- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

ગાંધી ગુંજ – સં. યતિશ મહેતા

[ ગાંધીસાહિત્ય પૈકી અનેક પુસ્તકોમાંથી આપણે વિવિધ લેખો માણ્યા છે. પરંતુ આ ‘ગાંધી ગુંજ’ પુસ્તક કંઈક રીતે વિશિષ્ટ છે. તેની મુખ્ય વિશિષ્ટતા છે તેનો દેખાવ. રેંટિયા આકારનું આ પુસ્તક એ ગુજરાતી પુસ્તકોની દુનિયામાં કદાચ પહેલવહેલું છે. મુંબઈના શ્રી યતિશભાઈની આ કલ્પના અને જુદા જુદા 28 પુસ્તકોમાંથી કરાયેલું ઉત્તમ સંકલન છે. 116 પાનના આ પુસ્તકમાં આશરે 500થીયે વધુ રત્નકણિકાઓનું ફોટા સહિત સંકલન કરાયું છે. આ પુસ્તક ગાંધી પરિવાર, ગાંધી આશ્રમ તેમજ સર્વોદયની સંસ્થાઓ અને લાઈબ્રેરીઓને ભેટ રૂપે આપવા માટે પ્રકાશિત કરાયું હતું (આવૃત્તિ : 2007) તેથી આ પુસ્તક વેચાણ માટે મુકવામાં નથી આવ્યું. રસિકજનો તેને નજીકની લાઈબ્રેરીમાંથી મેળવીને વાંચી શકે છે. આ સુંદર સંકલન કરવા માટે આપ યતિશભાઈને આ સરનામે yatish44@hotmail.com શુભેચ્છાઓ પાઠવી શકો છો. – તંત્રી.]

[1] સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો પૂજારી તો રજકણ સુદ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.

[2] અણીને વખતે તમારી શ્રદ્ધા ઉણી ન ઊતરે તે જો જો. અનુકૂળ વાતાવરણમાં જ પાંગરે એ શ્રદ્ધાની કશી કિંમત નથી. કપરામાં કપરી કસોટીમાંથી પાર ઊતરે તે શ્રદ્ધાની જ કિંમત છે. આખી દુનિયાની નિંદા સામે તમારી શ્રદ્ધા ટકી ન શકે તો તમારી શ્રદ્ધા માત્ર દંભ છે.

[3] માણસ પોતાની વાચાથી કદાચ આડંબર કરીને પોતાને છુપાવી શકે પણ તેની આંખ તેને ઉઘાડો પાડશે. તેની આંખ સીધી, નિશ્ચલ ન હોય તો તેનું અંતર પરખાઈ જશે. જેમ શરીરના રોગ જીભની પરીક્ષા કરીને પારખી શકીએ છીએ, તેમ આધ્યાત્મિક રોગો આંખની પરીક્ષા કરીને પારખી શકાય.

[4] ઘણી વખતે ‘ગુજરાતી ભાષા બાપડી’ એવું વાક્ય હું સાંભળું છું, ત્યારે મને ક્રોધ છૂટે છે. આ સંસ્કૃતની એક વહાલી દીકરી એ બાપડી હોય તો દોષ કંઈ ભાષાનો નથી, પણ આપણે કે જે ભાષાના વાલી છીએ તેનો છે. આપણે તેને તરછોડી છે, તેને વિસારે પાડી છે, પછી તેનામાં જે તેજ, શૌર્ય વગેરે હોવાં જોઈએ તે ક્યાંથી હોય ?

[5] શુભ પ્રયત્ન કદી ફોગટ જતો નથી અને મનુષ્યની સફળતા કેવળ તેના શુભ પ્રયત્નમાં રહેલી છે. પરિણામનો સ્વામી તો એક ઈશ્વર જ છે. સંખ્યાબળની ઉપર તો બીકણો નાચે. આત્મબળવાળો એકલો જ ઝઝૂમે. આત્મબળ એ જ ખરું બળ છે. એ બળ તપશ્ચર્યા, ત્યાગ, દઢતા, શ્રદ્ધા, નમ્રતા વિના નથી આવતું એ ચોક્કસ માનજો.

[6] આપણે આપણા પ્રવૃત્તિમય જીવનમાં દિવસમાં ઓછામાં ઓછા બે કલાક પણ એકાંતમાં ગાળી શકીએ અને એ પરમ મૌનનો અવાજ સાંભળી શકીએ તો કેવું સારું ! એ ઈશ્વરી રેડિયો તો હંમેશાં વાગી જ રહ્યો છે, માત્ર એ સાંભળવા માટે આપણા કાન ને મન તૈયાર કરવાં રહે છે. પણ એ રેડિયો મૌન વિના સંભળાય એવો નથી.

[7] સૂર્યોદયમાં જે નાટક રહેલું છે, જે સૌંદર્ય રહેલું છે, જે લીલા રહેલી છે, તે બીજે જોવા નહીં મળે. ઈશ્વરના જેવો સુંદર સૂત્રધાર બીજે નહીં મળે, અને આકાશના કરતાં વધારે ભવ્ય રંગભૂમિ બીજે નહીં મળે.

[8] માણસનું જીવન સીધી લીટી જેવું નથી હોતું, એ ફરજોની ભારી હોય છે અને ઘણીવાર એ ફરજો પરસ્પર વિરુદ્ધ પણ હોય છે અને માણસને જીવનમાં હંમેશ એક ફરજ અને બીજી ફરજ વચ્ચે પસંદગી કરવાનું આવે છે.

[9] મરદના વખાણ તો મસાણે જ થાય. મરતા પહેલાં જો એક વાળની પહોળાઈ જેટલો પણ પોતાના સરળ માર્ગથી આમતેમ ચળ્યો તો એણે ભૂતકાળમાં મેળવેલું બધું ગુમાવ્યું સમજો.

[10] હું મારા ઘરને બધી બાજુથી દિવાલો વડે ઘેરી લેવા માંગતો નથી, તેમ મારી બારીઓને બંધ કરી દેવા ઈચ્છતો નથી. હું તો ઈચ્છું છું કે તમામ દેશોની સંસ્કૃતિઓની હવા મારા ઘરની આજુબાજુ બને તેટલી છૂટથી ફેંકાતી રહે. પરંતુ કોઈ પણ સંસ્કૃતિ મને મારી સંસ્કૃતિના પાયામાંથી ઉખાડી નાખે તે મને મંજૂર નથી.

[11] દેહને વધારે વળગનારા વધારે પીડાય છે. આત્મતત્વ જાણનારા મોતથી નહીં ગભરાય. ઈશ્વરે કરેલા વિનાશમાંયે કલ્યાણ જ માનવું અને શરીરની ક્ષણભંગુરતા વિચારી શરીર પ્રત્યે જુગુપ્સા કેળવવી તથા દેહને અત્યંત દગાખોર સમજી આ ક્ષણે જ તૈયારી કરવી.

[12] યુનિવર્સિટીની પરીક્ષા આપી પદવી મેળવી એ બસ નથી. જગતની પરીક્ષા અને ઠોકરોમાંથી પસાર થાઓ ત્યારે ખરી પદવી મેળવી કહેવાય.

[13] અસત્યની હજારો આવૃત્તિ થયાથી તે સત્ય થતું નથી, તેમ જ સત્ય કોઈની આંખે ન દેખાય તેથી અસત્ય બનતું નથી.

[14] સૂકો રોટલો ભૂખ્યાને જેટલો સ્વાદિષ્ટ લાગશે તેટલો ભૂખ વિનાના માણસને લાડુ સ્વાદિષ્ટ નહીં લાગે.

[15] ખરી દોલત તે સોનુંરૂપું નથી પણ માણસ પોતે છે. દોલતની ખોળ ધરતીનાં આંતરડામાં નથી કરવાની, પણ માણસના દિલમાં કરવાની છે.

[16] ખરી વસ્તુ પાછળ વખત આપવાનું આપણને ખૂંચે છે; નકામી વસ્તુ પાછળ ખુવાર થઈએ છીએ ને ખુશ થઈએ છીએ !!

[17] બધાં પાપો ખાનગીમાં થતાં હોય છે, જે ક્ષણે આપણને ખાતરી થશે કે ઈશ્વર આપણા વિચારો સુદ્ધાંનો સાક્ષી હોય છે તે જ ક્ષણે આપણે બંધન મુક્ત થઈ જઈશું.

[18] બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે.

[19] ઈશ્વર આપણી આગળ મૂર્તિરૂપે પ્રગટ નથી થતો, પણ ઘોરમાં ઘોર અંધકારની ઘડીએ આપણને પાપમાંથી ઉગારી લેનાર કર્મરૂપે જ પ્રગટ થાય છે.

[20] અહીં તમે જે કંઈ તમારું ગણો છો, તે ઈશ્વરનું છે અને ઈશ્વર પાસેથી તમને મળ્યું છે, એમ સ્વીકારો અને જીવવા માટે જે કંઈ ખરેખર જરૂરી હોય તેટલું તેમાંથી લો.

[21] જે ઘડીએ માણસ પોતાના મનમાં ફુલાય છે કે હર પ્રકારના કાર્ય કરવા પોતે સમર્થ છે, તે ઘડીએ ભગવાન તેનું ગર્વ ખંડન કરવા હાજર હોય છે.

[22] અપવિત્ર વિચારો આવે તેથી બળવું નહીં પણ વધારે ઉત્સાહી થવું, પ્રયત્નનું ક્ષેત્ર આખું આપણી પાસે છે. પરિણામનું ક્ષેત્ર ઈશ્વરે પોતાને હસ્તક રાખ્યું છે.

[23] આપણને કોઈની પાસેથી કશી આશા રાખવાનો અધિકાર નથી. આપણે દેણદાર છીએ તેથી તો જન્મ લઈએ છીએ. લેણદાર નથી જ.

[24] કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા.

[25] હિંમત વિનાની વિદ્યા મીણના પૂતળા જેવી છે. દેખાવમાં એ સુંદર હોવા છતાં કોઈ ગરમ પદાર્થના ઓછામાં ઓછા સ્પર્શમાત્રથી પણ એ પીગળી જવાનું.

[26] પોતાની વૃત્તિની ગુલામી કરતાં બીજી કોઈ ગુલામી વધારે ખરાબ આજ લગી જોવામાં આવી નથી.

[27] આપણા વતી આપણી જીભ બોલે તેના કરતાં આપણાં આચરણોને બોલવા દેવાં એ જ સારું છે.

[28] શરીર આત્માનું નિવાસસ્થાન હોવાથી તીર્થક્ષેત્ર જેવું પવિત્ર છે. તેની રક્ષા કરવી જોઈએ.

[29] એક પણ પાપની, કુદરતના એકે ય કાયદાના ભંગની સજા થયા વિના રહેતી નથી.

[30] સુઘડ ઘરના જેવી કોઈ નિશાળ નથી, અને પ્રામાણિક સદગુણી માતાપિતાની બરોબરી કરી શકે એવો કોઈ શિક્ષક નથી.

આ અવતરણોનો સંચય નીચેના પુસ્તકોમાંથી લેવામાં આવ્યો છે :

[1] સત્યના પ્રયોગો – ગાંધીજી
[2] મારું જીવન એ જ મારી વાણી – નારાયણભાઈ દેસાઈ
[3] દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ – ગાંધીજી
[4] નિત્ય મનન – ગાંધીજી
[5] મંગળ પ્રભાત – ગાંધીજી
[6] ગીતા બોધ – ગાંધીજી
[7] આરોગ્યની ચાવી – ગાંધીજી
[8] ગાંધીજીનું જીવન એમના જ શબ્દોમાં – સં. કૃષ્ણ કૃપલાણી
[9] સર્વોદય (રસ્કિનના, ‘અન ટુ ધિસ લાસ્ટ’ આધારે) – ગાંધીજી
[10] રામનામ – ગાંધીજી
[11] રચનાત્મક કાર્યક્રમ-તેનું રહસ્ય અને સ્થાન – ગાંધીજી
[12] અનાસક્તિયોગ – ગાંધીજી
[13] ચારિત્ર અને રાષ્ટ્ર નિર્માણ – ગાંધીજી
[14] નીતિનાશને માર્ગે – ગાંધીજી
[15] હિંદ સ્વરાજ – ગાંધીજી
[16] સત્ય એ જ ઈશ્વર છે – ગાંધીજી
[17] સર્વોદય દર્શન – ગાંધીજી
[18] કેળવણીનો કોયડો – ગાંધીજી
[19] ગ્રામ સ્વરાજ – ગાંધીજી
[20] ખરી કેળવણી – ગાંધીજી
[21] વ્યાપક ધર્મભાવના – ગાંધીજી
[22] મારા ! સ્વપ્નનું ભારત – ગાંધીજી
[23] બાપુના આશીર્વાદ – સં. કાકા કાલેલકર
[24] હિંદુ ધર્મનું હાર્દ – સં. વિશ્વાસ બા. ખેર
[25] મહાત્મા ગાંધીના વિચારો – સં. આર. કે. પ્રભુ, યુ. આર. રાવ
[26] જીવનનું પરોઢ – પ્રભુદાસ છગનલાલ ગાંધી
[27] આપણે સૌ એક પિતાનાં સંતાન – ગાંધીજી