ઉપકારનો બદલો – રાકેશ ચૌહાણ

[બાળવાર્તા : ‘ફૂલવાડી’ સામાયિક (દીપોત્સવી)માંથી સાભાર.]

Picture 006મંગળપુરા ગામમાં મહાવીર રહેતો હતો. માતા-પિતા અને ઘરનાં અન્ય સભ્યો ખેતીવાડી કરતા, પરંતુ મહાવીર ખૂબ આળસુ હોવાથી ખેતીકામમાં મદદ ન કરતો. ઘરના બધા સભ્યો તેનાથી કંટાળી ગયા હતાં. એક દિવસે કામ નહીં કરવાના કારણે મહાવીરને તેના પિતાએ ઠપકો આપ્યો. આથી મહાવીર ગુસ્સામાં ઘરની બહાર ચાલી નીકળ્યો.

મહાવીર ગામની સીમ છોડીને જંગલ તરફ ચાલવા લાગ્યો. ત્રણ-ચાર કલાક પછી એક ઘનઘોર જંગલ આવ્યું. મહાવીર પણ ચાલી ચાલીને થાકી ગયો હતો. તેણે એક વડના વૃક્ષ નીચે આરામ કરવાનો નિર્ણય કર્યો. તે જેવો વડના વૃક્ષ નીચે બેઠો કે તેની આંખો થાકના કારણે ઘેરાવા લાગી. મહાવીર ક્યારે ઊંઘી ગયો તેને તેનો ખ્યાલ જ ન રહ્યો. ઊંઘમાંથી જાગ્યા બાદ મહાવીરને તરસ લાગી. તે પાણીની શોધમાં નીકળી પડ્યો. જંગલમાં આમતેમ ભટક્યાં પછી તેની નજર એક કૂવા પર ગઈ. કૂવો જોઈ મહાવીર તેની પાસે પહોંચી ગયો. કૂવામાં તેણે નજર કરી તો તેમાં પાણી જ ન હતું. પરંતુ કૂવામાં એક માણસ, એક સાપ અને જંગલનો રાજા સિંહ જોવા મળ્યો.

આ દશ્ય જોઈને મહાવીરને નવાઈ લાગી. તેણે કૂવામાં બેસી રહેલા ત્રણેયને પૂછ્યું : ‘તમે કૂવામાં કેવી રીતે પડ્યાં ?’
ત્યારે માણસે કહ્યું : ‘હું સિંહથી બચીને દોડતો હતો. વચ્ચે સાપ મળ્યો, સાપ સિંહ પાછળ પડ્યો. આગળ કૂવો આવ્યો અને હું અંદર પડ્યો. સિંહ અને સાપ પણ મારી પાછળ આવી ગયા. મેં સાપ અને સિંહને કહ્યું કે તમે લોકો જો મારો ભોગ લેશો તો તમને બહાર કોણ કાઢશે ? માટે આપણે વટેમાર્ગુની રાહ જોઈએ. વટેમાર્ગુ આવશે અને આપણને બહાર કાઢશે.’ માણસના ઉપાયથી સાપ અને સિંહના મનમાં બચવાની આશા બંધાઈ અને તેને જીવીત રાખ્યો. અજાણ્યાનો અવાજ આવતાં જ બાકીના બેઉની નજર પણ ઉપર તરફ ગઈ. બધાએ ભેગા થઈને કૂવામાંથી બહાર કાઢવા આજીજી કરી. મહાવીરે કૂવામાં ડોકિયું કરીને કહ્યું : ‘સારું, હું તમને બહાર કાઢવાનો પ્રયાસ કરું છું.’

મહાવીર પાછો જંગલ તરફ ગયો. જંગલમાંથી એક મજબૂત વેલો લઈ આવ્યો. વેલો લાવીને તેણે કૂવા પાસે આવેલા એક વૃક્ષના થડમાં બાંધી દીધો, અને બીજો છેડો તેણે કૂવામાં નાખ્યો. વેલો કૂવામાં આવતાં જ સાપ ફટાફટ ચઢીને બહાર આવી ગયો, તે જ રીતે માણસ પણ ધીરે ધીરે વેલાના સહારે કૂવામાંથી બહાર આવી ગયો. હવે વારો હતો સિંહનો. સિંહ પણ ધીરે ધીરે વેલા પર પંજા ભીડાવતો ભીડાવતો બહાર આવી પહોંચ્યો. સાપ, સિંહ અને માણસ બહાર આવીને મહાવીરનો આભાર માનવા લાગ્યા અને તેમણે તેને તેનું નામ પૂછ્યું. તેણે કહ્યું : ‘મારું નામ મહાવીર છે.’ હવે સૌપ્રથમ પેલા માણસે કહ્યું : ‘મહાવીર, તારા ઉપકારનો બદલો ચૂકવવા મને એક તક આપજે. તારે ગમે તે કામ પડે તો તું બાદલપુર ગામે આવી પહોંચજે અને કહે જે કે, ભગા સોનીનું ઘર ક્યાં એટલે તને ગામનો કોઈ પણ માણસ મારા ઘરે પહોંચાડી દેશે.’ મહાવીરનો આભાર માનતો એ ભગા સોની નામનો માણસ એના ગામ તરફના માર્ગે ચાલવા લાગ્યો. સાપનો જીવ બચી ગયો હોવાથી તેણે પણ મહાવીરનો આભાર માન્યો અને બોલ્યો : ‘મહાવીર, તને મારી જરૂર પડે એટલે મને યાદ કરજે. હું તરત આવી જઈશ.’ એમ કહીને તે પણ ચાલતો થયો. હવે વારો હતો જંગલના રાજા સિંહનો. સિંહ બોલ્યો : ‘મહાવીર, તું આ જંગલમાં નિર્ભયતાથી ફરી શકે છે. તને કોઈ કશું નહીં કરે. મને પણ ઉપકાર ઉતારવાની તક આપજે. મારી ગુફા પેલા સામે દેખાતા પહાડ પાસે છે. જરૂર પડે તું આવજે. હું બનતી મદદ કરીશ.’ તેમ કહીને સિંહ પણ તેની ગુફા તરફ ચાલ્યો ગયો. ધીરે ધીરે અંધારૂ થઈ ગયું હોવાથી મહાવીર ફટાફટ તેના ઘર તરફ ચાલવા લાગ્યો. તે થોડા સમયમાં જ ઘરે પહોંચી ગયો.

એક અઠવાડિયા પછી ફરી મહાવીરના પિતાએ કામ ન કરતો હોવાથી તેને ઠપકો દીધો. મહાવીર પાછો ગુસ્સામાં ચાલી નીકળ્યો. મહાવીર જંગલમાં ગયો અને પહાડ પાસે આવેલી ગુફા નજીક બેસીને રડવા લાગ્યો. માણસના રડવાનો અવાજ આવતાં જ સિંહ ફટાફટ બહાર દોડી આવ્યો. જોયું તો મહાવીર રડી રહ્યો હતો. સિંહે કારણ પૂછ્યું એટલે તેણે બધું જણાવી દીધું. સિંહ કહે મારી પાસે ગુફામાં થોડા સોનાના સિક્કા અને ઝવેરાત પડ્યું છે. તું લઈ જા. મારે એનું કામ નથી. મેં માણસોનો શિકાર કરીને તે ભેગું કરેલું છે. મહાવીર ગુફામાં ગયો અને જોયું તો ઘણું બધું ઝવેરાત પડી રહ્યું હતું. તેણે બધું ભેગું કર્યું અને સિંહનો આભાર માનીને ચાલી નીકળ્યો.

તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ તેનો પગ એક સાપ ઉપર પડ્યો એટલે સાપે મહાવીરના પગે ડંખ માર્યો. ધીરે ધીરે મહાવીરને ઝેર ચડવા લાગ્યું. તેને પેલો સાપ યાદ આવ્યો અને યાદ કરતાં જ સાપ હાજર થયો અને તેણે મહાવીરના પગેથી ઝેર ચુસી લીધું. તે પાછો સારો થઈ ગયો અને સાપનો આભાર માનવા લાગ્યો. પછી તે ત્યાંથી બાદલપુર ગામ તરફ ચાલી નીકળ્યો. બાદલપુર જઈને તે પૂછતો પૂછતો ભગા સોનીના ઘરે પહોંચી ગયો. ભગા સોનીએ પણ તેને આવકાર આપ્યો અને બેસાડ્યો. મહાવીરે તેની સાથે રહેલા ઝવેરાત સોનીને બતાવ્યા અને તેમાંથી થોડા ઘરેણાં બનાવી આપવાનું કહ્યું અને બાકીના વેચી દેવાની વાત કરી. ભગા સોનીએ પણ મહાવીરે કહ્યું તે પ્રમાણે કરી આપ્યું.

હવે મહાવીર પાસે થોડા પૈસા પણ આવી ગયા હતા અને ઝવેરાત પણ. તે ખુશી ખુશી પોતાના ગામ ગયો. તેણે નવો ધંધો શરૂ કર્યો. માતા-પિતા પણ તેની પર ખુશ થયા. આમ, અંતે તેને ઉપકારનો બદલો ઉપકારથી મળ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કસિયો – નાનાભાઈ હ. જેબલિયા
રંગોળી – સંકલિત Next »   

10 પ્રતિભાવો : ઉપકારનો બદલો – રાકેશ ચૌહાણ

 1. જય પટેલ says:

  બાળકો માટે પ્રેરણાત્મક વાર્તા.

  જ્યારે અપેક્ષા રાખ્યા વગર ઉપકાર કરીએ ત્યારે ઉપકારનો બદલો ઉપકારથી મળે.

 2. nayan panchal says:

  સારી બાળવાર્તા.

  નયન

 3. Vipul Panchal says:

  Nice Story..

 4. JIGNESH GANDHI says:

  ખુબજ સારી વાર્તા.
  તમે વેત નમો તો કોઇ હાથ નમે

 5. Veena Dave, USA says:

  સરસ.

  ઉપકારનો બદલો ઉપકાર એ તો સરસ…
  પણ ઉપકારનો બદલો અપકાર થાય તો…….. ભગવાન એવા માણસોને તુ સમ્મભાળજે.

 6. Vaishali Maheshwari says:

  Sweet story.

  Mahavir helped the snake, the human being and the lion.
  In return, all the three of them helped Mahavir when he was in dire need of help.

  This story taught everyone that we should be good to others at all the times, without keeping any expectations in our minds.
  .
  In turn, God will help us in some or the other way because of our good deeds.

  Thank you for this story Mr. Rakesh Chauhan.

 7. Chirag Patel says:

  WHAT? I didn’t get it…. He was lazy and he gets revorded for being lazy…. Not a really good story to tell your kids… Yes granted that he helped out the Man, Snake and the Lion – however, he is still LAZY!!!!!! Is this really you want to tell your kids????

  Thank you,
  Chirag Patel

 8. ankil says:

  NICE ONE I LIKE IT VERY MUCH…..

 9. One has to understand if you want happiness -give happiness.

  If you do good work -God always takes care of you,

  Narnedra Shah
  Jai Sri Krishna – jai jinendra.ફ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.