પ્રાર્થના – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી

[‘પ્રાર્થના’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] કૂવા પરનો રહેંટ – સ્વામી રામતીર્થ

Picture 016એક કૂવા ઉપર રહેંટ ચાલતો હતો. ત્યાં એક ઘોડાગાડીવાળો ઘોડાને પાણી પાવા આવ્યો, પણ રહેંટના અવાજથી ભડકીને ઘોડો પાછો ખસવા લાગ્યો. ઘોડાગાડીવાળાએ કહ્યું, ‘ભાઈ, અવાજથી ઘોડો ભડકે છે. રહેંટ જરા થોભાવો ને !’ રહેંટવાળાએ રહેંટ થોભાવ્યો એટલે અવાજ બંધ થયો. સાથે પાણી પણ બંધ થયું. ગાડીવાળો કહે : ‘ભલા માણસ, મેં અવાજ બંધ કરવાનું કહ્યું હતું ને તેં તો પાણી પણ બંધ કર્યું. ઘોડો પીએ શું ? તારે ઘોડાને પાણી નથી પીવા દેવું ?’

રહેંટવાળાએ જવાબ આપ્યો : ‘ભાઈ, અવાજ ન થાય અને પાણી મળે એ બને જ શી રીતે ? તમારે પાણી પાવું હોય તો રહેંટ ચલાવવો જ પડશે, ને રહેંટ ચાલશે તો અવાજ થશે જ. જોઈએ તો ઘોડાની પીઠ થાબડો, પંપાળો ને એમ કરતાં એને ધરાઈને પાણી પાઓ. બાકી રહેંટનો અવાજ સાવ બંધ કરવાથી તો પાણી નહીં મળે. અવાજની સાથે જ પાણી આવે.’

સ્વામી રામતીર્થનું પણ આ જ કહેવાનું છે. સુખ, શાંતિ, પ્રેમ અને માંગલ્યનો અનુભવ તમારે વિશ્વના આ બધા કોલાહલ અને ઉપાધિઓ વચ્ચે જ કરવાનો છે. તમે જંગલમાં જઈ જીવન ગાળો કે હિમાલયના શિખર પર, તમને બધે જ જગતની ઉપાધિઓ નડવાની. અશાંતિ, ધિક્કાર, દુ:ખ અને અમાંગલ્યના અનુભવ તમને બધે જ સ્થળે થવાના – ઉપાધિ અને ધાંધલ તમને ક્યાંય છોડવાનાં નથી. છતાં તમારે આ પણ યાદ રાખવાનું જ છે કે આવા નિરાશાજનક અને ઉપાધિયુક્ત જગતમાં જ અનેક મહાન વિભૂતિઓ ઉત્પન્ન થઈ છે ને એમણે જ આ બધાં તોફાનો વચ્ચે જગતને માંગલ્ય, પ્રેમ અને સુખ-શાંતિના સંદેશ આપ્યા છે. પ્રતિકૂળ, સંયોગો, ચિંતા, ઉપાધિ અને અમંગળ વાતાવરણ તો માનવીનું ઘડતર કરે છે. તમારે તેમને વધાવી લેવાં જોઈએ. તેમના દાસ ન બનતાં તમારે તેમના સ્વામી બની રહેવું ઘટે.

[2] જો જો, એંહ તો નથી પડીને ? – રવિશંકર મહારાજ

એક ખેડૂત બહેન દૂધ લઈને જતી હતી. સામે સાધુ મળ્યો. એને થયું, લાવ આમને થોડું દૂધ પાઉં. સંન્યાસીએ કમંડળ ધર્યું અને બાઈ ભક્તિપૂર્વક દૂધ રેડવા લાગી. પણ માણસનો સ્વભાવ કે દૂધ આપે પણ ઉપરની મલાઈ-તર ન આપે. એટલે બાઈ ફૂંકતી જાય ને દૂધ આપતી જાય. પણ ભોગજોગે એક બાજુ ભેગી થયેલી તર ડબક દઈને દૂધ સાથે કમંડળમાં પડી ગઈ. બાઈના મોંઢામાંથી ‘એંહ’ બોલાઈ જવાયું. સાધુ જાગ્રત હતો. એણે કહ્યું : ‘બહેન, બંધ રાખ બાપા, તારું દૂધ નથી પીવું.’
‘ના બાપજી, દૂધ તો પીવું પડશે.’ બાઈએ કહ્યું.
‘બહેન, દૂધ હોત તો પીવત, પણ દૂધમાં તો તારી ‘એંહ’ પડી છે. એ દૂધ હું પીઉં તો આ સ્થૂળ શરીર તો મજબૂત થાય, પણ એમાં રહેલો આત્મા કઠોર થાય.’

આ વાત તો સામાન્ય છે, પણ એમાં ગંભીર અર્થ રહેલો છે. આપણે જે ખોરાક ખાઈ છીએ તે કેટલી ‘એંહ’ સાથે આવ્યો હશે તેનો વિચાર કરીએ છીએ ખરા ? આપણી આવક આવે છે તે ક્યાંથી ને કેવી રીતે આવે છે તે કદી વિચાર્યું છે ? કેટલાક ઘી લેવા જાય ત્યારે તપેલીમાંથી છાશ આવે કે તરત ઘી આપનારને અટકાવે. તેલ લેવા જાય ત્યારે તેલની ધાર સામે જોઈ રહે ને તેલ સાથે બગદો આવવા માંડે કે તરત બોલી ઊઠે, ‘બસ કરો.’ પણ ઘરમાં લક્ષ્મી આવે ત્યારે ગમે તેવી અને ગમે તે રીતે આવતી હોય, તોય કહે, ‘આવવા દો.’

આપણે જે અન્ન ખાઈએ છીએ તેનાથી એકલું આ શરીર નથી પોષાતું. મન, બુદ્ધિ અને ચિત્ત પણ એનાથી પોષાય છે. તેથી તો ઋષિમુનિઓએ કહ્યું છે કે ‘आहारशुद्धो सत्वशुद्धि:’ – જેવું અન્ન એવા ઓડકાર. શુદ્ધ ને પવિત્ર અન્ન એટલે સાફ કરીને ચોખ્ખા પાણીથી સ્વચ્છ વાસણોમાં રાંધેલું અન્ન નહીં, પણ જાતમહેનતથી, કોઈનેય નુકશાન કર્યા વિના પેદા કરેલું અને શુદ્ધ ભાવનાથી ભક્તિપૂર્વક રંધાયેલું ને પીરસાયેલું અન્ન.

[3] રાવણ-વૃત્તિ – દર્શક

સંસ્કૃતમાં એક શ્લોક છે, તેમાં રાવણ અને તેના ભાઈ કુંભકર્ણ વચ્ચે નીચે મુજબ સંવાદ થાય છે.
રાવણ કહે : ‘ભાઈ કુંભકર્ણ, જલદી જાગી જાઓ.’
કુંભકર્ણ કહે : ‘પણ ભાઈ, એવું તે શું થયું કે તું મને નાહક મીઠી ઊંઘમાંથી જગાડે છે ? મને નિરાંતે સૂવા કેમ દેતો નથી ?’
રાવણ કહે : ‘અરે, જુઓને, હું રામની પત્ની સીતાનું હરણ કરી લાવ્યો છું.’
કુંભકર્ણે પૂછ્યું : ‘તો પછી તેણે તારા પ્રેમનો સ્વીકાર કરી લીધો હશે, ખરું ને ?’
રાવણે નિસાસો નાખી કહ્યું : ‘ના રે ના !’
કુંભકર્ણે પૂછ્યું : ‘એનું કારણ શું ?’
રાવણ કહે : ‘સીતા તો રામ સિવાય બીજા કોઈને ચાહતી નથી ! તેનો પ્રેમ જીતવાની વાત તો બાજુએ રહી, તે તો સ્વપ્નમાં પણ પરપુરુષનો વિચાર કરતી નથી !’
કુંભકર્ણ કહે : ‘ભાઈ ! તમે તો માયાવી વિદ્યા જાણો છો. તમે રામનું માયાવી સ્વરૂપ લઈને તેની પાસે કેમ જતા નથી ?’
રાવણે ઊંડો નિસાસો નાખીને કહ્યું : ‘અરે, મેં એકેય પ્રયત્ન બાકી રાખ્યો નથી ! જ્યારે હું રામનું સ્વરૂપ ધારણ કરું છું, ત્યારે મારા અંતરમાંથી મલિન વાસનાઓ – રાવણવૃત્તિ એકદમ દૂર થઈ જાય છે ! તે વેળાએ મારી પત્ની મંદોદરી સિવાય બીજી બધી સ્ત્રીઓ મને મા-બહેન સમાન લાગે છે !’

[4] વીંછી – સુરેશ જોષી

આરબ લોકોમાં એક રમત ચાલે છે. વીંછી દેખે એટલે એની ફરતું એક કૂંડાળું દોરે; જરાક જ મોટું હોય. પણ વીંછી એની બહાર ન જાય. અંદર કૂંડાળામાં આમતેમ દોડે. એટલે કૂંડાળામાં બીજું નાનું કૂંડાળું દોરે. પછી એની અંદર ફેરફુદરડી ફરે. એટલે અંદર એથીય નાનું કૂંડાળું કરે. એમ કરતાં કરતાં છેવટ વીંછીને ફરવાની જગ્યા જ ન રહે. તોયે એ બહાર તો ન જ નીકળે અને આખરે પોતે જ પોતાને ડંખે !

આપણું પણ આવું નથી ?
આપણેય આપણા અહંકારનાં કૂંડાળાં નથી દોરતાં – રાષ્ટ્રવાદનાં, કોમવાદનાં, ભાષાવાદનાં, સિદ્ધાંતવાદનાં અને પક્ષવાદનાં ? એમ સાંકડાં ને સાંકડાં થતાં જઈએ છીએ ને અંતે જાતને જ જાતે ડંખીએ છીએ. ક્યાંય જરીકે ચસકવા જેટલી જગ્યા ન રહે ત્યારે પાછા સંતોષ માનીએ છીએ કે આપણી જ નિષ્ઠા ખરી છે ને આપણી જ ભક્તિ ચુસ્ત છે ! માનવજાત આજે પોતે જ પોતાને ડંખવાની હાલતમાંથી ગુજરી રહી છે. અહંકાર કૂંડાળું જ કરવું હોય તો બ્રહ્માંડ જેવું ખેર ન કરી શકીએ; તોયે પૃથ્વીના છેડાને અડે એવડું તો કરીએ !

[5] ભલાઈ…સાચી મૂડી – ગાંધીજી

એમ કહેવાય છે કે, ખુદાએ આ પૃથ્વી બનાવી તે વખતે તે આમથી તેમ ડોલ્યા કરતી હતી. પ્રભુએ તેથી મોટા મોટા પર્વતો બેસાડ્યા. આથી ફિરસ્તાઓ પ્રભુને પૂછવા લાગ્યા : ‘હે માલિક ! તેં બનાવેલી વસ્તુમાં આ પર્વત કરતાં કોઈ બળવાન છે ખરું ?’
ઈશ્વરે કહ્યું : ‘હા, લોઢું આ ડુંગરાઓને તોડી શકે છે તેથી તે વધુ તાકાતવાળું છે.’
ફિરસ્તાએ પૂછ્યું : ‘ત્યારે લોખંડથી પણ કોઈ તાકાતવાળી ચીજ છે ?’
ખુદાએ કહ્યું : ‘હા, આતશ પોલાદથી જબરો છે, કેમકે તે લોખંડને ગાળી નાંખે છે.’
‘એનાથી કોઈ જબરું છે ?’
ખુદા કહે : ‘હા, પાણી; કેમ કે પાણી આતશને બુઝાવી દે છે.’
ફિરસ્તા કહે : ‘એનાથી કોઈ બળવાન છે ?’
ઈશ્વર કહે : ‘હા, પવન છે; કેમકે પવન પાણીને ચલાવે છે.’
ત્યારે ફિરસ્તા પૂછે છે કે, હે દયામય પ્રભુ ! એનાથી કોઈ બળવાન છે ?
ત્યારે પ્રભુ કહે : ‘હા, દાન આપનારો ભલો આદમી પોતાના જમણે હાથે આપીને ડાબા હાથથીય છૂપું રાખે તો તે દાન આપનાર સર્વ કોઈને જીતી લેવાનો સમર્થ છે.’

દરેક સારું કામ તે દાન છે. તમારા ભાઈને હસીને બોલાવો, રસ્તો ભૂલેલાને તમે રસ્તો બતાવો, તરસ્યાને પાણી આપો – એ બધાં દાન છે. મનુષ્યે અહીં જીવતાં, પોતાના જેવા માણસો તરફ યા પોતાના જેવાં પ્રાણી તરફ જે ભલાઈ રાખી હશે, તે જ તેની સાચી મૂડી છે. તે મરી જશે પછી લોકો પૂછશે કે, આ મરનારો પાછળ શું મૂકી ગયો ? પણ ફિરસ્તાઓ પૂછશે કે, મરનારે આગળથી કેટલાં ભલાઈનાં કામો કરીને અહીં મોકલ્યાં છે ?

[6] અજંપો – દોલતભાઈ દેસાઈ

આવતી કાલે જોરશોરથી જે રોગ મનુષ્યમનમાં ઘર કરી જશે ને જેનાથી અત્યારથી ચેતવા જેવું છે, તે છે અજંપો !
‘માણસને થયું છે શું ?’ શૈલુએ લટ ગૂંથતાં પ્રશ્ન કર્યો.
‘ક્યા માણસની વાત કરે છે ?’ મેં પૂછ્યું.
‘આજના માણસની વાત. પિતાજી દરરોજ કહે છે કે જલદી ખાવાનું પીરસો, બહાર જવાનું છે. એટલું તો ધાડધાડમાં જમે છે ! કદીક મને એમની તબિયતની ચિંતા થાય છે. ને ભાઈ પણ એવો જ ધમધમાટ કરતો આવે છે. પરમ દિવસે કાકાને ત્યાં ગઈ’તી. ત્યાં પણ બધાં જમે. પણ બધાં જાણે દોટ જ મૂકતાં હોય તેમ લાગે. લાગે છે કે, આખી દુનિયા દોડે છે. પણ શાની પાછળ એ સમજાતું નથી. જમવામાંય જીવ નહીં ? શરીર કેમ ટકશે ?’
‘સમજાવું. તારે એ જાણવું છે ને કે માણસને શું થયું છે ?’
‘હાસ્તો વળી !’
‘થયો છે અજંપો….’
‘અજંપો ?’

‘હા. અજંપો ત્રણ કારણે થાય. પહેલું કારણ તે એષણા વિસ્ફોટ. મનુષ્યને થાય કે ઊંચે ચડું, પૈસા એકઠા કરી લઉં. બસ…. આટલું કરી લઉં પછી સુખ જ સુખ ! આ જાતની લાગણીને એષણા વિસ્ફોટ કહેવાય.’
‘એ સાચી સ્થિતિ છે ? બધી ઈચ્છા સંતોષાય પછી સુખ મળે છે ખરું ?’
‘નથી મળતું. બધી એષણા સંતોષવામાં બ્લ્ડ-પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટએટેક, એસીડીટી…. આમાંથી કશુંક તો વળગી પડ્યું હોય. એટલે નિરાંતે જમવા જ્યારે બધું એકઠું કરે ત્યારે ડાયાબિટીસ ને હાર્ટએટેકને કારણે જમવા જેવું તમે જમી જ ન શકો !’
‘વાત સાચી લાગે છે મને. મારા મામા એમ કહે છે. બીજી વાર હાર્ટએટેક આવ્યો ત્યારે બોલ્યા : મને કોઈએ પહેલેથી ચેતવ્યો હોત તો આ સ્થિતિ ન આવત. આજે બધું છે – ફલેટ છે, પૈસા છે, કાર છે, ખાવાનું છે – પણ જાણે કશું જ કામનું નથી.’
‘એષણાને મર્યાદા જોઈએ. દરેક માણસ જો પોતાની મર્યાદા નક્કી કરે તો આ સ્થિતિ ન આવે.’
‘અજંપો થવાનું બીજું કારણ છે : દેખાદેખીરોગ અથવા અદેખાઈનો રોગ.’
‘એટલે શું ?’
‘એટલે મારી પાસે જે છે તે સારું છે એમ માણસ નથી વિચારતો. બીજા પાસે છે તે મારી પાસે કેમ નથી ? એથી એ અભાવભાવના અનુભવે છે. મારી પાસે આ નથી, પેલું નથી, પડોશી પાસે ફલાણું છે, એમ એને થાય. એથી બળતામાં ઘી હોમાય તેમ એષણામાં વધારો થતો જાય. પડોશી જેવી સાડી લાવું, ગાડી લાવું, પંખો લાવું, ડ્રેસ લાવું એમ થયા કરે….’
‘પણ એ સ્વાભાવિક નથી ?’
‘ના, મારે શું જોઈએ એ હું જાણું ને ? તારે શું જોઈએ, એ તું નક્કી કરે ને ? બીજાને જોઈને એ કેવી રીતે નક્કી થાય ?’
‘ત્રીજું શું થયું છે મનુષ્યને ?’
‘એક છે એષણા, બીજી છે દેખાદેખી ને ત્રીજું છે ભ્રમ.’
‘ભ્રમ ?’
‘હા, સત્ય ને ભ્રમ વચ્ચે તફાવત ન સમજવાની વ્યથા, તે ભ્રમ.’
‘દાખલા તરીકે ?’
‘દાખલા તરીકે…. થાળીમાં પાપડ હોય તો જ રસોઈ ભાવે. એ છે ભ્રમ !’
‘હા…. તે દિ’ મોટાભાઈએ કેવું ખાવાનું બગાડ્યું ? એને પાપડ જોઈએ જ. કેટલી મહેનતે બીરંજ, બટાટાવડાં બનાવેલાં, પણ પાપડ ખલાસ થયા’તા એટલે ભાઈએ ઘાંટા પાડ્યા. હાથ ધોઈ ઊઠી ગયા – બધાંનો મૂડ ખલાસ થયો.’
‘હં ! એનું નામ છે ભ્રમ. જોઈતી વસ્તુ મળ્યા કરે એટલે એની કિંમત સમજાતી નથી. એ જ ભાઈને કશે લઈ જઈ, ચાર ઉપવાસ કરાવ્યા હોય તો પાપડ વિના જમવા તૈયાર થઈ જશે.’

પણ એનું મૂળ શું ? મૂળ છે : ઈચ્છા અને જરૂરત વચ્ચેનો સંબંધ નથી સમજતા એ. શુદ્ધ ખોરાક જરૂરત થઈ. પણ પાપડ વડે જમવું એ થઈ ઈચ્છા.’
‘તો…. આનો ઉપાય ?’
‘છે ને ? ઉપાય છે. માણસ પોતાના એષણા, દેખાદેખી ને ભમ્રને ઉકેલે, ઉકેલી શકે તો આ જગતના રોગ – અજંપામાંથી બચી શકે.’

[ કુલ પાન : 144. કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : પુનિત પ્રકાશન પ્રતિષ્ઠાન, સંત ‘પુનિત’ માર્ગ, મણિનગર, અમદાવાદ-380008. ફોન : +91 79 25454545 ઈ-મેઈલ : jankalyan99@yahoo.co.in ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અનિશ્ચિતતા નિશ્ચિત છે – રતિલાલ બોરીસાગર
વાત્સલ્યના હસ્તાક્ષર – રીના મહેતા Next »   

13 પ્રતિભાવો : પ્રાર્થના – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી

 1. urmila says:

  enjoyed reading અજંપો – દોલતભાઈ દેસાઈ this article – explains the bitter truth of life of ‘ keeping up with the joneses’ and ‘rat race’ traps in simple language –
  હં ! એનું નામ છે ભ્રમ. જોઈતી વસ્તુ મળ્યા કરે એટલે એની કિંમત સમજાતી નથી. એ જ ભાઈને કશે લઈ જઈ, ચાર ઉપવાસ કરાવ્યા હોય તો પાપડ વિના જમવા તૈયાર થઈ જશે.’

  Many parents from western world send their children to work in poorer countries – where basic needs of humuns of a meal a day is achieved with difficulty and hard work – so that they realise and appreciate the value of facilities they are provided with either by government or parents

 2. Jagat Dave says:

  સુંદર પ્રેરણાત્મક પ્રસંગો……પણ……..

  કથા સુણી સુણી થાક્યા કાન…..તોયે ન આવ્યું ‘અખા’ બ્રહ્મ ગ્યાન.

  બદલાતાં જતાં સામાજીક મૂલ્યો નાં વાવાઝોડાં વચ્ચે આ દિવડાં પ્રકાશ રેલાવતાં રહે…….ભલે પછી તેનું પ્રકાશ વર્તૂળ નાનું હોય.

  વાંચી ને થોડું ચિંતન થઈ જાય તો વાંધા જેવું નથી અને એ ચિંતન પછી આચરણમાં મુકાઈ જાય તો ગભરાવા જેવું પણ નથી. હોં……….!!!

 3. ખુબ જ સુંદર પ્રેરણાદાયી લેખ.

 4. nayan panchal says:

  સુંદર પ્રેરણાત્મક પ્રસંગો.

  પ્રતિકૂળ, સંયોગો, ચિંતા, ઉપાધિ અને અમંગળ વાતાવરણ તો માનવીનું ઘડતર કરે છે. તમારે તેમને વધાવી લેવાં જોઈએ. “seven habits of highly effective teens” માં વાંચેલુ એક કાવ્ય યાદ આવ્યુ.

  મને થયુ દુનિયા બદલી નાખુ, પરંતુ બદલી ન શક્યો.
  પછી થયુ કે ચાલો, મારા શહેરના લોકોને બદલી નાખું, તેમાં પણ અસફળ થયો.
  પછી થયુ કે માત્ર પડોશીઓને બદલુ તો ય ઘણું, તેમાં પણ અસફળ.
  જીવનસંધ્યાએ સમજાયુ કે આ બધુ કરવા કરતા માત્ર પોતાને બદલત, તો તે પણ ઘણું હતુ.

  સ્વભાવની જેમ જ ભોજનના પણ ત્રણ પ્રકાર હોય છે, સાત્વિક, તામસિક અને રાજસિક. ભોજન સ્વભાવના ઘડતરમાં વધુ નહિ પણ થોડો ભાગ તો ભજવે જ છે.

  રાવણ-દુર્યોધન જેવી જ હાલત આપણામાંથી ઘણાની હોય છે. દુર્યોધને મહાભારતમાં કહ્યુ છે તેમ કે હું ધર્મ-અધર્મ વચ્ચેનો ભેદ જાણુ છું, છતા પણ અધર્મ છોડી શકતો નથી અને ધર્મમાં પ્રવૃત થઈ શકતો નથી.

  તમે જ્યારે દુનિયામાં આવો છો ત્યારે રડતા આવો છો અને બધા હસે છે. જીવો એવી રીતે કે તમે જાઓ ત્યારે બધા રડે અને તમે હસતા હો.

  “જોઈતી વસ્તુ મળ્યા કરે એટલે એની કિંમત સમજાતી નથી. એ જ ભાઈને કશે લઈ જઈ, ચાર ઉપવાસ કરાવ્યા હોય તો પાપડ વિના જમવા તૈયાર થઈ જશે.” કેટલી સાચી વાત. પર્સનલ અનુભવ છે, ભાઈ!

  આભાર મૃગેશભાઈ (તમે જે રીતે લોકોના દિવસ સુધારો છો, તમારો જેટલો આભાર માનીએ તેટલો ઓછો),
  નયન

 5. Chirag Patel says:

  Why my comment “is awaiting moderation.” where Jagut Deve’s comment is not? We both said the same thing… Just one spoke what it needed to speak and how it should be said – the other one said it in “Politically Correct Lingo”!!! The truth must be said and spoke the way it sounds and seems. One cannot ulter the truth – However if my comments were not appropriate – Please by all it means, do the “Moderation”!!!! We have are so polictally correct now that we have to ulter the truth

  • Jagat Dave says:

   ચિરાગભાઈ,

   ઘણીવાર સત્ય ને ગુલાબની જેમ આપવું પડે છે…….કાંટા સાથે જ હોય પણ છતાં આપનાર અને સ્વીકાર કરનાર બંને ખુશ.

   ગાંધીજી નાં લખાણો માં કાંઈક એવુ જ જોવા નથી મળતું?????

 6. Veena Dave, USA says:

  ખુબ સરસ.

 7. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  દિલના દરવાજા ખોલતી મર્મવેધક, સુંદર અને અનુસરવા યોગ્ય સુકૃતિ.
  આભાર.

 8. Gunvant says:

  વીંછી – સુરેશ જોષી
  આજના સમાચારમાં બાળ ઠાકરેના સચિન તેન્દુલકર ના ભારતીય હોવાના બાબતે વિવાદ છે. આ લેખ વાંચી લોકો કાંઇક શીખેતો સારું.
  સુરેશ જોષી ના વિદ્યાર્થી હોવાનો લ્હાવો મને મળ્યો છે. સુરેશ જોષી ના લેખ કાયમ માટે વિચાર પ્રેરક હોય છે.

 9. જોગીદાસ, સાઉદી અરેબિયા says:

  [5] ભલાઈ…સાચી મૂડી – ગાંધીજી

  પ. પૂ. ગાંધીજીએ ઘણું લખ્યું છે. શ્રી જયન્તભાઇના તારણ પ્રમાણે ૫૦,૦૦૦ પાનાથી પણ વધુ. તેમાંથી જેટલું હાથ આવ્યું તેટલું વાંચ્યું છે. તે બધું સ્વાનુભવ અને સત્યના મજબુત પાયા પર રચાયેલું છે તેમ લાગે. આવું કાલ્પનિક પહેલી જ વાર વાંચવા મળ્યું. શ્રી દેવેન્દ્રભાઇએ તેમના કયા લખાણમાંથી ઉતાર્યું છે તે લખ્યું હોત તો આનંદ થાત.

 10. CHINMAY VYAS says:

  very nice good. iliked it very mch. i realy appriacate it.

 11. નમસ્તે, માફ કરશો મારા અભિપ્રાય કરતાં મારી વિનંતી રજુ કરવી છે.
  લગભગ ૪૦ વર્ષ પર પૂજ્ય રામભક્ત ઝાંબિયા આવ્યા હતા તેમણે જનકલ્યાણના મેમ્બર થવા કહ્યું અને હું લાઈફ મેમ્બર થયો. આજ સુધી અહીં યુકેમાં પણ બધા અંકો અને સંસ્થા મારફત છપાતા બધા પુસ્તકો પણ મળ્યા છે.
  હવે પોસ્ટેજ ખર્ચ વધી જવાથી તેને પહોંચી વળવા જરૂરી પૈસા મોકલવાની રજુઆત થઈ. યુકેથી પહેલા પેઠે પોસ્ટલ ઑર્ડર નથી મોકલાતા અને બેંકના ચાર્જ વધારે હોવાથી જનકલ્યાણને અહીંના મંદિર કે કોઈ સંસ્થાને પૈસા આપી શકાય એવી વ્યવસ્થાની માગણી માટે ઈમેલ કર્યો હતો પરંતુ એ ન બને એવો જવાબ મળ્યો.
  વાંચનાર કોઈ આ માટે માર્ગદર્શન આપે તો મારે પૈસા આપવામાં સરળતા રહે અને મારા જેવા બીજા વાંચકોને પણ એ લાભ મળે. આશા છે ને પ્રત્યુત્તર મળશે.
  કાંતિલાલ પરમાર
  હીચીન
  kantilal1929@yahoo.co.uk

 12. KAILESH RAJPUT says:

  Khub j preranadayee lekho 6, vanchvani khub j maza aavi….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.