અનહદ સુખ – કલ્પના જિતેન્દ્ર

[ ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ લેખિકાનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427714120 ]

નીતા સોફા પર બેસીને વાંચતી હતી.
પલકે છાનામાના આવી, પાછળથી જ ગળામાં હાથ વીંટાળ્યા ને કાનમાં ટહૂક્યો : ‘મંમી… મારી વહાલી મંમી….’
‘શું છે દીકરા ? આજે સવાર સવારમાં કાંઈ બહુ વહાલ ઉભરાયું છે ?’ કહેતાં નીતાએ દીકરાને આગળ ખેંચી, એના રતુમડા ગાલ ચૂમી લીધા.
‘હં…અ, મંમી… આજે….’
‘બોલ, શું માગણી છે તારી ? હું જાણું ને તને ! કાંઈ કામ હોય, કાંઈ લેવાનું હોય તો જ તું મંમીને વહાલ કરે !’
‘ના ! મંમી, એવું નથી. તું તો કાયમ મને બહુ વહાલી છે. પણ આજે તો બહુ બહુ વહાલી લાગે છે.’ કહેતો એ ખોળામાં આવી ગયો.

‘હં…અ, બોલ શું જોઈએ છે તારે ?’ આછું મલકતાં કહ્યું : ‘કાંઈક તો…. છે જ !… નહિંતર અત્યારે તું ઘરમાં ન હોય, આજે રવિવાર ને… અત્યારે તો તારો ક્રિકેટ રમવાનો સમય… હં…અ, નક્કી કાંઈક તો છે જ ! કહે, શી માંગણી છે તારી ?’
‘પ્લીઝ મંમી, મને અત્યારે પચાસ રૂપિયા આપીશ ?’
‘જો ! જો ! આવીને વાત !…. પણ તારે શું કામ છે ?’
‘અમે ચારેય, હું, રોહન, કશ્યપ તથા પ્રિન્સ સાથે જ જવાના છીએ.’
‘ચોકલેટ લેવા ?…. ખરું ને…’
‘ના મંમી !….’
‘ચોકલેટ લેવા જ જાય છે તું ! તને કેટલી વાર સમજાવ્યું છે, બેટા ! ચોકલેટથી તારા દાંત બગડે છે. પેટમાં કૃમિ થાય છે અને ગળાના કાકડા ફૂલે છે. ડૉ. અંકલે પણ તને ચોકલેટ ખાવાની ના પાડી છે ! તને યાદ છે ને ?’
‘મંમી પ્લીઝ !… આપને…. હું ચોકલેટ નહિ લઉં ! બસ…’

‘તું જુઠ્ઠું બોલે છે. બે દિવસ પહેલાં જ પેન્સિલ લેવાના બહાને પૈસા લઈ જઈ તે ચોકલેટ ખાધી હતી. આજે તો હું તને આપવાની જ નથી.’ પલક ઝંખવાયો, નારાજ થઈ પપ્પા તરફ ફર્યો. એ પણ સાપ્તાહિક પૂર્તિ વાંચતા હતા.
‘પપ્પા, તમે તો આપશો ને ? હું ચોકલેટ નથી લેવાનો, ગોડ પ્રોમીસ પપ્પા….’ કહેતાં તેણે ગળા પર બે આંગળી મૂકી, ‘ગોડ પ્રોમીસ પપ્પા…. પ્લીઝ…..’
‘સરસ દીકરા ! પણ તું શું લેવાનો છો એ મને કહે.’
‘એ… નહિ કહું.’
‘તારે કહેવું પડશે દીકરા…’
‘મારા ત્રણેય મિત્રોને તેમના પપ્પાએ પચાસ રૂપિયા આપ્યા છે. અને ‘તમે શું લેવાના છો ?’ એવું પૂછ્યું પણ નથી. એક તમે જ મને પૈસા નથી આપતા.’ કહેતાં કહેતાં અવાજ ગળગળો થઈ ગયો. આંખ જલજલાઈ. એણે પગ પછાડ્યાં… હારી થાકીને એ રડી પડ્યો. રડતાં રડતાં જ મંમી તરફ ફર્યો.
‘પ્લીઝ મંમી, પચાસ નહિ તો પચીસ રૂપિયા આપીશ ? મારા મિત્રો મારી રાહ જુએ છે…. પ્લીઝ મંમી….’

દીકરાને રડતો જોઈ નીતા પીગળી ગઈ. એણે પર્સ ખોલીને પચાસ રૂપિયાની નોટ બહાર કાઢી. વળતી પળે અક્કડ થઈ ગઈ. વિચાર્યું ‘કોઈ પણ ભોગે પલકની ચોકલેટ ખાવાની આદત ભૂલાવવી જ પડશે….’ને પચાસની નોટ પર્સમાં મૂકી પલકના હાથમાં દશની નોટ જ મૂકી.
‘બસ દશ જ !’ પલક એકદમ ઓઝવાઈ ગયો, ‘આમાંથી શું આવશે મંમી ?’
‘લેવા હોય તો લઈ લે ! નહિતર આ પણ નહિ મળે.’ રૂક્ષતાથી કહી નીતા રસોડામાં ચાલી ગઈ. ઝંખવાયેલો પલક હાથમાં દશની નોટ પકડી એમને એમ ઘડીક ઊભો રહ્યો, બહારથી રોહને બૂમ મારી ને એ દોડતો જતો રહ્યો. રાજેશભાઈ રસોડામાં ગયા. બોલ્યા :
‘આપવા’તાને વધારે. બિચારો આટલું કરગરતો હતો… હું આપત, પણ તારી ના ઉપરવટ જઈને આપું તો તને ન ગમે, એટલે હું શાંત રહ્યો.’
‘મેં જે કર્યું છે તે બરાબર જ કર્યું છે. તમને શું ખબર પડે ? તમે હો છો આખો દિવસ ઘરે ? એ ચોકલેટ જ લેવાનો છે ને પછી માંદો પડે ત્યારે ચાકરી મારે જ કરવાની ને ?… એનો ય વાંધો નથી… પણ આ તો વાર્ષિક પરીક્ષા નજીક આવે છે ત્યારે…’

….ત્યાં તો ભરેલા શ્વાસે હાંફતો છતાં ઉત્સાહથી છલકાતો પલક દોડી આવ્યો. હાથમાં રંગીન કાગળ વીંટાળેલું નાનકડું પેકેટ તથા ઘરના આંગણામાં વાવેલા મોગરાનું ફૂલ !
‘મંમી ! લે, આજે મધર્સ ડે છે ને ? તારા માટે બોલપેન લાવ્યો છું. તને લખવાનો શોખ છે, તું લેખિકા છે ને એટલે !… તને ગમશે ને મંમી ?’
‘…ઓહ ! થેંક્યુ બેટા !’ નીતાની આંખ ભરાઈ આવી. છલકાતી આંખે જ દીકરાને નજીક લઈ ગળે લગાવ્યો.
‘મંમી ! મારા મિત્રોએ શું ગીફટ લીધી ખબર છે ?….. એમની મંમી માટે લિપ્સ્ટીક !’
‘દીકરા ! દશ રૂપિયામાં લિપસ્ટીક ક્યાંથી આવે ?’ હવે ઝંખવાણા પડવાનો વારો નીતાનો હતો : ‘મેં તને વધારે પૈસા આપ્યા હોત તો તું પણ લાવ્યો હોત !’
‘નહિ મંમી ! તો પણ હું તારા માટે પેન જ લાવવાનો હતો. મેં ઘણા દિવસથી મનમાં વિચારી રાખેલું. વધારે રૂપિયા હોત તો સરસ પેન લઈ આવત, તું લખે છે ને એવી જ લાવવાનો હતો… પણ દશ રૂપિયા જ હતા એટલે બોલપેન જ લાવ્યો.’ કહેતાં કહેતાં એ ગળગળો થઈ ગયો, ‘સોરી મંમી… તું આનાથી લખીશ ને ?’
‘ચોક્કસ લખીશ દીકરા’ નીતાનો સ્વર રૂંધાયો, ‘આનાથી જ લખીશ….’

‘અને હવેથી તું લખતી હોઈશ ત્યારે તને જરાય હેરાન નહિ કરું હોં !…. ગોડ પ્રોમીસ મંમી !’
‘હું આ પેનથી જ લખીશ અને આ પ્રસંગ જ લખવાની છું… સોરી બેટા ! મને માફ કરી દે, મને એમ કે તું ચોકલેટ…..’
‘સોરી તો મારે તને કહેવાનું છે મંમી ! હું ચોકલેટ ખાઈને તને હેરાન કરું છું ને ?…. આજથી જ બંધ બસ !’
‘અરે અરે ! બેટા, હું તને કાયમ માટે બંધ કરવાનું નથી કહેતી, પણ ઓછી ખાવાની કહું છું.’
પલકનો ચહેરો ખુશીથી છલકાઈ ગયો : ‘સારું મંમી, તું આપે ત્યારે ને તેટલી જ ખાઈશ બસ !… ગોડ પ્રોમીસ.’ કહેતાં તેણે બે આંગળી ગળા પર મૂકી.
‘અને હું તને રોજ એક એક મિલ્ક ચોકલેટ આપીશ. બસ !…. ગોડ પ્રોમીસ.’ નીતાએ પણ દીકરાની જેમ જ ગળા પર બે આંગળી મૂકી.

‘….અને મંમી ! તને ફૂલ ખૂબ ગમે છે ને ?’ આજથી બગીચાનું કામ હું જ કરવાનો છું. પાણી પાઈશ, ખાતર નાખીશ, ગોડ કરીશ ને તારા માટે સરસ ફૂલ ઉગાડીશ.’
‘બસ ! મારા દીકરા, બસ !’ નીતાનો સ્વર રૂંધાયો : ‘તું આ બધું કદાચ ન કરી શકે, તો ય તારા મનમાં આટલું કરવાનો વિચાર આવ્યો એ જ ઘણું છે… તેં આજે માત્ર ભેટ નથી આપી ! મને અનહદ સુખ આપ્યું છે… અનહદ સુખ.’ નીતાએ નજાકતથી મોગરાનું ફૂલ હાથમાં લીધું. નાક પાસે ધરી, ઊંડો શ્વાસ લીધો. હળવેથી આંખના પોપચાં બંધ કર્યા ને મોગરાની મધમીઠી સુવાસ ફેફસામાં ભરી. એકાએક જ એના હૃદયમાંથી અણખૂટ વાત્સલ્યનો ધોધ ફૂટી નીકળ્યો. એણે પલકને છાતીમાં ભીંસી દીધો ચપોચપ ! એ સાથે જ અઢળક વહાલનું આખુંય ઉપવન મહોરી ઊઠ્યું !…. ને બંધ પોપચામાંથી ખરી પડ્યાં બે અશ્રુબિંદુ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સદાબહાર ચરોતર – મણિલાલ હ. પટેલ
બંધબેસતું નામ – ગિરીશ ગણાત્રા Next »   

21 પ્રતિભાવો : અનહદ સુખ – કલ્પના જિતેન્દ્ર

 1. ખુઅબ સુંદર હ્રદયસ્પર્શી વારતા

 2. trupti says:

  Very touchy and emotional story.

 3. Vipul Panchal says:

  Heart touching story.

 4. Hardik says:

  khub saras vaarta

 5. ruchir says:

  m in melbourne from last 3 years. and m missing my mom…
  bas etlu j kehvu che ke vanchi ne radvu aavi gayu…
  thanks..

 6. Vaishali Maheshwari says:

  Truly very touchy story.

  I also could not stop my eyes from getting wet while reading this story.
  Full of emotions.

  Enjoyed reading it.
  Short and sweet.

  Thank you Mrs. Kalpana Jitendra.

 7. nayan panchal says:

  કેટલી સીધીસાદી પરંતુ અસરકારક, સંવેદનશીલ વાર્તા.

  ખૂબ આભાર,
  નયન

 8. Veena Dave, USA says:

  ખુબ સરસ્.

 9. Lata Hirani says:

  સરસ વાર્તા

 10. Bhaumik Trivedi says:

  simply great

 11. Riya says:

  Very sweet story.

 12. Premal says:

  Really Nice story

  Couldnt stop tears to come to my eyes. Really good story

 13. Meghana says:

  very very nice story.

 14. Milin says:

  બસ ! મારા દીકરા, બસ !’ નીતાનો સ્વર રૂંધાયો : ‘તું આ બધું કદાચ ન કરી શકે, તો ય તારા મનમાં આટલું કરવાનો વિચાર આવ્યો એ જ ઘણું છે…

  બસ આ એક જ વાક્ય બધુ કહી દે છે.

 15. ભાવના શુક્લ says:

  અરે આતો અદલ મારી અને મારા નાનકાની જ વાતો!!

 16. sima shah says:

  ખરેખર ખૂબ જ સરળ, સુંદર અને અત્યંત હ્રદયસ્પર્શી વાર્તા…..
  વાંચતા જ રડવું આવી ગયું……….
  આભાર
  સીમા

 17. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ

 18. Bhavita says:

  ખુબ જ સુન્દર …

 19. Chirag Patel says:

  WHAT? I didnt get it…. what was the morel of the story?

 20. Ashish Dave says:

  Reading about chocolates on a pre Halloween day. There are all kinds of chocolates in my office and even I cannot stop my self from eating them but tomorrow we will have to stop our daughter from eating too many candies…

  Heart touching story.

  Ashish Dave
  Sunnyvale, California

 21. sunil u s a says:

  ખીબ જ લાગણીસીલ ક્રુતિ અભિનન્દ્ન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.