે તેટલી જ સરળતાથી આ સાંસ્કૃતિક શબ્દો બોલે છે. અર્થ સમજે છે કે નહીં તે સંશોધનનો મુદ્દો છે.

થોડા સમય પહેલાં એક શિબિરમાં પરિચય-વિધિ ચાલતી હતી. તેમાં એક વ્યક્તિએ પરિચયમાં પોતે ‘આધ્યાત્મિક થવાનો પ્રયત્ન કરે છે’ તેવું કહ્યું. તેને આધ્યાત્મિક હોવું એટલે શું-એમ પૂછ્યું, તો યોગ અને પ્રાણાયામમાં ઊંડા ઉતરવું, ગુરુ ભક્તિ કરવી, શાસ્ત્રો વાંચવાં કે સંસ્કૃતિ માટે કામ કરવું વગેરે વિવિધ જવાબો આપ્યા. બીજો પ્રશ્ન પૂછ્યો કે આધ્યાત્મિક થવાના કોઈ અનુભવો છે ? તેના જવાબમાં તે મૂંઝાયા અને જવાબ ન આપી શક્યા. એટલે પ્રતિપ્રશ્ન કર્યો કે તે દિવસના અંતે કેવા વિચારો કરે અથવા તો લાગણીઓ અનુભવે છે ? તો જવાબ આપ્યો કે સમાજ તરફ નજર કરતાં તે મોટા ભાગે હતાશા અનુભવે છે. છાપાં-ટીવી જોતાં કે વાંચતાં ગુસ્સો અનુભવે છે. પોતાનાં ભવિષ્યનો વિચાર કરતાં તો ચિંતા જ અનુભવે છે. ક્યારેક તો તાણ પણ અનુભવે છે અને ઊંઘ પણ નથી આવતી.

જવાબ આપનાર પ્રૌઢ વ્યક્તિ હતા. સંસારનો ઘણો જ અનુભવ હતો. ડાહ્યા હતા. અનેક આધ્યાત્મિક શિબિરોમાં નિયમિત જતા હતા. મોરારી બાપુથી શ્રી શ્રી રવિશંકર અને વિપશ્યનામાં પણ જઈ આવ્યા હતા. તેમના આ જવાબ હતા ! એટલે જ, ડર લાગવા છતાં, કહેવું પડે છે કે આ સાંસ્કૃતિક શબ્દો મગજમાં ઘૂસી ગયા છે. પડ્યા પડ્યા અંદર સડે છે. પચતા નથી. એસીડિક થઈ જાય છે. માટે જ ‘આધ્યાત્મિક’ થયેલાના ‘આવા’ જવાબો આવે છે.

તો આ ‘આધ્યાત્મિકતા’ એટલે છે શું ?
ગીતમાં અર્જુને શ્રીકૃષ્ણને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે તે અધ્યાત્મ વિશે કહે. શ્રીકૃષ્ણે તરત જવાબ આપેલ કે ‘સ્વાભાવોડધ્યાત્મ ઉચ્યતે’ – અધ્યાત્મ એટલે સ્વભાવ. અહીં બીજો પ્રશ્ન થાય કે તો સ્વભાવ એટલે શું ? તો જવાબ આવે કે જે જન્મદત્ત મળેલ હોય તે. ‘સ્વ’ પોતાનું અને ‘ભાવ’ એટલે હોવું. એટલે કે અસ્તિત્વગત પ્રકૃતિ. શું છે મનુષ્યની પ્રકૃતિ ? શાસ્ત્રોને ટાંકીએ તો કહેવાય કે માણસ જન્મથી જ પૂર્ણ છે. ‘પૂર્ણમદ: પૂર્ણમિદમ’. માણસ દિવ્યતાનો અંશ લઈને જ જન્મે છે. ઐશ્વર્ય તેનો સ્વભાવ છે. આનંદ તેની નિયતિ છે. હવે જો સમગ્ર જગતના છ અબજ લોકો તરફ નજર કરશું, તો લગભગ નેવું ટકા લોકો તદ્દન અપૂર્ણ દેખાશે. મોટા ભાગના દુ:ખી, ફરિયાદી અને પેલા ભાઈએ કહ્યાં તે બધાં લક્ષણ ધરાવે છે. ક્યાંય કોઈ પૂર્ણ નથી દેખાતું. આનંદનો તો સર્વત્ર દુકાળ છે. માટે તો ગમે તેવાં પણ મનોરંજનની બોલબાલા છે.
તેનો અર્થ શું થયો ?
તેનો અર્થ એ થયો કે માણસ તેના સ્વભાવને નથી જીવતો. માટે તે આધ્યાત્મિક નથી. પણ સ્વભાવને કેમ જીવી શકાય ? સ્વભાવ જીવવો તો સહજ હોય ને. વ્યક્તિ જે જીવે તે સ્વભાવ જ હોય ને !

બધાં પ્રાણીઓમાં માનવ જીવનની જ આ કરુણતા છે. બધાં પ્રાણીઓ જન્મની પળથી જ સ્વાભાવિક હોય છે. બાળક પણ જન્મ સમયે સ્વાભાવિક જ હોય છે, પણ જેમ જેમ મોટું થતું જાય છે, તેને સંસ્કાર-શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે, તેમ તેમ તે અસ્વાભાવિક બનતું જાય છે. સ્વભાવ વિરુદ્ધ જીવવા લાગે છે. માટે જ સમગ્ર જીવન તે અશાંત રહે છે, જે વ્યક્તિગત ઝઘડાથી માંડી વૈશ્વિક યુદ્ધો કે ત્રાસવાદમાં પરિણમે છે.
તો, શું સંસ્કાર અપાય છે ?
તેને કદી દિવ્યતાની યાદ નથી અપાતી. તેને જાતિ-જ્ઞાતિ-ધર્મ-પ્રદેશની સંકુચિતતાની તાલીમ અપાય છે. તેનાં વ્યક્તિત્વને નાના નાના વાડાઓમાં બાંધી નખાય છે. તેની વિચાર-શક્તિ કુંઠિત કરી નખાય છે. તેના ‘દૈવી’ સ્વભાવને ‘અસૂર’ સ્વભાવમાં બદલાવી નખાય છે. (એટલે શું તે જાણવું હોય તો ગીતાનો સોળમો અધ્યાય વાંચી લેવો) વિરાટ થઈ શકે તેવું વ્યક્તિત્વ છછૂંદર જેમ જીવે છે, જમીન પર આળોટે છે અને એક દિવસ ક્ષુદ્રતામાં જ મૃત્યુ પામે છે.

તેનો ‘સ્વભાવ’ પ્રગટ જ નથી થતો. માટે તે હતાશા, ગુસ્સો, આવેશ વગેરે અનુભવ્યા કરે છે. સતત અશાંત રહે છે. સતત દુ:ખનો અનુભવ કરે છે. અંદર ને અંદર તરફડ્યા કરે છે. માટે જ તેને ‘આધ્યાત્મિક’ થવાની ઝંખના જાગે છે. તદ્દન સ્વાભાવિક છે આ ઝંખના. તેનો પ્રયાસ જ તેને સ્વસ્થ કરી શકશે. પણ અહીં તે ફરી ભૂલ કરે છે. આપણે ત્યાં ‘ધર્મ’ અને ‘અધ્યાત્મ’ને ભેળસેળ કરી નાખવામાં આવ્યાં છે. તેમને એક જ માનવામાં આવે છે. ધર્મ તો સંગઠિત વિચારોનો સમૂહ છે. ત્યાં ચોક્કસ નિયમો છે. તે પાછા દરેક સંગઠનોમાં વિવિધ અર્થો ધરાવે છે. તેનાં ચોક્કસ પુસ્તકો છે. તેને જ શુદ્ધ સત્ય મનાય છે. દરેક ધર્મ પોતાને પણ ‘અંતિમ’ માને છે. તેમાં ગુરુ હોય છે. વિધિઓ હોય છે. આ બધાને ‘વફાદાર’ રહે તેને જ ‘ધાર્મિક’ મનાય છે.

તેના નામે ‘અધ્યાત્મ’ એટલે બહારના બધા ખ્યાલો તોડી, સ્વ-તંત્ર બની, કેવળ પોતાની જન્મદત્ત દિવ્યતાને પ્રગટ કરવી તે. આ અર્થમાં નાસ્તિક પણ આધ્યાત્મિક હોઈ શકે. તેમાં કશું માનવાનું નથી. તેમાં તો પોતાના સ્વભાવ (દિવ્યતા)ને ‘જાણવાનો’ છે. ‘જીવવાનો’ છે. સ્વભાવને જીવવો તે જ આધ્યાત્મિકતા. તેમાં ગુરુ કે ઈશ્વરને માનવાની પણ જરૂર નથી અને નાસ્તિક હોવાની પણ છૂટ છે. એટલે આધ્યાત્મિક વ્યક્તિ ધાર્મિક હોઈ શકે, કારણ કે તે શાસ્ત્રના નિયમો સહજ રીતે જીવે છે. પણ ધાર્મિક વ્યક્તિ આધ્યાત્મિક હોય જ એમ માની ન શકાય, કારણ કે ધાર્મિક વ્યક્તિ માટે મહત્વનું છે ગુરુ-શાસ્ત્રો-વિધિઓ વગેરેને વળગી રહેવું. ધાર્મિક વ્યક્તિનું સત્ય નાનું છે. આધ્યાત્મિક વ્યક્તિ તો આકાશવત છે. ધાર્મિક વ્યક્તિને તરત ઓળખી શકાય, પણ આધ્યાત્મિક વ્યક્તિ તો ભાગ્યે જ ઓળખાય. સમજવાનો તો પ્રશ્ન જ નથી. ધાર્મિક વ્યક્તિનાં ચોક્કસ લક્ષણો છે, નિશાનીઓ છે, વર્તન છે. માટે ઓળખવી સરળ છે. પણ આધ્યાત્મિક વ્યક્તિને ઓળખવી કેમ ? અથવા પ્રશ્નને બદલાવીને પૂછવો હોય, તો આધ્યાત્મિક હોવાનું પરિણામ શું ? પરિણામનાં લક્ષણો આધ્યાત્મિક વ્યક્તિને ઓળખવામાં મદદ કરશે.

આધ્યાત્મિક વ્યક્તિને ધાર્મિક વ્યક્તિના સંદર્ભમાં કદી સમજવાનો પ્રયત્ન ન કરવો. જબરા માનસિક ગોટાળા થશે. રામકૃષ્ણ, ગાંધીજી-પરણેલાં છે. વિવેકાનંદ કે નિસર્ગદત્ત મહારાજ બીડી, સિગરેટ, હુક્કો પીએ છે. પુરાણોમાં ઘણા ઋષિઓને અનેક પત્નીઓ છે. રામ-કૃષ્ણ-જનક તો વળી રાજાઓ છે. કૃષ્ણ તો હિંસા પણ કરે છે. તેને તો વળી સોળ હજાર રાણીઓ છે ! હવે જો ધર્મના નીતિ-નિયમોનાં ચશ્માંથી જોવાશે તો આ બધી જ વ્યક્તિઓ અધાર્મિક છે એમ સાબિત થશે. (એટલે જ ઘણા ધર્મોને શ્રીકૃષ્ણ નથી સમજાતા !) પણ હકીકતે તે તેમનો દષ્ટિભ્રમ કે સમજની ભૂલ છે. આ બધા કદાચ અધાર્મિકો હોઈ શકે, પણ તે બધા જ આધ્યાત્મિક વ્યક્તિઓ છે. અધ્યાત્મને બાહ્ય પરિવેશ, વર્તન વગેરે સાથે કશો સંબંધ નથી. આવા લોકો તદ્દન અભિપ્રાય ન બાંધી શકાય તેવા લોકો છે. ક્યારે કયું વર્તન કરશે તે નક્કી ન કહી શકાય. (ગાંધીએ વાછરડાંને મારી નાખવાનું સૂચન ન કર્યું ?) તેમનું ચોક્કસ (text-book) વર્તન નથી હોતું. પણ હા, તેમને જોયા પછી કેટલાંક લક્ષણો દેખાય તો સમજવું કે તેઓ આધ્યાત્મિક છે.

વિવેકાનંદે આધ્યાત્મિકતાનાં ત્રણ લક્ષણો બતાવ્યાં છે.
પ્રથમ લક્ષણ છે ‘શાંતિ.’ આધ્યાત્મિક વ્યક્તિ સત્યનિષ્ઠ હોવાથી વિવેકી હોય છે. માટે તે ‘સાચું’ જ કરે છે. માટે તે હંમેશ ‘શાંતિ’ ભોગવે છે. અશાંતિ તો અસત્યને અનુસરાય તો જ આવે. સત્યનિષ્ઠ તો હંમેશાં શાંતિ જ માણે. તેને આનંદ જ મળે. કેવળ શાંતિ જ આનંદ માણી શકે. એટલે આધ્યાત્મિક વ્યક્તિનું બીજું લક્ષણ છે કે તે પળેપળ ‘આનંદ’માં હોય. અને જેમ જેમ આ આનંદ વધતો જાય, તેમ તેમ તેને વહેંચવાની પ્રબળ ઈચ્છા થાય. અથવા તો કહો કે વહેંચ્યા વિના રહેવાય જ નહીં. પણ વહેંચી તો શકાય, જો પ્રેમ હોય. એટલે આધ્યાત્મિક વ્યક્તિનું ત્રીજું લક્ષણ છે ‘પ્રેમ’. અનર્ગળ, નિષ્કામ, નિર્મમ પ્રેમ. આવી વ્યક્તિ સમગ્ર જગતને પોતાની શાંતિ અને આનંદ વહેંચે છે. એટલે જેના પાસે બેસતાં શાંતિ-આનંદ અને પ્રેમનો અનુભવ થાય, તો માનવું કે તે આધ્યાત્મિક વ્યક્તિ છે. અથવા તો જે અધ્યાત્મની સાધના કરે, તેમાં જેમ જેમ આગળ વધે, તેમ તેમ તેનામાં જો શાંતિ-આનંદ અને પ્રેમ વધતાં જાય, સંકુચિતતા ખરતી જાય, તો માનવું કે પોતે પ્રગતિ કરે છે. આ ત્રણેની સુગંધ જ સમગ્ર વ્યક્તિત્વમાં પ્રસરવા માંડશે. તેના સંપર્કમાં આવનારને પણ તે સુગંધનો સ્પર્શ થશે.

બસ ! આ એક જ નિશાની છે આધ્યાત્મિક હોવાની : શાંતિ-આનંદ-પ્રેમની. આ ન હોય ત્યાં સુધી તે વ્યક્તિ ધાર્મિક. તે હોવું પણ અયોગ્ય નથી. પણ તેમાં કૂવાના દેડકાનો અનુભવ થશે. બસ ! વિશાળ સાગરનો અનુભવ નહીં થાય. તે તો અધ્યાત્મ જ કરાવી શકે.