વાંચન વૈવિધ્ય – સંકલિત

[1] લેખકનો ધર્મ – રવીન્દ્રનાથ ઠાકુર

મારા દેશ માટે શું કલ્યાણકર છે, એ વિશે મારા દેશજનો ને મારી વચ્ચે મતભેદ થવાનો પૂરો સંભવ છે. પણ લેખકે તો, પોતાના દેશનું કલ્યાણ શામાં રહેલું છે એનો જ વિચાર કરવો જોઈએ, નહિ કે હું શું કરું તો દેશ મને સારો કહેશે એનો. જો મારો દેશ મને વહાલો ન હોત, તો મારા વાચકોની પ્રીતિ સંપાદન કરવી એ મારે માટે ખૂબ સહેલું થઈ જાત. પણ લેખકનો સર્વોચ્ચ ધર્મ પોતાની વાર્તાને સર્વાંગસુંદર બનાવવા ઉપર જ લક્ષ રાખવાનો છે. તેણે વાચકોની વાહવાહની પરવા કરવાની નથી. જો મારી વાર્તા સાચે જ વાર્તા હશે, તો મારી માન્યતાઓ ગમેતેવી હશે તોયે એનો ફેલાવો થવાનો જ. (‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.)

[2] અંદરનો બાળક – રમણલાલ સોની

બાળમંદિરમાં મારી કહેલી વાર્તાઓને બાળકો પોતાની મેળે ભજવતાં, ત્યારે મેં જોયું કે વાર્તામાંના સંવાદો મેં જેવા કહેલા તેવા જ બાળકો પણ બોલતાં હતાં. એમાંથી મને પ્રતીતિ થઈ કે ભાષા-શિક્ષણ માટે વાર્તાનું માધ્યમ કેટલું જોરદાર છે. વાર્તા છીછરા મનોરંજનના સ્તરે ઊતરી જાય, તેમાં કેવું જોખમ છે એનો મને ખ્યાલ આવ્યો. વાર્તા દ્વારા કહેવા ધાર્યું હોય કાંઈક, ને બાળકો ગ્રહણ કરે કાંઈક બીજું જ, એવું પણ જોયું. આ બધાને પરિણામે એક વાત મનમાં નિશ્ચિત થઈ કે વાર્તામાં બાળકને ભાષાજ્ઞાન આપવા ઉપરાંત મૂલ્યોનું જ્ઞાન આપવાની પણ અદ્દભુત શક્તિ છે અને એ શક્તિની કોઈ કાળે ઉપેક્ષા કરવી બાળસાહિત્યના લેખકને પાલવે નહિ. આમ બાળ સાહિત્ય એ બાળકના સમસ્ત અંત:શરીરમાં પ્રવેશવાની વિદ્યા છે, પણ અઘરી વિદ્યા છે. કવિશ્રી ઉમાશંકર જોશી સાચું જ કહે છે કે, ‘એક મોટી નવલકથા જેટલી સહેલાઈથી લખી શકાય, એટલી સહેલાઈથી બાળકો માટે એક ઉત્તમ વાર્તા લખી શકાતી નથી.’

બાલવાર્તાની શોધમાં ફરતાં ફરતાં હું બીજા દેશોના લોકસાહિત્યમાં પ્રવેશ્યો. વિશ્વના વિદ્વાનો ભારતને વાર્તાનું પિયર માને છે. ભારતમાંથી ‘પંચતંત્ર’ની વાર્તાઓ જે રીતે સફર કરતી કરતી વિશ્વમાં વિસ્તરી છે, એ એક અદ્દભુત રોમાંચક કથા છે. દરિયો ખેડનારાઓ, કાફલાઓ લઈને હજારો ગાઉની ધરતીની ખેપ કરનારાઓ પોતાની સાથે કેવળ ધનમાલ જ નહીં, વાર્તા-સમૃદ્ધિ અને વાર્તાસંસ્કૃતિ યે લઈ જતા, તેનું આદાનપ્રદાન કરતા. મનથી સાગરખેડુ, રણખેડુ, પહાડખેડુ બનીને મેં દેશવિદેશની યાત્રાઓ કરી, અને એમાં જે મહામૂલાં રત્નો મને મળ્યાં, તે મેં મારી અક્કલ પ્રમાણે સમારી, સુધારી, પહેલ પાડીને, વાન અને વાઘા બદલવા પડે તો બદલીને, ગુજરાતી બાળકોની આગળ રજૂ કર્યાં. આ રીતે સાઠ-સિત્તેર જેટલા દેશોની વાર્તાઓ હું બાળકો માટે લખી શક્યો છું.

ઈસપની એક વાર્તા જાણીતી છે – કાગડાનાં ખોટેખોટાં વખાણ કરીને શિયાળ એના મોંમાંથી પૂરી પડાવી લે છે. આ વાર્તા મારે મોઢે સાંભળીને એક બાળકી બોલી ઊઠેલી કે, ‘જૂઠાબોલો જીતી ગયો !’ હું ચોંક્યો. મેં તરત વાર્તાની પુરવણી કરીને કહ્યું : ‘ડાઘિયો કૂતરો સૂતો સૂતો આ જોતો હતો. શિયાળ પૂરી લેવા દોડ્યો, કે ડાઘિયો એની પાછળ પડ્યો. શિયાળ પૂરી મેલીને ભાગ્યો. દરમિયાન એક ગાય ચરતી-ચરતી આવી, ને એ પૂરી ખાઈ ગઈ.’ (આ રીતે વાર્તા વિકસાવીને મેં એને ‘બદામની પૂરી’ નામે ફરીથી લખી છે.) આમ શિયાળની યુક્તિ ફળી નહિ, એ જોઈ બાળકો ખુશ થઈ તાળી પાડી ઊઠ્યાં. બાળ-મન પણ સાચાં મૂલ્યોને સમજતું થાય, એ બાળસાહિત્યકારે જોવાનું છે. બાળવાર્તા કે બાળકવિતા લખતાં લખતાં ઘણી વાર મેં એવું અનુભવ્યું છે કે જાણે એક એક શબ્દ માથું ઊંચકીને મારી ઊલટતપાસ કરે છે કે, ‘મને અહીં કેમ મૂક્યો છે ?’ વાર્તા કે કવિતાનો એક એક વિચાર સ્વતંત્ર અદા ધારણ કરીને પડકાર કરે છે કે, ‘અહીં મારો શ્વાસ રૂંધાય છે, મારે વિહરવું છે, મને વાર્તામાં રમતો રહેવા દો.’ પરિણામે, ઘણી વાર મેં એકની એક વાર્તા અનેક વાર લખી છે. ‘ગલબો શિયાળનાં પરાક્રમો’ની વાર્તા મેં પૂરી ત્રણ વાર લખી છે. અને હજી પણ એમાં કાંઈક ફેરફાર કરવાનું મારું મન છે. આમ ફરીફરીને લખીલખીને મેં મારી બાળવાર્તાનું સ્વરૂપ ઘડ્યું છે.

બાળજોડકણાંની એક અનોખી સૃષ્ટિ છે – બરાબર બાળકના જેવી જ મસ્તીખોર ! બાળકની પેઠે એમાં શબ્દો અને વિચારો કૂદાકૂદ કરે છે. શબ્દને તો તરવુંય ગમે અને ડૂબવુંય ગમે. કોઈ વાર એમાં અર્થ હોય તો ઘણી વાર ન પણ હોય. અર્થ ભલે હોય કે નહિ, બાળકને રાજી કરવાની એની શક્તિમાં ખામી ન હોવી જોઈએ. બાળકની પેઠે મારી દષ્ટિ કુદરત પ્રત્યે કુતૂહલની અને વિસ્મયની રહી છે. પશુપંખી, નદી-સરોવર, પર્વત, વૃક્ષ-વનસ્પતિની સૃષ્ટિ મને મનુષ્યસૃષ્ટિના કરતાં વધારે નિકટની અને આત્મીય લાગે છે. એટલે એ બધાં મારાં બાળકાવ્યોમાં આવે છે, અને એમને લઈને જ બાળકો સાથેની મારી ગોઠડી ચાલે છે.

તા.-12-12-1911ના રોજ વિલાયતના રાજા પાંચમા જયોર્જે દિલ્લીમાં દરબાર ભર્યો, તેની ખુશાલીમાં ગામેગામ મેળાવડા થયા હતા. મારા મોડાસા ગામના એવા એક મેળાવડામાં શાળાના બધા વિદ્યાર્થીઓ ભેગો હું પણ એકડિયાના બાળક તરીકે ગયો હતો. લોકોનો મેળો, ફટાફટ ફૂટતું દારૂખાનું અને આકાશમાં ચડતા ગબારા – આજે નવ્યાશી વર્ષની ઉંમરે પણ એ કુતૂહલ, એ વિસ્મય, એ આનંદ એવાં ને એવાં છે. મારી અંદરનો બાળક એનો એ છે. તે કહે છે –
ઓઢ્યો ભલે ને મેં બુઢાપાનો અંચળો,
પણ બાલ તે બાલ તે બાલ;
છૈયો છો દેવકીનો, કિંતુ
જસોદાનો લાલ તે લાલ તે લાલ !

આમ હું તો જે હતો તે જ છું. પણ એક વાતનો મનમાં પૂરો સંતોષ છે કે નાનપણથી મને જે કાર્ય મારા જીવનધર્મ જેવું લાગ્યું છે, તે હું પૂરી નિષ્ઠાથી કરતો રહ્યો છું. એમાં મેં અંચઈ કરી નથી. (‘અરધી સદીની વાચન યાત્રા’માંથી સાભાર.)

[3] અંતર્મન સાથે મૈત્રી – અજીત મોકાશી

(ક) કચકચ, કકળાટ આપોઆપ જાય, સુખ-શાંતિ આપોઆપ આવે, ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(ખ) જીવન એક સંઘર્ષ છે, તેને બદલે જીવન એક વિકાસ છે, એવું જ્યારે લાગવા માંડે ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(ગ) જીવનમાં સહજતા આવે, વર્તનમાં સરળતા આવે ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(ઘ) જીવન સુંદર લાગે, દુનિયા સારી લાગે ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(ચ) ખોટી દોડધામ બચવા લાગે, સમયની નવરાશ મળવા લાગે ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(છ) ગંભીર સ્વભાવ બદલાવા લાગે, હાસ્ય-ગમ્મત થવા લાગે ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(જ) પ્રશંસાથી ફુલાઓ નહીં, ટીકાથી ગભરાવ નહીં ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(ઝ) એકાંત, મૌન, શાંતિ ગમે, જીવનમાં નિરાંત રહે ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(ટ) સારા મિત્રો મળે, શુભેચ્છકો વધે ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(ઠ) સુખમાં છકી ના જવાય, દુ:ખમાં ડૂબી ના જવાય ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(ડ) નિરાંતે ખાવા લાગો, ગીત કોઈ ગાવા લાગો ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(ઢ) મનની મોકળાશ વધે, જીવનની હળવાશ વધે ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(ણ) બોલેલું ખરું પડવા લાગે, ઈચ્છેલું પ્રાપ્ત થવા લાગે ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(ત) અહંકાર, ઘમંડ ઘટે, પ્રેમ, નમ્રતા વધે ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(થ) ઈર્ષ્યા-વેર ઘટે, શુભેચ્છા-પ્રેમ વધે ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ.
(દ) ધ્યાનની ઊંડાઈ વધે, અતિન્દ્રિય અનુભવ આવે ત્યારે સમજવું કે અંતર્મન સાથે મૈત્રી થઈ. (શ્રી અજીત મોકાશી લિખિત ‘અંતર્મન સાથે મૈત્રી’ ભાગ-1માંથી તેમજ ‘સર્વાંગી, સ્વાશ્રયી સ્વાસ્થ્ય’ સામાયિકમાંથી સાભાર.)

[4] શાશ્વત સત્ય – અર્પિતા એસ. ત્રિપાઠી

સમગ્ર જીવનનું એક લક્ષ્ય છે અંતિમ સત્યનો અનુભવ. આપણા સમગ્ર જીવન દરમિયાન સતત આપણે સત્યને શોધતા ફરીએ છીએ. સત્ય શું છે ? ક્યાં છે ? કેવું છે ? તેની ઝંખના અહર્નિશ કરીએ છીએ. આપણા જીવનના ઉદ્દભવ સાથે જ એક સત્ય આપણી સાથે જોડાય છે, તે છે ‘મૃત્યુ’. આ જગતમાં ‘નામ તેનો નાશ’ રહેલો જ છે અને તે જ સત્ય છે. જન્મ, જરા, મૃત્યુ. જીવનની આ ત્રણ અવસ્થા છે. માનવીના જીવનની યાત્રાના આ ત્રણ પડાવ છે. તેમાંથી પ્રત્યેક માનવીએ સામાન્યત: પસાર થવું પડે છે. દરેક પ્રાણીનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં માનવી આ સત્ય સ્વીકારતો નથી. મૃત્યુ વિશેની જાગૃતતા કે વૈચારિકતા એ નિરાશા નથી પરંતુ જીવન તરફની સદૈવ જીવંતતા છે. બાળક જન્મીને જીવન તરફ પહેલી યાત્રા શરૂ કરે ત્યારે જ સામા છેડેથી મૃત્યુ તેને મળવા માટે પ્રથમ ચરણ ઉઠાવે છે. આરંભથી અંત વચ્ચેના સમગ્ર જીવનમાં મનુષ્યમાત્રએ પોતાને ઓળખવાનો છે. સ્વત્વને જાણવાનો એ વચગાળાનો સમય છે.

આપણી એક પળ જ્યારે ભૂતકાળ બને ત્યારે તેનું અંતર મૃત્યુથી ઘટે છે. તે બતાવે છે કે હજુ પણ તક છે સ્વ માટે જીવી લેવાની. બાહ્ય સમાજમાં સદા મૃત્યુથી ડરતો નથી તેવો દંભ કરતો માનવી જ વાસ્તવમાં ભીતરથી એક છૂપો ડર અનુભવે છે. સામસામે છેડે રહેલાં જીવનમૃત્યુનાં તે બિંદુઓ ક્યારે એકબીજામાં ભળી અને ક્ષિતિજને વાસ્તવિક બનાવી દે તે મનુષ્ય જાણતો નથી, તેથી જ જો તે પ્રત્યેક પળમાં જીવતો જશે તો જ પોતાને, સ્વત્વને તેના કૌવત અને દૈવતને જાણી, સમજી અને ઓળખી શકશે.

જીવનધર્મના અંતિમ લક્ષ્યને મેળવવા માટે તો મનુષ્યે આત્મમંથન કરવું આવશ્યક છે. આત્માના ક્ષણિક અવાજને પણ સ્થૂળ કર્ણથી સાંભળી શકાશે ત્યારે જ બે અંત્યબિંદુઓ વચ્ચે સફર કરતો મનુષ્ય સત્યનો પદધ્વનિ સ્પષ્ટ સાંભળી શકશે. મૃત્યુને આનંદથી આવકારવું, તેના મોહપાશમાં બંધાવું તે જ અંતિમ સત્ય છે, પરંતુ તે ત્યારે જ કે જ્યારે આપણે સાંસારિક કર્મોની સંગાથે આપણા સ્વત્વને ઓળખી શકીએ.
मृत्यो: बिभेति किं मूढ ? भीतं मुंचति किं यम:? ।
अजात न एव गृह्लाति, कुरु यत्नम अजन्मति ।।

અર્થાત હે મૂઢ ! મૃત્યુથી શું બીવે છે, ભય પામે છે, શું યમ તને છોડી દેશે ? જન્મ જ ન હોય તો યમ કોને લઈ જાય ? માટે જન્મ જ ન લેવો પડે તેવો યત્ન કર. (‘અખંડ આનંદ’ માંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અધ્યાત્મ એટલે શું ? – હરેશ ધોળકિયા
એ ફૂલ ના તોડશો, પ્લીઝ – નીના સંઘવી Next »   

5 પ્રતિભાવો : વાંચન વૈવિધ્ય – સંકલિત

 1. trupti says:

  Very interesting article.

 2. Neha says:

  wonderful article!!! Thanks.

 3. nayan panchal says:

  સરસ લેખો. અંતર્મન સાથે મૈત્રી, સોનીદાદાના વિચારો અને અંતિમ સત્ય ખૂબ સરસ.

  આભાર,
  નયન

  બાળક જન્મીને જીવન તરફ પહેલી યાત્રા શરૂ કરે ત્યારે જ સામા છેડેથી મૃત્યુ તેને મળવા માટે પ્રથમ ચરણ ઉઠાવે છે.
  મૃત્યુના ડરને દૂર કેમ કરવો તે માટે “મોતનો પડકાર,મોતને પડકાર – આચાર્ય વિજય રત્નસુંદર સૂરિશ્રી” વાંચવા વિનંતી.

 4. Veena Dave, USA says:

  સરસ.

 5. Nitin says:

  Very Nice…..Wonderful information abt true life….Like to read and understand..Helpful….awarness abt whats the meaning of life?..Great…will like to try our best to live such a way….

  Thanks

  Nitin

  From Village Vadgam

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.