- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

સંસાર – પ્રકાશ લાલા

[‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર. રીડગુજરાતીને આ નાટક પ્રકાશિત કરવા માટે પરવાનગી આપવા બદલ શ્રી પ્રકાશભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9426084632. કૃપયા નાટકની ભજવણી કરતાં પહેલાં લેખકશ્રીને જાણ કરવી…]

પાત્રો :
રેખાબહેન, રાકેશભાઈ
સંગીતાબહેન, મનસુખ કાકા
બીનાબહેન, રીટાબહેન

(સ્થળ : રેખાબહેનનું ઘર. સમય : સવારના અગિયારેકનો. રેખાબહેન રૂમમાં બધું સરખું કરી રહ્યાં છે. સંગીતાબહેન આવે….)

સંગીતા : ‘રેખાબહેન, આવું કે ?’
રેખા : ‘આવો, સંગીતાબહેન, આવો….’
સંગીતા : ‘આ તો જરા મેળવણ લેવા આવી તી….’
રેખા : ‘હા તે આવોને….’
સંગીતા : ‘મેળવણ પડ્યું છે, રેખાબહેન… ?’
રેખા : ‘હા, આપું પણ બેસો તો ખરાં…..’
સંગીતા : ‘ના રે, બાપ, બેસવાનો ટાઈમ નથી. (કહેતાં બેસે.)’
રેખા : ‘કેમ, બહુ કામ છે ?’
સંગીતા : ‘રેખાબહેન, કામનું તો પૂછશો જ નહીં ? હજી રસોઈ અડધી બાકી છે. એ કરીશ ત્યાં સાસુ-સસરાને જમવાનો ટાઈમ થઈ જશે. એમને જમાડીશ ત્યાં છોકરાંઓ સ્કૂલેથી આવી જશે. એટલે એમને જમાડવાનાં, પછી હું જમીશ. ને બધું આટોપી રહીશ ત્યાં કામવાળી બહેન આવી પહોંચશે. એ વાસણ ઘસીને, કચરાં-પોતાં કરીને જશે ત્યારે બરાબર બે વાગી રહેશે. બોલો છે બેસવાનો સમય મારી પાસે ?’
રેખા : ‘ના, હોં. આપણે બહેનોને તો કામનું ચક્કર ચાલતું જ રહેવાનું !’ (કહેતાં ઉભાં થાય…)
સંગીતા : ‘રેખાબહેન, પેલી બીનાડીનો ફોન આવ્યો હતો ?’
રેખા : ‘હા…. આજે સાંજે એમના ઘરે આવવાનું નિમંત્રણ આવ્યું છે….’
સંગીતા : ‘મનેય કહેવડાવ્યું છે… તે હેં રેખાબહેન, (પાછાં બેસી જાય….) શું કામ આપણને નિમંત્રણ આપ્યું હશે ?’
રેખા : ‘એ તો ખબર નથી.’
સંગીતા : ‘તે તમે પૂછ્યું નહીં બીનાને….’
રેખા : ‘મેં પૂછેલું ને… તો કારણ ના જણાવ્યું…. કહે ચોક્કસ આવજો… સાથે બેસીને ચા-પાણી કરીશું.’
સંગીતા : ‘હં… ચા-પાણી ! એ બહુ પાકી ને ગણતરીબાજ છે. એમને એમ આપણને ચા તો શું, પાણીય પાય એવી નથી.’
રેખા : ‘તો શું કામ હશે ? સંગીતાબહેન, તમે તો બીનાબહેનને પૂછ્યું જ હશે ને ?’
સંગીતા : ‘ના રે મારી બઈ, મને તો એવી પંચાત ને લપ કરવાની ટેવ જ નથી. હું ભલીને મારું કામ ભલું… (બોલતાં બોલતાં બહાર નીકળે…. રેખાબહેન એમની પાછળ પાછળ જાય…)’
રેખા : ‘તો શું હશે ?’

દશ્ય-2

(ગેલેરી કે ઓટલો…. બંને બહેનો ગેલેરીમાં આવીને ઊભી છે. ત્યાં વાતો કરે છે.)
સંગીતા : ‘એ પૂછવા જ આવી હતી કે તમને કંઈ ખબર છે ?’
રેખા : ‘ના પણ સંગીતાબહેન, તમે તો મેળવણ લેવા આવેલાં ને ?’
સંગીતા : ‘હેં ? હા…હા…. લે, આ રીટા આવી… આવ અલી, આવ.’
રીટા : ‘સંગીતાબહેન, અત્યારના પહોરમાં તમે અહીં ? નવરાં પડી ગયાં કે શું ?’
સંગીતા : ‘મને ને નવરાશ. રામ રામ કર મારી બહેન… મને તો જરાય ફૂરસદ નથી….’
રેખા : ‘એ તો જરા મેળવણ લેવા આવ્યાં છે.’
સંગીતા : ‘હા.. પણ રીટા, તને આમંત્રણ છે કે નહીં ?’
રીટા : (સમજી જતાં) ‘બીનાબહેનના આજ સાંજના આમંત્રણની વાત કરો છો ?’
સંગીતા : ‘હા, એની જ તો વળી…’
રીટા : ‘હા….. એમનો બાબો કહી ગયો છે હમણાં…..’
સંગીતા : ‘તે કેમ બોલાવ્યાં છે ?’
રીટા : ‘એની ખબર નથી. એમના બાબાને કંઈ પૂછું એટલીવારમાં તો કહીને ભાગી જ ગયો.’
રેખા : ‘હં…. પણ શું લાગે છે તમને !’
રીટા : ‘શેનું ?’
સંગીતા : ‘ના રે ભઈ સાબ… આપણે તો એવી પંચાત કરવાની ટેવ જ નથી… આ તો એમ કે તને કંઈ ખબર પડી હોય તો….’
રીટા : ‘ના…..’
સંગીતા : ‘તો હવે કોને ખબર હશે ?’
રેખા : ‘સોસાયટીની દરેક મહિલાને પૂછવું પડે જો કોઈકને કંઈક ખબર હોય તો… પણ એવો ટાઈમ જ નથી ને, ખરું ને સંગીતાબહેન…’
સંગીતા : ‘હાસ્તો… આપણે કામથી કામ રાખો… કહ્યું છે કે સાંજે આવી જજો તો જઈ આવવાનું….’
રીટા : ‘એય સાચું….’
સંગીતા : ‘પણ કોઈકને તો બીનાડીએ કારણ કહ્યું હશે ને !’
રેખા : ‘આપણે ફોન કરીને બીના બહેનને જ પૂછીએ…. જો એ કંઈક કહે તો !’
રીટા : ‘ના, રે એવી આપણે શું ગરજ છે ! સાંજે જઈશું એટલે ખબર પડી જ જવાની છે ને ?’
સંગીતા : ‘હાસ્તો….વળી….’
રીટા : ‘ચાલો, હું જાઉં… મારી બેબીને સ્કૂલેથી લઈ આવવાનો ટાઈમ થવા આવ્યો છે… આવજો, સાંજે મળીશું…’
સંગીતા : ‘હા, બીનાને ત્યાં…. આવજે…. રેખાબહેન, હું ય જઉં ત્યારે… મારેય મોડું થઈ જશે…. તે કામ કેટલાં પડ્યાં છે… જરાય ટાઈમ જ નથી મારે….. (જાય…..)
રેખા : ‘હા, ભલે….. (યાદ આવતાં) અરે પણ તમારે મેળવણ જોઈતું હતું ને ? લેતાં જાવ એ…. ખરાં છે, જે લેવા આવ્યાં હતાં તે લીધા વગર જ જતાં રહ્યાં સંગીતાબહેન….’ (અંદરથી વડીલ મનસુખકાકા આવે છે.)
મનસુખ : ‘રેખા બેટા…. ચિંતા ના કર…. એ બહેનને મેળવણ જોઈતું જ નહોતું. એ તો જાણવા આવ્યાં હતાં.
રેખા : ‘શું, બાપુજી ?’
મનસુખ : ‘એ જ કે પેલાં બીનાબહેને તમને મહિલા મંડળને એના ઘરે કેમ બોલાવ્યાં છે ?’
રેખા : ‘હા, હોં…. વળી વળીને એજ પૂછતાં હતાં.’
મનસુખ : ‘મેં અંદર બેઠાં બેઠાં જે સાંભળ્યું એના પરથી કહું છું કે મેળવણ લેવાનું તો બહાનું હતું…. ખરી બાઈ છે, બેસવાનો ટાઈમ નથી-ટાઈમ નથી કહેતાં કહેતાં બેસીને કેટલી વાતો કરી ગઈ… વાહ…. પ્રભુ, શું નમૂનો ઘડ્યો છે તેં !
(હસે…. રેખા પણ હસે….. ફેડ આઉટ)

દશ્ય-3
(સ્થળ : બીનાબહેનના ઘરનો ગાર્ડન…. અથવા થોડો વૈભવી લાગે તેવો તેમનો ડ્રોઈંગ રૂમ…. બીનાબહેન પોતે ‘કંઈક’ છે, સોસાયટીની બીજી બહેનો કરતાં વધુ પૈસાદાર, જાણકાર છે તેવો દેખાડો કરનાર પ્રકારનાં છે. ઠઠારો વધુ કર્યો છે…. એમને ત્યાં બહેનો આવવા માંડી છે.)

બીના : ‘યસ વેલકમ, સંગીતાબહેન, રીટાબહેન…. બેસો.’
રીટા: ‘કેમ છો, બીનાબહેન ?’
બીના : ‘ફાઈન… અરે, રીટાબહેન-સંગીતાબહેન મોસ્ટ વેલકમ.. તમે આવ્યાં તે ગમ્યું… ગુડ…’
સંગીતા : ‘બીનાબહેન, તમે નિમંત્રણ આપ્યું હોય તો આવવું જ પડે ને ? ખરૂ ને રીટા… બાકી મને તો જરાય ટાઈમ નથી હોતો…’
રેખા : ‘આવું કે બીના બહેન ?’
બીના : ‘વેલકમ વેલકમ રેખાબહેન… ઓહ, અમીબહેન આવો… ફાઈન…. તમે લોકો મારા ઈન્વીટેશનને માન આપીને આવ્યાં તે માટે થેન્ક્યુ વેરી મચ.’
સંગીતા : ‘હા, પણ અમને ભેગાં કરવાનું કારણ તો કહો મારી બહેન….’
બીના : ‘કારણ… નથીંગ સ્પેશિયલ, ખાસ કંઈ નહીં…પણ….’
સંગીતા : (હળવેથી રીટાબહેનને) ‘જો ને વાતમાં કેવું મોણ નાખે છે. આ બીનાડી, કહેતી હોય તો કહી દેને મારી બઈ !!’
રેખા : (ઈશારાથી સંગીતાબહેનને ચૂપ રહેવા કહે….) ‘તોય બીનાબહેન કંઈક તો હશે જ…’
બીના : ‘વાત એમ છે બહેનો કે અમે કાલે જ ઓવન ને માઈક્રોવેવ ખરીદ્યાં…. તે થયું કે સોસાયટીની બહેનોને ઘરે બનાવેલી કેક કે બિસ્કીટ ખવડાવું….’
રેખા : ‘વાહ… અભિનંદન બીના બહેન….’
રીટા : ‘હા… કોન્ગ્રેચ્યુલેશન્સ ફોર યોર ન્યુ ઓવન એન્ડ માઈક્રોવેવ.’
બીના : ‘એવું છે ને કે મને અને મારા મિસ્ટરને કેક બહુ જ ભાવે પણ બહારની કેક તો કેવી ય હોય એટલે થયું કે ઓવન વસાવી લીધું હોય તો મન થાય ત્યારે ફ્રેશ કેક ને બિસ્કીટ બનાવીને ખવાય. ખરું ને, સંગીતાબહેન…!’
સંગીતા : ‘હેં…હા…. એ તો છે જ ને !’
બીના : ‘ને માઈક્રોવેવ પણ વસાવી લીધું. ફટ દઈને ખાવાનું ગરમ થઈ જાય…. ગેસ સળગાવવાની કડાકૂટ નહીં. ને એમાં પાપડ તો એવા સરસ શેકાય છે કે ના પૂછો વાત.’
રીટા : ‘માઈક્રોવેવમાં પૂરણપોળીનું પુરણ પણ સરસ થાય છે એમ કોઈ કહેતું હતું !’
બીના : ‘હાસ્તો…. એટલે જ મેં લઈ લીધું. ચિંતા જ નહીં.’
સંગીતા : (રેખાને ધીરેથી) ‘જાણે રોજ કેકો-બિસ્કીટો ને પુરણપોળીઓ ખાતી હોય એવી વાત કરે છે….. ચાપલી નહીં તો !!!’
રેખા : (ઈશારાથી ચૂપ રહેવા કહે છે….) ‘સાંભળી જશે, તમેય શું સંગીતા બહેન…..’
બીના : ‘શું ? કંઈ કહ્યું તમે ?’
સંગીતા : ‘ના, ના. એ તો હું એમ કહેતી હતી કે બીનાબહેનને આ બધું પોષાય… આપણો કલાસ નહીં.’
બીના : (જરા ફુલાઈને) ‘એવું નથી પણ જરા કોસ્ટલી આઈટેમ્સ ખરીને એટલે….’
રેખા : ‘કેટલાનું આવ્યું ઓવન ?’
બીના : ‘ઘણીય કંપનીનાં મળે છે માર્કેટમાં, ને એ રીતે દરેકના રેટ પણ અલગ અલગ હોય, પણ મને તો પહેલેથી સ્ટાન્ડર્ડ વસ્તુ જ ગમે… એટલે ચાલુ કે નવી કંપનીની ચીજ સસ્તી હોય તો ય ક્યારેય મારે લેવાની જ નહીં……’
અમી : ‘હાસ્તો… સસ્તું એ સસ્તું…’
જિજ્ઞા : ‘એ બહુ ચાલે ય નહીં….’
બીના : ‘પહેલેથી જ મારે બ્રાન્ડ નેઈમવાળી જ આઈટેમ વસાવવાનો નિયમ…. એટલે આ ઓવન ને માઈક્રોવેવ પણ ટોપ કંપનીનાં જ લીધાં. પૈસા ખાસ્સા આપવા પડ્યા પણ બ્રાન્ડ નેઈનના પૈસા તો હોય જ ને ?’
રેખા : ‘સરસ…. બેય કેટલામાં પડ્યાં ?’
બીના : (સાંભળ્યું ન હોય એમ) બેસો. હું ઓવનફ્રેશ કેક ને બિસ્કીટ ખવડાવું તમને…’ (અંદર જાય છે…)

સંગીતા : (મોઢું મચકોડીને) ‘બોલી મોટી ‘ફ્રેશ કેક.. બહારની કેક તો કેવીય હોય…. પેલી પાણીપુરીની લારી ઉપર ઊભી ઊભી પાણીપુરી ખાય છે ત્યારે બહારનું ને ફ્રેશ બધું ક્યાં જાય છે ?’
રીટા : ‘ધીરે… સંગીતાબહેન… સાંભળી જશે તો ખરાબ લાગશે…..’
રેખા : ‘સંગીતાબહેન, હવે આપણને કેમ બોલાવ્યાં એની ખબર પડી ગઈ ને ?’
સંગીતા : ‘હા… એની મોટાઈ દેખાડવા. એણે કરેલી ભારે ખરીદીની જાહેરાત કરવા….’
રીટા : ‘હં…. પોતે કંઈક છે એમ દેખાડવા ને આપણને જલાવવા…..’
રેખા : ‘એ જ હોય ને પણ ઓવન ને માઈક્રોવેવ ઉપયોગી આઈટમ તો ખરી જ.’

(ત્યાં બીનાબહેન પ્લેટસમાં કેક-બિસ્કીટ લઈને આવે…..)
બીના : ‘લો, ચાખો ઘરની કેકની મજા જ કંઈ ઓર હોય. આ બિસ્કીટ પણ મેં બનાવ્યાં છે ને તાજાં જ છે…. ખાવ. (બધાંને આપે છે, સૌ ખાય છે…)
રેખા : ‘ખરેખર સરસ બની છે કેક….’
બીના : ‘બને જ ને ! ઘરનું ઓવન હોય પછી આપણે જેવી બનાવવી હોય એવી કેક બને…. લો અમીબહેન…’
રેખા : ‘ના, ભઈ સાબ… હું તો ડાયટિંગ કરું છું.’
બીના : ‘એટલી કેકમાં શું ? લો, થોડી ખાવ… સંગીતાબહેન, આ જોવા નથી મૂકી. ખાઈને અભિપ્રાય આપો કે કેવી બની છે ?’
સંગીતા : ‘તમે બનાવી હોય પછી કંઈક કહેવાનું જ ના હોય ને… તમે તો એક્સપર્ટ છો….’
રેખા : ‘સાચી વાત છે. માત્ર ઓવન વસાવી લેવાથી કામ નથી થઈ જતું. એમાં સારી રીતે કેક બનાવતાં પણ આવડવું જોઈએ.’
બીના : ‘મુદ્દાની વાત કરી…. મારી જેઠાણીને ત્યાં ચાર દહાડા પહેલાં જ ઓવન ખરીદ્યું છે. એમણે એમાં કેક બનાવેલી, મોમાં ય ન પેસે એવી…’
રીટા : ‘ને તમારી કેક જુઓ….. કેવી ટેસ્ટી ને મોમાં મૂકતાં જ ઓગળી જાય તેવી સરસ બની છે.’
બીના : ‘મેં તો એ જ દિવસે મનમાં નક્કી કરી લીધેલું કે હું ઓવન વસાવીશ ને અફલાતૂન કેક બનાવીને એમને ચખાડીશ ને કહીશ કે કેક આને કહેવાય. વસ્તુ વસાવીએ તો બરોબર વાપરતાં ય આવડવું જોઈએ. રેખાબહેન એક પીસ હો જાય…..’
રેખા : ‘ના….. ના…. કેકમાં કેટલી બધી કેલરી આવે… મારું વજન વધી જાય….’
બીના : ‘એમ એક ટુકડામાં કેલેરી ન વધી જાય…. લો ને હવે માન ના માંગો.’
રેખા : ‘માન માંગવાની વાત નથી…. પણ (એક પીસ લે છે) થેંક્યુ… હવે નહીં….’
સંગીતા : ‘ચાલો ત્યારે હું જાઉં. તમને ખૂબ અભિનંદન.. આવીને આવી કેક વાર-તહેવારે ખવડાવતા રહેજો….’
રીટા : ‘ઉભાં રહો, સંગીતાબહેન…. હું ય આવું જ છું…..’
રેખા : ‘ચાલો, બીનાબહેન…. મજા આવી ગઈ…..’
બીના : ‘બસ ત્યારે આપણું તો કામ જ સૌને આનંદ કરાવવાનું છે. મજા આવીને કેક ખાવાની ?’
રેખા : ‘હા…. ખૂબ મજા આવી….’
અમી : ‘અમેય જઈએ ત્યારે….’
બીના : ‘જઉં જ છે ? ઓ….કે…. આવજો બધાં….’
(બધાં એકઝીટ કરે… બીનાબહેન ગર્વથી બધાંને જોઈ રહ્યાં છે…. ગર્વથી બધાં જઈ રહ્યાં છે. ત્યાંથી કેક ઉપર ફોક્સ… ને ફેડ આઉટ….)

દશ્ય-4

(રેખાબહેનના ઘરનો બેઠક ખંડ…. બીજા દિવસની સવાર એમના પતિ રાકેશભાઈ ટેબલ-ખુરશી ઉપર બેઠા બેઠા કંઈક હિસાબ ટપકાવી રહ્યા છે. રેખાબહેન અંદરથી કંઈક કામસર બહાર આવે….. રાકેશ તરફ જુએ… એનું ધ્યાન નથી એટલે પાછા અંદર જાય… પાછાં આવે… જુએ પછી…. હળવેથી….)

રેખા : (લાડથી-પ્રેમથી) ‘કહું છું….’
રાકેશ : ‘સાંભળું છું. બોલો.’ (હિસાબ લખવાનું ચાલુ રાખે….)
રેખા : ‘એમ નહીં અવે’ (વધુ નજીક જઈને…)
રાકેશ : (ઊંચે જોયા વિના જ) તો કેમ ? સાંભળવાની કોઈ નવી રીત તમે શોધી છે ?’
રેખા : (પ્રેમ ભર્યા ગુસ્સાથી) ‘તમેય શું ! લખવાનું બંધ કરીને મારી સામે જુઓ….’
રાકેશ : (પેન-કાગળ બાજુએ મૂકી, રેખા તરફ જુએ….) ‘લો જોયું…. ના, હેર સ્ટાઈલ તો એ જ છે…. હં… ઈયરીંગ્સ નવાં છે ? ગળાનો દોરો નવો લાવી ?’
રેખા : ‘ના, ના….’
રાકેશ : ‘તો પછી શું જોવાનું કહે છે ?’
રેખા : ‘તોબા તમારાથી ! હું કહું છું કે ઉંચે જુઓ ને મારી વાત સાંભળો….’
રાકેશ : ‘હં….હં… પણ રેખા, હું બધાં માણસોની જેમ વાત કાનથી જ સાંભળું છું, આંખોથી નહીં કે એ માટે તારી વાત સાંભળવા તારી સામે જોવું પડે…’
રેખા : ‘તમે સવારના પોરમાં આડું અવળું બોલીને મારી ફિરકી લેવાનું જ નક્કી કર્યું છે કે શું ?’
રાકેશ : ‘હોય કંઈ ! પણ તેં સવારના પોરમાં શું કહેવાનું નક્કી કર્યું છે એ કહી દે !’ (કહેતાં હિસાબની નોટ લઈને અંદરના રૂમમાં જાય…. રેખા પાછળ જાય)

દશ્ય-5

(બેડરૂમમાં બંન્નેની વાત ચાલે છે….)
રેખા : ‘તમે ધ્યાનથી સાંભળવાના હો તો કહું….’
રાકેશ : ‘ક્યારથી સંભળાવવા માટે તો મારું ધ્યાન ખેંચતી હતી…. હવે શું છે ?’
રેખા : ‘વળી પાછી મજાક !’ (રીસાય છે…)
રાકેશ : ‘સોરી…. ધ્યાનથી સાંભળું છું તારી વાત, ઓ.કે. ?’
રેખા : ‘હં….પ્રોમીસ કરો કે મારી વાતને મજાકમાં ઉડાવી નહીં દો…!!’
રાકેશ : (સ્વગત) વાત સાંભળ્યા પહેલાં પ્રોમીસથી મને બાંધી દેવા માંગે છે…. મતલબ કંઈક ગરબડ છે…
રેખા : ‘શું કહ્યું ?’
રાકેશ : ‘હોય કંઈ… કહેવાનું ડીપાર્ટમેન્ટ તો તારી પાસે છે…. મારે તો તું કહે એમ કરવાનું જ હોય છે ને…’
રેખા : ‘પાછી મજાક શરૂ કરી ? પ્રોમીસ આપો…’
રાકેશ : ‘જીદ કરે છે તો પ્રોમીસ આપું છું પણ એ પાળીશ કે નહીં તે તો તારી વાત સાંભળ્યા પછી જ નક્કી કરીશ….’ (ડ્રોઈંગ રૂમમાં આવે છે…. રેખા પણ…)

દશ્ય-6

રેખા : ‘તમને તકલીફ પડે એવી કોઈ વાત નથી.’
રાકેશ : ‘તો ચિંતા કર્યા વિના કહી નાખ…’
રેખા : (વિચારીને)…. એ તો હું એમ કહેતી હતી કે…..’
રાકેશ : ‘શું કહેતી હતી…. બોલી નાખ…!’
રેખા : ‘એ તો છે ને તે આપણે ઓવન લાવીએ !’
રાકેશ : (ન સાંભળ્યું હોય એમ ચમકીને) ‘શું લાવવું છે?’
રેખા : ‘ઈલેક્ટ્રિક ઓવન…. બહુ સરસ ઉપયોગી છે…’
રાકેશ : ‘એમ ?’
રેખા : ‘હા… એમાં કેક ને બિસ્કીટ ઘરે સરસ બનાવી શકાય… હાંડવો ય ફક્કડ બને છે ઓવનમાં….’
રાકેશ : ‘અચ્છા… પણ આમ અચાનક જ ઓવન કેમ યાદ આવી ગયું ?’
રેખા : ‘હેં ?…. ના, ના…. અચાનક શેનું ? હું તો, કેટલાય વખતથી એ વસાવવાનું વિચારું છું….’
રાકેશ : ‘પણ આજે, સવારના પોરમાં જ ઓવન યાદ આવવાનું ખાસ કારણ ?’
રેખા : ‘ઓવનની તો બહુ જ જરૂર છે ને એટલે…. આપણે લાવી જ દઈએ, હોં ને !’
મનસુખ : ‘શુ લાવવાની વાત ચાલે છે, ભાઈ ?’
રાકેશ : ‘એ તો… બાપુજી….’
મનસુખ : ‘બાપુજીને લાવવાની વાત છે ? હું તો આવેલો જ છું, ભાઈ….’
રેખા : (રાકેશને) ‘તમેય શું ? બાપુજી, વાત જાણે એમ છે ને કે…. હું એમને કહેતી હતી કે… ઓવન લાવી દઈએ તો બાપુજીને કેક છે, બિસ્કીટ છે… ઘરે જ તાજાં બનાવીને ખવડાવી શકાય !’
મનસુખ : ‘એમ કે ? બહુ સરસ….’
રેખા : ‘જોયું ? બાપુજી પણ એગ્રી થઈ ગયા….’
મનસુખ : (હસી પડતાં) હું ક્યાં ઓવન લાવી જ દો એમ બોલ્યો છું… હા… ના ય નથી પાડી એટલે રેખા વહુ, તમારે જે અર્થઘટન કરવું હોય એ કરી શકો ખરાં…..’
રાકેશ : ‘પણ હું એમ પૂછું છું કે તને એકાએક ઓવન લાવવાનું મન થઈ ગયું છે ?’
રેખા : ‘આ આઈટમ ઘણી જ ઉપયોગી હોવાથી મને તે ઘણાય સમયથી થતું હતું કે ઓવન લાવી જ દઈએ ! લાવીશું ને?’
રાકેશ : ‘પણ હું એમ પૂછું છું કે એ તારા ઓવન વગર અત્યાર સુધી આપણા ઘરમાં કંઈ અટકી પડ્યું હતું ?’
રેખા : ‘એવું નહીં પણ….’
રાકેશ : ‘ને એ નથી તો આપણે કેટલા દિવસ ભૂખ્યા રહ્યા, હેં ?’
રેખા : ‘તમે મારો મુદ્દો સમજ્યા વિના આડું અવળું ના બોલ્યે રાખો, કહું છું.’
રાકેશ : ‘હું આડીઅવળી નહીં, બિલકુલ મુદ્દાસરની જ વાત કરું છું. ઓવન નથી તો આપણે શું ખાધાપીધા વિના રહી ગયા ?’
રેખા : ‘વાતને એમ આડે પાટે ના ચઢાવશો તમે….’
રાકેશ : ‘મારી વાતની ગાડી તો સાવ સીધા પાટા ઉપર જ ચાલે છે.’
રેખા : ‘ઘરમાં કઈ ચીજની ક્યારે જરૂર પડે ને કેટલી ઉપયોગી હોય છે એ વાતની તમને પુરુષોને ખબર ના પડે…’
રાકેશ : (કટાક્ષ) ‘એમ….?’
મનસુખ : ‘હા…. એ તો છે જ, સ્ત્રી ઘરની રાણી, હોમ મિનિસ્ટર…. એમને એય કહેવાય છે ?’
રેખા : ‘જોયું ? બાપુજીને મારી વાત સમજાય છે કે ઓવન ઘરમાં જરૂરી છે જ….’
રાકેશ : ‘બાપુજી, તમે એવું કહ્યું ?’
મનસુખ : ‘મેં એવું ક્યાં કહ્યું છે ! મેં તો ઘરના કામકાજમાં સ્ત્રીને વધુ ખબર પડે એવા રેખા વહુના સ્ટેટમેન્ટને સ્વીકાર્યું ખાલી….’
રેખા : ‘તમે જે માનો તે….. પણ આપણે ઓવન વસાવી લઈએ હોં !’
રાકેશ : ‘ભલે… તું તારી જીદ નહીં છોડે, એમને ?’
રેખા : ‘આમાં જીદ ક્યાં આવી ? ઓવન હું મારા માટે લાવવાનું કહું છું….? ઘરમાં આવશે તો બધાંને એનો લાભ મળવાનો છે….’
મનસુખ : (મજાકના ટોનમાં) ‘હા,…. હોં…. રાકેશ, વહુની વાત સાવ સાચી છે ને પાછું ઓવન વસાવીને ય એમાં રાંધવાનું તો એને જ બિચારીને…..’
રેખા : ‘હાસ્તો….’
રાકેશ : ‘ભલે… તું આગ્રહ કરે છે તો ઓવન ખરીદી લઈશું…. (વિચારીને….) ક્યાં મળે છે ?’
રેખા : ‘ક્યાંય પણ ઈલેક્ટ્રિક સાધનોવાળાની કે ક્રોકરી-વાસણવાળાની દુકાને મોટા દરેક મોલમાં મળે છે.’
રાકેશ : ‘વાહ, બધી માહિતી છે ને કઈ કંપનીનું સારું ?’
રેખા : ‘એ તો ત્યાં જઈને જોઈશું. ને સારું હશે તે લેવાનું….’
મનસુખ : ‘હા…. એ બરાબર… આવી વસ્તુઓ જાતે જઈને જોયા વિના ખબર ના પડે….’
રાકેશ : ‘પણ કેટલાનું આવતું હશે ઓવન ? આપણા બજેટમાં હોવું જોઈએ ને….’
રેખા : ‘કંપની પ્રમાણે કિંમત હોય છે. રૂ. 1500 થી લઈને રૂ. 5000 સુધીની….’
રાકેશ : ‘ના હોય એટલી કિંમત !’
રેખા : ‘હોય, કહું છું ને…. એ રેન્જમાં જ મળે છે.’
રાકેશ : ‘એમ ? મને લાગે છે દસેક હજાર તો થતા જ હશે.’
રેખા : ‘નથી હોતી દશ હજાર કિંમત… મેં કહ્યું ને કે 1500 થી 5000 માં જેવું જોઈએ એવું મળી શકે છે.’
રાકેશ : ‘મારા માન્યામાં નથી આવતું. એટલી ઓછી કિંમતમાં ઓવન ના મળે.’
રેખા : ‘ના અવે. મળે કહ્યું ને…..’
રાકેશ : ‘ના મળે…’
રેખા : ‘અરે પણ બાજુવાળાં બીનાબહેન કાલે જ લઈ આવ્યાં…. ટોપ બ્રાન્ડનું તોય 5000થી વધારે નથી થયા.’
રાકેશ : ‘હં… પકડાઈ ગયું રહસ્ય !’
રેખા : ‘રહસ્ય ? શેનું રહસ્ય ?’
રાકેશ : ‘તારી ઓવનની માંગણીનું ને અચાનક એ વસાવવાની ઈચ્છાનું રહસ્ય….’
રેખા : ‘એટલે ?’
મનસુખ : ‘એટલે એમ કે બીનાબહેનને ત્યાં ઓવન આવ્યું તો રેખાબહેન એના વગર કેમ રહી જાય !’
રાકેશ : ‘બીનાબહેન બધાં આગળ વટ મારતાં ફરે કે અમે તો આ લાવ્યા ને પેલું લાવ્યા….’
મનસુખ : ‘તો રેખાબહેનની પોજીશનમાં પંચર પડી જાય પાછું…..’
રેખા : ‘બાપુજી, એવું નથી… પણ….’
મનસુખ : ‘તું કહે કે ના કહે…. પણ બધાંમાં આ તત્વ પડેલું હોય છે. બીનાબહેનના જેવી જ વસ્તુ ફટાફટ લાવી દઈને બતાવી દઉં કે ‘હમ કિસી સે કમ નહીં….’’
રેખા : ‘મારો ઈરાદો એવો નથી !’
મનસુખ : ‘વહુ દીકરા ! આપણી પ્રગટ રીતે એવી ઈચ્છા ન હોય તો ય આંતરમન ઝંખતું જ હોય કે હું પણ વટબંધ સહુને કહેતી ફરું કે મારે ત્યાંય ઓવન છે… એમાં આપણો છૂપો અહં પોષાતો હોય છે… મનને શાંતિ મળતી હોય છે…..’
રેખા : ‘પણ તમે મારી વાત….’
રાકેશ : ‘તારી વાત સમજી ગયા છીએ અમે… ગઈકાલ સુધી જે ચીજ વિના આપણને ચાલ્યું એની અચાનક જ, અનિવાર્યતા સમજાય.. એ કેવું ?’
મનસુખ : ‘હા…. જરૂર હોય, એ ચીજ વગર અટકી પડ્યું હોય તો ગમે તેમ કરીને, કરકસર કરીને કે હપ્તેથી લાવવી પડે… પણ કોઈના દેખાદેખી લાવવાની ઈચ્છા જાગવી અને એને ગમે તે ભોગે પૂરી કરવાની વાત નરી ઘેલછા કહેવાય.’
રાકેશ : ‘યસ, મેડનેસ !’
મનસુખ : ‘આ દેખાદેખી ને કોઈના વાદે કંઈક કરવું જ એ માનસિકતામાંથી બચવામાં જ તમારા જેવી સમજદાર બહેનોનું શાણપણ છે.’
રાકેશ : ‘બીનાબહેન ને લીનાબહેન… એ બધાંને પોષાતું હોય ને એમની જરૂરિયાત હોય તો ભલે ને ઘેર હાથી બાંધે. પણ એમનું જોઈને આપણે ઘેર હાથી બાંધવા જઈએ તો શું થાય ?’
મનસુખ : ‘આપણું ઘર પડી જાય….. પેલી ઘરડાંની કહેવત જેવું : લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય !!!’
રેખા : ‘સોરી… મારી ભૂલ થઈ ગઈ…’
મનસુખ : ‘સરસ, વહુ દીકરા, જાગ્યા ત્યાંથી સવાર…. હવે મનને એવું કેળવો કે દેખાદેખીનો વાઈરસ એને અસર ના કરી શકે.’
રાકેશ : ‘હા… સમજાય છે ને ?’
રેખા : ‘હા….’
મનસુખ : ‘તો પછી એ વાત ઉપર એક એક કપ ચા થઈ જાય….’

(સૌ હસે… ફેડ આઉટ)

[સમાપ્ત]