- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

કોના વાંકે ? – પ્રવીણ શાહ

[ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો pravinkshah@gmail.com અથવા +91 9426835948 પર સંપર્ક કરી શકો છો.]

‘મને એ છોકરી સ્વપ્નમાં આવે છે અને વિનવે છે કે…..’ મારા મિત્ર મહેન્દ્રએ મને કહ્યું. અમે બે-ચાર મિત્રો રોજ સાંજે અમારી હોસ્ટેલની આજુબાજુના કોઈક સ્થળે ફરવા નીકળતા. એમાંનો મારો એક મિત્ર મહેન્દ્ર હતો. તે અલીણાનો વતની હતો. તેની સગાઈ થઈ ગઈ હતી. એક દિવસ તે પોતાની અંગત વાત મને કહી રહ્યો હતો. મેં કહ્યું : ‘મહેન્દ્ર, તું કઈ છોકરીની વાત કરે છે ?’
મહેન્દ્ર કહે : ‘અરે યાર ! જેની જોડે મારી સગાઈ થઈ છે એની.’
મેં કહ્યું : ‘એ તને શું વિનવે છે ?’
મહેન્દ્ર કહે : ‘જો પ્રવીણ ! મારે તેની સાથેની સગાઈ તોડી નાખવી છે. એને પગમાં કોઢ નીકળ્યો છે. એ કોઢ આખા શરીર પર ફેલાય તો ? એ તો સારું થયું કે મારા મામાએ મને આ માહિતી આપી. નહિ તો મને ખબર જ ક્યાંથી પડત ? એ છોકરીએ મને કોઢની વાત જ ના કરી. કેવી જૂઠ્ઠી અને સ્વાર્થી છે !’

અમે બધા મિત્રો એન્જિનિયરીંગ કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા હતા. થોડા સમયમાં B.E.ની ડિગ્રી મળ્યા પછી, અમે અમારા ધંધા-નોકરી અને સંસારમાં ગોઠવાઈ જવાના હતા. મેં મહેન્દ્રને પૂછ્યું :
‘પણ દોસ્ત ! પેલી છોકરી તને સપનામાં શું વિનંતી કરે છે એ તો તેં કહ્યું જ નહિ !’
મહેન્દ્ર કહે, ‘હા એ કહું. મને એ છોકરી માટે ઘણો પ્રેમ છે, લાગણી છે. એને પણ મારા માટે ઘણું માન છે. એક એન્જિનિયર છોકરો જીવનસાથી તરીકે મળે એ વાતનું તેને ઘણું ગૌરવ છે. સગાઈ તોડવાની વાત તેના કાન સુધી પહોંચી છે. એટલે એ મને સપનમાં વિનવતી દેખાય છે કે ‘મેં શું ગુનો કર્યો છે, તે તમે સગાઈ તોડવા અધીરા બન્યા છો ?’ પણ હું તેને કોઢની વાત કહેતાં અચકાઉં છું. તે જ્યારે મળે ત્યારે તેણે બૂટ-મોજા પહેરેલા હોય છે, એટલે મને તેના પગ પરનો કોઢ દેખાતો નથી. કદાચ, એ જાણી જોઈને જ, કોઢને સંતાડવા હંમેશાં બૂટ-મોજા પહેરી રાખતી હશે.’
મહેન્દ્રની વાત સાંભળીને મેં કહ્યું : ‘તું કોઈકના મારફતે તપાસ કરાવી જો.’
‘મામાની વાત અને કાયમ પહેરેલા બૂટ – શું આટલા પૂરાવા પૂરતા નથી ?’ મહેન્દ્ર ન માન્યો. આખરે જે થવાનું હતું તે થઈને જ રહ્યું. તેણે સગાઈ ફોક કરી. તેને એવી પણ ખબર પડી કે કોઈક કારણસર છોકરી પણ સગાઈ તોડવા ઈચ્છતી હતી. એકાદ વર્ષમાં તો મહેન્દ્ર કોઈ અન્ય છોકરી સાથે પરણીને પોતાના સંસારમાં ગોઠવાઈ ગયો. અમારે પણ હવે મળવાનું થતું નહિ.

બે વર્ષ બાદ હું મારાં માસીને ઘેર કોઈક પ્રસંગે મુંબઈ ગયો. માસીના ઘરમાં માસા-માસી તથા માસીનાં દિયર-દેરાણી – એમ ચાર જણ રહેતાં હતાં. માસાને કોઈ બાળક હતું નહિ. દિયર-દેરાણી, કિરીટભાઈ અને મંજરીનાં હમણાં છ મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. માસીને ત્યાં પ્રસંગ પતી ગયા પછી હું ચારેક દિવસ ત્યાં રોકાયો. આ દિવસોમાં મારે કિરીટભાઈ અને મંજરીબેન સાથે સારો ઘરોબો થઈ ગયો. બીજા મહેમાનો વિખરાયા પછી, ઘરમાં અમે બધા એકલા પડ્યા. એક સાંજે માસા તથા કિરીટભાઈ બહાર કંઈક કામે ગયા હતા. ઘરમાં હું, માસી અને મંજરી હતાં. અમે બહાર નેશનલ પાર્કમાં ફરવા જવાનું વિચાર્યું અને નીકળી પડ્યાં.

હું અને મંજરી આગળ ચાલતાં હતાં. માસી જરા પાછળ હતાં. જાતજાતની વાતો ચાલતી હતી. મંજરી કહે :
‘પ્રવીણભાઈ, હવે તમે ક્યારે લગ્ન કરવાના છો ?’
‘બસ, તમારા જેવી કોઈક મળી જાય એટલે પરણી જઈશ.’ મેં કહ્યું.
‘હા ભાઈ, એન્જિનિયરને પરણવા તો કેટલીયે છોકરીઓ તૈયાર બેઠી હોય.’
‘તમને એન્જિનિયર માટે એટલો બધો પક્ષપાત છે ?’
‘હા, એન્જિનિયરની વ્યવહારુ આવડત અને લોકો સાથે કામ પાર પાડવાની શક્તિનો મને ખ્યાલ છે.’ મંજરીએ કહ્યું.
‘તમને કોઈ એવો અનુભવ થયેલો ?’ મેં પૂછ્યું.
‘હા. તમે હવે મિત્ર બન્યા છો એટલે મારી વાત કહેવામાં મને કોઈ વાંધો નથી લાગતો. મારું મન પણ થોડું હળવું થશે.’
‘કહો, તમારી વાત જાણવામાં મને દિલચશ્પી છે. તમને જરૂર હશે તો હું મદદગાર પણ થઈશ.’ મેં કહ્યું.
મંજરીએ વાત શરૂ કરી : ‘જુઓ પ્રવીણભાઈ ! મારા અત્યારના આ લગ્ન પહેલાં અન્ય એક છોકરા સાથે મારી સગાઈ થયેલી. પણ તે જૂઠ્ઠો નીકળ્યો. પોતે ભણતો હતો B.A.ના છેલ્લા વર્ષમાં અને કહેતો હતો કે પોતે B.E.ના એટલે કે એન્જિનિયરીંગના છેલ્લા વર્ષમાં ભણે છે. તે હતો ખૂબ હોંશિયાર. મને એના માટે ખૂબ લાગણી હતી. પણ આવું જૂઠું બોલવાનું ?’

મને મનમાં મારો દોસ્ત મહેન્દ્ર યાદ આવી ગયો.
‘તમે આ વસ્તુ તેને રૂબરૂ પૂછી હતી ?’ મેં કહ્યું.
‘અરે એમાં શું પૂછવાનું ? મારા કાકાએ તપાસ કરી હતી, તે કંઈ ખોટું થોડું હોય ?’
‘પછી શું થયું ?’ મેં કહ્યું.
‘થાય શું ? આવા જૂઠ્ઠા માણસ જોડે જિંદગી કેમ વિતાવાય ? મારી બધી લાગણીઓ મેં આંસુઓમાં વહાવી દીધી. મારાં અરમાનોનો ભાંગીને ભુક્કો થઈ ગયો. અમે સગાઈ તોડી નાખી. એને પણ જાણે કે હું કાંઈક છુપાવતી હોઉં એવું લાગ્યા કરતું હતું.’
મેં પૂછ્યું : ‘મંજરીબેન, એ છોકરાનું નામ શું હતું ?’
‘મહેન્દ્ર’ મંજરીએ કહ્યું.
‘એ ક્યા ગામનો હતો ?’
‘અલીણાનો…’

અને મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આખી વાતનો તાળો મારા મનમાં બેસી ગયો. આ એ જ મહેન્દ્ર હતો કે જેણે મંજરીના કોઢને કારણે સગાઈ તોડી નાખેલી. મંજરી એ જ છોકરી હતી કે જેણે B.A.-B.E.ની ભાંજગડમાં સગાઈ તોડી હતી. મહેન્દ્રએ પોતાનું ભણતર B.E. જ કહ્યું હોય અને મંજરીના કાકાએ જેની મારફત તપાસ કરાવી તેણે કદાચ B.A. સાંભળ્યું હોય ! આજે મંજરીએ પગમાં ચપ્પલ પહેરેલા હતા. મેં તેની નજર ચૂકાવી જોઈ લીધું કે તેને પગે કોઈ કોઢ ન હતો. તો આ બધું કોના વાંકે થયું ? બે પ્રેમાળ દિલોને તોડવાનું કામ કોણે કર્યું ? આજે બંને પોતપોતાના અલગ સંસારમાં ગોઠવાઈ ગયેલાં છે. જો હું મંજરીને કહું કે મહેન્દ્ર B.A. નહિ, પણ B.E. એન્જિનિયર થયેલો છે, તો તેના મનમાં ભૂલનો પસ્તાવો થાય, ફરી મહેન્દ્ર તરફની લાગણી તાજી થાય અને તેના નવા સંસારમાં આગ ચંપાય. અને હું ક્યારેક મહેન્દ્રને કહું કે તારી મંજરીને પગમાં કોઢ નથી તો તેના નવા જીવનમાં ફરી મંજરીની યાદ ઉભરાઈ આવે. બંનેના પોતપોતાના સંસાર વિખેરાઈ જાય.

મેં મંજરીને કંઈ કહ્યું નહીં. આજે પણ મેં બંનેની વાતને મારા હૃદયમાં છૂપાવીને રાખી છે.