પિતા-પુત્ર – મોહમ્મદ માંકડ

[ વાચકમિત્રોને વિશેષ જણાવવાનું કે પ્રતિવર્ષ ગુજરાત સરકારના માહિતી ખાતા તરફથી ‘ગુજરાત’ સામાયિકનો સુંદર દીપોત્સવી અંક પ્રકાશિત કરવામાં આવે છે. બે ભાગમાં પ્રકાશિત થતા આ અંકમાં વિપુલ સાહિત્ય માણવા મળે છે. આ સંપાદન સાહિત્યરસિક મિત્રોએ ખરેખર વસાવવાલાયક છે. આ વિશેષાંક જાણીતી કોઈ પણ ન્યુઝપેપર એજન્સીના સ્ટૉલ પરથી મળી શકે છે. (વધુ માહિતી માટે : www.gujaratinformation.net ) વર્ષ-2009ના આ દીપોત્સવી વિશેષાંકમાંથી માણીએ મોહમ્મદ માંકડ સાહેબની એક સુંદર નવલિકા સાભાર.]

મારા પિતા એ વખતે ગામડામાં દરબારી કામ કરતા હતા. હું હાઈસ્કૂલમાં ભણતો એ વખતની આ વાત છે. મારા પિતાનો આમ તો કશો સામાજિક હોદ્દો નહોતો, કારણ કે એમને દરબારી હવાલદારથી સહેજ જ ઊંચું કામ કરવાનું હતું અને દરબાર ઉપરાંત દરબારના કારભારીની આજ્ઞા પણ ઉઠાવવી પડતી. ખળા ભરવાનું, ખેડૂતોના લેણા વસુલ લેવાનું આંટી ઘૂંટીવાળુ અને આંકડાની ભૂલભૂલામણી જેવું દરબારી નામું લખવાનું, દરબારના નાના છોકરાથી માંડીને બૈરાઓ સુધીના સૌના મોઢે રહેવાનું, એમ અનેકવિધ કામ એમને કરવાં પડતાં. આ બધા પાછળ જો કે એમની ઈચ્છા મોડે મોડે પણ દરબારના કારભારી થવાની હતી. પરંતુ એ પદ ઉપર પહોંચતા પહેલાં એમને અનેક વાડ ઠેકવાની હતી. અને સાથો સાથ ઘરના ખર્ચને પહોંચી વળવા જેટલું રળવાનું હતું. આ પેટપૂરી રળવા માટે એમને ટાઢ તડકો જોયા વિના ગામડાઓમાં અથડાવાનું હતું.

અમારા ગામમાં હાઈસ્કૂલ નહોતી એટલે બાજુના શહેરમાં હું એક ઓરડી ભાડે રાખી ભણતો હતો. એ વખતે મારી ઉંમર સોળ-સત્તર વર્ષની હતી. આ ઉંમરનો છોકરો અનેક વિચિત્રતાઓનું મિશ્રણ હોય છે. ક્યારેક પીઢ, ક્યારેક ઉછાંછળો, ક્યારેક ચુસ્ત ધર્માત્મા તો ક્યારેક ભયંકર નાસ્તિક, રંગીલો તો ક્યારેક ત્યાગી, મિત્તભાષી તો ક્યારેક વળી બોલકણો. ટૂંકમાં એ વખતે એનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. એની સ્થિતિ માટીના પીંડા જેવી અને એથીયે વધુ સારી રીતે કહીએ તો પ્રવાહી જેવી હોય છે. જે વાસણમાં એને રેડવામાં આવે એવો આકાર તરત એ ધારણ કરી લે છે. મારી પણ આવી જ હાલત હતી.

હું થોડા દિવસ ઘેર આવ્યો હતો. વાત એમ હતી કે, મેં વધુ પડતા પૈસા વાપરી નાખ્યા હતા, એટલે પત્ર લખીને પૈસા મંગાવવા કરતાં હું જાતે જ જાઉં તો એ કામ સહેલાઈથી પતે એમ હતું. અને એમ જ બન્યું. હું થોડા દિવસ ઘેર રહ્યો અને એક મહિનાના ખર્ચના અને થોડાં પુસ્તકો ખરીદવાના પૈસા લઈને શહેર પાછો ફર્યો. પાછો ફર્યો ત્યારે પિતાજીએ એટલું જ કહ્યું : ‘પરીક્ષા નજીક આવે છે એટલે વાંચવામાં ધ્યાન રાખજે અને આ ચિઠ્ઠી મોતીભાઈને આપજે.’ (મોતીભાઈ એમના મિત્ર હતા અને શહેરની કોર્ટમાં કલાર્ક હતા.) મારા પિતાની ચિંતા સકારણ હતી. પરીક્ષા નજીક આવતી હતી, પરંતુ મારું ધ્યાન ભણવામાં નહોતું. આજે એ વાત યાદ કરતાં મને શરમ આવે છે, પણ એ વખતે સવારમાં હોટેલમાં ચા-ગાંઠીયા, રીસેસમાં પુરી, સાંજે સિનેમા, રાત્રે નાસ્તા અને મિત્રોની મહેફિલ એ રીતે જ મારા દિવસો વીતતાં હતા. મારી ઓરડી, સર્વ રીતે સ્વતંત્ર હોવાથી, મિત્રોના અડ્ડાનું એક માત્ર સ્થળ હતું. એને કદી તાળું રહેતું નહિ અને કોઈને કોઈ મિત્ર મેલા ગોદડાં ખૂંદતા ત્યાં આળોટતો જ રહેતો. હું શહેર આવવા પાછો ફર્યો ત્યારે આ બધું બંધ કરી વાંચવામાં જીવ પરોવવાનો નિશ્ચય મેં માર્ગમાં જ કરી લીધો હતો.

પરંતુ ઓરડીએ પહોંચ્યો ત્યારે મિત્રોની મહેફિલ જામેલી જ હતી. હમણાં થોડા દિવસથી એ લોકો પાનાની એક નવી રમત શીખ્યા હતા. અને રમતમાં પૈસા માંડી એમણે જુગાર રમવાનું શરૂ કર્યું હતું. એ રમતમાં નિષ્ણાંત એવા થોડા અજાણ્યા સાથીદારો પણ મહેફિલમાં ઉમેરાયા હતા. પહેલાં તો મને એ બધાને હાથ જોડી બહાર મોકલી દેવાનું મન થયું. પણ રમત એવી જામી હતી, એવી તો જામી હતી. થોડી વારે મને પણ રસ પડવા માંડ્યો, ને હું પણ બેસી પડ્યો. રમતમાં કોઈ હારે કે જીતે ત્યારે એક સાથે સૌ ચિચિયારી પાડી ઉઠતા ને રમત ઓર જામી પડતી. રમતની એ રંગતમાં સવાર થઈ, હું મારા બધા રૂપિયા હારી ગયો. એટલું જ નહિ, થોડા ઉછીના લીધા એ પણ હારી ગયો.

એટલા રૂપિયા હાર્યા પછી મારી આંખ ખૂલી. આખી રાતનો ઉજાગરો હતો, આંખો બળતી હતી, પરંતુ મનને ક્યાંય ચેન નહોતું. બધા ગયા એટલે ગોદડું ઓઢી ઓરડીમાં પડ્યો રહ્યો, શું કરવું એ સૂઝતું નહોતું, કેટલા રૂપિયા હું હારી ગયો હતો ? મારા કુટુંબની હાલત કેવી હતી ? મારા પિતા કઈ રીતે પૂરું કરતા હતા ? ગામડામાં એમની સ્થિતિ કેવી હતી ? ઓહ…. ભયંકર નિરાશા અને મૂંઝવણ મારા દિલને કોરવા લાગ્યાં. ઋતુ ઠંડી હતી છતાં મારું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. માથું ચકરાવા લાગ્યું ને વિચારોના એક સામટા બોજાને કારણે જાણે હમણાં મગજ ચીરાઈ જશે એમ મને લાગ્યું. ગોદડું ફેંકીને હું ઓરડી બહાર ભાગ્યો. અને જે મિત્ર ઉપર પહેલી નજર પડી એની પાસેથી પૈસા લઈ ઘેર જવાના રવાના થયો. ઘેર જઈ ભૂલ કબૂલ કરી ફરી પૈસા લાવ્યા સિવાય જીવવું મુશ્કેલ હતું. મારા પિતાના મિજાજની મને ખબર હતી, એમના કડક સ્વભાવને કારણે મારા ઉપર કેટલું વીતશે એનું પણ મને ભાન હતું. મારી બેનમૂન મૂર્ખાઈ અને બેદરકારીને કારણે મારે એ બધું સહેવાનું હતું. અને એ વિના બીજો રસ્તો નહોતો. માર્ગમાં મને નાસી જવાના અને આપઘાત કરવાના વિચારો આવ્યા, પરંતુ મારાથી એ ન થઈ શક્યું. ડરતો, કંપતો હું ઘેર પહોંચ્યો.

નસીબ જોગે પિતાશ્રી એ વખતે ઘેર નહોતા. બાજુના ગામડાંમાં એ દરબારી કામે ગયા હતા. મારી બાએ મારો ફિક્કો ચહેરો જોયો તો બિચારી ગભરાઈ ગઈ. એને થયું કે, છોકરો નક્કી બીમાર પડી ગયો ! મેં એને કહ્યું કે મારી તબિયત સાવ સારી હતી, ત્યારે જ એનો જીવ હેઠો બેઠો. રાતના સગડી પાસે બેસીને તાપતાં મેં મારી રામકહાણી એને કરી. એની આંખમાં એ વખતે જે વ્યથા મેં જોઈ એને હું કદી ભૂલી નહી શકું. એણે મને કહ્યું, ‘અરે રે, આ વાત હું એમને ક્યા મોઢે કહીશ ? એમની તબિયત કેટલી ખરાબ રહે છે ! ને હાય, તોય બિચારા રાત દિ’…. આવું નહોતું કરવું, બેટા, આવું નહોતું કરવું’….. મને બાથમાં લઈ એ રોઈ પડી. એની દુ:ખભરી આંખો મને કહેતી હતી, ‘તારા બાપની કમાણી સામે તો જો. હવે એ તને ક્યાંથી પૈસા આપશે ? શું કરશો ?’ રાતના મોડે સુધી મને ઊંઘ ન આવી. સવારના હું મોડો ઊઠ્યો. પિતાજી ઘરે આવી ગયા હતા. રાતના ગાડાની મુસાફરી કરી એ ઘેર પહોંચ્યા હતા, એથી ઘણા થાકેલા હતા. ઉધરસ ખાતાં સગડી પાસે બેસી તાપી રહ્યા હતા. મેં એકવાર એમની સામે જોયું. એમણે મોં આડો હાથ દઈને જોરથી ઉધરસ ખાધી. થૂંક્યા અને એક છોડિયું ઉપાડી સગડીમાં નાખ્યું. એમની લાલ આંખોમાંથી ઠંડીને કારણે પાણી ટપકતું હતું.

હું મારી બા પાસે ગયો. બા રસોડામાં હતી.
મારા પિતાએ કહ્યું : ‘રાંધવામાં જરા ઉતાવળ રાખજે. મારે અગિયારના ખટારામાં નાગલપર જવું છે.’ મેં ડરતાં ડરતાં બાને પૂછ્યું : ‘મારા બાપુજીને વાત કરી ?’ એ રોટલો ટીપી રહી હતી. એક દીર્ઘ નિશ્વાસ સાથે એણે કહ્યું, ‘હા.’ ફરી એ રોટલાની કોર સરખી કરીને ટીપવા લાગી.
મેં ફરીથી પૂછ્યું : ‘એમણે શું કહ્યું ?’
‘કંઈ જ નહિ. એમણે તારી તબિયતનું પૂછ્યું કે તાવબાવ નથી આવ્યો ને ?’
હું અને પિતાજી સાથે જમવા બેઠા, પણ અમારા વચ્ચે ખાસ કશી વાતચીત ન થઈ. એમણે મને ફક્ત એટલું જ પૂછ્યું, ‘મારી ચીઠ્ઠી મોતીભાઈને આપી ?’
મેં નીચું જોઈને જ કહ્યું : ‘ના.’
તે ઉતાવળે જમતા હતા. પોણા અગિયારે કોટ પહેરીને એ નાગલપર જવા ઉપડી ગયા. જતાં જતાં કહેતા ગયા. ‘કાલે સવારની બસમાં તારે જવાનું છે. કંઈ લઈ જવાનું હોય તો તૈયાર કરાવી રાખજે.’

રાત્રે મોડેથી એ ઘેર આવ્યા. બીજે દિવસે વહેલા ચાર વાગ્યે બાએ મને જગાડ્યો. પાંચ વાગ્યાની બસમાં મારે જવાનું હતું. રાતના ગોદડાં બહાર રહી ગયેલો મારો હાથ ઠરીને ઠીંગરાઈ ગયો હતો. જલદી જલદી મોં ધોઈ, ચા પી હું તૈયાર થઈ ગયો. પિતાજી દેખાતા નહોતા. મને થયું, એ મોડા આવ્યા હતા, એથી સૂતા હશે – ભલે સૂતા. મેં બાને પૂછ્યું, ‘મને આપવાના પૈસા…..’
હજી હું બોલી રહું એ પહેલાં એણે મને કહ્યું, ‘બહાર તારા બાપુજી રાહ જોવે છે, એમને અત્યારમાં પીપરડી જવાનું છે – દાનો ઘોડું લેવા ગયો છે ને એ બહાર ઊભા છે.’ હું જલદી જલદી બહાર નીકળ્યો. ઠંડા પવનનો એક કાતિલ સૂસવાટો મારી છાતી વીંઘતો આરપાર નીકળી ગયો. બહાર નીકળી મેં જોયું તો ઘરની ભીંત પાસે ઉધરસ ખાતા મારા પિતાજી ઊભા હતા. એમનો કાળો પરિચિત ધાબળો એમણે ઓઢેલો હતો. ઘોડું એમની પાસે જ ઊભું હતું. બીજું કોઈ નહોતું.
‘લે’ એમણે ધાબળામાંથી હાથ બહાર કાઢી મને પૈસા આપતાં કહ્યું.

વીજળીની ધાર જેવો તીખો અને ઠંડો પવન ફૂંકાતો હતો. હું ધ્રુજી ગયો ને હાથની અદબ બીડી લીધી. પિતાજીએ ઘોડા ઉપર ચડી ઘોડાનું મોઢું મારી તરફ ફેરવ્યું અને કહ્યું, ‘હવે સંભારીને મારી ચિઠ્ઠી મોતીભાઈને આપી દેજે. અને….’ પણ એ આગળ બોલે એ પહેલાં એમને ઉધરસ ચડી. આજુબાજુ બધું જ ઠરી ગયું હતું અને ઠરીને મરી રહેલી સૃષ્ટિને વધુ ઠીંગરાવી દેવા જ ફૂંકાતો હોય એવો સૂસવાટ કરતો પવન ઊગમણી તરફથી ધસી આવ્યો. આ વખતે હું જોરથી કંપી ઊઠ્યો ને સહેજ વાંકો વળી ગયો. મારા પિતા ઉધરસ ખાતા હતા. એમણે પોતાનો ધાબળો કાઢીને મારી ઉપર ફેંક્યો. હું કંઈ બોલું એ પહેલા જ એમણે કહ્યું : ‘જલદી જા, નહિ તો બસ ઊપડી જશે અને જો……’ એ સહેજ થોભ્યા, ‘તને આપ્યા એ પૈસા મરજી પડે એમ વાપરજે, પણ… આમ મારી સામે જો …….અને શબ્દો વિના જ કહી દીધું : વાપરતા પહેલાં હું કેમ રળું છું એ યાદ રાખજે….’
ને હું જવાબ આપું કે ધાબળો પાછો આપું એ પહેલાં તો એમણે ઘોડું હાંકી મૂક્યું. ઠંડું મોત ઘૂરકતું હોય એમ પવન ગર્જતો હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન રંગબેરંગી – મૃગેશ શાહ
અંતર-દ્વાર – ડૉ. ચન્દ્રકાન્ત મહેતા Next »   

27 પ્રતિભાવો : પિતા-પુત્ર – મોહમ્મદ માંકડ

 1. Hardik says:

  evu laage che ke aaman kyank hoon choon..
  badhu sarkhu nathi pan toi maari jaat che aama..

 2. tushar mankad says:

  Very touchy, I had tears in my eyes.
  Great sensation in story.

 3. brinda says:

  અત્યંત લાગણીશીલ અને કરૂણ જીવન પ્રસંગ. કહેવત યાદ આવી ગઈઃ છોરુ કછોરુ થાય, પણ માવતર કમાવતર ન થાય. આવા સંઘર્શમાંથી બહાર આવેલા લોકો ખૂબ આગળ વધે છે.

 4. જય પટેલ says:

  પંડિત પુત્ર શત્રુ સમાન જેવી ચાણ્યકની કહેવતો સામે આવી લાગણીપ્રધાન નવલિકા સંઘર્ષ કરવાની પ્રેરણા આપે છે.

  જેમ કુંભાર માટીમાંથી સર્જન કરે તેમ માતાપિતા પણ બાળક રૂપી કાચા છોડને માવજત કરી ઉછેરે છે. સર્જન પ્રક્રિયામાં અગણિત આહુતીઓ અપાય છે.

  યુવા જગત માટે પ્રેરણાત્મક નવલિકા.

  ગુજરાત નો દળદાર દિપોત્સવી અંક વસાવવા યોગ્ય.

 5. Akash says:

  મારા પપ્પા પન હમેશા બોલ્યા વગર જ કહિ દેતા હોય ચે..
  ઘનિ જ લાગનિ સભર વાર્તા..

 6. Prutha says:

  હા મા-બાપની તોલે કોઈ ના આવે…
  મારા માતા પિતાએ પણ મારા સારા ભણતર ને જીવન માટે એમની જિન્દગી ખર્ચી નાખી છે….

  THANK YOU MUMMY AND PAPA!!!

 7. Veena Dave, USA says:

  સરસ.

 8. Milin says:

  Perhaps every boy who stayed away from his parents in that age might have gone through this some or the other way. As what Hardik said, I also have gone through this. Sometimes he would get angry with you but surely it was transient every time and also there were lessons to learn from all of them. Remembering a dialogue from one of AB’s film ” ma bap ki dant chheni hathodi jaisi hoti hai…. jo patthar chheni hathodi ki mar nahi sah sakta wo murat nahi ban sakta” they are our architects and thats why to build us they have to use these tools.

  An excellent story and an excellent representation. Its worth to read such articles/stories during the diwali. I’d ask all the readers to let their kids read this.

  Thanks to the author Shri Mohammad Mankad and Mrugeshbhai to bring out these to us.

 9. Palak says:

  Good one. I also used to be like that.

  Thank you for bringing this wonderful story.

 10. preeti dave says:

  very touchy !!.. માતા-પિતા નુઁ ઋણ તો ચૂકવવું જ અશક્ય છે.. એમની લાગણીઓ નો પડધો પાડી શકીએ તો યે જીવન સાર્થક.. 🙂

 11. trupti says:

  Very nice and emotionla story.

 12. nayan panchal says:

  ઘરથી દૂર રહેતા કિશોરોને ખાસ લાગુ પડતી વાત. કદાચ એ ઉંમર જ એવી હોય છે કે સામાન્ય બુધ્ધિ સાથે દૂર દૂરનુ છેટુ હોવા છતા આપણે પોતાને તીસમારખાં સમજીએ છીએ. આજના કિશોર/કિશોરીઓને જ્યારે રોજે રોજ મોબાઈલના રીચાર્જ માટે માબાપના પૈસા વેડફતા જોઉ છું ત્યારે યાદ આવે છે કે હું પણ એક જમાનામા ઉડાઊ તો હતો જ. કેટલા વીસે સો થાય એની સમજ તો એકવાર પોતે પૈસા કમાવાનુ શરૂ કરીએ ત્યારે જ ખબર પડે.

  આપણા મા-બાપનો અને શિક્ષણનો પણ વાંક છે. પૈસાનુ મૂલ્ય બાળકોને સમજાય તેવી કેળવણી કે શિક્ષણ આપતા નથી. દરેક સંતાન પોતાના પિતાને દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ માને છે.

  સરસ વાર્તા.
  નયન

 13. ભાવના શુક્લ says:

  ખુબ જ ચોટદાર વાર્તા.. આગળ મૃગેશભાઈની રંગબેરંગીમા એક રંગ એવો જોયો કે ખર્ચને પહોચી વળવા એક પિતા, પાચમા ધોરણમા ભણતી કળીને સતત ભાર તળે ભંડારી રાખે અને અહી આજ વાર્તામા પિતાનો અને લાગણી નામે શબ્દનો નવોજ અર્થ જોયો.. સરસ વાર્તા

 14. Vaishali Maheshwari says:

  A very sensitive and a practical story.

  Parents sacrifice all their earnings and lives behind their children – for education and for their better upbringing.
  Very few teenagers realize at the early age the value of money and hard-work their parents do.

  I wish that these teenagers and youngsters who do not realize about their parent’s conditions at this age, will understand the value of money and hard-work very soon. They should be a strong shoulder to their parents at their elder age and help them during the times when they need them the most. This is the best way to show the love and gratitude for all that they have done for us all their lives.

  Thank you Mr. Mohammed Mankad.
  Very nice story, explaining relationships…

 15. PINAKIN PATEL. SAUDI AREBIA says:

  great. story,,,,, thanks

 16. Ashish Dave says:

  Mohmmadbhai, it is very difficult to read your stories without tears in the eyes…

  It is very important to let the other person save his face.

  My father was retired when I was studying in Bhavnagar. Somebody stole my money from my hostel room. I had no courage to go back to my father but managed by eating just once a day to survive. Now when I look back, such incidences have made me extremely tough to fight any thing in life.

  Ashish Dave
  Sunnyvale, California

 17. દિવ્યમ અંતાણી '' નાગર'' says:

  વાહ! પિતા પુત્ર ની આ વાત ખરેખર ખુબજ સ્પર્શી ગઇ. માકડ સાહેબ ની તો વાતજ નિરાળી… મારી ઉમર માત્ર ૨૨ જ હોઇ મારા માટે આ વાર્તા બહુજ મહત્વ ની ગણાય. રિયલી અદભુત.

 18. દિવ્યમ અંતાણી '' નાગર'' says:

  વાહ્! વાહ!

 19. Hina Patel says:

  This has touched to my heart. I remebered my days, when I was in school & my dad gave me one rupee to spend for lunch. I earn loads now, but I don’t think I will be able to pay back to my parents this one rupee. Their love is endless.

  Really loved this, & remembered all my past, when we had to live with small amount of money, only my dad working really hard for us.

 20. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ જ સરસ વાર્તા. હું પણ બોમ્બે હોસ્ટેલમાં રહેતો હતો એટલે આવી પરિસ્થિતિ સમજી શકાય એવી છે. અનાયાસે આપણી પોતાની જાતને પણ આ વાર્તાના પાત્રની જગ્યાએ મુકાઈ જાય છે.

 21. mujib bhayla says:

  ખુબ સરરસ

 22. નિરવ ભીંડે says:

  આ વાર્તા એ જ લખી શકે કે જેના માતા-પિતા એ આટલી તકલીફો થી બાળકો નો ઉછેર કર્યો હોય્.

  પરંતુ નવી પેઢી હવે સુખ્-સગવડો વાળી થતી જાય છે.

  જો આ પેઢી તેમના સંતાનો ને ઝીણવટ ભરી તાલીમ નહી આપે તો તેમના બાળકો ને આ હ્રદય સ્પર્શી અનુભવ ક્યારેય થવાનો નથી.

 23. Chirag says:

  વાહ….આંખો માં આસુ આવી ગયા…. એટલે તો કોઈ સાચુ કહ્યું છે…. ” ભુલો બિજુ બધુ પણ માં-બાપ ને ભુલશો નહી. “

 24. hardik says:

  it is very nice……is it real writters story?????

 25. Hiral Shankar says:

  aankh na aasu rokava nu naam nathi lai rahya…
  khub hradya sparshi vaat…

 26. parth says:

  aa sachi pita ane beta vishe sachi hakikat che

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.