મૂંગો રાજકુમાર – ધૂમકેતુ

હાલ જેને કાશી કહે છે તેને જૂના જમાનામાં ‘વારાણસી’ કહેતા. એ વારાણસી નગરીમાં રાજા બ્રહ્મદત્ત રાજ કરે. તે વૃદ્ધ થયો ત્યારે એને ચિંતા થઈ કે આવી સુંદર નગરી સોંપવી કોને ? એને એક જ કુમાર છે. પણ રાજકુમાર છે મૂંગો. કંઈ બોલતો નથી. રૂપરૂપનો અંબાર છે પણ બેઠોબેઠો આંખો પટપટાવે, જુએ, જરાક હસે, પરંતુ કોઈ દિ’ કંઈ બોલે નહિ. મૂંગો એટલે તદન જ મૂંગો. હવે રાજાને તો આ મૂંગા પુત્રની ભારે ચિંતા થઈ. નથી એને રાજ અપાતું, નથી એના વિના બીજા કોઈને આપવાનું મન થતું.

એવામાં એને ત્યાં ફરતા ફરતા એક સાધુ આવ્યા. સાધુ સાધુ પણ હતા અને વૈદ પણ હતા. રાજકુમારને જોઈને એમણે કહ્યું કે રાજકુમારને કંઈ જનમખોડ તો નથી લાગતી. એટલે જો તમે એને બહુ બીક બતાવો તો એ બીકનો માર્યો એકદમ કંઈક બોલી કાઢે અને એમાંથી એની જીભ ખુલ્લી થઈ જાય તો થઈ જાય. એટલે રાજાએ કેટલાક શિકારીઓને બોલાવ્યા. એમને કહ્યું, ‘જાવ, રાજકુમારને તમે ક્યાંક જંગલમાં મૂકી આવો. એ અહીં રાજમહેલમાં વસવા માટે લાયક નથી.’ કુમારે આ સાંભળ્યું એટલે એ ટગરટગર જોતો રહ્યો, પણ કંઈ બોલ્યો નહિ. હવે શિકારીઓ તો કુમારને લઈ ચાલ્યા ગયા જંગલમાં. પણ શિકારીઓને રાજાએ કહ્યું હતું કે કુમારને ખોટી-ખોટી બીક બતાવવાની છે. પણ જો એ બીકને લીધે કંઈ બોલી ઊઠે તો એને તરત પાછો લાવજો. શિકારીઓ તો કુમારને લઈને જંગલમાં ગયા. જંગલમાં ભયાનક ખંડેરો આવ્યા. એવાં ભયાનક કે જોનારની છાતી બેસી જાય. ત્યાં વસવાની તો કોની હિંમત ચાલે ?
‘તમારે અહીં વસવાનું છે.’ શિકારીઓએ રાજકુમારને કહ્યું, ‘આ ખંડેરો છે.’
‘આ ખંડેરો છે તો આપણે જ્યાંથી આવ્યા તે શું ખંડેરો ન હતાં ?’ રાજકુમાર પહેલીવાર બોલ્યો.

રાજકુમારની વાત તો ભારે સમજવા જેવી હતી. રાજકુમારની આવી અજાબ જેવી વાણી સાંભળીને તો શિકારીઓ રાજી રાજી થઈ ગયા. તેમને થયું કે રાજકુમાર મૂંગો છે જ નહિ. તે એકદમ રાજકુમારને લઈને દોડ્યા નગરીમાં. રાજાને ખબર આપી. રાજા તો ખુશ થઈ ગયો. એમાં પણ જે વાણી રાજકુમાર બોલ્યો હતો તે વાણી જ્યારે એણે શિકારીઓ પાસેથી સાંભળી ત્યારે એની ખુશાલીનો પાર રહ્યો નહિ. પરંતુ અહીં તો એવું બન્યું કે રાજકુમાર આટલી વાત બોલ્યો તે બોલ્યો, પછી પાછો તદ્દન મૂંગો ! બધાએ એને બોલાવવા ઘણું કર્યું પણ એ તો કંઈ બોલે નહિ. ટગર ટગર જુએ ને થોડું હસે ! રાજાએ વળી હુકમ કર્યો : ‘આ મૂંગાને ઉપાડો અહીંથી. આ વખતે મૂકી આવો હિંસક પશુઓના ટોળામાં. એને ત્યારે જ ખબર પડશે ! બસ, જાઓ મૂકી આવો !’

શિકારીઓ તો વળી કુમારને મૂકવા ચાલ્યા. એ તો ચિઠ્ઠીના ચાકર. કુંવર છેક છેલ્લી ઘડીએ પણ કાંઈક બોલે તો પોતાને આવું કામ કરવું ન પડે. પણ કુંવર બોલે શાનો ? એટલે એ તો એને લઈને ચાલ્યા જંગલમાં. ભયંકર ગાઢ જંગલમાં હિંસક પશુઓ દેખાયાં. ભલભલાનાં છક્કા છૂટી જાય એવી ત્રાડો સંભળાઈ. રાજકુમારને ત્યાં મૂક્યો. શિકારીઓએ કહ્યું : ‘હવે તમારે અહીં રહેવાનું છે, કુમાર ! આ હિંસક પશુઓ વચ્ચે…’ પણ કુમારની વાચા અચાનક એ વખતે પાછી ફૂટી અને તેઓ બોલ્યા : ‘આપણે જ્યાંથી આવ્યાં ત્યાં શું હિંસક પશુઓ નહોતાં તે અહીં શોધવા આવવું પડ્યું ?’ વાત વાતમાં એણે કેવી વાત કહી નાખી ! શિકારીઓ તો પાછા આનંદમાં આવી ગયા. એકદમ રાજકુમારને ઉપાડીને પાછા નગરમાં આવ્યા. રાજાને વાત કરી કે રાજકુમાર તો સરસ બોલે છે. રાજાને થયું કે હાશ, ચાલો કુમાર બોલતો તો થયો ! પણ જ્યારે એ કુમાર સાથે વાતો કરવા ગયા ત્યારે ફરી પાછું બધું એનું એ. રાજકુમાર પાછો મૂંગો ને મૂંગો ! બબ્બે વખત રાજકુમારે લુચ્ચાઈ કરી એટલે રાજાના ગુસ્સાનો હવે પાર ન રહ્યો. એમણે તરત જ હુકમ કર્યો : ‘એ લુચ્ચો છે, લુચ્ચો. એને આ વખતે નગરની બહાર લઈ જાઓ અને ખેતરમાં લઈ જઈ હણી જ નાખો. તે વિના એનું મગજ ઠેકાણે નહિ આવે. મૂંગાને સાચવીને શું કરવું છે ?’

એટલે શિકારીઓ એને આ વખતે ખેતરમાં લઈ ગયા. ખેતરમાં તો દાણાના ઢગલા દેખાય. શિકારીઓએ રાજકુમારને ભય બતાવવા તલવારો ઉઘાડી કરી. એના માથા પર તોળી રાખી. એટલામાં વળી અચાનક રાજકુમાર બોલ્યો : ‘આ દાણાના ઢગલા, માણસો જો મૂળમાંથી ખાવા માંડશે તો તો થોડા વખતમાં ખૂટી જશે. ટોચેથી ખાય તો ઢગલો વધતો જાય ને દાણા ખૂટે નહિ !’ રાજકુમાર બોલે ત્યારે જાણે ફૂલ ઝરે, પણ બોલીને બિલકુલ બંધ ! આ વખતે પણ એમ જ થયું. શિકારીઓ કુમારને લઈને ફરી પાછા ફર્યા. રાજાને વાત કરી. રાજકુમાર મૂંગો નથી એ વાત તો ચોક્કસ થઈ. પણ નગરમાં આવીને એ કેમ બોલતો નથી, એ સૌને પ્રશ્ન થયો. રાજાએ આ વખતે એને ખૂબ ધ્યાનથી પૂછવા માંડ્યું : ‘હે કુમાર ! તારા મનમાં શી વાત છે ? તું બોલતો કેમ નથી ? તારે શું કહેવું છે ? અમારે તારી આ રીતભાતમાં શું સમજવું ?’
રાજકુમારે જવાબ આપ્યો : ‘મહારાજ ! જો મારું વેણ પાળો તો વાત કહું !’
રાજા કહે : ‘વચન દીધું જા. તું કહે તેમ કરવાનું.’
કુમાર કહે : ‘જો જો રાજા ! વચન આપવાં સહેલાં છે, પણ પાળવા અઘરાં છે.’
પણ રાજાએ ફરી કહ્યું : ‘તને આપેલું વેણ પાળીશ, જા !’

રાજકુમાર બોલ્યો : ‘મહારાજ ! હું તો આ દુનિયા જોઈને મૂંગો થઈ ગયો છું. તમે મને રાજ શું કરવા સોંપવા માગો છો ? બધા માણસો છોકરા માટે ધન કેમ ભેગું કરે છે ? શું એટલા માટે કે તેઓના છોકરા આળસુ જીવન ગાળે… બેઠાબેઠા ખાય-પીએ ને વાતો કરે…? શું તેઓ બાળકોને એવું જીવન આપવા માંગે છે કે જેમાં તેમણે કંઈ બહુ કામ જ કરવાનું ન રહે ? દુનિયામાં આવ્યા શું ને ગયા શું ! કોઈ જાણે નહિ ! કેવળ ખાય, પીએ અને મજા કરે ? તમે પણ મને એટલા માટે જ રાજ આપવા માગો છો ને, મહારાજ ? પણ શું માણસે માણસને આપવા જેવી વસ્તુ ફક્ત ધન જ છે ? માણસો પોતાનાં બાલબચ્ચાં માટે પૈસા રાખે, ઘર રાખે અને એની સલામતી રહે એવું રાખે એને મોટામાં મોટો લાભ ગણીએ તો તો મહારાજ દેશમાં એવું અંધારૂં ફેલાઈ જાય કે ના પૂછો વાત. ‘કેમ જીવવું’ એ વાત શું કોઈ કોઈને નહીં શીખવે ? શું એ વાત પોતાના વારસામાં નહીં આપે ? પોતે કેમ જીવી ગયા એનો અનુભવ પણ જો પોતાના સંતાનોને આપવાનો હોય નહિ તો તો મહારાજ આ દુનિયા જીવતાં મુડદાંઓથી જ ભરાઈ જાય. સૌ પોતપોતાની ઘોલકી સંભાળ્યા કરે. સમાજને આ રીતે જીવતો જોઈને હું મૂંગો બની ગયો હતો. માટે હવે તમે મને મારી પાસે જે કંઈ વિચારોની મૂડી છે એ પ્રમાણે જીવવા દો તો હમણાં જ મને વાચા મળે.’

રાજાએ જોયું કે કુમાર જ્ઞાન અને વૈરાગ્યની વાતો કરતો હતો. એને આ માર્ગ પર જતો જોઈને રાજાને ઘણો શોક થયો પણ પોતે એને વચન આપ્યું હતું તેથી રાજા બંધાયેલો હતો. તેથી તે કુમારને ચૂપચાપ સાંભળી રહ્યો. રાજકુમારે કહ્યું : ‘મહારાજ ! આપણે બાપદાદાની મૂડી એકબીજા માટે વપરાતી રહે એવો સમાજ ઊભો કરીશું તો આપણે બધા જીવી શકીશું. બધા જ જો એક જ કામ કર્યા કરશે કે… ભેગું કરો… ભેગું કરો… તો છેવટે સમાજમાં જ એવી અંધાધૂંધી થશે કે એમાં સૂકા ભેગું લીલું પણ બળી જશે.’ રાજકુમારની આ વાત રાજાને સરસ લાગી પણ એ માનતો હતો કે આમ થાય તો સંસાર જ ન ચાલે. પણ તેમ છતાં રાજકુમારની વાતમાં રસ લઈને એણે રાજકુમારને પૂછ્યું કે : ‘પુત્ર ! તારી વાતો મને સારી લાગે છે પણ સમજાતી નથી. તું આ અગાઉ પણ ત્રણ વખત બોલ્યો હતો. એ ત્રણ વાતોનો અર્થ મને સમજાવ. તેં પહેલી વખત શિકારીઓને એમ કહ્યું હતું કે શું આપણા નગરમાં ખંડેરો નથી કે આ ખંડેરો જોવા આપણે અહીં આવ્યા – એટલે શું તું એમ કહેવા માગે છે કે આ નગર ખંડેર બનવાનું છે ?’
રાજકુમારે કહ્યું : ‘મહારાજ ! વાત એમ નથી. વાત એ છે કે જે જન્મે છે તે મરે જ છે. એટલે એમાં તો કંઈ નવું નથી. પણ માણસો ઘર બાંધી બેસે અને એમાં સંપ હોય, એકબીજા ઉપર હેતમાયા હોય, એકબીજા માટે સુખેદુ:ખે દોડવાનું મન હોય તો એ બધા ઘર ગણાય; નહીંતર તો પછી એ બધાં જ ખંડેર નહિ ? ખંડેરમાં ક્યાં કોઈ કોઈને ઓળખે છે ? જુઓને મહારાજ ! મારો દોષ એટલો જ કે હું મૂંગો હતો. તમે મને જંગલમાં મોકલ્યો તે ઠીક. તમને લાગ્યું કે રાજ ચલાવનારામાં કોઈ ખોડ ન જોઈએ. પણ આ નગરીમાં હજારો ને લાખો માણસો હતાં. એ બધાં જ આ અન્યાય જોઈ રહ્યા હતાં પણ એમાંથી એક પણ માણસે ઊંચો સાદ કરીને એમ ન કહ્યું કે આ ખોટું થાય છે. એકે માણસે ઊંચી આંગળી કરીને એમ બોલવાની હિંમત ન કરી કે મહારાજ આપ આ ખોટું કરો છો – એટલે હું કહું છું કે આ નગરીમાં ખંડેર ન હતાં તો બીજું શું હતું ? વળી, આ રીતે જ્યાં માણસાઈ વસતી નથી એ બધા હિંસક પશુઓ જ થયા ને ! નહીંતર માણસો કંઈ એકબીજાને મારી નાખવાની વાતો કરે ? જો એમ થાય તો માણસમાં અને પશુમાં ફેર શો ?

રાજકુમારની આવી ઊંડી સમજ જોઈને રાજા તો નવાઈ પામી ગયો. એને પણ લાગ્યું કે રાજકુમારની વાત સાચી છે. એકલા ધનનું નહિ, દેશમાં ચરિત્રનું પણ નિર્માણ થવું જોઈએ. તેણે ફરીથી કુમારને પૂછ્યું : ‘હે પુત્ર ! તેં ખેતરોમાં દાણાના ઢગલા જોઈને એમ કહ્યું કે મૂળમાંથી જો સૌ ખાશે તો તો આ ઢગલા કેટલા દિ’ પહોંચશે ? ટોચેથી ખાય તો વધારો થાય – તો એનો શો અર્થ છે ?’
રાજકુમારે કહ્યું : ‘મહારાજ ! મૂળમાંથી ખાવું એટલે નવી કમાણી ન કરવી. આપણને આ જનમમાં કંઈક મળ્યું છે તેનો આપણે આપણા માટે ઉપયોગ કર્યા કરીએ અને પોતાના જ સ્વાર્થમાં રચ્યાપચ્યા રહીએ તો પછી નવી કમાણી ક્યાંથી થાય ? એટલે મેં કહ્યું કે ટોચેથી વાપરો તો નહિ ખૂટે. જે મળ્યું છે તેનો ઉપયોગ કરો. જરૂરતવાળા બીજા માણસો પણ અહીં જીવે છે એમ સમજીને તમારાથી બને તેટલી તેને મદદ કરો. બધા માણસોમાં સરખી બુદ્ધિ નથી, સરખી શક્તિ નથી, સરખાં સાધન નથી, સરખી કમાણી નથી, માટે એકબીજાને મદદ કરતા જ રહો તો એનું નામ ટોચેથી ખાધું કહેવાય. લોકો મોટાં મોટાં દાન કરે છે તે સારી વાત છે. પણ વધુ સારી વાત તો આ છે કે કોઈ જાણે કે ન જાણે, પ્રત્યેક માણસ નાની નાની બાબતમાં એકબીજાને મદદ કર્યા કરે તો આ દેશની હવા બદલાય. માટે હે મહારાજ ! આ રીતે જીવન જીવવું એ મોટામાં મોટો લાભ છે, મોટામાં મોટો વારસો છે અને મોટામાં મોટી સિદ્ધિ છે.’ કુમારની ઊંડી સમજણ જોઈને પોતે આપેલું વચન પાળવા રાજા તૈયાર થયો. પાછળથી આ રાજકુમાર રાજપાટ છોડી દઈને સમાજને ઉપયોગી થવા માટે સાધુ થયો. એણે બોલવાનું ઓછું કરી નાખ્યું. બોલ્યા વિના જ બીજાનું કામ કરી દેવાનું રાખ્યું. એનો એ દાખલો લોકમાં એવો ફેલાયો કે સૌ એકબીજાને મદદ કરવી જોઈએ એ વાત કુદરતી ગણવા લાગ્યા. એમાં જાણે કોઈ કોઈના ઉપર ઉપકાર કરતો હોય તેવું કોઈને લાગે જ નહિ. એમ લાગે કે માણસ માણસને મદદ ન કરે તો કોણ પશુ મદદ કરવા આવે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝીણી વાત – નવનીત શાહ
પીજ ટીવી ને હું – ઈન્દુ પુવાર Next »   

14 પ્રતિભાવો : મૂંગો રાજકુમાર – ધૂમકેતુ

 1. Akash says:

  સાચી વાત છે. માણસ માણસને મદદ ન કરે તો કોણ પશુ મદદ કરવા આવે??

 2. જય પટેલ says:

  રાજાધિરાજના પારણે સમાજવાદી પુત્રનો જન્મ..!!! વિધિની વિચિત્રતા.

  પ્રસ્તુત વાર્તામાં રાજકુમારના વિચારો આદર્શમય અને સ્વપ્નસમા છે જે વાસ્તવિક ધરાતલ
  પર અશક્ય નહિ તો મુશ્કેલ જરૂર છે.

  હજારો ખેડૂતોની આત્મહત્યા બાદ મોજૂદા કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૭૦૦૦૦ના માફી યોજનાથી
  લાગ્યું કે સરકાર માઈબાપ પણ રાજકુમાર જેવું જ વિચારે છે.

  પંડિત પુત્ર શત્રુ સમાન – ચાણક્ય.

  • Navin N Modi says:

   આ વાર્તામાંની વિધિની વિચિત્રતાની આપની વાત વાંચી મને એમ લાગ્યું કે એ જમાનાની જેમ આજે પણ વિધિની એવી વિચિત્રતા યથાવત છે – પરંતુ ઉલ્ટી રીતે. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારના આપણા લગભગ બધા જ રાજનેતા ખરા અર્થમાં સમાજવાદી હતા. આજે પણ ઘણા રાજનેતા તેમના વંશજો જ છે. એમના વર્તન જોઈ એમ નથી લાગતું કે સમાજવાદીઓના પારણે રાજાધિરાજો જન્મ્યા છે?

   • જય પટેલ says:

    શ્રી નવિનભાઈ

    આપના મત સાથે અસંમત થવું અશક્ય છે.
    આજની લોકશાહીમાં લોકસેવકના પારણે રાજાધિરાજનો જન્મ થાય છે…!!!

 3. nayan panchal says:

  કોણ છે યાર, આ વાર્તાના લેખક? ધૂમકેતુજીએ કેવી વાર્તા લખી છે!!

  આટલી સરસ વાર્તા તો કંઈ લખાતી હશે. માત્ર ત્રણ લાઈનો જ કેટલી વિચારપ્રેરક છે.

  મોહમાયાના લીધે આવા સંતાન મેળવવા બદલ આનંદ અનુભવવાને બદલે રાજા સંતાપ અનુભવે છે, કેવી વિચિત્રતા.
  આભાર,
  નયન

 4. kumar says:

  I think i read this story in panchantatra or hitopadesh. I am not sure.

 5. વાતૉ સારી છે. પણ

  રાજકુમાનુ જે પાત્ર છે તે બંધબેસતુ નથી.

  કોઈ પણ રાજા પુત્ર વાર્તા પ્રમાણે વિચારે તેવુ શકય નથી.

  સોરી ધૂમકેતુજી વાતૉમાં મજા ન આવી.

  Kuldipsinh Jadeja

 6. એક્દમ સરસ વાર્તા છે

 7. Vraj Dave says:

  સરસ બોધકથા.
  શ્રીનવિનભાઇ,
  આપના પ્રતિભાવ સાથે સહમત છું.
  વ્રજ દવે.

 8. Hitesh Mehta says:

  આ રીતે જીવન જીવવું એ મોટામાં મોટો લાભ છે, મોટામાં મોટો વારસો છે અને મોટામાં મોટી સિદ્ધિ છે.’

 9. ઈન્દ્રેશ વદન says:

  સુંદર વાર્તા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.