પંખીલોક – ગુણવંત વ્યાસ

[કેટલાક લેખો ઊંડું ચિંતન-મનન માંગી લે છે. તેનો મર્મ જલ્દીથી પકડી શકાય એવો હોતો નથી. કંઈક એવા પ્રકારનો આ ‘પંખીલોક’ નિબંધ છે. માનવીની આભને પામવાની અદમ્ય ઈચ્છા, એ પછી એને પ્રગટતી પાંખો, મનુષ્યની સૃષ્ટિ કરતાં પંખીઓની સૃષ્ટિમાં થતું વિચરણ, ત્યાંનું સ્પર્ધામુક્ત સહજ વાતાવરણ – આ બધું જ લેખક કલ્પનાની પાંખે વિચરણ કરતાં કરતાં આપણને જાણે નજરોનજર બતાવી દે છે. આમ તો દરેક વ્યક્તિને ઈશ્વરે કોઈને કોઈ સ્વરૂપે પાંખ આપેલી છે. પરંતુ ભૌતિકતાની દોડમાં એના પીંછા ખરતાં જાય છે. અંતે માણસ ધરતી પર પટકાય છે. આંખો ખોલીને જુએ છે તો એને એક વાતનો સંતોષ મળે છે કે મારા બાળકમાં તો હજી એક પીછું સચવાયેલું છે. પ્રસ્તુત છે આ ‘પંખીલોક’ની અનોખી યાત્રા, ‘તાદર્થ્ય’ સામાયિક ઑગસ્ટ-2009માંથી સાભાર. – તંત્રી.]

આપણું થોડું એવું ખરું ! સૂતાં હોઈએ ને કોઈ ઓચિંતું જગાડે એટલે ફફડી જવાય. સ્વપ્નનાં આકાશમાં ટહેલતા હોઈએ ને કોઈનો સંભળાતો અવાજ ગોફણના ઘા જેવો લાગે. આકાશેથી સીધા ધરતી પર આવ્યાની પીડા લોહીઝાણ થયાની વેદનાનો અનુભવા કરાવે. આથી જ બંદા બધાથી આઘા રહે. દા’ડે ઝાડને છાંયે તો રાતે ખેતરને ખોળે જ વિસામો ખોળે. મોટેભાગે પાંદડાંનો મર્મર ધ્વનિ કાં પંખીઓનાં કલરવતાં ગાન જ તંદ્રાવસ્થાને તોડે. ઘરના આ બધું જાણે. આથી જ મને ઊઠાડવા માટેનો એકમાત્ર આધાર અવનિ બની રહે. મને જગાડવાની જરૂર પડે ત્યારે અવનિ નામનું આયુધ મારા પર અજમાવે. મારા માટે એ કુસુમાયુધ બની રહે. નાના-રાતા પગ માંડી આવતી અવનિ મારા કાને કાલું-ઘેલું ટહુકે. બે હાથોની પાંખો પ્રસારી મારી આંખોને મીંચે. મારા કાનોને ખીંચે. મને પંખીલોકમાંથી અવનિલોકમાં આવવું ગમવા લાગે. નિદ્રા અને તંદ્રાવસ્થા વચ્ચેની જાગૃતિ વચ્ચે ઝૂલતી અવનિ મને હરિયાળું ખેતર હોવાનો ભાસ જન્માવે. ક્યારેક એ લહેરાતું સરવર લાગે તો ક્યારેક વરસતી વાદળીનો વરતારો જગાવે. ક્યારેક એ કૂજતું કોકિલવન બની રહે તો ક્યારેક એ કુસુમવન બની ખીલે. મારામાં વનરાવન રચી દે એની હાજરી ! અવનિ જાણે નાનકું નિર્દોષ પંખીડું. મારામાં માળો રચાય ને હું અંદરથી છલકાવા લાગું, બહારથી કોળવા લાગું. અવનિને ઊંચકી હવામાં ઉછાળું. ઊડતી આવીને એ ખભે બેસે. જાણે કોઈ પંખી બેઠું. હું મલકી ઊઠું.

આજની જ વાત કરું. રોંઢે એ આવી રોનક રેલાવી ગઈ. કશા જ પગરવ વિના, એની હાજરીનો અહેસાસ પણ ન થાય એ રીતે, ચુપકીદીથી એ આવી. એક સુંવાળો મુલાયમ સ્પર્શ મને થતો લાગ્યો. સપનાથીયે મીઠી અનુભૂતિ જગાવતો એ મૃદુ સ્પર્શ આહલાદકપણાના રોમાંચકારી અનુભવ સરીખો હતો. બેઘડી તો થયું કે અવનિ જ છે કે કોઈ પંખીડું પડખે આપી પાંખ ફેલાવી બેઠું છે ? સ્વપ્ન હોય તો સારું, ને સત્ય હોય તો એથી યે અધિક સારું ! થયું, આંખો ખોલીને જોઈ લઉં ? પણ મને ના પાડી. અવઢવ સુખાનુભૂતિને ઝાઝું આયુષ્ય બક્ષતી હોય છે. પંખી વિશેનો ભ્રમ હોય ને ભાંગી જાય તો ? એથી અવઢવ સારી ! પણ ઈચ્છા સળવળીને ફરી બેઠી થઈ ને આંખો ખૂલી ગઈ. સામે જ પંખિણી સમી હળવીફૂલ જેવી મંદ-મંદ હસતી અવનિ ! મને જાગૃત થતો જોતાં જ એ ખડખડાટ હસતી, ઢગલો થઈ ઢળી પડી મારા પર. જાણે થોડા ટહુકા વેરાયા !

પણ એના કોમલાંગ જેવો જ આ મૃદુ સ્પર્શ બીજો શાનો ? ઓહ ! એના હાથમાં એના હાસ્ય જેવું જ એક નાજુક, નમણું, નિર્દોષ પીંછું સોહી રહ્યું હતું. એના ચમકતા ચહેરાનો ચળકાટ જાણે પીંછામાં પરાવર્તિત થતો હતો. મેં એ સુખદાનુભૂતિને વધુ માણવા ફરી આંખો મીંચી. એ ટહુકા વેરતી, પીંછું મારાં અંગો પર ફેરવતી હતી. હાથ ફરે છે કે પીંછું એ કળવું કઠિન હતું, કારણ કે નિર્જીવ લાગતું પીંછું મને સજીવ અનુભવ કરાવતું હતું. એની મુલાયમતા જ એના જીવિતપણાની સાક્ષી હતી. પીંછાના એકમાત્ર સ્પર્શે મને પિચ્છ, પંખી ને પંખીલોક વિશે વિચારતો કર્યો. કયા પંખીની પાંખમાંથી ખર્યું હશે આ પીંછું ? કોઈ જીવિત પંખીનું હશે કે કોઈ મૃતનું ? પીંછું ખેરવતાં પંખીને શી વેદના-સંવેદના થઈ હશે ? કોઈએ પંખીને પીંખી તો નહીં નાખ્યું હોય ને ? કે ક્યાંક અથડાતાં-ટકરાતાં ખર્યું હશે આ પીછું ? બેખબર જ હું પીંછાની દુનિયામાં ડૂબતો જતો હતો.

અવનિની અંગુલિસમું પીંછું કોઈ ગજબનો અજબ અનુભવ કરાવતું હતું. કાને, નાકે, આંખે, હોઠે, ગાલે, માથે, હાથે ફરતું પીંછું મને નવતર સૃષ્ટિમાં ખેંચવા લાગ્યું. પીંછાનો જ મૃદુ સ્પર્શ મને કોઈ રોમાંચકારી આહલાદકપણાનો અનુભવ કરાવતો, અગોચર દુનિયામાં લઈ જતો હતો. ત્વચાની બહાર થતો પીંછાનો સ્પર્શ ત્વચાની અંદર એક પિચ્છવિશ્વ રચતો હતો. હું ફરી તંદ્રાવસ્થામાં સરકી રહ્યો છું કે પીંછું મારામાં નવો પ્રાણસંચાર કરી રહ્યું છે એ જ અસ્પષ્ટ હતું. એક પીંછું જાણે મારી એક પાંખ બનવા મથી રહ્યું હતું. હું ચાલવા જાઉં છું અને ઊડવા જેવું અનુભવાય છે. હું બોલવા જાઉં છું અને ટહુકવા જેવું ગવાય છે. કશું સ્પષ્ટ નથી, કશું પૂર્ણ નથી. એક પાંખવાળા પંખી જેવો હું એક હાથે હવામાં હવાતિયાં મારતો કોઈ આધાર શોધી રહ્યો છું. એક પીંછાએ મને એક પાંખ આપી છે. હું બીજા પીંછાની શોધમાં છું. મારે આકાશે ઊડવું છે. મારે હવામાં ટહેલવું છે. મારે ડાળે ઝૂલવું છે. મારે માળે મલકવું છે. ગીત ગાતા પંખી જેવો ટહુકો બની ખરવું છે. મને એક પીંછું આપો, મને બીજી પાંખ આપો. પંખીની પંગતમાં મારે ભળવું છે.

હું ખુલ્લા આકાશ નીચે આવું છું. વૃક્ષાચ્છાદિત વનરાજિ વચ્ચે આવું છું. આંબાની ડાળે ને સરવરની પાળે પીંછાની શોધ આદરું છું. ભૂખ ભૂલી ગયો છું. તરસ વિસરાઈ ગઈ છે. હું ભૂખ્યો પણ નથી, હું તરસ્યો પણ નથી. મને ભૂખ છે પીંછાની, મને તરસ છે પંખીની. મારે કંઈ ન જોઈએ, મારે પીંછું જોઈએ, મારે પીંછું જોઈએ, મારે પીંછું જોઈએ. દિવસ અને રાત, સવાર અને સાંજ, બસ માત્ર પીંછાનું જ રટણ કરતો હું પાંખ મેળવવા તલસું છું, પંખી બનવા તડપું છું. મને કોઈ એક પીંછું આપો. મને કોઈ બીજી પાંખ આપો. મારે આકાશે ઊડવું છે. મારે હવામાં ટહેલવું છે. મારે ડાળે ઝૂલવું છે. મારે માળે મલકવું છે. મારે ગીત ગાતા પંખી જેવો ટહુકો બની ખરવું છે. મારે પંખીની પંગતમાં ભળવું છે. મારે પંખી થઈને જ મરવું છે.

અચાનક આકાશેથી એક પીંછું ખરે છે. હું દોડીને ઊંચકું એ પહેલાં તો બીજાં બે-પાંચ રંગ-બે-રંગી પીંછા મારી આસપાસ ખરેલાં હું જોઉં છું. હું રાજીનો રેડ થઈ જાઉં છું. નાચવા લાગું છું. ઝૂમવા લાગું છું. વાંકો વળી વીણવા લાગું છું. જેમ-જેમ વીણું છું તેમ-તેમ વધુ ને વધુ પીંછા વેરાતા રહે છે. હું સાનંદાશ્ચર્ય પીંછા વીણતો ઝડપ વધારું છું. પીંછા એથીયે વધુ ઝડપે વેરાતાં રહે છે. મને ઊંચે જોવાનીયે ફુરસદ નથી. પીંછું ક્યાંથી આવ્યું ને કોણે આપ્યું એ જોવા-તપાસવા રહું ને પીંછા ઊડી જાય તો ? પીંછાનો વરસાદ મને પીંછા વીણતો જ રાખી, ભીંજવતો રહે છે. મારો થેલો રંગ-બે-રંગી પીંછાથી ઊભરાઈ રહ્યો છે, છલકાઈ રહ્યો છે. થેલો પંખી બનીને ઊડી ન જાય માટે ગળે ભેરવી, બગલમાં દબાવી દીધો છે. પીંછા તો હજુ યે વરસી રહ્યાં છે ! હું ખિસ્સામાં ભરવા લાગું છું. ખિસ્સાની બહાર પણ હવે તો પીંછા ડોકિયા કરી રહ્યાં છે ! મુઠ્ઠીઓ ભરતો હું પીંછાને જ્યાં જગ્યા મળે ત્યાં ખોસતો પંખી બની રહ્યો છું. બુશર્ટમાં, પેન્ટમાં, કમરમાં, બગલમાં, કાન પર, માથા પર – જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં-ત્યાં પીંછાને ખોસતો હું પીંછાથી છલકી રહ્યો છું. હવે તો ધરતીયે આખી પીંછાથી આચ્છાદિત થઈ ગઈ છે. ચોતરફ પીંછાના ઢગ ખડકાવા લાગ્યા છે. આકાશ હજુયે પીંછા વરસાવી રહ્યું છે. મકાન પર, વૃક્ષો પર, વાહનો ને રસ્તા પર, બસ પીંછા જ પીંછા છવાઈ ગયા છે. માણસો પણ પીંછાથી ઢંકાઈ રહ્યા છે. માત્ર ને માત્ર પીંછાનું જ અસ્તિત્વ ચોતરફ ઊભરી રહ્યું છે.

હું હાથ ફેલાવું છું ને પીંછા ઊગે છે. ચાલું છું કે ઊડું છું એ જ ખબર નથી ! પીંછાના પ્રદેશમાં પીંછાના ઢગ જેવો હું પીંછાના એક ઢગલા પરથી બીજા ઢગલા પર ઊડતો-કૂદતો પીંછાને જ પોંખી રહ્યો છું. પીંછાનું આકાશ ને પીંછાની ધરતી, પીંછાનાં વૃક્ષો ને પીંછાની નદી ! ક્યાં ગયો માણસ ? ક્યાં ગયાં મકાનો ? નથી કોઈ માર્ગ, નથી કોઈ માર્ગદર્શક – બસ, બધું જ પીંછાથી આચ્છાદિત ! હું પણ એથી મુક્ત નહીં. પીંછાનો જ બનેલો હું વજનવિહીનતાનો અનુભવ કરું છું. દટાઈ જાઉં એટલા પીંછાએ મને હળવોફૂલ બનાવી દીધો છે. મારામાં ઊડવું ઊગવા લાગ્યું હોય એવું થઈ રહ્યું છે. લાગે છે, કોઈ પીંછું જ મારામાં ઊગી રહ્યું છે. પીંછાનો સ્પર્શ મને પક્ષીયોનિમાં ખેંચી રહ્યો છે. મારા અંગાંગમાં પીંછા ફૂટી રહ્યાં છે. મારા હાથ પાંખ બનવા પ્રસરી રહ્યા છે. જાણે કે હમણાં હાથ ફેલાશે, પાંખ વીંઝાશે ને હું પંખીલોકમાં પહોંચી જઈશ. મને થયું, હું હું નથી રહ્યો. હું પંખી બની રહ્યો છું. મારા હાથ ખરી ગયા છે, મારા કાન પણ ખરી ગયા છે. હાથની જગ્યાએ પાંખ ને કાનની જગ્યાએ કૂંડાળાં રચાઈ ગયાં છે. હોઠની જગ્યાએ ચાંચ ફૂટી નીકળી છે, ચાલવા જાઉં છું અને નાચી લેવાય છે, હાથ પ્રસારું છું ને ઉડાય છે. મને ખુલ્લું આકાશ આકર્ષી રહ્યું છે. મને એની વિશાળતા આવકારી રહી છે. હું અવનિલોકથી પંખીલોક સાથે અનુસંધાવા ઉતાવળો થઈ ઊઠું છું…. ને પાંખ વીંઝાતા જ ઉડાન આરંભાય છે.

કોઈક નવું જ વિશ્વ મને અચરજ પમાડી રહ્યું છે. કેટકેટલાં પીંછાઓથી લથબથ એટએટલાં પંખીઓ ! હું એમની વચ્ચે ખોવાતો જાઉં છું. અધધધ વિશાળ આકાશની વચ્ચે ફરરર કરતાં ફરતાં પંખીઓને સેલ્લારા લેતાં જોઈ મારામાંયે કોઈ એવું સંવેદન જન્મે છે કે હું યે એમાં ભળી જઈ, સરરર જેવું સરકવા લાગું છું. અનેકાનેક જાત-ભાતના જાત-ભાઈઓની જમાતમાં ભળી ગયેલો હું મને ભૂલી ગયો છું. એમની સાથે ઉપર ને ઉપર ઊડતું પાંખો ફફડાવતું નવા નજારાને માણી રહ્યો છું. કેટલી સ્વતંત્રતા ! કોઈ કશી રોકટોક નહીં, કોઈ કશી દિશા નહીં. ન કોઈ રસ્તો, ન કોઈ દિશાદર્શક ! દરેક પોતાનું દિશાદર્શક, દરેક પોતાનું માર્ગદર્શક. જેને જ્યાં મન ફાવે તેને ત્યાં ઊડવાની છૂટ ! ઊડવું – ન ઊડવું પણ સૌ સૌની મરજી ! હરો-ફરો-ચરો-રતિ કરો બધું જ બે-રોકટોક; છતાં ખેંચાખેંચી નહીં, લૂંટફાટ નહીં, મારું-તારું નહીં. આજે આમનું, કાલે તેમનું હોય ને પછી કોઈ બીજાનું ! વાહ રે કુદરત ! વાહ રે તારું વિશ્વ ! જેવું રસિક વિશ્વ એવી જ રસિક કુદરત – મોજીલી, મસ્તીલી, મલકતી, મહેંકતી, મનભાવન, મનગાવન !

હું તો ઊડતું જ રહું છું – અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં; ઉપરથી નીચે ને નીચેથી ઉપર. ઘડીક ડાળે તો ઘડીક પાળે; ઘડીક વૃંદ વચ્ચે તો ઘડીક એકલતાને આરે. કોઈને નીરખું તો કોઈને જોઈને નિખરું. કોઈ સાથે પાંખમાં પાંખ ભેરવી પ્રેમનો પથ પ્રજાળું તો કોઈ સાથે ચાંચમાં ચાંચ લઈ, ચુંબનની ચરમસીમા ઓળંગુ. મનને જ્યાં ફાવે, તનને ત્યાં ઉડાડું. ન ઊડવું પણ મારી મરજી ! હરું-ફરું-ચરું-રતિકરું – બધું જ બે-રોકટોક. મારું કશું જ નહીં, તોય મારું બધું જ માનું ! ઈચ્છા જો થાય સ્હેજ, પળવારમાં એ ત્યાગું. કોઈ નવું વૃક્ષ, કોઈ નવી ડાળી, કોઈ નવું ફળ; કોઈ નવો માળી ! મારે ક્યાં કોઈ માલિક, હું જ મારું બૉસ ! ઈચ્છું તો ઊડું, ગમે તો ગાઉં ! વાહ રે મારું વિશ્વ !

મને ગાતા આવડી ગયું છે, ઊડતાં-ઊડતાં ડૂબકી દઈ ના’તા આવડી ગયું છે. હું ભૂખ્યો નથી, હું તરસ્યો નથી. ક્યારેક આંબાડાળે, ક્યારેક સરવરપાળે રોજ મ્હાલું છું. ક્યારેક ગાઉં, ક્યારેક ગૂંજું – મારા રચેલાં ગીત મલકને મોહે છે, મારી ઊડવાની રીત સૃષ્ટિને સંમોહે છે. હું સીધી ગતિએ ઊડું તો ક્યારેક વક્રગતિની મોજ માણું. પાંખ પ્રસારી સ્થિર અવકાશે અટકવાનો આનંદ લૂંટું તો ક્યારેક પાંખને ઢીલી કરી; જમીન તરફ ફેંકાઉં, ને ખરે ક્ષણે પાંખો ફફડાવી આકાશે ઊડવાનો રોમાંચ અનુભવું. વિધ-વિધ પ્રકારની ઊડ પાંખવગી થઈ ગઈ છે. આકાશને પાંખોથી માપવાની કળા પણ પક્ષગત થઈ ગઈ છે. ચરવાની ચતુરાઈ તો ક્યારની ય કેળવી લીધી છે. બધાની વચ્ચે, બધાની સાથે ચણ ચણતાં દાણો અને પાણો જુદો કરતા આવડી ગયું છે. ફાવે તેટલું ને ફાવે ત્યાં ચણવાના મુક્ત સ્વાતંત્ર્યનો હું માલિક બની ગયો છું. બધું જ બે-રોકટોક, બધું જ મુક્ત. ન કશી ખેંચાખેંચી ન કશી લૂંટફાટ. આજે મારું એ કાલે આમનું ને પછીથી કાલે વળી….. ટહુકો અમારો મંત્ર છે. અહીં ટહુકે-ટહુકે વેદ વરસે છે. રાગે-રાગે ઋચાઓ સંભળાય છે. પંખીએ-પંખીએ પુરાણ પ્રગટે છે. સહુ પોતીકી મોજ માણે છે. દરેકને પોતાનું રાજ છે, દરેક પોતાના મનનો રાજા છે. મનેય રાજા થવાનું મન થઈ આવે છે. મારેય રાજ કરવું છે. હું મોજમાં ઊડવા લાગું છું. ઊડતાં ઊડતાં ‘રાજ’ના વિચારે ચડું છું ને એક પીંછું ખરે છે.

ચકો ચોખાનો દાણો લાવશે, ચકી મગનો દાણો લાવશે. પૂરી ખાવાનું મન થશે ત્યારે કોઈ કાગડાને કહીશ. કાગડો જ મારી ભૂખ ભાંગશે ને કાગડો જ મારી તરસ છીપાવશે. કુંજામાં કાંકરા નાખી કાગડો જ પાણી લાવશે. પોપટ પરદેશ જઈ પૈસા કમાશે. પાંખ ફેલાવી પૈસાના ઢગ ખડકશે. મત્સ્યાહારનું મન થશે તો બગભગતને કહીશ ને મોતીચારાની મરજી થશે તો રાજહંસોને દોડાવીશ. કબૂતર મારું સંદેશવાહક. ચકોર ચોકિયાત બનશે, ઘુવડ-ચીબરી રાતપહેરો ભરશે ને ગીધ સફાઈ કરશે. બાજ મારું અંગરક્ષક ને ગરુડ મારું વાહન ! મારા રાજદરબારમાં મોર નાચશે, કોયલ ગાશે ને બુલબુલ એનું સૌંદર્ય વેરશે.

અરે ! પણ મારા સૌંદર્યને આ શું થવા લાગ્યું ? પીંછા કાં ખરે ? મારી પાંખ પાંખી કેમ થતી જાય છે ? મારે હજુ ઊડવું છે, પણ મને થાક લાગે છે. હું સ્થિર થવા જાઉં છું ને મારી એક પાંખ ખરતી જોઉં છું. હું નીચે પટકાઈશ કે શું ? હું ટહુકવા જાઉં છું તો ટહુકાતું નથી ! હું ગળું ખંખેરું છું, શ્વાસ ફેફસામાં ભરું છું, તોય નહીં ટહુકાય કે શું ? મારા ગળાને થયું છે શું ? હું હવામાં ફંગોળાતો ધરતી પર ધકેલાઈ રહ્યો છું, એથી બમણા વેગે મારાં પીંછા ખરી રહ્યાં છે. હું નીચે આવું છું ને પીંછા હવામાં જ લહેરાતાં રહે છે ! મારામાંનું પંખી ઊડી ગયું છે. હું છોભીલો બનું છું, તોય એકાદવાર ટહુકવા મથું છું. બધાં પીંછા ખરી જાય એ પહેલાં એકવાર, બસ એકવાર મારે ટહુકી લેવું છે. ખરતાં પીંછા વચ્ચે મહાપ્રયત્ને ટહુકવા જતાં મારા મુખેથી માંડ થોડો અવાજ ઉદ્દભવે છે : ‘અવનિ !’

અવનિ મારી સામે જ મલકી રહી છે. એના હાથમાં હજુય પેલું પીંછું ફરફરી રહ્યું છે. એક પીંછું હજુય બચ્યું હોવાનો મને અહેસાસ થાય છે ને મારાથી ‘હાશ !’ બોલી જવાય છે. પ્રતિઘોષ રૂપે બારીએ આવેલું એક પંખી ટહુકે છે ને હું મલકી ઊઠું છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંબંધોમાં સ્નેહ – અવંતિકા ગુણવંત
અધ્યાત્મ એટલે શું ? – હરેશ ધોળકિયા Next »   

5 પ્રતિભાવો : પંખીલોક – ગુણવંત વ્યાસ

 1. Urvashi says:

  excellent assay!
  ”એની મુલાયમતા જ એના જીવિતપણાની સાક્ષી હતી.” Isn’t it true for many feelings in life?
  ટહુકો અમારો મંત્ર છે. સહુ પોતીકી મોજ માણે છે – so deeply meant..

  thanks for a different piece of art.

 2. ખુબ જ સુંદર.

  આપણા માં જ્યારે પીંછા જેવી ઋજુતા આવે ત્યારે આપણે પંખી ને રાજ કરવાની વૃતિ આવે ત્યારે એ પંખીના પીંછા ખરી જાય છે.

 3. Nitin says:

  સરસ લેખ, આભાર.

  નિતિન
  ગામ વડગામ

 4. nayan panchal says:

  ખૂબ જ સુંદર.

  હજી બે-ત્રણ વાર વાંચવુ પડશે.

  આભાર,
  નયન

 5. falguni patel says:

  એક નવીજ દુનિયા ની સહેલ કરી આ લેખ વાન્ચી ને. જ્યરે એ દુનિયા માન આપણી દુનિયા ડોકાવા લાગે ત્યરે જો આપણી પાન્ખો ન ખરે તો પન્ખીલોક ન પીન્છા ની સાથે સાથે એ પોતે પણ ખરી પડે.
  ખૂબજ સુન્દર રજૂઆત. આ લેખ વાન્ચી ને જૂની યાદો તાજી થયી ગયી..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.