વોકિંગ સ્ટિક – મનહર રવૈયા

[‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર.]

ટન….ટન…ટન… દીવાલ ઘડિયાળમાં વહેલી સવારે છના ટકોરા થયા ને મારી આંખ ખૂલી ગઈ. સવારે બહાર બગીચામાં બેસવાની મને આદત હતી. હંમેશાં મારી પહેલાં જાગીને સવિતા મને ટેકો આપીને બગીચામાં લઈ આવતી કારણ પગની તકલીફના લીધે મારાથી ચલાતું નહીં, પણ હવે સવિતા ક્યાં રહી હતી ? હા, છેલ્લાં એક મહિનાથી મને ખભાનો ટેકો આપી ચાલવામાં સહારો આપવાનું સવિતાનું કાર્ય મારો મોટો પુત્ર વ્યોમ સંભાળતો હતો, પણ મેં જોયું તો આજે વ્યોમ ન હતો. પછી યાદ આવ્યું, ગઈ કાલે સવિતાની વરસીનો જમણવાર હજુ ચાલુ હતો ને વ્યોમ, તેની વહુ કેતકી છોકરાઓને એકઝામ નજીક હોવાથી પુના જવા નીકળી ગઈ હતી. વ્યોમ પુનામાં એક ટુ-વ્હીલર ઉત્પાદન કરતી કંપનીમાં ઓટો એન્જિનિયર હતો.

નાનો અચ્યુત તો એની મમ્મીનું મોઢુંય જોવા પામ્યો ન હતો. બોસ્ટન માર્શથી નીકળી એ ચાર દિવસે આવેલો, પણ રજાની મારામારીમાં સવિતાની ઉત્તરક્રિયા સુધી માંડ રોકાયો હતો. મોટી પુત્રી જ્યોતિ અને નાની ઊર્મિ બંને હજુ રોકાઈ હતી. એ બેય બહેનોને મુંબઈમાં એક જ ઘરે પરણાવેલી હતી. છેલ્લે ઊર્મિનાં લગ્ન બાદ સવિતા સદનમાં હું, સવિતા અને નોકર મંગળ તેમજ મંગળની વહુ ચંપા રહેતાં હતાં. મોટો હવેલી સમો બંગલો સવિતાના સાંનિધ્યમાં ભર્યો ભર્યો રહેતો, પણ સવિતાની વિદાયથી ખરેખર તો એ વખતે ભર્યા ભર્યા ઘરમાં હું એકલો પડી ગયો હતો. એકલતાનું દુ:ખ મને એવું તો ડંખતું હતું કે વાત પૂછો નહીં. પણ કોને કહેવું ? ઔપચારિક દિલાસાના શબ્દો સાંભળી-સાંભળીને હું ઊબકી ગયો હતો.

દાંપત્યજીવનમાં પુરુષ માત્રને પત્નીની ખરી જરૂર તો જીવતરની ઢળતી સંધ્યાએ વધારે હોય છે. સિત્તેર વર્ષે પણ નિયમિત જીવનના કારણે મારું શરીર હાથવગું હતું, પરંતુ સાતેક વર્ષથી એક તકલીફ શરૂ થઈ હતી. સંધિવાના દર્દથી મારા પગ ઢીંચણેથી ઝલાઈ ગયા હતા. એમાં બે વર્ષ પૂર્વે મને ચિકનગુનિયા નડી ગયો અને પગનો દુખાવો વધી ગયેલો. બસ, ત્યારથી સવિતાના ખભાનો સહારો લીધા વગર ચાલી શકાતું નહીં. સવિતાને સતત મારી ચિંતા રહેતી. તે મને એકલો પડવા નહોતી દેતી. આજે બસ એ સવિતાની ખોટ મને સાલવા લાગી. સવિતાને યાદ કરતો હું પલંગમાં બેઠો થયો. સવિતા સામે જ હતી. ટેબલ પર સુખડનો હાર પહેરી, સ્ટીલની સુંદર ફ્રેમ વચ્ચેના પારદર્શક કાચના આવરણ પાછળ એ હસતા ચહેરે બેઠી હતી. વધારે પડતું ચાલવાથી જ્યારે મારા પગે સોજા ચડી જતા, ત્યારે દુખાવાથી કંટાળીને હું સવિતાને કહેતો, જો સવુ મને હવે સોજા ચડવા લાગ્યા. તેથી હવે હું બહુ ઝા…ઝા દિવસ નહીં રહું. કહે છે કે સોજા ચડે એટલે….
‘એટલે શું ?’ એ રોષે ભરાઈ ઊઠતી.
‘એટલે મને ચિંતા થાય છે કે હું નહીં હોઉં પછી તારું શું થશે ?’ અને પ્રત્યુત્તરમાં એ હસતાં હસતાં કહેતી, ‘બસ, બસ…. રાખો. મારી ચિંતા છોડી દો. હું તો તમારી પહેલાં ચૂંદડી ઓઢીને જવાની છું.’
‘અંતે તેં તારું ધાર્યું કર્યું કેમ ?’ હું ગણગણતો પલંગ પાસેની દીવાલના સહારે બહાર આવ્યો.

સામેથી ઊર્મિ આવી રહી હતી. એણે ઝડપથી આવીને મને ટેકો આપી, મારો હાથ પકડ્યો. મને બાથરૂમ તરફ દોરતાં બોલી રહી : ‘શું પપ્પા….! તમે જાગી ગયા તો મને બૂમ ન મરાય ? આમ એકલા ચાલતા ક્યાંક ગબડી પડશો તો આ ઉંમરે ઉપાધિનો પાર નહીં રહે.’
‘પણ બેટા, તું અને જ્યોતિ કેટલા દિવસ ? તમે જશો પછી…. મારેય થોડું થોડું એકલા ચાલવાની ટેવ પાડવી પડશે ને ?’
‘ના તમને તકલીફ ન પડે એટલા માટે મોટી બહેન આજે તમારા માટે વોકિંગ સ્ટિક લાવવાની છે.’
‘સરસ, તો પછી મારે બિચારા મંગળને વારે વારે ટેકો લેવા માટે બોલાવવો નહીં પડે.’
‘હા, એ તમારી વાત સાચી, પણ લ્યો તમે બ્રશ કરી નહાઈને તૈયાર થઈ જાવ…. ત્યાં હું ચા-નાસ્તો બનાવી લાઉં અને બાથરૂમનું બારણું ખુલ્લું જ રાખજો.’ ઊર્મિ મને બાથરૂમમાં છોડીને કિચન તરફ સરકી ગઈ. મને થયું જગતમાં એક દીકરીઓને બાપનું જેટલું દાઝે એટલું બીજાને દાઝે નહીં. એ સાવ સાચું છે. બંને બહેનોને મારી કેટલી ચિંતા છે. આવા વિચારો કરતો હું બ્રશ કરી નહાઈને ધીરે ધીરે દીવાલોના સહારે બહાર ડ્રોઈંગરૂમમાં આવીને બેઠો. મંગળ સવારનું ન્યુઝ પેપર આપી ગયો. તેની ઘરવાળી ચંપા ચા-નાસ્તો ટીપાઈ પર મૂકી ગઈ. જ્યોતિને ન જોતાં મેં ચંપાને પૂછ્યું : ‘જ્યોતિ કેમ નથી દેખાતી ?’
‘મોટી બહેન ઉપરના રૂમમાં તૈયાર થઈ રહી છે.’ મેં વાત ન કરી કે એ બહાર જવાની છે. ચંપાની પહેલાં ઊર્મિ ઉત્તર આપતી બાથરૂમમાં નહાવા માટે ગઈ. રૂમમાં હું એકલો પડ્યો ને સવિતા સાંભરી આવી. બહુ મીઠી ચા હું પી ન લઉં એ માટે સવિતા હંમેશા મારી ચા ચાખી લેતી. ચા-નાસ્તાને ન્યાય આપી, સવિતાને ભૂલવા હું પેપર વાંચવા હાથમાં લઉં…. ત્યાં રૂમમાં ટેલિફોનની રિંગનો અવાજ ગુંજી રહ્યો. મેં હાથ લંબાવીને રિસીવર ઉપાડ્યું.

‘હલ્લો, આપ કોણ ?’
પ્રત્યુત્તરમાં મને સામે છેડેથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો : ‘અરે વાહ…! હજુ આટલાં વર્ષે પણ તારા અવાજનો ટોન જરાય બદલાયો નહીં… હોં કુંદન…’
‘બરાબર સાચું છે, પરંતુ માફ કરજો તમને ઓળખ્યાં નહીં…’
‘બસ એ જ તો મારા બદકિસ્મત છે ને… હું અનિતા…. અનિતા દીવાન.’ અચાનક જ અનિતાનો ફોન પર અવાજ સાંભળીને હું રોમાંચિત થઈ ઊઠ્યો. વાત કોઈ સાંભળતું નથી ને એ ખાતરી કરવા મેં રૂમમાં નજર કરી જોઈ લીધું :
‘સોરી અનુ….! આજ કેટલા વર્ષે તારો અવાજ સાંભળ્યો, જેથી ઓળખી ના શક્યો. અને સાચું કહું તો પહેલાં કરતાં તારો અવાજ બદલાઈ ગયો છે કે નહીં ?’
‘અવાજની તું ક્યાં વાત કરે છે. આટલાં વર્ષોના બદલાતા સમયની સાથે મારી આખી જિંદગી જ બદલાઈ ગઈ છે. એકલતાના એક કિનારાવાળી નદીની જેમ વહી રહી છું. છતાંય તને ભૂલી નથી શકતી.’
‘તો યાદ કરીને મને ફોન ન કરાય ?’
‘પણ મને તારા ફોન નંબરની ક્યાં ખબર હતી. આ તો ગઈ કાલે અનાયાસે જૂની પસ્તીના છાપામાં અવસાન નોંધ અંતર્ગત તારી પત્નીના સમાચાર જોયા. જેથી એક જૂના સંબંધના નાતે તારા દુ:ખમાં સહભાગી બનવા દિલાસો આપવા છાપામાં છપાયેલો નંબર જોઈને ફોન કર્યો છે. જોકે તું બધું સમજે છે. તને દિલાસો આપવાનો ન હોય.’
‘અનુ….! બધું જ સમજું છું, પણ હવે હું એકલો પડી ગયો….’ મારો અવાજ નરમ થઈ આવ્યો.
‘બસ, એક પુરુષ ઊઠીને તું એકલતાથી કંટાળી ગયો. તે તારા કરતાં હું નહીં સારી મેં તો વર્ષોનાં વર્ષોની એકલતામાં મારી જાત ઓગાળી નાખી છે.’
‘પરંતુ મારી જાણકારી પ્રમાણે તારું લગ્ન થયું હતું ને ?’

‘હા, મારાં લગ્ન થયાં નહોતાં મારે કરવા પડ્યાં હતાં. મારે તો લગ્ન કરવા જ ન હતાં, જ્યારે મારા ભાઈને પરણવું હતું તો એનો ક્યાંય મેળ પડતો ન હતો. છોકરીવાળાઓ છોકરી સામે છોકરી માગતા હતા. એટલે કે સામ સામું સગપણ કર્યા વગર ભાઈની સગાઈ અશક્ય હતી. જેથી ભાઈ માટે થઈને મારે ન છૂટકે લગ્ન કરવું પડ્યું. મારો પતિ અને હું બંને સર્વિસ કરતાં હતાં. તેની મંથલી સેલેરી કરતાં મને ડબલ પે મળતો હતો, અને તને તો ખબર છે કે કુદરતે મને સુંદરતા ભેટમાં આપી છે. સોસાયટીમાં તેમજ અન્યત્ર સૌ કોઈ મારા પતિને મારા થકી ઓળખતા હતા. શરૂ શરૂમાં અમારો સંસાર સારો ચાલ્યો, પણ પછી પુરુષોની ટેન્ડેન્સી મુજબ એ લઘુતાગ્રંથિથી પીડાવા લાગ્યો. જોકે હું તેને શતપ્રતિશત વફાદાર હતી. છતાંય એ મારી પર વહેમ રાખતો હતો. અંતે મારા ચારિત્ર્ય પર શંકા કરી મારી સાથે ઝઘડા કરવા લાગ્યો. એટલે લગ્નના બીજા જ વર્ષે ડાઈવોર્સ લઈ અમે છુટાં પડી ગયેલાં. બસ, ત્યારથી એકલતા મને કોઠે પડી ગઈ છે. જોકે એકલતા તો મારી જન્મકુંડળીમાં લખાઈ છે. તને પણ એકલતા કેવી કપરી છે એ હવે સમજાશે. બાકી મને એકલી છોડી જવામાં તારી શું મજબૂરી હશે ? એ હું જાણતી નથી, પણ મારો એકેય દિવસ એવો ગયો નથી કે તને યાદ ન કર્યો હોય. આ પચીસ વર્ષના સુખી જીવનમાં તું જરૂર મને ભૂલી ગયો લાગે છે.’

‘અનુ ! તું એવું કેમ માની લે છે કે હું તને ભૂલી ગયો છું. તારી સાથે ગુજારેલી એક એક પળ મારા હૈયામાં અંકિત થયેલી છે. પણ એ વખતે આપણા અફેરની મારા પિતાને જ્યારે ખબર પડી ત્યારે એ તો એવા ગુસ્સે થયેલા કે જાણે મેં કોઈ મહાપાપ કર્યું ન હોય ! મારા પર તો એવા વરસી પડ્યા હતા કે વાત પૂછો મા. તને તો એના ધર્મચુસ્ત સ્વભાવની ક્યાં ખબર નથી. છતાં મેં મમ્મીને વાત કરી લગ્ન માટે ખૂબ સમજાવેલાં. પણ આંતરજ્ઞાતિમાં લગ્ન થાય તેનાથી એ વિરુદ્ધ હતાં. તો હું તારી સાથે જ લગ્ન કરવા મક્કમ હતો. એમાં એક દિવસ મારી જિદના કારણે એમને એટેક આવી ગયો. બસ પછી તો સૌ મારી ઉપર તૂટી પડ્યા. અંતે મારે અમારી જ્ઞાતિની સવિતા સાથે લગ્ન કરવા પડ્યાં હતાં. આમ જીવતરની મારી બાજીમાં પડ્યું પત્તું ઉપાડીને જીવી રહ્યો હતો. ત્યાં કર્મના અંતરાયે કરીને જતી જિંદગીએ સંધિવામાં મારા પગ ગયા. પછી જેનો સહારો હતો એ સવિતા ય મને છોડી ગઈ. આજે મારી પાસે બધું જ છે. છતાંય લાચાર અવસ્થામાં, એકલતાના અજગર ભરડામાં એક જીવતી લાશ બની રહ્યો છું….’ અને મારું હૈયું ભરાઈ આવતા હું આગળ બોલી ન શક્યો.

‘ઓહ સોરી કુંદન ! તને દિલાસો આપવાને બદલે મેં દુ:ખી કર્યો. જો ખરેખર મને તારી દયા આવે છે. આ તારી એકલતાભરી જિંદગીમાં હવે બાકીના શેષ દિવસોમાં તારો સહારો બનવા હું તૈયાર છું. એકમેકના સહારે એકલતા વહેંચીને રહેશું. માટે તારી જો સંમતિ હોય તો, હું આ જ શહેરથી પંદર કિ.મી. દૂર દસ નંબરના નેશનલ હાઈવે પર આવેલી સમર્પણ પી.ટી.સી. કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે માનદ સેવા આપું છું. આ મારો ફોન નંબર છે. તારો ફોન આવતા હું ચાલી આવીશ.’
‘અનુ……! તારી લાગણી બદલ આભાર. તારા પવિત્ર પ્રેમનું મૂલ્ય થાય તેમ નથી. આજે પચીસ પચીસ વર્ષે મારો અને તારો જીવતરનો ફેરો હવે પૂરો થવાને આરે છે ત્યારે તું ફરીથી સંસારની વાત કરે છે ! તારું સાંનિધ્ય મળે એ મારે મન ખુશીની વાત છે, પરંતુ તારો સ્નેહ, તારું સાનિધ્ય કદાચ મારા નસીબે લખાયું નહીં હોય. યુવાનીમાં આપણી વચ્ચે પિતા અંતરાય થયા હતા. આજે મારું મન અંતરાય થઈને આપણા નવા સંસાર માટે પાછું પડે છે કારણ કે જે સમાજમાં મારી કીર્તિનાં ગુણગાન ગવાય છે, જરૂર પડ્યે લોકો મારી સલાહ લેવા આવે છે, એ જ સમાજ કાલે મારી તરફ આંગળી ચીંધીને ટીકા કરે કે કુંદનલાલે જતી જિંદગીએ આ શું કર્યું ? અને બીજું મારો પરિવાર, મારાં સંતાનો મારા વિશે શું વિચારે ? બસ આવા જ ભયના કારણે નથી તને હા કહી શકતો કે નથી ના કહી શકતો, તેનું મને દુ:ખ છે. હલ્લો અનુ, હું અત્યારે ફોન મૂકું છું. મારી નાની પુત્રી ઊર્મિ આવી રહી છે. પછી હું ફોન કરીશ… ઓ.કે. ?’

મેં ફોન કટ કરીને રિસીવર ક્રેડલ પર મૂક્યું. ચશ્માં પહેરીને હું પેપર લઈને બેઠો. ઊર્મિ એના વાળ કોરા કરતી કરતી ઉપર ગઈ ને જ્યોતિ નીચે આવી. એ બહાર જવાની હતી, પણ એણે મારી પાસે આવીને પૂછ્યું.
‘પપ્પા ! કોનો ફોન હતો ?’
‘તારી મમ્મીની એક જૂની ફ્રેન્ડનો ફોન હતો. એ બિચારીને તારી મમ્મીના સમાચાર હમણાં મળ્યા, તેથી એ દિલાસો વ્યક્ત કરી રહી હતી.’ હું જૂઠું બોલ્યો.
‘પણ તમે બહુ વાતો કરી ?’
‘હા, એ તારી મમ્મી અને એના કોલેજકાળની વાતો કરી રહી હતી. જરા ગુંદરિયા સ્વભાવની લાગી. ફોન મૂકતી જ ન હતી. અંતે મેં ફોન કટ કરી નાખ્યો.’ મારી વાત પર જ્યોતિ હસી પડી.
‘સારું જુઓ હું અત્યારે શહેરમાં જાઉં છું. મારે થોડી ખરીદી કરવાની છે, જેથી મારે વહેલાં-મોડું થશે. તમે જમી લેજો. મારી રાહ ન જોતાં.’ અને જ્યોતિ ચાલવા લાગી. એ બારણે પહોંચી ત્યાં મેં એને ઊંચા અવાજે કહ્યું : ‘જ્યોતિ….! વોકિંગ સ્ટિક લાવવાનું ભૂલતી નહીં. તારી મમ્મી હવે નથી એટલે હરવા ફરવાનું મને સરળ રહે.’
‘યાદ છે પપ્પા…. વોકિંગ સ્ટિક નહીં ભૂલું.’ કહેતાં જ્યોતિ ગઈ. મેં પેપર વાંચવાનું શરૂ કર્યું, પણ મન:ચક્ષુ સામે તો અનિતા દીવાન ઊભરી આવી હતી. સાથે સાથે તેની સાથે યુવાનીમાં વિતાવેલી એક એક યાદોની વણઝારમાં હું અટવાઈ રહ્યો. તેને મળવા મન અધીરું થઈ રહ્યું. આમ ને આમ બપોરે જમીને પલંગમાં આડે પડખે થયો પણ ઊંઘ શાને આવે ? જેમ તેમ કરી પલંગમાં પડ્યા પડ્યા સાંજ પડી. મારે સાંજની દવા લેવાનો સમય થઈ ગયો હતો. કોઈને બોલાવવાનું વિચારું ત્યાં જ જ્યોતિ દવા અને પાણીનો ગ્લાસ લઈને રૂમમાં પ્રવેશી

‘અરે જ્યોતિ, પછી તું ક્યારે આવી હતી ?’ પલંગમાં બેઠા થઈને કેપ્સ્યૂલ પાણી સાથે ગળી રહ્યા બાદ મેં પૂછ્યું.
‘હું તો ક્યારની આવી ગઈ હતી, પણ તમે સૂતા હતા ને, તેથી ડિસ્ટર્બ નહોતા કર્યા. અમારે બંને બહેનોને આવતી કાલે મુંબઈ જવા નીકળવાનું છે.’
‘તો તમારી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ એમને ? સારું તમે નીકળજો. અહીં મંગળ છે તેથી મારી ચિંતા કરવા જેવું નથી અને હા તું વોકિંગ સ્ટિક લાવી ?’
‘હા લાવી છું ને.’
‘ગુડ, જા લેતી આવ. હું જરા ટ્રાય કરી જોઉં, મને ચાલવાનું ફાવે છે કે નહીં, અને આમેય બહાર બગીચામાં ખુલ્લા વાતાવરણમાં મને બેસવાનું મન થયું છે.’
‘ભલે લઈ આવું.’ જ્યોતિ ગઈ. થોડી વારે મંગળ આવ્યો : ‘સાહેબ…. કોઈ અનિતાબહેન કરીને આપને મળવા આવ્યાં છે.’ અનિતાનું નામ આવતા હું ગભરાઈ ઊઠ્યો, એ અચાનક કેમ આવી હશે ? હમણાં તેને જોઈને જ્યોતિ ને ઊર્મિ પૂછશે તો શું કહેવું ? એ જ વિમાસણ અનુભવતાં મેં કહ્યું, ‘આવવા દે એમને.’

તરત જ સ્મિત વેરતી અનિતા આવીને ઊભી રહી. જોયું તો એણે પણ મારી જેમ શરીર જાળવી રાખ્યું હતું. આછા ક્રીમ કલરની સાડીમાં સજ્જ અનિતા એવી તૈયાર થઈને આવી હતી કે, અન્ય સ્ત્રીઓની જેમ તેની ઉંમરનો અંદાજ આવે તેવું ન હતું. હા, ચહેરા પર થોડી કરચલીઓ જરૂર હતી. મેં મારો ડર અને ગભરાટ છુપાવીને એને આવકારતા પૂછ્યું : ‘અનુ…! મેં તને નહોતું કહ્યું કે હું તને ફોન કરીશ, તેમ છતાં તું કોઈ પણ જાણ કર્યા વગર કેમ એકાએક આવી ?’ અનિતાએ પ્રત્યુત્તર આપવાને બદલે બારણા બહાર નજર કરી. એ સાથે જ્યોતિ અને ઊર્મિ અંદર આવ્યાં. ‘હવે ?’ હું મૂંઝાઈ રહ્યો. ત્યાં જ્યોતિ આગળ આવીને બોલી :
‘આન્ટી એકાએક આવ્યાં નથી પણ હું તેમને લઈ આવી છું.’
‘તું લઈ આવી ?’
‘હા… પપ્પા કેમ વિસ્મયમાં પડી ગયાને ? પણ આમાં કોઈ દિવસ નહીં ને આજે સવારે નીચેના ફોન નંબર સાથે એક્સટેન્શનથી જોડાયેલા ઉપરના રૂમનો ફોન મેં પણ ઉપાડ્યો હતો, ને તમારી સંપૂર્ણ વાતો સાંભરી. ત્યારે મને થયું કે આ તમે ચાલવામાં સરળ રહે એટલે વોકિંગ સ્ટિક મગાવો છો તો અનુ આન્ટી કરતાં વધુ સારો ચાલવા માટે બીજો સહારો શું હોઈ શકે ! અને પેલી નિર્જીવ વોકિંગ સ્ટિક તમને ચાલવા પૂરતો જ સહારો આપે, જ્યારે આન્ટી તો જીવનપર્યંત સહારો આપી રહેશે.’
‘પણ મારે હજુ….’

મારી વાત કાપી નાખતાં જ્યોતિએ બોલવાનું ચાલુ જ રાખ્યું, ‘તમારે હજુ વ્યોમ અને અચ્યુત ભૈયાને કહેવું છે એ જ ને. તો એ બંને સાથે મેં ફોન પર વાત કરીને તેમની સંમતિ લીધા પછી જ હું આગળ વધી છું. બાકી હવે તમારે કોઈને પૂછવાની જરૂર નથી. તેમજ જરા પણ સંકોચ રાખવાનીય જરૂર નથી, કારણ કે હવે આ ઉંમરે તમારે ક્યાં સંસાર માણવો છે. તમારે તો એકમેકના સહારે સંસાર તરવાનો છે.’ સાચે જ સવિતાની ખોટ પૂરવા આવેલી અનિતા મને એના ખભાનો સહારો આપી બહાર બગીચામાં ખુલ્લા વાતાવરણમાં લઈ આવી. ત્યારે એની એકલવાયી આંખમાં ઢળતી સંધ્યા ખીલી રહી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તમને શું ગમે ? એકાંત કે સંગાથ ? – હરીશ થાનકી
ભજનાંજલિ – કાકાસાહેબ કાલેલકર Next »   

18 પ્રતિભાવો : વોકિંગ સ્ટિક – મનહર રવૈયા

 1. dr sudhakar hathi says:

  બધાને આવો સન્ઘાથ ક્યાથી મલે?

 2. trupti says:

  થોડા વખત પહેલાજ આવોજ વિષય લઈ ને માનનિય ગૌરાગિ પટેલ લિખિત ‘ધ બ્લેક બોર્ડ’ નામક વાર્તા પ્રકાષિત આ સાઈટ પર થઈ હતી. પણ છતા આજ વિષય પર પાછી વાર્તા વાચવા ની ખુબજ મઝા આવી.

  Really very nice and touchy story. If every child understands the need of their parents during the sunset of their life, the world would be a better place to leave. The way the daughters have thought about the companionship of the father in the given story; the same thought should come in the mind of the children for their mother also. As during this period of life, each one needs the companionship and nothing else.

 3. sima shah says:

  સરસ વાર્તા, પણ વાર્તા છે એટલે અંતનો ખ્યાલ આવી જ ગયેલો.
  બાકી આવું તો વાર્તામા જ બને.
  સીમા

 4. pooja usa says:

  સરસ વાર્તા — ;;ફિર કભી. ;; મુવી ની કોપી છે વાર્તા.. મિથુન -ડીમ્પલ

  અસલ જિંદગી માં પણ બની સકે

 5. Chintan says:

  સરસ વાર્તા.

 6. જય પટેલ says:

  લેખકશ્રીએ પ્રોઢોનું આકસ્મિક મિલન કરાવી હિંચકે ઝુલતા તો કરી દીધા
  પરતું કુન્દનલાલ અને અનિતા એક જ શહેરમાં પચ્ચીસ પચ્ચીસ વર્ષથી રહે
  ( અને તે પણ અનિતા પીટીસી કૉલેજના પ્રિંસીપાલ જેવા મહત્વના હોદ્દા પર હોય )
  અને એકબીજાના અસ્તિત્વથી અંજાન હોય માનવુ જરા અઘરૂ છે.

  ઢળતી ઉમરે પુનઃલગ્નને પ્રમોટ કરતી એક વધુ વાર્તા જરૂર આવકાર્ય છે.

 7. nayan panchal says:

  જો આ વાર્તા સત્ય ઘટના હોત તો મજા પડી જાત. નવી પેઢી અગાઊની પેઢી જેટલી સામાજિક માન્યતાઓમાં માનનારી નથી રહી એટલે આ પ્રકારના કિસ્સાઓ હકીકતમાં પલટાઈ શકે એવી શક્યતા વધી છે.

  અનિતાબેનનો પ્રેમ સંપૂર્ણ થયો અને કાકાને ‘વોકીંગ સ્ટીક’, ખાધુ પીધુ ને રાજ કર્યુ જેવી સારી વાર્તા.

  નયન

 8. જીતેન્દ્ર તન્ના says:

  સરસ.

 9. Mehul Joshi says:

  ખુબ સરસ વાર્તા

 10. Brijesh says:

  રેઅલ્લ્ય ગ્રફત સ્તોરિ

 11. ઢળતી જીવનસંધ્યાએ જ આધારની ખાસ જરૂર હોય છે, બન્ને પક્ષે !!

  આપણા સમાજમાં હજુ ય એનો અવકાશ છે.
  અને જો કોઈ વૃધ્ધ કે વૃધ્ધા કોઈની સાથે સહવાસ કરે તો એને લોકો/સમાજ/સંતાનો સહેલાયથી આવકારતા નથી.

  આ કોઈ સીધી ‘વોકિંગસ્ટિક’ની વાત નથી એક ‘જીવતા આધાર’ની વાત છે. સમજવાની વાત છે.

  આગળ પણ કહ્યું એમ અહિં પરદેશમાં એવું નથી થતું અને મારા કેટલાક મિત્રો સહેલાયથી બીજા પાત્રો સાથે સુખેથી ફરી જીવતા થયા છે.

  આવી જ અને કંઈક અનોખી પ્રેમકથા માણવી હોય તો ઉપર મારા નામ પર ક્લિક કરવા કૃપા કરશોજી. મને ખાતરી છે કે આપને રસ પડશે.

 12. Veena Dave, USA says:

  સરસ.
  મેરે બાપ પહેલે આપ…….મુવી જોવા જેવુ જેને આ વાત ગમી હોય.
  આ સમાજ સુધારો સરસ અને આવકારદાયક છે. ઢળતી ઉમ્મરે સહારાની વધુ જરુર પડે. સન્તાનો ને જવાબદારી પણ ઓછી.

 13. ભાવના શુક્લ says:

  સરસ અને સરળ વાર્તા.

 14. uma says:

  બહુ સરસ…

 15. Ashish Dave says:

  Predictable from the beginning but well written…

  Ashish Dave
  Sunnyvale, California

 16. jatin maru says:

  nice story with a nice thought, every body needs a partner to share his own world of joys & sorrows, and specially in old age, when the most people around him go away leaving him behind. at this stage this type of support is really recommended.

 17. Mardav Vaiyata says:

  A very good story.
  In d story i think Daughters have plyed good role to give walking stick to his Father.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.