આખરી ખ્વાહિશ ! – વ્રજેશ આર. વાળંદ

[શ્રી વ્રજેશભાઈની કલમથી આપણે પરિચિત છીએ. અવનવા વિષયો પર પસંદગી ઉતારીને તેનું શબ્દોના માધ્યમથી આખું દશ્ય તેઓ નજર સામે એ રીતે ઊભું કરી આપે છે કે વાચક પોતે તેમાં તદ્રુપ થયા વિના રહી શકતો નથી. ‘અલવિદા’, ‘નામ તો નહીં જ કહું’, ‘બે આંખો’, ‘ન્યાય તો હજી બાકી જ છે’ જેવી તેમની ઉત્કૃષ્ટ કૃતિઓ આપણે અગાઉ માણી ચૂક્યા છીએ. આજે માણીએ તેમની વધુ એક ટૂંકીવાર્તા. આપ શ્રી વ્રજેશભાઈનો (વડોદરા) આ નંબર પર +91 9723333423 પર સંપર્ક કરી શકો છો. (આ સાથે સૌ વાચકમિત્રોને વિનંતી કે કૃપયા પ્રતિભાવોમાં વિષયાંતર ન કરતાં કૃતિના સંદર્ભે જ વ્યક્ત કરશો તો વધુ યોગ્ય રહેશે.)]

વાદળાં સાથે સંતાકૂકડી ખેલતો સૂરજ ધીમે ધીમે અસ્તાચળ તરફ ઢળી રહ્યો હતો. હિમાચ્છાદિત શિખરોમાંથી ઘૂમરાઈને આવતા પવનના કાતિલ સૂસવાટા વાતાવરણને અધિક બિહામણું, ડરામણું બનાવી રહ્યા હતા. અજ્ઞાત ભયથી પ્રેરાઈને પશુ-પક્ષી સૂર્યાસ્ત પહેલાં જ પોતાનાં આશ્રય-સ્થાનોમાં લપાઈ જવા આકળ-વિકળ થઈ રહ્યાં હતાં. શિખરોને પેલે પારથી ધસી આવેલાં કાળા ડિબાંગ વાદળોએ હવે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દીધો. ગાઢ અંધકાર છવાઈ ગયો. ભૂજંગની જિહવાની જેમ લબકારા લેતી વિદ્યુતની તેજ-રેખાઓ અત્રતત્ર ચમકવા લાગી ને જોતજોતામાં વરસાદ શરૂ થઈ ગયો. મેઘની ગગનભેદી ગર્જનાઓ કંદરામાં પડઘાવા લાગી.

સાંબેલા ધારે મૂશળધાર વરસતા વરસાદે નરપતસિંહની મૂર્છિત ચેતનાને ઢંઢોળી. હળવેકથી એણે આંખો ખોલી. વાતાવરણની ભયાનકતા નિહાળી – સૈનિક હોવા છતાંય – એના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. એણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ ઊભો ન થઈ શક્યો. દુશ્મનની એક ગોળી એના ડાબા ખભાના ઉપરના ભાગે છરકો કરી ગઈ હતી. ત્યાં અપાર વેદના વરતાઈ રહી હતી. હાથ ઊંચો કરતાં એના મુખમાંથી દર્દભરી આહ નીકળી ગઈ. જમણા હાથે રાઈફલને ઊભી પકડી, એના ટેકેટેકે જાળવીને એ ઊભો થયો. હળવે હળવે નજીકના એક ઘટાદાર વૃક્ષ તરફ એણે ડગ માંડ્યાં. થડ પાસે સારી જગ્યા જોઈ એ બેઠો. એણે ઘડિયાળ તરફ નજર કરી. હજી સાડા પાંચ જ ! – એ પોતાને જ કહેતો હોય એમ બબડ્યો.

બપોરે લગભગ અઢીની આસપાસ એની ટુકડી પર દુશ્મન-દળનો અચાનક હુમલો થયો હતો. દુશ્મનોએ કબજો કરેલી એક ચોકીને પુન: સર કરવા તેઓ જઈ રહ્યા હતા. ખીણમાં જ્યારે સાંકડા માર્ગ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ઉપરથી એમના પર ગોળીઓનો વરસાદ વરસ્યો. બધાએ ઝડપથી પોતાની પોઝિશન લઈ લીધી. એ ગોળીઓ ક્યાંથી વરસી રહી હતી એ કળી શકાતું ન હતું. આડે ઊંચી ઊંચી ટેકરીઓની હારમાળા હતી. તેઓ માંડ માંડ પોતાની જાતને બચાવી વળતો જવાબ આપી રહ્યા હતા. લપાતા, છૂપાતા તેઓ ખીણની બહાર આવી રહ્યા હતા. બધાથી સાથે રહી શકાય એવી પરિસ્થિતિ જ ન હતી. દરેકે પોતાની રીતે આગળ ધપવાનું હતું. પોતાના સાથીઓથી નરપતસિંહ ઠીક ઠીક પાછળ રહી ગયો હતો. ને એટલામાં સનનન કરતી એક ગોળી એના ડાબા ખભાને છરકો કરતી ગઈ. એ જમીન સરસો બેસી ગયો. આગળ જતાં એક સાથીએ ગોળીનો અવાજ સાંભળી દૂરથી એને પૂછ્યું : ‘નરપત તૂ ઠીક તો હૈ ન ?’ એણે સહેજ કરાહતા જવાબ આપ્યો : ‘હાં, મૈં ઠીક હૂં. તૂમ આગે બઢો. મૈં આતા હૂં.’ લોહી વહી જવાને કારણે એને અશક્તિ વરતાતી હતી. એક શિલા પર પગ મૂકવા જતાં જ એ અચાનક લપસ્યો. એને સખત પછડાટ વાગી અને એ મૂર્છિત થઈ ગયો. વરસાદ ન પડ્યો હોત તો હજીય કદાચ એને કળ વળી નહોત.

ક્યાંય સુધી એ વરસતા આકાશ તરફ મીટ માંડી રહ્યો. એના આશ્ચર્ય વચ્ચે વરસાદ એકાએક થંભી ગયો. અસ્તાચળે પહોંચવા આવેલા સૂર્યની રક્તિમ કોર ક્ષિતિજમાં ડોકાઈ. કોઈ બીજો સમય હોત તો આ શાયર દિલ સૈનિકના હૃદયમાંથી કવિતા ફૂટી નીકળી હોત. કુદરતના આ નવલાં રૂપે એનામાં શક્તિ-સ્ફૂર્તિનો સંચાર કર્યો. પોતાના જખમને એણે સખત રીતે બાંધી દીધો. રાઈફલનો ટેકો લઈ એ ઊભો થયો. તેને આગળ ધપવા ડગ માંડ્યા. માંડ થોડે દૂર ગયો હશે ત્યાં જ એને એક વેદનાયુક્ત આહ સંભળાઈ. એ સાવધ થઈ ગયો. તુરત જ પોઝિશન લઈ લીધી. પાસેની ઝાડીમાંથી જ અવાજ આવી રહ્યો હતો. રાઈફલને અવાજની દિશામાં નોંધીને એ આગળ વધ્યો. જેમજેમ એ અવાજની દિશામાં આગળ વધતો ગયો તેમ તેમ ઉંહકારા વધુ સ્પષ્ટ સંભળાવા લાગ્યા. જ્યારે એને લાગ્યું કે એ અવાજની ખૂબ નજીક આવી ગયો છે ત્યારે એણે પોતાના જખમની પરવા કર્યા વિના ઝાડીમાં અંધાધૂંધ છલાંગ મારતાં ત્રાડ નાખી : ‘હેન્ડઝ અપ’. એની સામે એક દુશ્મન સૈનિક ચત્તાપાટ પડ્યો હતો. પળનોય વિલંબ કર્યા વિના નરપતે રાઈફલ એની છાતી પર અડાડી. એણે ફરી હુકમ કર્યો, ‘હેન્ડઝ અપ !’ નરપતની ત્રાડથી પહેલાં તો એ થરથરી ઊઠ્યો પણ પછી બેફિકરાઈભર્યું સ્મિત એના ચહેરા પર મહોરી ઊઠ્યું.

ત્યાર બાદ પોતાની અસહાય સ્થિતિને કારણે કે પછી કદાચ અસહ્ય દર્દને કારણે એનાથી એક ઊંડો નિસાસો નંખાઈ ગયો. એણે હળવેકથી કહ્યું, ‘દોસ્ત ! આ હાથ છેલ્લી ઈબાદત માટે આસમાન તરફ પણ નથી ઊઠી શકતા તો તારી સામે કેવી રીતે ઊઠશે ?’ શત્રુને પોતાની માતૃભાષા ગુજરાતીમાં બોલતો જોઈ એને આશ્ચર્ય તો થયું જ છતાંય ધ્રૂજતા હાથે રાઈફલને એની સામે નોંધીને ફરી સત્તાવાહી સ્વરે નરપત ગરજી ઊઠ્યો : ‘ચાલાકી કરીશ તો ફૂંકી મારીશ !’ પેલા સૈનિકે નરપતની ધમકીથી બેપરવા થઈ કહ્યું : ‘ચાલાકી કરવાની બધી જ સરહદો વટાવી ચૂક્યો છું, દોસ્ત ! હવે તો અવ્વલ મંજિલે પહોંચવાની ઘડીઓ ગણી રહ્યો છું.’ નરપતના હૃદયમાં આ શબ્દો સાંભળી અનુકંપાનો સંચાર થયો. છતાંય ચહેરા પરથી એણે કરડાકીનો અંચળો ન ફગાવ્યો, ‘કોઈ ચાલબાજી તો નથી કરતો ને ?’
‘ચાલબાજી ?’ પેલાએ કહ્યું, ‘તું જો ! મારા હાથ પગ નકામા થઈ ગયા છે. આખું બદન છલની થઈ ગયું છે.’ નરપતે જોયું તો એનો યુનિફોર્મ લોહીથી લથપથ હતો. આસપાસની જમીન પણ રક્તરંજિત હતી. એના શરીર પર બણબણતી માખો પણ તે ઉડાડી શકતો ન હતો. નરપતનું માનવીય પાસું જાગૃત થઈ ગયું. એ એના મસ્તક પાસે બેસી ગયો. ચહેરા પરની કઠોરતા ગાયબ થઈ ગઈ. એના સ્વરમાં કુમાશ આવી, ‘બહુ દર્દ થાય છે દોસ્ત ?’ ‘દોસ્ત’ શબ્દે મૃત:પ્રાય શત્રુ-સૈનિકમાં જાણે પ્રાણસંચાર કર્યો. એના ચહેરા પર સ્મિત રેલાયું. ‘દર્દ તો થાય છે, પણ તારા આ ‘દોસ્ત’ શબ્દે હળવું કરી નાખ્યું, દોસ્ત !’ હવે નરપતથી ન રહેવાયું. એણે રાઈફલ કોરાણે મૂકી આહત શત્રુનો હાથ પોતાના હાથમાં લીધો. પેલાને ખૂબ સારું લાગ્યું. એણે પળવાર માટે આંખો મીંચી દીધી. પછી હળવેકથી નરપતને પૂછ્યું, ‘ક્યાંનો છે, દોસ્ત ?’
‘મોરબીનો.’
‘મોરબીનો ?’
‘હા, કેમ ?’
‘હું પણ ત્યાંનો – મોરબીનો જ વતની છું, દોસ્ત ! બચપણના તેરતેર શરારતી વર્ષો ત્યાં ગુજાર્યા છે. એ બચપણના ભેરુ, એ મનના મેળ, એ સાતમ-આઠમના મેળા, એ તાજિયાના જુલૂસ, એ ભજન-કવ્વાલીની રમઝટ ! બધું જ ત્યાં મેલીને આવ્યો છું !’ ઘાયલ સૈનિક આટલું કહેતાં રોમાંચિત થઈ ગયો. દેશના ભાગલા વખતે મામુજાનના અતિ આગ્રહથી એના અબ્બાએ મોરબી છોડેલું. આ પરીસ્તાન સમું રૂપકડું, રમ્ય નગર છોડતાં એને ભારે વસમું લાગ્યું હતું. વિદાયની ઘડીએ પોતાના બાળ-ભેરુઓની બાથમાં એ ક્યાંય સુધી રોયો હતો, સમગ્ર દશ્ય ચિત્રાવલીની જેમ એની નજર સમક્ષ તાદ્રશ થયું. એ પોતાનું હૈયું, પોતાના પ્રાણ એ નગરને અર્પણ કરી, નિષ્પાણ ખોળિયું લઈને જ પાકિસ્તાન આવ્યો હતો. ……..ને આજે 1965માં બંને દેશો વચ્ચે થયેલા જંગમાં ઘાયલ થઈ એ નરપત સામે અંતિમ શ્વાસો લઈ રહ્યો હતો.

અશક્ત હાથે એણે નરપતનો હાથ ઉષ્માપૂર્વક દાબ્યો ને પછી શ્વાસમાં પરિતૃપ્તિ ભરી નરપતને કહ્યું : ‘છેલ્લી સફરે ઊપડતાં પહેલાં હમવતનને જોઈ વતન યાદ આવી ગયું, દોસ્ત !’ ……ને એની બંધ આંખોમાંથી સર્વસ્વ પ્રાપ્ત થયાની અનુભૂતિ રૂપે હર્ષાશ્રુ ટપકી રહ્યાં. પછી એણે કાંઈ યાદ આવ્યું હોય એમ ફરી પૂછ્યું : ‘દોસ્ત, કહે તો ખરો કે મોરબીમાં સામે કાંઠે આવેલું વાઘજી બાપુનું બાવલું છે કે ? મચ્છુના પુલ પર ઘોડા અને પાડા છે કે ? પેલો ઝૂલતો પુલ, દરબારગઢ, ગ્રીનચોક, શંકરાશ્રમ, વાઘમહેલ…..’
‘હા, હા બધું જ છે !’ નરપતે એને અધવચ્ચે અટકાવતાં કહ્યું ને પૂછ્યું, ‘પણ મને કહે તો ખરો દોસ્ત કે મને જોઈને તારા મુખમાંથી ગુજરાતી ભાષા કેવી રીતે ફૂટી પડી ?’
‘બસ, એમ જ.’ પેલાના મુખ પર સ્મિત ફરક્યું, ‘તેં જ્યારે હેન્ડઝ અપ કહ્યું’તું ને ત્યારે તારા અવાજમાં મને સહેજ અપનાપનનો અહેસાસ થયો.’ નરપતને પણ આ બરછટ દાઢીવાળા શત્રુના ચહેરા પર પરિચિતતાની લકીરો દેખાઈ. એણે થડકતે હૈયે પૂછ્યું :
‘મોરબીમાં ક્યાં રહેતો હતો, દોસ્ત ? ને તારું નામ ?’
‘મચ્છુના કિનારે નાની બજાર છે ને, ત્યાં રામઘાટ જવાના રસ્તે મારું ઘર હતું. ઈકબાલ મારું નામ. ઈકબાલ હુસેન ! અબ્બાનું નામ મહંમદ હુસેન !’ એનો શ્વાસ ભરાઈ ગયો.
‘તું…..તું મહંમદચાચાનો ઈકુ ?’ નરપત હર્ષથી ઊછળી પડ્યો, ‘અરે ઈકુ ! હું નરપત ! તારો બાળભેરુ !’
‘કોણ, નરપત ! નરિયો ?’
‘હા, ઈકુ હા. હું નરિયો !’ નરપતના શબ્દેશબ્દમાંથી લાગણીનો મહેરામણ છલકી રહ્યો. વર્ષોથી વિખૂટા પડેલા આ બંને દિલોજાન દોસ્તોને આ અણધાર્યા આકસ્મિક પુનર્મિલનની સ્વપ્નેય કલ્પના ન હતી. તેઓને જાણે આ હકીકત પર વિશ્વાસ ન બેસતો હોય એમ બંને એકબીજાને સ્પર્શીને એ વાતની પ્રતીતિ કરી રહ્યા હતા કે આ સ્વપ્ન તો નથી ને ! બંધ, અશ્રુસિક્ત આંખે બંને ક્યાંય સુધી આ મિલનને માણી રહ્યા. ઈકબાલની આંખોના બુઝાતા દીપકો પોતાના બાળભેરુને મન ભરી નીરખવા પૂર્ણ જોરે ટમટમી રહ્યા હતા.

હવે નરપતે ઈકબાલનું મસ્તક પોતાના ખોળામાં લીધું. પોતાની વૉટરબેગમાંથી પાણી લઈ એના મુખ પર છાંટ્યું. થોડું મોંમાં રેડ્યું. ઈકબાલમાં જાણે નવચેતનાનો સંચાર થયો. એણે આંખો ખોલી.
‘બસ, નરુ હવે તો મોત આવે તોય પરવા નથી. એક દુશ્મને ગોળીઓથી આ જિસમને વીંધી નાંખ્યું. બીજા દુશ્મને દોસ્તીનો લેપ લગાવી વર્ષોથી દૂઝતા દિલના જખમોને કરાર બક્ષ્યો.’ નરપતનું હૈયું હાથ ન રહ્યું. એની આંખો વરસી પડી. ગળગળા સાદે એ બોલ્યો :
‘ભગવાનને ખાતર, અલ્લાહને ખાતર મને દુશ્મન ન કહે ! અને હા ઈકુ, તું બેફિકર રહે. તને કાંઈ નહિ થવા દઉં. તને મારી સાથે મોરબી લઈ જઈશ. યાદ છે ! આપણે ઝૂલતા પુલને અધવચ્ચે જઈને કેવો ઝુલાવતા ! આપણે ફરી એને ઘોડિયાની જેમ ઝુલાવવો છે ! ઘરેથી પૈસા ચોરીને કંસારા શેરીમાં ફાફડા ખાવા જતા હતા ને ! ત્યાં ફરી જઈશું, મન મૂકીને ફાફડા ખાઈશું. દરબારગઢથી વાઘમહેલનો પેલો અર્ધગોળાકાર માર્ગ, જેને આપણે મોરબીનો મરીન ડ્રાઈવ કહેતા, તેના પર દોડવાની હોડ કરવી છે ! તું…. તું સાંભળે છે ને, ઈકુ ?’
‘તું બોલ્યે જા નરુ ! તારો હર લફઝ કાનમાં અમૃત ઘોળી રહ્યો છે !’ પણ હવે ઈકબાલને બોલવામાં કષ્ટ વરતાતું હતું. છતાં ત્રુટક ત્રુટક અવાજે એણે ચાલુ રાખ્યું.
‘નરુ ! ધરતીમાતાની છાતી પર ચીરો મૂકવાથી આપણને શું મળ્યું ! નફરત, કટુતા વેર કે બીજું કાંઈ ! આજના જંગમાં આપણે બંને સામે-સામે આવી ગયા હોત તો બેમાંથી એકની હત્યા થઈ જાત ! ભારે કહેર થઈ જાત ! આ લડાઈ નરુ, કેવી બેરહેમ છે, નહીં ? જેને આપણે કદીય ન જોયો હોય, જેણે આપણું કંઈ બગાડ્યું ન હોય, અરે જેની સાથે અગાઉ નામનીય દુશ્મની ન હોય એને શા માટે મારી નાખવાનો ? શું ઈન્સાની ખૂન એટલું બધું સસ્તું છે ?’
‘તારી વાત ખરી છે, ઈકુ ! પણ…’ નરપતે લાંબો નિસાસો નાખતાં કહ્યું : ‘આપણે ફરજથી બંધાયેલા છે. આપણે આપણા વતનની હિફાજત કાજે કર્તવ્ય બજાવવું જ રહ્યું.’
‘ફરજ ! કર્તવ્ય !’ ઈકબાલના મુખ પર કટુ સ્મિત ઊપસી આવ્યું, ‘તું શું એમ માને છે કે આપણી તહજીબ, રહન-સહન અલગઅલગ છે ? અરે ગાંડા, આજેય મારા ઘરમાં કલાપીનો ‘કેકારવ’ છે, મેઘાણીની ‘યુગવંદના’ છે, લતાજી અને રફીસાહેબની રેકર્ડઝ છે. મારા એકલાના ઘરે નહિ, મારા અનેક દેશવાસીઓના ઘરોમાં દિલીપકુમાર અને રાજકપૂરની તસ્વીરો છે.’
નરુએ એની વાતને સમર્થન આપતાં કહ્યું, ‘તારી વાત ખરી છે ઈકુ ! અમારે ત્યાંય મલિકા-એ-તરન્નુમ નૂરજહાંના આશિકો ઠેર ઠેર છે. મંટોને વાંચનારાઓનો તોટો નથી. તમારા ક્રિકેટરો મોહંમદ હનિફ અને ફઝલમહંમદનું અમારા પોલી ઉમરીગર અને વિજય માંજરેકર જેટલું જ નામ છે… અને….’
‘બસ, નરુ બસ !’ ઈકબાલે ભરાયેલા સ્વરે કહ્યું, ‘લાગે છે કે તને અલવિદા કરવાની ઘડી આવી પહોંચી છે !’
‘એવું ન બોલ, મારા ભાઈ ! તને તારા નરિયાના સમ છે !’ નરપતથી મોટું ડૂસકું નંખાઈ ગયું.

ઈકબાલના ચહેરા પર બાળાપણાનું રમતિયાળ અંતિમ સ્મિત રમી રહ્યું, ‘ગાંડા, હવે આ કમજોર જિસમમાં ખુદાઈ ફરમાનની નાફરમાની કરવાની તાકાત નથી રહી.’ એ બુઝાતી જ્યોતના ઝબકારા સમું સ્મિત નરપતથી ન જીરવાયું. એ કંઈ બોલવા જતો હતો ત્યાં જ ઈકલાબ બોલી ઊઠ્યો, ‘ચાલ ! મને કોલ દે ! મારી આખરી ખ્વાહિશ પૂરી કરીશ ને ! બોલ, જલદી બોલ. મારી પાસે હવે જરાય સમય નથી….’ નરપતે જોયું કે ઈકબાલની આંખો ચકળ વકળ થઈ રહી હતી. પળનોય વિલંબ કર્યા વિના એણે ઈકબાલનો હાથ પોતાના હાથમાં મક્કમતાપૂર્વક દાબતાં કહ્યું : ‘હા, હા, બોલ ઈકુ ! તારી એક તો શું બધી જ ખ્વાહિશો પૂરી કરીશ. લે, કોલ દઉં છું તને ! બોલ !’
‘બસ, તો પછી… મારા મોત પછી ત્યાં….’ ઈકબાલે દૂરની એક ટેકરી તરફ પોતાની ધ્રૂજતી આંગળી ચીંધતાં કહ્યું : ‘પે….એ…લી પહાડી પાસે મને દફનાવજે, દોસ્ત !’
‘કેમ ?’ નરપતને સહેજ નવાઈ લાગી.
‘મને ખબર છે, નરુ ! ત્યાં આપણા બંનેના મુલ્કોની સરહદ એક થાય છે. મારા શરીરનો અડધો ભાગ આ તરફ… ને અડધો ભાગ એ તરફ રહે એ રીતે…..’ ને ઈકબાલને એના શ્વાસની આવનજાવન અધવચ્ચે જ દગો દઈ ગઈ. નરપતે એના નિશ્ચેટ દેહ પર પડતું નાખ્યું, ‘નહિ ઈકુ, નહિ ! મને આમ એકલો મૂકીને ન જા, મારા દોસ્ત, મારા ભાઈ !…..’ એ મોકળે સાદે રડી પડ્યો.

…..ને એનું આ કાળજું કંપાવી મૂકે એવું કારમું અરણ્ય રૂદન ન ખમાયાથી આકાશમાં ચાલી જતી એક એકલી અટૂલી વાદળીએ લગીર થોભીને થોડા બિંદુ ટપકાવી એને સાથ આપ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વર્ણિમ ગુજરાત – વિનોદ જાની
આખા ને આખા માણસની કેળવણી – ગુણવંત શાહ Next »   

31 પ્રતિભાવો : આખરી ખ્વાહિશ ! – વ્રજેશ આર. વાળંદ

 1. sima shah says:

  બહુ જ સરસ અને હ્રદયસ્પર્શી વાર્તા…..
  સીમા

 2. Hardik says:

  Nice Story..

  Aankh na khuna bheen kari deedha..

  Hardik

 3. મૌલીક સાયાણી says:

  રીડગુજરાતી પર માણેલી શ્રેષ્ઠતમ ક્રુતીઓમાની એક ક્રુતી.

  અભીનન્દન વ્રજેશભાઈ.

  મૌલીક

 4. Harish says:

  AUTHOR HAS START THE STORY SO WELL THAT IT BECOME IMPOSSIBLE TO LEFT IT AT MIDDLE..BEING A STORY WRITER, I KNOW THAT, TO CREAT STORY IN SUCH A WAY THAT READER FEEL EVERY MOMENT OF THE STORY PERSONALY, IS TOUGH JOB.
  YOU HAVE DONE IT…. VRAJESHBHAI….KEEP IT UP………

 5. trupti says:

  Very nice story, and as mentioned by Harish, it was difficult to leave it halfway through. While reading the story, I was visualizing the seen between both the friends. Vrajeshbhai, thank you very much for giving the wonderful story. We are born in the divided India but I can feel the feelings of the people who are born in undivided India and have gone through the situation what both the characters of the story are going through. Many movies are made on the subject, many authors have written on the same subjects, but I think this is a very emotional subject, and frankly, we all like to read and see anything is written or made on this subject. Yesterday while surfing through the channel (as being Sunday nothing much to do) found that the Border is being telecast on one of the channel, could not resist watching the movie form half way through. As in these kinds of movie, there is no beginning and no end and can enjoy the movie form any part of if. Frankly speaking, feel fortunate also that, we do not have to go through this situation at the same time, feel very sad about the life of the people on Border and fell proud on the people of Army, as due to them we are able to live our life with peace and have peaceful night sleep. Salute to all our Solders who are protecting our borders round the clock.

 6. જય પટેલ says:

  ખુબ જ પ્રવાહી શૈલીમાં વણાયેલી યુધ્ધ પર આધારિત વાર્તા આંખો સમક્ષ દ્રષ્ય
  ઉભું કરવામાં સફળ થઈ છે.

  પાકિસ્તાનનું અસ્તિત્વ ભારતની એકતા અને અખંડિતતા માટે જવાબદાર છે.
  સરદાર પટેલનું વિઝન આજે પણ સત્ય છે.

 7. જીતેન્દ્ર તન્ના says:

  બહુ જ સરસ અને હ્રદયસ્પર્શી વાર્તા…..

 8. naresh badlani says:

  ખુબ સરસ હર્દય્દ્રવક વર્ત

 9. Paresh says:

  Oh my God,

  Really Heart warming story. I could not stop thinking about the last moment and the cloud cried so my eyes too!!

 10. nayan panchal says:

  બહુ જ સરસ વાર્તા. લખાણ એટલુ સશક્ત કે આખુ દ્રશ્ય નજર સામે ખડુ થઈ ગયુ.

  ફિલ્મ બોર્ડરનું “મેરે દુશ્મન મેરે ભાઈ” ગીત યાદ આવી ગયુ.

  નયન

 11. Veena Dave, USA says:

  ખુબ સરસ.

  ધરતીમાતાની છાતી પર ચીરો મુકીને શુ મલ્યુ? વિચારવા જેવી વાત્.

 12. ઈન્દ્રેશ વદન says:

  ભાવવાહી વર્ણન. પરંતુ, કંઈક થોડું વધુ પડતું જ નાટકીય.

  પાકિસ્તાન જ્યારે ભારતને દરેક રીતે પછાડવા માટે છેલ્લા ૬૦-એક વર્ષોથી લગાતાર પ્રયત્નો કરી રહ્યુ છે, ત્યારે આપણે દોસ્તી નુ પીપુડું વગાડવાનુ ક્યારે બંધ કરીશું?

  • Milin says:

   Dear Indreshbhai,

   I think here the story is about the two friends who got separated because of partition, an unfortunate event. Keeping politics on side, any man/woman in India or in Pakistan may not consider each other as an enemy or may have any hostile feelings. I still remember the series of India visiting Pakistan and people who went there to see the games had an incredible experience.

   Besides, there are political issues and I would not say that we should simply forget them but I would recommend you to read this again, remember one of your old friend and put that friend in the role of Iqbal and yourself in the role of Narpat.

   I’m a die-hard Indian but don’t forget the lines from the song of movie Border

   hum apne apne kheto me
   gehu ki jagah chawal ki jagah
   ye bandoke kyon bote hain?
   jab dono hi ki galiyon me
   kuchh bhukhe bacche rote hai…

   Nothing personal to you, but being a student of this humble man and knowing him for four-five years, I could understand his message which prompted me to comment me on your comment.

   • ઈન્દ્રેશ વદન says:

    Nothing personal against you either. Author is very good at his skills.

    But maybe you don’t know how and whom Ajmal Kasab was trained by. Maybe you didn’t follow last year’s carnage closely that what had actually happened and how it was executed.
    Maybe you haven’t met any pakis personally that what they think of us.
    You remember ‘Border’, but maybe you should also remember ‘Mumbai Meri Jaan’.

    You might also like this poem. http://www.rediff.com/news/2008/dec/01mumterror-is-baar-nahin.htm

    • Milin says:

     Dear Indreshbhai,

     I agree with you 100%. No doubt the way the things are. The way Kashmir, a heaven has become hell and we can’t go to the best part of it. No doubt that there are strong evidence clearly showing the role Pakistan has played in many terrorist attacks. Don’t forget that Dawood Ibrahim is still there and yet I can put 1000 more things like these. But my point here is not to look at this from the political aspects but from the other angle of humanity. I still think that a normal human beings are there living in Pakistan too just like you and me and perhaps they are equally afraid of such terrorists as you and me because they have family, responsibilities and to the some extent they are “human”. As you can see currently what heavy price they themselves are paying for harboring such terrorists in their own country.

     Terrorists have no religion, but they are the pawns of wicked political kings.

     Besids, I’ve worked with someone hailed from Pakistan and was at least 15 years elder to me. I must mention that there wasn’t any day he wouldn’t have spared food for me from his tiffin so that whenever I go for my work, after my college, I would get something to eat.

     I don’t know if it would be suitable to have longer discussion here, you can email me at milin2009@gmail.com for further discussion. Its good that we are having discussion and thats what I like about this site. Something which gives you an opportunity to share your thoughts and opinion will strongly develop ones’ thinking.

     • trupti says:

      Milan,

      I fully agree with you. The enmity is not in the eyes of the general public, but it the politician who plays very important role and adds fuel to the fire by delivering provoking speeches and preaching enmity. If you have seen the movie named ‘Naam” where the neighbor of Sunjay Dutt in the movie is a Pakistani and the way that family had shown the brotherly affection towards him is worth remembering. We in India and Pakistan fights with each other, one must go and see the scenario in USA. There you being Indian are greeted so well by NRP (Non Resident Pakistani) as if you are their own brother/sister and vice-a-versa. There are grosser shops like Indo-Pak- grosser stores in Chicago. Two opposite side of the footpath in the Devon Street is named after Mahatma Gandhi and Mohammad Ali Zina. Both the community lives in harmony and peace.
      However, there is second side of the coin. If the Pakistani cricket team defeats the Indian cricket team, the crackers are burst in certain areas of Mumbai, which is dominated by the Muslim community. As the five fingers are not alike, not all the Muslims are bad and not all the Hindus are good. In general, whatever is going on in the present time is all political stunt and we as a general public must not get involved in all such things.

  • Chirag Patel says:

   I agree with you – Stop Fridnship hand…. and take necessary acitons… Granted. the story is very touchy and has deep and great meaing to it but – let’s not forget the reality and what we have on our hands TODAY! Becuase our tomorrow is based on TODAY!

   Thank you,
   Chirag Patel

   • Milin Shah says:

    Absolutely,

    No doubts at all. It’s been almost one year and what has been done to those who caused that havoc and carnage in mumbai. You may think that I am changing my stand on the point. But my point was in the context of story earlier expressing that war may decide country as winner and loser but overall both, the winner and the loser lose many things. Invaluable brave soldiers lay down their lives and we may remember them for some days or felicitate them with medals. But how many times do we care about their family members? Remember Saurabh Kaliya? He’s one of the hero of the Kargil war and we have many like him.

    India since early ’80s have been so quiet on an international field and have got many of such shocks. Look what China is doing silently on the Arunachal Pradesh Border and what are they planning to divert the flow of Brahmaputra river.

    We say we’re proud Indians, but how much proud are we for our country? Being an ambassador of peace in the world we have gone to the extent that now we have habituated to these incidents. Things happen and we forget.

    Even today when I see the map of India on any international channel, I get very much disturbed by looking at the top of the map (Kashmir) the way they show the borders and it looks like a head decapitated country.

    Enough is enough. Imagine what would be the situation if that attack would have been done on countries like US. Pakistan would have been erased from the map of the world. But again, our poor politicians fail to take effective and brave decisions. We need those leaders who can stand strong against the world and stop pretending.

    Our motto as a country should be “Hum kisi ko chhedenge nahi, agar hamein kisi ne chheda to hum use chhodenge nahi”

    Again, I think we are deviating but the discussion is going good.

    Keep it going.

    Thanks
    Milin

 13. Milin says:

  ‘નરુ ! ધરતીમાતાની છાતી પર ચીરો મૂકવાથી આપણને શું મળ્યું ! નફરત, કટુતા વેર કે બીજું કાંઈ ! આજના જંગમાં આપણે બંને સામે-સામે આવી ગયા હોત તો બેમાંથી એકની હત્યા થઈ જાત ! ભારે કહેર થઈ જાત ! આ લડાઈ નરુ, કેવી બેરહેમ છે, નહીં ? જેને આપણે કદીય ન જોયો હોય, જેણે આપણું કંઈ બગાડ્યું ન હોય, અરે જેની સાથે અગાઉ નામનીય દુશ્મની ન હોય એને શા માટે મારી નાખવાનો ? શું ઈન્સાની ખૂન એટલું બધું સસ્તું છે ?” Excellent…

  First of all, very very nice story.

  Secondly, I feel very proud today to put this message here. The reason behind that is I am amongst those few hundred students who had an opportunity to study under the guidance of Shri Valand sir for four years!!!

  Yes, I learned first lessons of English under the guidance of Valand sir at Shri Pratap High School, Baroda. Everybody would be surprised to know that he has his BA in Gujarati but we never knew that until one of our teacher revealed it to us. He has an excellent command on Gujarati, English and Hindi. Not only that, he plays harmonium very well and sings too.

  I am sharing one of his secret with the community today. He has written one novel in English about cricket. I remember I requested him to tell us more about that story. For everybody”s information, he had submitted that novel to MCC at the Lords’ Cricket Ground in London and he still receives royalty for that novel.

  Valand sir has an excellent command on Gujarati especially speaking in the tone of the character “Bhadrambhadra”.

  He is an excellent teacher, great narrator, great writer and above all very great and humble human being.

  Dear sir, if you read this, its a message from one of your student to you. I still remember you and will remember you forever as one of my “Guru”.

  Thanks a lot sir.

  Thanks to Mrugeshbhai for bringing this story to us.

  • yogesh says:

   Hi Milan,

   Thankyou so much for writting your personal experience. I dont have words to describe how i have felt after reading this story. Superb begining, buid up the momentum and very emotional ending. Reminds me of my home town (amdavad) as of now i am living in usa. Just like krishna sudama, tane saambhre re, mane visare re… story. It applies to all of us who are senti, has love for our roots.
   thanks
   yogesh

   • Milin says:

    Dear Yogeshbhai,

    I appreciate your comments.

    Yes, you can understand it better staying away from your motherland. As you are, I also live in US and my memories of India are still fresh as of yesterday though it has been more than two years in US. Friends are of course at the top of that. Still remember my farewell at the airport, want to go back at the same airport and hug all of them again !!!!

    Being a human being, we all are gifted with emotions, however some of us have better control on it and they don’t express them. But some of us like my teacher Valand sir who has been gifted to put his emotions and thoughts into words and that will keep others thinking and bring their emotions out.

    Jo ek sainik pan lohi luhan dushman ne joi ne pigli jay to e batave chhe ke haju manas ma kyak “manas” jive chhe…

 14. Vraj Dave says:

  વ્રજેશભાઇ લાખ લાખ સલામ.અત્યારે તો દિપોત્સવી અંકો પણ ધણા છે. છતાં આ એક અનોખી કહાની છે અદભુત કથા છે.બનાવટ નથી નર્યું સત્યજ ડોકાય છે.એક વખત કટ્કા થૈ ગ્યા એવું નથી હજુ મતોના ભુખ્યા ધરતી સાથે અંતરના પણ કટકા કરાવ્યે જાય છે.દરેક અંતેતો માનવી જ છે ને?
  આભાર.
  વ્રજ દવે

 15. Margesh says:

  Excellent Story!!

 16. ankur says:

  ખુબ જ સરસ વાર્તા ………બહુ જ સરસ વાર્તા.

 17. Pinki says:

  હ્રદયસ્પર્શી વાર્તા…..!!

 18. mukesh says:

  બહુ જ સરસ અને હ્રદયસ્પર્શી વાર્તા…..

 19. Mehul Shrimali says:

  Hey Milin,

  I really appreciate d way u said ur thoughts openly…..still….i guess…this is not a blog…so no need to flood comment box as discussion forum…let it b restricted to comments related to the content of the writing…:- )

 20. Ashish Dave says:

  Vrajeshbhai is a very good story teller. I am sure this is not one of his best stories. With his name the expectations really build up. By the way lot of people are talking about our politicians and today I read a story on what MANSE’ did in Maharashtra Vidhan Sabha… જેવી પ્રજા તેવો રાજા… How can these people ever get elec ted…

  Ashish Dave
  Sunnyvale, California

 21. Nisha says:

  Dont give a helping hand to ENEMY, they will cut it for sure after their use.

 22. Jaimin Patel says:

  A very touchy story by a very warm hearty man…
  I know him because he was my teacher for ywo years(1999-2000) at Shri Pratap High School .

 23. Each story of Vrajeshbhai is excellent,outstanding emotional.Can somebody give me guidace from where I can buy all his litrature?my e mail id is mn.babariya@yahoo.com

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.