કસિયો – નાનાભાઈ હ. જેબલિયા

[‘અખંડ આનંદ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]

ધોરણ સાતના વર્ગખંડમાં મેં પગ મૂક્યો કે ડારક અને ડાચી નાખતો અવાજ ઊઠ્યો !! ‘ચૂઈઈપ !’ મેં અનુમાન કર્યું કે સાવ નવો શિક્ષક છું એટલે આ ધોરણના મૉનિટરે ઘોંઘાટને શાંત કરવા ચેતવણી આપી હશે. મને કલ્પના તો એવી હતી કે અંદર જઈશ એટલે બાળકો રાજીપાથી ઊભાં થઈને મને આદર આપશે. અને ગામડાંની શાળાઓમાં આમેય એવી પ્રણાલી ચાલી આવે છે કે શિક્ષક વર્ગમાં આવે એટલે બાળકો ઊભાં થઈને માન આપે. ‘બેસી જાઓ’નો આદેશ ન મળે ત્યાં સુધી બાળકો અદબવાળીને ઊભાં રહે. પણ અહીં મને ઊલટો અનુભવ થયો ! એકે વિદ્યાર્થી ઊભો તો ન થયો પણ મારી તરફનો અણગમો વ્યક્ત કરવા વર્ગ આખો માથાં નીચાં ઢાળી ગયો….!

હું અજાયબીથી જોતો ઊભો હતો ત્યાં બેથડિયાં શરીરનો એક છોકરો ઊભો થયો. માથા પર લાંબી ચોટલી, હાથનાં કાંડામાં ચાંદીનાં કડાં, ઘેરદાર ચોરણો અને લાંબી ચાળવાળો મેલોદાટ ઝભ્ભો. ચોટલી સમી નમી કરીને એ મારી સામે ફર્યો. આંખોમાં રોષ ભરીને, પળ બે પળ મને તાકી રહ્યો અને રિસાળવા અવાજે, ધમકી આપતો હોય એમ બોલ્યો : ‘તમે સાતમું ધોરણ ભણાવવાના છો !’ આંખોને થાય એટલી પહોળી કરીને વળી આગળ બોલ્યો, ‘આંય તો પાઠક સાહેબ સિવાય કોઈનાં ગજાં નથી. તમે શું મોઢું લઈને હાલી મળ્યા છો ?’
‘ભાઈ, તારું નામ ?’ મેં જવાબ બાકી રાખીને પૂછ્યું.
‘કસિયો….’
‘એ કાંઈ પૂરું નામ ન કહેવાય, ભાઈ !’ મેં પ્રેમથી કહ્યું : ‘પૂરું નામ બોલ…..’
‘કરશન વાઘા… માલધારી.’ ઢીલા ચોરણાને બે હાથે ઊંચો ચડાવી કહ્યું, ‘તમે પાછા વયા જાવ…..માસ્તર !’
‘એવું તો કેમ બને ભાઈ કરસન !’ હું પ્રેમથી હસતા ચહેરે બોલ્યો. ‘હવે હું તમારા બધાંનો શિક્ષક છું. તમને ભણાવવાનો છું. તને પણ ભણાવવાનો હોં કરસન !’
‘ભણાવ્યાં ને ખાધાં !’ કસિયો વળી તિરસ્કારના ખૂણે આવી ગયો, ‘પાઠક સાહેબ પાસેથી અમારું ધોરણ લીધું જ શું કરવા, હેં ?’
‘પાઠક સાહેબે જ મને આપ્યું છે.’
‘આપ્યું હશે તમારી રેવડી કરવા.’
‘કરસનભાઈ ! ભણાવે એની રેવડી ન થાય.’
‘તો જોઈ લેજ્યો….’ કસિયો અવળે મોઢે થઈને વર્ગની વચ્ચોવચ્ચ ઊભો રહીને છોકરાઓ સામે ત્રાડ્યો : ‘એલા, ચોપડિયું કાઢો. અને સત્તરમો આખો પાઠ લખી લાવો….’

આખો વર્ગ આજ્ઞાધીન બનીને સત્તરમો પાઠ લખવા માંડ્યો. કસિયાની અવરચંડાઈ અને ઉદ્ધતાઈથી મારી સ્વસ્થતા ઓગળવા લાગી. દાંત પીસાઈ ગયા, હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. હું ખરાબ રીતે વ્યક્ત થવાનો છું એની જાણ મારા બુનિયાદી શિક્ષણને થઈ અને છલાંગ ભરીને મારી પાસે આવી ગયું. મારા ખભે હાથ મૂકીને મને ઠપકો આપ્યો, ‘બસ ને દોસ્ત ? અકળાઈશ મા. તારું શિક્ષણ કર્મ અને શિક્ષકત્વ હવે જ શરૂ થાય છે. સાવધાન થઈ જા….’ અને ખરેખર, હું સાવધાનીની મુદ્રામાં આવી ગયો. મેં શિક્ષકત્વના પેંગડે પગ મૂક્યો. કસિયો મને સાવ નિર્દોષ લાગ્યો ! બુનિયાદી તાલીમ પૂરી કરીને હું આ ગામે નિમાયો હતો. પ્રથમ જ ગામ હતું. શાળા અને બાળકો પણ પ્રથમવારના જ હતાં. હર્બાટ, મેકડુગલ, મૉન્ટેસરી અને ગિજુભાઈ જેવા મહાન શિક્ષકોનો રંગ હજી સુકાયો નહોતો. મને સોંપાનારાં બાળકોને આનંદ અને ઉલ્લાસના પ્રદેશમાં લઈ જઈને મારે સંવારવાનાં હતાં. મેં પસંદ કરેલ ધોરણ મને આપવામાં આવ્યું હતું અને એ જ ધોરણના ખંડમાં પગ મૂકતાં મારા સપનાના લીરા થઈ ગયા હતા…..

મારી નિમણૂકના કાગળો થેલામાં લઈને જ્યારે હું શાળાના પ્રાંગણમાં પ્રવેશ્યો ત્યારે રિસેસ ચાલતી હતી. નવા સાહેબ આવવાના છે એ વાત શાળાનાં તમામ બાળકો જાણતાં હશે એટલે મને જોઈને ઊંચાં ધોરણનાં બાળકો મને ઘેરી વળ્યાં, ‘સાહેબ ! સાતમું ધોરણ તમે જ અમને ભણાવજો હોં.’ એક છોકરો મારો હાથ પકડીને રગરગ્યો. ‘પાઠકસાહેબ અમને ભણાવતા નથી અને કસિયો અમને મારે છે.’
‘કોણ કસિયો !’ મેં કુતૂહલથી પૂછ્યું.
‘ઈ ઘેર ગયો છે. હમણાં આવશે.’ મને જવાબ મળ્યો.
‘ભલે.’ કહીને હું આચાર્યના રૂમમાં ગયો…. નિમણૂકના કાગળો ટેબલ પર મૂક્યા. શાળાના તમામ શિક્ષકો હાજર હતા. હાજર કરવાની વિધિ પૂરી કરીને આચાર્યશ્રીએ મને કહ્યું, ‘આ શાળામાં સાત ધોરણ છે અને તમારા સહિત હવે છ શિક્ષકો થાય છે. અમે ધોરણ વહેંચણી બાકી રાખી છે. આજે તમે હાજર થયા એટલે વહેંચણી કરી લઈએ. બોલો, તમને કયું ધોરણ ફાવશે ?’
‘હું બધા વર્ગો જોઈ આવું અને પછી આપને વાત કરું.’ કહીને ઊભો થયો એટલી પળોમાં આચાર્ય સહિતના તમામ શિક્ષકો અણગમાથી અંઘોળાઈ ગયા – દરમાંથી ડોકાં કાઢતા સાપની અદાથી મને જતો જોઈ રહ્યા… ફરતો ફરતો હું સાતમા ધોરણના વર્ગ પાસે ગયો ત્યારે બે-ચાર છોકરા વળી પાછા મને ઘેરી વળ્યા, ‘સાહેબ ! તમે જ અમને ભણાવજો હોં. પાઠક સાહેબ ભણાવતા નથી અને કસિયો અમને બૌ મારે છે. કસિયો હજી આવ્યો નથી એટલે તમારી પાસે આવ્યા છંયે. નકર ઈ અમને ઢીબી નાખે. કસિયાના બાપાથી આખું ગામ બીવે છે. કસિયાના બાપા પાઠક સાહેબના ભાઈબંધ છે.’

માત્ર એક જ પોપડો ખસ્યા પછી કૂવાના તળમાંથી પાણીનો ધોધ છૂટે એમ આખી વાતની સમજણ પાઠક સાહેબના શિક્ષણ વિશે મને સમજાઈ ગઈ. મારામાં બેઠેલા અણીશુદ્ધ શિક્ષકે મને કસિયાવાળું ધોરણ લેવા માટે રીતસર ઉશ્કેર્યો.
‘મને સાતમા ધોરણનો વર્ગ આપો સાહેબ !’ મેં આવીને આચાર્યશ્રી પાસે માગણી મૂકી.
‘હેં ?’ આચાર્ય ચોંકી ગયા, ‘સાતમું ધોરણ ? ઈ ધોરણ તમને ફાવશે ?’
‘માથાકૂટ કરશોમા, સાહેબ !’ પાઠકભાઈ મારકણું હસ્યા, ‘એમને આપી જ દો.’
‘પણ…..’ આચાર્ય થોથવાતા હતા.
‘તમારે અને મારે પછી કંઈ લેવાદેવા નહીં.’ પાઠક સાહેબ ધીમે તાપે ઉકળતા હતા, ‘એ માગે છે તે આપો, વાત પતે.’
‘પણ મનુભાઈ !’ આચાર્યને અંદરખાનેથી ખરેખર મારી અજાણતા માટે અનુકંપા થતી હતી એવું એમના ચહેરા પર મેં વાંચ્યું અને કહ્યું, ‘મને એક વાર તક આપો સાહેબ.’
‘તક શું કામ !’ પાઠક સાહેબ બોલી ગયા, ‘મારે ઉપાધિ ઓછી થાય માટે આખું વરસ તમને મુબારક !’

ધોરણ વહેંચણીનું પત્રક તૈયાર થયું. મેં મારા વર્ગના ખાનામાં સહી કરી. અને વર્ગમાં ગયો. કસિયો રિસેસ પૂરી કરીને આવી ગયો હતો. અને મેં જોયું એનાથી સ્તબ્ધ થઈ ગયો. વચ્ચેની પળોમાં ક્રોધાઈ ગયો પણ આખી વાતનો વિચાર કરતાં કસિયો મને ભોળો, ભલો અને દોરવાયેલો લાગ્યો. બધા છોકરાઓએ સત્તરમો પાઠ લખી નાખ્યો અને ક્રમ પ્રમાણે સૌએ પોતાની પાટીઓ કસિયાને બતાવી દીધી. થૂંક નાખીને ભૂંસી નાખી બધાએ ! ઓહ ! સ્લેટ થૂંક નાખીને ધોવાની ગંદકી વિશે પાઠક સાહેબે કશું જ કર્યું નહોતું.
‘એલા, પલાંઠી વાળો’ કસિયાએ નવો હુકમ છોડ્યો, ‘અને એકુથી અગિયારાં માંડો બોલવા.’
આખો વર્ગ માથું ફાટે એવા ઊંચા અવાજના દેકારાથી ગાજી ઊઠ્યો, ‘એક એકું એક ! બે એકું બેય ! ત્રણ એકું ત્રણ્ય !’ પૂર્વ માધ્યમિકની કક્ષાના છોકરા, એકુના આંક લલકારતા હતા ! મારા શિક્ષકપણાના ધજાગરા ઊડતા હતા !

હું ખુરશી ઉપરથી ઊભો થયો કે કસિયો વળી પાછો મારી પાસે આવ્યો, ‘માસ્તર, તમે આ ધોરણ મૂકી દો…..’ પણ સાંભળ્યા કર્યા વગર હું બહાર નીકળ્યો. શાળાના મેદાન તરફ આવ્યો કે પાછલી બારીએથી છટકીને પાઠકભાઈ આચાર્યના કમરામાં ઘૂસી ગયા ! હું આચાર્યના રૂમમાં ગયો. પાઠકભાઈ ડાહ્યાડમરા થઈને બેઠા હતા !!
‘તમને મુશ્કેલી તો પડવાની જ હોં મનુભાઈ !’ આચાર્ય સાહેબે મને લુખ્ખું આશ્વાસન આપ્યું, ‘હવે શું થઈ શકે ? પાઠકભાઈ એ ધોરણ સંભાળવાની ઘસીને ના પાડે છે. નહીંતર પાંચ વરસથી એકધારું ભણાવતા હતા.’
મેં પાઠકભાઈ સામે સૂચક નજરે જોયું.
‘તમારે સફળ થવું હોય તો કડક બનવું પડશે.’ પાઠકભાઈએ મને સલાહ આપી : ‘કસિયો ભારે તોફાની છે. એને સારી પેઠે ઠમઠોરો. અને પછી જોઈ લો મજા ! બધું રાગ ત્રાગ આવી જશે. માત્ર એક વાર કાઢી મૂકો….’

મને પાઠકભાઈની તેંત્રીસ કરોડ રૂવાંડાં સાથે ઓળખાણ થઈ ગઈ. હું રૂમમાંથી ચાલતો થયો અને પુન:વર્ગમાં આવ્યો. મને પાછો આવેલો જોઈને કસિયો કતરાયો, આંક બોલતા છોકરાને ઈશારાથી ચૂપ કરીને મારી પાસે આવ્યો, ‘મને મારવો છે ! મને કાઢી મૂકવો છે, હેં ?’
‘તને ક્યાંથી ખબર ભાઈ, કરસન ?’
‘એનું તમારે શું કામ છે ?’
‘થોડુંક કામ છે, બોલીશ બાપા !’
‘નાના ! એમ કોઈની ખાનગી વાતું કરી ન દેવાય… પણ બોલો, તમારે શું કરવું છે ?’
‘મારે કશું કરવું નથી ભાઈ કરસન ! હું આ વર્ગમાંથી, આ ગામમાંથી જતો રહેવાનો છું. બોલ, જતો રહું ? મારે તને મારવો નથી, કાઢી મૂકવો નથી, ભણાવવો છે. પણ તને હું ગમતો નથી. માટે જતો રહું. બોલ જતો રહું ?’ કસિયો નીચું જોઈ ગયો. વર્ગના છોકરા મને ઈશારાથી વિનવતા હતા કે ભલા થઈને જતા નહીં.
‘કરસન ! મારે એક સરસ મજાની કાગડાની વાર્તા કરવાની છે. તું હા પાડે તો કરું ?’ કસિયો બોલ્યો નહીં પણ શાંત થઈને બેસી ગયો.

મેં ગિજુભાઈ બધેકાની ‘આનંદી કાગડો’ ગિજુભાઈની શૈલીમાં લય, લહેકા અને હાવભાવ સાથે શરૂ કરી – રાજા આગળ કોઈએ રાવ કરી : અન્નદાતા ! આપણા નગરમાં એક આનંદી કાગડો રહે છે. એવો આનંદી કે એને ગમે તેટલો હેરાન કરો છતાં ગાયા જ કરે. બસ ગાયા જ કરે. રાજાએ આનંદી કાગડાને પકડી મંગાવ્યો. એને ગાવાને બદલે રોતો કરવા રાજાએ ઘણી રીતે પજવ્યો. એને બાંધ્યો. ગોથાં ખવડાવ્યાં છતાં કાગડો ગાતો રહ્યો. કૂવામાં ઊંધે માથે લટકાવ્યો, રંગના કૂંડામાં ઝબોળ્યો તોય કાગડો તો બધી પીડાઓને ગીતમાં જોડીને ગાતો રહ્યો. – મેં મારી તમામ કુશળતા અને દિલ જોડીને વાર્તા એવી તો જમાવી કે આખો વર્ગ તાળીઓ પાડીને ડોલી ઊઠ્યો. કસિયાએ પણ તાળી પાડી ! બસ, મારી સફળતા અને શ્રદ્ધાએ પ્રથમ પગથિયે પગ માંડી દીધા…. પછી વર્ગ છોડીને જતા રહેવાનો અભિનય કર્યો. અને કસિયો ભીની આંખે ઊભો થયો, મારો હાથ પકડ્યો !
‘જાશોમાં સા’બ ! બેહો.’
‘બેસું, પણ તું આ વાર્તામાંથી થોડુંક વાંચે તો.’
કસિયાએ બે હાથે વળી પાછી એની ચોરણી ઊંચી ચડાવી અને વાંચવા માટે મારી નજીક આવ્યો. વર્ગનાં બાળકો હસ્યાં, ‘સાહેબ ! એને વાંચતાં જ ક્યાં આવડે છે !’
‘હેં કરસન ! સાચી વાત ?’
પડેલ ચહેરે કસિયો નીચું જોઈ ગયો…..
‘આજ નહીં. બે દિવસ પછી વાંચજે’ મેં એને ખભે હેતાળવો હાથ મૂક્યો, ‘ન શું આવડે ! તું કડકડાટ વાંચતો થઈ જા એવું હું તને શીખવી દઈશ, કરસન ! સાંજે સાંજે મારે ઘેર આવજે. આવીશ ને ?’ કસિયાએ રાજીપાથી હા પાડી. મારાથી ઊંડો પીડાજનક એક નિ:શ્વાસ નીકળી ગયો, ‘વાહ પાઠકભાઈ ! કસિયાને પંપાળી-ચડાવીને વર્ગ ભળાવીને, ઈતર પ્રવૃત્તિઓ કરવા, એક નિર્દોષ બાળકનો તમે અક્ષમ્ય અપરાધ કર્યો છે. કસિયાને ખોટી રીતે પાસ કરીને હાઈસ્કૂલમાં તગડી મૂકવાની તમારી કરામત કસિયો કે એનો બાપ નથી જાણતા પણ ઉપરવાળો ઈશ્વર બધું જાણે છે. તમે ભારે કરી પાઠકભાઈ !’

સાંજે હું ઘરે ગયો. દીવો પ્રગટાવવા દિવાસળીની પેટી શોધતો હતો અને મારી ખડકી આગળ અવાજ આવ્યો, ‘માસ્તર છે ?’ માથા પર ફીંડલા જેવી મોટી પાઘડી, પડછંદ શરીર, પૂળો પૂળો મૂછો, હાથમાં દૂધનો લોટો. મેં અનુમાન કર્યું કે બનતાં સુધી કસિયાનો બાપ છે. લોકો ભાળે એ માટેની તરકીબ કરીને દૂધનો લોટો લીધો છે. બાકી માણસ ‘તડનું ફડ’ કરવા જ આવ્યો છે.
‘તમે ?’ મેં જાણકારી મેળવવા પૂછ્યું.
‘હું કસિયાનો બાપ છું, વાઘો.’
‘આવો આવો વાઘાભાઈ, બેસો’ મેં વિવેક કર્યો.
‘મને કસિયાએ બધી વાત કરી.’ એ ગંભીર ચહેરે બોલ્યો.
‘પણ કરશન કેમ આવ્યો નહીં ?’ મેં મારો ભય છુપાવીને એને કહ્યું : ‘મેં એને મારે ઘરે તો બોલાવ્યો તો, વાઘાભાઈ, મારે દુ:ખ સાથે કહેવું પડે છે કે સાતમા ધોરણના તમારા દીકરાને વાંચતાં નથી આવડતું. લો, આ સાચી વાત કરી, હવે તમારે જે કહેવું હોય એ કહો.’
‘તમે કસિયાને મારીને કાઢી મૂકવાના હતા ?’
‘ના રે, શા માટે ? હું એને ભણાવવા માગું છું, વાઘાભાઈ ! હું શિક્ષક છું. એનો દુશ્મન થોડો છું ?’
‘માસ્તર સાહેબ ! તમે કસિયાને ન માર્યો કે ન કાઢી મૂક્યો, ઈ બૌવ સારું થયું. નકર ઈ તમને પથ્થરા મારવાનો હતો.’
‘એવું તો એ ન કરત !’
‘અરે, કરત જ ! મને કસિયાએ આખી વાત રોતાં રોતાં કીધી. સાબ્ય ! એને ઓલ્યા ભમરાળાએ ચડાવ્યો હતો.’ ભમરાળો કોણ એ હું સમજી ગયો ! પણ મેં કહ્યું ‘ગમે તે થયું પણ તમારે કસિયાને સાથે લાવવો હતો.’
‘ન આવ્યો, રોવા જ માંડ્યો કે બાપા ! મેં બૌ ભલા માસ્તર ને હેરાન કર્યા. ‘ઈવડાઈ’ના કહેવાથી’ વાઘાભાઈ દુ:ખદ અવાજે બોલતા હતા : ‘ઈ ભમરાળે મારી સાથે પરાણે ભાઈબંધી કરી’તી. ન બોલાવું તોય ઈ મારે ઘરે આવે અને મારો છોકરો બહુ હોશિયાર છે એવી વાતું કરે. ગામની ખટપટ કરે પણ મારો કાળિયો ઠાકર દયાળુ છે. મેં એની કોઈ વાત માની નથી. ઈ દૈત્યે મારી તો ઠીક પણ મારા છોકરાની જિંદગી બગાડી.’
‘હું સુધારી લઈશ વાઘાભાઈ, બેસો’ કહીને મેં દીવો પ્રગટાવ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રાર્થના : એક પ્રચંડ શક્તિ – મૃદુલા મારફતિયા
ઉપકારનો બદલો – રાકેશ ચૌહાણ Next »   

25 પ્રતિભાવો : કસિયો – નાનાભાઈ હ. જેબલિયા

 1. trupti says:

  Very nice story and something different.

  Mrgeshbhai,
  Thanks for publishing such a wonderful story on the first day of the New Year.

 2. ખુબ સુંદર વારતા.

  સો હોશિયાર વિધ્યાર્થીને સૌ ભણાવે પણ એક તોફાની છોકરાને ભણતો કરે, કંઇ સારુ શીખવે એજ ખરા શિક્ષકની કસોટી.

 3. tejal tithalia says:

  સુન્દર વાર્તા…………..દરેક ના જીવન મા એક ગુરુ અને તે છે શિક્ષક…………….

 4. Dhaval says:

  આ વાર્તા વાંચીને લાગે છે કે વાર્તા આજના રાજકારણીઓ પર આધારિત છે. Unfortunately today, there’s no one to guide those politically misled people.

 5. સ્નેહથી જે થાય, જે કરી શકાય એ દંડથી નથી કરી શકાતું. શિક્ષા અને શિક્ષણ એક વખત સિક્કાની બે બાજુઓ ગણાતી, મેં પણ પ્રાથમિક શાળામાં જેડી કાકાનો માર ખાધેલ.
  ત્યારે સોટી વાગે ચમ ચમ ને વિદ્યા આવે ધમ ધમ…. જમાનો.
  હવે તો બધું જ બદલાય ગયુમ છે.

 6. જીતેન્દ્ર તન્ના says:

  સરસ

 7. nayan panchal says:

  ખૂબ સરસ વાર્તા. જાણીને ખૂબ દુઃખ થયુ કે પાઠકભાઈ જેવા પણ શિક્ષકો હોય છે…

  નયન

  • rutvi says:

   નયનભાઈ,
   એક નહી પણ બધા બહુ હોય છે, જે વિધ્યાર્થી વચ્ચે પક્ષપાત કરે છે, બધા એવા નથી હોતા , કોઇક મનુભાઇ જેવા પણ હોય છે,

  • amol says:

   ભાઈલા કોક હારો ફોટો મુકો યાર……..

 8. Chintan says:

  મસ્ત વાર્તા.
  આજના ઘણા ખરા અન્તરિયાળ ગામમા પાઠકસાહેબ જેવા શિક્ષક જોવા મળે છે જે શિક્ષણના નામ પર કલન્ક સમાન છે.

  તાલિમબધ્ધ પ્રાથમિક શિક્ષણ એ આવતીકાલનો મજબૂત પાયો છે. આ વાર્તા સાથે ઘણા ગમતા શિક્ષક યાદ આવી ગયા.

 9. Lata Hirani says:

  ખૂબ સરસ વાર્તા. આજના સમયમાં એની વધારે જરુર છે કેમ કે પાઠકભાઇઓ જ વધારે છે.. હું મારા બ્લોગ પર તમારી આ વાર્તાની નોંધ મુકીશ્. બહુ સરસ કામ મૃગેશભાઇ

 10. Veena Dave, USA says:

  સાચા શિક્ષકે ખરેખર દિવા પ્રગટાવ્યા. વાહ ખુબ સરસ.

 11. charulata desai says:

  ખુબ સત્યસ્પર્શી વાત. બાળકોને ભણાવતાં પહેલાં ચાહવા જોઇએ.

 12. જય પટેલ says:

  શિક્ષીત કરી દિક્ષીત કરે તે શિક્ષક.

  વ્યકિત પાસે જો સમ્યક દ્રષ્ટી અને નિર્ભયતા ના હોય તો શિક્ષક બનવાનું ટાળવું જોઈએ.
  સમાજના દરેક વર્ગમાંથી આવતા બાળકોને સમતા અને ધૃણા રાખ્યા વગર શિક્ષણ આપે તે જ સાચો શિક્ષક.

  પ્રસ્તુત વાર્તામાં શિક્ષક શ્રી મનુભાઈ ઋષિના દરજ્જાથી જરા પણ ઉતરતા નથી.

  દરેક શિક્ષકે વાંચવા જેવી વાર્તા.

 13. ભાવના શુક્લ says:

  બહુ જ સરસ વાર્તા…

  શિક્ષક તરીકે બે ગુણની આકરી કસોટી થાય છે. નિર્ભયતા અને આત્મવિશ્વાસ…
  વિદ્યાર્થીઓ પાસ સફળ થવાનો ગુરુમંત્ર પણ એ જ છે કે તમારા વિદ્યાર્થીને તમે જે સમજોછો તેની જરુર નથી તે શુ સમજવા માગે છે અને કઈ રીતે સમજવા માગે છે…. ક્યો કક્કો, કઈ બારાક્ષરી અત્યાર સુધી તે સમજતો આવ્યો છે અને તેની કેવી ભાષા અને માનસિક વૃત્તિ વિકાસ પામેલી છે તે સમજીને આગળ વધવુ પડે છે. શિક્ષકને શિક્ષણની કળા અને આવડતની સાથે એક માનસચિકિત્સકની કામગીરી સાધ્ય હોવી જરુરી છે. દરેક વિદ્યાથી (અને વાલી પણ..) સમજણની અલગ અલગ રેખાઓ પર ઉભેલા હોય છે. શિક્ષકની સિધ્ધિ એ નથી કે તે કેટલો વિદ્યાર્થીપ્રિય છે અને કેટલા વિદ્યાર્થીઓ કે વાલીઓ તેની પ્રસંશા કરે છે પરંતુ એ છે કે પિતૃભાવે કેટલા વિદ્યાર્થીને એક સમાન સમજણની રેખા પર લાવી મુકે છે કે જ્યાથી મિત્રભાવ કેળવી શકે છે જેથી વિદ્યાર્થી નિર્ભય અને આત્મવિશ્વાસુ બને છતા મર્યાદાભેદને ઓળખે.

 14. Kumi Pandya says:

  આ તો વાર્તા છે – પણ આવા અનેક સાચા પ્રસન્ગો “શિક્શક કથાઓ” (લેખક શ્રિ દિલિપ રાણપુરા) પુસ્તકમા વાન્ચવા મળશે.

 15. sudhir patel says:

  ખૂબ જ સુંદર વાત!
  સુધીર પટેલ.

 16. Vipul Chauhan says:

  ઘણું સરસ ! મનુભાઇ જેવા શિક્ષકની જરુર છે.

 17. Vaishali Maheshwari says:

  A very good story depicting two extreme characters playing the same role of a ‘Teacher’.

  Pathakbhai is depicted as not a good teacher, as he did not carry out his duties or responsibilities in a proper way at all. Instead he ruined the life of a student Karshan Vagha Maldhari (Kasiyo) and may be many others students also, which are not mentioned in this story.

  On the other hand, the new teacher, Master saaheb is depicted as a true teacher. It was a difficult task for him to handle with a student like Kasiyo, but still he managed to teach him a very good lesson of his life.

  It is pity to know that there are teachers like Pathak saaheb and Principals also who do not take any actions against such teachers, but then it is good to know that teachers like this new Master saaheb are also there to brighten the future lives of the children and teach an inspiring lesson to others who are doing wrong to the society.

  Thank you Nanabhai H. Jebaliya for this wonderful story.
  Enjoyed reading and thinking about it.

 18. Ritesh Shah says:

  nice story

 19. riddhi says:

  good
  today we can’t find this type of teacher……………….it is impossible………………

 20. ravi parmar says:

  i liked it……………………….

 21. kantibhai kallaiwalla says:

  Present age when education has become commercialized this fact is no doubt encouraging and worth of reading but it will be difficult (if not impossible) for teachers to follow manubhais path.However we hope that time will change and again we will be to see more teachers like manubhai. I have seen more than 4 teachers who were on manubhais path(ref: Year 1940-1950).

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.