વાત મૂલ્યો ને સંસ્કારોની…..(ભાગ-1) – સંકલિત

[ થોડા મહિનાઓ અગાઉ ‘અખંડ આનંદ’ સામાયિક દ્વારા ‘વાત મૂલ્યો ને સંસ્કારોની…’ વિષય પર સૌને સત્યઘટના કે એ પ્રકારના જીવનપ્રસંગો પર લખવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે સંકલિત થઈને તાજેતરના દીપોત્સવી અંકમાં પ્રકાશિત થયા છે. આ સત્યઘટનાઓમાંથી કેટલાક પ્રસંગો સમયાંતરે આપણે અહીં માણતા રહીશું. આજે ભાગ-1 અંતર્ગત માણીએ બે હૃદયસ્પર્શી ઘટનાપ્રસંગો.]

[1] ભારત ભૂમિના સંસ્કાર – હેતલ જયેશ ત્રિવેદી

આજની પેઢી એ પ્રગતિશીલ પેઢી છે. લોકો કહે છે કે આજની પેઢીમાં મૂલ્યો અને સંસ્કારો તો વિસરાતા જાય છે. હું અહીં વાત કરવા માગું છું એક એવી વ્યક્તિની જેણે આજના કહેવાતા આધુનિક યુગમાં રહીને પણ એક શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એ વ્યક્તિનું નામ છે, વંદના દેસાઈ. આ વાત ત્યારની છે જ્યારે હું કૉલેજમાં ભણતી હતી. જ્યારે હું S.Y.માં હતી ત્યારે અમારી કૉલેજમાંથી અમદાવાદના એક જાણીતા વૃદ્ધાશ્રમની મુલાકાતે જવાનું નક્કી થયું. આશરે ચાળીસથી પચાસ છોકરા અને છોકરીઓએ પોતાનાં નામ લખાવ્યાં. મેં પણ મારી સહેલીઓ સાથે નામ લખાવ્યું. આ વૃદ્ધાશ્રમની મુલાકાત માટે વંદનાએ પણ પોતાનું નામ લખાવ્યું. વંદના વિશે ટૂંકાણમાં કહું તો વંદના એ અમારી જોડે જ ભણતી હતી. તે કલાસ રિપ્રેઝન્ટેટીવ હતી અને તેનાં માતા-પિતા મુંબઈ રહેતાં હતાં અને તે અમદાવાદમાં એક હૉસ્ટેલમાં રહીને ભણતી હતી. તે ખૂબ પૈસાદાર કુટુંબની લાગતી હતી.

અમારા સાહેબે અમને ચોક્કસ તારીખ, સમય અને સ્થળ આપ્યાં. અમારે બધાંએ એ વૃદ્ધાશ્રમમાં એકઠા થવાનું નક્કી થયું. તે પછી નક્કી થયેલા દિવસે હું અને મારી સહેલીઓ વૃદ્ધાશ્રમમાં એકઠા થયાં. મેં કદી કોઈ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ન હતી. વૃદ્ધાશ્રમમાં પ્રવેશતાં જ એક બાંકડા પર એક વૃદ્ધ દાદા બેઠેલા હતા. તેઓ અમને આવતા જોઈને ઊભા થઈ ગયા અને અમારી બધા સામે હાથ જોડીને ઊભા રહ્યા. ત્યારબાદ તેઓ અમારી જોડે જ અંદર આવ્યા. અંદર જતાં જ ત્યાંના સંચાલક ભાઈ પહેલાં અમને એક હૉલમાં લઈ ગયા. અને તેમણે થોડું વૃદ્ધાશ્રમ વિશે અને ત્યાં રહેતા વૃદ્ધો વિશે માહિતી આપી. અને તેમણે છેલ્લે એવું પણ કહ્યું કે મા-બાપ તો આપણી અમૂલ્ય મૂડી છે. તેને તિરસ્કૃત ના કરતા તેનું જતન કરો. ત્યારબાદ અમે બધાં ત્યાં રહેતા લોકોની રૂમમાં મળવા ગયાં. તે લોકોની સાથે બેસીને વાતો કરી. તે લોકોને ખૂબ સારું લાગ્યું. બધા વૃદ્ધોએ અમને એ જ સલાહ આપી કે અમારાં સંતાનોએ તો અમને વૃદ્ધાશ્રમમાં મોકલ્યાં પણ તમે તમારાં મા-બાપ સાથે કે સાસુ-સસરા સાથે આવું ના કરતાં. આવું સાંભળીને ઘણા લોકોની આંખોમાં આંસું આવી ગયાં.

પણ આ બધામાં અચાનક જ વંદના એક વૃદ્ધદંપતીને જોઈને તેમને ભેટીને ખૂબ જ રોવા લાગી. તમામ લોકો એકઠા થઈ ગયા. બધાને નવાઈ લાગી કે વંદના કેમ રોવે છે ? અમારા સરે વંદનાને પૂછતાં તેણીએ કહ્યું કે આ મારાં બા-દાદા છે. વંદનાએ તેનાં બા-દાદાને અત્યાર સુધી ફક્ત ફોટામાં જ જોયેલાં હતાં. તેણીનાં મા-બાપ તરફથી પણ તેને એમ કહેવામાં આવ્યું હતું કે તેના બા-દાદા બધાંને છોડીને ક્યાંક ચાલ્યાં ગયાં છે. પણ વંદનાએ પોતાનાં બા-દાદા પાસે સાચી હકીકત જાણી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેનાં માતા-પિતાએ જ તેનાં બા-દાદા બોજારૂપ જણાતા તેમને તરછોડી દીધાં છે અને તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધાં છે.

ત્યારબાદ ઘરે જવાનો સમય થતાં હું મારી સહેલીઓ સાથે ત્યાંથી નીકળી ગઈ. પરંતુ કેટલાય દિવસો સુધી મારા મનમાં આ ઘટના પ્રત્યક્ષ તરી આવતી હતી. અને એ પ્રશ્ન થયા કરતો હતો કે વંદનાએ શું કર્યું હશે ? આમ, આ વાતને વર્ષ વીતવા આવ્યું. સમય જતાં આ વાત માનસપટલમાંથી વિસરાઈ ગઈ. હું T.Y.માં હતી ત્યારે દિવાળીના વૅકેશનમાં મારી સહેલીઓ સાથે વૃદ્ધાશ્રમમાં જવાનું નક્કી કર્યું. અને અમે એ જ વૃદ્ધાશ્રમમાં ફરીથી ગયાં. ત્યાં જતાં જ મારા માનસપટલ પર ગયા વર્ષનો પ્રસંગ દશ્યમાન થયો. ત્યાં પહોંચીને મેં સૌ પ્રથમ એ વૃદ્ધ દંપતીને શોધવાનો પ્રયાસ કર્યો. પણ મને એ ના મળતાં મેં ત્યાંના સંચાલકનો સંપર્ક સાધ્યો. મેં તેને ગયા વર્ષે જે કાંઈ થયું હતું તેની વાત કરી. ત્યારે સંચાલકે કહ્યું કે, ‘એ છોકરીને અમે કેવી રીતે ભૂલી શકીએ ? એ વંદના તેનાં બા-દાદાને મહિના પહેલાં જ અહીંયાથી લઈ ગઈ છે અને વંદનાએ તેનાં મુંબઈ વસતાં મા-બાપને બા-દાદાને સ્વીકારી લેવાનું કહ્યું પણ તેઓ સંમત ના થયાં. વંદનાનાં મા-બાપ અમેરિકા સેટલ થવાનાં હતાં અને તેમણે વંદનાને પણ અમેરિકા આવવા કહ્યું. પણ વંદનાએ એક મક્ક્મ નિર્ણય લીધો કે જ્યાં સુધી બા-દાદા હયાત છે ત્યાં સુધી હું ભારતમાં જ રહીશ. અને તેમની સેવા કરીશ. તેનાં મા-બાપ દ્વારા થઈ રહેલા પાપનું વંદનાએ પ્રાયશ્ચિત કર્યું અને અત્યારે તે અમદાવાદમાં જ એક ભાડાના મકાનમાં તેનાં બા-દાદા સાથે રહે છે. વંદનાએ એક સારી કંપનીમાં જોબ પણ શોધી લીધી છે અને સાઈડમાં તે ઍક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ પણ કરે છે. વંદના કાલે જ તેનાં બા-દાદાને લઈને અહીંયા મળવા આવી હતી.’ – આ બધું સાંભળીને હું અવાક થઈ ગઈ.

આમ, અહીં દરેકના મનમાં પ્રશ્ન થશે કે આ વ્યક્તિમાં કોના સંસ્કાર છે ? તેનાં મા-બાપના તો છે નહીં ! પણ આ વ્યક્તિ જે ભૂમિમાં રહે છે. એ ભારત-ભૂમિના આ સંસ્કાર છે. જ્યાં મા-બાપને દેવતા માનીને તેની પૂજા થાય છે. વંદનાએ તેનાં મૂલ્યો અને સંસ્કારને સારી રીતે ઉજાગર કર્યાં છે. અને વંદનાએ તેનાં મા-બાપના સંસ્કારને નહિ પરંતુ ભારતભૂમિના સંસ્કારોને અપનાવ્યા છે. ધન્ય છે આ દેશની ધરતીને અને લાખ-લાખ વંદન છે વંદનાને. તો આ વાત થઈ મૂલ્યો અને સંસ્કારોની…..

[2] ચાર ધામની જાતરા ! – કે.ચંદ્રનાથ

ખોબા જેવડા ગામમાં પૂરી ડોશી એટલે ‘કંજૂસ ડોશી’ પરંતુ એમને સૌ કોઈ ‘પૂરીમા’ કહીને બિરદાવે એ એમની લાક્ષણિકતા. ગામની જુવાન વહુવારુ પૂરીમાની ખૂબ મર્યાદા સાચવે. નાનાંમોટાં સૌ કોઈ એમને માનભરી નજરે જુએ છતાંય પૂરીમા ‘કંજૂસ’ હતાં એ વાત સાવ સાચી હતી. એનો થાગડ-થીંગડ પહેરવેશ, બોખું મોં અને ગરીબી અને કમનસીબી જોઈને સૌ મનોમન દુ:ખ અનુભવતાં હતાં. એ વાત પણ એટલી જ ખરી હતી. પાંત્રીસ વરસની ધીંગી વયે એમના પતિ ક્ષયરોગમાં ચાલી નીકળ્યા ! એકનો એક દીકરો પણ જુવાનીમાં પગ માંડતાં ને ક્ષયરોગનો કોળિયો બની ગયો. પૂરીમા ભર જુવાનીમાં નોંધારાં બની ગયાં. એ સમેય ગામમાં ઘરકામથી માંડીને નાનીમોટી મજૂરી કરીને માંડમાંડ પેટીયું રળી લેતાં. ગામનાં દળણાં દળી-દળીને એમણે કાયા સાવ ઘસી નાખી, ડોશી બની જતાં એને વાર ન લાગી. પણ ગામની કરુણાએ એને પૂરી ડોશી ને બદલે પૂરીમા બનાવી દીધાં.

આવાં પૂરીમાને ગરીબીને લીધે કંજૂસાઈએ ભરડો લઈ લીધો. કથા વાર્તા કે ભજનકીર્તનમાં કે સારે માઠે પ્રસંગે પ્રસાદમાં જે મળે તેનાથી સાંજનું વાળુ પૂરીમા પતાવી લેતાં. કોઈ વાર સાંજે કે બપોરે ખાવાનું ન મળે ત્યારે બે કળશિયા પાણી પીને એ મનને મનાવી લેતાં. કાળી મજૂરી દળણાં-પાણીના મળતા આનો બે આના કે પાવલી જતનથી સાચવીને પટારામાં મૂકી દેતાં…. પૂરીમા આમ જાત ઘસીને કેમ જીવતાં હતાં ? એનું સૌ કોઈને અચરજ થતું હતું. મારાં દાદીમા પાસે પૂરીમા અવાર-નવાર અલક-મલકની વાતો કરવા અમારે ઘેર આવતાં. વેકેશનમાં હું પણ ઘેર આવતો. સુકલકડી પૂરીમાને જોઈને એક વાર હું પૂછી બેઠો, ‘પૂરીમા, તમે આટલો બધો લોભ કેમ કરો છો ? જીવતાં છો ત્યાં સુધી ખાવ-પીઓ ને ભજન કરતાં લીલા-લહેર કરતાં હો તો.’
પૂરીમા ઘડીભર મારા સામે જોઈ રહ્યાં ને પછી તેનું બોખું મોં માંડ-માંડ જરાક જ મલક્યું ! હસવામાં પણ આટલી કંજૂસાઈ !
‘ભાઈ, તું કહે છે તે સાવ સાચું. પણ હું આમ કેમ જીવું છું એ વાત મેં આ જ લગી કોઈને કરી નથી. તે તને કહી દઉં છું. એટલે બીજા બધાની જેમ તું મને ‘કંજૂસ’ ન માનતો.’ પૂરીમાએ ટૂંકી વાત કરી, ‘મારે ચાર ધામની જાતરા કરવી છે. એટલે હું પાઈ પાઈ બચાવીને જાતરાએ જવાય તેટલી મૂડી એકઠી કરું છું ! જાતરાએ જવામાં કેટલી રકમ જોઈશે તેની મને ખબર નથી એટલે પાઈ-પાઈ કરીને ફદિયા ભેળા કરું છું. હેં ભાઈ, ચાર ધામની જાતરામાં કેટલો ખરચ થતો હશે ભલા ?’
‘અરે માડી, ગામ તમને પૂરીમા કહે છે. માને જાતરા એના દીકરાઓ નહિ કરાવે ?’
‘ભાઈ તું કહે છે ઈ વાત કબૂલ પણ જાતરા કરાવનાર તો મને નોધારી મૂકીને હાલી નીકળ્યો. મારા પંડની કમાણીમાંથી હું જાતરા કરું તો જ મારી જાતરા ફળે ને ?’ પૂરીમાની આટલી વાતે હું ઘડીભર ગમગીન થઈ ગયો. પણ એની વાતનું મૂલ્ય મને પૂરેપૂરું સમજાઈ ગયું.

એમના કહેવાથી ચાર ધામની જાતરાએ જતા એક સંઘમાં એમનું નામ શહેરમાં જઈને નોંધાવી દીધું. ત્રણ મહિના પછી પૂરીમા ચાર ધામની જાતરાએ જશે એ વાત હવે નક્કી હતી. દમડી-દમડી કસ-કસીને પતરાની પેટીમાં સંતાડેલ સાતેક હજારની મૂડી એણે મને દેખાડી. ત્યારે એના બોખલા મોં પર સ્મિતની લહેરખી ને પગની પાનીઓમાં મને અનેરું જોર દેખાયું. પૂરીમાની જાતરાએ જવાની તીવ્ર મંછા હવે જરૂર પૂરી થશે. પછી તો પોતાની જાતને વધુ ને વધુ ઘસીને લોકોનાં કામ અને નાનીમોટી મજૂરી પૂરીમા કરવા માંડ્યાં. ‘કામની સાથે દામ’નો જાપ જપતાં-જપતાં એ દહાડા પસાર કરવા માંડ્યાં. એક મહિનો તો જોતજોતામાં વીતી ગયો. પૂરીમા જાતરાએ જવાનાં છે એ વાત ગામના નાનાં મોટાં સૌ કોઈ જાણતાં હતાં. પૂરીમાના મન પર જાતરાના વિચારોએ કબજો લઈ લીધો. ‘જય શ્રી કૃષ્ણ પૂરીમા’ એમ કહીને પૂરીમાને સાદ દેતા કોઈપણને એ કહેવા લાગતાં ‘ઉપરવાળાએ મારી જાતરાએ જવાની મંછાને ધ્યાને લીધી છે. હવે હું જરૂર ચાર ધામની જાતરાએ જઈશ.’

બીજો એક મહિનો વીતી ગયો.
હવે પૂરીમાને જવાના સાત આઠ દિવસ બચ્યા હતા. પૂરીમાએ પોતાનાં જૂનાં પુરાણાં કડલાં-કાંબી-ચાંદી-રૂપાના દાગીનાનો ડબરો કોઈ ન જાણે તેમ ગામના વાણિયાને વેચી માર્યાં. ખખડી ગયેલું ઘર અને ઘરવખરીમાં બચેલો પટારો પણ વેચી નાખ્યો. હવે એની પાસે દસેક હજારની રકમ એકઠી થઈ ગઈ હતી.
‘માડી, હવે ચાર દિવસ બાકી રહ્યા છે. પણ આ તમારું ખોરડું અને જૂનીપુરાણી ઘરવખરી વેચી તો નાખી પણ જાતરાએથી આવીને રહેશો ક્યાં ?’ મારાથી પુછાઈ ગયું.
‘ભાઈ, કાલની કોને ખબર્ય છે ? એ તો જે થવાનું હશે તે થશે. ઉપરવાળો, મારો વાલો મને જેમ રાખશે તેમ રહીશ.’ પૂરીમા પૂરેપૂરા આત્મવિશ્વાસથી બોલ્યાં.

બે દિવસ પછી ગામમાં ચોમેર એક જ વાત સૌના મોંમાં હતી. ચાર ધામની જાતરાએ જવાને બદલે પૂરીમા ગામની ગાયોની ગોવાળી કરતા અતીત બાવા મગનગરના જુવાન દીકરાને લઈને જીંથરી ક્ષયરોગની હૉસ્પિટલ પહોંચી ગયાં હતાં. ચાર ધામની જાતરાનો વિચાર એમણે અચાનક માંડી વાળ્યો હતો. ગામના અત્યંત ગરીબ ઘરડા અશક્ત મગનગરનો એકનો એક દીકરો મણિગર ક્ષયરોગનો ભોગ બન્યો હતો. જો એને તરત જ સારવાર મળે તો એ બચી જાય, એમ દાક્તરે વાત કરતાં તાકીદ કરી હતી. પૂરીમા જાતરાએ જતાં પહેલાં મગનગરને ઘેર ‘આવજો’ કહેવા ગયાં હતાં. પણ એના ઘરમાં રોકકળ થતી અને સૌને હીબકાં ભરતાં જોઈને – ક્ષયના ભરડામાંથી મણિગરને છોડાવવા એ જ રાતે પૂરીમાએ જાતરાએ જવાને બદલે રૂપિયા લઈને મણિગરની સારવાર કરાવવા માટે નિર્ધાર કરી લીધો હતો. છ માસ પછી મણિગર તો સાજો સારો થઈને ગામમાં પાછો ફર્યો. પણ પૂરીમા ક્યાંયે ન દેખાયાં. પૂરીમાનું શું થયું હશે એ વાતે ગામને વસવસો રહી ગયો.

ચાર ધામની જાતરા કરતાં કોઈની જિંદગી બચાવનાર પૂરીમાને અમારા ગામમાં કોઈ વીસરી શકતું નથી. માનવીય મૂલ્યો અને સંસ્કારનો ઉત્તરોત્તર હ્રાસ થઈ રહ્યો છે ત્યારે આવી સત્ય ઘટનાની વાત યાદ આવી જાય છે. જર્જરિત થતાં જતાં મૂલ્યોનો વિચાર કરતાં આંખમાંથી જાણે-અજાણે આંસુ ટપકવા માંડે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પીજ ટીવી ને હું – ઈન્દુ પુવાર
પ્રેરક પ્રસંગો – ગોવિંદ શાહ Next »   

20 પ્રતિભાવો : વાત મૂલ્યો ને સંસ્કારોની…..(ભાગ-1) – સંકલિત

 1. Hardik says:

  Mrugeshbhai,

  banne article khub j saras che.

  Jeevan Sandhya, Naranpura,amdavad maan che. Ane aava beeja ketlai vrudhdhashram che. jyan jai to radya vagar paachu nathi avatu. Tyan nahi olakhta pan ketlaye dada dadi bani jaaye che ne umalka thi chaatiye lagadva taiyar hoi che. Koi ne dada dadi hayat na hoi to tyan java aagrah. Khali show-off karvanu ghare muki ne dada dadi ne gotva jajo..I have seen them..they lounge to talk with some one. Te aapda maan emna santano ne gote che. Vachche vachhe india javanu thayu,vicharto hato jeevan sandhya jaish pan na jai shakyo..aa vakhte paaku..

  Rahi vaat “Puri Ma” ni i have strong belief that aapda dada,dadi bhanela nahi pan ganela hata..ane aapda maa-baap no jamano no less then post American independence struggle. Exceptions are always there.

  Hetalben jamano etle evu kahe che ke Ms Vandana Desai jeva examples bahu ocha hoi che. Humanity will never die,until we keep our self as a human.

  Regards,
  Hardik

 2. Nitin says:

  વંદનાબેન અને પુરી મા ને મારા લાખો સલામ. મને લાગે છે કે સમાજ મા આવા પાત્રો મા ઈશ્વર નો વાસ હોય છે. લોકો કહે છે કે ભગવાન ક્યા દેખાય છે. મને હવે સમજાય છે કે આપણી દ્ષ્ટી હોય તો આવા પ્રસંગો મા ઈશ્વર ના દર્શન સતત થતા જ હોય છે.

  ખુબ સરસ અને પ્રેરણાદાયી લેખ્

  નિતિન

  વડગામ થી

 3. જય પટેલ says:

  વૃધ્ધાશ્રમ – ગુજરાતનું કલંક.

  વૃધ્ધાશ્રમ પર વધુ પ્રકાશ પાડતી એક ઔર સત્યઘટના.
  ગુજરાતમાં આજે અનેક વંદના દેસાઈની જરૂર છે. સંસ્કાર ફ્ક્ત માબાપ પાસેથી જ મળે તે ભ્રમનું
  વિસર્જન કરતી આ સત્યઘટના નવી પેઢી માટે રાહ ચિંધનારી છે.

  ગુજરાતના બાળકો માબાપ સામે યુધ્ધે ચઢે કે અમને અમારા દાદા-દાદી આપો તો બીજે જ
  દિવસે આ કલંકરૂપ વૃધ્ધાશ્રમો ગુજરાતની ધરતી પરથી અદ્રષ્ય થઈ જાય..!!

  વંદના દેસાઈથી શરૂ થતી આજની સંસ્કાર વિચારધારા પુરીમાના વિરલ ત્યાગથી આભને આંબી ગઈ.

  ધન્ય ધન્ય ધરા ગુર્જર.

 4. trupti says:

  જન સેવા એ જ પ્રભુ સેવા.
  પુરી મા એ આ વાક્ય સાબીત કરી બતાવ્યુ.

  વાવો તેવુ લણો.
  વદના ના મા-બાપે જે વદના ના બા-દાદા જોડે કર્યુ ( તરછોડ્યા) તે વદના એ તેમનુ ધ્યાન રાખી ને સુધાર્યુ પણ ભગવાને તેનો બદલો આડકત્રી રિતે વદના ના મા-બાપ ને વદના થી દુર કરી ને આપી દિધો.

  બેવ પ્રસ્ન્ગો ખુબ જ સુદર.

 5. Chintan says:

  લાગણી નામ નુ સરોવર આજના યુવાઓ મા હજી પણ છલકે છે તેની પ્રતિતી પ્રથમ વર્તા પરથી થઈ શકે છે.
  પૂરીમાને મનુષ્યજીવમા ઇશ્વરદર્શન થયા તે વાત ઘણુ બધુ કહી જાય છે.

  બંને વાર્તા ખુબ સરસ છે.

  આભાર.

 6. pooja usa says:

  nice article

 7. pamaka says:

  પુરિ મા જેવા થિજ સમાજ મા સન્સ્કાર અને પૈસા નુ મુલ્ય સમ્જવવ્તિ સત્ય ઘટના વાચિને કન્જુસઈ નિ નિન્દા કરતા પહેલા વ્યક્ત્યિ નિ સમજ ને સ્મજ્વિ જોઈઅઍ. ધન્યવાદ્.

 8. nayan panchal says:

  બંને ઘટનાઓ પ્રેરણાદાયક.

  વંદનાબેન જેવી દ્રષ્ટિ જો આજની પેઢી કેળવે તો વૃધ્ધાશ્રમની વસ્તી ઓછી કરી શકાય. ખરેખર, ઘણીવાર કૂવામાં નથી હોતું તો પણ હવાડામાં આવી જાય છે.

  પૂરીમાં એ તો ચારધામની યાત્રા કરતા પણ વધુ પુણ્યશાળી યાત્રા કરી. જનસેવા એ જ પ્રભુસેવા.

  આભાર,
  નયન

  વાચકમિત્રોને વિનંતી કે જેની ૩૬ આવૃતિઓ પ્રગટ થઈ છે, અઢી લાખ કરતા વધુ નકલો વેચાઈ છે, સાત-દશ ભાષાઓમાં અનુવાદ થયો છે તેવુ માતાપિતાની મહત્તા સમજાવતુ “લખી રાખો આરસની તકતી પર” પુસ્તક ખાસ વાંચે.

 9. Jagdish Patel ( Muscat) says:

  વાર્તા ખુબ સરસ છે.
  આભાર,

 10. Dipa Shah says:

  both the kruti is good. we are thankful to you for publish valuable articles.

 11. rajnichheda says:

  ખુબ સરસ અને પ્રેરણાદાયી લેખ્
  આભાર,

 12. સરસ પ્રેરણા આપનાર સાચી વાત.

  ‘ભારત ભૂમિના સંસ્કાર’ ને અનુલક્ષીને જાત જાતના વિચારો આવી ગયા.

  “ભુલો બીજું બધું માબાપને ભુલશો નહિ……”ના પ્રદેશમાં આવું ય થાય છે. ત્યારે પૌત્રી વંદનાને લાખો વંદન.

  માના,માની મમતાના અને સંસ્કારના પરદેશમાં કેવા હાલ થાય છે એનો વરવો ચિતાર દર્શાવતી મારી વાર્તા માણવા ઉપર મારા નામ પર ક્લિક કરવા વિનંતી છે. આપને જરૂરથી એ વાર્તા પસંદ આવશે.

  આપણે પ્રભુને નથી નિહાળ્યો, એ છે કે નહિ એ એક પ્રશ્ન છે. આપણા માટે તો આપણા મા-બાપ જ આપણા પ્રભુ છે.
  ||માતૃ – પિતૃ દેવો ભવઃ||

 13. Veena Dave, USA says:

  Thanks to Shri Aminbhai.
  Thanks, Shri Mrugeshbhai.
  Excellent Depotsavi ank of Akhand Anand.
  ભાવિ પેઢીને વાચવા માટે સાચવી રાખવા જેવો અખન્ડ આનન્દનો દિપોત્સવી અન્ક છે.
  ‘એક સત્ય ઘટના’ પણ એટલી જ સરસ વાત છે.

  આભાર.

 14. ભાવના શુક્લ says:

  ખુબ સરસ પ્રસંગો…

  વંદનાબહેનેની વાત કરીએ તો એક ભણેલી (ખરા અર્થમા… માત્ર ડીગ્રીધારી નહી) સમજુ ભારતીય પુત્રી, બહેન, પત્નિ, દોહિત્રી જે કરે તેજ કર્યુ. પોતાના દાદા-દાદીને વૃધ્ધાશ્રમ માથી વહાલાશ્રમમા લાવી મુકી ભારતીય સામાજીક મુલ્યોને જાળવી રાખ્યા.

  ખરુ સો ટચ નુ સોનુ તો પુરીમા કે કોઇ જાતનુ દેખીતુ ભણતર નહી, જીવન પાસે જાજી કોઇ અપેક્ષા નહી… તદ્દન કંગાળ અને દયાજનક કુટુંબજીવનની વિટંબણાઓ અને એમા એક માત્ર જીજીવિષા ખાતર આયખુ આખુ ઘસી નાખ્યુ અને અંતમા એ જીવતરને નીચવીને જમા કરેલો અમીરસ કોઈ અજાણ પાડોશીના બાળકને પિવરાવી નવુ જીવન બક્ષવુ અને સામે ‘એક થેન્ક્યુ’ ની આશા વગર વિલિન થઈ જવુ… એ મા ભારતીય સંસ્કારના કૈ કેટલાય મુલ્યો મુળિયા મા ઘર કરીને બેસેલે હશે જેણે આ ડોશીને ‘મુઠી ઉચેરુ માનવી’ બનાવી દીધી.

  ખુબ જ સરસ… આંખો ભીની થઈ રહી..

 15. Vraj Dave says:

  વંદના દેસાઈના પાત્રને મારા સત સત વંદન.
  પુરીમા ની વાર્તા આ અગાઊ ક્યા વાંચી તે યાદ નથી પણ “મન ચંગા તો કાથરોટ માં ગંગા”.
  સબ કો સન્મતિ દે ભગવાન.
  વ્રજ દવે

 16. oUR CULTURE IS STILL ALIVE IN THE HEARTS OF OUR MILLIONS AND BILLIONS PEOPLE.OUR BENEVOLENCE IS AT A PICK AND WE WILL NEVER STUMBLE FROM THAT TOP UNTIL PEOPLE LIKE “VANDANABEN “AND”KANJOOS PURIMA” SOULS ARE LIVE IN ONE OR THE OTHER WAY.WE BOW DOWN OUR HEADS TO RESPECTABLES.

 17. lalit says:

  this blog is good

 18. કેમ ચ્હો હેતલ બેન તમે……..

 19. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  આવી સત્યઘટનાઓ આડા મનને સાચો રસ્તો બતાવે છે.
  આંખો ખોલે છે.
  જીવન કેડી સુમધુર બનાવે છે.
  હેતલબેન અને કે.ચંદ્ર્નાથને હાર્દિક ધન્યવાદ.
  આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.