આ તો ઈશતણો આવાસ – કરસનદાસ માણેક

[‘ઈશાવાસ્ય’ ઉપનિષદના આધારે કવિશ્રીએ રચેલું એક ઉત્તમ કાવ્ય.]

આ તો ઈશતણો આવાસ
તું આમંત્રિત અતિથિ એનો :
નહિ સ્વામી, નહિ દાસ.
આ તો ઈશતણો આવાસ.

એ પીરસે તે ખા તું રસથી,
એ આપે તે લે,
એનાં જનને તારાં ગણીને
એ રાખે તેમ રહે,
વેરતો પ્રતિપળ હેતનું હાસ !
આ તો ઈશતણો આવાસ.

અખંડ ચાલે બ્રહ્મચિચોડો :
કોઈ તાણે, કોઈ માણે :
તું નવરો નવ રે’જે, વહેજે
ધૂંસરી ગજા પ્રમાણે,
કામમાં ના’વે કદીય કચાશ !
આ તો ઈશતણો આવાસ.

તું અથરો નવ થાજે જાવા,
નવ રે’જે વળી ચોંટી.
સૌ સાથે વહેંચીને ખાજે
રામની દીધેલ રોટી,
સુધાસમ સમજી સહ્યારી છાશ !
આ તો ઈશતણો આવાસ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પગલાં કોનાં ? – લાલજી કાનપરિયા
શક્ય છે…..!!! – રેખા સરવૈયા Next »   

9 પ્રતિભાવો : આ તો ઈશતણો આવાસ – કરસનદાસ માણેક

 1. Mukesh Pandya says:

  ખૂબ જ સુંદર રચના. જીવનનું સત્ય આ છે, એમ સમજાઈ જાય એવી કૃતિ છે. અભિનંદન.

 2. સરસ રચના.

  “આ તો ઈશતણો આવાસ
  તું આમંત્રિત અતિથિ એનો :
  નહિ સ્વામી, નહિ દાસ.
  આ તો ઈશતણો આવાસ.”

  આ ફકરામાં જ બધુ આવી ગયુ. આપણે સૌ ઇશના આવાસે આવેલા અતિથિ માત્ર, ન એના દાસ ન સ્વામી.

 3. nayan panchal says:

  ખરેખર, જીવન જીવવાની માર્ગદર્શિકા સૂચવતી રચના.
  આભાર,

  નયન

 4. ” ઉત્તમ કાવ્ય” ને માટે બીજો શું અભિપ્રાય આપી શકાય્? આસ્વાદ કરાવવા માટે તમારો આભાર !

 5. ઈશાવાસ્યમ ઈદં સર્વં યત્કિંચિત જગત્યાં જગત
  તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સ્વિદ ધનમ

 6. Veena Dave, USA says:

  ખુબ સરસ.

 7. Chintan says:

  જીવનની ગૂઢ જટિલતાને સરળતાથી રજૂ કરતી ઉત્તમ રચના છે.

 8. જોગીદાસ says:

  આ તો ઈશતણો આવાસ
  તું આમંત્રિત અતિથિ એનો :
  નહિ સ્વામી, નહિ દાસ.
  આ તો ઈશતણો આવાસ.
  ઈશાવાસમાં રહેવા મને આમંત્રણ મળ્યું હોય એ કલ્પના પણ નથી આવતી ઉલ્ટાનું કોઇએ મને પૂછ્યા વગર જ રહેવા મોકલી દીધો હોય તેવું લાગે છે અને હવે ક્યાં જવાનું છે? તેનું આમંત્રણ મળશે?
  ૧૯૬૨ની સાલમાં અમારી કોલેજમાં શ્રી કરસનદાસ માણેકને ખાસ પ્રવચન કરવા આમંત્ર્યા હતા. ત્યારે આ કાવ્યની ખબર નો’તી, નહિં તો પૂછવાનો સરસ જોગ મળત.
  કાવ્યનો બાકીનો ભાગ બરાબર સમજાય છે અને પ્રેરણાદાયક છે.
  બેસતા વર્ષે હવેલીઓમાં જે અણકોટ (અન્નકૂટ) થાય છે તેના પર તેમની એક કવિતા – આંસૂ ભીના રે હરિના લોચનિયાં મેં દિઠા – એ ભણી હતી..
  તેઓ ગાંધીવાદી હતા અને ખાદી પહેરતા.
  આ કાવ્યને લીધે ભૂતકાળમાં ભટકવાનો આનંદ મળ્યો.

 9. nitin patel says:

  તે દિ આન્સુ ભિના રે હરિ ના લોચ્નિયા મે દિથ્હા …….. plese post

  thanks

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.