- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

પીજ ટીવી ને હું – ઈન્દુ પુવાર

[‘મધ્યાંતર’ સામાયિક દીપોત્સવી અંકમાંથી સાભાર.]

ઈ.સ. 1975ની 15મી ઓગસ્ટે ખેડા જિલ્લાના પીજ મુકામેથી, મતલબ ચરોતરની ભૂમિ પરથી ગુજરાતી ટેલીવિઝનની શુભ શરૂઆત થઈ. મતલબ ગુજરાતમાં પ્રથમ ટીવી સ્ટેશન મેળવવાનું સૌભાગ્ય પીજ જેવા સાવ નાના ગામને સાંપડ્યું. આ એક ઐતિહાસિક ઘટના કહેવાય. દેશના જાણીતા વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ પ્રો. યશપાલ અને પ્રો. ચિટનીસે એમના સંદેશા અંગ્રેજીમાં આપ્યા હતા જેનું ભાષાંતર મેં સ્ક્રીપ્ટ રાઈટર તરીકે કરેલું. ઘણા વિદ્વાનો, સમાજશાસ્ત્રીઓ અને બુદ્ધિજીવીઓને થતું હતું કે સહુથી સુખી ગણાતા ખેડા જિલ્લાને (ચરોતરને) ટીવી પ્રસારણ માટે કેમ પસંદ કર્યો હશે ? બીજા કોઈ સામાન્ય કે પછાત કે રિમોટ એરિયાવાળા જિલ્લાને કેમ નહીં ? સીધી વાત હતી ઈન્ફ્રાસ્ટ્રકચરની ! અમુલ ડેરી આ પ્રસારણમાં મહત્વનો ભાગ ભજવવાની હતી. દૂધની ડેરીઓ પર જે ટીવી સેટ મૂકવામાં આવ્યા હતા એમાંના બસો (200) સેટ અમૂલે આપ્યા હતા. ડેરીઓના નેટવર્કને કારણે જનસંપર્ક કરવો એકદમ આસાન હતો. વળી ટીવી પ્રસારણનો સમય દૂધ આપવાના સમય એવો સાંજનો રાખ્યો હતો. જેથી પ્રેક્ષકો આસાનીથી કાર્યક્રમો જોઈ શકે. આવી બધી બાબતોના કારણે જ પીજને પસંદ કરવામાં આવ્યું હતું.

જો અમારે લોકોને ટીવી પ્રસારણમાં ભાગીદાર બનાવવા હોય તો અમારે એમની વાત કરવી પડે. કેમ કે ટીવી એ માસ મિડિયા કહેવાય છે અને એમાં માસ (લોકો) જ ના હોય તો એને શું કરવાનું ? આવી વિચારધારાને રૂપ આપતી શ્રેણી ‘વાત તમારી’ શરૂ કરવામાં આવી. જેમાં પ્રજાના-ગ્રામજનોના પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી. શરૂ શરૂમાં એમ એમની ડેરીને, દૂધને લગતા પ્રશ્નો, ખેતીવાડીના પ્રશ્નો, તકલીફો, આરોગ્ય અંગેની જાણકારીઓ વગેરે આપવામાં આવતી. ટૂંકમાં લોકો એમના પ્રશ્નોથી જાગૃત બને, એ અંગે વિચારતા-સમજતા થાય અને એના ઉકેલ માટે રસ્તા શોધે એ અમારું મતલબ ઈસરોનું ધ્યેય હતું. ટૂંકમાં પશુપાલન, ખેતીવાડી અને આરોગ્યના કાર્યક્રમો થતા. મૂળમાં જનભાગીદારી એ અમારું, ઈસરોના કાર્યકર્તાઓનું લક્ષ્ય હતું. ગરીબોના પક્ષે રહી એમના આર્થિક-સામાજિક ઉત્થાન માટે અમે લોકોને થોડા પણ ઉપયોગી થઈને એમને એમના વિકાસનો રસ્તો ચીંધીએ એ જ અમારું લક્ષ્ય હતું. તેથી નાટકને અમે અમારું શસ્ત્ર બનાવ્યું. નાટ્યાધારિત કાર્યક્રમ શ્રેણીઓ થવા માંડી જેમાં ‘હવે ન સહેવાં પાપ, રંગલીલા, હું-ણ (પપેટ), ત્રિભેટે, ડાહીમાની વાતો, ‘તમારા ટીવી માટે તમે લખો’, ‘હું ને મારી ભૂરી’, ‘ગામડું જાગે છે’, ‘હાજી-નાજી’ વગેરેને ગણી શકાય. આ બધી શ્રેણીઓ જુદા જુદા નિર્માતાઓએ બનાવી હતી. મને યાદ છે મેં લખેલ ટીવી સિરિયલ (અત્યારના સંદર્ભમાં જોઈએ તો એને ડેઈલી સોપ જ કહી શકાય જે 1975માં ગુજરાતીમાં બની હતી) ‘કુંડાળાના સાપ’ એ જમાનામાં ખૂબ પ્રખ્યાત થયેલી. વરસતા વરસાદમાં લોકો છત્રીઓ સાથે બેસીને આ કાર્યક્રમ જોતા હતા. આ સિરિયલમાં (જે સળંગ સોળ દિવસ ચાલેલી) હું ભૂવાનું પાત્ર ભજવતો જેનાથી કેટલાક ગામોના ભૂવા ખુશી સાથે મને ગુરુપદે સ્થાપવા તૈયાર થયા હતા !

ગ્રામ વિકાસના સરસ કાર્યક્રમો માટે ઈસરોને (ડેકુને) યુનેસ્કોનું ઈનામ પણ મળેલું. આ બધું હોવા છતાં અમૂલે અને ઈસરોએ મૂકેલા ટીવી સેટસ એક પછી એક બંધ થવા માંડેલા. કેમ કે જે ટીવી ચાલુ કરનારા હતા તે ગામનાં સ્થાપિત હિતો હતાં. તેઓ એમ માનતા કે અમારા કાર્યક્રમો તેમની વિરુદ્ધના છે. તેથી અમુક પ્રકારની માનસિકતાથી પીડાતા આ લોકોએ સેટ બગડી ગયા છે એમ કહી બંધ કરી દીધેલા. ફરી સેટ્સ ચાલુ થાય એ માટે ડેકુએ પ્રયત્નો કર્યા હતા જેમાં બે નિર્માતાઓએ પાંચ પાંચ ગામ દત્તક લઈ કાર્યક્રમો બનાવેલા. બે તાલુકાઓનાં પાંચ પાંચ ગામથી શરૂ થયેલા આ કાર્યક્રમોનું સકારાત્મક પરિણામ પણ આવેલું છતાં એક દિવસ એવો આવ્યો કે પીજ ટીવી કેન્દ્ર બંધ થઈ ગયું. અધિકારી કક્ષાની મંત્રણાથી થોડાક સમય પછી એ અમદાવાદ ટીવી સ્ટેશનેથી અડધા કલાકના પીજના કાર્યક્રમોનું પ્રસારણ થવા માંડેલું. વળી પાછું બધું બંધ થઈ ગયું. ફરીથી પીજ સ્ટેશનથી જ એક કલાકના કાર્યક્રમો શરૂ થયા જેમાં અમે અમદાવાદથી એક કલાકની ટેપ તૈયાર કરી પીજ મોકલતા અને ત્યાંથી કાર્યક્રમો પ્રસારિત થતા. આ પણ લાંબુ ચાલ્યું નહીં અને અંતે પીજ ટીવી કેન્દ્ર બંધ થઈ ગયું, સદાયને માટે.

મને લાગે છે કે મારા જીવનનાં પંદર-સત્તર વર્ષ ચરોતરની ભૂમિ સાથે મેં ગાળ્યાં એ અદ્દભુત હતાં. આ ભૂમિ સાથેનો લાગણીનો તંતુ જોડી જે કંઈ મેળવ્યું એ અનન્ય હતું. કેટકેટલા ગામોમાં હું હર્યો-ફર્યો, કેટકેટલા લોકોને હું મળ્યો, એમના સુખદુ:ખમાં ભાગીદાર થયો. એમની સાથે હસ્યો-રડ્યો, લડ્યો-ઝઘડ્યો, હળ્યો-મળ્યો…. મારું માનસપટ આનાથી આજે પણ ખચોખચ છે. હું ઈંગલેન્ડ, જર્મની, ફ્રાન્સની ટીવી ટુકડીઓને ચરોતરની ભૂમિ પર લઈ ગયેલો ત્યારે એ બધા પણ લોકો સાથેના મારા-અમારા ઈન્વોલ્વમેન્ટને જોઈ ગદગદ થઈ જતા. સહુથી અગત્યની વાત તે આજે પણ જેમની સાથે જીવંત સંપર્ક રહ્યો છે એવા મિત્રો આ સફરમાં મળ્યા જેમાં જયેન્દ્ર શેખડીવાળા, કનુ પટેલ, ચતુર પટેલ, હરિશ વટાવવાળા, જયંતિ ગ્રેગોર, છેલ્લે મળેલા કુમાર ભોઈ, પ્રદીપ મકવાણા…. કોને યાદ કરું… કોને ના કરું ?… છેલ્લે કેટલાંક હાસ્ય-કરુણ ઝરણામાં તમે બધા પણ ડૂબકી મારો ત્યારે….

[1] શુટીંગ કરવા હું જતો ત્યારે કેટલાક લોકો એવું કહેતા, ‘ભયા, અમારો ફોટો નંઈ આવે તો હેંડશે પણ મારી ભેંસનો ફોટો તો લેજો જ…..’

[2] શેખડી ગામના માજી જીવીબા ભેંસો પાવા જતાં હતાં. અમે શુટીંગ કરતા હતા. એમણે બૂમ પાડી, ‘ભયા ! આ બાજુ તમારો કેમેરો ફેરવજો, આ ડોહી ડોખાં લઈને જાય છ. અમારું મૂઢુંય દેખાડજો પાછા !’ આ જ જીવીબા કે જે ભણ્યાં ન હતાં છતાં મારી ટેલીફિલ્મ ‘આનું નામ જિંદગી’માં લાંબો રોલ કરેલો. ગ્રેનેડા ટીવી (ઈંગલેન્ડ) માટેના કાર્યક્રમમાંય એમણે સાસુનો રોલ-પાત્ર ભજવેલું.

[3] અંબાલાલ મકવાણા નામના કાસોર ગામના યુવાને કે જે ખેતમજૂરનો દીકરો હતો એણે ‘તમારા ટીવી માટે તમે લખો’ માટે એક નાટક લખેલું જેનું શીર્ષક હતું ‘વેઠિયો’. નાટકમાં વેઠિયાની વહુને કસુવાવડ થઈ જાય છે. આ સમાચાર જ્યારે એના ધણીને આપવામાં આવે છે ત્યારે એણે જે જવાબ આપેલો એ સાંભળો સાહેબો ! : ‘હારૂ થયું ડઈબા ! દુનિયામાં એક વેઠિયો આવતો બચ્યો !’

[4] લીંબાસીનાં હંસાબેન શિક્ષિકા હતાં. એમને ઈસરોના અમદાવાદ સ્થિત સ્ટુડિયોમાં રેકોર્ડિંગ માટે બોલાવેલાં. એમના મા-બાપે ધરાર ના પાડી દીધી. ‘હાય હાય બા ! તંઈ જવાતું હશે ? મૂવા ટીવીવાળાઓની નજર કંઈ હારી હોય છે નખ્ખોદિયાઓની !’ છેવટે મામાને કારણે હંસાબેન અમદાવાદ આવી શકેલા.

[5] ગામના જ એક જણે ગ્રામસેવકો લાંચ લે છે નો એક કાર્યક્રમ ‘લોન’ શીર્ષકથી લખી મોકલેલો. એ કાર્યક્રમનું પ્રસારણ થયા પછી ગ્રામસેવકોના યુનિયને કોર્ટમાં જવાની ધમકી આપી હતી. તેના જવાબમાં હું દસેક ગામ ફરી, એમની વિરુદ્ધમાં જાય તેવા લાંચ લે છે એવા પુરાવા લઈ આવેલો. એને એડીટ કર્યા વગર એ ખાતાના સેક્રેટરીશ્રીને બતાવેલા. જે જોઈ એમણે ગ્રામસેવકોને ધમકી પાછી ખેંચી લેવા હુકમ કરેલો. પાછળથી આ જ કાર્યક્રમ આપણા તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ પણ જોયો હતો.

આવું બધું ઘણું હજુ મારા ચિત્તમાં ચોંટેલું છે. શું લખવું, શું ના લખવું જેવા પ્રશ્નો ચકરાવા લઈ રહ્યા છે ત્યાં સંપાદકશ્રીનો અવાજ સંભળાય છે, ‘બસ ઈન્દુભાઈ ! બહુ લાંબુ ના કરતાં !’ ભલે ત્યારે આ અટકી કલમ ! ફરી પાછો આવો ચાન્સ મળશે તો ભૂતકાળના, ભૂલ્યો… ચિત્તમાં ચોંટેલા પોપડા ઉખેડીશ નંઈતર પછી અમારા સહુને રામરામ…..!