આપણે સૌ એક પિતાનાં સંતાન – મોહનદાસ ગાંધી

[નવજીવન પ્રકાશન મંદિર દ્વારા પ્રકાશિત થયેલ ગાંધીસાહિત્ય પૈકીના વધુ એક પ્રચલિત પુસ્તક ‘આપણે સૌ એક પિતાનાં સંતાન’માંથી સૌપ્રથમ માણીએ પ્રકાશકનું નિવેદન અને ત્યારબાદ ગાંધીજીની કલમે એમના જીવનવિચારો સમજાવતું એક પ્રકરણ.]

[ પ્રકાશકનું નિવેદન : ગાંધીજીની કામ કરવાની રીત એવી હતી કે પોતાને જે સાચું ને કરવા જેવું લાગે તે જાતે કરવા માંડવું. પછી પોતાનું કાર્ય બીજાઓને સમજાવવાને માટે પત્રવ્યવહાર, જરૂર પડે તો ભાષણ અને ચર્ચા કરવી. તેમના કાર્યનો ફેલાવો જેમ જેમ થતો ગયો તેમ તેમ તેમણે એ કામને માટે અઠવાડિકો ચલાવ્યાં. દક્ષિણ આફ્રિકામાં એ માટે તેમણે ‘ઈન્ડિયન ઓપીનિયન’ અઠવાડિક શરૂ કરેલું. અહીં હિંદમાં આવ્યા બાદ એ જ કામને માટે પહેલાં અંગ્રેજીમાં ‘યંગ ઈન્ડિયા’ અને ગુજરાતીમાં ‘નવજીવન’ એ બે અઠવાડિકો ચલાવ્યાં. પાછળથી એ જ કામ તેમણે ‘હરિજન’ સાપ્તાહિકો મારફતે ચાલુ રાખ્યું. કોક સ્થળે તેમણે આ અઠવાડિકોને પોતાના પ્રજાજોગ સાપ્તાહિક પત્રો કહીને ઓળખાવ્યાં છે. આમ પત્રવહેવાર, પ્રસંગોપાત્ત ભાષણો, જરૂર પડ્યે જાહેર નિવેદનો અને આ અઠવાડિકો મારફતે તેમનું પાર વગરનું સાહિત્ય નિર્માણ થયું છે.

ગાંધીજીને, તેમના કાર્યને, ખાસ કરીને તેમના અહિંસાના સંદેશને અને તે માટે તેમણે યોજેલી કાર્યપદ્ધતિને જે સમજવા માગે તેણે એ બધા સાહિત્યનો શ્રદ્ધાથી અભ્યાસ કરવો જરૂરી છે. એ બધું સાહિત્ય એટલું વિશાળ છે કે તેમાંથી રુચિ તેમ જ શ્રદ્ધા મુજબ ઘણા લોકોએ પસંદગી કરી નાનામોટા સંગ્રહો બહાર પાડ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની એક સમિતિ જે ટૂંકમાં ‘યુનેસ્કો’ને નામે ઓળખાય છે તેને દુનિયાની આજની વિષમ સ્થિતિમાં ગાંધીજીના કાર્યનું અને સંદેશાનું મહત્વ એટલું બધું લાગ્યું કે તેનો પરિચય કરાવવાના આશયથી તેણે પણ ગાંધીજીનાં વચનોમાંથી પસંદગી કરીને એક સંગ્રહ ‘ઑલ મેન આર બ્રધર્સ’ એ નામે બહાર પાડ્યો છે. એ સંગ્રહની રચના એવી થઈ છે કે ગાંધીજીના વિશાળ સાહિત્ય સુધી જે ન પહોંચી શકે તે પણ તેની મારફતે તેમના કાર્યનો, તેમની વિભૂતિનો, તેમની કાર્યપદ્ધતિનો અને તેમના વિચારોનો પરિચય કરી શકે.

અંગ્રેજી અને ગુજરાતી તેમ જ હિંદની બીજી ભાષાઓમાં આ સંગ્રહ બહાર પાડવાની યુનેસ્કોએ નવજીવન સંસ્થાને પરવાનગી આપી છે. તે મુજબ આ ગુજરાતી સંગ્રહ ‘આપણે સૌ એક પિતાનાં સંતાન’ એ નામે પ્રગટ કરવામાં આવ્યો છે. ગુજરાતી જાણનારા સૌ કોઈ જિજ્ઞાસુને એ ઉપયોગી થયા વગર રહેશે નહીં. – તા. 14-11-1962.]

[1] હું ભવિષ્યમાં ડોકિયું કરવા નથી ઈચ્છતો. મને વર્તમાનની સંભાળ રાખવાની ચિંતા છે. ઈશ્વરે બીજી પળ પર મને કાબૂ નથી આપ્યો.

[2] હું મને મંદબુદ્ધિ માનું છું. ઘણી વસ્તુ મને બીજાઓના કરતાં સમજતાં વાર લાગે છે. પણ એની મને ચિંતા નથી. બુદ્ધિના વિકાસને સીમા છે. હૃદયના વિકાસને અંત નથી.

[3] આપણું ધ્યેય હંમેશ આપણાથી દૂર ને દૂર ખસતું જાય છે. જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ તેમ તેમ આપણી ત્રુટિઓનું આપણને વિશેષ ભાન થતું જાય છે. પુરુષાર્થમાં જ આનંદ છે, પ્રાપ્તિમાં નથી. પૂર્ણ પુરુષાર્થ એ પૂરો વિજય છે.

[4] જ્યાં જ્યાં લોક મુશ્કેલીમાં આવી પડે ત્યાં ત્યાં તેમને છોડાવવા દોડી જનાર ક્ષાત્ર પરિવ્રાજક થવાનો ધંધો કરવો એવું મેં મારું જીવનકાર્ય માન્યું નથી. પણ લોકો શી રીતે પોતાની મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે તે દેખાડવું એ મારો નમ્ર વ્યવસાય છે.

[5] હું પોતે ચાર દીકરાનો બાપ છું અને મારી બુદ્ધિશક્તિ પ્રમાણે મેં તેમને સારી રીતે કેળવ્યા છે. મારાં માતાપિતાનો હું બહુ આજ્ઞાંકિત પુત્ર હતો અને મારા અધ્યાપકોનો આજ્ઞાંકિત વિદ્યાર્થી હતો. પિતા પ્રત્યેના ધર્મની કિંમત હું સમજું છું પરંતુ પ્રભુ પ્રત્યેના ધર્મને હું સર્વ કરતાં શ્રેષ્ઠ ગણું છું.

[6] ગગનવિહારી હોવાનો હું ઈન્કાર કરું છું. હું સંતપણાનો દાવો સ્વીકારતો નથી. હું સામાન્ય માટીનો બનેલો સામાન્ય માનવી છું. તમારી જેમ જ હુંયે નબળાઈઓ તરફ ઢળું છું. પરંતુ મેં દુનિયા જોઈ છે. મારી આંખો ખુલ્લી રાખીને હું દુનિયામાં જીવ્યો છું. મારે માણસના નસીબમાં લખેલી બધી જ અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થવું પડ્યું છે. એ સાધનામાંથી હું પસાર થયો છું.

[7] મને સર્વ કાળે એકરૂપ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ હું શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે.

[8] જ્યારે હું કોઈ બાબત વિષે લખું છું ત્યારે અગાઉ એ વિષે હું શું લખી ગયો છું એનો વિચાર નથી કરતો. કોઈ પ્રશ્નને છણતી વેળાએ એ વિષે અગાઉ હું લખીબોલી ગયો હોઉં તે જોડે બંધબેસતા થવાની મારી નેમ નથી હોતી પણ તે તે વખતે જે કંઈ સ્વરૂપમાં સત્યનું દર્શન મને થાય તેને અનુરૂપ બનવાનું મારું લક્ષ્ય હોય છે. પરિણામે એક સત્યથી બીજા સત્યનું મને દર્શન થયે ગયું છે, મારી સ્મરણશક્તિ નાહકની તાણથી બચી છે અને વિશેષ એ કે જ્યારે જ્યારે મારાં પચાસ વરસ પૂર્વેનાં લખાણોને પણ મારાં તાજામાં તાજાં લખાણો જોડે સરખાવવાનો વખત આવ્યો છે ત્યારે બેમાં મને કશો વિરોધાભાસ જણાયો નથી.

[9] આપણે ધનદોલત કરતાં વધારે સત્ય દાખવીશું, સત્તા અને સંપત્તિના ભપકા અને દમામ કરતાં વધારે નિર્ભયતા દાખવીશું, પોતાની જાતના પ્રેમ કરતાં વધારે ઉદારતા દાખવીશું ત્યારે જ આપણે સાચા અર્થમાં આધ્યાત્મિક રાષ્ટ્ર બનીશું. આપણે આપણાં ઘરો, આપણી મહેલાતો તથા આપણાં મંદિરોને ધનદોલતના મેલથી અને ઠાઠમાઠથી મુક્ત કરીને તેમને નીતિમત્તાથી વિભૂષિત કરીશું તો વિરોધી દળોના ગમે તેવા જોડાણની સામે પણ આપણે મોટા લશ્કરનો બોજો વહન કર્યા વિના ટક્કર લઈ શકીશું.

[10] કોણ જાણે કેમ પણ માણસજાતમાં પડેલી ઊંચામાં ઊંચી વસ્તુ બહાર ખેંચવાની પ્રભુ મને શક્તિ આપે છે. તેથી જ તો ઈશ્વર પ્રત્યેની તેમ જ મનુષ્યસ્વભાવ વિષેની મારી શ્રદ્ધા ટકી રહે છે.

[11] ઘણી વખત મારો વિશ્વાસઘાત થયો છે એ ખરું. અનેકે મને દગો દીધો છે અને અનેક ધારેલા તેવા ઊતર્યા નથી, છતાં તેઓની સાથેના મારા સંસર્ગ માટે મને પસ્તાવો નથી થતો. કેમ કે જેમ મેં સહકાર કરી જાણ્યો છે તેમ જ અસહકાર પણ. જ્યાં સુધી વિરુદ્ધમાં પાકા પુરાવા ન હોય ત્યાં સુધી માણસ પોતાને વિષે આપણને કહે તે માનીને ચાલવું એ આ દુનિયામાં વધુમાં વધુ વ્યવહારુ અને આબરૂભરેલો માર્ગ છે.

[12] આપણે પ્રગતિ કરવી હોય તો આપણે ઈતિહાસની પુનરુક્તિ ન કરતાં ઈતિહાસ નવો રચવો જોઈએ. આપણા વડવાઓએ મૂકેલો વારસો આપણે વધારવો જોઈએ. ભૌતિક જગતમાં આપણે નવી નવી શોધો કરી શકીએ તો આધ્યાત્મિક જગતમાં આપણે દેવાળું શાને જાહેર કરીએ ? અપવાદો વધારી વધારીને નિયમ ન બનાવી શકાય શું ? શું હંમેશાં માણસે માણસ બનવા માટે પહેલું પશુની દશામાંથી પસાર થવું જ જોઈએ ?

[13] ગમે તેવું નજીવું કામ તમારે કરવાનું હોય પણ તે જેટલી કાળજીથી તમે જેને બહુ જ મોટું કામ ગણો તે કરો એટલી જ કાળજીથી કરો, નાનામાં નાના કામમાં તમારો આત્મા રેડો. योग: कर्मसु कौशलम નો એ જ અર્થ છે. નાનામાં નાના કાર્યમાં દેખાતા આ કૌશલથી તમારી કિંમત અંકાશે.

[14] જે કંઈ ‘પ્રાચીન’ને નામે ખપે છે તે બધાનો હું આંધળો ભક્ત નથી. જે કંઈ અનિષ્ટ હોય, નીતિભ્રષ્ટ હોય, એ બધું ચાહે એટલું પ્રાચીન હોય તોયે તેનો નાશ કરતાં હું અચકાતો નથી. પણ સાથે સાથે મારે કબૂલ કરવું રહ્યું કે, પ્રાચીન પ્રણાલીનો હું પૂજક છું અને લોકો હરેક આધુનિક વસ્તુની પાછળ પોતાની દોડમાં પોતાની સઘળી પ્રાચીન પરંપરાઓને ધુતકારી કાઢે અને પોતાના જીવનમાં તેમની ઉપેક્ષા કરે, એ જોઈને મને દુ:ખ થાય છે.

[15] ખરી નીતિનો એ નિયમ છે કે, આપણે જાણતા હોઈએ એ માર્ગ લેવો બસ નથી, પણ જે માર્ગ ખરો છે એમ આપણે જાણતા હોઈએ, તે માર્ગથી આપણે વાકેફ હોઈએ કે નહીં તો પણ, આપણે તે લેવો જોઈએ.

[16] નીતિવાળું કામ આપણી પોતાની ઈચ્છાએ થયેલું હોવું જોઈએ. જ્યાં સુધી આપણે યંત્ર માફક કામ કરીએ, ત્યાં સુધી આપણું કામ નીતિવાળું ન કહેવાય. નીતિવાળું દરેક કાર્ય શુભ ઈરાદાથી થવું જોઈએ એટલું જ બસ નથી, તે દબાણ વગર થવું જોઈએ. એટલે કે નીતિથી થયેલું કામ દબાણ વગરનું અને ભય વગરનું હોવું જોઈએ.

[17] ભલાઈ સાથે જ્ઞાનનો સુયોગ સાધવો જોઈએ. કેવળ ભલાઈ ઝાઝી ઉપયોગી નથી. માણસ પાસે સુક્ષ્મ વિવેકશક્તિ હોવી જોઈએ. એ સારાસારવિવેક આધ્યાત્મિક હિંમત અને ચારિત્ર્યનો સહોદર છે. કટોકટીને પ્રસંગે, ક્યારે બોલવું અને ક્યારે મૌન સેવવું, ક્યારે પ્રવૃત્ત થવું અને ક્યારે ન થવું એ માણસે જાણવું જોઈએ. એવા સંજોગોમાં કર્મ અને અકર્મ પરસ્પર વિરોધી ન રહેતાં એકરૂપ બની જાય છે.

[18] એક માણસ બીજા માણસનો ધર્મપલટો કરે એમાં હું માનતો નથી. મારો પ્રયાસ, પોતાના ધર્મને વિષેની બીજાની શ્રદ્ધા ડગાવવાનો નહીં પણ તે પોતાના જ ધર્મનો વધારે સારો અનુયાયી બને એવો હોવો જોઈએ. આના મૂળમાં બધા જ ધર્મોને વિષે આદર અને તેમનામાં રહેલા સત્યને વિષે શ્રદ્ધા રહેલાં છે. વળી એના મૂળમાં નમ્રતા તથા દેહના અપૂર્ણ સાધન દ્વારા બધા જ ધર્મોને દૈવી પ્રકાશ લાધ્યો છે અને એ સાધનની પૂર્ણતાને કારણે વત્તે ઓછે અંશે બધા જ ધર્મો અપૂર્ણ છે, એ હકીકતનો સ્વીકાર પણ રહેલો છે.

[19] મૃત્યુ એ કોઈ ભયંકર ઘટના નથી એવો ખ્યાલ હું ઘણાં વર્ષોથી સેવતો આવ્યો હોવાને કારણે કોઈના પણ મૃત્યુનો આઘાત મારા ઉપર લાંબા સમય સુધી અસર કરી શકતો નથી.

[20] ‘કળાને ખાતર કળા’ સાધવાનો દાવો કરનાર પણ ખરું જોતાં તેમ નથી કરી શકતા. કળાને જીવનમાં સ્થાન છે. કળા કોને કહેવી એ નોખો સવાલ છે. પણ આપણે બધાએ જે માર્ગ કાપવાનો છે તેમાં કળા વગેરે સાધન માત્ર છે. એ જ જ્યારે સાધ્ય થાય ત્યારે બંધનરૂપ થઈ મનુષ્યને ઉતારે છે.

[21] જે કળા આત્માને આત્મદર્શન કરતાં ન શીખવે તે કળા જ નહીં. અને મને તો આત્મદર્શનને માટે કહેવાતી કળાની વસ્તુઓ વિના ચાલી શકે છે. અને તેથી જ મારી આસપાસ તમે બહુ કળાની કૃતિઓ ન જુઓ તોપણ મારા જીવનમાં કળા ભરેલી છે એવો મારો દાવો છે. મારા ઓરડાને ધોળીફક દીવાલો હોય, અને માથા ઉપર છાપરુંયે ન હોય તો કળાનો હું ભારે ઉપભોગ કરી શકું એમ છું. ઉપર આકાશમાં નક્ષત્રો અને ગ્રહોની અલૌકિક લીલા જે જોવાની મળે છે તે મને કયો ચિતારો કે કવિ આપવાનો હતો ? છતાં તેથી ‘કળા’ નામની સમજાતી બધી વસ્તુનો હું ત્યાગ કરનારો છું એમ ન સમજશો. માત્ર આત્મદર્શનમાં જેની સહાય મળે તેવી જ કળાનો મારે માટે અર્થ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું મારી જ શોધમાં – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
કોઈ – હરિશ્ચંદ્ર જોશી Next »   

9 પ્રતિભાવો : આપણે સૌ એક પિતાનાં સંતાન – મોહનદાસ ગાંધી

 1. Trupti Trivedi says:

  Thought Provoking

 2. DEVSWARUP says:

  ગાંધીજી ના જીવનવિચારો, ek manushya jivan nu darpan che ke tame keva cho. koi ne puchavu nahi pade. bahdhuj tamne khabar padi jase, mane khub sunder lage che, ગાંધીજી ના જીવનવિચારો ek aam aadmi mate khub upyogi che

 3. Prutha says:

  મોહનદાસ કરમચન્દ ગાંધી એટલે આપણા સૌના “બાપુ” પાસેથી બધાએ ઘણુ ઘણુ શીખવા જેવુ છૅ…
  ખૂબ જ સુંદર…

 4. Vaishali Maheshwari says:

  All Gandhiji’s thoughts teach a lot in life.

  Thank you for sharing these wonderful thoughts with us Mrugeshbhai…

 5. Mohit Parikh says:

  For me, M K Gandhi is one of the best thinkers of all times. One of the pioneers of value based management and administration. Techniques and ideas were so simple, but so effective. Great reading for sunday morning

 6. Ashok says:

  આવા પ્રકારનું વધારે લખાણ આવે એ ઈચ્છવા યોગ્ય . ટુંકા ફકરા કે વાક્યો જીવન ઘડે તેવા છે. તેનું મનન ઘણું ઊપયોગી થઈ શકે. ધન્યવાદ.

 7. Chintan says:

  I read this book during my college time when i was appearing for entrance exam at Guj Vidyapith. Really very true to itself and many good life lessons we can feel in very simple way thru bapu’s own language.

  Thanks for posting this article. Very Nice.

 8. ભાવના શુક્લ says:

  ગાંધીજીને દરવખતે વાચીને થાય કે કઈ શક્તિ અને પ્રકાશ તેમને મળેલા હતા કે જ્યા આફ્રીકા અને ભારતના ભેદ ઓગાળીને ઉત્તમ સંતોશપુર્ણ વિકાસ કેળવી શક્યા.. સત્યના કેટલા વિવિધ રુપોને એક કરી ઓગાળ્યા હશે તેમણે..

 9. Ashish Dave says:

  This shows why he is a truly outstanding figures of 20th century…

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.